Mataji ae lag rakhi - Short Stories | RekhtaGujarati

માતાજીએ લાજ રાખી

Mataji ae lag rakhi

રામ મોરી રામ મોરી
માતાજીએ લાજ રાખી
રામ મોરી

‘એ ભોંઠ્યું પડો ભમરાળિયું હવે નાન્યું નથ. ઢાંઢા જેવડી થયું પણ ભાન નથી આવી.’

‘એ બાઈ કે’નારા કાંઈ ખોટું કહી ગ્યા સે હેં કે બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન. આવે તો આવે બાકી જય ભગવાન.’

‘સાંઢિયાને ઉભા ગળે મીઠું દઈ હકે એવડી થઈ પણ મગજનો ઉપલો માળ તો ખાલી છે બેન !’

‘હવે ગઢી થઈ ગઢી. માસડો તેમાં વળી. ઈશારેય વાત સમજાય નહીં એવી તે કેવી ડોબી. મારી બેટી વાંહડો તેમાં વળી!’

આવું બધું અમને વારે તે’વારે સંભળાવવા મંડ્યુ ત્યારે ખબર પડી કે અરરર મારી બેન, આપડે તો મોટા થઈ ગ્યા લે. હંઅઅઅઅનનનન…કાંઈ કરતાં કાંઈ ખબર્ય નો પડી લે. પણ આખી વાતનું કૌવતક તો તમને હવે કવ, ટોપના સિક્રેટના પેટની વાત છે કે ‘હવે મોટા થઈ ગ્યા’ વાતની ખબર અમારા આખા ગ્રુપમાં ખાલી મને નો’તી પડી. મારા સિવાયની નાનપણની બધ્યું બેનપણીયુંને ટપોટપ ટેટા પડે એમ ખબર પડવા મંડી હતી.

તે દિવસે કાનાદ્દા કુંભારની ખડકીએથી ભરત ભરીને અમી બધ્યું બેનપણીયું સવસવના ઘરે જાવા નીકળેલ્યું . એક મિલિટ, ભરત તો બહાનું હતું સાચું રીઝેન તો હતું કે અમી બધ્યું કાનાદ્દા કુંભારના જગદીશ પાંહે અંગ્રેજી ક્લાસમાં જાત્યું. બપોરે ગામ પોઢી જાય તંય બે કલાક જગલા હારે બેસવા જાવી. એને ભણાવવાનો કોન્ફિડેન્ટ નો’તો તે એણે અમને કીધું કે, ‘આવતી દિવાળીએ માસ્તર થાવ તાં લગણ મહિનાનો ટેમ છે. તમી બધ્યું આવો તો હું બોલું ને તમી ખાલી સાંભળો.’

અમારે તો ચંપલા સિવાય કાંઈ ઘસાતું નો’તું ને બે શબ્દ નવા સાંભળવી. તે લોભમાં એને પરેક્ટીસ કરાવવા અમી જાત્યું. અમને જગદીશની બેન સોભનાએ ના પાડેલી કે, ‘કોઈને કેત્યું નહીં કે અમાર ઘરે તમી અંગ્રેજી ભણવા આવો સવો.’

લે કર્ય વાત, તો પછી ઘરેથી શું કહીને નીકળવાનું અમારે? પણ એમાં ઝાઝો વિચાર નો કરવો પડ્યો. અમારું રામબાણ ઈલાજ જેવું રૂપાળું બહાનું તો હાજર સો હથિયાર. અમી પોતપોતાનાં ઘરે કહી દેત્યું કે, ‘એ કાનાદ્દા કુંભારની ખડકી ભરત ભરવા જાવી સવી.’ એટલે ટેન્શણ ગ્યું. અને આમય અમાર ગામમાં કાનાદ્દા કુંભારની ખડકીનું માન બોવ તે અમારા માવતરય બહુ આનાકાની નો કરે. એમાં રીઝેન છે કે કાનાદ્દા કુંભારને દીકરીયું હત્યું. એક શેકીન, ઉભા રહો. ‘છ દીકરીયું હત્યું…’ વાતે તમી વધારે વિચારો પહેલાં કીલીઅર કરી દવ કે બધ્યું જીવે છે હોં. છએ કડેધડે છે. તો અમારે પંથકમાં ‘હતી’ એમ કે’વી એનો મીનીંગ થાય કે પહેલાં પિયરમાં હતી હવે સાસરિયે છે. બાકી જે સોડી ભગવાનના ઘરે જઈને ‘હતી’ થઈ ગઈ હોય એની વાતું અમાર ગામમાં કોઈ નો કરે. સૌ મુંગા રે! તો કાનાદ્દાની આબરું થોડીક વધારે કેમકે એની દીકરીયુંમાંથી નો કોઈ પાશી આવી, કે નો કોઈના રીસામણા થ્યા કે નો કોઈએ આપઘાત કર્યો! તમને આમાં કાંઈ નવાઈ નઈ લાગતી હોય કાં? પણ અમારી બાજું તો બોવ મોટી વાત કે’વાય હોં. અમારી બાયું પાલવ પાથરીને માતાજીના મઢ પાંહે ધૂળમાં આડી પડીને લળી લળીને કે’તી હોય કે, ‘હે માતાજી લાજ રાખજો. જેવા તમી કાનાદ્દા કુંભારની ખડકીને ફળ્યા એવા અમારા ખોરડાનેય ફળજો!”

એક મિલિટ, હુંય ભમરાળી ક્યાંની ક્યાં પોગી ગઈ. મૂળ વાત તો કોરાણે મેલાઈ ગઈ. અમારા મેરાદ્દા ભરવાડની રૂપલી મારા વિશે કે’તી હોય છે ખોટું નથ કે ‘હરસુડી તો બાપા કોઈ વાત સીધી નો કરે. ડાકોરનું પૂછો તો દુવારક્યાના નામનું ધૂણે.’

હા તો મેન વાત તો હતી કે કાનાદ્દાની કુંભારની ખડકીએથી ભરત ભરીને અમી બેનપણીયું બજારમાંથી નીકળી ત્યાં ભરબજારે પૂજલી સામે મળી, પૂજલી…ભારતીબેનની પૂજા. હા જ. દાંત કાઢતી કાઢતી બધા હારે વાત કરતી’તી ને એમાં મારી પાક્કી બહેનપણી ધારકીને ગળે મળી. ગળે મળી એટલે આમ અડી અડીને છૂટ્ટા એમ નહીં હોં. રીતસરની બાઝી પડી. વાડના વેલે ચીભડું લટકે એમ. ટાણે કોઈ દિ નહીંને પેલીફેર જોયું કે લાભુક્કાની ધારકી ખાટી બડબાના પેટની કેરી જેવું ખીજાણી,

‘નીસમારીની, તારે સે ને આમ હાલતા ચાલતા મને આમ ગળે નઈ મળવાનું. આપણને લાઈક થાતું નથ. સેન્સ જેવું કાંઈ છે નહીંને નોનસેન્સાળી તેમાં વળી…’ પછી બીજું કંઈકટલુંય બોલી ગયેલી. બિશારી પૂજલી ભરબજારે સાવ પૂજાઈ ગઈ પણ અમને રહી રહીને ખબર પડેલી વાત શું છે એમ. થયું એવું કે બિચારી પૂજા તો ધારકીને ગળે મળવા ગઈ એમાં ધારકીનો દુપટ્ટો ખેંચાઈને હેઠો પડી ગ્યો. તે એમાં કૂર્તો પહેર્યો હતો તોય ધારકીને તો જાણે છાતી ઉઘાડી પડી ગઈ હોય એવી ભોંઠપ લાગેલી. એક સમયે ધારકી નવી નવી ઉઘડેલી ઘાટ્ટી છાતીએ પાંચ પાંચ આંગળા ખોંચીને એવું કે’તી કે, ‘હવે છે તો છે એમાં ભોંઠા શું પડવાનું? ભગવાને ક્યાં કોઈની બાપની વાડીના ઢેફા ભાંગીને બનાવ્યા છે. જોવાવાળો જોવે તો એની આંખ્યુના ડોળા કાઢીને મસાણે દાટી આવું પણ હું શું લેવા મારું કૂર્તાનું ઉઘડી ગયેલું બટન ઘડીએ ઘડીએ બંધ કરું?’

ને આજ ધારકી દુપટ્ટો મૂળ થાનકેથી થોડો આઘોપાસો થ્યો એમાં તો ઉના તવેથા જેવી થઈ ગઈ. મેં નોંધેલું કે ઈન્સીડેન થયો ત્યારે બજારમાં મોતિયાનું ઓપરેશન કરાવેલા ત્રણ ડોહા હતા જેના અડધા પગ મસાણની રખ્યામાં ખૂંતેલા હતા. બે કૂતરાં હતા પણ એને અમારી વાતો કરતાં બે પગ વચ્ચે ઠેરાવેલાં રોટલાના કટકામાં વધારે રસ હતો. અરે, મુખીની ડેલીએ ઉભી ઉભી શીંગફોફાં ફોલતી ખીસકોલીય તે સમ ખાવા પૂરતું અમારી સામે જોયું ને તરત પાછી દાણામાં પરોવાઈ. ઈનસોર્ટ કોઈને પડી નો’તી પણ તોય ધારકીનું ઓવર રીએક્સન કેમ આવ્યું હશે એનું ઘાટ્ટું કારણ તો મને પશીથી ખબર પડી કે ઠીક….ધારકીય હવે તો મોટી થઈ ગઈ!

પશી તો જેમ જેમ વખત થ્યો એમ એમ એક પછી એક બધ્યુંના ફડાક્યા ફૂટવા મંડ્યા. બચુદ્દા બાબરની જીવલી એમ કેતી થઈ ગઈ કે, ‘મારે ઘરની બાર્ય જાતા પે’લા માર પપ્પાને પૂસવું પડે.’

કળશીકાકાની આશલી પેલા તો એવા ખીખી ખીખી દાંત કાઢતી કે પાંચ શેરી આઘી હોય તોય ઠેઠ ત્યાંથી ખબર પડે કે બેન આવી રહ્યા છે. પણ આજકાલ તો મારી બેટી દાંત કાઢવા હોય તંય દુપટ્ટાનો છેડો મોઢા આડો રાખે અને સાયલન લાફ કરે. જરીક અમથો અવાજ આવે ને બેટરી ડાઉન. મેં પૂશ્યું કે ‘કાં વળી ?’ તો રીપ્લાય આયવો કે,

‘આપણને હવે આવું સૂટ કરે.’

ઠીક…!

કોઈના ઘરે ઘડીક બેસવા ભેગ્યું થાવી ને કલાક નો થાય તાં તો કો’કનો ભાઈ ને કો’કનો કાકો ને કો’કની બેન બોલાવવા આવી જાય કે, ‘ઘરે આવ્ય સુરતથી અંકલ આયવા છે.’

કાં તો કે’, ‘પપ્પા બોલાવે છે.’

ને કાં તો કે’, ‘ભઈલું કે’ સે કે કારણ વગર બાર્ય નહીં રહેવાનું.’ અને થોડોક ટેમ થ્યો ત્યાં તો બધાના હાથમાં મોબાઈલ આવવા મંડ્યા. કો’ક કે ઓપ્પો, કો’ક કે વીવો, કો’ક કે સાયના ને કો’ક કે સેમસંગ…. ટુંકમાં બાપ અને ભાયુંના ફોનમાં બ્લેક એન વાઈટ સાપસીડી રમીને મોટી થયેલી બધ્યું સોડીયુંના હાથમાં પાઉટ સેલ્ફી લેવાય એવાં ડબલાં ગોઠવાઈ ગ્યા. વેહવાળ થાતા જાય એમ મોબાઈલ આવતા જાય.

તો બધ્યું મોટ્યું થઈ ગઈ પણ મને હજી કોઈ મોટી નો ગણે. કારણ? તો કે મારે હજી મહિને ગાભા બગાડવાના પાંચ દિવસ આવ્યા નથી. એક પછી એક બધ્યુંને સમજાઈ ગયું કે ટીવીમાં ઓલી એડબટાઈ આવે સે ને…. કે બે પોચી પોચી ગાદી હોય… બેયમાં જાંબલી કલરનું પાણી ઢોળાય.. એક ગાદી ભીની થઈ જાય ને જાંબલી રંગ પકડી લે… ને એક ગાદીને અસરય નો થાય… મને સમજતા વાર લાગેલી પણ બીજ્યું બધ્યુંને ફટાક શેરાન ખબર પડી ગઈ કે કવિ કેવા શું માગે છે એમ. ધીરુદ્દાની ડેલીએ અમી ભરત ભરવા ભેગ્યું થાવી ત્યારે વાતુંના સૂર કાંક આવા નીકળે…

‘આજે મને મૂડ નથી બાપા… સવારથી કાંઈ દશ સૂઝતી નથી.. દુખ્યા કરે ભમરાળું… પેન તો બાપા કેવું પેન… કાળી બળતરા થાય.’

‘મને તો બાએ ના પાડી દીધી કે પાંચ દિ ખાટલે પડી રે… મંદિરમાં ને રસોડે નો આવતી. તે મારે તો આરામ.’

‘અલી હું તો ગાભા મૂકું ઓછા પડે છે… નળ ચાલું કરવી ને ઘળકો નીકળે એમ લોહી વછૂટે છે.’

‘બાઈ સરકાર મફતમાં દે છે…કેવું કૂણું રૂ જેવું પેડ છે.. ચામડીય નો છોલાય… બાલમંદિરે જઈને લઈ આવતી હો તો. હું તો ભૂલ્યા વગર લઈ આવું… વાપરવાનીય મજા આવે ને જરીકેય મુંઝારો નો થાય.’

‘મને તો માથું ફાટી જાય એવું સ્મેલ કરે છે.. લાઈક નો થાય પણ જાવું ક્યાં…’

પછી બધ્યું મારી હામે જોવે કે, ‘હરસુડી, અમારાં પાનાં તો તારી સામે ઉઘાડા છે પણ તે ખાતું ખોલાવ્યું કે નહીં?’

મારા ઘાઘરામાં પોપટના ગળામાં કાળા કાંઠલે ભર્યો હતો ઉનનો જાડો દોરો મેં દાંતથી તોડ્યો. પછી ધીરેથી માથું નકારમાં હલાવ્યું ને સાતમા પાતળમાંથી રીપલાય દવ, ‘મારે હજી વાર સે….’

તો વળી મારી જવાબની સામે કોઈક તો બોલે જ, ‘અલી બાઈ કટલીવાર છે? અમાર જવડી તો સો…’

‘તે તમી કાઈ મસાણમાં પડ્યું સવો? મારે કાંઈ પંડ્યમાં માતાજી તો આવતા નથ કે માથું ધુણાવીને કહી દવ કે કેટલીવાર છે.’

‘હર્ષા દવાખાને તો જઈ આવજે?’

મારો બાટલો ફાટી જાય એટલે ભરત સંકેલીને હાલતી થાવ અને કે’તી જાવ, ‘એ મારે છે ઘરે ચિંતા કરવાવાળા મા ને બાપ બેય હયાત છે. દવાખાને જઈનેય કરે હું… એવી કોઈ દવા તો છે નહી કે પીવરાવીને રીઝલ્ટ આવ્યું ફટાક શેરાન…માય જાવ બધ્યું….’

હું દાઝ કરીને માર ડેલે વઈ ગઈ. મારી પાક્કી બેનપણી ધારકી જેને હવે બધા ધારા કે’ સે ઈને આખો કેસ હાથમાં લીધો. એણે મેક સ્યોર કર્યું કે મારી હાજરીમાં પિરિયેડની વાતું કોઈ નો કરે.

એક વાત કહું? અમી બધ્યું મોટી થઈ ગઈ એનો સૌથી મોટો નક્કર પૂરાવો છે કે પેલાં તો અમી બધ્યું આખું ગામ સાંભળે એમ એકબીજાને ટુંકારાથી બોલાવતા, પણ હવે તો ચલણ બંધ થઈ ગ્યું. કાંક તો એના માવતરને નો ગમે ને કાંક એના ચડેલા મોઢા જોઈને અમી સમજવા મંડ્યું કે એકાબીજ્યુંને ધબ્બા મારીને કૂલેરમાં ભાગ પડાવવાના દિવસો ગોનકેસ થઈ ગ્યા. રેખડીનું રેખા, કશલીનું કિશ્ના, રાજલીનું રાજલ, સજનીનું સજન, ધારકીનું ધારા, કંકુડીનું કંકુ ને મારું હરસુડીમાંથી હર્ષા. અમી એકબીજાને બોલાવવી તો એવું લાગે નહીં કે અમી એકબીજાને ઓળખવી સવી, પણ સમય જેનું નામ, કોઈનો થ્યો સે તે અમારો થાય હેં!

અરે મારી બેનપણીયું તો માય ગ્યું પણ મારી બા જેને હું મારી બેશ્ટ ફ્રેન્ડ્યુની હાજરીમાં કારેક મમ્મી કે'તી થઈ ગઈ સવ… મારી બાય તે લાકડાને ઘડાવીને સોંટી પડી છે. દર પંદર દિ’એ પૂશ્યા કરે કે, ‘હર્ષા…(પેલાં તો મારી બાય તે મને હરસુડી કે’તી હો…મોટા થ્યા પેલાની વાત) કાંઈ હમાચાર છે ? લુગડું બગડ્યું કે નહીં ?’

હું મુંડી હલાવી ના પાડું તો બા મણમણનો નિસાસો નાખે. એના ગોઠણ દુ:ખે ત્યારે ઉંહકારો નો કરે પણ મારા નકારમાં કાળો જાકારો નાખે કે, ‘હે મારી માતાજી, લાજ રાખજે મા… સવામણની લાપશી કરીશ ને હાલતી ચોટીલા આવીશ.’

જાણે માતાજીને માર ગાભા બગાડવા સિવાય કાંઈ કામ નહીં હોય. એક હારુ સે કે માર બાપુ મને બાબત કાંઈ પૂસતા નથ. મને એમ કે એમને કાંઈ ખબર નહીં પડતી હોય પણ તે દિ બપોરે રોંઢો કરીને ઓડકાર ખાતાં ખાતાં બાપુએ ઓશરીની થાંભલીએ બાંધેલી દોરી માથે સુકવેલા ટુવાલે હાથ લૂંછ્યાં. તે એમાં ટુવાલની આડશમાં સુકાતો બાનો ગાભો હેઠ્યો પડ્યો. બાળમંદિરના માસ્તરાણીએ બાને કીધેલું કે, ‘ગાભાને તડકો દેખાડજો નકર ચામડીના રોગ થાશે.’

તે બા સાડી ને ટુવાલની આડશમાં ગાભા માટે તડકો શોધતી. આજ ગાભો સીધો બાપુના પગ માથે પડ્યો. બાપુએ ગામ ગાંડું થાય એટલી શીંહુ બા માથે નાખેલી. મારી બાએ એના ગાભા સંતાડવામાં અરધી જિંદગી કાઢી નાખી ને બાકીની જિંદગી હવે હું કે દિ ગાભા બગાડું વાટમાં કાઢશે.

બાપુ હારે મારે બોવ કાંઈ ડાયલોગ નો થાય. મારી સામે જોઈને કે’દિ બે આખાં વેણ બોલ્યા હશે ઈય મને યાદ નથ. હું કયા ધોરણમાં ભણતી ઈય એને ખબર નો હોય. કારક કારક તો મને થાતું કે નિશાળેથી છૂટીને સરખે સરખા ડરેસમાં અમી બધ્યું ટોળામાં નીકળવી તૈય બાપુને હું ઓળખાતી હશ કે આમાં મારી હરસુડી કોણ? ઓહ શોરી, મારી હર્ષા કોણ?

પછી તો ગામની હાઈસ્કુલમાં મારું ભણતર પૂરું થયું. મોર એક વાર બાપુ હારે બાએ ચર્ચા કરેલી રાતે વાળું કરતા કરતા. બાએ સુવાલ કરેલો કે ‘બાજુના ગામમાં અગિયારમું બારમું ધોરણ સે. ગણીને પાનસો હજાર રૂપિયા ફી થાય. હર્ષાને સાઈકલ લઈ દ્યો તો અપડાવન….’ બાની વાત અધૂરી રહેલી ને ભર્યા ભાણે પાણીનો કળશ્યો લઈને સળું કરતા કરતા બાપુ બોલેલા, ‘અપડાવન કરે સોડિયું હાથમાં નો રે… કયેક ભવાડા થાય ને આવટ લાઈનમાં વઈ જાય. આપડે સાયકલ લેવી નથી ને ક્યાંય મેલવી નથી.’ બાપુએ હાથ ધોયાને પાણી હેઠે ઢોળ્યું. એનો રેલો મારા પગ સુધી આયવોને ભણવાનો કેસ સોલ થઈ ગ્યો.

પશી પાછળથી ખબર પડી કે લગભગ બધ્યુંના બાપુએ બધ્યુંના પગ હેઠે આવા રેલા પોગાડ્યા છે. તે જેના બાપુએ જેને જેને અપડાવનમાં ભણવા દીધ્યું બધ્યું હારે અમારા અંજળ પૂરાં થઈ ગ્યા કેમકે હવે આઉટ લાઈનની થઈ ગઈ કે’વાય. ઠીક ત્યારે બીજું શું!

‘જો બાઈ, કો’કને સાઈકલ વે'લી આવે કો’કને આવે મોડી. બેય કેસમાં ટાંટિયા તોડવાના છે ને. એની સાઈકલ એને મોટી સ્કૂલમાં લઈ જાય અને આપડી સાઈકલ આપણને ઘરના ખૂણે લઈ જાય. પરસેવો પડે કે પાણી પણ વાત તો ત્યાંની ત્યાં છે ને.’

જોક મેં પેલ્લી ફેર કીધી ત્યારે ધારકીએ બહુ દાંત કાઢેલા, મને તંય બહુ ગોઠેલું. ધારકી દાંત કાઢે તો મને મજ્જા આવી જાય. પણ વખાણી ખીચડી નીસની દાઢે વળગી. પશી નાયકાએ જોક વોટસેપના ટેટસમાં મારા નામ હારે લખી નાખેલી. એમાં ધારકીના મોટાભાઈ જયપાલભાઈએ વાંચી લીધું. અલી બાઈ મને શું ખબર કે આપડું ટેટસ આખું ગામ વાંચશે. વાત માર બા સુધી આવી ને સમી સાંજે મને લાફો મારીને બા બહુ બોલેલી. ત્યારથી મેં ઓલી નીસમારીની ધારકીને એવું કશું કે’વાનું બંધ કર્યું જે એને વોટસેપ ટેટસમાં ચડાવી દેવાનું મન થાય.

એક તો વોટસેપ ટેટસ છે ને એણે તો મા હાણી છે. સાચું કવ સવ. બધ્યું ભેગ્યું થાવી તૈય એની વાત નીકળે નીકળે ને નીકળે જ. અરે બાઈ કેવા મનદુ:ખ! મારા બાપ, આવા દુ:ખ તો મેં કોઈ દિ સપનેય નો’તા જોયા.

આશલી (હવે આશા) એવું કે’ કે, ‘કાલ્ય મેં માર ભાઈભાભીની એનિવરસરીનો ફોટો ટેટસમાં રાખેલો. જેણે જેણે એમાં વીશ કર્યું’તું બધ્યુંને અત્યારે થેંક્યું છે.’

ગગજી દાદાની રેખા તરત સમજી જાય કે થેંક્યુ નથી પણ બધ્યુંએ આશલીને વીશ કર્યું અને એનાથી રહી ગ્યું વાતનો ટોણો છે. ખોંખારો ખાઈને જવાબ દેતી કે, ‘આશા, મારે નેટ પૂરું થઈ ગ્યું'તું બેન. તે સોવી કલાકથી બધું બંધ હતું મારા મોબાઈલમાં.’

‘અમી ટેટસ મૂકવી તંયે તમાર નેટ પૂરાં થઈ જાય નહીં? નીસમારીની... હાલી શું નીકળી... જોય મોટી નેટવાળી.’

કહું માર કૂળદેવીના સમ ખાઈને કવ સવ કે ખોટું નથ બોલતી. મારે ‘એ રીસ્તા ક્યા કેહલાતા હેં’નો મહાએપિસોડ જોવાનોય બાકી છે. નેટ નહીં એમાં તો રહી ગ્યું. મન તો ‘અનુપમા’ સીરીયેલમાં વનરાજની યાદદાશ વહીં ગઈ કે રહી ગઈ નથ ખબર. બે દિ’થી કાંઈ નથ જોયું બાઈ.’

‘તેં હારું. વરસાદ પશી ગારો ને વારા પશી વારો. તારે તે આવતા અઠવાડિયે તાર દીદીને જીજૂની એન્ગેજમેન એનિવસરી આવે સે ને. હુંય નહીં વીશ કરું ને યાદય નહીં રાખું કે આજ તારેય કાં’ક પેશિયલ ડેવાળો દિવસ સે… તે દિ’ અમારેય નેટ પૂરાં થઈ જાહે બીજું તો શું!’

આશાનું પતે ત્યાં પૂજાનો વારો આવે. એનો હિસાબ બાકી રહી ગયો હોય એમ ધોખો કરી લે.

‘એય રેખા. તે માર નવી ભેંશની પાડીના ફોટાને લાઈક નથી કર્યું. શાંતિદ્દાની કોયલીએ એના રોટલાનો ફોટો મૂક્યો તંય ખાલી લાઈક નહીં રીએક લવ કરેલું. અમારે તો તમારા કોમેન્ટની કે શેરની વાટ તો નો હોય પણ બાપા અમી તો તમાર લાઈકમાંથીય ગ્યા નો’તી ખબર.’

ક્યારની બધ્ધાની કંપલેઈનું સાંભળતી રેખાથી હવે નો રે’વાણું તો વગર ટ્રીંગરની બંદૂકડી સીધી ફૂટી ને ધડ દઈને સાચું કારણ પધરાવી દીધું, ‘અયયય પૂજા. જે ફટફટ બોલતા આવડે છે તે હવે સાંભળતાય શીખો. ટીટ ફોર ટેટવાળો ન્યાય છે આપડે તો. તું ઓલી અંબારામની રૂપલીને ફોલો કરે સે પણ હજી સુધી તે મને ફોલો નથ કર્યું. મેં તો તને ફોલો બેક આપેલું પણ તને વળ હતો તેં હુંય અનફોલો કરીને પાશી વઈ ગઈ. રૂપલી તો તને ઉભેય નથ બોલાવતી તોય એના હંધા ફોટા હેઠે દીલડાં ને ફૂલડાં મૂક્યા કરેસ આખા ગામને દેખાય સે. અમને ફોલો કરવામાં તમને શરમ આવે ને તોય પાશી તમારે અમારી પાંહેથી લાઈક તો જોતી હોય છે નહીં? રાંડ ઢેકાળવી!’

બધી ચર્ચા અમારે ‘ગગજીદ્દાની ડેલી’ વોટસેપ ગ્રુપમાં થઈ ગઈ હોય પણ તોય જ્યારે ફીઝીકલી મળવી તંયે બીજી દાણ્ય એકની એક વાતું ફરી ફરીને થાય જ. ગામમાં કોની છોકરીએ શેનું ટેટસ રાખ્યું? કોણે ડીપીમાં કયો ફોટો રાખ્યો ને કોણે ડીપી કાઢીને કાળું અંધારું રાખી દીધું એના ઘઉંકાંકરા નોખાં કરવી. મોટા ભાગના મોબાઈલના ટેટસમાં સીરીયલુંના હીરોહીરોઈનના રોમેનટીક વિડિયા મૂકે રાખવી. પેલા તો અમી બધ્યું સીરીયલુંની ને હીરોઈનના ડ્રેસના કાપડ-કલરની વાતું કરત્યું પણ હવેની ચર્ચાએ રંગ બદલ્યો. અમારો ટોપીક હોય છે કે ડ્રેસના કાપડના વળ ભૂલીને હીરોની છાતીમાં વાળ કેમ નહીં દેખાડતા હોય? પગમાંય મોવળો નહીં કેવું લાગે નહીં? સુહાગરાતના એપિસોડમાં દૂધ છોકરો કેમ પીવે? વિગેરે મુદ્દાઓ વિશે અમારે કલાકો વાતો થાય. પશી બોવ ભૂંડી વાતો થઈ ગઈ હોય તંયે પાપ ધોવા ટેટસમાં ચોટીલાની ચામુંડા ને પાવાગઢની કાળકામા અને કોઈ બીજી દેવી નો સૂઝે તો મછરાળી મોગલ મા તો છે જ. મોબાઈલ, ટેટસ અને અમારું મન બધ્યું પવિતર થઈ જાત્યું વારે ને તેવારે. કોનું કોની હારે બગડ્યું, કોનું કોની હારે ફાટાફાટ્ય છે બધું મોબાઈલના ટેટસ કહી દે. હું બધ્યુંને કહું કે, ‘મને કેમ તમારી જેમ ટેટસ જોયને બધી ખબર નથી પડતી હેં?’ તો રોકડો જવાબ સૌની જીભે હાજર હોય, ‘તારે ઓલી વાતમાં વાર સે ને હજી…એટલે!’

પણ પશી મનેય ટેટસમાં ધીરે ધીરે સમજણ પડતી થઈ. મારી પાક્કી બહેનપણી ધારકી અરે લાભુક્કાની ધારા હા, ઈવડી મને બધું સમજાવતી જાય. મારી મોબાઈલવાળી મા છે. એક દિવસ સવારના પહોરમાં ચા દૂધ પીતા પીતા હું બધ્યુંના ટેટસ જોતી’તી એમાં ધારાનું ટેટસ આયવું. બે મોટા લાલ દીલડાં એકબીજાથી આઘા ઊભાં ઊભાં હલહલ કરે. મને થયું આમાં કવિ કહેવા શું માગતા હશે ? પછી સાંજે ટેટસ ચેક કર્યું તો દીલડાં તીરથી વીંધાઈ ગયા હતા.

દરરોજ સાંજે હું ને ધારા ડબલું લઈને સંગાથે હાજતે જાતા. ગામની નદી પાસે મસાણની બાજુમાં અમે બેઠા તંયે ધારા વારે વારે એકલી એકલી ખીખી ખીખી દાંત કાઢે. પેલાં તો મને બીક લાગી કે બાઈ આને કાંઈ વળગ્યું તો નથીને? મેં તો તરત એના પગ ચેક કરી લીધા. વળગાડ હોત તો બા કહે છે એમ પગની પાની ઉંધી થઈ ગઈ હોત પણ આને તો બધું બરાબર હતું. થોડીવારે બોલી, ‘હર્ષા, કાંઈક રોમેન્ટીક વાત કર્યને.’

મેં કીધું, ‘મર્ય ભમરાળી. ચારે કોર ગામની બાયુંના ગંદવાડ પડ્યા છે અને તને રોમેન્ટીક વાતું હાંભરે છે? બળ કરીને જલદી પતાય. ઝાલર પૂરી થાય પહેલાં ઘરે પોગવાનું છે.’

‘તારો વાંક નથી હર્ષા. તને રોમેન્ટીક વાતો તો કેમ સૂઝે. તારે તો હજી ગાભો નથ બગડ્યો તે અનુભવ ક્યાંથી હોય?’

મને થયું આખું ડબલું એના મોઢા પર ઢોળી દવ પશી મને મારો વિચાર આવ્યો કે બધું પાણી ઢોળી કાઢીશ તો પછી હું ઘરે કેમની જાશ એટલે મુંગી મુંગી બેહી રહી. દાઝ તો ઘણી ચડી કે દરેક વાતને બધા ત્યાં શેના જોડી દેતાં હશે?

રાતે બાપુ વાળું કરવા બેઠા ત્યારે એણે બાને કીધું, ‘આપડી હર્ષાનું માગું આયવું છે. અમરેલી પાંહે કાંક ગામ છે, નામ તો ભૂલી ગ્યો છું પણ છોકરો હોંશિયાર છે. મોસાળમાં મોટો થયો છે. એની બાના માવતર હારે. કાળુ નામ છે. સુરનગરવાળા હર્ષદભાઈના બાપૂએ શીંધ્યું છે એટલે મોળું તો નો હોય.’

હું એક ધબકારો ચૂકી ગઈ. કોઈ મનેય જોવા આવશે એવી વાત તો મનમાં ધારેલી નો’તી કોઈ દિ’. મને દેખાણું કે બાને આખી વાતમાં રસ બહુ પડ્યો.

‘તે કટલા જણ આવશે કે કારે આવશે એવી કાંઈ ખબર? વેવસ્થાની ખબર પડે...’

બા બાપુ ટુંકા ટુંકા સવાલ જવાબમાં પરોવાયા પણ મને લાગ્યું કે મારી છાતીમાં ભીંસ વધવા લાગી. જાણે શ્વાસ બંધ થઈ ગ્યા હોય એવો મુંઝારો થયો. હથેળીયું ભીની થઈ ગઈ. હું પાણીયારે જઈને ગલાસ ભરીને પાણી ગટગટાવવા લાગી ત્યાં બાનો ધીરો અવાજ સંભળાયો, ‘આમ તો તમને આદમીનને આવું કે’વાનું હોય નહીં. તમારી સમજમાં તો નો આવે પણ તમે માર ઘરનું માણહ ને દીકરીના બાપ, તે કઈ રાખું.’

બાપુનો હાથ, મોઢું અને કોળિયો સ્થિર થયો. બાની હામે ટગર ટગર જોવા લાગ્યા.

‘અટલે આમ તો ઉંમર તો થઈ ગઈ સે. મોટી કેવાય. લાભુભાઈની ધારાની હારત સે આપડી સોડી પણ એવું છે કે…..’

બા એક એક શબ્દ તોળી તોળીને બોલતી હતી. મને થયું ધરતી મારગ આપે તો સમાઈ જાવ.

‘જલદી બોલ્યને. ખોટું સસપેન ઉભું નો કર્ય.’ બાપુ અકળાયા.

‘સસપેન તો કાંઈ નહીં પણ વાત ખાલી અટલી કે આપડી હર્ષાએ હજી ગાભો નથ બગાડ્યો.’

બાપુના મોઢેથી લોહી ઉડી ગ્યું. જાણે ધોળા દિવસે છાતી માથે ગરોળી પડી. એમને પોતાને સમજ નો પડી કે વાત પર જવાબ દેવાનો છે કે કે કોઈ સુવાલ ઉભો કરવાનો છે?

‘એટલે શિંતા જેવું તો નથી. ઘણાને આવું વહેલા મોડું થાય પણ….’

‘બસ બસ મને વિગનાન નથ સમજવું. અને હા, વાત બાર્ય નો પડે… ખાલી ધ્યાન રાખજો મા દીકરી બેય.’

આના જવાબમાં કે સુવાલમાં બાપુ અને બા બેયે મારી સામે જોયું. મને તો અમારા ‘ગગજીદ્દાની ડેલી’ વોટસેપ ગ્રુપની બધી રાંડું દેખાણી જે મલકાતી મલકાતી મને એમ કે’તી હોય કે, ‘ચિંતા નો કરતી અમી કોય ટેટસમાં ખબર નહીં મૂકવી કે અમારી હર્ષાને હજી વાર સે…..!’

બીજે દિ અમી બધ્યું ભરત ભરવા ભેગ્યું થઈ ત્યારે મેં બધાયને રાતવાળી બાબાપુની વાત માંડીને કરી. ખબર નહીં શું થ્યું પણ વાત કરતાં કરતાં મને એકદમથી રોવું આવી ગ્યું. કોયલે મને પાણી પાયું. આશાએ દુપટ્ટાથી વાહર નાખ્યો, રેખાએ ડેરીમીલ્ક દીધી અને પૂજાએ મારા વાંહામાં હાથ ફેરવ્યો. મારા હિબકાં બંધ નો’તા થતા એટલે બધ્યું કલબલ કલબલ. અંતે ધારાએ બધ્યુંને સમ આપ્યા, ‘એ હર્ષાની શંકાનું સમાધાન થઈ જાય એટલે સૌ પોતપોતાની માના સમ ખાઈને ક્યો કે હર્ષાના પિરિયેડની વાતું કોઈ કોઈને નહીં કરે. વાત આપડા ગ્રુપની બાર્ય નો જાવી જોઈએ.’

બધ્યુંએ મૂંડી હકારમાં ધુણાવી. થુંકવાળી આંગળી પોતપોતાના ગળે લગાડી સમ ખાધા અને પછી જમીન પર થૂંક્યા ત્યારે મને બધાં પર ટ્રસ થયો અને હિબકાં શમ્યા. બધામાં મેં એક વાત નોટીશ કરી કે મારી પાક્કી બહેનપણી ધારા ઘડીએ ઘડીએ મોબાઈલ ચેક કરે. મેસેજ વાંચે. દાંત કાઢે અને રીપ્લાય કરીને પાછી ભાગતી રેલગાડી પકડતી હોય એમ અમારી વાતમાં ચડી જાય. મેં તાત્કાલિક માર મોબાઈલ હાથમાં લઈ ધારાનું ટેટસ ચેક કર્યું તો ઓલાં બે દિલડા એકબીજામાં ભળી ગ્યા હતા.

રાતે અમી ડબલે જઈને પાછી વળ્યું ત્યારે હેઠલી શેરીમાં કોઈ નથી ચેક કરીને મેં એનું બાવડું પકડ્યું, ‘ધારકી, સાચું બોલજે. શું હાલે છે આજકાલ તારી લાઈફમાં?’ અને ભાભી મારી, ભમરાળી એવું શરમાણી એવું શરમાણી જાણે દુંટી પાસે કોક ગલગલિયા નો કરતું હોય?

‘હરસુડી…’ આટલું બોલીને એણે ફરી દાંત કાઢ્યા. મારી પાસે આવીને ધીરેથી બોલી, ‘કોઈને કે’તી નહીં પણ મને છે ને…. લવ થઈ ગ્યો સે.’

‘હું થઈ ગ્યું સે? શું થ્યું? ફરીથી બોલ્ય તો?’

‘લવ થઈ ગ્યો સે.’

આટલું બોલ્યા પશી એની આંખ્યુંમાં પાણી તગતગી ગ્યા. એણે આંખ મીંચીં દીધી. મારી માના સમ ખાઈને કવ સવ હું સ્યોર છું કે ફિલ્લમમાં ને શિરિયેલમાં આવેને કે ઓલા ગુલાબી ફુગ્ગા ઉડે… ચારેકોર વાજીંદર વાગે અને ધુમાડો થાય હંધુય ધારકીના મનમાં હાલતું હશે, નકર લવ વિશે વાત કરતી વખતે આમ આંખ નો મીંચી દે. મને આખી વાત માન્યામાં નો’તી આવતી. મેં એને ચૂટલો ખણ્યો કે, ‘આ શેના ભવાડા આદર્યા છે ધારકી? શેનો લવ વળી. એમ કાંઈ લવ રસ્તે પડ્યા સે તે હાલતા ચાલતા થઈ જાય?’

‘હાલતા ચાલતા નથ થ્યો. ટ્રુ લવ સે. પે’લી નજરનો લવ નથી બહુ બધા ઈન્સીડેન થયા પશીનો છે.’

ગામના બીજા લોકો ડબલા લઈને દશમાં આવતા હતા એટલે અમારી વાતું અધૂરી રહી. પોતપોતાના ઘરે ગયું. ફટાફટ જમી લીધું ને વાસણ ધોઈને તરત ખાટલે પડી. ગોદડું ઓઢીને મેં એને વોટસેપમાં મેસેજ કર્યો કે, ‘ધારકી હાચીની સો કે મારી મસ્તી કરે છો?’

બેન વખતે ઓનલાઈન હતા તે ફટાક શેરાન વાદળી ટીક થઈ ને રીપ્લાય આયવો, ‘તારી મારી ફ્રેન્ડશીપના સમ.’

‘અલી બાઈ પણ સે કોણ? નામ તો દે.’

‘છે એક લક્કી માણસ. મારું દિલ છે એની પાંહે.’

મેં મેસેજ બે વાર વાંચ્યો કેમકે ધારકીને આવુંય આવડે છે તો પહેલીવાર ખબર પડી. હું હજી વધારે વિશારું પહેલાં મોબાઈલની સ્ક્રીન પર ધારકીનું ટાઈપીંગ ટાઈપીંગ લખેલું આયવું. ટાઈપ કરતી હતી ત્યાં સુધીમાં મેં ધ્યાનથી એનો ડીપી જોયો તો ગુલાબના ફૂલોનો મોટો ગુલદસ્તો હતો. મારા ધબકારા ધીમા પડ્યા. મને થાય કે નભ્ભાઈ કઈ દશમાં ઉતાવળી હાલી. ત્યાં તો એનો મેસેજ આવ્યો, ‘નાગેશ છે એનું નામ.’

મારી બુદ્ધિ ત્રણસોને એંશીની પીડમાં આખા ગામની દરેક શેરીયુંમાં, દરેક ઘરે અને દરેક બજારના હરેક પાનના ગલ્લે ફરી વળી. ડેલી ડેલીના છોકરાઓના ઠોબા જેવા ડાચા મેં યાદ કરી લીધા પણ નાગેશનું મોઢું યાદ આવ્યું નહીં. નામ સાવ એટલે સાવ અજાણ્યું હતું મારા માટે. ત્યાં તો એનો બીજો મેસેજ ઝબુક્યો, ‘અમારી વાડી છે ને આંબાવાડી. ત્યાં પપ્પાએ કુવો ગળાવવા મારવાડા બોલાયવા છે ને ગ્રુપમાં છે નાગેશ.’

મને તો કો’કે ઉંચી મેડીએથી ધક્કો મારીને હેઠે ઘા કર્યો હોય એવું લાગ્યું. મને એનો નાગેશ યાદ આવી ગયો. કાનમાં જાંબલી ગુલાબી મોતીવાળા ચાંદીના સુરજમુખીના બુટીયા, ગળામાં રામાપીરનું તાવીજ, કેસરી લીલી લુંગી અને જાળીવાળી કાળી ગંજી. લોંઠકા બાવડાથી કુવામાંથી મોટા પથરા બહાર ફેંકી આળસ મરડતો મારવાડો યાદ આવ્યો. તરત મેસેજ કર્યો મેં. ‘કોણ? ઓલો નાગલો? નાગેશ?’

‘હરસુડી, થોડું માન દઈને બોલાય ભમરાળી. તાર જીજુ છે.’

‘વાંદરીની. જીજુ હશે ગામનો. નીસની એમાં નો પડતી તું. ધારકી, મરી જાશ.’

‘તેં સાચ્ચો લવ કરીને કોણ જીવતુંર્યું છે જગતમાં?’

‘નાગડી મારવાડો છે!’

‘કેમ? મારવાડો માણસમાં નો ગણાય?’

હું આખી ધ્રુજી ગઈ. આંખમાંથી ઉંઘ ઊડી ગઈ. અરધી રાત લગી નાગડીએ મને નાગેશ હારેની એની લવશ્ટોરી કીધી. ધારકી વાડીએ ભાત દેવા જાતી, ચા દેવા જાતી. ઓલાએ કુવામાં ઝળુંબેલા જાબુંડાની ડાળ માથે ચડીને ધારકી માટે જાબુંડા તોડીને દીધા, બીડી પીતા પીતા ફૂંક મારીને મધમાખ ઉડાડીને હાથથી મધ તોડીને ધારકીને અસ્સલ મધ ચખાડ્યું. મને સાતઆઠ રડતા ઈમોજી મોકલીને એણે ચાગલી થઈને લખ્યું કે, ‘હરસુડી, તારા સમ ખાઈને કવ સવ મને આજ સુધી કોઈએ આવું પેશીયલ ફીલ નથ કરાવ્યું. તું માનીશ? બોલ્ય મારા માટે એની જાન આપી દે એમ સે. શું હું આવા લવને ડીઝવ કરું સવ?’

મને તો કોઈ શબ્દો જડે.

સવારે જાગીને સૌથી પહેલાં ધારકીનું ટેટસ જોયું તો સળગતું દીલડું હતું અને કાંક શાયરી હતી કે ‘આગ કા દરિયા ને ડૂબકે જાના' સમથીંગ. જે હોય તે પણ આપણને કો’કની ટોપ સિક્રેટ વાત ખબર પડે અને પછી કોઈને કે’વાનું હોય ત્યારે જેનું સિક્રેટ હોય એના કરતાં કોઈને કે’વાનું નથી વાતે આપડી કેવી ફાટી પડે? એવું મને થવા માંડ્યું. કો’ક મારી હામે જોવે અને મારા ધબકારા કુવે લાગેલા મશીનની જેમ ધક ધક ધક થાવા મંડે. મને થાય કે કો’ક હમણાં કે’શે કે, ‘બોલ્ય સોડી, તને બધી ખબર હતી તો અમને કીધું કેમ નહીં?’

નવા ભરતની નવી છાપણી બતાવવા હું ધારકીના ડેલે ગઈ. અમી બેય ઓશિકા, ઓસાડ અને ટોડલિયાની વાતું કરતા’તા. એમાં એને મને એનો જમણા હાથ દેખાડ્યો જેમાં ‘નાગેશ’ લખેલું હતું. હું તો હાયકારો નાખી ગઈ.

‘નભ્ભાઈ, ક્યાં પડાયવું તે? પરમેનેટ છે? નીસની. કોક જોઈ જાશે તો નેવકી પતાવી દેશે.’

‘બોવ બીવાની જરૂર નથી. શાંતિ રાખ્ય. કાળી કેચપેન છે, ટેટુ હાચું નથી પણ મારો લવ હાચો છે.’

હું વધારે કાંઈ કહું પહેલાં એની આંખમાંથી ડબ ડબ આંસુંડા પડી ગ્યા.

મેં પૂછ્યું કે, ‘શું થયું?’ તો બોલી, ‘હરસુડી, નાગેશ પાલિતાણે હટાણું કરવા ગેલો. ભૈરવનાથના મંદિર પાંહે ટેટુવાળો બેઠો’તો. આંય આમ જો એક વેંત જેવડું ટેટુ એણે જમણા હાથના બાવડે પડાવ્યું.’

મેં કાંઈ પૂછ્યું નહીં તો વધારે વાટ જોયા વગર એને આગળ ચલાવ્યું,

‘વાલામુઆએ રૂપાળું મારું નામ લખાવ્યું છે. ‘ધારા.’

હું તો છક થઈ ગઈ કે એક નહીં બેય નીબ્બાનીબ્બી. શું કે’વું મારે? ત્યાં તો બોલી, ‘હરસુડી એને કેવું દરદ થયું હશે નહીં? રાંડ નભ્ભાઈ સોંય મારા નાગેશના બાવડે ભોંકાણી તંય હું ન્યાં ફૂંક મારવા હાજર નોતી.’

આટલું બોલીને ભીંતે ટેકો દઈ મોંઢા આગળ હાથ ઢાંકીને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. મને થાય કે મારે બધું કેવું કેવું જોવાના દિવસો આવ્યા મારી મા! ધારકીએ તો એની કેડ્યમાં નાગેશના નામનું ટેટુ પડાવવાનું નક્કી કરેલું. મેં એની માના સમ દઈને પાછી વાળેલી. હવે નાગડી નાગેશના નામનો રૂમાલ ભરે છે. અમી બધ્યું ઘાઘરાના મોરલા પોપટમાં સોયું પરોવીને બેઠ્યું હોવી તંયે ચાકળા ટોડલિયાની આડશમાં સોયને ટેરવાનું લોહી ચખાડી ચખાડી ‘નાગેશ’ નામની છાપણી માથે રંગબેરંગી દોરાનું મોતીદાણો ભરત ભરે. મારા ધબકારા એવા વધઘટ વધઘટ થાય કે ટેનશનમાં ને ટેનશનમાં આજકાલ મને તીખા ઘસરકા બોવ આવવા મંડ્યા છે. મારું દખ તો મારે કોને કે’વા જાવું? ધારકીના ટેટસમાં જાતભાતની રોમેન્સવાળી શાયરી વધવા મંડી અને લાલગુલાબી દીલડાનો તો કોઈ પાર નહીં. કારેક કારેક પાશી મને નાગેશના ટેટસના સ્ક્રીનશોટ મને બતાડે.

‘ફૂલ ગમે છે પણ કાંટો નડે સે

તું ગમે છે પણ તારો બાપ નડે સે’

‘સોનાની થાળીમાં ગુલાબનો ગોટો

પ્રેમ કરતાં હો તો મોકલજો ફોટો.’

મને થાય કે નાગલો સામો મળે તો એક લાફો મારી દવ ને કહું કે, ‘આમ હેઠીનો બેશને….’ પણ પશી ધારકીનું મોઢું જોવ અને જે રીતે રાજી થાતી હોય જોઈને હું સાવ ઠરી જાવ.

ઘણીવાર બપોરે હું લાભુક્કાની ડેલીએ બેહવા જાવ. કોઈ હોય નહીં તંયે ધારકીને સમજાવવાનો ટ્રાય કરું, ‘ધારકી, તારા માવતર સામે તો જો. તારો ભાઈ જયપાલભાઈ હજી હમણાં નવો નવો પોલીસવાળો બન્યો છે. તાર પપ્પા પાંચમાં પૂછાય છે. બધાની આબરું ખંખેરાઈ જાશે.’ પણ એના જવાબ તો કાંઈક નોખાં ગગનમાં ગાજતા હોય, ‘હરસુડી, હવે હું મારા કંટ્રોલમાં નથી. તને ખબર છે ઈશ્કને રોગ કીધો છે. આનો કોઈ ઈલાજ નથી.’

મને ખરેખરની દાઝ ચડતી, ‘ઈલાજવાળીની, આનું પરિણામ સારું નહીં આવે… આગળ પાછળ કાંક ગણતરી તો કર્ય.’

‘સમજી વિચારીને તો વેપાર થાય. પ્રેમમાં ગણતરી નો હોય. આતો મીરાંમાધવનો પ્રેમ છે.’

મને તો બોલતી હતી તો એમ લાગે જાણે ધારકીને તો હું ઓળખતી નથી. વોટસેપના સસ્તા ફાલતું રોમેનટીક ફોરવડિયા મેસેજ બોલતી હોય એવું લાગે. અમી ઘણી લપ કરી પશી અંતે એને મને એવું કીધું કે મારી બોલતી બંધ થઈ ગઈ, હું બી ગઈ.

‘હરસુડી, તારો વાંક નથી. તને હજી લવ નહીં સમજાય. એકવાર તને પિરિયેડ આવશે પછી તનેય હમજાઈ જાશે કે કોને લવ કે’વાય ને કોને ટ્રુ લવ કે’વાય. તારા કંટ્રોલમાં તું નહીં હો…અને શેત્રુજી નદીની ઘોડ્યે તું ભાગીશ ભાગીશ કે કોઈના હાથમાં નઈ આવ્ય.’

શેત્રુંજી જેવી શેત્રુંજીના મીઠા પાણીનેય અંતે ખંભાતના દરિયાનું ખારું પાણી અડી જાય તો ધારકી તો કઈ વાડીની મૂળી? લવબવમાં તો હું કાંઈ ઝાઝું સમજી નથી પણ મને એટલી ખબર તો પડી કે એને જેટલું ઢાંકો એટલું વધારે ઝબકે.

ધારકીના જયપાલભાઈ પોલીસમાં નોકરી કરતા ઘરે આવેલા. ઘણા દિએ આવ્યા’તા તે જયપાલભાઈને વાડીએ આંટો મારવા જાવાનું મન થ્યું તે ગયા. ન્યાં વાડીએ કુંવાકાંઠે જાંબુડા હેઠે બપોરે રોંઢો કરીને નાગેશ સૂતો હતો. એનાય કરમની કઠણાઈ ને ઓલી બીડીના ધુંમાડે આંધળી થયેલી મધમાખ્યુંના નિસાસા તે આજ નાગેશ એના બાવડે રૂમાલ બાંધવાનું ભૂલી ગ્યો’તો. જયપાલભાઈએ નાગેશના બાવડે ત્રોફાવેલું ‘ધારા’નું નામ વાંચ્યું. ઘરે આવીને ધારકીનો મોબાઈલ હાથમાં લીધો. પાસવર્ડ નો’તી દેતી ધારકી તે ત્રણ ચાર લાફા ચોડી દીધા. ધારકીના મોબાઈલના વોલપેપરમાં નાગેશના ટેટુનો ફોટો હતો. ફટાક શેરાન બધા ભેદ ખૂલી ગ્યા. ગુલાબના ડીપી અને દીલડાવાળા રોમેન્ટીક ટેટસે નાદારી નોંધાવી. બહુ વધારે ખબર નો પડી પણ બા બાપુની ચર્ચાથી એટલું માલૂમ થયું કે ધારકીને બોવ મારી. એની મમ્મીએ ધારકીનો ‘નાગેશ’ના નામવાળો રૂમાલ કેરોસીનમાં બોળીને ચૂલામાં સળગાવી દીધો. ધારા રોતી રહી ને ‘નાગેશ’નો ધૂમાડો થઈ ગ્યો. કટંબના ત્રણ ચાર ભાયડા વાડીએ ગ્યા ને નાગેશના હાથપગ ભાંગી નાખ્યા. સાંજ પડે પહેલાં મારવાડાના હિસાબ થઈ ગ્યા અને ટેમ્પો બાંધીને બધા મારવાડા અંધારામાં ઓગળી ગ્યા. આમ તો મારી બાને વધારી વધારીને બોલવાની ટેવ સે પણ વખતે બાએ કીધું વાતમાં એક શબ્દ વધારાનો નથ લાગતો. શંકા નથી કે આવું કાંઈ નહીં થયું હોય. બાએ કીધું કે જયપાલભાઈએ ધારકીના જમણા ગાલે એવો કસકસાવી લાફો માર્યો કે કાનમાંથી લોહી નીકળી ગ્યું ને બેક કાને એને સંભળાતું બંધ થઈ ગ્યું. ગમ્મે એમ તોય મારી બહેનપણી. મારો જીવ બળી ગ્યો. ગામને કોઈ વાતનો વહેમ પડે પહેલાં બધી માયા સંકેલાઈ ગઈ એક ચપટીમાં. મનેય મારી બાએ ધબ્બો મારી લીધેલો કે, ‘તું એની હારે ને હારે ગુડાણી હો છો તારે કાંઈ છે નહીંને? નકર તાર બાપ ભોંમા ભંડારી દેશે. પાવળું પાણી નહીં મળે.’

મને કે’વાનું મન થઈ ગ્યું કે, ‘મારે કેવી રીતે કાંઈ હોય બા. મેં ક્યાં હજી ગાભો બગાડ્યો છે?’ પણ હું બોલી નહીં. તે દિવસથી એટલો ફેર પડ્યો કે બાએ મારા મોબાઈલમાંથી લૉક કઢાવી નાખ્યો અને બાપુએય મને ઘરની બહાર ભરત ભરવા જાવાની ના પાડી દીધી.

રાત્રે બાએ પૂછ્યું કે, ‘હરસુડી, તું ને ધારકી તો હારે હોવો સવ સોવી કલાક. તનેય વહેમ નો પડ્યો?’

મેં આંખ મીંચી દીધી તો વાત અટકી ગઈ. સપનામાં ધારકી આવી જેના જમણા કાનમાંથી લોહી નીકળે છે ને મને કે’તી હોય કે, ‘હરસુડી, મારે તો બે પગ વચાળેથી લોહી નીકળતું ઓછું હોય એમ જોતો ખરી કાનમાંથીય લોહી કાઢવું પડ્યું. અલી બાઈ, તારે કાનમાંથી લોહી નીકળે છે?’ મારી આંખ ખૂલી જાય અને ઊંઘ વેરણ થાય.

ધારકી ઉપર એવો પાક્કો પહેરો ગોઠવાઈ ગ્યો કે કોઈના ધ્યાન બહાર ડેલાની બહાર નો નીકળી હકે. બધું ઘરની માલીપા. અમારા ઘર અને ધારકીના ઘર વચ્ચે બહુ પેલ્લેથી મનમેળ. સાગમટા નોતરાનો નાતો. મારી બા અને બાપુ રાતે બેસવા જાય તંય મને હારે લેતા જાય. મોટાઓ ગુપસુપ વાતો કરે અને હું ધારકીની સામે મુંગી મુંગી જોયા કરું. નૂર વગરનું એનું મોઢું જાણે ભવ આખાનું દુ:ખ લીંપાણું હોય. કોઈ સવાલ નહીં કોઈ જવાબ નહીં. રામજી મંદિરના પીલોરમાં દોરેલી કોક પૂતળી જોઈ લો. ધારકીની બાજુમાં પીરસાયેલી થાળી એમનેમ પડી પડી નિસાસો નાખતી. ધારકી બાજુ નજરય નથી નાખતી. ચૂપચાપ અંધારામાં જોયા કરે જાણે એને ન્યાં કાંક દેખાતું નો હોય વળી. એની મમ્મી રોયા કરે અને મારી બા એના વાંહામાં હાથ ફેરવીને છાની રાખ્યા કરે, ‘નીસમારીનો મારી સોડી માથે જંતર મંતર કરી ગ્યો. કોક બાવાની ભસમ ચટાડી દીધી બેન. બાકી માર ધારા તો અમને પૂશ્યા વગર પાણીય નો પીવે…મારી ભોળી પારેવડીને ભોળવી ગ્યો ભમરાળો..’

‘હશે વસનબેન, છાનાં રહો. તો માતાજીએ લાજ રાખી એમ ક્યો. વારે તહેવારે સૂરધનને ચોખા કરો એનો પરતાપ. પાડ માનો પિતૃવનો. બાંધી મૂઠ્ઠી લાખની.’

‘બેન, કાંઈ ખાતીપીતીય નથી. રોતીય નથી. મારી ઢીંગલીનો જીવ કાઢી ગ્યો કજાત.’

‘તમી ઢીલાં પડી જાહો તો કેમ હાલશે બેન? હિંમત બાંધો જોવ.’

ત્યાં તો ફળિયામાંથી જયપાલભાઈનો હાકોટો સંભળાયો, ‘એ પાંચ રકેબી ચા મૂકજો મમ્મી. કુટુંબના મોવડી આયવા છે. હમાખી દૂધ નાખજો પાસા.’

મારી બા ઈશારાથી મને કામ ચીંધે કે ધારકીને ખવરાવી લે. બેયની બા રસોડામાં ચા કરવા પૂરાણી. ફળિયામાં ખાટલા પાથરેલાં એમાં કુટુંબના ગણ્યાગાંઠા જણ હતા જેમને ઈનસિડેનની ખબર હતી. ગામમાં ક્યાંય વાત બહાર નો’તી પડવા દીધી. મેં થાળી હાથમાં લીધી. ખીચડીનો કોળિયો ભરી કઢીમાં બોળીને ધારકી તરફ ધર્યો. એણે કોળિયા સામે જોયું અને પછી મારી સામે જોયું.

‘હરસુડી, જયપાલભાઈએ એના હાથપગ ભાંગી નાંખ્યાસે. બધા વાતું કરતા’તા કે આખું જડબું તોડી નાખ્યું. એના મોઢામાં કોળિયો કેમનો જાતો હશે હેં?’

આટલું બોલી ત્યાં એનું ગળું રુંધાઈ ગયું. મનેય ખબર નો પડી કે ધારકીની દશા જોઈને મારીય આંખમાંથી દડ દડ આસું છલકાઈને ઢળી ગ્યા. ગમ્મે એમ તોય મારી પાક્કી બહેનપણી. હું એના આંસું લૂંછીને કાંઈ સધિયારો આપું પહેલાં ફળિયામાં બીડી પીતા વડીલોના અવાજ સંભળાયા. પવન પડી ગયો હતો એટલે એમની વાતું કિલિઅર સંભળાતી હતી.

‘જો આમાં હવે બોવ લાંબુ નો કરાય. ઠેકાણું ગોતીને ઠારી દ્યો.’

‘અદાની વાત સો આનાની. આછુંપાતળું વહેલું તે પહેલું પધરાવી દ્યો એટલે છુટ્ટા.’

‘આ અમારી હર્ષાનુંય ગોઠવાઈ જાશે. આવતે મહિને આવવાના સે છોકરાવાળા. ઉંમરલાયક દીકરી એટલે આયખાનો ઉજાગરો.’

‘મારો હવે વિશાર સે કે દીવાળી આવે ત્યાં ધારાને વળાવી દેવી. સાનખાખરાથી માંગુ છે જ. આવતી એકાદશીએ આવવાને સે પણ હું ત્રણ દિવસમાં બોલાવીને વાત પતાવી દવ.’

‘એમાં એવું સે ને કે વાતને તો વાયરાનો સંગાથ. મલક આખામાં આવી બીના ફોરે બોવ.’

હું અને ધારકી અમે બેય એકબીજાની સામે ફીક્કા મોંઢે જોઈ રહ્યા.

ધારકીને ગોઠવી દેવાની પળોજણ ચાલુ થઈ. દરરોજ સાંજે ધારકીની મમ્મી ધારકીને હાજતે જવા સાથે લઈ જતા સિવાય ઘરની બહાર નીકળવાનું સાવ બંધ. કુટુંબના કો’ક આદમીએ ટકોર કરી હશે કે, ‘ભાભી, ધારાને બને તાં લગણ બહુ બાર્ય નો કાઢવી. આમ સમી સાંજે એને હાજતે લઈ જાવ સવો તે જલદી પાછા આવજો.’ બસ, વાત પર ધારકીની મમ્મીએ આખી ડેલીના ભાયડાઓની છાતી માથે ઘઉં દળ્યા, ‘એ તમાર બાપ સરકારે પૈસા દિધા’તા ઘરમાં બાથરૂમ બનાવવા. પણ તમારા ખોરડે તો ગુમડાનું લોહી પણ ચૂસી લેવાની ભૂખ સે. સંડાસ તો નો બનાયવા પણ સરકારી કીમુંના પૈસે નીરણ ભરવાની ઓરડીયો બનાવી નાખી, સપરાં ઊભાં કરી દીધા. તે તમારી માને મારે ક્યાં હંગવા મોકલવી? ફળિયામાં તો બેસાડાશે નહીં? અને એકલી મોકલીશ તો પાછો ફજેતો થાશે. એક કામ કરો, તમને ટેમ હોય તો ડબલું પકડીને હારે જાવ. આવ્યા મોટા જલદીવાળીનાવ તેમાં વળી!’

કુટુંબના બધા ભાયડાઓને સાપ સુંઘી ગ્યો. બસ ત્યારથી ફળિયામાં બાથરૂમ ચણાવવાનું કામ શરું થઈ ગયું. બાથરૂમની દિવાલે ઈંટો મૂકાતી જાય એમ સગપણનો દિવસ નજીક આવતો જાય.

આઈમ સ્યોર અત્યારે ધારકી પાસે લોકોએ મોબાઈલ રહેવા દીધો હોત તો દુરિયા, ફાસલે, ટુટા દિલડા ને કયેંક સેર સાયરીઓ ટેટસમાં ખરખરો કરી ચૂકી હોત. જયપાલભાઈએ ધારકીના બધા ખાતા બંધ કરી દીધા. કોઈને ‘લાસ્ટ સીન’ ગોત્યું નો જડે એમ.

મહેમાન આવવાની આગલી સાંજે ધારકીની મમ્મીનો મારા ઘરે ફોન આવ્યો કે, ‘મારે ઘરે કામ બોવ છે અને ધારાને હાજતે જવું છે. તમારી હર્ષાને મોકલોને.’

હું તો ડબલું ભરીને ગઈ. ધારકીના ઘરે કાલે ગાડું ભરીને મહેમાન આવવાની તૈયારી હતી.

‘જલદી ઘરે ગુડાજો!’ એવી શીખામણ ગાંઠે બાંધીને અમે ગામની બહાર નદીકાંઠે બાવળની કાંટ્યમાં બેઠ્યું. એટલે આમ જોવો તો હું બેઠી. ધારકી તો ડાબે જમણે હેઠે ઉપર ચારે કોર જોતી હતી.

‘આવા ટાણે આંયાં કોઈ નો આવે ચંત્યા કર્યમા. હબદણ્ય પતાય હાલ્ય. લેટ થશે તો બધા ટેનશન કરશે.’

મારી વાત અધૂરી રહી અને બાઈકનો અવાજ સંભળાણો. અવાજ મોટો થયો એટલે ફટાફટ પાણી ઢોળીને હું ઉભી થઈ તંય મેં જોયું કે ધારકી કંઈની ખાલી ફોગટ બેઠી’તી કંઈ કર્યું નોતું ને ફોગટનું પાણી ઢોળ્યું’તું. હજી એને કાંઈ પૂછું ત્યાં તો બાઈકનો હોરન સંભળાયો. મેં જોયું તો હેલ્મેટ પે’રેલો એક જણ અમારી સામે જોતો હતો. મેં હેઠે પડેલો મોટો ગોળ પાણકો હાથમાં લીધો, ‘તારી માના વર…..હાલતીનો થા ઈડિયટ.. રાસકલના પેટના….’

અને હું હજી કાંઈ વધારે બોલું પહેલાં ધારકી મને ગળે મળી. તે દિ ભારતીબેનની પૂજલી ધારકીને ગામ વચાળે ચોરે ભેટી પડી હતી એમ જ. રીતસરની ચોંટી ગઈ. પશી એણે મારી આંખ્યુંમાં જોયું. હું બાઘી કાંઈ હમજું પહેલાં બોલી, ‘હાલ્ય હરસુડી, મારી ડોલી તો આવી ગઈ. હું તો ચાલી મારા નાગેશ પાસે. એમનો ફરેન્ડ છે. મારા હબી મારું વેટ કરેસે. મારી ચિંતા નો કરતી. તારું ધ્યાન રાખજે અને હા, ટેમ આવે ત્યારે લવ કરી લેજે.’

સેકન્ડોની ગેમ હતી હોં આખી. આમ તો અમારા ગ્રુપમાં હું ડોબી ગણાવ એકદમ ડમ પણ ફેર હું બધું સમજી ગઈ. ફાટી પડી મારી. મેં તો ધારકીને હાથ પગ જોડીને કટલાય કાલાંવાલાં કર્યાં, ‘ધારકી, ગામ આપણને બેયને પતાવી દેશે. કાલ્ય ઘરે મેમાન આવવાનું સે. ઈજ્જતનું તો વિચાર્ય. જયપાલભાઈ મારા ટાંટિયા તોડી નાખશે. તું સમજતી કેમ નથી?’ વગેરે વગેરે ને ઘણું બધું વગેરે.

પણ તો બાઈક માથે ગોઠવાણી. મારા હાથમાં ડબલું પકડાવતાં છેલ્લે છેલ્લે એટલું બોલી, ‘હવે સમજવાનું તારે છે મારે નહીં. ટ્રુ લવ થાસે ત્યારે તને હું વધારે સારી રીતે સમજાશ.’

હું બેય હાથમાં ડબલા પકડી બાઈકની પાછળ ધોડાય એટલું ધોડી પણ ધારકી તો ચકલીની જેમ ઉડી ગઈ. મને તો જે રોવું આવે જે રોવું આવે. એટલી બધી ગભરામણ થાય કે વાત નો પૂછો. ઘરે જાવાની હિંમત નો થાય. મને થાય રાંડ ભમરાળી ધારકીએ આખો પલાન ક્યારે ગોઠવી દીધો હશે? હું ભરાઈ ગઈ તો નોખું. હનમાન તો સવ નહીં કે છાતી ફાડીને સમાજને રામ દેખાડું. સીમમાં ઉભી ઉભી એકલી રોઈ ને પશી અંધારું ઘેરાણું ત્યારે બીકની મારી ભાંગેલા પગે ઘર ભણી હાલી.

ધારકીનો ડેલો આવ્યો. બહાર ઓટલા પર જયપાલભાઈ મોબાઈલમાં તીન પત્તી રમતા’તા. મને એકલી જોઈને એમનું કેશ્શન માર્કવાળું મોઢું મને બીજી ફેર રોવડાવી ગ્યું. એક સવાલ પૂછવાની એેમને જરૂર નો લાગી. મારા બેય હાથમાં લટકતા ખાલી ડબલાં અને હિબકાંએ એમને પૂશ્યા વગર બધા જવાબ દઈ દીધા. તાત્કાલિક કુટુંબની સાત આઠ ગાડીઓ વછૂટી. હાથમાં હૉકી, સ્ટંપડા, નેતરની લાકડી, કેરોસીન ઘાસલેટના કેરબા અને તલવાર જે આવે સાધન લઈ જુવાનડાં ભાગ્યા. એક એક ઘડી મને સો સો સો મણની બેડીએ જડી. ગામની બાયુંએ મને સવાલોના ઘેરાંમાં ઘાલી. તે દિ પેલ્લી ફેર ખબર પડી કે ઘણીફેર સવાલય તમાચાની જેમ વાગે હોં પણ ખાલી નુકસાની એટલી કે ભરોળ કોઈને દેખાય નહીં, ‘તને નો ખબર્ય હોય એવું કેમ બને? તારે તો હારોહાર હંગવા મુતરવાનો સંબંધ છે.’

‘તું મળેલી તો નો’તીને બાઈ? ભલું પૂછો આજકાલ્યની સોડીયુંનું હો બાપા. લાગે ભોળીયું પણ પેટમાં તો પાતાળ કુવા હોય.’

‘કહી દે કઈ શું પલાન છે લોકોનો? તારીય ગોઠવણ તો હશે ને?’

‘તેં જાવા કેમ દીધા? કાંક તારેય આવું લફરું તો નથી ને બાઈ?’

મારી પાસે આમાંથી એકય સવાલનો જવાબ નહોતો. જેટલું થયું હતું આખી બીના કહેતાં કહેતાં તો મને હાંફ ચડ્યો અને મારી બાએ મને બે લાફા ચોડી દીધા તો અલગ.

રામજી મંદિરે ઝાલર પૂરી થઈ કેડ્યે તો આખા ગામમાં ‘મોટી ફળીની ધારા ભાગી ગઈ સે’ વાવડનો શંખ ફૂંકાઈ ગ્યો’તો. રાત જામી એમ વાત જામી. ધારકીની ઓશરીમાં અને ફળિયામાં માણહનો કોઈ પાર નહીં. ધારકીની મમ્મી તો જે રોવે જે રોવે. ધારકી ભાગી ગઈ સમાચાર મળ્યા ત્યારનું એણે પાણી નો પીધું. ખોબામાં મોઢું ઢાંકીને હિબકાં ભરે. બે વાર તો બેભાન થઈ ગ્યા. મને તો એવું ગીલ્ટ થાય બાઈ જાણે મારા કારણે બધું થયું. ગામની બાયુંની કોમેન્ટરી તો ચાલું હતી.

‘અરે બેન, મોબાઈલએ મા હાણી છે. બધી બળતરા એની છે.’

‘સાવ સાચી વાત કરી પિન્ટુની મમ્મીએ. મોબાઈલ હાથમાં રાખી રાખીને આપડી સોડીયું બગડી સે.’

‘આમ ઢેકા ઉલાળીને વિડિયા બનાવશે. આમ નખરાં કરીને ફોટા પાડશે. આપણને થાય કે માન, મર્યાદા ને મોભો તો બેન ખાલી ટીવીની સીરીયલુંમાં રહ્યું છે હોં.’

‘હું તો કવ સવ સૌ મમ્મીઓ માટે ચેતવા જેવી વાત છે. તમારી સોડીયું પાંહેથી મોબાઈલ લઈ લ્યો. રોંગનંબરના નામે કેટલી ખીખી ખીખી વાતું કરે સે શું આપણે નથ જાણતા?’

મારા માથેથી ગીલ્ટ મોબાઈલના ખાતે જમા થયું.

અરધી રાત થઈ. બાયુનાં તારણો ઠર્યાં કે આઘેથી શેરીના નાકે ધારકીનો રોવાનો અવાજ આવ્યો. ગાડીયુંના હોરન સંભળાયા. કાળી રાતની કાળી શીહું કાને પડઘાઈ. બાયુંના કલબલ બંધ થઈ ગ્યા. સૌ કોઈ બગલાની ડોકે ડેલા બાર્ય જોવા લાગ્યા. થોડીવારમાં રાગ કાઢીને રડતી, આખડતી, પડતી ને નંદવાયેલી ધારકી ડેલા સુધી પહોંચી, ‘એ મને પાશી જાવા દ્યો. મેં લવ કર્યો સે.. મારા મીસ્ટર સે.. મને એની પાંહે મરવા દ્યો…’

ધારકીની મમ્મી ડેલાની બાજુ દોડ્યા અને જયપાલભાઈના એક ધક્કાએ ધારકી સીધી ડેલીની ધૂળ્યમાં પડી. ધારકીનો શ્વાસ તૂટતો હતો. એનો દિદાર જોઈને સમજાતું હતું કે એને પણ બરાબરની નીંઘારી છે. ફળિયામાં, ડેલીમાં અને ઓશરીમાં આદમી અને બાયું સમાય નહીં.

ધારકીની મમ્મીએ ધારકીને બાથમાં લીધી. ધારકીનો રોવાનો અવાજ હવે બોદો થઈ ગયો એટલા હિબકાં એની છાતીમાં ધમરોળાઈ રહ્યા હતા. ઘણું બધું કહેવું હોય પણ અવાજ રુંધાયેલો હોય, શ્વાસ ચડી ગયો હોય અને છાતી ધમણની જેમ ફૂલતી હોય તંય પડે એવી મુશ્કેલી જોઈ લ્યો. એના વાળ બરછટ બનીને પીંખાયા હતા જાણે જયપાલભાઈ કે કો’ક બીજાએ વાળ પકડીને મારી હશે. હાથની કોણી, પીઠ અને ગળાના ભાગે ભરોળ ઉપસેલી. જમણા કાંડા પર મૂઢમાર અને ગાલ પર આંગળાઓની છાપ. કો’કે પાણી દીધું પણ પીધા વગર મહામહેનતે આટલું બોલી શકી, ‘મમ્મી, ભાઈએ માર નાગેશને… પતાઈ દીધો…. બાવળ હારે બાંધીને કેરોસીન….’

ધારકી આગળ કાંઈ બોલે પહેલાં એની મમ્મીએ એક લાફો ધરબી દીધો. ધારકી ડઘાઈને ચૂપ જાણે છેલ્લું બારણુંય ભીડાઈ ગ્યું.

ધારકીના પપ્પા લાભુક્કાએ ગામના અને કુટુંબના લોકો સામે હાથ જોડ્યા, ‘બાપ સવ હવે પોતપોતાના ઘરે સીધાવો. અમારી દીકરી ઘરે આવી ગઈ છે. આવી મુશ્કેલ ઘડીમાં તમી હારે ઉભા રહ્યા તે સામડીના જોડા સીવડાવીને પેરાવું તોય લૂણ ચૂકવી નહીં શકું. જય માતાજી… આવજો બાપ. કાલે ચા પીવા આવજો.’

ગામ સમજી ગયું કે ઈશારો છે કે હવે તમારું અહીં કાંઈ કામ નથી. ઘણી બાયુંના મોઢા પડી ગ્યા કે માંડ મજ્જા આવી’તી ત્યાં કાઢી મૂક્યા. ગામ ધીમા પગલે ડેલાંની બહાર નીકળ્યું. માર બા બાપુ અને ધારકીના પપ્પા મમ્મી, જયપાલભાઈ અને કુટુંબના ત્રણ ચાર ભાયડા બાકી આખી ડેલીમાં રાતની છાતી પર અંધારું ચળાતું હતું. ચીબરીના રોવાનો અવાજ સંભળાતો હતો. માર બાપુ ધીરેથી બોલ્યા, ‘બેટા ધારા, જે થ્યું ભૂલીને નવા નાકે દિવાળી કર બટા. કાલ્ય મે’માન આવે સે એની હામે ફજેતો નો થાય. તાર માવતરનો કાંક વિશાર કરજે.’

‘મારા માવતરે મારો વશાર કર્યો કાકા? મારે કોઈ લફરું નો’તું. મેં ટ્રુ લવ કર્યો’તો. હું એને નહીં ભૂલી હકુ. મારો એની સાથે સાત જનમનો રીશ્તો....’

અને જયપાલભાઈએ વાળ પકડીને ધારકીને રીતસરની ઢસડી. ધારકીની ચીસો આખા ગામની છાતીએ તૂટેલા કાચ બનીને ભોંકાઈ. વાળના મૂળીએથી લોહીના ટશીયા ફૂટ્યા. ધારકીને ઢસડીને જયપાલભાઈ ઓરડામાં લાવ્યા. એની પાછળ અમે બધા. હું રોઈ પડી અને જયપાલભાઈને હાથ જોડવા લાગી પણ જયપાલભાઈની આંખમાં અત્યારે લાલ લોહી ભરેલું ઝનૂન હતું’

‘હાહરી છીનાળ. ખોરડાની આબરું પર છાણા થાપવા બેઠી સો. બોલ્ય એના વિશે કોઈને કાંઈ કશ? મૂંગી રશ કે નહીં?’

ધારકીના પપ્પાએ એક બે લાત ધારકીના પેડું પર મારી અને હું સમસમી ગઈ. મારા બાપુએ ધારકીના પપ્પાને પકડી લીધા. એના પપ્પા વાંસ ઉભો ફાટે એમ ફાટેલા અવાજે રોઈ પડ્યા, ‘રાંડ મરી કેમ નો ગઈ? અમારું ધનોત પનોત કરવા આવી સે.’

ધારકીની મમ્મી માથા પર અને છાતી પર હાથ પછાડીને રડતા હતા, ‘કજાતના નોર્યની મારવાડામાં એવા કયા હીરા ટાંક્યા સે. તારા ઘરની આબરુંનો ઉલાળિયો કરવા બેઠી સો. મોઢામાંથી કાંઈક ફાટ્ય કે ભાઈ એને કોઈ દિ યાદ નહીં કરું ને તમી કેશો ન્યાં પરણી જાશ.’

પણ ધારકી તો જડ બનીને કાંઈ બોલે નહીં કે ચાલે નહીં. જયપાલભાઈ મારે માર ખાતી જાય અને રોતી જાય વચ્ચે વચ્ચે એકનું એક વેણ બોલ્યે જાય, ‘પણ મેં લવ કર્યો છે મમ્મી…મારો ટ્રુ લવ સે….’

હું આડી આવવા ગઈ તો જયપાલભાઈની એક લાત મારા પેટમાં વાગી. હું ઉંધા માથે પડી. બાપુએ મારી બાને ઈશારો કર્યો કે હરસુડીને બાર્ય લઈ જા. હું ઈશારાના ભેદને સમજવા મથતી રહી. જયપાલભાઈએ એના પપ્પા સામે કાંક આંખ ઉલાળી. ધારકીની મમ્મી સમજી ગઈ. મારી બાએ હાથ પકડીને મને ઓરડાની બાર્ય કાઢી. હું હાથપગ જોડી જયપાલભાઈને કરગરવા લાગી, ‘ધારકી ઈનોસેન છે. આવી મીસ્ટેક બીજીફેર નહીં કરે. હું જવાબદારી લવ સવ.. મારી માના સમ ખાવ સવ…’

હું સમ ખાવા માટે મારી થૂંકવાળી આંગળી મારા ગળે અડાડવા ગઈ ત્યાં બાએ એવું બળ કર્યું કે હું સીધી ઓરડાની બાર્ય ફેંકાણી. ધારકીના હિબકાં મારી છાતીમાં ઉગ્યા. જેવો મેં ઓરડાનો ઉંબરો વટાવ્યો કે ધારકીની મમ્મી ઓરડાના બારણા બંધ કરવા મારી પાછળ આવ્યા. બંધ થતાં બારણે મેં રડતાં રડતાં પાછળ એક નજર કરી તો જયપાલભાઈએ ધારકીના વાળ કસકસાવીને પકડ્યા. ધારકીની આંખમાં હવે આંસુ નહીં ઝનૂન હતું, આખા મલક હામે લડી લેવાની લાહ્ય. જયપાલભાઈએ પિત્તો ગુમાવ્યો. એણે ધારકીને ઉભી કરી અને સફેદ ચૂનાની ધોળી ભીંત પર સીઝનનો દડો ફેંકે એમ ધારકીનો ઘા કર્યો. ધારકીનું માથું ભીંત માથે એવું અફળાયું કે મારા માથાની નસ ઉપર બાવળના કાંટા ભોંકાયા. એક કાળી ચીસ ધારકીના અને મારા ગળામાં અટવાઈ ગઈ. હું હેઠે પડી ને બારણા બંધ થઈ ગયા!

આખી રાત હું મારા ખાટલે તરફડતી રહી. બાએ ત્રણ ગોદડા ઓઢાડ્યા પણ આખા ડિલે ટાઢ્ય ચડી ગઈ. હાથ પગની કંપારી બંધ નો'તી થાતી. મારો અવાજ મને સંભળાતો બંધ થઈ ગયો ને આંખમાંથી પાણી નીતર્યા કરે નીતર્યા કરે.

ભરી બજારે છાતીએથી દુપટ્ટો સરકી ગયો ને પૂજલી માથે તાડૂકતી ધારકી, ભરત ભરતી વખતે બધા માટે મસાલા મેગીના વાટકા ભરીને લાવતી ધારકી, બહેનપણીઓ પાસે મારી ગાભા બગડવાની વાત ગામમાં કોઈને નહીં કહેવાની સ્યોરીટી લેતી ધારકી, મારા જોક્સ વોટસેપ ટેટસમાં ચડાવતી ધારકી, સળગતા દીલડાં સામે જોઈને રોતી ધારકી, રૂમાલમાં નાગેશનું નામ ભરતી ધારકી, મારા હાથમાં ડબલું પકડાવી મને આવજો કરતી ધારકી અને છેલ્લે અધમૂઈ ભીંત હારે ભટકાતી ધારકી જાણે મને કે’તી હોય કે, ‘તારું ધ્યાન રાખજે અને ટેમ આવે ત્યારે લવ કરી લેજે.’

આખા શરીરે ગરમાટો ચડી ગ્યો. મારા શ્વાસ ધીમે ધીમે તાલબદ્ધ થયા. પોપચાં ભારે થયા. આસપાસ અવાજો ગોળ ગોળ ફેરફદૂડી લેવા મંડ્યા અને પછી અંધારું મારી આંખમાં પરોવાણું.

આંખ ખૂલી ત્યારે આછી સવાર અંધારાને ખબર પડે એમ ફળિયામાં છાનીમાની અજવાસ લીંપતી હતી. મેં મોબાઈલમાં જોયું ત્યારે સવારના વાગ્યાનો સુમાર હતો. કપાળના બેય છેડે આંકડાનું દૂધ ફોરતું હતું. આખી પથારીમાંથી કાંઈક વિચિત્ર વાસ આવતી’તી. પેટ ચૂંથાતું હતું જાણે હમણાં ઉબકો આવશે ને આખો ખાટલો ખાટી વાશથી ભરાઈ જાશે. પથારીમાંથી ઉભા થવાની ઈચ્છા થઈ. આખા શરીરમાં તરોડ હતી અને તાવ ભરાયેલો હતો. ઉંડી ખાઈમાં બકડીયું ટાશ ને ભીની માટી લઈને આવી હોઉં એવો માથામાં ભાર હતો. કેટલાય ભવનું સૂતા પછી જાગી હોવ એવી બહેરાશ બુદ્ધિ માથે થોપાઈ ગઈ’તી. પોપચા વજનથી ઢળી પડ્યા પણ મહામહેનતે આંખ ખોલીને નજર રસોડા તરફ ઠેરવી. રસોડામાં ભીની સાડીએ મારી બા ચૂલા પર પાણીનું તપેલું ચડાવીને બેઠી હતી. તપેલામાંથી ઉના પાણીની વરાળ નીકળતી હતી. માથાબોળ ટાઢા પાણીમાં નહાયેલી બા ચૂલાના તાપમાં હાથપગ શેકતી હતી અને અમારા સગાસ્હાય હારે ફોનમાં વાત કરતી હતી. મારા કાન સરવા થયા, ‘ના રે બેન, તમારા ગામમાંથી કોઈએ ધક્કો ખાવાની જરૂર નથી? હા, તમારી વાત હાચી કે લાભુભાઈ ને વસનબેન હારે અમે કટંબ જેવો નાતો એટલે તમને થાય કે મોઢું કરી જાવી પણ ફેર વાત નોખી છે. હોતું હશે કાંઈ? અરે માડી ભીને ભીનું સંકેલવાનું હતું. હાસ્તો, કોઈ કાણ્ય નહીં કોઈ કારજ નહીં. મસાણમાં ચાર કાંધ્યા સિવાય પાંચમો જણ નથી ગ્યો. લોકોએ એના સગાસાહ્યમાંય નથી કીધું તો પશી અમારે તો તમારા સગાને ફોન કરીને ના પાડવાની ફરજ કે નહીં? અરે બેન, ગામમાંય કોઈને કાંઈ કીધું કેવરાવુંય નથી. હા, અજવાળું થાય પે’લાં તો રાખ ઠરી જશે મા. જનાર ને કાઢનાર વિયા જાશે પણ જનેતાની છાતીમાં જીવશે તાં લગણ છાણું સળગતું રે’શે. હા બેન. બળ્યું પણ આબરૂ તો સચવાઈ ગઈ..!’

એક ઝાટકે ગઇકાલે રાતે જએ કંઈ થયું બધું યાદ આવી ગયું. બાની વાતો સાંભળીને આખા મોઢે છારી બાઝી ગઈ. તાળવે જીભ ચોંટી ગઈ. હીબકું આવવા જેવું થયું પણ રોણું છાતીએ ફસકાઈ ગયું. આંસુ છલકાણા ને શરીર હલ્યું. મહામહેનતે બેઠી થઈ પણ એમાં તો જાણે ભવ આખાનો થાક લાગ્યો. બાની મારી તરફ નજર ગઈ તે ફોન કાપીને મારી પાસે આવ્યા. મને થયું કે બા ફોનમાં જે બોલી હાચું નો હોય તો કેવું સારું. બાએ મારા કપાળ પર હાથ મૂક્યો, ‘અરરરર, આખી રાત આકડાની ટીલડી ચોંટાડી રાખી પણ તાવ તો ઉતરવાનું નામ નથી લેતો લે. તાર બાપુને ફોન કરું કે આને તો દવાખાને લઈ જાવી પડશે…હર્ષા, વાશ શેની આવે છે?’

આવું બોલીને નાકથી ઉંડો શ્વાસ લઈ બદબૂ પારખવા બાએ મારી છાતી સુધી ઓઢેલું ગોદડું ખેંચીને આઘું કર્યું ત્યારે મને ખબર પડી કે મારી કેડ હેઠેના ભાગમાં મને ખાલી ચડી ગઈ. સાથળમાં તમતમાટ થયો. મેં જોયું તો મારા બે પગ વચાળ લોહીનું નાનું ખાબોચિયું છલકાણું હતું. મને સાધ આવી કે હજીય મારા બે પગ વચ્ચેથી ટીપે ટીપે લોહી નીતરે છે. બાના અવાજનો રણકો બદલાયો, ‘અરે વાલામૂઈ…હાશ…તેં તો ગાભો બગાડ્યો!’

હું અંદરથી આખી થીજી ગઈ. હાથપગ ઠંડા પડી ગ્યા. ગોદડામાં થોડાક ભીના ને થોડાક જામી ગયેલા વિચિત્ર દુર્ગંધ મારતાં લોહીના ખોબોચિયાને ફાટી આંખે જોઈ રહી. શ્વાસ લેવામાંય તકલીફ પડી. એકસાથે બધાય ગણિતના આંકડા મળી ગ્યા ને આવનારા સમયના ભાગાકાર-ગુણાકાર વિચારીને આખા ડિલે કમકમાટી વછૂટી. હું સાદ કાઢીને એવું રોઈ પડી જાણે ઠેઠ ધારકી પાંહે મારો અવાજ પોગવાનો નો હોય વળી ! મારું ફિક્કું પડેલું મોઢું ને છલકાયેલું રોણું જોઈને બાએ હરખ ભરેલો ધબ્બો માર્યો, ‘નભ્ભાઈ, તને ખમ્મા. રાંડ રોવા શીદને બેઠી સે? મારે તો આજ લાપશી કરવાની થાય છે. માતાજીએ લાજ રાખી!’

સ્રોત

  • પુસ્તક : એતદ્ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : કમલ વોરા, કિરીટ દૂધાત
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2022