mehfile phesaaneguyaan urphe vaartaavinod mandal : sabhaa pahelii - Short Stories | RekhtaGujarati

મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ : સભા પહેલી

mehfile phesaaneguyaan urphe vaartaavinod mandal : sabhaa pahelii

રામનારાયણ વિ. પાઠક 'શેષ' રામનારાયણ વિ. પાઠક 'શેષ'
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ : સભા પહેલી
રામનારાયણ વિ. પાઠક 'શેષ'

'કેમ ધનુભાઈ! આજ તો પ્રયોગની રજા પાળી છે કે શું? કરવત, લાકડાં, ખીલા કશું નથી?'

⁠ધનવંતરાયના જેવું વિચિત્ર અને વિલક્ષણ કુટુંબ મેં જોયું નથી, રહેણીકરણીમાં તદ્દન સાદા અને છતાં એક પણ રૂઢિથી તેમનું મન બંધાયેલું નથી. અખતરા કરવા એમને જીવનનું રહસ્ય લાગે છે. હમણાં થોડા દિવસોથી છોકરાં માટે લખવાનું ટેબલ, ચોપડી રાખવાનું કબાટ અને કપડાં રાખવાની પેટી, સર્વ એક સાથે થાય અને છોકરાં પાછાં તેને ઉપાડીને ફેરવી શકે તેવું રાચ કરવા પાછળ મંડ્યા હતા. પણ આજે કશો સુતારી સામાન જોયો એટલે મેં એમ પૂછ્યું.

⁠ધનુભાઈ જવાબ આપે તે પહેલાં એમનાં પત્ની ધીરજબહેન બોલી ઊઠ્યાં : અરે ભાઈ જવા દોને વાત. લાકડાં સાથે માથું કૂટતા હતા ત્યારે તો ઠીક હતું પણ હમણાં તો ખાવાના પ્રયોગો ઉપર ચડ્યા છે, તે મારો તો દમ નીકળી ​જાય છે. પોતાથી ચૂલો પણ સળગાવાતો નથી અને અનેક જાતના અન્નના અખતરા મારી પાસે કરાવે છે.

⁠મેં કહ્યું : તમે પણ કયાં ઓછાં અખતરાખોર છો?

આપણા સંસારમાં ઘણી વાર બની જાય છે તેમ પતિ-પત્ની બન્ને સરખા સ્વભાવનાં પ્રયોગશોખી હતાં. ધીરુબહેન કપડાંના અનેક પ્રયોગો કર્યા કરતાં. તેમણે કહ્યું : મારા પ્રયોગથી હું કોઈ બીજાને તો હેરાન નથી કરતીને!

⁠ધનુભાઈનાં બહેન પ્રમીલાબહેન બોલી ઊઠ્યાં : પ્રયોગ કરનારથી બીજાં ઉપર આક્રમણ કર્યા વિના રહેવાતું નથી. ચીનુ હજી બિચારો બાળક છે એટલે જે કરો છો તે સાંખી લે છે બાકી તમે તેના પર કરવામાં કશી બાકી નથી રાખી. મોટો થશે ત્યારે તમને એની ખબર પડશે.

⁠ધીરુબહેન : ચીનુ મોટો થશે ત્યારે એટલો પ્રયોગશૂરો થયો હશે કે ફરિયાદ કરવાને બદલે મને ઊલટો મદદ કરશે. પછી તેને કશું નવું કે વિચિત્ર નહિ લાગે.

⁠ધનુભાઈ ચાલુ વાતમાં ધ્યાન નહોતા આપતા પણ કાંઈ મનમાં વિચાર ચલાવતા હતા તે બોલ્યા : જુઓને, આટલાં વરસથી આપણે એવું એક પણ અન્ન નથી શોધ્યું જે ઘણા માણસો માટે એક સાથે સહેલાઈથી થઈ શકે અને સુપચ્ચ હોય. સ્ત્રીઓને છૂટ આપવી હોય, તેને સામાજિક કામમાં ભાગ લેતી કરવી હોય, તો તેનો રાંધવાનો બોજો હલકો થાય તેવાં અન્ન શોધવાં જોઈએ.

⁠એમનું ભાષણ પૂરું થાત નહિ પણ ત્યાં ધીરુબહેને તેમનો વાણીપ્રવાહ કાપ્યો : એટલે મને વધારે છૂટ આપવા મારે માટે કામ વધારતા જાય છે. સમજ્યા!

⁠મેં કહ્યું : નરસિંહ મહેતા કહી ગયા છે કે ‘વાત પકવાનથી ભૂખ ભાગે.’ પકવાનની વાતો નકામી છે. જો ​કાંઈ ખવરાવતાં હો, છેવટ ચા પણ પાતાં હો તો તમારી વાતો સાંભળુ, નહિતર અત્યારથી વાત બંધ. કાંઈ બીજી વાત કાઢો.

⁠ધનુભાઈ : ના અત્યારે એક નવું પીણું થવાનું છે તે અમારી સાથે લેજો. ધમલા! લાવ તો બધું.

⁠ધમલો નોકર વસ્તુઓ ગોઠવતો જતો હતો અને વાત આગળ ચાલતી જતી હતી.

⁠ધીરુબહેન : અરે તમે ક્યાં એમના અખતરાના ભોગ બનો છો?

⁠મેં કહ્યું : ધનુભાઈ ખાવાના એવા શોખીન છે, અને તમારો હાથ એટલો કલાવાળો છે કે ખરાબ ખાવાનું કદી બનવાનું નથી. અને પીણું એટલે ગળ્યું તો હશે જ. આપણે એટલું જોઈએ. ગળ્યું તે ગળ્યું, ને બાકી બધું બળ્યું.

⁠પ્રમીલા : ભાઈ, ઠીક પહેલેથી સારો અભિપ્રાય આપનાર શોધી લીધા.

⁠ધનુભાઈ : નહિ નહિ ચાલે. અભિપ્રાય સાચો આપવો પડશે. અને ખાવાનો અભિપ્રાય વાણીથી ખોટો આપે તોપણ મોઢું ચાડી ખાધા વગર રહેને!

⁠ધીરુબહેન : બહુ પાછા સાચો અભિપ્રાય સહન કરી શકો એવા ખરા ના!

⁠પ્રમીલા : તે દિવસે વારતાનો અખતરો કર્યો, છપાવી, કોઈ ટીકા કરી ત્યારે કેવા ચિડાયા હતા?

⁠ધનુભાઈ : હું વિજ્ઞાનની દૃષ્ટિએ તે દિવસે ચિડાયો હતો. હું વાર્તાનો કલાકાર નહિ હોઉં પણ વાર્તાકલાનો શાસ્ત્રજ્ઞ અને રસજ્ઞ તો છું જ. હવે જુઓ ટીકાકારે કહ્યું કે મેં ચેખોવની વાર્તાનું અનુકરણ કરેલું છે. તમે સર્વ જાણો છો કે મેં ચેખોવ વાંચ્યો નથી.

⁠પ્રમીલા : પણ ટીકાકાર ઓછો જાણે છે કે તમે નથી વાંચ્યો! એથી અંગત મહિતીના જ્ઞાન કે અજ્ઞાન બંને વિના તેની ટીકાના ગુણદોષો તપાસવા જોઈએ.

ધનુભાઈ : ખરું. હવે મારી વાર્તામાં મુખ્ય વાત શું હતી તે વિચારો. એક શેઠના એકના એક દીકરાની આંખમાં ચાકરડીએ ભૂલથી એસિડનાં ટીપાં નાંખ્યાં. છતાં શેઠ તેના તરફ ઉદાર રહ્યો. મારી વાર્તાનો મુખ્ય ભાવ. હવે ચેખોવની વાર્તા લો. તેમાં એક ઘણી નાની ઉંમરની છોકરી ચાકર રહેલી છે. તેને ઊંઘ આવે છે છતાં તેને શેઠનું છોકરું રાત્રે રાખવું પડે છે.

પ્રમીલા : હીંચોળવું પડે છે કહેવું જોઈએ.

ધનુભાઈ : હવે હીંચોળવું પડે છે; તે અકળાય છે. ભાન ભૂલે છે, અને બેભાનમાં, અર્ધઘેલછામાં છોકરાને મારી નાંખે છે, ત્યાં વાત પૂરી થાય છે. ચેખોવની વાર્તામાં ચાકરડીના માનસનું આબેહૂબ ચિત્ર છે. વર્ગના મનમાં શું ચાલે છે, તેના માનસ તરફ બેપરવા રહેલા શેઠો ચાકરોને અરધા ગાંડા કરી મૂકે છે, ચાકરોના ઘણાખરા ગુના પાપબુદ્ધિથી નહિ પણ અકળામણની ઘેલછાથી કરેલા હોય છે, તેને બતાવવું હોય છે. મારી વાર્તામાં માત્ર એક શેઠની ઉદારતાનું વર્ણન છે. મારી વાર્તા રહસ્યમય દૃષ્ટિએ ચેખોવના કરતાં ઊતરતી છે, જોકે આપણા લાગણીઘેલા ટીકાકારે તેને ચેખોવના કરતાં ઉન્નત અને દિવ્ય સંદેશો આપનારી કહી, અને ચેખોવમાંથી લીધેલી કહીને પાછી ઉતારી પાડી. તેણે રહસ્યદૃષ્ટિએ ઊતરતી કહી હોત તો મને ગમત પણ ચેખોવમાંથી સૂચિત થયેલી કહી, તે ખોટી ટીકા ઉપર હું ચિડાતો હતો. હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે ટીકાકાર પોતાનું ડહાપણ, પોતાનું વાચનજ્ઞાન, તુલના કરવાની શક્તિ, વખાણ સાથે નિંદા કરવાની કળા, અને સૌથી વધારે તો સખ્ત ટીકા કરવાની બહાદુરી બતાવવા આમ લખતો હતો. તે તેની પામરતાથી હું વધારે ચિડાતો હતો.

પ્રમીલા : પણ તમે જગતના મહાન હેતુશાસ્ત્રી આનું કારણ કેમ શોધી કાઢતા નથી?

⁠ધનુભાઈ : કારણ સ્પષ્ટ છે. લોકોમાં વાર્તાની માંગ વધી છે, એટલે લેખકો પોતામાં શક્તિ છે કે નહિ તે વિચાર્યા વિના, અને શક્તિની શ્રદ્ધા વિના, પરભારી પરદેશી વાર્તાનાં અનુકરણો કરવા માંડે છે. અને ટીકાકાર પણ પછી આવાંઆવાં અનુકરણો શોધી કાઢવાં એક ટીકાની દૃષ્ટિ હોઈ શકે એમ માને છે. જેમ વેપારમાં આપણા લોકો સાચો વેપાર નથી કરતા પણ માત્ર પરદેશી વેપારની દલાલી કરે છે, તેમ આપણા વાર્તાલેખકો સાહિત્ય લખતાં સાહિત્યના અનુવાદો કરે છે. વેપારમાં તો પરદેશી માલ પણ ઘરાકોને મળે છે પણ સાહિત્યમાં તેટલું પણ નથી મળતું. એટલે પરદેશી માલ કરતાં પરદેશી અનુવાદો વધારે ખરાબ છે.

⁠ધીરુબહેન : જેમ મહાત્માજીએ ખાદીપ્રવૃત્તિ શરૂ કરી તેમ તમે પણ એક શુદ્ધ ગુજરાતી વાર્તા ઉત્પાદક મંડળી કાઢો.

⁠પ્રમીલા : હા, હા, ભાઈ જરૂર કાઢો.

⁠મેં કહ્યું : મશ્કરી ભલે કરતાં પણ હું ગંભીર છું. જરૂર એક ક્લબ કાઢો.

⁠ધનુભાઈ : પણ આપણી વાર્તાઓ વાંચશે કોણ?

⁠ધીરુબહેન : મહાત્માજી કહે છે કે દરેક ઘરે ખાદી ઉત્પન્ન કરી પોતાની ખાદી પોતે પહેરવી જોઈએ. આપણી વાર્તાઓ આપણે વાંચીશું.

⁠ધનુભાઈ : ખરેખર ક્લબ કાઢીશ હોં! પછી મારી વારતા સાંભળવી પડશે. અત્યારે મારી સૌથી વખણાયેલી વાર્તા પણ નથી વાંચતાં તે નહિ ચાલે. તેનો અભિપ્રાય આપવો પડશે, વખાણવી પડશે.

⁠મેં કહ્યું : પણ એક શરત. વાર્તાક્લબ અહીં ભરાવી જોઈએ, અને... હું શુષ્ક ક્લબોને નથી માનતો, તેમાં પીણાં જોઈએ!

​⁠ધનુભાઈ : કબૂલ, મારે પીણાના પ્રયોગો કરવા છે એટલે ઠીક પડશે.

⁠મેં કહ્યું : આપણે બધામાં અભિપ્રાય આપવાના. પીણાનો પણ અભિપ્રાય અને વાર્તાનો પણ અભિપ્રાય.

⁠ધનુભાઈ : નહિ ચાલે. વાર્તા કહે તે મેમ્બર થાય.

⁠મેં કહ્યું : મારું નામ લખો. ગમે તેવી વાર્તા કહીશ પણ પીણું નહિ જવા દઉં.

⁠ધીરુબહેન : બીજું મારું નામ લખો. તમે બધા વાતો કરો અને અમે રસોડામાં બેઠાંબેઠાં તમારાં પીણાં બનાવ્યા કરીએ તે નહિ ચાલે. તમારી સાથે બેસીશ અને પીણાં બનાવતી જઈશ.

⁠ધનુભાઈ : પણ વાર્તા વિના દાખલ નહિ કરીએ. મને સૌની વાર્તાની નિંદા કરવાની તક મળવી જોઈએ.

⁠ધીરુબહેન : ચીનુ માટે મેં વાર્તાઓ બનાવી છે તેટલી તમે બધાએ મળીને હજુ બનાવી નહિ હોય.

⁠ધનુભાઈ : ત્યારે આપણે ત્રણે મેમ્બરો થયાં. હું, તું અને વસંતભાઈ.

⁠પ્રમીલા : હું કેમ નહિ?

⁠ધનુભાઈ : પણ તું કંઈ અહીં હંમેશ રહેવાની નથી! તું શી રીતે મેમ્બર તરીકે હાજર રહી શકીશ?

⁠પ્રમીલા : કેમ! મારે સાસરેથી વાર્તા લખી મોકલીશ.

⁠ધનુભાઈ : લ્યો ત્યારે, રહી ગયો એક ધમલો.

⁠મેં કહ્યું : તેને પણ કરો. આપણે એવો નિયમ કરો કે જૂની વાર્તાઓ કહી શકે તે પણ મેમ્બર બની શકે. કેમ ધમલા?

⁠ધમલો : હા શાબ. તમારા જેવી નહિ પણ અમે ગામડાના લોકો કહીએ એવી કહીશ. મેં બહુ સાંભળી છે.

​⁠મેં કહ્યું : થયું ત્યારે નિયમો કરો.

⁠ધનુભાઈ : બે નિયમો. કોઈ પણ માણસ—

⁠પ્રમીલા : સ્ત્રી અથવા પુરુષ.

⁠ધનુભાઈ : હા, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ નવી વાત લખીને અથવા કહીને, અથવા આપણે નહિ સાંભળેલી જૂની વાર્તા કહીને, વાર્તા ક્લબનો સભ્ય થઈ શકશે. ક્લબમાં વાર્તા લખેલી વાંચી શકાશે અને તેની ટીકા થશે. હાલ તેના પાંચ કાચા સભ્યો તે વાર્તા કહેતા જશે તેમતેમ તેના સભ્ય થતા જશે.

⁠મેં કહ્યું : હવે ત્યારે કોઈને પ્રમુખ નીમો.

⁠પ્રમીલા : નીમો.

⁠મેં કહ્યું : ધનુભાઈ.

⁠પ્રમીલા : ધીરુબહેન.

⁠ધનુભાઈ : ત્યારે મત લો.

⁠મતની ચિઠ્ઠીઓ લેતાં જણાયું કે હું અને ધનુભાઈ બન્નેએ ધનુભાઈને મત આપેલ, અને ધીરુબહેન પ્રમીલાબહેન બન્નેએ ધીરુબહેનને મત આપેલો.

મેં કહ્યું : ધીરુબહેન! પોતે પોતાને મત આપવા જેટલું સૌજન્ય તો બતાવવું હતું?

ધીરુબહેન : તમે મને એકલીને કેમ કહો છો? તમારા મિત્રને કેમ નથી કહેતા?

⁠મેં કહ્યું : કેમ તમે ધનુભાઈને પ્રમુખને લાયક નથી માનતાં?

⁠ધીરુબહેન : માનું છું અને મને પણ લાયક માનું છું.

⁠મેં કહ્યું : ત્યારે તેમને મત કેમ આપ્યો?

⁠ધીરુબહેન : તમને મારી લાયકાત છે એમ બતાવવાની તક મેળવવા.

⁠મેં કહ્યું : એમ! ઠીક ત્યારે હવે ધમલો મત આપે.

​⁠ધમલો : હું શું મત આપું? મારે બન્ને સરખાં. ચિઠ્ઠી નાંખીને નક્કી કરો.

⁠ધનુભાઈ : મારો ચિઠ્ઠી સામે વિરોધ છે. હું એવી વહેમી રીત માનતો નથી.

⁠ધમલો : હું મારી મેળે ચિઠ્ઠી નાંખીને ઉપાડીશ અને જેનું નામ આવશે તે કહીશ.

⁠ધમલાએ ચિઠ્ઠી નાંખીને ઉપાડી. ધીરુબહેનનું નામ નીકળ્યું.

⁠મેં કહ્યું : લ્યો ત્યારે તમારી લાયકાત સાબિત કરો. કામ શરૂ કરો નહિતર આજના તમારા કામમાં મીંડું મુકાશે.

⁠ધીરુબહેન : હા. તે કરીશ જ. પણ કામ શરૂ કરતા પહેલાં એકબે બાબત નક્કી કરવાની રહી જાય છે. એક તો ક્લબનું નામ શું પાડવું તે નક્કી કરો.

⁠મેં કહ્યું : વાર્તા પરિષદ્.

⁠પ્રમીલા : નામ ગુજરાતી ભાષામાં અપશુકનિયાળ છે. કંઈક બીજું રાખો.

⁠ધનુભાઈ : મજલિસે વાર્તા કહેતાન.

⁠ધીરુબહેન : હિંદુમુસ્લિમ ઇત્તિફાક. પણ સાંભળો. વસંતભાઈ ફારસી જાણે છે. ફારસી નામો શોધનારી કમિટીના એક અદ્વિતીય સભ્ય તરીકે તેઓ આપણને આને મળતાં નામો આપે. કહો વસંતભાઈ!

⁠મેં કહ્યું : મજલિસે હાકિયાન.

⁠ધનુભાઈ : કર્ણકટુ લાગે છે.

⁠મેં ફરી કહ્યું : હવે છેલ્લું કહું છું. નવું નહિ કહું. મજલિસે ફેસાનેગુયાન.

⁠પ્રમીલા : કબૂલ

ધનુભાઈ : કબૂલ

⁠ધીરુબહેન : પણ પ્રમુખ તરીકે હું થોડા ફેરફાર કરવા ​માગું છું, મજલિસો હવે ગુજરાતીમાં બહુ થઈ ગઈ. આનું નામ 'મેહિફિલે ફેસાનેગુયાન' અને હિંદુમુસ્લિમ ઇત્તિફાકની ખાતર ઉમેરવું કે ‘ઉર્ફે વાર્તાવિનોદમંડળ.’ હવે વિષય બંધ કરું છું અને મેહફિલના મંત્રી ભાઈશ્રી વસંતરાય.

⁠મેં કહ્યું : પ્રમુખ તરીકે ઠીક સત્તા બજાવવા માંડ્યા છો!

⁠ધીરુબહેન : નહિ. હજી મારે કામ બતાવી આપવું છે.

⁠મેં કહ્યું : કામ તો શું બતાવવાનાં હતાં? વાર્તા તો ઓછી આજે ચાલી શકશે?

⁠ધીરુબહેન : ધમલા! તે દિવસે રસિકાબહેન કહેતાં હતાં કે તેં બે મિત્રોની વાત બહુ સારી કહી હતી. તે વાત કહે. બોલો કોઈએ વાત સાંભળી છે? (કોઈ બોલતું નથી.) કોઈને વાંધો નથી. બોલ ધમલા. તું તારે નિરાંતે વાત કર. નકામો સંકોચ રાખતો નહિ.

⁠મેં કહ્યું : મેઘાણીની પેઠે શૂરાતન ચડે એવી રીતે કહે.

⁠ધીરુબહેન : નહિ ધમલા! તને ફાવે તેવી રીતે કહે. આમાંથી કોઈ લડાઈમાં જાય એવા નથી.

[બે મિત્રોની વારતા]

⁠ઉજ્જેણી નગરીમાં શીતલસિંહ અને ચંદનસિંહ બે રજપૂતો રહેતા હતા. બેને એવી ભાઈબંધી કે જાણે ખોળિયાં બે પણ જીવ એક. દી ઊગ્યા વગર રહે તો બે મળ્યા વગર રહે. હવે ભગવાનને કરવું તે એક દી શીતલસિંહ પાણીશેરડે જતો હશે અને સામેથી ચંદનસિહની વહુ બેડું ભરીને ચાલી આવે છે. શીતલસિંહ બાઈને જોઈ ગયો. બે ભાઈબંધ છે પણ કોઈ દી શીતલસિંહે ચંદનસિંહની બાઈડીને જોઈ નથી, તેમ એકબીજાને ઘેર કોઈ દી ગયા નથી. હંમેશ સવારસાંજ ગામને પાદર ભેગા થઈને ઘેર જાય, કે ઉજાણીએ જાય. પણ એકબીજાને ઘેર કોઈ દી ગયેલા નહિ. હવે શીતલસિંહ તો ચંદનસિંહની વહુનું રૂપ જોઈને મોહી પડ્યો છે. ઘણોય મનને વાળે છે પણ મન વળતું નથી. 'અરે, ભગવાન! મને શું સૂઝ્યું છે? નાત જાણું, જાત જાણું, પરણી જાણું, કુંવારી જાણું, ઓળખાણ નહિ, પિછાણ નહિ, અને મને શું થયું?' મનને ઘણુંય સમજાવે પણ મન માને નહિ. રાતદી એનો વિચાર આવે. રાતે ઊંઘ આવે તો દિવસે ખાવું ભાવે. શીતલસિંહ તો દિવસેદિવસે સુકાતો ગયો.

⁠એક દિવસ ઘોડે ફરતાં ચંદનસિંહે શીતલસિંહને કહ્યું : 'ભાઈબંધ કહો કહો પણ તમારા મનમાં કાંઈક ચિંતા છે. એવું શું છે જે અમારાથીય છાનું રાખો છો?' શીતલસિંહે કહ્યું કે તો દેહ છે, કોઈ વાર સારી રહે કોઈ વાર દૂબળી થાય. શીતલસિંહ માનતો નથી પણ છેવટે ચંદનસિંહે પોતાના સમ ઘાલ્યા ત્યારે શીતલસિંહે કહ્યું કે આમની વાત છે. ચંદનસિંહે કહ્યું કે એમાં કહેતા શું નહોતા? કહ્યા વિના કશાનો ઉપાય શી રીતે થાય? ચંદનસિંહે બાઈનાં નામઠામ પૂછ્યાં પણ શીતલસિંહને તેની ખબર નથી. આવતીકાલ સવારે કોઈ મિષે પાણીશેરડે ભેગા થવાનું નક્કી કરી બન્ને ભાઈબંધો પોતપોતાને ઘેર ગયા.

⁠બીજે દિવસે ચંદનસિંહ અને શીતલસિંહ પાણીશેરડે આવ્યા. ગામની પાણિયારીઓ ટોળે વળીવળીને બેડાં લઈને જાય છે. તેમાંથી પેલીને શીતલિસંહે ઓળખાવી. ચંદનસિંહ તરત ઓળખી ગયો અને તેના પેટમાં તો શેરડો પડ્યો. 'અરે ભગવાન! આવા સંકટમાં મને ક્યાં મૂક્યો? એક પા મિત્રધર્મ છે અને બીજી પા કુળની લાજ રાખવાની છે!' બે જણા ઘોડા પર મૂંગા મૂંગા ચાલ્યા જાય છે. છેવટે શીતલસિંહે કહ્યું : 'કેમ ભાઈબંધ! કાંઈ વિચારમાં પડી ગયા?' ચંદનસિહે કહ્યું : ⁠'એ તો બાઈ ક્યાંની હશે, તેને કેમ કરી મેળવવી તેનો વિચાર કરું છું.'

⁠શીતલસિંહે કહ્યું : 'અરે એવા વિચાર થાય? મન તો ઢેઢવાડે જાય પણ તેનું કાંઈ કહ્યું કરાય? વાત એટલેથી દાટી દ્યો હવે.' ચંદનસિંહે કહ્યું : 'અરે એમ તે થાય હવે? એક વાર જોગ બેસારવા મથીશ તો ખરો. પછી કરવું કરવું હરિના હાથમાં છે.' શીતલસિંહે કહ્યું : 'એ બાઈ કોણ હોય, ક્યાંની હોય, એવું જોખમ ખેડવાની શી જરૂર.' ચંદનસિંહે કહ્યું : 'જોખમ વગર કશી વાત દુનિયામાં બનતી નથી. કાલ સાંજ વેળા વડલા હેઠ ભેગા થઈશું. ઈશ્વર કરશે તો કાલ નક્કી કરીને આવીશ.'

⁠બન્ને છૂટા પડ્યા. ચંદનસિંહ ઘેર ગયો. જમવાનો વખત થયો ત્યારે ઠીક નથી કરી જમવા ગયો. સાંજે હંમેશની પેઠે બહાર ઘોડું લઈ ફરવા પણ ગયો અને વળી વાળુ પણ કર્યું. રાતે તેની સ્ત્રી તેને મળી. તરત કળી ગઈ કે પતિ કંઈક ચિંતામાં છે. તેણે જમવાનું કારણ પૂછ્યું. ચંદનસિંહે કંઈ ખરો-ખોટો જવાબ આપ્યો. સ્ત્રીએ છેવટે સમ દઈને પૂછ્યું. ચંદનસિંહે કહ્યું કે વાત કરતાં જીભ ચાલતી નથી, એવી ચીજ મેળવવાની છે. સ્ત્રીએ કહ્યું કે કોની પાસેથી મેળવવાની છે. સામ, દામ, દંડ, ભેદથી જેની પાસેથી મેળવવી હોય તેની પાસેથી મેળવો, તેમાં ચિંતા શી કરો છો. ચંદનસિંહે કહ્યું : 'એ ચારેય ઉપાયોથી પણ આસામી પાસેથી મેળવાય એમ નથી.' સ્ત્રીએ પૂછ્યું : 'એવું કોણ છે?' ચંદનસિહથી કહેતાં શું કહેવાઈ ગયું કે બીજું કોઈ નહિ પણ તું પોતે છે. સ્ત્રીએ કહ્યું : 'આ દીવાની શાખ્યે કહું છું જે કહેશો તે આપીશ. અને તમે માગો તો તમને વહાલાના સમ છે.' ચંદનસિંહ હાં હાં કરતા રહ્યો અને સ્ત્રીએ તો સમ દઈ દીધા. પછી ચંદનસિંહે બધી વાત કહી, અને પૂછ્યું હવે શું કરવું? સ્ત્રીએ કહ્યું : 'હું તો તમારી દાસી છું. તમારા વચનને આધીન છું. તમે તમારો મિત્રધર્મ બજાવો. મને સતીમા સૂઝાડશે એમ હું કરીશ. તમારું વેણ અને મારી લાજ રાખનાર સતીમા છે.' ચંદનસિંહે કહ્યું : 'શાબાશ છે સતી! અને ભગવાન ગમે તેવા સંકટમાં મૂકશે તો પણ હું તારા સિવાય બીજી સ્ત્રી કરવાનો નથી.'

⁠બીજે દિવસે ચંદનસિંહે શીતલસિંહને કહ્યું કે વાત બની શકશે અને રાતનો વાયદો આપ્યો. રાતે ચંદનસિંહ તેને પોતાના ઘર તરફ લઈ ગયો અને દૂરથી ઘર બતાવી દીધું. 'ત્યાં બાઈ તમારી રાહ જોઈ બેઠી છે. સવારના વહેલો કૂકડો બોલ્યે પાછા નીકળી આવજો. હું અહીં ઊભો હોઈશ' એમ કહીને તેણે વગડામાં ઘોડો મારી મૂક્યો.

⁠હવે શીતલસિંહ તો ચંદનસિંહના ઘરમાં જાય છે. અને ચંદનસિંહની પત્ની તેને સામી તેડવા આવે છે. તેને શયનભુવનમાં લઈ જઈને પલંગ પર બેસાડે છે. શીતલસિંહ તેને પાસે બેસવાનું કહે છે. ત્યારે તે કહે છે કે મેં છત્રીસ જાતનાં ભોજન કર્યાં છે તે એક વાર આરોગો પછી બેસીશ. પછી બાઈ તો થાળ લેવા નીચે જાય છે. અહીં બાઈ ગઈ એટલે શીતલસિંહને થયું કે બાઈ તો સારા ઘરનું માણસ લાગે છે. ઘર કોનું અને નાર કુંવારી છે કે પરણી છે? શીતલસિંહ તો ઊભો થઈને ચારે બાજુ જોવા લાગે છે. હવે ઓરડામાં ભૂલથી ચંદનસિંહની કટાર રહી ગઈ છે. કટાર જોઈ ને શીતલસિંહને થયું કે ઘર તો ચંદનસિંહનું અને પદમણી નાર બીજા કોઈની નહિ પણ ભાઈબંધ ચંદનસિંહની જ. શીતલસિંહને તો એકદમ પશ્ચાત્તાપ થવા માંડ્યો. શરીરે પરસેવાના રેબઝેબ વળી ગયા. 'અરે ભગવાન મને શું સૂઝ્યું? મેં તળશીક્યારો અભડાવ્યો! હે જોગમાયા હવે મારે શું કરવું? હું શું મોઢું હવે ભાઈબંધને બતાવીશ!' તેણે તો ઊભાં થતાંકને કટારી લઈ પેટમાં હુલાવી દીધી અને નીચે પડતાં ભેગા તેના પ્રાણ ચાલ્યા ગયા!

⁠હવે થોડી વાર થઈ ત્યાં ચંદનસિંહની પત્ની થાળ લઈને આવી. ને જુએ છે તો શીતલસિંહ પેટમાં પોતાના ધણીની કટારી ખાઈને જમીન પર પડ્યો છે. નીચે લોહીનું ખાબડું ભરાયું છે. અને એનો હંસલો દુનિયા છોડીને ઊડી ગયો છે. બાઈ સમજી ગઈ કે ભૂંડી થઈ. કટારીએ સત્યાનાશ વાળ્યું. માણસે ભોંઠપમાં કામ કર્યું. પણ તેને થયું કે હવે હું મારા ધણીને શું કહીશ. ધણીનું વેણ પણ ગયું અને લાખ રૂપિયાનો ભાઈબંધ પણ ગયો. બાઈ કટારી કાઢી પોતાની છાતીમાં ભોંકી ને તે પણ ત્યાં પડી.

⁠સવારે કૂકડો બોલવા થયો ત્યારે ચંદનસિંહ ઘરભણી આવ્યો. ઉપર દીવો એમ ને એમ બળતો હતો. પણ ભાઈબંધને આવતો દીઠો. તેમ કાંઈ કોઈનો સંચળ પણ સંભળાયો. કમાડ ખખડાવ્યું પણ કોઈ ઉઘાડ્યું નહિ, તેમ કોઈએ જવાબ પણ આપ્યો. કાંઈક ભૂંડું થયું હશે એમ ધારી તે બારીએથી ઉપર ચડ્યો અને જુએ છે તો થાળ ખાધા વિનાનો પડ્યો છે અને બન્ને જણાં એક કટારી ખાઈને પડ્યાં છે. ચંદનસિંહ બધી વાત સમજી ગયો. તેને સમજાયું કે કટારીએ ભૂંડું કર્યું. ભાઈ જેવો ભાઈ ને સ્ત્રી જેવી સ્ત્રી ગઈ. હવે જીવતરને શું કરવું છે? હે ભગવાન, આવતે ભવ પણ ભાઈબંધ આપે તો આપજે અને સ્ત્રી આપે તો આપજે, એમ કહીને પણ કટારી ખાઈને મૂઓ. આમ ભગવાને ત્રણેયની લાજ રાખી. પણ ત્રણેયને મરવું પડ્યું. એમની લાજ રહી એવી સૌની રહેજો, અને એમને ભાઈબંધ મળ્યા એવા સૌને મળજો.

*

⁠વાર્તા કહેવાઈ રહ્યા પછી થોડી વાર તો સૌ શાંત રહ્યાં. છેવટે ધીરુબહેન બોલ્યાં : હવે વાર્તા ઉપર ટીકા કરો.

⁠મેં કહ્યું : જૂની વાર્તાને આપણે બધા વખાણીએ છીએ પણ આધુનિક અવલોકનની દૃષ્ટિએ તેની ટીકા કરીએ તો ભૂલો ઘણી નીકળે.

⁠ધનુભાઈ : લ્યો ત્યારે ભૂલો કાઢો.

⁠પ્રમીલા : મને તો વાર્તા ખરાબ લાગે છે. મિત્રની ખાતર પત્નીનું આટલું અપમાન!

⁠ધનુભાઈ : અત્યારની આપણી સ્ત્રીભાવનાથી આનો વિચાર કરો. તે સમયે સ્ત્રી ઉપર પતિની સર્વતોમુખી સત્તા હતી. અને પુરુષો જુગારમાં સ્ત્રીઓને હોડમાં મૂકતા તે કરતાં વધારે ખરાબ નથી. વળી પુરુષનો પત્ની સાથેનો સંબંધ વાતનું મુખ્ય રહસ્ય નથી, તેનો મિત્રભાવ મુખ્ય છે. અને મુખ્ય પ્રયોજન પાર પડ્યું છે કે નહિ જોવું જોઈએ. તે સમયની ભાવના, તે સમયના વિચારો, સમાજસ્થિતિ, એમાં કલ્પનાથી મુકાઈને આપણે ટીકા કરવી જોઈએ.

⁠મેં કહ્યું : કબૂલ. હું તેને દોષ કહેતો નથી, પણ વિચારો. બે મિત્રો હોય અને એકબીજાની પત્નીને ઓળખતા હોય એવું તે બને?

⁠ધનુભાઈ : ઓઝલના રિવાજવાળી કોમમાં એમ બને પણ ખરું.

⁠પ્રમીલા : ઓઝલ હોય તો પાણી ભરવા જાય, જાય તો પણ તેનું મોં કોઈ જોઈ શકે નહિ.

⁠ધનુભાઈ : ખરું. પણ વાર્તામાં દરેક ગૌણ બાબત વિશિષ્ટ રીતે કહેવી જોઈએ એવું નથી. કલ્પનાથી કેટલીક કડીઓ પોતે મેળવી લેવી અથવા વાર્તાની ખાતર બરાબર છે, એમ માની લેવી જોઈએ. વાર્તાને અમુક ભૂમિકા હોય છે. ભૂમિકા ઉપર કવિ વાર્તા રચે છે. તે રચના સુસંગત અને સુસંબદ્ધ જોઈએ, પણ મૂળ ભૂમિકા કાંઈ તથ્યની હોવી જોઈએ એમ કહેવાય નહિ. વાર્તાની રચનામાં જેમ રસ વધારે તેમ ભૂમિકાનાં ગાબડાં ઠેકી જવાની કલ્પનાની શક્તિ વધારે. રસહીન વાર્તામાં ગમે તેટલું અંતર પણ ઠેકવાને નારાજ હોઈએ છીએ. એક ડગલું ભરવાને પણ નારાજ હોઈએ છીએ. પણ વાર્તામાં આટલું ઠેકવું પડે તે વધારે પડતું નથી. વાર્તા એટલી રસિક છે કે કલ્પના આટલું ખુશીથી ધારી લે.

⁠મેં કહ્યું : પણ આટલી કડી વાર્તાકાર મેળવી શકે એટલી ક્ષતિ તો ખરીને.

⁠ધનુભાઈ : જો કલ્પના આના ખુલાસા સિવાય આગળ ચાલી શકે તો ક્ષતિ ખરી. પણ મને એવું લાગતું નથી. ઊલટો, હું તો આવી કડી સારી રીતે મેળવી પણ શકું. એટલું નહિ મારા હાથમાં વાર્તા કહેવાનું હોય તો હું તો કડી મેળવીને વાર્તા કહું.

⁠પ્રમીલા : લ્યો મેળવીને કહો ત્યારે.

⁠ધીરુબહેન : હા કહો, પણ તમારી સ્વતંત્ર વાર્તા નહિ ગણાય.

⁠ધનુભાઈ : શીતલસિંહ અને ચંદનસિંહ બન્ને નાનપણનાં ગોઠિયા હતા. બન્ને એક નિશાળમાં ભણવા જતા. ત્યારથી બંનેને દોસ્તી થઈ. શીતલસિંહ શહેરમાં રહેતો અને ચંદનસિંહ પાસેના નાના ગામમાં રહેતો, અને હમેશાં ચાલીને નિશાળે આવતો.

⁠પ્રમીલા: એટલે ઘર નહોતાં જોયાં એમ કે? ઠીક ગોઠવ્યું ભાઈ!

⁠ધનુભાઈ : જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની દોસ્તી વધતી ગઈ. હવે નિશાળેથી ઊઠવાનો વખત આવ્યો. તે વખત ગામમાં એક ડાહ્યો માણસ આવ્યો, તે જે માગે તેને પૈસા લઈ ડહાપણ વેચતો. બંને ભાઈબંધો તેની ખ્યાતિ સાંભળી તેની પાસે ગયા. અને પૂછ્યું કે અમારા બેની દોસ્તી મરતાં લગી તૂટે એવું ડહાપણ આપો. પેલાએ લખી આપ્યું :

જો ચાહે દૃઢ મૈત્રી તો ત્રણ તજ રાખી ખાંત

વિવાદ, ધનની આપલે, પત્ની સાથે એકાંત.

⁠પ્રમીલા : લ્યો પોતે સુભાષિતના શ્લોકનો દોહરો બનાવી મોટું ડહાપણ વેચ્યું.

⁠ધનુભાઈ : જોયું! આપણા આખા સાહિત્યમાં ચોરી પકડવા સિવાય બીજી કોઈ વૃત્તિ નથી! કહેવાતી લોકવાર્તામાં કેટલાક દૂહા પંચતંત્રના શ્લોકોનાં ભાષાંતર છે, એમ કહો તો અનેક દાખલાથી બતાવું. મારો દુહો પ્રાચીન સુભાષિત હોય તો વાર્તામાં વધારે ઉચિત છે. જૂની વાર્તામાં સંભવિત છે.

⁠ધીરુબહેન : પ્રમીલાબહેન, એમને ક્યાં વાતે વળગાડો છો! તો ભાષણ ચાલશે તો અંત નહિ આવે. હવે પીણું તૈયાર થઈ ગયું છે. વાત ટૂંકી કરો.

⁠ધનુભાઈ : બંને ભાઈબંધોએ નિશ્ચય કર્યો કે એક બીજાને ઘેર જવું. વળી ઘેર જઈએ તો સ્ત્રી સાથે કોઈ વાર એકાંતનો પ્રસંગ આવે ને!

⁠મેં કહ્યું : વિચિત્રતા તો જુઓ! જૂના સમયમાં જે નિષિદ્ધ હતું તે બધું અત્યારે તો આવશ્યક મનાય છે. અને મિત્રની ખાતર ચંદનસિંહ જે પત્નીનો ભોગ આપે છે તે અત્યારે નિષિદ્ધ મનાય!

⁠ધનુભાઈ : છતાં સમયની અને આને મળતી વાત આવા મૈત્રીભાવના દૃષ્ટાન્ત રૂપે બતાવી શકાય.

⁠મેં કહ્યું : ત્યારે આવતે વખતે તમે બે મિત્રોની એક વારતા આધુનિક સમયની લખી લાવજો, આવતી સભાને માટે.

⁠ધીરુબહેન : હું પ્રમુખસ્થાનેથી દરખાસ્ત કરૂં છું, કે હવે પીણું પીતાંપીતાં બાકીની ચર્ચા કરો.

⁠ધનુભાઈ : કબૂલ.

⁠ધીરુબહેન : શું કબૂલ? પીણું પીવાનું કે વાર્તા કહેવાનું?

⁠ધનુભાઈ : બન્ને.

⁠ધીરુબહેન : ત્યારે હવે સભાનું કામ પૂરું થાય છે. કોઈ ને કાંઈ કહેવાનું બાકી હોય તો કહી દો.

⁠ધનુભાઈ : અરે! અરે! હજુ પીણાનો અભિપ્રાય તો બાકી રહ્યોને! પણ સભાનું કામ છેને!

⁠મેં કહ્યું : હા, હા. એક કહેવત છે :

રોઝ ગાય ઊંટ, જરખ વાઘ નહિ કૂતરું;

ચીભડ કવળ ઘૂંટ, પાવઈ નર નહિ પ્રેમદા.

⁠અર્થ સમજો છોને!

⁠પ્રમીલા : ને દુહો કાંઈ નહિ તો તમે વીસમી વાર ઘરમાં બોલ્યા હશો.

⁠મેં કહ્યું : બસ ત્યારે. ચીભડું જેમ કોળિયો પણ નથી, અને ઘૂંટડો પણ નથી, તેમ તમારુ પીણું પ્રવાહી પણ નથી અને ઘન પણ નથી.

⁠ધનુભાઈ : પણ સ્વાદિષ્ટ તો છેને?

⁠મેં કહ્યું : હા ગળ્યું છે એટલે સ્વાદિષ્ટ હોય ને ક્યાં જાય! પણ એનું માન ધીરુબહેનને છે. પણ ધનુભાઈ મિત્રભાવનાના તમારા અભિપ્રાય પ્રમાણે મિત્રની પત્નીનાં વખાણ કરવાં નિષિદ્ધ તો નથીને?

⁠ધીરુબહેન : હું તમારી મિત્ર છું, મિત્રની વહુ નથી.

⁠પ્રમીલા : પુરુષને સ્ત્રી મિત્ર હોય પણ, આપણે મિત્રાચારીનો વિચાર કરીએ છીએ માટે કહું છું, કે આધુનિક જમાનાનું લક્ષણ ગણાવું જોઈએ.

⁠ધીરુબહેન : ના. સંસ્કૃતમાં મિત્ર શબ્દ નાન્યેતર જાતિનો છે, તે સ્ત્રી પુરુષ બન્ને માટે કામ આવે માટે હશે. મને શ્લોક, કે આમની પેઠે દોહરો બનાવતાં આવડતો હોત તો કહેત કે :

મિત્રાચારીમાં लिगं वयः

⁠પ્રમીલા : ભાભી તમે પણ ક્યાં ઓછાબોલાં છો? હવે સભા પૂરી કરો. ફરવા જવાનો વખત થયો.

⁠ધીરુબહેન : આવતા વખતની બે મિત્રોની વાર્તા તમારે માથે છે.

⁠ધનુભાઈ : હા.

⁠ધીરુબહેન : સભાનું કામ—

⁠મેં કહ્યું : પ્રમુખનો આભાર—

⁠ધીરુબહેન : હું આખા વરસની પ્રમુખ છું. આજનું કામ બંધ કરું છું.

રસપ્રદ તથ્યો

સુભાષિતના શ્લોકનો દોહરો = यदिच्छेद्विपुलां मैत्रीं त्रीणि तत्र न कारयेत् । वाग्विवादोऽर्थदानं च परोक्षे दारदर्शनम् ॥ न च लिगं न च वयः = મૂળ ભવભૂતિની પંક્તિ : गुणाः पूजास्थानं गुणिषु न च लिंग न च वयः। અર્થાત્ : ગુણીજનોમાં ગુણ એ જ પૂજાનો વિષય છે, તેમની વય કે તે સ્ત્રી છે કે પુરુષ એ પ્રશ્ન હોતો નથી.

સ્રોત

  • પુસ્તક : દ્વિરેફની ઉત્તમ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1999