Mari Champa no Var - Short Stories | RekhtaGujarati

મારી ચંપાનો વર

Mari Champa no Var

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
મારી ચંપાનો વર
ઉમાશંકર જોશી

લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંબરે પગ માંડતી હતી ત્યાં એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરાં બે વરસ પણ નહીં માણેલું એવું લગ્નજીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી હતી થઈ ગઈ. માત્ર, પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌન્દર્યની કૂંપળ જેવી ચાર મહિનાની ચંપા એને મૃત્યુને તેડતાં રોકતી હતી.

સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મૂએલાને નિંદી જીવતીને ઘણી વાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમિયું વળી આવીને કાનમાં કહી જતું, “કોઈ દુશ્મને મૂઠ મરાવેલી; નહીં તો તારા વરને ક્યાંય નખમાંય રોગ હતો. એના સુખની કેટલાને અદેખાઈ હતી તે!”

ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનુંમોટું પોતાની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો હતો. વાંક હોય તો હતો લક્ષ્મીના સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો.

અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો! પેલા ભરચક લહરિયાળા વાળ એને મળ્યા હતા તે દિવસે વાળની એકેક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયાં હતાં. પણ ભૂંડાથી પોતાથી જીરવાયું નહીં! અને આજે વાળ, ફળાઉ ઝાડ ઉપરથી નમૂળીની વેલઝૂલને પીંખીને ફેંકી દે એમ, લક્ષ્મીના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયાં! અને, પહેલાં હાથ પર કંકણ જરીક રણકી જતાંને તો તો મોટા બે આકાશી ગોળા જાણે અથડાયા હોય એવો માણસોનાં હૃદયોમાં બુંબારવ થતો.

પણ બધું સમેટાઈ ગયું!

કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શેં જીરવાશે; તો વળી નારીજગતનું કોઈ પિછાનદાર પ્રાણી વૈધવ્યને સહ્ય કરવાના ઇલાજો પણ લક્ષ્મીને પઢાવી દેવા તલપાપડ થઈ જતું; કોઈ સમદરદી વિધવાથી લક્ષ્મીનો શોક સહ્યો જતો :

“તે આમ ઘેંશછાશ કરીશ તો તું ભલે મરે, પણ સાથે છોડીએ શાં પાપ કર્યાં છે તે..?”

“તું કાંઈ નવાઈની રાંડી છે? બાઈ માણસ છીએ તે નસીબે રાંડપણ પણ આવે...”

“સાચવી લેતાં આવડવું જોઈએ, બા! પેલી ચતુર તેર વરસની રાંડેલી તે જુઓ છોને આપણી આંખો તળિયે તીસ વરસની થઈ! કેમ ગંગાબહેન, બોલતાં નથી? તમારી બહેનની છોડી ને કાશીબહેન, તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રાંડી તેય કોઈ જાણે છે જરી? સમય સમય પ્રમાણે વરતી લેવું જોઈએ, બા! આપણે તો એટલું સમજીએ....”

“ને હેં! દુઃખ તો સૌને છે. કોને નથી? હેવાતનમાંય ઘણીઓ નરક જેટલી આપદા ભોગવે છે; ને કોઈ રાંડીખડી વળી સુખથી આયખું પૂરું કરતી આપણે ક્યાં નથી જોતાં?”

“હવે તમે પંચાત મૂકશો? રાંડેલાંની ને માંડેલાંની, આખી દુનિયાની વાતો લઈને આવ્યાં છો તે! બિચારીને રડાવી રડાવીને અધમૂઈ કરી નાખી.”

બોલનારા કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું : “સારું થયું તેં સૌને ચૂપ કર્યાં!”

“વારુ, બાપ, છોડી પર દયા રાખજે, ને બહુ રોઈશ મા!...”

“સુખ ઓછું આખી જિંદગી હોય છે?”

“કંઈ કામકાજ હોય તો બેલાશક કહેજે. મારા કિશોરને મોકલીશ...”

“હવે જાઓ છો તમે કામકાજવાળાં?” કહી પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યાં. અને પછી, સૌ તો શું રોયાં હતાં રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાની રહીને એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકીટશે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી : સૌને તમે ધમકાવીને છાનાં કર્યાં, ને પોતે કેમ આટલું રોતાં હશો?”

“તું જાણે, લક્ષ્મી!” કહી રામી કાંપતી પાંપણે લક્ષ્મી સામું જોઈ રહી. પોતે ત્રીસ અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ હતું. એનો વર બાળદશામાં ગુજરી ગયેલો.

“શું જુઓ છો?” અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, “આટલા અચંબાથી તો એમણે પણ મારી સામું નહીં જોયું હોય.” અને એટલું બોલતાં તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈને રામી બોલી : “એટલે તો કહું છું, રડ મા, લક્ષ્મી! જો, પાછી હું પણ રોવા મંડી પડીશ હોં!” અને પછી પાલવથી લક્ષ્મીનાં આંસુ લૂછતાં લૂછતાં એકદમ પુરુષના જેવો અવાજ કરી દઈ બોલી : “વિધવાની ગત વિધવા જાણે. તારે તો હજી હવે એકલાં જીવવું છે અને મેં તો એવું કેટલુંય જીવી નાખ્યું. ગભરાઈશ નહીં જરીકે.” અને જરીક પાછા હઠી એની સામું તાકીને કહેવા લાગી : “હું તો જોઈ રહી છું કે શું રૂપ છે! માથેથી વાળ ગયા તોય ને એ! હાથ ચાટૂડા સરખા થઈ ગયા તોય રજ પણ ખામી પડે! કંઈ નહીં, લક્ષ્મી, રડ્યે શું વળવાનું હતું? લગીરે ગભરાઈશ નહીં. તારો ધણી ફૂટ્યા કપાળનો હશે તે કાળનો કોળિયો થઈ ગયો, તું તો નથી...”

ત્યાં નાની ચંપાએ ઘોડિયામાં જરી અમળાઈને પડખું ફેરવ્યું એનાથી બંનેનું ધ્યાન જરીક તરફ ગયું.

“લોકનિંદા? લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે.”

ઘોડિયામાં ચંપાએ જરી ઉંકારો કર્યો. લક્ષ્મી રામીની બેધડક વર્તણૂકથી ડઘાઈ જઈને સૂનમૂન બેઠી હતી, એણે ઘોડિયા તરફ આંગળીનો ઇશારો કર્યો ને અંધારાં આવતાં હોય એમ આંખો મીંચી દીધી.

“એ સાંભળી જશે? કેવી ઘેલી! એય મોટી થશે એટલે ઘણીય સમજશે કે...”

ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું, ને મોટેથી રડી ઊઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, “એનું શું?” અને ઊઠીને ચંપાની છાતી સરસી લઈ લડાવવી લાગી : “બાપ, મેં તો, સત્તરઅઢારે કાઢ્યાં છે, તારે તો હજી...”

“સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે”, કહીને રામી ચાલતી થઈ.

ચંપાને લક્ષ્મીએ એકાંતમાં આંસુથી ને વહાલથી નવરાવી, અને એની સાથે અનેક વાતો કરી :

“પેલી દુરગા મારી વાલેશરી થઈને કામકાજ કરવા એના કિશોરને મોકલવા તૈયાર થઈ! ને રામી? એને તો આખી દુનિયાથી જાણે વેર હોય! પર એનું શું! ને એનું માનું તો મનેય શું? પણ બાપ, તું તો જીવતી મરેને!... શાં લોક છે! એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી? મારે મારું ઘર ભલું, ઘોડિયું ભલું! આટલી તું મોટી થાય, તને આબરૂભેર પરણાવું, તું તારે સુખી થાય, ને પછી એથી મારે વળી શું વધારે સુખ જોઈતું હતું? જો કેવી હસી પડી! જરી મોટી થઈ જા! પછી તો આપણે બેઉ વાતો કર્યા કરીશું, ને ઘર ભર્યું ભર્યું લાગશે. ને આયખું જતાં શી વાર?... પાછી કેવી ઠાવકી બની ગઈ! લે, હવે બહુ મચકો નહીં!... એમ? ત્યારે તું ભૂલે છે. તું મને હજી ઓળખતી નથી. હું લક્ષ્મી નથી, ચંપાની બા છું.”

ચંપાની બા!

લોકોએ જોયું અને કહ્યું : “આજ લગી રાંડી તો એક લક્ષ્મી છે.”

“ધણી મૂઓ ને લક્ષ્મીય મૂઈ!”

“ક્યાં પહેલાંની રૂપરૂપનો અંબાર લક્ષ્મી ને ક્યાં કૂબડી?”

કીકીઓ પર પાંપણોના પડદા ઢળી ગયા, ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ બિચારા નજીક હોવો જોઈએ એવી બે વસ્તુઓની પેઠે, ખીચોખીચ ભરેલી મોટરબસમાં પારકાની પત્ની ને પારકીનો પતિ મનોમન સમજીને અડોઅડ સાવ સંકોચાઈને બેસી રહે એમ, સૂનમૂન પડી રહેતા. શરીરનાં અણુપરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં લંબાઈને બબ્બે ત્રણત્રણ સમાઈ ગયાં. અને સાડલામાં શરીર સરખું કંઈ હોય નહીં એવું જાણે લાગતું.

દુરગાનો કિશોર કંઈ કામકાજ હોય તો કરી આપવા બેચાર વાર આંટા ખાઈ ગયો. રામીએ વળી કોઈ કોઈ આગળ લક્ષ્મીની ભાળવણી કરી હશે તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા. પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી બેઠી કાં તો વાસીદું ઉસરડી રહી હોય, કે કળશ્યાવાસણ કરતી હોય, કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય, અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું હતું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, દુનિયા શેની? લક્ષ્મીને તો એને એની નાની ચંપા. ચંપાની સમોવડી થઈને એની જોડે જીવ્યા કરતી. ચંપાને બેત્રણ વરસ થયાં એટલામાં તો લક્ષ્મી વીસત્રીસ વરસ ઘરડી થઈ ગઈ. રામીએ એક વાર નાની ‘ચાંપલી’ને લાડથી ટપલી લગાવતાં કહેલુંને કે “રાં..., તું લક્ષ્મીને ખાઈ ગઈ!”

પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ. ઘરમાં, ઢોરની સાથે ઢોર થઈને, ગાયભેંસના દોઝમાંથી થોડું ખરચ કાઢતી અને બહાર મોસમવાર ઘાસ, લાકડાં, મહુડીડોળ કરીને કાંઈક મેળવતી. દયણાંખાંડણાં તો ખરાં જ.

આમ પોતે દળાઈખંડાઈને ચંપાને ખીલવવામાં મશગૂલ રહી, ને વરસ પછી વરસ ગયાં તે જણાયાં પણ નહીં. પોતાની બધી આશાઓ દીકરી સાથે એણે એકરૂપ કરી દીધી હતી. ચંપા સિવાયનાં લોકોને તો ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોક વાર વર્તતી. એણે કોઈ પુરુષ વિશે જવલ્લે કદી વાત કરી હશે. માત્ર ચંપાના વરની વાત ઘણી વાર એના મોઢામાંથી હોંશભેર સરી આવતી. ચંપાની ગોઠણો એને એકાંતમાં ચીમટો દઈ ચીડવતી હશે એથીય વિશેષ સહીપણાથી લક્ષ્મી એને પજવતી, અને પછી સંતોષથી કહેતી : “તું પરણી ઊતરે એટલે હું મારે જનમારો જીતી.”

કોઈકે એક વાર કહ્યું : “લક્ષ્મી, ચંપા તારી દીકરી નીવડી તો ખરી, હોં! બરોબર તારો ઘાટેઘાટ ઊઘડ્યો છે!”

ચંપા સાંભળતી હતી. તે પોતાની બાની સામું જોઈ રહી અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એના મનમાં નિરાશા પણ થઈ.

“હા, હા, કાળો! સત્તર વાર કાળો. હુંયે કાળી છું ને તારો બાપે કાળો હતો. તું ક્યાંથી ગોરી પાકી આવી? કોઈ કાળો ગોતી કાઢવો છે, યાદ તો રાખ!” લક્ષ્મી રાતે ઊંઘી જતાં પહેલાં અંધારામાં સૂતાં સૂતાં ચંપાને ચીડવતી હતી. પંદર વરસ સુધી બિચારીએ કોઈ પુરુષની સામું પણ જાણે જોયું હતું. કોઈની જોડે વાતચીત પણ ભાગ્યે કરી હશે. હવે અત્યારે સૌ ચંપાના વરની પંચાતમાં નવરાં થતાં હતાં, ત્યારે ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ હતું નહીં. અને ચંપાની તો ભાવ–સદ્ભાવ–થી ગોઠણ હતી, એટલે બે જણ સહેજ નવરી પડે કે ચંપાના વરની તેવડમાં ગપાટે ચડી જતાં. ચંપાને તો બધું નવું નવું, કોડભર્યું, ઉમળકાભર્યું હતું, પણ લક્ષ્મીને માટે જૂના જીરણ કિલ્લાઓ પર નવો ઘસારો હતો.

કોક વાર ઘરડી થઈ ગયેલી રામી બારણે ફરકી જતી ને કઠોર અવાજથી બોલતી : “હવે ક્યારે લપમાંથી છૂટીશ? મોટી નવાઈની દીકરીવાળી!”

બન્યું એવું કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્કવિતર્કો કરવા પડે? એનું બધું સંભાળનાર ક્યાં બા બેઠી હતી? લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણાવાલાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ સૂચનને ઉપાડી લીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની હતી. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા, એટલે ખર્ચખૂટણની ચિંતા હતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતીને?

ચંપાનું ચિત્તંત્ર પોતામાં ઉપાડી આણી ગોઠવ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવ ને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા : “બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએને?”

ચંપા બધે તોફાની, પણ આગળ જરી ઓછાબોલી હતી. દીવો રાણો કરી એક રાતે મા-દીકરી બંને સૂતાં હતાં ને લક્ષ્મીએ કહ્યું : “પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પૂછાવતા હતા... હા? હં! શું... કહે છે?” ઉત્તર નહીં મળતાં તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી અને એણે નકારમાં માથું હલાવ્યું તે જાણીને ચિડાઈ ગઈ. બોલી : “તો પછી એમ કહીશ તો કંઈ વર નવો ઓછો હાલ જનમવાનો છે? ડાહી થઈ જા!”

કોઈ મળવા આવનાર કહેતું : “એ ચાંપલી, આવી મા મળવી કળજગમાં દોહ્યલી છે હોં! એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ, ઘર, બાર તને દઈ દીધું છે ને પોતે ટૂંપાઈને પણ તને અછોઅછો વાનાં કર્યાં છે. કહે એમ કરજે. એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મરતું હશે બીજું?”

ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી.

“ત્યારે બા, તું કહેને?”

“હું શું કહું?”

“કેમ, ત્યારે કોણ કહે? તું બા છે તે તું સ્તો!”

“દીકરી તો તું છેને? પરણવું તે તારે છે કે મારે?” ને બંને હસી પડ્યાં. શાંતિ.

“તો તેં મને મોટી શા સારુ કરી?”

“તને આવડી કરી, તો હુંય આવડી થવા પામી. નહીં તો હું કંઈ ઘરમાં માઉં એવી હતી? તારી ખાતર ઘરબારણું પકડી રાખ્યું. એમ કે એક દિવસ તું મોટી થશે ને સારે આબરૂદાર ઠેકાણે પરણીને સુખી થશે.”

“આ વળી તારી આબરૂદારની વાત પાછી?” ચંપાએ છણકો કર્યો.

“તો હું ક્યાં તને કહુંયે છું? તેં પૂછ્યું એટલે તને કહ્યું, બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું... ને એમ તો પાછી યાદ રાખજે કે હું તો મારો જન્મારો તારી આબરૂ માટે જીવી છું.” લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ.

ચંપાએ લાડથી માને કહ્યું : “ત્યારે કહી દેને?”

“મારી પાસે કહેવરાવે છે, તો ભલે. પણ હું તો નાના નાના અણઘડ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો, ઠરેલ છે, આબરૂદાર છે, દુનિયા ભમેલો માણસ છે, ને પૈસાપાત્ર પણ છે.”

“એવડો મોટો?” ચંપાથી બોલાઈ ગયું.

“જો હવે બોલું તો કહેજે!... તે નાનો જોઈતો હોય તો સુંદરમાશીના દિયરને હજી કાલે છોકરો અવતર્યો છે. દોડા!”

અને હસવા જેવો પ્રસંગ હતો, છતાં ભોળાં મા-દીકરી બંને ખડખડ હસી પડ્યાં.

ગામના સૌ લોકોએ વાહવાહ પોકારી :

“મા તે આનું નામ, ને દીકરી તે આનું નામ!”

“લક્ષ્મીએ દીકરીનો ભવ સુધાર્યો.”

“બીજવરને પરણી મહાસુખ પામશે.”

“બિચારી લક્ષ્મી હવે એકલી પડી! શેં જીવશે?”

પણ લક્ષ્મી કાંઈ એકલી નહોતી પડી. એને હવે પૈસો કમાઈને એકઠો કરવાની જરૂર હતી. દૂધ સવાર-સાંજ રોજ માઇલેક છેટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘી, માખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોક કોક વાર આવે તો લઈ જાય.

જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા. મળતાવડા પણ બહુ અને લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ. પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીય એની બાળપણાની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલ સમી હતી. જમાઈ-સાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો ઝાઝી વાત કરી નહીં, એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણી વાર કલાકો સુધી વાતો કરતાં. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઊલટભેર કહેતી અને પૂનમલાલ ને તે બંને ગૌરીના દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતાં.

કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું : “શેના તડાકા ચાલે છે?… લક્ષ્મી, કોણ આવ્યું છે?”

“અરે...” લક્ષ્મી ભર્યાભર્યા અવાજે જવાબ આપતી : “મારી ચંપાનો વર.”

વહેલી રાતે શેરીનાં બે-ચાર જણાં મળ્યાં ત્યારે કોઈએ કહ્યું પણ ખરું : “હવે કેવી લક્ષ્મી ખુશ રહે છે દીકરી પરણાની દીધી એટલે?”

“ખરું સ્તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી?” બીજીએ ટાપસી પૂરી.

ટોળામાં કોઈ નવું આવીને બેઠું ને બોલ્યું : “લક્ષ્મી, દીવા વખતે કોણ હતું હું વાસીદું નાખવા જતી હતી વેળા?”

“મારી ચંપાનો વર.” લક્ષ્મી બોલી.

“ક્યાં છે?”

“એ તો ગયા એમને ગામ.”

“તે અંધારું થઈ ગયું હતું ને ગયા હોત તો?”

“આપણે તો કહ્યું, પણ પછી કેટલું કહેવાય છે?”

“કેમ, સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે?” કહીને આવનાર બાઈ છીંકણી લેવાના વધુ મહત્ત્વના કામમાં ગૂંથાઈ.

ઘરનું કંઈ નાનુંમોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા. ને હમણાં નવરી પડેલી લક્ષ્મીને કંઈ ને કંઈ નવું કામ સૂઝી પણ આવતું. માંવટીનો છેડો ફસકી ગયો હતો તે બરાબર કરાવ્યો, બારણું બરાબર વસાતું હતું તે ઠીક કરાવ્યું, ગાંધી વધારે પડતા પૈસા માગતો હતો તેનો બરોબર હિસાબ કરાવી લીધો. ત્રણ વેતરની એક ગાય હતી તે ઠીક પૈસા ઠરાવીને સારે ઠેકાણે વેચી દીધી.

“આ અભરાઈ ક્યારે મૂકી, લક્ષ્મી?”

“કોણે લાવી આપી?” બીજીએ પૂછ્યું.

“નસીબદાર છો, બાઈ! નહીં તો કાંઈ બધા જમાઈ આવા નથી હોતા.”

કોક વાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે! હાંસીમાં કોઈ હસતું હશે, એની તો એને કલ્પના પણ આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબવ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં પંદર વરસ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે એની જોડે તો બોલવાની, બોલવાની ને બોલવાની.

પણ ક્યાં કોઈ ‘ન બોલ!’ એમ કહેવાયે આવે છે? અને કેટલાંય વરસોથી, કેટલાય જનમારાથી કોઈની પણ જોડે કદી બોલી હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન રહેતું.

“ચાલો, પૂરું કરો હવે! મારે મોડું થાય છે... તમે ને આંબા નીચે ગયાં ત્યાં સુધી તમે કહ્યું.” પૂનમલાલે ઊભા થઈને અંધારું થઈ જાય તે પહેલાં ઘેર પહોંચી જવા માટે તૈયાર થતાં થતાં અધૂરી વાતનો તાંતણો મેળવી આપ્યો.

“મોડું તો થઈ ગયું છે, શી રીતે અંધારામાં જશો?”

“રોજ જાઉં છું કે આજ નવાઈ નો? ચાલો, ચાલો, વાત પૂરી કરો.... હં! તમે ને આંબે પહોંચ્યાં, પછી?”

“હા; રોજ રોજ મોડું થઈ ગયું હોય તોય જવા દઉં છું એમાં સૌ વઢે છે તો મને હોં, તમને નહીં.”

પૂનમલાલે બહુ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું : “અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે?... હં, હં, પેલી વાત?”

“સસરાને ત્યાં તે રહેવાની વળી નવાઈ હોતી હશે?” પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત્ બોલી ગઈ.

“તમે કહેતાં’તાં વાત કહી દોને એટલે ઊપડું. ઊલટું વધારે મોડું થાય છે.”

“તો કંઈ નહીં; કાલે. આજ ઉપર કંઈ છાપ છે?” લક્ષ્મીએ સાવ થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને ખોટું લાગ્યું છે, એટલે નચિંત્ હોવાનો ડોળ કરીને થોભ્યો. જોકે ખરી વાત તો હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સંભારીને ગૌરી વિશેની વાત કહેતી હતી પૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું પણ ખસાય એમ હતું.

“ચાલો, ઊભો. હવે તો કહેશોને?”

હસીને લક્ષ્મીએ કહ્યું : “એમાં છે શું? કાલે કહીશ. કહીશ તમે ફરી આવશો ત્યારે.”

“ના, ના; અધૂરી તો રાખો નહીં... હં.. આંબા નીચે, પછી?”

“પછી, મેં એક પથરો વીંઝીને આંબા પર નાખ્યો. કાંઈ કેરી તો પડી, પણ બે બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ...”

“હં!” જવાની ઉતાવળમાં, વાતમાં કંઈ ખાસ રસ પડતો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો : “પછી?”

“પછી ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઊંચક્યો ને વીંઝ્યો તો ખરો, પણ હાથમાંથી પથરો ફેંકાયો નહીં. ધબ્બ દઈને નીચે પડ્યો... ‘હાથ ઊતરી ગયો રે,’ એમ જોસથી વાડ તરફ જોઈને બૂમ પાડીને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહીં હોય. હું જરી હાથ બરોબર કરવા મથી, પણ અડવા જાઉં કે ગૌરી છળી ઊઠે. સારું થયું તે એટલામાં રઘા ખેડુનો દીકરો એણી ગમ આવી ચડ્યો; એણે બે આંચકામાં હાથ બરાબર કરી દીધો. ચાર કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ સહેજ ચૂકી ગઈ. રઘા ખેડુનો દીકરો તો ખળા ભણી જતો હતો, ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું રોઉં કરતાંય ગૌરી દિવસે ઝાઝું રોઈ હશે. રુએ ને વાડ ભણી જુએ! નાની, પણ કેવી ભલી!”

પૂનમલાલ ડઘાઈને ઊભો રહ્યો હતો. એને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે, ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી? એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો : પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે જોઈ, ચુપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહીં; ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબું ડૂબું થાય છે, અને રંગબેરંગી વાદળાંની ભોં આગળ, જેને આવતે આંબાગાળે તો પરણવાનો છે ગૌરી એક મામૂલી ખેડુના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઊછળતા લોહીને એમ સૂઝ્યું કે હાથને પથરો લગાવી ભાંગી નાખવો. પથરો ફેંકીને નાઠો. ગૌરી સાજે હાથે ફરતી, એટલે પોતે ગોત ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદીક ગૌરીને વિશે પૂછેલું, પણ તો પીઠ બતાવીને કહેતી કે : “આ અહીં આવતો વાગ્યો હતો; કપાળમાં વાગ્યો હોય તો, હાશ, કેવું સારું થાત! દોડતા દોડતા પરણવા કોને આવત?”

બધું યાદ કરતાં કરતાં પૂનમલાલનું મગજ ગૌરી કરતાં લક્ષ્મીથી ભરાઈ રહ્યું હતું, અને ગૌરી વિશે થતું હતું તો તે એટલું કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું? વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામું પણ જોવાની પોતાની હિંમત થતી પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો માનિની છોકરી પોતાનું શું કરત એય એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે, મારાથી એવી લક્ષ્મીને પથરો મરાઈ ગયેલો... અને માઇલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફુરી પણ નહીં. એના દીવાને અજવાળે તો ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો... અત્યારે તો એને થતું હતું કે પોતે પથરો મારનાર હતો કહેવું શી રીતે? વાત નહીં જેવી હતી. પણ એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં છે. પ્રસંગ જેવો હતો, અને સમય પણ.

“ખોટું બોલો છો. પથરો એને વાગ્યો હશે એટલે રોઈ હશે,” કંઈ સૂઝતાં, એણે ભળતું બોલી નાખ્યું.

“ના, ના; હું શા માટે ખોટું બોલું? જુઓ, હજી...” અને કબજાની બાંય થોડી ઊંચી ચડાવી કોણીથી સહેજ ઊંચે એણે ઘા બતાવ્યો : “જુઓ, હજી ઘા રહ્યો.”

“કંઈ ચોંટેલું હશે. ઘા જેવું નથી લાગતું.” સમજ્યા વિના પૂનમલાલે બોલી દીધું.

અંધારું વધતું જતું હતું, પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો એની તરફ ખસી બોલી, “જુઓને, જૂઠું શા માટે બોલું?” ત્યાં પૂનમલાલે એની તરફ ખસીને આંખ તીણી કરી હાથ તરફ જોઈને કહ્યું, “શું છે, શેના ઘા ને શેનું કંઈ?” લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આમળીને ઊભી હતી, બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી; તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું. પણ “ના, ના; લાગેલું છે,” એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું, ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુઅણુએ સાંભળ્યું.

બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢ્ઢી રામીએ અમસ્તો ટહુકો કર્યો : “લક્ષ્મી!” અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના ચાલી ગઈ. “હાશ!”

વરસો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લાં વરસો ચંપાના વરથી ભર્યાં હતાં. ગૌરીની વાતોથી પણ એણે પોતાનો ઠીકઠીક સમય પસાર કર્યો હતો, અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ હતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી, એને લગતા ખ્યાલથી પોતાનું આખું જીવન ભર્યુંભર્યું રાખતી હતી. હવે પોતાના નામથી, પોતા વિશેના વિચારોથી જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતાં તણાતાં રીતે રહેવું પડે તેમ રહેવા એના મનને એણે કેળવી દીધું હતું. કંઈ ધ્યેય નહીં, આડાઅવળા જવાની અધીરાઈ નહીં. સમાજની માઝામાં રહીને ચાલવું. બસ સમાજની એવી ઇચ્છા હતી, અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પરોવાઈ જવું. ભલે. સમાજે એને ચંપાનો વર આપ્યો. ભલે.

કીકીઓની નવી ચમકથી પોપચાં થોડાં અધ્ધર રહેતાં થઈ ગયાં. હોઠ, કોઈ અદીઠ પવનલહરીથી હાલતા પાંદડા પેઠે, અંદર અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણું વરતાવા માંડ્યું.

કોઈ કહેનારે કહ્યું પણ ખરું :

“દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસીલી તો નહોતી.”

જોકે એમ કહેવું કંઈ વધારે પડતું તો ખરું જ. ‘કંઈક’ એટલા માટે કે કોઈ વાર તો કથન અલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે હોંશની જો વાત કરતા હો તો પોતાના પતિને હોંશભેર મળવાની એક નવવધૂને સમાજે તકો આપી છે તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે.

ચંપાને થતું કે, માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા ઝાઝું જતી નહીં. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માઝા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને કેમ આવ સાવ ભુલામણે નાખે છે!

ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી.

આજ તો નહીં, પણ આવતે સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થયું. પણ વચમાં શનિવારે અચાનક લક્ષ્મીને કોઈએ આવીને અધ્ધરશ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમારી થઈ આવી છે. લક્ષ્મી એક ક્ષણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચીને તરત જમાઈની સારવારમાં રોકાઈ ગઈ.

“ચંપા, રોઈશ મા. ઝાઝી માંદગી નથી. હમણાં ફેર પડી જશે.” અને એને દવા લઈ આવવાનું કહી પોતે ઓશીકા પાસે બેસી પૂનમલાલું માથું દબાવવા લાગી.

પણ માંદગીમાં ફેર પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતાં.

ત્રીજા દિવસની રીતે માંદગી ભારે હતી. પૂનમલાલથી બોલાતું પણ હતં. ચંપા ખાટલાને છેડે બેસીને પગ દબાવતી હતી.

“માકોરબાઈ, તમે તે ક્યાં સાસરિયાં છો? પણ ચંપા, ઘરડા માણસના દેખતાં જરી લાજમરજાદ રાખીએ. ખાટલા પર બેસીએ તો શું? લાવ, ખસ, નહીં તો હું પગ દબાવું.”

માકોરબાઈ સગડી આગળ ઝોકાં ખાતા હતાં તે ઝબકી ઊઠીને ચિંતાથી જોવા લાગ્યાં કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોર ને લક્ષ્મી બંને કરોડ કરોડ વરસ નરકમાં રહે એમ મૂંગેમૂંગે શાપ આપીને નિઃશ્વાસ નાખ્યો.

દિવસ ને રાત એક આસન લક્ષ્મી ઓશીકે બેસી રહેતી ને એકાગ્રપણે સારવાર કરતી. કોક કોક વાર પૂનમલાલ આંખો ખોલતો ને જુદાં જુદાં મટકાંમાં એક ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા છવરાતી. કોઈ વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈ કરે તો લક્ષ્મી પોતાના દરદીને સાચવવાની ફરજ કુશળપણે બજાવતી અને “જરી જંપ્યા છે ત્યાં...” કહી ચંપાને છણકાવી કાઢતી.

બાના હદબહાર વધી પડેલા વહાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારના અંધારામાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. “ચંપા, ગંગાજળ લાવ જો!” “ઝટ કરને, ચંપા, પેલી સોનાની કરચ લાવને!” “અરે, નઘરી, તુલસી ક્યાં મૂક્યાં?”

હવે શોધો કે ના શોધો, લક્ષ્મીનું બાવરાપણું પણ થીજી ગયું; એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈ ને નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર શો હતો?

ભેગા થયેલા માણસોએ શબને ભૂમિ પર ઉતાર્યું.

લક્ષ્મી બીજી વાર રાંડી.

“તું રો મા, ચંપા. હું ક્યાં રોનારી બેઠી નથી?”

“હા, હા, લક્ષ્મી સાચું કહે છે. તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ.” બીજી કોઈ બાઈ બોલી.

“હા; દીકરો અવતરશે તો કશી ખોટ નહીં રહે. ભલી હોય તો ઊગતા જીવને ટૂંપી ખા મા!” ત્રીજીએ ટાપસી પૂરી.

અને રોજ એમ સૌ ચંપાને સમજાવતાં ને એને રોવા દેતાં નહીં. લક્ષ્મી ભલે રુએ. પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે દે, લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું રહ્યું હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા કર્યું. ખાધું, પીધું, આરામ લીધો.

“બાઈ, આપણા મુલકમાં આવી મા પાકવી મુશ્કેલ છે.”

“આ આટલી નાની થંપા હોત તો તો એના વર જોડે મરી જાત.”

“ને જીવી તેય મૂઆ જેવી ને?”

“જીવી આટલી છોડી કાજે. ઓછું એને જીવવું હતું?”

“ને ચંપા પરણી એટલે તો બસ શું ઘેલીઘેલી રહે!”

“રહે ને? ચંપા કાજે તો એણે આવરદા કાઢ્યો હતો.”

“હવે તે, ચંપાનું દુઃખ જોવા હારુ જીવે? સારું થયું તે એને ભગવાને ટાણે મોત મોકલ્યું.”

“લક્ષ્મી ગઈ. પણ એવી બીજી થવી મુશ્કેલ છે.”

કોઈ જીભ લક્ષ્મીનાં વખાણ બોલતાં થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાંને દુભાવીને પણ સમાજને ક્યાંય દુભાવ્યો હતો, ચંપા જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી.

બે મહિના પછી એને દીકરી અવતરી, ત્યારે આડોશીપાડોશીએ આવકારી તો નહીં, પણ પછી સૌએ મન મનાવ્યું : “દીકરી તો દીકરી, બાઈ; દીકરીએ દીવો રહેશે.”

દીકરી મોટી થતી ગઈ ને પોતાની નાની બાને પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ.

અને ચંપા, બાનું વેર લેવા જાણે, બમણા વહાલથી દીકરીને ઉછેરતી રહી.

સ્રોત

  • પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા