રામ મોરી
Raam Mori
‘એ જય સગતમાં મારી બેનીને...’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આઈવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી'તી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશીકા જોઈને મનેય તાન ચડેલું તે દિ' રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા'તા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એનાં પાંખેડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલીયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રુમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદાં કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય. ઈ ટાણે કાંગસડીનું ‘જય સગતમાં મારી બેનીને...’ પખવાડીયે ડેલીમાં બપોર ટાણે સંભળાય. કાંગસડીનો અવાજ આઈવો એટલે મેં બા સામું જોયું, એણે ફટાફટ વલોણું એકબાજું કરી, એનાં પાંખડા લૂંછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. ‘આવી ગઈ.....આવું સવ હો...’ એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એનાં રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘુમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી, દર વખતની જેમ જ. બાપૂ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આઈવા છે તો હટ બાને કીયાવાયને કે “બા ફટાફટ ઘરમાં ગર્ય, માર બાપુ આઈવા છે.”
મારી બાને આ કાંગસડી હાર્યે ખબર નહીં પણ વર્ષોથી જાણે બેનપણાં. આમ તો અમારે ડેલા બહાર નીકળવાનું બવ બનતું નથી હોતું. ઈમાં વાતું વહટી તો કોની હાર્યે કરવી. પેલાં તો એય મજાનાં તીનનાં તપેલાં ભરી ભરીને લુગડાં લઈન નદીયે જાતા ને શીપર માથે લૂગડાંની હારોહાર કેટલીય વાતો પથરાઈ જાતી. લૂંગડાંય નીચોવાય ને કંઈ કેટલી ફરિયાદોય નીચોવાય. પોતાનાં ધણીને કાંઈ નો કઈ હકતી બાયું ઈના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણાં જોરથી ધોકાવતી હોય એવુંય જોયેલું. ને સાબુના ધોળા ફીણ જેવાં બાયુના હોંકારા 'હશે બાપા...., અસતરી અવતાર... બાંધી મુઠી લાખની....' આવા હોંકારામાં તો ભલભલ્યુંના ઘરના કજીયાનો કદડો નીકળી જતો. પણ હવે તો ભમરાળા ઘરે ઘરે નળ ગુડાઈ ગ્યા. તે પોતે ધુણવાનું ને પોતે ધુપ દેવાનો. એકલાં એકલાં ધોકાવવાનું ને એકલાં એકલાં નીચોવવાનું. પેલી નદીયે બાયુંના ટોળા હોય એવી કાંઈ મજા નો આવે. નદીએ લૂંગડા ધોવા જાવાના બહાને બા ઘણી બધીવાર બાયું હારે વાતું કરવા જાતી પણ જ્યારથી નળ આવી ગ્યા કે બધ્યું બાયું બિચાર્યુએ એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવાનું ચાલું કરી દીધું. એવા ટાણામાં આ એક કાંગસડી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી. બાપુને આ બધું નો ગમે. મૂળે અમારી ડેલીને બાદ કરતાં આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ નો ગોઠે. ને ઘણીવાર કીધા કરે કે 'આવાને આવા મહોતા હાર્યે વળી હું સંબંધ રાખવાનો? એની હાર્યે તો વાટકીવેવારય નો હોય.' એટલે બાપુ આવે ને બા ડેલામાં કાંગસડી હાર્યે હોય તો બાપુ બાનો વારો પાડ્યા વગર નો રહે. મને છેને બાપુ બાને કાનમાં કીડાં પડી જાય એવી ગાળ્યું આપે, એવું કાંક બોલેને એમાં કોઈ વાંધો નથી, બા ક્યેને એમ કે 'અસતરીનાં અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગઈ હોય. આ કાનમાં મોટા ઠોળિયા ને વધારાના વીંધાની ટિબક્યું એટલે જ કે આ બધું કાનમાંથી કાઢી નાખવાનું સંઘરવાનું નહીં!' પણ બાપુ ક્યારેક ક્યારેક બા ઉપર હાથ છુટો કરી લે, ઈ મને નો ગમે એટલે જ હું બાની હારોહાર રહું. મારી બા તો બવ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પયણાવેલી મારી મોટીબેન ભાવડી ખૂલ્લા પગે બળબળતી બપોરે ભાગી આવેલી ઈ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેંત ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી જાય એવું રોયેલી. હું તો કોરે બેઠી બેઠી નીશાળે જવા બેય ચોટલાં ગુંથતી હતી ને બા રોટલાં ટીપતી હતી. એની ઈ કાળી રાડ્ય તો આજેય કાનમાં ટીબક્યું પાકેલાં વીંધામાં પરું ભરાણું હોય એમ દુખે છે.
“ઓય મારી માડી રે..... મને મારી નાખશે ઈ રોઝડીનાવ લોટવાળા હાથે બા રાંધણિયાં બહાર ધોડી આવેલી. મારી તો આંખ્યું ફાટી રહી ગયેલી. ગુંચવાઈ ગયેલાં કોરા વાળ, સુઝી ગયેલી આંખ્યું, પરસેવે રેબઝેબ ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાંહો લાલચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલાં. બાના ગળામાં બેય હાથ પરોવી એ લગભગ બેસુધ જેવી થઈ ગયેલી. હું તો જડની જેમ ઊભી ઊભી જોઈ રહેલી. શું કરવું એવું કાંઈ સમજાતું જ નહોતું.
એ પછી તો આખા ડેલામાં લાલ-લીલી-પીળી- કેસરી બાંધણીઓને લેરિયાનાં ઘુમટાઓ ઉભરાવવા લાગ્યા હતા. ઓશરીને ફળિયામાં ગામનાં કડિયા ચોયણા સમાતા નહતા. ચાના સબડકા, બીડીયુંના ધુમાડા ને બજર છીકણીનાં પડીકા ને પીચકારી વચ્ચે જાણે બધા શું લેવા ભેગા થ્યાસ ઈ તો જાણે બધાં ભુલી જ ગ્યા. હું તો ચૂલેથી ત્યારે ચા મુકવામાંથી જ નવરી નો'તી થાતી. ગૅસ ઉપર ચા માથે ચા મૂકાતી જતી હતી. પૂળો પૂળો મૂંછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જાણે કોઈ અગમ ઉકેલ આપવાના હોય એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણીયાનો ધુમાડો કાઢતાં કાઢતાં ખાટલે ગોઠવાયેલ. ઘરમાં બધી બાયું બાના ખોળામાં માથુ મૂકીને પડેલી ભાવડીની હામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય એમ જોત્યું બેઠેલ્યું. મલક આખાના દાખલાને પરિણામોની ચર્ચા ત્યારે થાતી હતી. પણ એ બધામાં હવે આનું કરવાનું છે હું? ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એંઠી રકેબીની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલઘુમ થાતા હતા. ને માલીપા ઘરમાં બાયું તો જાણે બોલતી બંધ જ નહોતી થાતી,
“હશે બેન..... ગમે એમ તોય તારું હાચું ઘર તો ઇ જ છે ને!
“સહન કરતાં શીખ્ય ભાવુ, મુંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા નો કરવી.
“દખ તો બેન કોને નથી પડતા હેં બેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ.”
“ને ગમ્મે એમ તોય ઈ આપડો માણહ છે, ઈ નો મારે તો કોણ પાડોશી આવે?
“અગન કસોટી છે આ બધી અસતરીના અવતારની, એને ભોગવ્યે જ છુટકો મારી બેન.
“કઠણાઈની કાબર્ય મારી બેન... કાલ્ય હવારે જણ્યા આવશે મા, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાશે.
“અમાર લખમીને તો બાપા કેવા દખ પડ્યા'તા, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે.
“તોય તારે તો હારું છે ભાવુ, બાકી અમાર સજનબા જેવું તને થ્યું હોય તો તો તું સીધી કુવામાં જ પડ્ય. મને દાઝ ચડતી હતી, આ બધું હું થાવા બેઠું છે ઈ કાંઈ ખબર નોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી. એની આંખ્યું રોઈ રોઈને સુઝી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથૂં મૂકીને બાના લેરિયાનો છેડો કસકસાવીને પકડી બેઠી હતી. પછી હું નક્કી થ્યું ઈ કાંઈ ખબર નો પડી ને કુંટુંબનો એક લીંબુ લટકે એવો મુંછાળો કાકો બાયું હતી એ ઓયડામાં આઈવો. લાગતી વળગતી બાયુંએ તરત ઘુમટા તાણ્યા.
“હાલો લ્યો, બેનબાને તૈયાર કરી દ્યો, જાગધાર પાછા મુકવા જાવાની છે. ભાવડીએ રીતસરનો ઠુઠવો મેલ્યો. બા બે હાથ જોડી કરગરવા લાગી,
“મારી સોડીને મારી નાખશે ઈ નભ્ભાયા. મારી સોડીને મારે નથી મૂકવી ન્યાં.
“તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યાં. કાકા ને બાની ચણભણમાં ખબર્ય નો રય કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગ્યા અને એક દીધી હોયને ફેરવીને..... કહેતો ઉપડેલો હાથ બાના મોઢા પર ઝીંકાયો. ભાવડી તો બાને મુકતી જ નહોતી, એનું બાવડું પકડીને બાપુએ વડકું કર્યું, થા મોર્ય, નકર વારો પાડી દેશ મા દિકરી બેયનો. તારી માને આખો ભવ ઘરમાં ગુડી રાખવી છે? વહવાયા સવી આપડે કાંય...? હું હિબકાં ભરતી ભરતી બાજુમાં ઊભી રહી ગયેલી. રોતી કકળતી ભાવડીને પાણીનો કળશ્યોય નસીબ નો થ્યો ને ઢસડાતી કુટાતી ગાડીમાં બેસાડી દીધી ને કટમ્બની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે.
બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટીકના પાયા પર ઓલવેલી બીડીયુંના કાળા ડાઘા, ચુનાની પડીક્યું, માવાના કાગળ, એંઠી રકેબ્યું ને છીકણીની પીચકારીયું આખી ડેલી સામે જાણે દાંતિયા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સૂધબૂધ નથી રે'તી, તે ખાટલામાં સૂઈ રહે. ખવડાવો ઈ ખાય ને પીવડાવો એ પીવે, પણ આ ટાણે ખબર નહીં એને હું સમજાણું હશે કે ખાટલામાં પડ્યાં પડ્યાં એણે રોવાનું ચાલું કરેલું. પેટીને ટેકો દઈ ઈ આખો દિ' બા ચુપચાપ ગૂમસૂમ પડી રહેલી.
એ પછી તો બપોરે ઘણીવાર ભાવડીના ફોન આવતાં ને હું ઊપાડતી. ઈ રોતી રોતી કે'તી કે બાને ફોન દે.... બા તો બારસાખે ઊભી ઊભી હિબકાં ભરતી મને કે'તી,
“હરસુડી, ભાવડીને ક્યે કે બા વાડીયે ગ્યા છે....! હું રોવા જેવી થઈને કે'તી કે બેન, બા તો છે ને.....ઈ તો...છે ને... ને ઈ રોતી રોતી તલેલાં નાખતી.
“નભ્ભાય, તને તો ખોટું બોલતાંય નથ આવડતું. ને એનો ફોન મૂકાઈ જાતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી. બા ઘણીવાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઊભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેસી જાય, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો નમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે...! ખાતી ખાતી ક્યારેક મને પૂછે કે, હર્ષા, મારી ભાવુએ બીશારીયે ખાધું હશે? ને પછી કોળિયો એના ગળે નો ઊતરે. રાતે બા મારી ભેગી સુતી હોય, અડધી રાતેય મારી આંખ ઊઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી ન્યાં અટાણે અંધારામાં અપલક જોયા કરતી હોય.
તે ઈ ટાણામાં આ કાંગસડી આવતી થઈ ને ઈને બાની હાર્યે બેનપણા થ્યા. તે બા એની એકની હારે વાતું કરતી. પખવાડિયે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસડીનો મનેય ભારે લગાવ. એની પાહે ભાત ભાત ને જાત જાતની વાતું હોય. અટલા વરસથી આ ગામમાં આવે પણ બપોરા તો એ અમારી ડેલીમાં જ કરે. ઈ આવેને જય સગતમાં મારી બેનીને... બોલે એટલે બા તાંસળી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો, ગાંઠિયાનું શાક, ડુંગળી ને છાશ પીતી જાય ને વાતું કરતી જાય. અમારે ગામડા ગામની સોડિયું ને હટાણું કરવા ઘાંયતાંય જાવા નો મળે તે આ કાંગસડી જ બધા સમાચાર લાવતી કે બેન, આ બંગડી જુઓ, સમ્મક સલ્લો ફેશનની છે!
આ જોવો નખ રંગવાની શીશી, એની માલીપા તૈણ કલરની ભાત પડે હોં... અમારે ન્યાં શહેરમાં તો કોલેજ કરવા જાય ઈ બધ્યું આ જ શીશી વાપરે...
“આ કાનમાં પે'રવાનાં લાંબી સર્યુંના બુટિયા. આજકાલ આનું બવ ચલણ છે, ટી.વી.માં નથી જોતાં?
“ઈ નો લે બેન...એની ફેસન નથી, આ ચાંદલા જો, એમાં દિપીકાનું ફોટું છે કે નહીં? હેં, દિપીકા આ જ ચાંદલા ચોટાડે હાં. હું એને આમ એકધારી બોલતી જોયાં જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલીપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લાલ-પીળા-કેસરી મોતીભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઊડી ગયેલી મહોતાં જેવી આછી ઓઢણી, બાપુ કાંઈ આમને લોકોને અમસ્તાં જ તે મહોતું નહોતાં કહેતાં. એની ઓઢણીની જરીવાળી કોર્ય તડકામાં બહુ જ તબકે. બેય હાથમાં લીલી, લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા-પીળા મોતીની માળા, કાનમાં ચાંદીનાં મોટા જાડ્ડા બુટ્ટા અને ઈ બુટ્ટાની પાતળી સાંકળ જેવી સર્યુ ઠેઠ વાંહે અંબોડા માથે પીનમાં ખોસેલી. એણે જાડા કાળા ભમ્મર વાળને અંબોડામાં કસકસાવીને બાંધીને કાળી જાળીંમાં ગુંથેલાં. કપાળે રુપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ત્યારે એના પીળાં પડી ગયેલાં માવો ખાતાં દાંત ચમકે, જાડા હોઠ, ગળામાં બેય હાથમાં મોર, પોપટ, ટિબક્યું, વીંછીં, ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડિલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતાં પેટ ઉપર ધોળાને લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ ઉપર ચાંદીના મેલા ઝાંઝર. મને એના હોઠ હેઠેની કાળી ટીલી બહુ જ ગોઠતી, તે એક દિ' હુંય તે ખાટલો ઢસડી કાળી સ્કેચપેનથી મારા હોઠ હેઠળ્ય કાળી ટીલી કરતી હતી ને શો કેચમાં જોઈને મલકાતી'તી ત્યાં મારી બા ભાળી ગઈને મને ખીજાતી ક્યે, નભ્ભાઈ, તાર બાપ ભાળશે તો વારો પાડી દેશે, ભુંશ બધા આ વણઝારણ જેવા વેશ! કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચંપલ કોઈ દી' જોયા નહોતા તે એક દિ' બાએ એને ચંપલ આપતા કીધું,
“લ્યે બેન ચંપા, આ ચંપલ મારે કશા કામના નથી. તું પેર્ય તને પગબયણું લાગતું હશે! ત્યારે દાંત કાઢતી એ માવાની પીચકારી મારતાં બોલેલી,
“તમારી બાયુના સંપલ અમારું જોમ નો ખમી હકે.
હું બાને ઘણીફેર કે'તી કે કે “બા આની પાંહે તો જાતજાતનું તૈયાર થાવાનું છે તો કેમ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું સુંડલામાં તોય ભુત જેવી થઈન કાં આંટા મારતી હોય છે?” ત્યારે બા કે'તી, પોતાની વગ બધે વાપરી હકાતી હોત તો તો હારુ જ હોતને! આટલું બોલી બા ગૂમસૂમ થઈ જાતી.
કાંગસડી એનો સુંડલો મૂકેને સોડિયુંના ટોળેટોળાં ઉમટી પડે. એક હાથ લાંબું બાસકું ઈ સુંડલામાં હારે લઈને જ આંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેગી કાંગસડીની વાત્યુંય છૂટતી જાય. બા ક્યારેય ભાવડીની વાત્યું કાંગસડી પાંહે નો કરતી પણ એની પાંહે તો ગામ આખાની વાત્યું હોય, ઈ તો ગામ આખાની વાત્યું કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દરફેરે છાશ આપે તે ઈ કાંગસડી મને ચાંદલાનું પાકીટ મફત આપે, હું ન લઉં તો બા તરત જ ક્યે,
“લઈલે... માશી થાય, ના નો પડાય! લ્યો તો હવે આ કાંગસડી મારી માશીય થઈ ગયેલી.
એક-બેવાર તો બધું જોવામાં હું એટલી બધી તલ્લીન થઈ ગઈ'તી કે ક્યારે બાપુ આવી ગ્યા એની ખબર નો રહી ને ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો. કાંગસડીને બંડીકો લઈને મારવા ધોડેલા,
“ખુટ્યલમારીની, ભીંસા ખેરવી નાખીશ તારા જો હવે ડેલીમાં પગ મુક્યો છે તો. ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠ્યું વાળતી હોય એમ ઈ કાંગસડી ઉભી થયેલી, બાયું ઉપર જોર કાં બતાવે છે ભાઈ? કયું તારું ગરાસ લુટવા આવી છવ તે આટલો રાતોપીળો થા છો! હું તો જો, આ હાલ્યી..... એ પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી, ઓઢણીનો છેડો દાંત હેઠે દબાવી એ ગઈ તે ગઈ પછી કેટલાય દિ' દેખાણી નો'તી. ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. વાતેવાતે ઈ બા ઉપર છુટ્ટો ઘા કરી લેતાં. તે દિવસેય બપોરે ઈ રોંઢો કરતા'તા ને હું અમાર ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એના કોળિયા દેતી હતી ને મારી બા બારસાખે ઊભી ઊભી લેરિયાના ઘુમટામાંથી ખાલી એટલું જ બોલેલી કે,
“ઘણા દિ' થઈ ગ્યાસ. ભાવડીના બાપુ, તમે એક આંટો દિકરી પાંહે મારીયાવો તો..... ખણખણણણણણ કરતો છુટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેસી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઊભા થૈ ગ્યા ને બાને હજું કાંઈક વધુ મારવા જાય એ પહેલાં હું ધોડીને બાની આડી પડી ગઈ.
“તારી માને જધ્ધે ઘોડાઆણ્યની, તારી માએ મારી આબરુંના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યાં મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડિયુંમા શું આવે? જલમ્યા ભેગી મારે તો જળુંમ્બમાં ગુડી દેવાની જરુર હતી તો આ દિ' જ નો આવત.
ઈ પછી ગામમાં મારું આઠમું ધોરણ પુરું થઈ ગ્યું પણ ભાવડીવાળા કેસના લીધે પછી અપડાઉન કરવાય બાપુએ મને બાજુના ગામ સુધીય નો જાવા દીધી. મારી હાર્યની બધ્ધી સોડિયું સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ પણ ભાવડીના કેસના લીધે મારે નસીબ ઈ નો થ્યું તો મેં કીધું બળ્યું ભણતર ભરત ભરવા બેહી જાવી!
બાની સૂઝી ગયેલી આંખ્યું જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લાં વાંસામાં પડેલાં લાલ ચકામા જેવાં દોરા દેખાય. અમારા ડોશીમાને હું શાકમાં રોટલો ચોળીને ટેકો દઈ બેસાડીને કોળિયા એનાં મોઢામાં મૂકતી હોઉં ત્યારે મને એની ફિક્કી પડી ગયેલી આંખ્યુંમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તગતગતાં દેખાય. બા કે'તા કે અમારા એક ફઈ હતાં, વસનફઈબા. બાપુના મોટા બહેન. ઈને સાસરે વળાવ્યા ઈ ટાણે અમારા ડોસાજીય તે હયાત. તે ન્યાં સાસરિયે કંકાસથી કંટાળીને એક દિ' એણે અગન પછેડો ઓઢી લીધો, બળી મરેલા! તે ઈના ક્રીયાકરમ પતાવ્યા પછી આંયા ભળભાંખળે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમાર ડોશીને ઈ વાતનું એટલું વહમું લાગી ગ્યું કે મારી દીકરીયે એના દુખ બાબત મને કાંઈ કેવરાવ્યુંય નહીં ને હું મા થઈને મારા જણ્યાનું દખ હમજીય નો હકી... કે બસ તે દી'ની ઘડી ને આજનો દી' ડોશી ખાટલામાં ગૂમસૂમ પડ્યા રહે, અને હવે તો ભળભાંખળે કોઈના ફોન આવે તો અમાર ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાગડા તાણી તાણીને રોવા માંડે કે હેં મારી વસનને બાળી નાખી.... મારી વસનને મારી નાખી... એ ફોન આયવો.... ફોન આયવો..... તે આજકાલ આવતા ફોનના લીધે બાનેય તે કાંઈક આવું આવું થાવા માંડ્યુ. કોઈકનો ફોન આવે ને બા ધરુજવા માંડે. પરસેવો વળવા મંડે એને તો. રાતોરાત જાણે કે મારી બા ગઢી થઈ ગઈ એવું લાગ્યા કરે.
તે આજે કેટલાય દી' પછી કાંગસડીનો જય સગતમા મારી બેનીને.... અવાજ સંભળાયો તે બા તો ઝાલી નો ઝલાય એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘુમટો તાણતી છાશની તાંસળી ભરીને સડસડાટ ડેલીએ પહોંચી ગઈ. મેં ધોડીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ? જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી. એકહારે બે બે કટલેરીના સુંડલા મૂકાણા હતા. મને બા કે,
“જા હરસુડી, હબદણ્ય દોટ મેલ્ય ને બીજું છાલીયું છાશનું ભરીને આવ્ય ટાંકામાંથી જા... હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એની કરતાં બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભડક ને બીજા પગની પલોઠી વાળીને મહોતાં જેવી ઓઢણીથી પરસેવો લૂંછતી બેય કાંગસડી રોટલો, ગાંઠિયાનું શાક દાબડવા માંડ્યું. હું બેય હાથ કમરમાં ટેકવીને નવી કાંગસડીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસડી સામું જોતાં મોટીને પુછવાં લાગ્યા,
“તે બેન, આને તો તે પયણાવી દીધી'તી ને?
“હા, પયણાવી તો હતી બેન... રોટલો ચાવતાં ચાવતાં મોઢામાંથી મોવળો કાઢતાં એ બોલી ... પણ ભમરાળો એનો વર, પીટ્યો દારુડિયો હતો. હું પેલી નાની કાંગસડીને જોઈ રહી. ઓઢણીના છેડાને એક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી.
“અરે બેન, અમારે તો આ નશીબદારની દિકરીને તો સગતમાં થઈને પૂજાવવું હતું. લે...કાંય કેવરાવતી નોતી તે ઇ નીસમારીનો આને એટલી બધી મારે....! ઈ આ બધુ ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી.
“ઈ તો ભલું પુછો એના પાડોશીનું કે ઈને કાંક સતબુધ્ધી આવી ને મને કર્યો ફોન કે બેન ચંપા, હાલ્ય તારી જણીને આ ખાટકી પતાવી દે ઈ પે'લા લઈ જા. છાશવાળા બગડેલાં હોઠ એને ઓઢણીથી લૂંછ્યા.
“પણ વાંધો હું પડ્યો'તો બેન? બાએ માથાનો છેડો સરખો કર્યો.
“વાંધો? વાંધાને કાંય વાનામાતર હોય બેન.... કામધંધો નો'તો કરવો ને દારુ પીઈને પડ્યુ રે'વું હતું હરાયા ઢોરની જેમ. પણ હું કાંઈ એમ મુંગી મુંગી ભોમા ભંડારી નાખો એવી શેની? આંયથી સાત વાગ્યાની બસ પકડીને ન્યાં ગઈ ને વળતાં નવ વાગ્યાની બસમાં સુંડલો કરિયાવર સમેત દિકરી પાછી. આંય બાકી મારી દિકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગડધીન્ના કરે ઈ વાતમાં માલ નહીં.... લે આ રોટલો ખુટવાડ્ય! એણે વધારાનું રોટલાનું બટકું દિકરી તરફ ધર્યું. ઓલીપાની ડેલી બહાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો.
“બેન, આદમી વગર કાંઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિનાય ધોડ્યું જાય, મારું ગ્યું એવું. મારી માય કાંગસ્યું વેચતી, હુંય વેચું છું ને હવે મારી દિકરીય વેચશે... હું ફેર પડી જાવાનો? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચીએ ઈ વાત ખોટી...... હું બાકીનું સાંભળવા ન રોકાણી, ધોડીને ઓલીપાના ડેલે ગઈ ને ડેલો ઉઘાડ્યો.
“ક્યાં મરી ગઈથી? કાનમાં ડાટા ભરાવ્યા છે?
“હેં...હા...હું ??? હું તો.. બાપુને જવાબ દીધા વિના, ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોડીને આ ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડી કે'વા મંડી, બા, માર બાપુ આયવા છે, હબદણ્ય ઘરમાં ગર્ય..... બેય કાંગસડીયુંએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને દસની નોટ કાઢી અને નાની કાંગસડીનાં હાથમાં મુકી. ઓલી નો'તી લેતી. કાંગસડી એની દિકરીને ક્યે,
“લઈ લે, માશી થાય, ના નો પડાય....! બાની આંખ્યું ભરાઈ આવી. એને દુખણા લીધા અને 'આવજે' એવું કાંઈક બોલવા જેવું કર્યું પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું તો બોલાતું નહોતું.
બાપુ ફળિયામાં રાડ્યું નાખતાં'તા,
“ક્યા મરી ગ્યું બેય.... રખડેલના પેટન્યું. હું ધોડીને ફળિયામાં આવી.
“ક્યા છે તારી મા?
“ડેલીમાં
“ન્યાં હું એના બાપની દાટી હતી? ઠેક......ઓલી આવી હશે હેને મહોતાવાળી. આટલું બોલીને એણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીંતે ટેકવેલી સોટી એણે હાથમાં લીધી. હુંય ધોડતી બાપુની હારોહાર ડેલીમાં. જોયું તો તડકાની સોનેરી લ્હાય વચાળ ચપ્પલ વગરના મા-દિકરીના પગ ધીમી અને મક્ક્મ હાલ્યે હાલતા'તા. પવન ફુંકાતો હતો અને એમાં એની ઓઢણીઓ ઊડાઉડ કરતી હતી. ઈ ઓઢણીને દાંત તળે દબાવી મા-દિકરી શેરી ઉતરતી હતી. દિકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા-દિકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલાં લેરિયામાં ભરાણો અને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો'તો. મને બાપુને બે ઘડી કે'વાનું મન થઈ ગ્યું કે,
“બાપુ, મહોતું તો મારી બાએ ઓઢ્યું છે...... લેરિયું પે'રીને ઓલી મા દિકરી તો ક્યારનીય નીકળી ગ્યું!
સ્રોત
- પુસ્તક : મહોતું (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : રામ મોરી
- પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન
- વર્ષ : 2016
