પ્રેમચંદ
Premchand
ભગવાને આપેલા મીઠાનો વેપાર કરવાની બંધી જાહેર થઈ અને તેના નિયંત્રણ માટે સરકારે નવું ખાતું ખોલ્યું ત્યારે માણસો ચોરીછૂપીથી નમકનો ધંધો કરતા થઈ ગયા.
લોકોએ જાતજાતનાં છળ-કપટનો આશરો લીધો. કોઈએ લાંચ આપીને કામ કઢાવવાનું શરૂ કર્યું, તો કોઈએ વળી ચાલાકીનો ઉપયોગ કરવા માંડ્યો.
મીઠા ખાતાના અધિકારીઓને લીલાલહેર થઈ ગઈ. તલાટીની મોભાદાર જગ્યાઓ છોડીને માણસો આ નવા ખૂલેલા નમક વિભાગમાં નોકરી મેળવવા પડાપડી કરવા માંડ્યા. એમાંયે મીઠાના મુકાદમ બનવા માટે તો વકીલો પણ દોડાદોડ કરવા લાગ્યા.
એ જમાનામાં અંગ્રેજી ભણેલાઓને માણસો ખ્રિસ્તી બની ગયેલા જ સમજતા. એ કાળે ફારસી ભાષાનું પ્રાબલ્ય હતું. ફારસી જાણનારાઓ, પ્રેમકથાઓ તથા શૃંગાર રસનાં કાવ્યો ગોખી ગોખીને મહત્ત્વના પદે ગોઠવાઈ શકતા.
મુન્શી વંશીધર ફારસી ભાષાના જાણકાર હતા. એમણે ઝુલેખાની વિગ્રહકથા ફારસીમાં વાંચી હતી. મજનૂ અને લયલા વચ્ચેનો પ્રેમ-વૃતાંત એમને મોંએ હતો. અમેરિકાની શોધને મુન્શીજી ઝાઝું મહત્ત્વ આપતા નહીં. એમણે અભ્યાસ પૂરો કરીને હવે નોકરીની શોધમાં ઝંપલાવ્યું હતું. એમના પિતા અનુભવી માણસ હતા. એમણે મુન્શીને શીખ આપતાં કહ્યું, “દીકરા! ઘરની દુર્દશા તારાથી અછતી નથી, દેવાના ડુંગર તળે હું દબાઈ ગયેલો છું. તારી બહેનો ઊકરડાની જેમ મોટી થતી જાય છે. હું તો હવે પાકેલું પાન, ક્યારે ખરી પડું તેનો કાંઈ ભરોસો નહીં! હવે તો તારે જ આ ઘર સંભાળવાનું છે! નોકરીમાં હોદ્દાનું મહત્ત્વ નથી, નોકરી તો પીરના મજાર જેવી છે! આપણી નજર તો ચાદર અને ચઢાવા પર રાખવી. પગાર તો પૂનમના ચંદ્ર જેવો છે. એક દિવસ સોળે કળાએ ખીલે પછી દિવસે દિવસે ઘટતો જાય અને અમાસે તો દેખાય જ નહીં! ઉપરની આવક, વહેતી નદી કહેવાય! તરસ એનાથી જ છિપાય! પગાર માણસ આપે છે, તેમાં વૃદ્ધિ ન થાય. ઉપરની આમદાની આપનારો તો ઈશ્વર છે, એમાંથી જ બરકત થાય! તું પોતે વિદ્વાન છે, તને વધુ શું કહું? માણસને પારખવો, એની ગરજને પારખવી અને પછી માગણી મૂકવી. ગરજવાનને દબાવવામાં લાભ જ થાય, પણ જેને ગરજ ન હોય તેને પીગળાવવો અઘરો છે, આ મારો અનુભવ બોલે છે. તું આ વેણ ગાંઠે બાંધી રાખજે!’
આટલો ઉપદેશ આપીને, પિતાએ મુન્શી વંશીધરને વળાવ્યા. મુન્શીજીએ પિતાજીની વાતો હૈયામાં કોતરી રાખી.
એ નોકરીની ખોજમાં નીકળ્યા. ધૈર્ય એમનો મિત્ર, બુદ્ધિ એમનો ભોમિયો અને આત્મવિશ્વાસ એમનો ભેરુ! સારા શુકન જોઈને નીકળ્યા હતા. મીઠા વિભાગમાં, મુકાદમ તરીકેની નિમણૂક થઈ ગઈ. પગાર સારો, ઉપરની આવકનું તો પૂછવું જ નહીં! આમદનીનો ઝરો વહેવા માંડ્યો!
એમના વૃદ્ધ પિતાને આ શુભ સમાચાર મળ્યા ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. કુટુંબીજનોના હૈયામાં આશાની વેલ ઊગી. અને પડોશીઓના હૃદયમાં કાંટા ભોંકાયા!
*
શિયાળાના દિવસો...
રાતનો સમય.
મીઠા વિભાગના સિપાઈઓ અને ચોકીદારો નશામાં મસ્ત હતા. મુન્શી વંશીધરને આ ખાતામાં જોડાયાને છ મહિનાથી વધુ સમય નહોતો થયો, પરંતુ એ સમય દરમિયાન તેમણે પોતાની કાર્યકુશળતા તથા ઉમદા વર્તણૂકને કારણે અધિકારીઓનાં મન જીતી લીધાં હતાં. અમલદારોને મુન્શીજી પર ઘણો વિશ્વાસ બેસી ગયો હતો.
નમક વિભાગની કચેરીથી પૂર્વમાં એક માઈલ દૂર, જમુના નદી વહેતી હતી. એના પર એક પુલ હતો.
મુકાદમ સાહેબ એમની કચેરીનાં કમાડ બંધ કરીને, આરામથી ઊંઘતા હતા. અચાનક એમની આંખો ઊઘડી ગઈ. ગાડાંવાળાઓના અવાજો તથા ગાડાંના કીચૂડાટનો ધ્વનિ સંભળાતો હતો. મુકાદમ મુન્શીજી સફાળા બેઠા થયા.
આટલી મોડી રાતે આ ગાડાં શા માટે પુલ પરથી નદી પાર કરતાં હશે? નક્કી કાંઈક ગોલમાલ હોવી જોઈએ! મનમાં શંકા પેદા થઈ. તુરત જ એમણે વરદી પહેરી, તમંચો લીધો અને ઘોડા પર સવાર થઈને જોતજોતામાં પુલ પાસે પહોંચ્યા.
મુન્શીજીએ ઊંચા અવાજે પૂછ્યું, “ગાડાં કોનાં છે?”
થોડી વાર ચૂપકીદી છવાઈ ગઈ.
ગાડાંખેડૂઓ અંદરોઅંદર ઘુસ-પુસ કરવા લાગ્યા.
છેવટે એક ગાડાવાળો બોલ્યો, ‘પંડિત અલોપીદીનનાં ગાડાં છે!’
‘કોણ પંડિત અલોપીદીન?’
‘દાતાગંજવાળા...!”
આ સાંભળીને મુન્શી વંશીધર ચમક્યા. પંડિત અલોપીદીન તો આ તાલુકાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત જમીનદાર હતા. લાખો રૂપિયાની લેણ-દેણ કરતા. નાના-મોટા સૌ એમના કરજદાર હતા. વેપારનો કારોબાર પણ જબરો હતો. પંડિતજી પોતે પણ અક્કડ-લકડીયા, પહોંચેલા આદમી હતા. અંગ્રેજ અફસરો આ તાલુકામાં શિકાર કરવા આવતા ત્યારે પંડિતજીના મહેમાન બનતા! એમનું ઘર, અમલદારો માટેનું જાણે કે સદાવ્રત હતું!
મુન્શીજીએ પૂછ્યું, ‘આ ગાડાં ક્યાં સુધી લઈ જવાનાં છે?’
જવાબ મળ્યો, ‘કાનપુર સુધી!’
મુન્શીજીએ બીજો સવાલ કર્યો, ‘એમાં શું ભર્યું છે?’
કોઈએ કશો જવાબ આપ્યો નહીં. સન્નાટો છવાઈ ગયો. અને મુન્શીના મનમાં શંકા દૃઢ થઈ.
એમણે થોડી વાર રાહ જોઈ, પરંતુ કોઈ કશું બોલ્યું નહીં. મુન્શીજીનો મિજાજ ફાટ્યો.
એમણે ગુસ્સાથી કહ્યું, ‘કેમ કંઈ બોલતા નથી? મૂંગા છો બધા? હું પૂછું છું કે આ ગાડાંમાં શું ભર્યું છે? જવાબ આપો!’
કોઈએ જવાબ આપવાની હિંમત કરી નહીં. મુન્શીજીએ ઘોડાને એક ઝાડ નજીક ઊભો રાખ્યો. ગાડામાં પડેલા એક કોથળાને તપાસી જોયો. મુન્શીજીની શંકા સાચી હતી. ગાડાંઓમાં નમકના કોથળા ભર્યા હતા!
*
પંડિત અલોપીદીન તેમના શણગારેલા ગાડામાં અડધા ઊંઘમાં ને અડધા જાગતા આડા પડ્યા હતા.
એકાએક બે-ચાર ગાડાંવાળા ગભરાયેલી હાલતમાં દોડતા આવ્યા-કહેવા લાગ્યા, ‘મહારાજ! ગજબ થઈ ગયો! મીઠાના મુકાદમે આપણાં ગાડાં અટકાવ્યાં છે, અને આપને ઘાટ પાસે બોલાવ્યા છે!’
પંડિત અલોપીદીનને લક્ષ્મીજીની શક્તિ પર અખંડ ભરોસો હતો. એ કહેતા – ‘પૃથ્વી પર જ નહીં, સ્વર્ગમાં પણ લક્ષ્મીજીનું જ રાજ્ય છે!’
એમનું કથન સાચું હતું. ન્યાય અને નીતિ પણ લક્ષ્મીનાં રમકડાં છે! જેમ ફાવે તેમ નચાવે!
પંડિતજીએ સહેજ પણ અકળાયા વગર ગર્વથી કહ્યું, ‘કાંઈ વાંધો નહીં, હું આવું છું!’
આટલું કહીને પંડિતજીએ લિજ્જતથી પાનનું બીડું ગલોફામાં દબાવ્યું, શાલ ઓઢીને થોડી વાર પછી મુકાદમ પાસે ગયા અને કહેવા લાગ્યા. “બાબુજી! બ્રાહ્મણના આશીર્વાદ. બોલો સાહેબ! અમારો કાંઈ વાંક-ગુનો? ગાડાં શા માટે અટકાવ્યાં? આપના જેવા સાહેબોએ તો બ્રાહ્મણો પર કૃપાદૃષ્ટિ રાખવી જોઈએ!”
મુન્શી વંશીધર બોલ્યા, ‘સરકારી હુકમનો અમલ કરવાનું મારું કામ છે!’
પંડિત અલોપીદીન આગવી રીતે હસીને બોલ્યા, ‘સરકાર કે સરકારના હુકમને અમે નથી ઓળખતા! અમારી સરકાર તો આપ છો! આ તો આપણા વચ્ચેનો-ઘરનો મામલો કહેવાય! આપ ક્યાં પારકા છો? આપે નાહક તકલીફ લીધી! અહીંથી નીકળીએ ને ઘાટના દેવતાને રાજી ન કરીએ એવું તે કંઈ બને? હું સામેથી જ આપની પાસે આવવાનો હતો! આપની સેવામાં મારે જ આવવું જોઈએ ને!’
મુન્શી વંશીધર પર પંડિતજીની ઐશ્વર્ય-બંસીનો જાદુ ન ચાલ્યો. મુકાદમના મનમાં તો ઈમાનદારીનો નવો ઉમંગ ઊછળતો હતો. એમણે કડક સ્વરમાં કહ્યું, ‘પૈસા ખાતર ઈમાન વેચનારા નમકહરામો જેવો મને ન માનશો! આપ અત્યારે જ મારી અટકાયત હેઠળ છો, કાયદા મુજબ આપની સામે કામ ચાલશે! મારી પાસે ફાલતુ વાતો કરવાનો સમય નથી. જમાદાર બદલૂસિંહ, તમે આમની ધરપકડ કરો. આ મારો હુકમ છે.’
પંડિત અલોપીદીન સ્તબ્ધ બની ગયા.
ગાડાંવાળાઓ ગભરાઈ ગયા. પંડિતજીને મોઢામોઢ આવું કહેનારો જીવનમાં હજુ સુધી કોઈ ભટકાયો ન હતો. આવું અપમાન સહન કરવાનો આ પહેલો પ્રસંગ હતો. બદલૂસિંહ આગળ વધ્યો. પણ પંડિતજીના પ્રતાપ પાસે એ ઝંખવાઈ ગયો. અને હાથકડી પહેરાવવાની હિંમત કરી શક્યો નહીં.
ધર્મ ધનનો આવો નિરાદાર કરી શકે તેનું પંડિતજીને પહેલી વાર ભાન થયું. એમણે વિચાર્યું, ‘જુવાન છે, ઉદ્દંડ છે, માયા-મોહની જાળમાં હજી ફસાયો નથી, અલ્લડ છે એટલે આડોડાઈ કરે છે!’
પંડિતજીએ ગરીબડા સાદે કહ્યું, ‘બાબુ સાહેબ! એવું ન કરતા, હું માર્યો જઈશ. આબરૂ ધૂળમાં મળી જશે! મારું અપમાન કરીને આપના હાથમાં શું આવશે? આપણે જુદા થોડા છીએ?’
મુન્શી વંશીધર કડકાઈથી બોલ્યા, ‘મારે એક પણ શબ્દ સાંભળવો નથી!’
અલોપીદીનને નવાઈ લાગી. ધનનો મોહ કોને ન હોય! પણ આ તો ધનને ઠોકર મારે તેવો લાગે છે! લક્ષ્મીનો સહારો પોકળ નીવડશે તો? અલોપીદીનને પગ નીચેની ધરતી સરકતી લાગી. એમનું અભિમાન ઘવાયું, ઐશ્વર્યને જાણે ઠેસ લાગી, છતાંયે એમના મનમાં ઊંડેઊંડે દૌલતના પ્રભાવ પરનો સંપૂર્ણ ભરોસો ઊછળતો હતો. એમણે મુનિમ તરફ જોઈને કહ્યું, ‘લાલજી, એક હજાર રૂપિયાની નોટ કાઢીને સાહેબનાં ચરણોમાં ભેટ ધરો, અત્યારે ભૂખ્યા સિંહ બની ગયા લાગે છે સાહેબ?’
વંશીધરે ગુસ્સાથી કહ્યું, ‘એક હજાર તો શું, એક લાખ રૂપિયા પણ મને કર્તવ્ય-પાલનના પથમાંથી નહીં હટાવી શકે!’
પંડિત અલોપીદીનને આશ્ચર્ય થયું, ‘કેવો જડ છે આ જુવાન! એને ધનની શક્તિનો ખ્યાલ નથી! મૂરખની જેમ નાડું પકડીને બેઠો છે!’
ધર્મ અને ધન વચ્ચેનો સંગ્રામ શરૂ થયો.
ધન ઊછળી ઊછળીને આક્રમણ કરતું રહ્યું - એક હજારમાંથી પાંચ હજાર, પાંચમાંથી દસ, દસમાંથી પંદર, પંદરમાંથી વીસ હજાર સુધીની સંખ્યા પહોંચી, પણ ધર્મ અલૌકિક વીરતા દાખવીને સંખ્યાની સેના સામે એકલા પર્વત જેવો અડગ-અટલ અને અવિચલિત રહ્યો!
છેવટે અલોપીદીને નિરાશ થઈને કહ્યું, ‘આનાથી વધુ મારું ગજું નથી. હવે આપને જે કરવું હોય તે કરો.’
વંશીધરે ફરીથી જમાદારને હુકમ કર્યો.
બદલૂસિંહ મનમાં ને મનમાં મુકાદમને ગાળો દેતો, પંડિતજી તરફ આગળ વધ્યો. પંડિતજી ગભરાઈને બે-ત્રણ ડગલાં પાછળ હટી ગયા. એમણે દીનતાથી માંડમાંડ કહ્યું, ‘બાબુ સાહેબ! ભગવાનની ખાતર મારા પર દયા કરો, પચ્ચીસ હજારમાં પતાવટ કરી નાખો!’
‘અશક્ય છે!’
‘ત્રીસ હજાર…’
‘મેં કહ્યું ને પતાવટ અશક્ય છે!’
‘ચાલીસ હજારમાં પણ નહીં?’
‘ચાલીસ હજાર શું, ચાલીસ લાખ આપો તોયે નહીં! બદલૂસિંહ! આ ઘડીએ જ આરોપીને ગિરફ્તાર કરી લે, હવે હું એક શબ્દ પણ સાંભળવા માગતો નથી!’
ધર્મ, ધનને એડી નીચે કચડતો હતો.
અલોપીદીને જોયું-એક હૃષ્ટપુષ્ટ મનુષ્ય, હાથમાં હાથકડી લઈને પોતાની તરફ આગળ વધી રહ્યો હતો. એમણે ગભરાતી નજરે ચારે તરફ જોયું. છેવટે મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા.
જગત ઊંઘતું હતું, પણ જગતની જીભ જાગતી હતી. સવારે આબાલવૃદ્ધ સૌનાં મોં પર આ એક જ વાત હતી. બધા પંડિતજીની કુટિલતાની ટીકા કરતા હતા. અને એમના પર નિંદાનાં ઝાપટાં પડતાં હતાં. જગત પરથી જાણે પાપીનો નાશ થયો!
દૂધમાં પાણી ભેળવીને વેચનારા ભરવાડ!
રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરનારા કારકુનો!
કલ્પિત પ્રવાસ-ભથ્થાં આકારનારા અધિકારીઓ!
ખોટા દસ્તાવેજ તૈયાર કરનારા શાહુકારો-આ બધા પંડિતજીની બદબોઈ કરવામાં સામેલ હતા.
બીજા દિવસે પંડિતજીના હાથોમાં હાથકડી પહેરાવીને આરોપીના રૂપમાં તેમને કોર્ટમાં લઈ ગયા ત્યારે આખા શહેરમાં હલચલ મચી ગઈ. પંડિતજીની આજુબાજુ સિપાહીઓનું ધાડું હતું. પંડિતજીના મુખ પર ક્ષોભ અને ગ્લાનિનું ચિતરામણ હતું. શરમના કારણે મોં નીચું રાખીને ચાલતા હતા, એમને જોવા માટે લોકો અગાશીઓ તથા ઝરૂખાઓમાં ટોળે વળ્યા હતા.
પણ અદાલતમાં પહોંચે એટલી જ વાર હતી!
પંડિત અલોપીદીન સરકારી કચેરીઓના જંગલમાં સિંહ જેવા શક્તિશાળી હતા. અમલદારો એમના ભક્ત અને સેવક હતા, વકીલો એમનો પડ્યો બોલ ઝીલતા હતા. ચપરાસીઓ તો પંડિતજીના આજીવન ગુલામ હતા. એમને જોઈને અદાલતમાંથી લોકો દોડતા આવ્યા. બધાને નવાઈ લાગતી હતી કે પંડિતજી જેવા સાધન-સંપન્ન અને હોશિયાર માણસ, કાયદાની ચુંગાલમાં શી રીતે ફસાયા!
અદાલતમાં સૌ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા લાગ્યા. પંડિતજીના બચાવ માટે, વકીલોની સેના તૈયાર જ હતી.
ન્યાયના મેદાનમાં ધન અને ધર્મ વચ્ચેનો મુકાબલો શરૂ થયો.
મુન્શી વંશીધર, શાંતિથી ઊભા હતા; એમની પાસે સત્ય સિવાય અન્ય કોઈ બળ ન હતું અને સ્પષ્ટવાદિતા, એ જ એમનું મુખ્ય શસ્ત્ર હતું.
માત્ર શસ્ત્ર હતું. સાક્ષીઓ હતા, પણ એ બધા લોભથી ડામાડોળ હતા.
મુન્શીજીને તો ન્યાયના પાયા પણ ડગમગતા હોય તેવું દેખાતું હતું. ન્યાયના દરબારમાં કામ કરતા અધિકારીઓનાં મન પર, પક્ષપાતનો નશો છવાયેલો હતો.
પક્ષપાત અને ન્યાયનો મેળ ક્યાંથી સંભવે ?
ભેદભાવયુક્ત વાતાવરણમાં ન્યાયની કલ્પના પણ શી રીતે થઈ શકે? મુકદમાનો નિકાલ ઝડપથી આવી ગયો. ડેપ્યુટી મેજીસ્ટ્રેટે ચુકાદામાં લખ્યું –
‘પંડિત અલોપદીન પર મૂકવામાં આવેલા આરોપો પાયા વગરના તથા પોકળ છે. પંડિતજી સજ્જન, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. મામૂલી લાભ માટે તે વ્યક્તિ આવું દુસ્સાહસ કરે તે માની શકાય તેવું નથી, જો કે, આ મામલામાં, મીઠા વિભાગના મુકાદમનો પણ ઝાઝો વાંક કાઢી શકાય તેવું નથી. એમની ઉદ્દંડતા તથા ઉતાવળા અવિચારીપણાને કારણે પંડિતજી જેવા ભલા માણસને કષ્ટ ભોગવવું પડ્યું તે ખેદની વાત છે. મુન્શી વંશીધર, તેમની ફરજમાં સજાગ છે તે આનંદની વાત છે. પણ મીઠા વિભાગ તરફથી મુકદ્દમો દાખલ કરવામાં તેમણે બિનજરૂરી અને અવિચારી ઉત્સાહ બતાવ્યો છે. એમણે વધુ ગંભીરતાપૂર્વક, સમજી-વિચારીને કામ લેવું જોઈતું હતું. એમની બુદ્ધિ તથા વિવેક, ઉત્સાહમાં વહી ગયાં હોય તેવું દેખાય છે. ભવિષ્યમાં, પોતાની કામગીરીમાં વધુ સતર્ક રહેવાની તેમને તાકીદ કરવામાં આવે છે.’
આ ચુકાદો સાંભળીને વકીલો કૂદવા માંડ્યા. પંડિત અલોપીદીન હસતા હસતા બહાર નીકળ્યા. એમનાં સગાં-સંબંધીઓએ પૈસા ઉડાડ્યા. ઉદારતાનો સાગર ઘુઘવવા માંડ્યો. અદાલતમાં પંડિતજીની વાહવાહ થવા લાગી.
મુન્શી વંશીધર અદાલતમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના પર વ્યંગબાણોની વર્ષા થવા લાગી. એમના ખાતાના પટાવાળાઓએ ઝૂકીઝૂકીને સલામો કરી, પરંતુ એ સમયે, એકેએક કટુવાક્ય, એકેએક સંકેત, મુન્શીજીના ઘવાયેલા સ્વમાનને ભડકાવતો હતો. આજે એમને જગતનો ખેદજનક અનુભવ થયો હતો. ન્યાય અને વિદ્વત્તા, લાંબી-લાંબી ડિગ્રીઓ, દાઢીધારી મહાનુભાવો-કાળા ઝભ્ભામાં સજ્જ કાયદાવિદો! ના, ના, એમાંનું કોઈ, ખરા આદરને પાત્ર નથી! નથી જ!
વંશીધરે ધન સામે બાથ ભીડી હતી, હવે એનું પરિણામ ભોગવ્યા વિના છૂટકો ન હતો. એકાદ અઠવાડિયું પણ ન વીત્યું, ત્યાં જ મુન્શીજીના હાથમાં બરતરફીનો હુકમ આવી ગયો. એમને કાર્યપરાયણતાનો આવો બદલો મળ્યો હતો!
મુન્શીજી ભાંગેલા હૃદયે, શોકમગ્ન ચહેરે વતન પાછા ફર્યા. વૃદ્ધ પિતાને તો વંશીધરની પ્રામાણિકતા પહેલેથી જ પસંદ ન હતી. પણ દીકરો ક્યાં માને તેવો હતો? એ તો એનું ધાર્યું કરીને જ રહ્યો! ભણતર-ગણતર બધું નકામું ગયું!
થોડા દિવસો પછી મુન્શી વંશીધર ભાંગીતૂટી હાલતમાં ઘેર પહોંચ્યા. પિતાએ ઉધડો લીધો, ‘મને હતું જ, તારાથી કશું વળશે નહીં! છેવટે આવ્યો પાછો, ધોયેલા મૂળા જેવો!’ હવે સામસામા બેસીને માથાં ભટકાવો! તારા પર એવો તો કાળ ચડે છે કે-‘
વૃદ્ધ પિતા હાથ લાંબા કરીને, પુત્રને ધમકાવતા રહ્યા! માને પણ દુઃખ થયું. જગન્નાથપુરી અને રામેશ્વરની જાત્રા કરવાનું તેમનું સપનું રગદોળાઈ ગયું! વંશીધરની પત્ની પણ ઘણા દિવસો લગી મોં ચડાવીને ફરતી રહી.
આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયું.
સાંજ પડી ગઈ હતી. વૃદ્ધ મુન્શીજી રામનામની માળા ફેરવતા બેઠા હતા. ત્યાં જ એમના આંગણે એક સુશોભિત રથ આવીને અટક્યો.
લીલા તથા ગુલાબી રંગના પડદા!
રથને જોડેલી ધોળા દૂધ જેવા બળદની અલમસ્ત જોડી!
બળદની ડોકમાં કોડીપારાના હાર, ભરત ભરેલી ઝૂલ, શિંગડે પિત્તળનાં નકશીદાર ખોભરાં - અને સાથે લાઠીધારી નોકરોનું ટોળું!
વૃદ્ધ મુન્શીજી રથ જોઈને મહેમાનને આવકારવા દોડ્યા. જોયું તો રથમાંથી પંડિતજી અલોપીદીન ઊતરી રહ્યા છે; વંશીધરના પિતાએ લળીલળીને પ્રણામ કર્યા. કહ્યું, ‘ધન્ય ઘડી.. ધન્ય ભાગ્ય! આપ જેવા અતિથિ અમારા આંગણે પધાર્યા! અમારા વાંક-ગુના માફ કરો! આપ તો અમારા પૂજ્ય છો! દેવતા તુલ્ય છો! આંખ-માથા પર છો! વધુ તો શું કહું, શરમ આવે છે મારા કપૂત પર! એણે તો મારા કુટુંબનું નામ બોળ્યું, અમારા મોં પર મેશ ચોપડી. આના કરતાં હું તો વાંઝિયો રહ્યો હોત તો સારું હતું! આવો કપૂત શા કામનો?’
અલોપીદીને કહ્યું, ‘ના... ના... મુન્શીજી! એવું ન બોલો!’
મુન્શીજી નવાઈ પામ્યા, ‘આવા કપૂતને બીજું શું કહું?’
અલોપીદીને વાત્સલ્યપૂર્ણ સ્વરે કહ્યું, ‘ધર્મ ખાતર પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આવા ધર્મપરાયણ મનુષ્ય આજે સંસારમાં દુર્લભ છે. એમણે તો તમારા કુટુંબની કીર્તિ ઉજ્જવળ કરી બતાવી છે, એ તો તમારા કુળતિલક છે!’
અલોપીદીને વંશીધર તરફ જોઈને કહ્યું, ‘મુકાદમજી! હું ખુશામત નથી કરતો. એ માટે હું સામે ચાલીને તમને મળવા ન આવું. તે રાત્રે આપે મને સત્તાના જોરે અટકાયતમાં લીધો હતો, આજે હું સ્વેચ્છાએ આપની અટકાયતમાં છું! મેં અત્યાર સુધીમાં હજારો ધનવાનો સાથે વ્યવહાર કર્યો છે, અનેક અમલદારો સાથે મારો પનારો પડ્યો છે, પરંતુ કોઈએ મને હરાવ્યો ન હતો. એક આપ છો, જેણે મને પરાસ્ત કર્યો છે! મેં દરેકને ધનના જોરે ખરીદીને મારા ગુલામ બનાવી દીધા હતા, આપ રજા આપો તો મારે એક વિનંતી કરવાની છે!’
વંશીધરે અલોપીદીનને આંગણે આવેલા જોયા કે તુરત જ એ તેમનું સ્વાગત કરવા આવ્યો હતો, પરંતુ એણે સ્વાભિમાન ગિરવે ન મૂક્યું. એ સમજી ગયો કે પંડિતજી મને શરમાવવા તથા પોતાના ધનનું ગુમાન દેખાડવા જ આવ્યા હશે! વંશીધરે કશી લાચારી કે દીનતા ન દાખવ્યાં. પિતાની વાતો સાંભળીને એને ત્યાં ઊભા રહેવું વસમું થઈ પડ્યું હતું. પરંતુ પંડિતજીના મુખેથી અણધાર્યા શબ્દો સાંભળીને વંશીધરના મનનો મેલ દૂર થઈ ગયો. એમણે પંડિતજી પર ઊડતી નજર ફેંકી. ત્યાં સદ્ભાવ હતો અને આંખોમાં શરમ હતી.
વંશીધર પીગળ્યા. એમનો ગર્વ ગળી ગયો. શરમાતા સ્વરે તેમણે કહ્યું, ‘આપની ઉદારતા જ આવું બોલાવે છે! મારાથી અવિનય થયો હોય તો ક્ષમા માંગું છું! એ વખતે હું ધર્મની બેડીમાં જકડાયેલો હતો. આજે હું આપનો સેવક છું. આપની આજ્ઞા માથે ચઢાવીશ!’
અલોપીદીને વિનંતીના સૂરમાં કહ્યું, ‘નદીકિનારે આપે મારી વિનંતી ન સ્વીકારી, પણ આજે તો સ્વીકારવી જ પડશે!’
વંશીધરે કહ્યું, ‘હું તો સાવ નાનો માણસ છું; પરંતુ આપ જે કામ સોંપશો તેમાં કસર રહેવા નહીં દઉં!’
અલોપીદીને સ્ટેમ્પ લગાડેલો એક કાગળ કાઢ્યો. એ કાગળ વંશીધરના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ પદનો સ્વીકાર કરો અને કાગળમાં હસ્તાક્ષર કરી દો. હું બ્રાહ્મણ છું, જ્યાં સુધી તમે સહી નહીં કરો ત્યાં સુધી તમારા બારણે જ બેસી રહીશ!’
કાગળ વાંચીને મુન્શી વંશીધરની આંખોમાં કૃતજ્ઞતાનાં આંસુ ઉભરાયાં. પંડિત અલોપીદીને તેમને પોતાની તમામ મિલકતના કાયમી મેનેજર તરીકે નિયુક્ત કર્યા હતા. વાર્ષિક વેતન છ હજાર રૂપિયા, રોજનો ખર્ચ જુદો, સવારી માટે ઘોડો, રહેવા માટે બંગલો અને નોકર-ચાકરની સેવા! વંશીધરે કંપતા સ્વરે કહ્યું, ‘પંડિતજી! આપની ઉદારતાનાં વખાણ કરવાનું મારું ગજું નથી, પણ હું આવા મોટા પદને લાયક નથી.’
અલોપીદીને હસીને કહ્યું, ‘અત્યાર મને તમારા જેવા “નાલાયક” માણસની જ જરૂર છે!’
વંશીધરે ગંભીરતાથી કહ્યું, ‘હું આપનો સેવક છું. આપના જેવી સજ્જન, સુપ્રસિદ્ધ વ્યક્તિની સેવા કરવા મળે તે મારું સદ્ભાગ્ય છે, પરંતુ મારામાં નથી વિદ્યા, નથી બુદ્ધિ! મારો સ્વભાવ પણ વિચિત્ર છે! આ પદ માટે તો કોઈ બુદ્ધિશાળી, અનુભવી માણસ જ યોગ્ય ગણાય!’
અલોપીદીને કલમદાનમાંથી કલમ કાઢીને, વંશીધરના હાથમાં મૂકતાં કહ્યું, ‘વિદ્યા કે અનુભવની મારે જરૂર નથી. બુદ્ધિશાળી અને કાર્યકુશળ મનુષ્યનો અનુભવ મને થઈ ચૂક્યો છે. લાયક અને યોગ્ય મનુષ્યોની વિદ્વત્તા અને બુદ્ધિ પણ જેની સામે ફિક્કી પડી જાય તેવા મોતીની પરખ મેં કરી લીધી છે. સંજોગોએ આ મોતી મને ચીંધ્યું છે, વધુ વિચાર ન કરો. લ્યો, આ કલમ, સહી કરી આપો! પરમાત્મા પાસે મારી એક જ પ્રાર્થના છે - એ સદાય આપને નદીકિનારે હતા તેવા જ ઉદ્દંડ, કઠોર, પ્રામાણિક પણ ધર્મનિષ્ઠ મુકાદમ બની રહેવાનું બળ આપે...!’
વંશીધરની આંખો ભીની થઈ. હૃદયના નાનકડા પાત્રમાં આટલી બધી ઉદારતા શી રીતે સમાવવી? એમણે ફરી એક વાર પંડિતજી તરફ ભક્તિભાવથી જોયું અને મેનેજર-પદના દસ્તાવેજમાં સહી કરી.
અલોપીદીન અનહદ ખુશીથી વંશીધરને ભેટી પડ્યા!
(અનુ. પ્રમોદ સોલંકી)
સ્રોત
- પુસ્તક : માનસરોવર ભાગ - 8 (પૃષ્ઠ ક્રમાંક 385)
- સંપાદક : પ્રમોદ સોલંકી
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1988
