મોહમ્મદ માંકડ
Mohammad Mankad
મેરકો વાંઢો હતો - પણ કુંવારો નહોતો, નાનપણમાં જ એનાં લગ્ન થઈ ગયાં હતાં પણ એનો સસરો, મેરકાના પોતાના શબ્દોમાં કહીએ તો, ‘એવી ઊંધી ખોપરીનો હતો કે, ઈને દીકરીની કાંઈ જરૂર નહોતી તોય ઘરમાં સંઘરીને બેઠો હતો.’ મેરકાને એ વાતની મોટી બળતરા હતી. એ બિચારો એકલદોકલ આદમી હતો ને એનો સસરો નાતમાં મોભાદાર ગણાતો, એટલે એને સમજાવી મનાવીને વહુને ઘેર તેડી લાવવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ ઈ ‘હાહરીનાનીનો’ સમજે એવો જ ક્યાં હતો ? મેરકાએ પોતાની તરફથી અનેક વિશિષ્ટ-મંડળો મોકલ્યાં હતાં, પણ એ બધાં જ નાકામિયાબ નીવડ્યાં હતાં. ‘કોળી ભાઈનું ઉંહું’ એ કહેવત મેરકાને પોતાના સસરાની બાબતમાં સાવ સાચી લાગતી હતી. બબ્બે, ત્રણત્રણ દિવસ સુધી મસલતો ચલાવ્યા બાદ, એક વાર એ ભલો-આદમી ‘ઉંહું’ ભણતો ને મેરકાની બધી જ મહેનત પર પાણી ફરી વળતું.
મેરકો ઘણી વાર ખિજાઈને હોઠ કરડતો. તારી માએ તને જણ્યો પરમાણ ! બાકી, સું ભેજું ઘડ્યું સે ભગવાને ! મારું હાહરું વાંકુ તે તીમાં હરાના ધરા સુધી વાંકું !!’
હમણાં વળી મેરકાના દૂરના એક સગા કાકા મેરકાના સસરા જોડે વાટાઘાટો ચલાવતા હતા. નાતીલાઓમાં એમને પણ એક પક્ષ હતો ને એ પક્ષના જોરે ‘કોક દી’ ભત્રીજાનું ઘર બંધાશે.’ એવી એમને આશા હતી. પણ મેરકાને વાતમાં પૂરો વશવા બેસતો નહોતો.
ક્યારેક વહુના વિચારે ચડી તો ત્યારે સસરાની અડોડાઈને ભાંડતો એ બોલી પડતો, ‘હા, ભાઈ હા. મારો બાપ હોત તો તને ખબર પાડત. અત્યારે મારી પડખે કોણ રે?’
એની વાત કંઈ ખોટી નહોતી. એના નજીકના સગામાં ગણાય એવો ફક્ત એનો એક ઘોડો હતો - માણસ તો કોઈ નહોતું મેરકાની એકલવાયી જિંદગીમાં. જો એને ઘોડાની હૂંફ ન હોત તો કદાચ –
અને એટલે જ એ ઘોડાને જીવ જેમ જાળવતો. જીવ જેમ જાળવતો એમ કહેવાથી પણ એના ને ઘોડા વચ્ચેના સાચા સંબંધનો ખ્યાલ નહિ આવી શકે. ખરી વાત તો એ હતી કે, મેરકાનો જીવ, મેરકાના ખોળિયામાં નહિ, પણ ઘોડાના ખોળિયામાં વસતો હતો અને પોતાના ખોળિયા ઉપર તો જીવમાત્રને પ્રીતિ હોય જ ને ? પોતે જે ખાતો એ ઘોડાને ખવરાવતો એમ તો નહિ, પણ પહેલાં ઘોડાને ધરવ્યા પછી જ એને ભૂખ સાંભરતી. પોતે પંદર દા’ડે મહિને નહાતો, પણ ઘોડાને તો રોજ ખરેરો ને ધમારવાનું પણ નિયમિત જ. પોતાનાં કપડાં જાડાં હોય તો ચાલે પણ ઘોડાનો ઘાંસિયો તો સુંવાળો જ જોઈએ. મેળામાં જવાનું થાય તો પોતાની જાત કરતાં સવાયો એ ઘોડાને શણગારતો. ફૂમકાં બૂમકાં બાંધીને જામો કરતો, ને ક્યારેક રેશમી રૂમાલિયોય લટકાવતો.... ને પછી એ ઘોડાને રમતો મૂકતો.
મેરકાનો ઘોડોય કરાફાટ હતો. આમ તો એ જાતવાન ઘોડો નહોતો પણ એની ઊંચાઈ સારી હતી... મોરો સારો હતો, કાનસોરી પણ સારી હતી - પણ સૌથી છોગું તો એની ચાલ હતી. મેરકાના એ ‘ટારડા’એ કૈંક જાતવાન ઘોડાનાં પાણી ઉતારી દીધાં હતાં. એની સાથે રવાલમાં ચાલતું ઘોડું, તૂટી મરતું તોય, એની આગળ નીકળી શકતું નહિ. મેરકાને ઘોડાની એ ચાલનો ગર્વ હતો. એટલા પંથકમાં કોઈનું નવું ઘોડું આવે કે તરત જ મેરકો એનું પાણી માપવા પોતાનો ઘોડો લઈને પહોંચી જતો. દોડ શરૂ થાય એ પહેલાં મેરકો ઘોડાને ખૂબ પંપાળતો, ખૂબ થાબડતો ને માથે પલાણ વાળે ત્યારે પોતાની બધી જ જીવનશક્તિ એ ઘોડામાં મૂકી દેતો. સામાવાળો કહેતો, ‘અરે, આ ટારડું શું પોગવાનું હતું ?’ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બોલનારનું પાણી ઊતરી જતું. મેરકાનો ઘોડો જ હંમેશાં આગળ નીકળી જતો.
હણહણતો, ફૂંફાડા મારતો, ડાબલા પછાડતો ઘોડો હવામાં ગરદન ઉછાળતો; જ્યારે શરત જીતીને ઊભો રહેતો ત્યારે મેરકાના પોરસનો પાર રહેતો નહિ. ઘોડાની તો ઠીક, એની પોતાની નસો પણ લોહીના ધસારાને કારણે ફૂલી જતી. ઘોડાની જીતને એ સદાય પોતાની જ જીત ગણતો.
ઘોડાની જીતને જ શા માટે, ઘોડાના આનંદને પણ એ પોતાનો જ આનંદ ગણતો ! અરે, ઘોડાની વૃત્તિઓ શીખીને એ પોતાની જ ગણતો કે પછી, પોતાની વૃત્તિઓને એણે ઘોડામાં પેલો પરકાયા પ્રવેશનો મંત્ર સિદ્ધ કર્યો હોય એમ, આરોપી દીધી હોય તો રામ જાણે ! ગમે તે હોય પણ પાદરમાં કોઈની દેખાવડી ઘોડી ચરતી ભાળે ત્યારે એ પોતાના ઘોડાને એની પાછળ છોડી મૂકતો. છોડતાં પહેલાં ઘોડાને ખૂબ સાફસૂફ કરતો, મોઢું પંપાળતો, થાબડતો ને પછી સીધો જ પેલી દોડી પાછળ છોડી મૂકતો. ઘોડો ઘોડી પાસે પહોંચે ત્યારે પોતે ઓસરીની કોરે ઊભો ઊભો બધું જોયા કરતો. ઘોડી પાટુ મારતી કે પગ ઉલાળતી ત્યારે એને પકડવી હોય એમ એના પોતાના હાથ હવામાં ઊછળી પડતા, ને ઘોડો જો ઘોડીની ડોક ઉપર ડોક નાખતો તો એનું પોતાનું શરીર ગરમ ગરમ થઈ ઊઠતું. નસકોરાં ફુલાવીને એ તાકી રહેતો...
આમ મેરકાની પોતાની તો ગામમાં કોઈ રાડ નહોતી. એની જુવાની ફાટફાટ હતી પણ એણે કદી કોઈની છેડતી કરી નહોતી, પણ એના ઘોડાની રાડ તો હતી જ. પોતાની જાતવાન ઘોડીને કોઈ ક્યારેય, અરે, ચોમાસામાંય ચરવા છોડતું નહિ. ને કેટલાંકને તો ખબર પણ હતી કે, મેરકો હાથે કરીને ઘોડાને ડામણ દીધા વગરનો ચરવા છોડે છે.
મેરકો ઘણી વાર ઘોડો લઈને સીમમાં નીકળતો. કેટલાંક દરબારોનાં ઘોડાં સીમમાં ચરવા જતાં. એમાં કોઈ સારી ઘોડી એના ઘોડાની મિત્રતા બાંધતી તો મેરકો ખૂબ હરખાતો. પણ જ્યારે કોઈ ‘ટારડી’ પાછળ એનો ઘોડો પડતો... હા, તો ઘોડાને એ કોઈ વાર મારતો પણ ખરો.
‘અલ્યા, મેરકા આ ટારડો બહુ ફાટી ગ્યો સે હોં ! ઈને જરાક ડામણ નાખતો જા’ એમ કોઈ એને ઠપકો આપે તો મેરકો હસીને કહેતો, ‘અરે બાપા, મારો ઘોડો તો ભોળિયો શંકર સે ! બચારાને દુનિયાની ગતાગમ જ નથી. ને ડામણ વગર તો હું ઈને સોડતો જ નથી, આ તો કો’ક વાર....’
ને કહેનાર પણ સામે હસીને કહેતો, ‘તું તારી પોતાની વાત કહે તો એમ માનીએ. તારી કોઈ રાડ ગામમાં નથી, પણ આ ઘોડાનો વશવા અમને નથી પડતો.’
હમણાં હમણાં જ્યારથી એના કાકા વહુને તેડી લાવવા માટે આંટાફેરા કરતા, ને એમના એ પ્રયત્નમાં કાંઈક સફળતા મળતી જતી હતી, ત્યારથી મેરકો રળકી (એની પત્ની રળિયાત)નાં સપનાં જોતો થયો હતો, નહિ તો આજ સુધી કદાચ એને સપનાં પણ પોતાના ઘોડાનાં ને...
એક દિવસ એના કાકા એને શુભ સમાચાર આપવા આવ્યા. ‘જો મેરકા, અમે સાર જણા જાઈ સી. હું, સાદુળ પટલ, જીવો સાકરિયો ને સોથા આપડા જીલુભા દરબાર. આ વખતે વઉને લાવ્યા સમજ. અમારે તો તારા હાહરાને ઈજ પૂસવું સે કે, મેરકાનો વાંક ગનો સું ? તું શું કામ તારી દીકરીને રાખીને પડ્યો સો ઈનો જબાપ દે, પસી ઈ સું કેસે ઈ જોઈસી...’
‘પણ કાકા ઈ...’
‘પણ ને બણ. પાંચ પંદરનું ખરચ થાય તોય બળ્યું. જામીન માગે તો જામીન આપવાય તૈયાર સઈ. પણ વઉને ઘર ભેગી કર્યે સૂટકો.’
મેરકાને થયું કે, આ વખતે કાકાએ સાચના વાટ્યા ! હવે રળકી ઘરે આવે તો આવે.
અને આખો દિવસ એણે રળિયાતના વિચારોમાં ગાળ્યો. રાત્રે સૂતાં સૂતાં હવે પછી ઘરમાં શું શું જોશે એનોય વિચાર કરી લીધો. સવારે, કોઈ દી નહિ ને તે દી સવારે ઘરમાં પડેલો (કદાચ એનાં લગ્ન થયાં ત્યારનો પણ હોય) જૂનો અરીસો હાથમાં લીધો. મૂછો સરખી કરી જોઈ. દાંત જોઈ જોયા. ને પછી અરીસામાં જ જાણે રળકી દેખાતી હોય, એમ એનું મન તરંગો રચવા લાગ્યું. ચહેરો ગુલાબી થતો ગયો. કાંઈક મઝાના વિચારો મનમાં ઊભરાતા હતા.
એકાએક બહાર ઘોડું હણહણ્યું. મેરકાએ જોયું તો એક સફેદ વછેરી મસ્તીમાં આવીને હણહણતી હતી. ઘોડીને બરાબર એ ઓળખે તે પહેલાં તો એનો ઘોડો હણહણાટ કરી ઊઠ્યો.
મેરકાએ ઘોડીને આંખો ઝીણી કરીને જોઈ. રતનપરના દરબાર ટપુ ખાચરની એ વછેરી હતી. ઘોડીએ ઘોડાનો અવાજ સાંભળ્યો એટલે એ ફરી વાર હણહણી. કાન સરવા કર્યા, ને મસ્તીમાં ડોક ફેરવી. મેરકાએ જોયું કે, વછેરી ઠાણમાં હતી. ને એટલે જ કદાચ ગરમ થઈને, કદાચ, તોડાવીને જ ઘેરથી ભાગી નીકળી હશે. કેમકે ટપુ ખાચર વછેરીને છૂટી મૂકે એ કદી માની શકાય જ નહિ.
ઘોડાએ નસકોરાં ફુલાવ્યાં ને ખીલો ઉખેડવા જોર કરવા લાગ્યો. એની નજ૨ ઘોડી ઉપર જ ચોંટી હતી.
‘ધીરો પડ, ધીરો પડ’. પોતાની જાતને કહેતો હોય, એમ મેરકાએ ઘોડાને કહ્યું. ‘તારા કાકા ટપુ ખાચરને ખબર પડે તો મને ને તને બેયને ગોળીએ દઈ દે.’
ટપુ ખાચર માથાભારે માણસ હતો. આજુબાજુમાં એની રાડ પણ ઘણી હતી. એની પાસે અસલ કાઠિયાવાડી ઓલાદની ‘ફૂલમા’ ઘોડીઓ હતી અને એનો વંશ જાળવી રાખવા એ અત્યંત આગ્રહી હતો. પણ ઘોડાને એની શી પડી’તી ? એ તો હાવળ ઉપર હાવળ દેવા માંડ્યો, ને માંડ્યો ધમપછાડા કરવા. ઘોડી થોડી વાર જાણે કંઈ જાણતી જ ન હોય એમ કાન ફેરવતી ઊભી રહી અને પછી કોઈ અજબ મસ્તીથી કૂદતી એ મેરકાના ઘર તરફ દોડી. એની રૂપરી રુવાંટીનો ચળકાટ કોઈ અનેરી સૌંદર્યરેખાઓ રચતો હતો. મેરકાને પોતાને પણ એનું એ સૌંદર્ય લોભામણું લાગ્યું. ઇન્દ્રલોકની કોઈ અપ્સરા ઊતરી આવી હોય એમ એ થનગનતી હતી. ને મેરકાએ ઘોડો છોડી મૂક્યો...
મેરકાનો ઘોડો પાસે ગયો એટલે પેલી ઘોડી સામે ફરી ગઈ.
‘હતુ તેરી....ઓરત જાત !’ મેરકાના મોઢામાંથી નીકળી ગયું. એને થયું કે, ઘોડીને પકડી રાખું, પણ એ ઠીક નહિ. પોતે ઓસરીની કોરે પડેલ ખાટલા પર જઈને બેઠો.
ઘોડો ને ઘોડી એકબીજાના મોઢા પાસે મોઢું લઈ જતાં ને પછી ગેલમાં ચઢી જતાં. મેરકાનું હૈયું, જાણે એમની જોડે જ ગેલ કરવા માંડ્યું. કોઈ વાર, પોતે જાણે કોઈ ગુનો કરતો હોય એમ એ દૂર સુધી આંખો ફેરવી લેતો.
‘કોઈ જો ટપુ ખાચરને હાળાને કે’શે ને તો’... પણ જેમ જેમ એનું મન પેલા બે જીવોની મસ્તીમાં પરોવાતું ગયું એમ ટપુ ખાચરની બીક એના મનમાંથી ઘટતી ગઈ.
ને એક વાર તો ડરતા મનને એણે કહ્યુંય ખરું, ‘આ તો ઘોડી સે, પણ ટપુ ખાચરની દીકરી હોય તોય શું ? ઈ ઈની મેળે આવી સે. હું કાંઈ ઈને બાંધીને નથી લઈ આવ્યો !’ ને એ વખતે એની નજર સામે ટપુ ખાચરની દીકરી જ ખડી થઈ હોય તો કોણ જાણે - કેમ કે, એની નજર ઘોડા જેટલા જ આવેગથી પેલી ઘોડીને જોતી હતી.
ઘોડી ખૂબ જ ચંચળ હતી. મેરકાના ઘોડાને એણે ઠીક ઠીક હેરાન કર્યો. ક્યારેક તો મેરકાને થતું, ‘હાળી વઈ જાશે !’ પણ એમ તો એના ઘોડાનેય એણે ખવરાવી પિવરાવીને ખૂબ ફટવ્યો હતો. ઘોડીની સાન ઠેકાણે આણવા હોય કે પછી વકરેલા આવેગને કારણે હોય, ઘોડાએ ઘોડીની ડોકે ને શરીરે જ્યાં ત્યાં બટકાં ભરવા માંડ્યાં.
મેરકો ખાટલામાં ઊછળવા માંડ્યો, ‘હાં...હાં.... ડોકે ડોકે...
ને મેરકાની ઇચ્છાને જાણે બરાબર સમજતો હોય એમ ઘોડો ઘોડીની ડોકે વળગી પડ્યો. ઘોડી હારીને ઊભી રહી. ને મેરકો ઘેનમાં પડી ગયો.
બીજે દિવસે મેરકાના કાકા ખબર લાવ્યા, તારો હાહરો માની ગયો સે. ઈણે કીધું કે, સારા જામીન આપીને તેડી જાવ-દીકરી તમારી જ સે. પણ એક વાર મારા જમાઈને મારી હરુભરુ કરો. ઈને મારે બે વેણ હમજાવવાં સે.’
‘પસી તમે શું કીધું ?’
‘હું સું કઉં ?’ એના કાકા ખોંખારો ખાઈને બોલ્યા, ‘કીધું કે આઠમને દા’ડે આવશે. જામીન તમે ક્યો એવો દેવા તૈયાર સઈ. માટે આઠમને દા’ડે દીકરીને સાબદી રાખજો. તમારા જમાઈનેય તે દી તમારી સામે ખડો કરી દેશું.’
મેરકાને થયું કે હવે રળકી આવી સમજ. કાકો નીકળ્યો કરાફાટ !
‘હવે,’ એના કાકાએ કહ્યું : ‘તારે આઠમના દા’ડે તૈયાર રે’વાનું. બાકી બધો જોગ હું કરી લઈશ - તારે ઈની ફિકર નંઈ.’
ને પછી મેરકાને જાણે આઠમ તરફ ધકેલતા હોય એમ એક પછી એક દિવસ વીતવા માંડ્યા.
મેરકો એ દિવસોમાં આનંદમાં રહેતો. પણ એકાએક આઠમને બે જ દિવસની વાર હતી, ત્યાં એનો ઘોડો ગુમ થઈ ગયો. મેરકાએ એને ચરવા છોડેલો. રોજ તો એ છૂટો જ ચરવા મૂકતો, પણ તે દિવસે તો ડામણ પણ દીધેલી તોય કોણ જાણે કયાં અલોપ થઈ ગયો !
મેરકાના મનમાં ચિંતા પેઠી. ‘નક્કી મારા બેટે કો’કે ટપુ ખાચરને વાત કરી દીધી હશે ! ને તો તો ઈ ઘોડાને –‘
ત્યાં બીજે દિવસે સવારે એને કોઈએ કહ્યું, ‘અલ્યા, તારા ઘોડાને કો’ક બેત્રણ વેડવા વાઘરી લઈ જાતા’તા રતનપર કોર.’
‘મારા બેટે ભારે કરી... ઈ કરશે શું ?’
એણે અનેક માણસોને પૂછ્યું. અનેક ઠેકાણે તપાસ કરી.
કોઈ કહેતા, ‘રતનપરની સીમમાં ભાળ્યો’તો.’
કોઈ કહેતા, ‘ચારપાંચ જણા હતા.’
કોઈ કહેતા, ‘ટપુ ખાચરની પાંહે ત્રણચાર જણાને ને ઘોડાને ભાળ્યો’તો.’
‘પણ તમે ભાળ્યો ઈમાં શું વળ્યું ?’ મેકાને બોલવાનું મન થતું. ‘હું ભાળું ત્યારે ભાળ્યો કે’વાયને ? પણ કાં તો ઈ મારા દીકરા હવે ઘોડો નજરે જ નંઈ પડવા દે, મારા બેટે કરી...’
આઠમનો દિવસ ઊગ્યો. તે દિવસે વહુને તેડવા જવાનું હતું. મેરકાએ નવો ચોરણો ને નવું જાકીટ સિવડાવી રાખ્યાં હતાં. પણ એનો જીવ ઘોડાના ખોળિયામાં હતો ને ઘોડો તો કોણ જાણે ક્યાંય –
પણ ત્યાં ઘોડાનો અવાજ એણે સાંભળ્યો, ઊઠીને જુએ તો સાચે જ એનો ઘોડો આવી રહ્યો હતો !
હાશ... છેવટ સાજો નરવો... પણ ઘોડાના પગ કેમ ઢીલા ઢીલા હતા !...
‘મારા બેટે માર્યો લાગે સે બચારાને.’ ને સાચે જ ટપુ ખાચરની સાત પેઢીને એણે શાપી દીધી.
પણ ઘોડો જ્યારે પડખે આવીને ઊભો રહ્યો ત્યારે મેરકાનું મોઢું જ ઊઘડી ગયું, ‘તારું નખ્ખોદ જાય તારું...’
એના એ તોફાની, જોશીલા, મરદ ઘોડાને કોઈએ ખસી કરી નાંખ્યો હતો !
એક પળ મેરકાની નજર સામે ઘોડાને દબાવી રિબાવીને ભયંકર રીતે ખસી કરતી વેડવા વાઘરીની ટોળકી ખડી થઈ ને બીજી જ પળે એના જ્ઞાનતંતુઓમાં એક ઠંડો આંચકો ફરી વળ્યો. માથે હાથ દઈને એ ઓસરીની કોરે બેસી પડ્યો.
એ વખતે એના કાકાએ એને અવાજ દીધો, ‘અલ્યા તૈયાર સે ને ?’
પણ એણે એટલું જ કહ્યું, ‘વઉને તેડવા નથી જાવું.’
એના કાકાને નવાઈ લાગી. એમણે જોયું, મેરકાનો કરડો ને મિજાજી ઘોડો ટાઢો થઈને ઊભો હતો. એનો રુઆબ ચાલ્યો ગયો હતો. કોઈએ એને ખસી કરી નાંખ્યો હતો એ પણ એમણે જાણ્યું. પણ એને ને મેરકાની વાતને સંબંધ શો ? વહુને તેડવા જવાની ના શા માટે?
ને મેરકો પોતે તો કાકાને કઈ રીતે સમજાવે કે, ઘોડાને ને મારે શો સંબંધ છે !
સ્રોત
- પુસ્તક : મોહમ્મદ માંકડ વાર્તાઓ 1 (પૃષ્ઠ ક્રમાંક 415)
- સંપાદક : મોહમ્મદ માંકડ
- પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2002
