પ્રાણજીવન મહેતા
Pranjivan Mehta
આ એક અતિ અજાણી પ્રેમગાથા છેઃ મણિ-પાણની પ્રેમગાથા. અગાઉ સચવાયેલ-લખાયેલ કે વળી થોડીઘણી ભૂંસાયેલ બધી ગાથાઓથી જરી વેગળી ને વધુ નહીં વિસ્તાર કે પ્રસ્તાર પામેલી એવી આ ગાથા સ્મૃતિમાં સચવાયેલી પડી છે. થોડી સંકોરી વધુ સંસ્કારી અહીં પ્રથમ વેળ પ્રસ્તુત કરું.
મૂળ મુશ્કેલી એ છે કે આ પ્રેમગાથાનાં પાત્રો મણિ–પાણમાંનું એક પાત્ર હું જ છું. અને મારે જ એ ગાથા રચવાની રહી. આ ગાથામાં મારું વળગણ મારી પ્રશસ્તિ કે મારાપણાના કેટલાક અંશો આપમેળે ઉમેરાઈ જાય તો, ભવિષ્યમાં ફેર આ કથાનું કોઈ અભ્યાસીના હાથે સંપાદન-સંશોધન થાય તો અને ત્યારે સુધારીવધારી કે વળી મઠારી લેવાના સહુ સગડ અત્યારે જ શોધી લેવા.
અહીં વાતમાં હું વચ્ચે નહીં આવે, છતાં મણિ–પાણની ગાથા હું આ મુજબ કહું.
શરૂઆત કરતાં કહું, મણિ નામે એક મોહિની, કચ્છના કોઈ એક ગામડેગામ વસતી. હજુ તો એને ઉંમર ફૂટી નહોતી તે પહેલાં જ એના મનમગજમાં સમજણ-શાખાઓ ફૂલીફાલી ચૂકી હતી. સમજણની એક શાખા ઉપરનાં બધાં પર્ણો પર એવું કંઈ મણિએ લખેલું ભાળેલું કે માત-તાત જે ઠામઠેકાણે કરદાન કરે તે ઘેર અઢી વેંતનો ઘૂમટો તાણી વરને વરદાન માની સ્વીકારી સંસાર માંડવો. પેલી સમજણ શાખા ઉપરનાં બધાં પર્ણ પાનખરમાં સુકાઈ ખરી પડેલ પણ મણિએ તો એ ખરી પડેલાં પર્ણો ઉપર લખાયેલ વાતશબ્દોને વીણી વીણી હૈયામાં સંઘરી રાખેલ. મણિની આ હૈયાઉકલત કહો તો તેમ અથવા પરંપરાગત પ્રથાનું આગવું પ્રદાન ગણો તો વળી તેમ પણ ખરું. પણ આ હકીકત છે.
થયું. આ મેર કચ્છના જે એક પછાત ગામડાગામે જન્મી મોટા થવા મથતા પાણ નામના પથ્થર-પાળિયા ઉપર કોઈકે અખરમંતરના બે છાંટા છાંટી સળવળતો કર્યો. જનમના સંસ્કાર પૂરા થયે સંસ્કારના જનમમાં આળોટ્યો. જનમ મૂળે ધૂળિયે ગામ. વરસ બેચાર ધૂળમાટીમાં આળોટી મોટો થવા મથ્યો. મથામણમાં ને મથામણમાં ડિલે જેટલું વજન હાડચામનું એથી અદકેરું વજન ધૂળમાટીનું લઈ ગામડેથી શહેર ને શહેરથી ગામડે રઝળ્યો. ફરતો રહ્યો ફૂમતડીની જેમ. આ હરફરમાં ડિલ ઉપર ખડકાયેલા ધૂળમાટીના ઢગ હેઠ ખરી પડતાં સાંઠીકડા જેવા પાણે મુંબઈ ગામને મુકામ ગણી મોટા થવાના શ્રીગણેશ માંડ્યા.
આમ મુંબઈ ગામે મોટા થવાના શ્રીગણેશ તો મંડાયા પણ એ સમા દરમિયાન મણિ–પાણના સ્વસ્તિક તો ગામડેગામ ચીતરાઈ ચૂકેલા. થયું એવું કે સ્વસ્તિક ચીતરનાર ચિતારો અણઘડ હશે ને અભ્યાસી નહીં હોય તે એણે સ્વસ્તિકની એક પાંખ કંઈક લાંબી-પહોળી ચીતરી મૂકી અને બીજી પાંખ કાં’ક ટૂંકી ને ટચાક. પત્યું. કહેવાનું એટલું જ કે મણિ–પાણના વહેવારુ વહાલા વડીલોએ એ બન્નેનું બન્નેની જાણ બહાર જ બારોબાર ગોઠવી દઈ નિરાંતનો શ્વાસ લેવા ઘડી નિરાંત કરી અને બાકીના બધા ઉચ્છવાસ લેવાની જવાબદારી મણિ–પાણને માથે ગોઠવી. આ બારોબાર ગોઠવી દીધાની જાણ પણ બન્નેને એટલે કે મણિ-પાણને જરૂર પડ્યે જેવીતેવી કરીએ ખરી.
તો, વાત આગળ વિસ્તારતાં કહું હું. મૂળે તો પાણને એની વયના વસમા વરસે કે મણિને એની ઉંમરના અભાવની તરસે આ જાણની મુદ્દલે જરૂર જ નહોતી. પણ જે કર્યુંકારવ્યું વહેવારુ વહાલા વડીલોએ તેની ગાંઠ મનોમન બાંધી મણિ-પાણ સ્વસમજ મુજબ મોટાં થવા મથતાં રહ્યાં. ગામડે વસતી મણિને ડાબે અંગૂઠે કંઈક દર્દ જેવું ને જમણે અંગૂઠે પાટીમાં કાંક બે અખર ઉતારતાં આંખે અંધારાં ઊતર્યાં ને મણિને અખર ઉકેલતાં આવડ્યા નહીં મૂળેય. તે પછી પાટીને કૂવાથાળે પડતી મેલી પાણિયારે હેલબેડાં ઊંચકી ઊંચકી જાતને ઉશેટી, બેડાં ભરી ઠાલવી ઉંમરનો આંક મણિ ઉકેલતી રહી, ઉમેરતી રહી.
આ પા પાણ બગલથેલીમાં બે ચોપડીઓ મૂકી નિશાળે જાય. ચાર અખર શીખી થેલીનો ભાર વધારે ને વેંઢારે. ભાર વધતો જાય તેમ તેમ પાણ સાંઠીકડાને પોરસે એવો સાવરણીની સળી જેવો થતો જાય. શીખેલા અખરોને પાટી ઉપર કે વળી કાગળમાં કેમ ઉતારવા એની ગડમથલમાં ગૂંચવાઈ જાય ને આમ ને આમ મણિને સાવ વિસારે પાડે. ક્યારેક વળી વિચારે ચડી વિચાર પણ કરે શું વળી વીસરાઈ ગયું છે તે અને એકચિત્ત યાદ કરવા મથે. આખર કંઈ કશું યાદ ન આવે એટલે પાછો આછુંપાછું જે કાંઈ આવ્યું હોય તે પણ બધું ભૂલી-વીસરી જવા મથે.
મથામણ ચાલ્યા કરે. મણિ-પાણની મથામણ. મથામણ કરતાં કરતાં પણ બન્ને વયસ્ક ના થયાં તે ના જ થયાં, છતાં વર–વહુ થયાં. થયું. વહાલા વડીલોએ શુભ મુહૂર્ત શોધી કાઢી લગ્ન નક્કી કર્યું. ઢંગ વગરના ઢોલ ઢબૂક્યા. સૂર વિનાની શરણાઈઓ પણ બજી - ગુંજી. આંખોમાં આળોટતી અરધી નીંદરે મંગળફેરા ફર્યા. અઢી વેંતનો ઘૂમટો તાણી મણિએ પાણનાં ઘર ભાળ્યાં. ગૃહપ્રવેશ કર્યો. પાણને તો ચોરીફેરા ફરતાં થાક ચડ્યો. રાજ-વર બની ઘોડે ચડેલો. ઘોડો અને પાણ બન્ને વારાફરતી હાંફેલાં એ પણ ખરું. ચોરી વચ્ચોવચ પ્રગટાવેલા અગ્નિકુંડમાં કાચી ભીની કાઠી બળે. તણખા ઊડે ને ધુમાડો ચોમેર ફરે.
ધુમાડો જોઈ પાણ ચોરી બેઠો ઘડી વિચારે પણ ચડી ગયેલો. આ ધુમાડા આમ ફેલાઈ ઊંચે કેમના જાતા હશે? ચોરીફેરા ફરતી વેળા ધૂણી ધખાવી ગોર મા’રાજ શા માટે અગ્નિતણખાની સાક્ષીએ ગૃહશાંતિ માળ જપતા હશે? પાણને મનોમન થયું, કદાચ આ પ્રક્રિયામાં અગમચેતી ગોપિત હશે. સંસાર–માયામાં પલોટવાના કોઈ પેંતરા પણ હોય કદાચ. શક્ય છે બધું. ગુપિત અરથો ઉકેલતાં પાણને સમજાયું આ મોહમાયામાં અટવાતાં અગાઉ ધુમાડાથી ટેવાયેલા હોઈએ તો આગળ જતાં ધુમાડાનો સામનો કરવો સહેલ પડે. શક્તિ પણ અત્યારથી જ પ્રાપ્ત થાય અને ધુમાડાના આવરણ વચ્ચે આગળ વધવાની મથામણમાં કોઈ બાધા ના નડે. આવી બધી અગમચેતીને કારણ જ બધો સંસાર આપોઆપ ગોઠવાયો હશે એવું પાણ વિચારતો વિચારતો ચોરીમાં બેઠાં બેઠાં ઝોલે ચડી ગયેલો તે નાકમાં ધુમાડા પ્રવેશી છીંકો વાટે બહાર આવ્યા ત્યારે તેને જાણ થઈ કે પોતે ક્યાં ને પોતે કેમ ને વળી પોતે શું કારણ અહીં અગ્નિ વચાળ. સભાન થવાનો આછો પ્રયત્ન કરી પાણ પાછો પેલી પ્રક્રિયામાં પરોવાયેલો તે એને યાદ આવ્યું.
મણિ-પાણ આમ એકમેકથી સાવ અજાણ, અજાણપણે જ એક થયાં. એક તો થયાં એકમેકથી અજાણ છતાં એકમેકથી અજાણ જ રહ્યાં. એક થવા થોડી વધુ મથામણ પણ કરી. મથામણમાં માથું ખંજવાળતાં પાણ ઘડી વિચારે પણ ચડ્યો. કાચી ઉંમર ને કડવી કથા, માંહે ઉમેરે તું થોડી વ્યથા, થોડું અટકી વિચારતાં વળી આગળ વધ્યો. વ્યથા વાગોળી પછી લે તું ઓડકાર. આગળ જતાં આવશે તને અંધાર. ત્યાં અટક્યો. અંધારની વાત આવી એટલે આંખો મીંચી પડ્યો રહ્યો. પળવારે આંખો ઉઘાડી મણિ મેર જોયું. ઘૂમટો તાણી બે પગ વચાળ માથું ઘાલી મણિ શું વિચારતી હશે? એ પણ પાણે વિચારી જોયું. મણિ શું વિચારે એ પાણને કેમ જાણ થાય? એટલે સંવાદ નહીં જેવો રચાયો. થોડો આગળ વધ્યો. પછી પાછો છેકાયો, ભૂંસાયો અને આખરે અધૂરો જ રહ્યો. મણિ–પાણની આ આટલી ઓળખ થઈ એકમેકને એકમેકની તે બસ વરસો સુધી એમ જ સાવ અકબંધ રહી.
બનન્તિમાં આગળ આવું કંઈક બન્યું. માણસવશાત્ સંજોગાનુસાર પાણ મુંબઈ ગામમાં જ રહ્યો. મણિને પાછા ગામડેગામ જાવાનું થયું. થવાકાળ હતું તે જ થયું. પાણને હજુ બે અખર વધુ ઉકેલવાના બાકી હતા તે એણે તો અખર ઉકેલવાનો ઉદ્યમ આગળ વધાર્યો. મણિ ગામડેગામ ધૂળમાટીમાં પાણનો ચહેરો આંગળી–અંગૂઠે ચીરતી છાણાં–અડાયાં, બાવળ, બળતણ એકઠું કરતી વર્તમાનને વિસારી ભવિષ્યને ભાળતી પાણને પોતાના પડછાયામાં પેખતી રહી.
ક્યારેક છાણ એકઠું કરતાં બાવળશૂળ હથેળી વચ્ચે ભોંકાતી, સિસકારો નીકળી જાય. શૂળ કાઢતાં લોહીની ટશરો ફૂટે. હથેળી વચ્ચે ફેલાય. ને મણિ બેઉ હથેળી આંખો નજીક લાવી હથેળી વચ્ચે ફૂટેલી લોહીટશરોમાં પાણનો ચહેરો જોવા ઘડી મથે. પેલી અકબંધ પડેલી દાબડીમાં એકમેકની ઓળખ કેમેય તરે નહીં, તરવરે નહીં અને મણિ હથેળીને બેઉ હોઠ વચાળ દબાવી અટકળ કરતી સીમમાં પાળિયો ખોડાયો હોય તેમ ખોડાઈ જાય.
વરસ વીત્યું. બે, ચાર, એમ એકસામટાં વરસો વીતી ગયાં. મણિ ગામડેગામ. પાણ મુંબઈ નામ. પાણનો અખર ઉકેલવાનો ઉદ્યમ અધૂરો રહ્યો. ધૂંસરી જોતર સમેત તૈયાર હતી. જોડાઈ ગયો. થયું રોજનું રોજ જેવું. રોજ જાવું ને રોજ આવવું. રોજ ખાવું ને રોજ સૂવું. રોજ જાગવું ને રોજ ભાગવું. રોજેરોજ રોજેરોજનું થયા કરે. એ સુદર્શનચક્ર ક્યારેય અટકે નહીં. ખોટવાય કે ખોટકે નહીં. પાણ પણ ક્યારેક ભણેલા અખરોને પાછો ઉકેલવા મથતો. મનોમન વિચારતો - લૂગડાં પહેરી લડવા ગયો માણસ નામે મીર. પછી અટકી યાદ કરી સ્વગત બોલતો - લૂ લાગતાં ઘવાયો છેક ઊભો થૈ પાળિયા-પીર. પાણ-પાળિયાની અંદર બેઠેલો પીર ક્યારેક સળવળી જાગી જઈ, આળસ મરડી પથારીમાં પડખાં ઘસતો પડી રહેતો. પડ્યા પડ્યા મણિનો ઝાંખોપાંખો ચહેરો આછા અંધારામાં જોવા મથતો. હાથ હલાવી અડખેપડખેની ઝાંખપ દૂર હડસેલવા મથતો પણ આખર હોય ત્યાં ને ત્યાં. મણિનો ચહેરો મહામૂંઝવણે ભાળે, ઓળખે, અંકે કરે કે ના આ જ. મણિને સ્મૃતિમાં સાચવી રાખવા મથે ત્યાં દીવો પ્રગટાવતાં અંધારું દૂર થાય તેમ પળવારમાં સઘળું અલોપ થઈ જાય. તકિયે માથું ઢાળી ઘડી ખંજવાળી ખિન્ન ચહેરે છતને તાકી રહે ને છતમાંથી કાંઈ ઘેન જેવું ચળાઈને આંખે ઊંડે ઊતરતું જાય ને બસ આમ ને આમ દિવસ-માસ-વરસ વીતતાં રહે.
પાણને ક્યારેક થાય - લાવ કાગળ લખું. લખું વાતવારતા. પણ પછી પાણ મૂંઝાય. મણિને ડાબે અંગૂઠે દર્દ ને જમણે બેઠો ઝામર. પણેથી તો પત્ર આવવાની કોઈ આશા-આસ્થા જ નહીં. પાણને થાય લખું તો વળી શું લખું ને વાંચે તો વળી કોણ વાંચે. મૂંઝવણ આમ માઝા મૂકે ત્યારે પોતે જ પોતાને લખે - કાગળમાં ના ઊતરે કળતર. જીવ આપણો સૂડો-તેતર. અને અટકે. ઘડી થંભી જાય. પોતાને જ સમજણ પાડતાં પાછું ઉમેરે - ડૂમાનો ભરી દરબાર, લખવા બેઠો અખર ચાર - ને અટકે. આંગળીઓમાં કંપવા પેઠો હોય તેમ હથેળી ધ્રૂજે, પેનને કાગળ પર પડતી મૂકી લખ્યું હોય તે બધું એકીટશે તાકી રહે. પછી લખેલો કાગળ પરબીડિયામાં મૂકી પોતે જ પોતાના સરનામે પોતાને પાઠવે. આમ ને આમ ઘડીપળ, પહોર, દિવસ, માસ, વરસ વીતતાં ચાલે.
એકદા એવું બન્યું. પોતે પોતાને લખેલાં-બીડેલાં પરબીડિયાં પાણ ઉખેળવા. ઉકેલવા બેઠો. ઉખેળતાં-ઉકેલતાં અંદરનું કશું ઊકલે કે કળાય નહીં. લખેલા બધા અક્ષરો ઊડી ગયા ચકલી-સૂડાની જેમ કે કાગળમાં કેમ કશું ભળાતું-કળાતું નથી? શું ઊડીને બધા અક્ષરો મણિને ગામ તો નથી પહોંચ્યા ને? પાણ પોતે પોતાને પ્રશ્ન કરે ને પાછો ફેર પ્રશ્ન માંડે, છેકે, ભૂંસે. ઉત્તર ન મળતાં અકળાય ને છેવટ ફરી કાગળકિત્તો લઈ અખર ઉતારવા મથે. - કૂખે બાંધ કળતરકથા, આમ અથડાવું-કુટાવું સઘળું વ્યથા. વ્યથા વાગોળી લે ઓડકાર. પાણ અણસમજણનો ઓડકાર લે. ફરી પાછો વિચારે. એનો જીવ મણિના ગામે જવા અમળાય. વળી કાગળ ઉપર કોતરે. જીવ આપણો બાજરકણમાં બાંધે માળો. માળો બાંધવાની આશમાં પાણ આંગણમાં ઊડતાં ચકલાં-કબૂતરને એકીટશે ભાળી પોતાને ફેર સંબોધી કહે - ચાડિયાને તે શું પગ ફૂટ્યા જાણે! આ જાણેથી અજાણે સુધી પાણ પળમાં પહોંચી જાય અને પાછો વળે; પાછો વળે ને વળી આગળ જવા અમથો મથે.
ક્યારેક વા વાય. વાયરો ફૂંકાય. વંટોળ ચડે. વાવાઝોડું વિસ્તરે ને વલોપાત થાય. જાત વલોવાય. ફૂંકાતા વાયરે ક્યારેક પેલી પાર વસતી મણિના ખબર-અંતર મળે તો વળી પાછા અહીં મુંબઈ ગામ વસતા પાણના અંતરખબર મણિને પેલે પાર મળે. ક્યારેક વળી બન્ને કોરથી ફૂંકાતા-ફૂંફાડા મારતા પવનો વચ્ચે ખબરઅંતર વમળાઈ–અમળાઈ ભાંગી ભૂકો થઈ આંગણ વચ્ચે ચકરાવો લેતા ઊડ્યા કરે, પડ્યા રહે ને મણિ પેલે પાર કે પાણ એણી પાર સૂનમૂન જોયા-સાંભળ્યા ને બધું ન સમજ્યા બરોબર સમજવા કરે.
આખર એકદા ઘડીપળ, વિપળ, પહોર, દિવસ, માસ, વરસો પૂરાં થયાં ને મણિ-પાણનો સંસાર મંડાયો. ગમાણમાંથી ગુલાલ એકઠું કરી આણી મણિએ પાણને હરખભેર પોંખ્યો. અને મુંબઈ ગામનાં ઉજ્જડ ખેતરોમાંથી ખોબો ખળ એકઠું કરી લાવી પાણે મણિને ખળમોતીએ વધાવી. ઘડીપળ બન્ને મૂંઝાયાં. પાણને થયું આગળ વધીશું તો તો રણઝણતું ઊભું અને પાછળ હઠશું તો કા-રણ કણસતું ક્યાંક. મૂંઝવણમાં માર્ગ કાઢવા બન્ને એકમેકને મૂંગે મોંએ પ્રશ્ન પૂછી બેઠાં. જેનો કોઈ કને કોઈ જ ઉત્તર નહોતો. છતાંય હામને હેમખેમ રાખી કાળા ગોળનો કંસાર કરી મલકતે મોંએ ઊજળો સંસાર માંડવા તત્પર થયાં.
સંસાર મંડાયા પછી મણિ–પાણ વચ્ચે થોડો સંવાદ રચાયો તે આ પ્રમાણે :
પાણે મણિને ઉદ્દેશી કહ્યું : મણિ, સંસાર તો જાણે માંડ્યો આપણે, પણ તું જાણે ખરી, મારે ગજવે તો ધૂળમાટીથી વિશેષ કાંઈ ના મળે.
મણિ પાણને ઘડીપળ જોઈ રહી. ઉત્તર વાળતાં કહ્યું : ધૂળમાટીથી અદકું શું? ધૂળમાટીથી વિશેષ મને કાંઈ ના ખપે. લાવો ગજવે ભરી ધૂળમાટી મને આલો. માટીને જરા ઘૂંટી ઘટ્ટ બનાવીશ ઘડીકમાં, પછી લખમીજીની મૂર્તિ ઘડી કાઢીશ. આ ધૂળને અબીલગુલાલ સમ મૂર્તિ માથે છંટકારીશ. પત્યું. પળવારમાં ઘરમાં લખમીજીનો વાસ થયો તેમ સમજો. એથી અદકાનું શું કામ આપણને?
પાણ તો મણિને બસ તાકી જ રહ્યો. વળી આગળ વધતાં કહ્યું : મારે કપાળે તો નકરી આંટીઘૂંટી છે. શું કરીશું એનું, મણિ?
મણિએ તુરંત ઉત્તર વાળતાં કહ્યું : એમાં વળી આટલા અકળાવ છો શાને? અરધી આંટીઘૂંટી મને આલી દો. બેઠાં બેઠાં ઉકેલીશ બધી ગૂંચ.
મણિનો પ્રત્યુત્તર સાંભળી પાણે આશ્ચર્ય, અચંબો ને હાશકારો એકીસાથે અનુભવ્યાં.
આ પ્રશ્નોત્તરી બાદ સંસારપાયો સુખરૂખ ખોડાયો. પછી કોઈ દિવસ કોઈ પ્રશ્ન થયો નહીં. કોઈ ઉત્તર મળ્યો ના હોય એવોય પ્રશ્ન ના થયો. બસ, પાણ ગજવેથી ધૂળમાટી ખંખેરી લાવે. મેલે મણિ સામે. મણિ મૂરત કંડારે. આંટીઘૂંટી ઉકેલે ને આમ ને આમ ઘડીપળ, વિપળ, દિવસ, માસ, વરસ –
અહીં મણિ-પાણની પ્રેમગાથા પૂર્ણ થાય છે એમ ના સમજવું. ઘણું ગોપિત રહી ગયું છે. અહીં આ ધૂળમાટીમાં હજુ પણ જીવંત પાળિયા સમ મણિ–પાણ હરે છે, ફરે છે, શ્વાસ, ઉચ્છ્વાસ ચરે છે, ધબકાર ભરે છે, પ્રશ્નો જણે છે, ઉકેલ અવતરે છે, આંટી વિસ્તરે છે, ઘૂંટી ગૂંગળાય છે, છતાં –
સ્રોત
- પુસ્તક : પ્રા. કથિત (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : પ્રાણજીવન મહેતા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2011
