રમેશ ર. દવે
Ramesh R. Dave
ત્રણ દિવસ થયા પણ મગનલાલ મનમાંથી ખસતા નથી. ગળાબૂડ કામમાં હોઉં છું ત્યારે ય સાંભરી આવે છે. સ્ટેનોને ડિટેક્શન આપતાં આપતાં વાક્ય અધૂરું રહી જાય અને એમની વાતો યાદ આવી જાય. વાતો ય કેવી? આમ જુઓ તો, સાવ સાદી-સીધી. કૉલેજની કેન્ટિનમાં કે ઑફિસના ટી-ટેબલ પર થાય એવી વાતો. પણ કેટલાં વર્ષે મન દઈને સાંભળી એવી વાતો? સેવાદળમાં નવો સવો જોડાયો હતો એ દિવસો યાદ આવી ગયા. ક્રિકેટ કોમેન્ટરી સાંભળતાં શીખતો હતો. ઑસ્ટ્રેલિયન ટીમ આવી હતી. રિચી બેનો, ઓનિલ અને નીલ હાર્વેના એ દિવસો હતા. બહુ મઝા પડી હતી. એક ક્રિકેટ અને બીજું સેવાદળ, ત્રીજી કોઈ વાત જ મગજમાં ટકતી નહોતી. આટલાં વર્ષે પાછી ક્રિકેટની વાત સાંભળી, અને એ પણ મગનલાલને કારણે. એમની વાત કરવાની આવડત... ના, એને આવડત તો ન કહેવાય. પણ મૂળ માણસ જ એવા કે જે બોલે એમાં રસ પડે. બાકી કંઈ જબરી ઑરેટરી તો ન જ કહેવાય ને તોય સાંભળવી ગમે.
કદાચ તમે નહીં માનો પણ કેબિનેટના મંત્રી સાથે વાત કરતો હાઉં છું ત્યારે ય મંત્રી-મહોદયના ચહેરા પાછળથી મગનલાલનો સાવ સાદો-સીધો, ભલો-ભોળો ચહેરો તરી આવે છે. એના જેવો સરળ માણસ આ ત્રીશ વરસની કારકિર્દીમાં નથી જોયો ક્યાંય! પણ મગનલાલ આજે ક્યાં હશે? કોઈનું નામઠામ પૂછવાની ટેવ જ સાલી છૂટી ગઈ છે. વર્ષોથી બધું પી.એ.ના ભરોસે, બધો ડેટા એ જ પૂરો પાડે. નોંધ તૈયાર જ હોય એટલે આપણે તો માત્ર ચર્ચા જ કરી લેવાની, સામે બેઠેલા માણસ સાથે.
અમદાવાદથી આવ્યા હશે કે બહારગામથી, ખાસ સમય કાઢીને, ધક્કો ખાઈને આવ્યા હશે? આમ તો એમની ભાષા પરથી કંઈ કહી ન શકાય કે અહીંના કે તહીંના હશે ને વિઝિટિંગ સ્લીપમાં તો એકલું નામ જ લખેલું: મગનલાલ. મુલાકાત માટેનું કારણ? તો કે, વાતો કરવી છે, ચા પીતાં પીતાં થાય એટલી! વાહ, ભાઈ વાહ મગનલાલ!
આ છેલ્લા શબ્દો હું મોટેથી બધા સાંભળી જાય એમ નથી બોલ્યો ને? આસપાસ જોઈ લીધું. ના, કોઈ નથી. એકલા બેઠાં બેઠાં મગનલાલના જ વિચારો થયા કરે છે ને પછી મનોમન વાતે ચડી જવાય છે. એમાં જો મોટેથી બોલી બેસાય તો તો લોકો ગાંડા જ ગણી કાઢે, ને આજે લોકશાહીમાં તો માણસો પ્રાઈમ મિનિસ્ટરનેય ગાંડા સાબિત કરવા તૈયાર થઈ જાય છે!
ના, ગાંડા તો નહીં પણ ઉપરતળે જરૂર થઈ જવાયું છે. આ બોંતેર કલાકમાં નહીં નહીં તોય ત્રણ-ચાર વાર એમની સાથેની મુલાકાતમાં ડૂબી જવાયું હશે...
ખરા છે આ મગનલાલ. જેવા આવ્યા એવા ગયા. નહીં પૂરું નામ, નહીં ઠામ. સ્લીપમાં જાડા પોઈન્ટની ઇન્કપેનથી મોટા અક્ષરે એકલું નામ લખ્યું છે: મગનલાલ. મેં સ્લીપ સાચવી રાખી છે. અક્ષરો ઘડાયેલા છે, એમની વાતો જેવા. પણ આ મગનલાલ એટલે કોણ? કોણ એટલે આઈ મીન, મગનલાલ શાહ, પટેલ, ઠાકોર કે દેસાઈ? માણસ કાંઈ એકલો થોડો હશે? કોઈ આગળ, કોઈ પાછળ, કંઈક તો હશે ને? આ તો એકલું, નર્યું મગનલાલ? કંઈક બાપનું નામ ને પાછળ અટક! ને એવું કાંઈ નહીં તો છેલ્લે ગામનું નામ! પેલા હિમ્મતસિંહ ઑફ માણસાની જેમ સ્તો!
પણ આ ભાઈસાહેબે તો લખી નાખ્યું માત્ર મગનલાલ! તમને થયું હશે કે હું મુખ્યમંત્રી થઈને ક્યારનો મગનલાલ-મગનલાલ ફૂટ્યા કરું છું, તે એવું શું જાદુ કરી નાખ્યું છે આ મગનલાલે? ખરું ને? પણ એક વાર તમે પૂરી વાત સાંભળો તો તમને ય થશે, ના જાદુ તો નહીં, પણ એક નાનું એવું તોફાન તો એમણે મચાવી જ દીધું છે.
મગનલાલ નામનો અર્થ શું થતો હશે? મગન... મગન... હા, મનોમગ્ન. મનમાં મગ્ન રહેનાર! ફિફ્થ કે સિક્સ્થમાં હતા ત્યારે જોષીપુરાસાહેબે સમાસ શીખવતા ગોખાવ્યું હતું: મનમાં મગ્ન એટલે થાય સપ્તમી તત્પુરુષ અને જો મનોમગ્ન વિશેષણ તરીકે વપરાય તો... પણ જવા દો આ બધી નકામી વાતો, એનાથી મને કંઈ મગનલાલનો અત્તોપત્તો થોડો મળવાનો છે? બસ, એને એક વાર મળવાનું થાય તો...
ના. આ પહેલાં મૂંઝવણો તો કેટલી આવી છે. રાજકીય કટોકટી પણ કેટકેટલી ફેસ કરી છે? ક્યારેક તો એમ જ લાગે કે આ વખતે તો ટોપલીંગ થયું જ સમજો. પણ બધી વાર મુત્સદ્દીગીરીથી શેતરંજ એવી ગોઠવી કાઢું કે બાજી પાર પહોંચી જાય. પણ આજે આ એક મગનલાલે આકુળવ્યાકુળ કરી દીધો છે. જાણે દરિયામાં સોય ખોવાઈ ગઈ! એમની સાથેની પંદર-વીસ મિનિટ ફરી ફરી ઉપરતળે થયા જ કરે છે!
એનેક્સીમાં વિવિધ ધર્માચાર્યો ને સાધુ-વિદ્વાનોની મિટિંગ હતી. ધાર્યા કરતાં સહેજ વધારે મોડું થયું હતું. પાછું રાતે સુન્દરી હૉલમાં મન્નુ ભંડારીનું નાટક ‘મહાભોજ’ જોવા જવું છે. કહે છે, રાજકારણ પરનો ને એમાંય મુખ્યમંત્રીની ખટપટ ઉપરનો જબરો વ્યંગ છે! નિવાસે પહોંચ્યો ને વનિતાએ પાણી આપ્યું ત્યાં રિસેપ્શનિસ્ટે નોંધી રાખેલા ફોનની યાદી આપીને કહ્યું : ‘સર, બહાર બે મુલાકાતીઓ છે.’
‘કોણ કોણ છે?’
વિઝિટિંગ સ્લીપ આપી એ ઊભો રહ્યો.
‘કાયદાશાખામાંથી ગોરી છે? ક્યારે આવ્યા? પહેલાં એમને મોકલ ને પછી આ... ને જો, બહેનને કહે તૈયાર થઈ જાય. બહાર જવાનું છે.’
ગોરીએ નવા જી. આર.નો મુસદ્દો વાંચ્યો. પછી કહે : ‘સર નિરાંતે જોઈ જવા ફાઈલ મૂકી જાઉં?
‘હા, પણ તમે ચા પીધી?’
‘ના સર! મારે મોડું થશે. હું રજા લઉં?
‘હા, તમારે તો પાછું અમદાવાદ જવાનું ને! ઓ.કે. તમે નીકળો. ગાડી તો છે ને!’
‘હા જી, સાહેબ!’
બીજી સ્લીપવાળા મગનલાલને બોલાવવા માટે બેલ મારતાં હાથ થંભી ગયો હતો. મુખ્યમંત્રી સાથેની મુલાકાતના કારણમાં લખ્યું હતું: ચા પીતાં પીતાં થાય એટલી વાતો કરવા... ફરી વાંચ્યું. હસી પડાયું. કદાચ ફોટો પડાવવો હશે. અને કાં તો બીજી જ મિનિટે મૂળ કામની વાત શરૂ થઈ જશે. આવા માણસોય આવે છે કોઈ કોઈ વાર. પણ એમને તો રિસેપ્શનિસ્ટ બહારથી જ વળાવી દે છે. આજે આને... બેલ મારી.
‘કેમ, આ મગનલાલનું શું છે?
‘સાહેબ, બહુ સમજાવ્યા. સાફ ના ય પાડી. પણ માત્ર પાંચ જ મિનિટ મળવું છે. કામ પૂછ્યું તો કહે : એવું કંઈ ખાસ કામ નથી. બસ વાતો કરવી છે, બે-પાંચ મિનિટ લહેરથી?’
‘લહેરથી વાતો કરવી છે, અત્યારે સાંજના સાડા સાત વાગ્યે?’
‘ના. એમ તો એ દોઢ-બે કલાકથી બેઠા છે.’
‘ફોન કર્યો હતો? કોઈનો રેફરન્સ?’
‘ના, સર.’
‘એમ કરો, ચા તૈયાર છે?’
‘જોઉં અંદર...’
‘તો એમ કરો, લોનમાં ખુરશી મુકાવો. હું હાથ-મોં ધોઈને ફ્રેશ થાઉં ત્યાં તમે ચા મોકલાવો, જોજો પાછું મોડું ન થાય. આ છેલ્લા જ મુલાકાતી છે ને?’
‘હા જી સાહેબ.’
જઈને જોઉં તો સાધારણ કદ-કાઠીનો માણસ. મને જોઈને ઊભા થઈ હાથ જોડી વંદન કર્યાં. મોઢા પર મળવાનો સાહજિક આનંદ હતો. ખુરશી ચીંધતાં કહ્યું: ‘બેસો, તમારે બહુ રાહ જોવી પડી!’
‘હા, જી સાહેબ.’
‘હા પણ મારે આપને મળવું હતું એટલે રાહ તો જોવી જ પડે ને! આ ‘ચિત્રલેખા’નો નવો અંક સાથે હતો એટલે અહીં બેસીને નિરાંતે જોયો.’
‘પણ તોય તમે ખાસ્સું બેઠા!’
‘એ તો શું થાય? તમે તો રોકાયેલા જ હો ને હું તો પાછો પૂછ્યાગાછ્યા વિના આવી ચડેલો. પણ તમારો વધુ સમય નહીં લઉં. આ ચા પીતાં પીતાં થાય બે-ચાર વાતો માત્ર!’
‘હા, હા, લો, તમે ચા લો!’
પણ સાહેબ તમે સર્વિસ-ટી નથી લેતા? મને તો એમ હતું કે આપ તો પેલી ટી.વી. માં જાહેરાત આવે છે ને એમ કપડાની કોથળીમાં ભરેલી ચાની પત્તી કપમાં ઝબોળીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સર્વિસ-ટી...’
‘ના, ના મને આપણી ગુજરાતી ચા જ ફાવે છે.’
‘સારું કહેવાય, બહુ સારું કહેવાય!’
મનમાં હતું કે હવે કામનો મુદ્દો આવશે. એક-બે સીપ સુધી રાહ જોઈ પણ મગનલાલ તો ચા જ પીતા હતા. એમને ચહેરે કોઈ ખાસ વાત કરવાની ઇંતેજારી કે ઉતાવળ હતી જ નહીં. ઘણા લોકો આવે, બેસે, જય જય કે નમસ્તે-નમસ્તે પૂરું થયું ને ગળું ખંખારીને, આમતેમ, ડાબે-જમણે જોતાં કહે: વાત એમ છે ને સાહેબ, કે... પણ આ મગનલાલ તો ચા પીતા હતા નિરાંતે. મોડું થશે એમ ધારીને મેં જ સામેથી પૂછ્યું: ‘ચિત્રલેખા’માં કંઈ બહુ ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ છપાયો છે?’
‘અરે વાત ન પૂછો, સાહેબ! સચીન તેન્ડુલકરવાળો લેખ તો અફલાતૂન છે. બેટમજી છે તો આવડો અમથો અંગૂઠા જેવડો પણ કંઈ બૅટિંગ કરે છે? લાજવાબ, છક્કા ઉપર છક્કા! હમણાં પેપ્સી લહરની ડબલ વિકેટ ટૂર્નામેન્ટ હતી. કપિલદેવ બૉલર અને આપણો સચીન બૅટ્સમેન! બૅટિંગમાં કપિલ બે વાર આઉટ થયો ને દશ રન કપાવ્યા ત્યારે પેલા ઠિંગુજીએ તો દે ધનાધન સિક્સ ઉપર સિક્સ! અને એય પાછી કોની બૉલિંગમાં? હેડલી, સાહેબ, સર રિચાર્ડ હેડલી! વર્લ્ડ આખાનો ફર્સ્ટક્લાસ બૉલર! એને આ સચીને કાંઈ ધોયો છે, કાંઈ ધોયો છે! પાંચ છક્કા ને ચાર ચોક્કા!’
‘એમ?’
‘અરે સાહેબ, તમે મૅચ જોઈ નહીં હોય. જોકે તમને એવી ફુરસદ તો ક્યાંથી હોય? પણ રાતે હાઈલાઈટ્સ જોઈ હતી?’
‘ના. મન તો થાય, પણ તમે જુઓ છો ને, આ મિટિંગો, સભાઓ, કાર્યક્રમો, મુલાકાતો ને બાકી રહે તે ઘેર ફાઈલો!’
‘ત્યારે ટી.વી. તો ઑફનું ઑફ જ રહેતું હશે. પણ તમારે ટી.વી. જોઈને શું કરવાનું? સમાચાર, તો કે તમારા! અઠવાડિયામાં બે-ચાર વાર તો દર્શન થાય જ છે! પણ સાહેબ સિરિયલ્સ સારી આવે છે હોં! એક ગિનેસબુક રેકોર્ડની આવે છે. જાતજાતના ને ભાતભાતના વર્લ્ડરેકોર્ડ કરનારાંએ એમનો વર્લ્ડ રેકોર્ડ કેમ કર્યો છે એ બતાવે છે. બરાબર નવ વાગ્યે, પ્રાઈમ ટાઇમ! એક વાર તો સાહેબ, એવા માણસને લઈ આવ્યા હતા કે મારો વા'લો લાકડું, લોખંડ, પિત્તળ જે આપો એ ખાય! પાછું થાકી નહીં જવાનું, બધું ચાવી ચાવીને ખાય. ગિનેસબુકવાળાએ આપેલ શિલ્ડ જ ખાઈ ગયો બધાના દેખતા! અરે, ઉપરની નકશીવાળી પિત્તળની પ્લેટેય ચાવી ગયો!’
‘હોય નહીં, માણસ લાકડું ને પિત્તળ ચાવીને ખાઈ ગયો એમ?’
‘ત્યારે નહીં? અને એની જ તો મઝા છે ને? પણ સાહેબ, આ લોન મઝાની છે હોં, કલકત્તી હશે, કાં? સુંવાળી ને લીલીછમ્મ. સવારે મૉર્નિંગ વૉક લેવાની મઝા આવતી હશે, નહીં? અને પેલા ખૂણામાં એક ગુલાબનો છોડ જોયો, બાકી વન્ડરફુલ. એક જ પ્લાન્ટ ઉપર છ રંગનાં ગુલાબ! લાલ, ગુલાબી, કેસરી, પીળું, સફેદ અને કાળું! જોકે સાવ નજીક જઈને જોઈએ તો હકીકતે ડાર્ક રેડ પણ દૂરથી જોતાં તો બ્લેક જાપાન જ લાગે! ભૈયાજીને પૂછ્યું તો કહે: ચશ્માં લગાવ્યાં છે. મેં મારાં ચશ્માં કાઢવા કર્યું તો કહે: વો દેખનેવાલા નહીં. પણ ખરી કરામત છે! ડૉક્ટરને એક બાજુ મૂકી દે એવું કામ છે. અદ્દલ સ્કીન ગ્રાફટિંગ જ જોઈ લો. એક રંગના ગુલાબની આંખ, બીજા રંગના ગુલાબ ઉપર ચડાવી દેવાની. વન ટાઇપ ઑફ સર્જરી જ ને? લ્યો, ત્યારે બેસો, જય જય! પાછું તમારે મોડું થશે.’
એમની વાત ખોટી ન હતી. મોડું થતું જ હતું. પણ વાતો વાતોમાં ચા ક્યારે પીવાઈને પૂરી થઈ ગઈ, કંઈ ખ્યાલ જ ન રહ્યો. ને પાછી એમણે કામની વાત તો કાઢી જ નહીં. ઊભા થતાં હાથ મેળવી પૂછ્યું: ‘કંઈ કામ હોય તો બોલો, મગનલાલ!’
‘બીજું કામ કેવું? બસ, વાતો કરવી હતી તે કરી ને તમે નિરાંતે બેસીને કહેતાં એમણે સાંભળી એટલે મઝા પડી ગઈ. લ્યો, ત્યારે સાહેબજી!’ હાથમાંનો અંક થેલામાં મૂક્યો ને થેલો ખભે લટકાવી ચાલતા થયા. મેં હાથ હલાવી આવજો કહ્યું. દરવાજો બંધ કરતાં એમણે વળી, આવજો કર્યું ને મેંય સામે હાથ હલાવ્યો. ત્યાં રિસેપ્શનિસ્ટે આવીને કહ્યું: ‘બહેનજી તૈયાર છે.’
અમદાવાદ જતાં કારમાં ચૂપ બેઠેલો જોઈ વનિતાએ પૂછ્યું: ‘બહુ થાકી ગયા છો, આજે?’
‘ના, ના. એ તો એમ જ, અમસ્તું!’ પણ મનમાંનું કુતૂહલ શમતું ન હતું. કોઈ માણસ મુખ્યમંત્રીને શું વાતો કરવા જ મળવા આવે? દુનિયા શું હજુ આવી ભલી-ભોળી રહી છે? ને વાતોય કેવી અફલાતૂન! જુઓ ને, મારી જીભેય એમનો શબ્દ ચડી ગયો! માણસને વાતો કરતાં આવડે છે. ને પાછો કશાનો ભાર નહીં. મુખ્યમંત્રીની સામે બેઠો છું – એવી સભાનતા ય નહીં. ગુલાબનો છોડ જોઈને કહે: વન્ડરફુલ! એ છોડ જોઈને શું એને સાચ્ચે જ આટલો બધો આનંદ થયો હશે? મારા ગાર્ડનમાં આવો કોઈ છોડ છે એની તો મને ખબર જ ન હતી. કાલે સવારે લોનમાં મૉર્નિંગ વૉક લઈશ અને ખીલેલાં ગુલાબ જોઈશ. પેલા લાકડું ખાતા માણસની વાત તો એણે એવી રીતે કરી; જાણે હમણાં ઊભા થઈને પોતે જ લાકડું ખાવાનું ડેમોન્સ્ટ્રેશન આપશે કે શું? ડબલ વિકેટ ટુર્નામેન્ટની કૅસેટ તો ક્યાંકથી મેળવવી જ પડશે. નિખિલને કહીશ, એના દોસ્તારોમાં કોઈકે તો કરી જ હશે. સચીન વિશે વાત કરતી વેળા એના મોઢા ઉપર કાંઈ એક્સાઈટમેન્ટ હતું! માણસ ખરે જ આટલું બધું ડિપલી ફિલ કરતો હશે? કરતો હશે, કેમ? કરે જ છે ને? મગનલાલ માટે ‘હતો’ વપરાય? પણ એ ક્યાંના હશે? ખરા માણસ છે. આવ્યા, વાતો કરી ને ચાલતા થયા ખભે થેલો ભરાવીને! જાણે ધૂમકેતુ! ના, એ તો પાછળ લિસોટો ય મુકી જાય જ્યારે મગનલાલ તો માત્ર મગનલાલ. ન આગે નાથ ન પીછે પગહા! બિલકુલ હળવાફૂલ અને પાછા તબિયતથી રંગીન, માણસ ગમી જાય એવા છે. પણ હવે શું? એ સામે બેઠા હતા ત્યારે પહેલાં તો, હમણાં કંઈક કામની વાત કાઢશે - એની રાહમાં રોકાઈ રહેવાયું ને પછી તો એમની વાતોમાં જ ડૂબી જવાયું. ઊભા થઈને હાથ મેળવ્યો ત્યારે ય કામનું પૂછ્યું પણ એમનાં પૂરાં નામ-ઠામ પૂછવાનું રહી ગયું. આ ખરું! માણસ કરતાં એનું કામ મહત્ત્વનું એમ? બસ, એક આદત પડી ગઈ છે. મળવા આવે એ બધા કોઈ ને કોઈ કામ લઈને જ આવે. બધાને કપાળે એમનું કામ લખ્યું હોય. જાણે ચહેરા નહીં, કામની યાદી. અને એ પૂરું થઈ જાય એટલે બસ જય-જય ને નમસ્તે-નમસ્તે! પતી ગયું. મને ય એમનાં કામ યાદ રહે, ચહેરા તો ક્યાંય તણાઈ જાય! ચહેરા ય કેટલા, ને બધા એકસરખા, કામ, કામ ને બસ કામવાળા જ. પણ આ મગનલાલ ખરા નીકળ્યા. એમની વાત જ જુદી. એમનો ચહેરો યાદ રહી ગયો છે, કામ વગરનો હળવોફૂલ ચહેરો. બ્રાઉન કલરની ફ્રેમનાં ચશ્માં, ઝીણી મૂછો, હોઠ ઉપર આછોતરા કાપાનું નિશાન અને હસતી આંખો. દાંત સહેજ રંગાયેલા, પાનની ટેવ હશે કદાચ. - આવડતું હોત તો અત્યારે જ ચીતરી આપત. પણ મોઢું યાદ રહ્યે શું ફાયદો? – ‘ફરી વાર આવજો ક્યારેક!’ એવું કહેવાનો ગૃહસ્થીનો વિવેક પણ ચૂકી જવાયો. પણ મગનલાલ ખોટું લગાડે એવા માણસ નથી. કહ્યા વિના જ આવ્યા હતા ને? એમ જ ફરી નહીં આવી ચડે કોઈ વાર?
(શબવત્)
સ્રોત
- પુસ્તક : રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : પારૂલ કંદર્પ દેસાઇ, કંદર્પ ર. દેસાઇ
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2019
