ઈશ્વર પેટલીકર
Ishwar Petlikar
વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ કે જાણે એ એનો વર ના હોય ! વરને તો એણે લગ્નવેદી આગળ પાનેતરમાં સંતાયેલી આંખે એક જ વખત સ્પષ્ટ જોયો હતો. છતાં એ વખતની જે સ્મૃતિ એના હ્રદયપટ પર કોતરાઈ હતી એ સર્વ વિનોદમાં મૂર્તિમંત થતી એને લાગી. અધૂરામાં પૂરું એના વરનું નામ પણ વિનોદ જ હતું. એટલે વિનોદને પ્રથમ જોતાં જ સુશીલાના હ્રદયમાં, જેમ શ્વસુરગૃહથી અનભિજ્ઞ કન્યા વરને દેખીને શરમાઈ જાય – સંકોચાઈ જાય - લજ્જાની લાલી મોં ઉપર ઊપસી આવે અને હૃદય ધડકી ઊઠે, તેમ એ સર્વ ભાવો સહજ જાગ્યા.
જોકે એ સારી પેઠે જાણતી હતી કે વિનોદ તો બદલી થવાથી અહીંની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરવા આવ્યો છે; અને તે પણ આજ મકાનમાં રહેતા સુમનભાઈની જગાએ, એટલે એની લજ્જા ખરી રીતે તો એક જાતની મૂર્ખાઈ જ હતી. પણ ફોટોગ્રાફીની પ્લેટ ઉપર એક વખત પડેલી છાપ જેમ ભૂંસાતી નથી તેમ એ બધું જાણ્યા છતાં સુશીલાનો સંકોચ ગયો નહિ.
પિતાએ કચેરીના માણસોના હંમેશ ખપ માની વિનેાદ જોડે પરિચય કરવા બીજે દિવસે સવારમાં ચાનું આમંત્રણ આપ્યું ત્યારે સુશીલા હજુ એનો સંકોચ ન ગયો હોય તેમ લાજતી - શરમાતી વચલો ઊમરો ઓળંગતી હતી ત્યાં તો એણે પિતાને વાત કરતા સાંભળ્યા : ‘અમારા નાના જમાઈને તમારી મોંકળા બરાબર મળતી આવે છે. એક જ ઘાટ... રંગ...’ અને ખણણ કરતો સુશીલાના હાથમાંથી પડેલા પ્યાલાનો રણકાર થયો.
‘શુ થયું ? પ્યાલા પડ્યો કે?' પિતાએ વાતને પડતી મૂકી પૂછ્યું.
રસોડામાંથી મા ખિજાઈને બોલી : 'છોડીના તો દેઈ જાણે હાથ જ ભાંગલા હોય તેમ જે હોય તે ભૂહ ભૂહ નાખી જ દે છે!'
બહારના માણસના દેખતાં પ્યાલા જેવી નજીવી વસ્તુ સારુ કંકાસ કરવો એ વેપારી મગજના પિતાને ઠીક ન લાગવાથી એ બોલ્યા : ‘ચાલ, હવે એની કચકચ શી ? બીજો...’
પણ મા વચ્ચે બોલી ઊઠી : ‘એ તો સે’જ રહી ગયો, નહિ તો એનો પગ શેકાઈ જાત ને! તમે જ્યારે હોય ત્યારે એનું ઉપરાણુ લો છો, પણ આવું કરે તે પારકા ઘરમાં પોસાય? તમને તો કોઈ ના કહે પણ મને તો સંભળાવે ને, કે એની મા ય કેવી ? કે છોડી પંદર વરસની થઈ તો ય ચાલતાં નથી શીખવ્યું ?’
અને સુશીલા ‘પ્રથમગ્રાસે મક્ષિકા'ની માફક વર આગળ જ પોતાની નાલાયકીનું પ્રદર્શન થયું હોય, તેમ પ્યાલા મૂકવા આવી પણ નીચું ઘાલી ઝડપટ ચાલી ગઈ, અને ફજેતીની મારી પોતાનાથી રડી દેવાશે માની એણે અંદર જતાં જતાં છેડાવતી આંખ લૂછી નાખી.
પિતા વાત આગળ કરવા માંડયા : ‘છોડી નામ પ્રમાણે એવી સુશીલ છે કે મરતાને મેર કહે તેવી નથી. અને ઘર એવું મળ્યું છે હું કળશી માણસોના કામે બિચારી અડધી થઈ જશે. એટલે વળાવવા જેવી થઈ છે, એ લોકો ય ઉતાવળ કરે છે, પણ જમાઈને આટલી પરીક્ષા બાકી છે; જે કંઈ નોકરીએ લાગી જાય તો બારોબાર ત્યાં જ મોકલી દઉં એ વિચારે જરા ઢીલું નાંગરીને બેસી રહ્યો છુ.’
અંદર સાંભળી રહેલી સુશીલાના મનમાં એ શબ્દો જાણે પોતાને તેડવા આવેલા વરને પિતા પોતાને સારી રીતે સાચવવાની ભલામણ કરતા હોય તેવા લાગતા હતા.
વગર પરિચયે વાતચીત ન કરી શકવાના સ્વભાવવાળો વિનોદ કંઈ ન બોલ્યો એટલે એમણે પૂછ્યું : ‘કેમ, મારું કહેવું ખોટું છે? તમારે ઘેર ગમે તેટલી ઉપાધિ હશે પણ અહીં સુભદ્રાબેનને છે કોઈ જાતનું દુઃખ?’
અને વિનોદના ગયા પછી સુશીલા ચોકડીમાં ચાના પ્યાલા સાફ કરતી હતી ત્યારે માતાપિતા એની જ વાત કરતાં હતાં.
મા : ‘નાની ઉંમરમાં નોકરી સારી મળી ગઈ છે.’
પિતા : ‘આપણા વિનોદપ્રસાદ ને એ, બે ય સાવ સરખા જ દેખાય છે.’
મા : ‘પાછાં નામે ય એક જ છે.’
ધીમે રહી કાન દેઈ સાંભળતી સુશીલાના હાથમાંથી વળી રકાબી લપસી ગઈ. અને મા બરાડી ઊઠી : ‘તમે કહો છો, કચકચ ના કરીશ. પણ તમે જ કહો, આવા ભાંગલા હાથની પારકી છોકરી આપણા જ ઘરમાં પોસાય? વળી કાયા કોમળ તે કરમ કઠણ, એમ સાસરું ય ધોરી માણસનું મળ્યું છે કે મૂઆં બિચારીને કચરી ના નાખે તો જ સારું!’
પિતા : ‘આ વિનોદપ્રસાદની માફક કંઈ નોકરી મળી જાય તો છો ને ઘરમાં ધોરી માણસ રહ્યાં! છોડીને ત્યાં રહેવા વારો આવે ત્યારે ને?’
સાચે જ જાણે નોકરી મળી ગઈ હોય તેમ રાજી થતાં મા બોલી : ‘એમના જેવી નોકરી મળી જાય ત્યારે તો કશી ઉપાધિ જ નહિ.’
એ દા'ડે વિનોદ અગિયાર વાગે કચેરીમાં ગયો તે પહેલાં સુશીલા સ્વગૃહે પધારેલા ભાવિ પતિને કન્યા જેમ પડદા પાછળ પોતાની જાતને છુપાવી નીરખવા પ્રયત્ન કરે, તેમ વારે વારે બહાર ગેલેરીમાં આવી વિનોદની ઓરડીમાં ડોકિયું કરી જતી. એક વખત એ પીઠ ભણી કંઈ કાગળિયાં ફેરવતો જણાયો, ત્યારે એની લાંબી ગરદન, કાનના વળાંક, વાંકડિયાં વાળની ઊડતી લટો અને એક બાજુથી દેખાતી ઘાટીલી આંગળીઓ એ જોઈ રહી. જાણે કોઈ શિલ્પી મૂર્તિનાં અંગોપાંગની કળાની દષ્ટિએ પરીક્ષા કરી એની સુરેખતા માટે ખુશ તો હોય તેવા ભાવ સુશીલાના મુખ ઉપર જણાતા હતા. વિનોદ હાથમાંનાં કાગળિયાં નીચે મૂકી ડોક ઊંચી કરવા ગયો ત્યાં તો સુશીલા અંદર ઓરડામાં સરી ગઈ.
બીજી વખત એણે ડોકિયું કર્યું ત્યારે વિનોદ પૂછતો સંભળાયો : ‘સુભી ! હજુ કેટલી વાર છે?’
સુભદ્રા અંદર રસોડામાંથી બોલી : ‘હજી સાડા દસ થયા નથી તે પહેલાં રસાઈની બૂમ મારવા લાગ્યા?’
વિનોદ : ‘વિનોદ સાડા દસને પેટમાં શું દુ:ખે છે? દસ મિનિટ બાકી છે.’
સુભદ્રા : ‘ત્યારે મારે રોટલી જ બાકી છે.’
વાત થઈ રહી એટલે વિનોદ મોં ફેરવવા ગયો ત્યાં તો સુશીલા ઘરમાં જતાં બબડી : ‘હત મારી બઈ! મિનિટો ગણો છો એના કરતાં સરસામાન મોડો ગોઠવી રસોઈ વહેલી કરી હોત તો બગડી શું જાત?’
અને છેલ્લી વખત સુશીલા ડોકિયું કરવા ગઈ ત્યારે વિનોદ કચેરીમાં જવા તૈયાર થઈ બારણામાં જ મળ્યો. ચાર આંખો એક થતાં કાઇએ લાકડીનો જબ્બર ફટકો લગાવ્યો હોય અને બેવડ વળી જવાય તેમ સુશીલા ગૂંચળું જ વળી ગઈ. એના મોં ઉપર એટલું લોહી ચઢી આવ્યું કે જો આંગળી અડકાડી હોય. તે જાણે રંગાઈ જાય!
બપોરે બે વાગે માએ સુભદ્રાને ચા પીવા બોલાવી, ત્યારે એને જોઈ સુશીલાને જુદો જ વિચાર આવ્યો. વિનોદથી જોકે એ વર હોય તેમ સંકોચાતી હતી, પણ એથી સુભદ્રા એને માફક ખૂંચવી જોઈએ તેમ ખટકતી ન હતી. હા, સવારમાં એણે વિનોદ સાથે ચર્ચા કરતી સાંભળી ત્યારે એનું હ્રદય ડંખ્યું હતું. પણ પોતાની ગમે તેટલી લાગણી દુભાય પણ એમાં કોઈ ઉપાય ન હોય તેમ એ મૂંગી પ્રાર્થના કરતી : ‘બાઈ ! મારાથી તો ઉઘાડી પડી સેવા થાય એમ નથી; માટે તને વિનંતી કરું છું કે મારે બીજા કોઈ કોડ નથી, પણ એમને તું જેટલા રાજી રાખીશ એટલી હું રાજી રહીશ.’
અને એ જ ભાવના પ્રત્યક્ષ જણાવવા એણે ચા ય સરસ બનાવી હતી, નાસ્તાની વાનીઓ ચાખીને ખાતરી કરી મૂકી હતી.
માએ વખાણ કરતાં ઠપકો આપ્યો : ‘આમ જીવ ઠેકાણે રાખી રોજ ચા બનાવતી હોય તો સારું.’
સુભદ્રાએ પોતાનો સૂર પુરાવ્યો : ‘ચા સરસ થઈ છે.’
પુત્રીનાં વખાણ કઈ માને ન ગમે ! માએ કહ્યું : ‘ત્રણમાં હોશિયારીમાં, ચાલાકીમાં જેમાં ગણા એમાં આ વધે. મોટી છે તો ચપળ પણ જરા ભોળી; અને ભોળિયાના ભગવાન કહે છે તે ખોટું નહિ. વગર મુશ્કેલીએ એને એવું મળી ગયું છે કે અમારે એના તરફનો ઉજાગરો જ નહિ. અને આ મૂઈ નાનપણથી એવી પાક્કી અને બદમાશ કે એનું કરમે ય પાક્કું નીકળ્યું. એના સારું આકાશ- પાતાળ એક કરી નાખ્યું પણ ઘર હોય ત્યાં વર ના હાય, વર હોય ત્યાં કુળનું ઠેકાણું ના હોય. છેવટે આ કર્યું છે એ તો મારા ભાઈ ઠીકઠીક છે. પણ ખરું પૂછો તો છોકરો જોઈને જ પડતું નાખ્યું છે. તમારે શોધવા જવાનું જ નહિ; તમારા ઘરમાં છે એ બેને ભેગા કર્યાં હોય તો વરતાય નહિ.’
સુશીલાએ સાડિયું વધુ સંકોચ્યું.
સુભદ્રાએ પોતાની વાત કરી : ‘સહુ સહુનું કરમ છે. હું પહેલેથી જ એવી હરામ કે કોઈ કામને અડું જ નહિ. બાર વરસની થઈ ત્યાં સુધી તો દોરડું વાળતાં કે કપડાં નિચોવતા ય આવડે નહિ. મા તો બિચારી ઓરમાન એટલે વગોવાવાની બીકે કશું ય કહેતી નહિ; પણ તોફાન કરતી હોઉં ત્યારે જો પિતા આવી ચઢે તો માને ઊધડી લઈ નાખતા : આ છોડીનો તો તું ભવ બગાડીશ ! પારકે ઘેર આખાં હાડકાંની જઈને ઊભી રહેશે ત્યારે રાજ આપણે ગાળો ખાવી પડશે. વળી મને પરણાવી ત્યારે ખબરે ય નહોતી કે પરદેશ રહેવાનું મળશે. પણ અત્યારે બધાં ય કહે છે : મૂઈ નાનપણમાં ય કશા કામે ન અડી તે મોટપણે ય કામ કરવા વારો ન આવ્યો ! એ તા સુશીલાના ભાગ્યમાં હોય તો તમને લાગે છે કે મોટી સુખી છે, પણ એથી ય વધારે એને સુખ મળે.’
માએ એ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું : ‘અમે સવારમાં એ જ વાત કરતાં હતાં. એમને નોકરી મળી જાય તે કંઈ ઉપાધિ નથી.’
સુભદ્રાએ વગર અનુભવે કહ્યું : ‘ભણેલાને નોકરીનો શો તોટો ? આ નહિ તે બીજી.’
માએ પોતાની ઇચ્છા પરિપૂર્ણ થઈ હોય તેમ કહ્યું : ‘ત્યારે અમે ય છોકરો જોઈને જ પડતું નાખેલું ને!'
અને સુભદ્રા ગઈ ત્યારે સુશીલાના મગજમાં એ બીજ મૂકતી ગઈ કે એનો વિનોદ પણ થોડા દિવસમાં નોકરીએ જશે, પોતે પણ સુભદ્રા જેવું સુખી સ્વતંત્ર જીવન જીવી શકશે. અને એણે સવારમાં સાંભળેલી વિનોદના ‘સુભી! ના મીઠાં અવાજમાં એક અક્ષરફેર કરી જાણે કોઈ બોલાવતું ન હોય ‘સુશી !’ તેવો એને ભાસ થયો.
સાંજે એ રસોડાના પાછલા ભાગમાં હતી, ત્યાંથી એણે વિનોદના છૂટનો અવાજ પારખ્યો. ભાખરીનો લોટ બાંધવા કાઢ્યો હતો છતાં એને બહાર ડોકિયું કર્યા વગર ચેન ન પડ્યું. વચલા ખંડમાં બેઠેલી માની નજર ચૂકવવા એણે ખાલી નાક ખંખેર્યું અને એ અવાજે સુભદ્રા સાવધ થઈ હોય એમ બોલી : ‘તમે ય શું, કોઈ દેખે તો!’ એમ બોલતા એ દૂર ખસી ગઈ અને સુશીલાની નજર અંદર ડોકાઈ ત્યારે સુભદ્રા ગુલામી ગાલ ઉપર પ્રસ્વેદનાં ટીપાં બાઝ્યાં હોય તેમ હાથ વતી સાફ કરતી હતી.
લોટમાં પાણી રેડતાં રેડતાં એના મનમાં વિનોદ માટે સ્વાભાવિક મમતા હતી તેમાં ઉમેરો થયો. કેટલા પ્રેમ રાખે છે! પાંચ કલાકના વિયોગમાં તે પ્રવેશતાં જ ચુંબન લીધું! પણ હું ય કેવી ? નાક ખંખેરી એમને પૂરાં ભેટવા ય ન દીધાં ! ચૂપકીથી જોઈ લીધું હોત તો?
જાણે કોઈએ એના મધુરા ગાલે ચુંબન લીધું હોય તેમ એણે એને સાફ કરવા ભીનો હાથ ધસી કોરા ગાલને ભીનો કર્યો.
અને માએ અંદર પગ મૂક્યો, ત્યારે પ્રિયતમ સાથે વાત કરતી મુગ્ધા શરમાઈને લજ્જા છુપાવવા કામે વળગી જાય તેમ સુશીલા લોટને બાંધવા વળગી ગઈ.
મા જાતાં જ બોલી ઊઠી : ‘તારું ભાન બળી જાય ! આટલું બધું પાણી ભડભડાવી તારું કપાળ બાંધવા બેઠી છે? કેટલો બધો લોટ ઢીલો થઈ ગયેા ?’
સુશીલા જવાબ આપ્યા વગર પોતાની ભૂલ સુધારવા બીજો લોટ લેવા ઊઠી એટલે મા ખિજાઈને બહાર જતાં બોલી : ‘આવું ને આવું કરજે એટલે વહેલી ભીખ માગવી પડે!
રાત્રે સૂતી વખતે એને સુભદ્રાનાં બંધ બારણાંની તરાડમાંથી અંદર જોવાના ભાવ થયો. પણ એનું મન બોલી ઉઠ્યું : ‘હેંડ મારી બઈ! એમ બીજાની ચેષ્ટા જોતાં લજાતી નથી?’ અને કદાચ એણે એ ઇચ્છા દાખી ન હોત તો ય જડ મિસ્ત્રીએ બારણાં મનાવતી વખતે એની આવડતની ધૂનમાં સાંધ એવી સજ્જડ બેસાડી હતી કે અંદર કે બહારથી કંઈ જોઈ શકાય તેવું જ હતું નહિ. છતાં સુશીલાએ અંદર જતા વિનોદનો સૂર સાંભળ્યો એટલે એ અટકી ગઈ.
‘સુભી! તું જઈશ એટલે મને બિલકુલ નહિ ગમે.’
‘જાવ, જાવ; અમસ્તું મીઠું બોલી શું કરવા સારું લગાડો છો?’
‘ખોટું કહું છું?’ સુશીલાએ સામો પ્રશ્ન સાંભળ્યો. પણ વિનોદ સુભદ્રાને પોતાની પાસે વધુ ખેંચી આંખમાં આંખ પરોવી, ગાલે મીઠી ટપલી મારી પૂછી રહ્યો હતો એ દૃશ્ય જો સુશીલાના જોવામાં આવ્યું હોત તો એ ક્યારની ય ઘરમાં ચાલી ગઈ હોત. અને સુભદ્રા જાણે એ સ્થિતિમાં જ વધુ આનંદ હોય તેમ અનિમેષ નયને તાકી રહી હતી. વિનોદે આગળ કહ્યું : ‘અહીં હજુ નવેનવું' એટલે શાંતિ થતાં વાર લાગવાની, અને તેમાં ય તું જતી રહીશ એટલે હું બાબરા ભૂતની પેઠે આ ખૂણેથી પેલે ખૂણે આંટા મારું ત્યારે ને?’
સુશીલાનુ અંતર પોકારી ઊઠ્યું : 'કેટલી માયા રાખે છે!'
સુભદ્રાએ જવાબ આપ્યો : ‘તમારે ઓછો આખો આખા દા’ડો ઘેર બેસી રહેવાનું છે ? સવારમાં તે ખાવાપીવામાંથી પરવારો ત્યાં સુધીમાં કોર્ટમાં જવાનો વખત થાય; અને રાત્રે તો હરગોવિંદભાઈ ઘેર હોય જ. ઘરનાં બધાં કેટલાં માયાળું છે!’
વિનોદ હસીને કહેતો હોય તેમ સંભળાયો : ‘એટલામાં ઘરનાં બધાંને ઓળખી આવી ય ખરી કે?’
સુભદ્રાને કંઈ યાદ આવતાં હસી જવાયું.
વિનાદે પૂછ્યું : ‘કેમ હસવું આવ્યુ ?’
સુભદ્રા મીઠું મીઠું હાસ્ય ચાલુ રાખતાં ખેલી : ‘સવારમાં તમે ચા પીવા ગયા હતા તે વખતે સુશીલાના હાથમાંથી પ્યાલો પડી ગયો...’
પોતાનું નામ આવતાં સુશીલા સાંભળવા અધીરી બની.
વિનાદે કહ્યું : ‘એમાં તો બિચારીને મંછાબહેને કેટલા ય વાનાં કરી નાખ્યાં!’
સુશીલાનું અંતર આનંદથી ફૂલી ઉઠ્યું : ‘કેટલી લાગણી છે!’
સુભદ્રા આગળ બોલી : ‘એ જ વાત મંછાબહેને મને બપોરે કરી : ‘મૂઈ મેં તો એમને બરાબર જોયેલા નહિ એટલે છોડીને બે વાનાં કહેવાઈ ગયાં. પણ પછી મેં બહાર નીકળી એમને સારી રીતે જોયા ત્યારે ખબર પડી કે છોડી બિચારીનો કશો દોષ ન હતો. મને જ થયું કે જાણે અમારા જ વિનોદપ્રસાદ! એટલે એ બિચારી શરમાય એમાં શી નવાઈ? તે પછી એના બાપે કહ્યું : સુશીલા ! સૂડી-સોપારી લાવ જોઈ? પણ એના ક્ષોભ હું જાણી ગઈ હતી એટલે મેં જ કહ્યું : લાવો ને, હું જ લેતી આવું! અંદર જઈ જોયું ત્યારે તો મૂઈ વરને દેખીને શરમાઈ જાય તેમ સંકોચાઈ ગઈ હતી.’
પોતાના ભાવ મા જાણી ગઈ છે માની સુશીલા સાવધ થઈ. એને અંદર જતા રહેવાનું મન થયું ; પણ વિનોદ શું કહે છે તે સાંભળવા એના પગ ખસ્યા નહિ.
વિનાદે હસતાં હસતાં કહ્યું : ‘મારાં તે કેટલાં રૂપ છે! ચંપા- બહેનનો ભાણો મને જોઈ ‘મામા! મામા!’ કરવા માંડ્યો ત્યારે એમણે કહ્યું : ‘વિનાદભાઈ ! છોકરું ય કેવી મોંકળા ઓળખે છે! મારા ભાઈને તમે જોયા હોય તો તમારા જેવા જ છે.’ આપણે વિજાપુર હતાં ત્યારે મોહન પટાવાળો કહેતો કે તમને જોઉં છું ત્યારે મને અહીં પહેલાં મુનસફ સાહેબ હતા તે યાદ આવે છે. અને વળી અહીં આવ્યો ત્યારે મારું બીજું રૂપ જડ્યું તે હજી અણજાણ્યાં કેટલાં રૂપ હશે તેની કોને ખબર?’
સુશીલા વધુ સમય થવાથી મા બૂમ પાડે તે પહેલાં ચાલવા જતી હતી, ત્યાં સુભદ્રાનો અવાજ આવ્યો ને એના ઊપડેલા પગ અટકી ગયા.
‘એમાં કંઈ નવાઈ છે! ઘણાંયની મોંકળા મળતી આવે છે.’
‘પણ એમાં મારે કોઈ વખત રાંડી બેસવા જેવું થાય ને?’
‘તમને હું સારી સસ્તી મળી છું! જયારે હોય ત્યારે મારા મોતની જ વાત.’
વિનાદ હસતો સંભળાયો : ‘મોત આવે ત્યારે તો સારું સ્તો!
પણ આ તો બીજાં ભુલાવામાં પડે છે તેમ કદાચ તું મારા એ રૂપધારીને જોઈ ભૂલી પડી એમની સાથે ચાલી જાય, ત્યારે દમયંતી નળને શોધતી વનવન ભટકતી હતી તેને બદલે મારે દમયંતીને શોધવા ક્યાં ક્યાં ભટકવું?'
ખોટો રોષ કરતાં સુભદ્રા બોલી : ‘જાવ, જાવ ! તમને તો જેમાં હોય તેમાં મશ્કરી જ સૂઝે છે.’
અને હવે તે અંદરથી માની ઉધરસનો અવાજ આવ્યો એટલે ઇચ્છા-અનિચ્છાનો વિચાર કર્યાં વગર સુશીલા અંદર જઈ પથારીમાં સૂઈ ગઈ.
સુશીલાને ખાતરી થઈ કે એને પોતાને જ એવો અનુભવ નથી થયો, પણ માને એ જ વિચાર આવ્યો છે ત્યારે એનું મન વધારે કલ્પનાએ ચઢ્યું. પોતાનો વિનોદ આવો છે ત્યારે હૃદય આવું નહિ હોય? અને મને જો કહે : ‘સુશી ! તારા વગર મને નહિ ગમે.’ તો હું મોત આવે તો ય એનાથી અળગી ન થાઉં; અને સુભદ્રાબેનના જેવું ભાગ્ય કેટલાંનું હશે ? મોટીબેનના સુખની વાત મા કરે છે, પણ એના ઘરમાં ગમે તેટલા પૈસા હશે પણ એથી એનું શું દળદર ફીટ્યું? હું પંદર દિવસ રહી તેમાં માંડ પાંચ દા’ડા એ ઘેર રહ્યા હોય તો. ને ઘેર હોય ત્યારે ય રાત્રે દસ વાગ્યા પહેલાં કદી વહેલા આવ્યા હતા ? એમને એમના વેપારમાં ધ્યાન, ત્યાં બેન સાથે હસીને વાત કરવાની ક્યાંથી ફુરસદ મળે ? અને બેને ય એ આવે તો ય સૂવા જવાની ઉતાવળ કરતી હતી? છતાં મા શું જોઈને જેને હોય તેને કહેતી હશે કે મારી મોટી છોડી બહુ સુખી છે?... પણ બળ્યો માણસનો સ્વભાવે ય કેવો વિચિત્ર છે! બેનના મનમાં એટલા ઉમળકો નથી જણાતો છતાં અહીં આવવાનું નામ નથી લેતી, અને સુભદ્રાબેનને એ હાથમાં ને હાથમાં રાખે છે, છતાં હજુ બે મહિનાની વાર છે તે પહેલાં બિસ્તરા બાંધવાની તૈયારી કરે છે!
વળી પાછું એનું મન વિનોદની સરખામણીમાં પડ્યું. ભણતરે ય એ આ વખતે પાસ થશે એટલે સરખું! અને ભણેલા બધા સરખા નથી હોતા? પેલાં રંભાબેને માને તે દિવસે શું કહ્યું હતું ? ‘ભણેલા પોતાને જેવી સ્વતંત્રતા, હાસ્યવિનોદ, મોજશોખ જોઈએ છે તેવી સ્ત્રીઓને પણ મળવી જોઈએ તેમ માને છે. માટે તમે માનતાં હો કે મારી શાન્તાને ત્યાં વધુ પૈસા છે એટલે એ સુખી છે, પણ જોજો, સુશીલા એના કરતાં વધારે સુખી થશે.
અને એ નોકરી કરશે એટલે મારે શું દુઃખ છે ? પણ હું સુભદ્રા જેવી કદી ન થાઉં. મારા વિનાદને તે હું ફૂલની શય્યામાં જ સુવાડું.
પોતાની પેઠે સુશીલા પણ ઊંઘ્યા વગર પાસાં ઘસ્યા કરે છે એ જોઈ મા બોલી : ‘મારી પેઠે તને ય માંકડ કરડે છે કે શું?’
પોતાના ભાવ સંતાડતાં સુશીલા બોલી : ‘દઈ જાણે ક્યારનું ય કર્યું કરડવા કરે છે.'
મા બબડી : ‘દા'ડે બીજી લપમાં ગાદલાં તડકે નાખવાનું ભૂલી જવાય છે. કાલે જરા એટલું યાદ રાખી કામ કરજે.’
સુશીલાને થયું : ગાદલાંની પેઠે મનને તડકે સૂકવી વિચારે રોકી શકાતા હોત તો કેવું સારું ?
પણ શરીર તો નિદ્રામાં નિશ્ચેતન થઈ પડી રહ્યું, છતાં મને એની ભ્રમણા ન મૂકી. જાણે સ્વપ્નામાં એનો વિનોદ કહી રહ્યો છે : ‘સુશી ! હજુ જમવાની કેટલી વાર છે?’ અને જમતાં જમતાં જાણે કહેતો હોય : ‘સુશી ! તું જઈશ ત્યારે મને નહિ ગમે.’
અને સુશીલાએ ઊંઘમાં જવાબ આપ્યો : ‘પણ હું ક્યાં જવાની છું?’
પણ સવારના પહોરમાં જાગ્રતાવસ્થા ‘એણે જે સાંભળ્યું એથી તો એની છાતી બેસી ગઈ.
વિનોદ ઊઠીને કહ્યું : ‘સુભી ! ઊઠે ને હવે? સવાર થયું.’
સુભદ્રાનું શરીર જોકે છઠ્ઠા મહિનાથી નરમ રહેતું હતું, પણ છેલ્લા પંદર દિવસથી એમાં વધારો થયો હતો. એટલે રજાઈમાંથી મોં બહાર કાઢ્યા વગર જ એણે જવાબ આપ્યો : ‘બળ્યું, મારું શરીર તો કાલ આખો દા'ડો સરસામાન ગોઠવવામાં ઊઠબેસ કરી તે સજ્જડ થઈ ગયું છે. જરા સગડી સળગાવો તો હાડકાં શેકું તો આરામ થાય.’
અને જાણે કોઈએ પાતાને ફટકો લગાવ્યો હોય એમ તેમ સુશીલાનું શરીર ઝણઝણી ઉઠ્યું. એનું ઊર્મિ તંત્ર હચમચી ગયું; હૃદયમાં લોહીના ધબકારાની ઝડપ વધી ગઈ. મન ફફડી ઊઠ્યું : ‘ચાલ, ચાલ મારી બઈ ! નહણક આવી ડિલરખી ક્યાંથી? આવા પ્રેમાળ પતિનો સાથ હોય તો આખો ગઢ તોડી નાખીએ, તો કાલ સે’જ ઊંચી - નીચી થઈ એમાં ઉઠાતું નથી? જા, જા; તને માણસની કદર જ નથી ત્યાં બીજું શું કહું? એ તો એમ માન કે પેલે ભવ કંઈ પુણ્ય કર્યાં હશે, નહિ તો તારા આ ઢંગ જોતાં તો આવો પતિ તારા જેવીને ક્યાંથી હોય?
અને આ એક જ સપાટે સુભદ્રા તરફનો તેનો ભાવ અલોપ થઈ ગયો. ગયા. એ કચરો કાઢી બહાર નાખવા આવી ત્યારે વિનોદનો ફરીથી સૂર સંભળાયો : ‘ચાલ હવે, કોલસા સળગી ચાલ્યા.’
વળી ઘડીભર સુશીલા પોતાની જાત વીસરી ધણીપણું અનુભવી રહી : ‘મારા જેવા ધણી હોય તો ડામ જ દે. પછી આવા ચાળા કરવાનું જ ભૂલી જાય.’
અને જાણે વિનોદને ઠપકો આપતું હોય તેમ એનું મન બબડ્યું : ‘પુરુષ થઈને સાવ નર્યાતાર આવું શું ઢીલું મૂકી દો છો ? સ્ત્રીના પ્રત્યે લાગણી રાખવી એટલે આવી ગુલામી કરવાની ? કરડવું ન કરડવું એ મન જાણે, પણ ફૂંફાડો તો રાખવો કે નહિ? હજુ છડી છે તો ય આટલા હુકમ કરે છે, તો કાલે છોકરાંની મા થશે ત્યારે કેટલા મિજાજ રાખશે ?’
વળી વિનોદ તો કહેતાં કહેશે, પણ લાવ જાણે હું લાત લગાવી દેઉં માની એણે દાંત પીસી પગ ઊંચો કર્યો.
પણ એટલામાં તો માએ ઘરમાંથી બૂમ મારી : ‘સુશીલા ! અત્યારના પહોરમાં સો કામ હોય ને એમ બહાર શા મેળની ઊભી રહી છે?’
પાણિયારું વીંછળતાં ય એનું મન એ ના એ જ વિચાર કરી રહ્યું હતું : ‘ના, બા ! ના. મારાથી તે મરવા પડી હોઉં તો ય એમને કામ ન બતાવાય! માણસને કંઈ કોઈ જાતની ધરપત હોય છે? આ તો ઠીક છે કે એમને નોકરી મળી છે; નહિ તો ઘેર રહેવાનું હોય તો આખા કુટુંબની તાબેદારી ના ઉઠાવવી પડે? એના કરતાં ભગવાને અટલું સુખ આપ્યું તો ય એક પોતાના માણસનું મન ના સચવાય? એ તે મારે એની સાથે રહેવાનું નથી, નહિ તો બતાવત કે તારે વિનોદ છે ને મારે ય છે. પણ મારાથી સોમા ભાગની ય તાબેદારી તારાથી ઉઠાવાય છે?’
વળી પાછું એનું મન પોતે જ્યારે સુભદ્રાની માફક પતિ સાથે રહેશે ત્યારે કેટલી વહેલી ઊઠશે, એમના જાગતાં પહેલાં પોતે નાહી- ધોઈને કેવી પરવારી ગઈ હશે અને એ દાતણપાણી કરી રહે તે પહેલાં ચા-નાસ્તાની વ્યવસ્થા કેવી કરશે, એ બધાનું સમયપત્રક ગોઠવવામાં ગૂંથાઈ ગયું.
બપોરે સુભદ્રા અને પોતાને ત્યાં ઘસડી લાવી, ત્યારે ય સુશીલાના મનમાં એના તરફનો તિરસ્કાર શમ્યો ન હતો છતાં એનું મોં તો હસતું જણાતું હતું. સ્ત્રીઓ જેમ પોતાનો સાહિત્યશણગાર બીજાને બતાવી આનંદ મેળવે છે તેમ સુભદ્રાએ વાત શરૂ કરી.
‘આ બાદલાની સાડી એમણે હું પ્રથમ નોકરી પર સાથે આવી ત્યારે ભેટ આપી હતી.’
સુશીલાના મનને થયું : 'છતાં તને એની ક્યાં કદર છે?’
‘આ બ્લાઉઝ પહેરી હું ઘેર ગઈ ત્યારે તો બહુ જ ટીકા થઈ હતી : આવા ને આવા પૈસા વહુ પાછળ ખર્ચે એટલે કયાંથી બચે ?
આપણી છોડીઓને તો પંદર પંદર વરસ થવા આવ્યાં તો ય કોઈ સાસરીમાંથી કપડાં નથી લેતું; અને એને તો ગઈ એવાં જ ઘરનાં સિવડાવવા માંડયાં, એ તે કંઈ પહોંચાતું હશે ? પિયરમાંથી બ્લાઉઝ લાવી પહેરે તો ખરી?’
સુશીલાએ અ કથનને ટેકો આપ્યો : ‘મોટી બેનને ઘેર એટલા પૈસા છે તો ય ત્યાંથી એક કપડું ય કોઈ લેતું નથી.’
પણ મેં એમને કહ્યું : ‘તમે આ બે બ્લાઉઝ સિવડાવી આપ્યાં તેમાં તો તમારાં ઘરનાંએ ખાધેલું પેટમાં ટકવા ન દીધું!’
સુશીલાના મનમાં : ‘જો પાછો સિરપાવ બંધાવ્યો – તમારા ઘરના ! જાણે એનું તો ઘર જ નહિ? તું તો એમ ને એમ રહું એ જ મતાની છે !’
કાને પહેરેલાં ઓપલ બતાવતાં સુભદ્રાએ કહ્યું : ‘સીમંત વખતે એમણે પચ્ચીસ રૂપિયાનાં કરાવ્યાં. પ્રથમ તો હું સમજી કે ઘરનાંને ભારે જણશ આપવી પડે તેને બદલે આ આપીને મને પટાવી દેશે. એટલે મે કહ્યું : ‘મારે તમારાં આ ઓપલ નથી જોઈતાં !’
સુશીલાને થયું : ‘મેર બળ્યા મોનીં ! આટલા ભાવ કરીને આપે છે, તે ના કહેતાં શરમે ય ન આવી?’
સુભદ્રા : ‘એમણે કારણ પૂછ્યું એટલે મેં કહ્યું : એમ પચ્ચીસની સોગાદમાં ઘરનું સર્વ પતાવી દેવા માગો છો ? એમણે હસીને કહ્યું : ઘરનો તો તારો હક્ક હોય તે લેજે ને ! આ તો તેં ધાડ મારી તેનો મેડલ આપું છું.’
સુભદ્રા બોલતાં તો બોલી ગઈ પણ શરમાઈ ગઈ. અને એણે પગના છડા બતાવતાં વાત બદલી : ‘આ મદ્રાસી કેરીઘાટના છડા અહીં બદલી થતાં પહેલાં પંદર દિવસ ઉપર જ લીધા હતા. ત્યાં ય પાડોશી તરીકે તમારી જેમ વેપારી હતા. બજારમાં અમસ્તાં ફરવા ગયાં હતાં. ઘાટ ગમી ગયો એટલે નવા છડા હતા તો ય આપી દેઈ આ લેઈ લીધા. રેવાબેને કહ્યું : એમને પૂછ્યા વિના લીધા તે બોલશે નહિ ? હું હસીને બોલી : હત્ તમારી ! એમાં એમને શું પૂછવું’તું ? પહેરવાના એમને છે કે મારે? ત્યારે મને કહે : તમે તો જબરાં ભાગ્યશાળી છો ! મારાથી તો હજુ છોકરાને ઘેર છોકરાં છે તો ય એમને પૂછ્યા વગર પઈની વસ્તુ ય ન લેવાય !’
સુશીલાએ મનમાં કહ્યું : ‘એ શું કહે છે ! હું જ એક દા’ડાનો અનુભવ છે તો ય કહું છું કે એમના જેવો પતિ મેળવો એ વગર ભાગ્યે બને ? પણ તને એમની ક્યાં કિંમત છે? નહિ તો મોંમાંથી એમ બોલાય : તમે સગડી સળગાવો પછી હું ઊડું છું?’
તે પછી તો માથાનાં બકલ, વેણીનું ફૂલ, સાડીની પીન, કૂંચીઓના આંકડો, હાથના રૂમાલ, ચાંલ્લાનું કંકુ, માથાનું તેલ, વગેરે ઝીણી ઝીણી વસ્તુઓની વિગતમાં અને એવાં તલ્લીન થઈ ગયાં કે વિનોદે ઉંબરામાં પગ મૂકયો ત્યાં સુધી વખતનું ભાન પણ ન રહ્યું, અને એને જોતાં જેમ શીલવંતી, લજ્જાળુ ને વગર લાજે મર્યાદા સાચવતી ગૃહિણી વડીલ પુરુષ ઘરમાં પ્રવેશતાં પોતાનું શરીર સંકોચી, નીચી દ્રષ્ટિ રાખી અને પાણીના રેલાની માફક બીજા ખંડમાં સરી જાય તેમ સુશીલા સફાળી ઊભી થઈ બહાર નીકળી ગઈ.
સુશીલા પોતાના ઘરમાં આવતી રહી છતાં એના મોં ઉપરની લજ્જા શમી ન હતી. પણ એનું મન તો વિચાર કર્યે જ જતું હતું : એ તો આપણા ઉપર ગમે તેટલો પ્રેમ બતાવે, પણ આમ નર્યાં પૈસાનું પાણી કરાતું હશે? પૈસા કમાવા તો ઘર-ગામ મૂકી પરદેશ આવ્યાં તે આમ મોજ શોખમાં પૈસા વાપરી નંખાતા હશે ? પગાર લાવી આપણા હાથમાં મૂકે એટલે મન ફાવે તેમ ઉડાવી મૂકવાના? હું તો મને વાપરવા આપ્યા હોય તે ય ભેગા કરી રકમ કરું. પુરુષ ગમે તેટલા પૈસા કમાય પણ ઘરમાં સ્ત્રી ત્રેવડ ન કરે તે કદી દીપે ખરું? બારે ય ને બત્રીસે ય ઘડી કંઈ કોઇની સુખમાં ને સુખમાં જાય છે? વચ્ચે કોઈ સાજું-માંદું થયું હોય, ભવિષ્યમાં છોકરાંનું ખર્ચ પણ વધે...
એ વિચારપ્રવાહને વહેતો અટકાવી મા બોલી : ‘શાક થઈ ગયું છે ત્યારે ક્યારની બોલતી કેમ નથી ?’
અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડી: ‘હું ય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈ ને !' અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.
ગેલેરીમાં ઊભેલી સુભદ્રાએ પૂછ્યું : ‘કેમ, જમી લીધું?'
વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલી : ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’
સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યું : 'સુશીલા ! એક વાત કહું?’
‘કહો ને?’
‘શરમાઈશ નહીં ને?'
‘હું શું કરવા શરમાઉં?’
‘ત્યારે એમને જોઈ તું અમસ્તી સંકોચાય છે શું કરવા? એવી તો કેટલાયની મોંકળા મળતી આવે; તેમાં આપણે શું?’
શરમનો પ્રતિકાર શરમથી કરતાં એણે કહ્યું : ‘જાવ જાવ; એમાં શરમાવાનું શું વળી ?’
‘ત્યારે એ તને કંઈ ગળી તો નહોતા જવાના કે એકદમ નાઠી?'
‘તમને અડચણ ન પડે માટે.’
‘અમને શાની અડચણ ?’
‘એ તો હું શું જાણું?’ કહી સુશીલાનો હાથ ગાલ ઉપર આપોઆપ કંઇ ચોંટ્યું હોય તેમ લૂછવા લાગ્યો. સુભદ્રા એનો કહેવાનો ભાવાર્થ તરત સમજી ગઈ. કેટલાય દિવસનો ગાઢ પરિચય હોય તેમ સ્વાભાવિક રીતે એના ગાલ ઉપર ટપલી મારતાં એનાથી બોલાઈ ગયું : ‘લુચ્ચી!’
આજે સુભદ્રા એના ભાઈ સાથે પિયર જવાની હતી. ગઈ કાલે એનો ભાઈ આવ્યો ત્યારથી સુભદ્રાને પતિની મુશ્કેલીનો ખ્યાલ અને લાગણી નહિ થઈ હોય તેના કરતાં વિશેષ સુશીલાના હૃદયમાં એણે જગા રોકી હતી.
મોટું શહેર હોય તો સારી વીશીઓ ય મળે, પણ અહીં તો હળીમળીને એક ખીચડિયા વીશી ! બિચારા ગામડાના કોર્ટમાં આવેલા લોકો ન છૂટકે એક ટંક જમી લે. પણ કાયમ જમવાનું શી રીતે પોસાય ? ના, ના; એમાં તો રોજ કેટલી ય ઈયળો બફાતી હશે ! તે ખાવું એના કરતાં જેવું આવડે તેવું કાચું કોરું ઘેર બાફી ખાવું વધારે સારું. આ હું બે ય ઘરની રસોઈ કરવી હોય તો હાથે કરું તેવી છું. પણ માણસે ય ઓછુ અપંગ છે? એના દિલમાં દાઝતું હોય, એના હાથમાં મદદ કરવાની શક્તિ હોય, સગવડ હોય તો ય એનાથી સળી સરખી ન હલાવી શકાય ! છતાં ય લોકો કહે છે કે જાનવર બિચારાં અપંગ છે! પિતાજી એમને જમવાનું કહે તો? પણ ક્યા સંબંધે બેત્રણ મહિના જમવાનું આમંત્રણ પિતાજી આપે?
નરી રસાઈની જ બળી ક્યાં ભાંજગડ કરું છું ? પાણિયારીઓ ય કોઈ શરત રાખનાર ન હોય તો કંઈ કામ કરે એવી નથી. પુરુષ તો બિચારો એ પાણી ભરી જાય એટલે પીધા કરે; અને એ કમજાતો ન વાસણ વીછળે કે ગળણું ન જડે તે ભલી હોય તો એમ ને એમ પાણી ભરી દે! આપણે ટોક ટોક કરીએ તો ય કપડાં એવાં ને એવાં પાણીમાં બોળી લાવે છે તો પછી કોઈ કહેનાર ન હોય તો સાબુ ઘેર લેઈ જાય ને કપડાંનો મનખો જ ખરાબ કરે ! વાસણ રોજ આપણે ગણી ન જોઈએ તે અઠવાડિયે એકાદ તો ખોઈને જ આવે.
વળી વહેલાંમોડા આવે એટલે ઘર એમને જ સાંપવું પડે. અને ના, ના; મારાથી... એ કદી જોયું નહિ જાય.... જમવામાં તો આપણું ન ચાલે, પણ એમની ગેરહાજરીમાં પાણિયારી આવશે ત્યારે હું બરાબર ધ્યાન રાખીશ. પડોશી તરીકે કંઈ એટલું ય ન થાય? નહિ તો સૂનું ઘર માની એ તે ભેલાડી મૂકે સ્તો!
વિદાય થતી વખતે સુભદ્રાએ કહ્યું : ‘સુશીલા ! બીજું તો પડોસમાં કોણ છે? માટે કંઈ જોઈતું કરતું નાનાભાઈ વાટે મંગાવી આપજે. કે પછી આમ છુપાતી ને છુપાતી જ રહીશ ?’ અને પોતાના વિનોદ માટે ભલામણ કરતાં એણે કહ્યું : ‘એમની શરમ કેમ જાણે તને લાગે છે; નહિ તો અપ્સરાઓ વચ્ચે મૂકીને જતાં મને સહેજ પણ બીક ન લાગે.’
સુશીલાને જવાબ આપવાનું મન થયું : ‘હું કંઈ ઓછી એમની દ્રષ્ટિ મેલી છે એમ કહું છું?’ પણ એ કંઈ ન બોલી.
સુભદ્રાએ કહ્યું : ‘શું કહ્યું, સમજી ને?'
સુશીલા મોંએ તો નહીં પણ પણ ડોકું ધુણાવી જવાબ આપે તે પહેલાં માએ કહ્યું : ‘સુશીલાને કાનમાં શું કહો છો, સુભદ્રાબહેન?'
સુભદ્રા : ‘બીજું શું? ઘર સૂનું થયું એટલે જોતાં રહેવાનું સ્તો!’
મા : તમ તમારે બેફિકર જાઓ ને! એની ચિંતા જ ન રાખવી.
પિતા : ‘બે મહિના અમારે ત્યાં જમે તો ય કયાં પારકું છે?’
સુશીલાને થયું : ‘એ આનાકાની કર્યા વગર સ્વીકારી લે તો કેવું સારું ? અને કદી ય સીધી નજરે એની સામે ન જોઈ શકતી એ ત્રાંસી નજરે વિનાદ શો જવાબ આપે છે તે સાંભળવા તાકી રહી. અને જાણે ‘હા કહો’ એમ ઇશારો કરતી હોય તેમ એનું માથું એ વખત હાલી ગયું.
પણ વિનાદે કહ્યું : ‘એટલો ભાવ છે એ ઓછો છે?’
ત્યારે સુશીલાનું હૃદય રડી ઉઠ્યું : ‘ભાવથી પેટ ભરાતું હોય તો તમારે ખાવા જ ન કરવું પડે.’
અને જે પરિસ્થિતિ એણે કલ્પી હતી એ સુભદ્રા જતાં પ્રત્યક્ષ ખડી થઈ. સવારમાં ઊઠતાં જ એ બેત્રણ વખત વિનાદની દિનચર્યા જોઈ ગઈ. પરંતુ પથારી ઉઠાવવી, સગડી સળગાવવી, પાણી ગરમ કરવું એ સર્વ કામો તો જૂનાં થઈ ગયાં હતાં. પણ સગડી ઉપરની દાળને સંચા વડે ભાંગતાં જ્યારે એણે એને જોયા ત્યારે, પ્રજાવત્સલ રાજા પદભ્રષ્ટ થતાં પ્રજા જેટલી ખિન્ન થાય એટલી, સુશીલા વિનોદને રસોડામાં પેઠેલો જોઈ હૃદયભગ્ન થઈ.
અને એ દુઃખ ન જોઈ શકવાથી એણે ડોકિયું કર્યુ, એવી દૃષ્ટિ પછી ખેંચી લીધી. એને થયું : મારો વિનોદ ય હું ન હોઉં ત્યારે આવો જ્ પદભ્રષ્ટ થાય ને? એના કરતાં સુભદ્રાબેને કોઈને અહીં બોલાવ્યા હોત તો શું ખોટું? અને કોઈ ન આવી શકે એમ હોય તો હું તો હતી જ ને? ત્યારે તો રસોઈ કરવા જવામાં કંઈ વાંધો ય નહિ. પણ એ તો સુભદ્રાબેને ય તે દિવસે કહેતાં હતાં ને? કે પહેલી પ્રસૂતિ રહી એટલે આપણે ન જઈએ તો ઠીક, પણ માબાપને કાયમનું સાસરિયાંનું મહેણું રહી જાય ! શું રિવાજે ય બળ્યાં કર્યા છે?
કચેરીમાં જતાં વિનોદે ચાવી અંદર નાખતાં કહ્યું : ‘મંછાબેન! પાણિયારી આવી નથી. આવે ત્યારે ચાવી આપજો.’
ચાવીને ઠેકાણે મૂકતાં સુશીલા બબડી : ‘એ તો હું એ લુચ્ચી પાણિયારીને ન ઓળખતી હોઉં ત્યારે ને? સુભદ્રાબેન કાલ જવાનાં છે એ જાણી એણે કેવો તરત વખત બદલ્યો? એના મનમાં કે હવે મને કોઈ પૂછનાર નથી. પણ સુભદ્રાબેન તો જવા દે એવા હતાં, ને હું તો ધૂળ કાઢી નાખીશ!’
અને પાણિયારી આવી એવી જ એને ધમકાવતાં સુશીલાએ કહ્યું : ‘કેમ, ગંગા ! સુભદ્રાબેન ગયાં એવો જ ટાઈમ બદલી નાખ્યો ?’
ગંગાએ પોતાનું દુ:ખ રડતાં કહ્યું : ‘અમારે મજૂરિયા લોકોને વળી શા ટેમ? આ નાની છોકરીને જરા રાતનું વધારે થયું છે એટલે સવારમાં ન અવાયું.’
‘હં અં!’ જાણે હું સમજું છું એમ કહેતી હોય તેમ સુશીલાએ કહ્યું,
ગંગાએ કહ્યું : ‘ચાવી લાવો જોઈ.’
સુશીલા : ‘ચાલ ને; હું ઉઘાડી આપું છું.'
અને સુભદ્રાની ખાલી પડેલી જગા ઉપરનો કામચલાઉ ચાર્જ એણે સંભાળી લીધો. એક અમલદાર બદલાઈ નવા આવે ત્યારે પોતાનો પ્રભાવ પાડવા નીચલા નોકરોને એક ઉપર એક સૂચના કરવા માંડે, જાણે પહેલાં એ લોકો જેમ ચલાવતા તેમ નહિ હવે નહીં ચાલે, એની માફક સુશીલાએ ગંગાને સૂચનાઓ આપવા માંડી: ‘જો ગંગા ! સુભદ્રાબેન ગયાં એટલે તું જાણે છે કે પુરુષને ઘરના કામની ઝાઝી ગમ નહિ; માટે બેડાં બરાબર વીછળી કરીને ભરવાં.’
અને ગંગા પાણીનું બેડું લેઈ બહાર ગઈ, એટલે એણે રસોડામાંનાં વાસણ સાફ કરવા મૂક્યા હતાં તેની વિઝિટ કરવી શરૂ કરી.
વધેલી દાળમાં એણે હાથ ધાલી જોયા, તા ઓગળ્યાં વગરના બધા કકડા નીચે બેસી ગયા હતા; ભાત નીચે ચોંટીને સજ્જડ થઈ ગયો હતો. કુતૂહલથી એણે પેટી ખોલી જોઈ તો અંદર વધેલી ભાખરીનો આકાર જોઈ એ મોંમાં આંગળી ઘાલી ગઈ : ‘બાપરે! આટલી બધી જાડી તે શે ખાધી જાય! ને બળ્યો એનો ઢંએ ય કેવો છે! એક ખૂણો ઉત્તરમાં તો એક પશ્ચિમમાં!’
ચોકડીમાં પલાળેલું ધોતિયું જોતાં એને થયું : ‘આમ સવારનું ભીનું કપડું સાંજ સુધી પડી રહે એટલે કોહી ગયા વગર રહે? પણ આ તો વહેલી હવે આવવાની જ નહિ. આના કરતાં પંચિયું પલાળીને નાહવું એ જ સારું!
અને ગંગા પાણીનું બેડું ભરીને આવી એટલે બીજી સૂચના આપી : ‘ જો ગંગા! આ ધોતિયું સવારનું કોહે છે માટે એને પહેલું ધોઈ નાખ.’
ગંગાએ સાબુ માગ્યો એટલે એણે તાકાંમાંથી લાવતાં કહ્યું : ‘તું પેલાં એંઠાં વાસણમાં પાણી રેડ એટલે બધું ચોંટી ગયું છે તે ઊખડી જાય. ત્યાં સુધીમાં હું સાબુ દેઈ આપું છું.’
ગંગા બબડી : ‘ ઓ હો મારી બઈ ! આ તો ઓઝા કરતાં ગધેડી ડાહી !’
અને વાસણ અને કપડાં લેઈ એ ચાલી, એટલે સુશીલાએ બીજી સૂચના આપી : ‘જોજે, ધોતિયું બહુ ટીપતી નહિ, નહિ તો એ તો પાતળું પાણી જેવું છે એટલે ફસકી જશે.'
‘આ આટલા બધા ચિબાવલાવેડા શું કામ કરતી હશે?’ એમ મનમાં ગણગણી ગંગા આગળ જાય ત્યાં તો સુશીલા વધુ ઉતાવળી બોલી: ‘વાસણ પાછી મૂકતી ના આવું !’
હવે ગંગાથી એ સહ્યું ન ગયું. એણે સ્પષ્ટ, પણ કોઈ ન સાંભળે તેમ કહ્યું : ‘આટલા બધા ચાળા કર્યા કરતાં સીધી ઘરમાં જ બેસી જા ને એટલે નિકાલ મટે!’
અને સુભદ્રા હતી ત્યાં સુધી એને ખ્યાલ નહોતો આવ્યો તે આંખ આગળ ભજવાતો લાગ્યો. જરૂર, જરૂર, આજની નખરાળી છોકરીઓ ચૂકે જ નહિ. એવું ના હોય તો એને નહિ સગું નહિ સાગવું, તો ય આટલી ખૂંધી પૈડ શું કરવી જોઈએ ? એ બિચારી આવશે ત્યાં સુધીમાં તો ભલી હશે તો એના ધણીને જ પચાવી પાડશે !
વળી એણે મન વાળ્યું : ‘આપણે શી એ લોકોની પંચાત ? આપણે તો કામ સાથે કામ! એમાં જો એ બહુ ટકટક કરશે તો તે બે દા'ડા સાંભળીશ. પછી તે રોકડું જ પરખાવી દેઈશ : એટલું બધુ દાઝતું હોય તો ઘરમાં પેસીને કરી લે ને? કોણ તને ના કહે છે?’
ત્યારે સુશીલા એના તરંગોમાં વિહરતી હતી : ‘વાસણ લાવે તેમાં શું રંધાયું??’ પછાડપછાડ કરી ગોખા ના પાડે તે ય જોવાનું રહ્યું ને? કાચનાં વાસણ તપ હું જ ધાઈને મૂકી દેઈશ એટલે ભાંગવા કરવાની ચિંતા જ નહિ.'
અને ગંગા આવે ત્યાં સુધીમાં તો ઓરડા વાળેલો હતો છતાં ફરીથી વાળીઝૂડીને સાફ કર્યો. ખીંટીએ ભરવેલાં કપડાં ઝાડી નાખ્યાં. કેલેન્ડરનું પાનું ફાડયું, ટેબલ ઉપર કાગળો પડ્યા હતા તે સરખા કરી ઉપર બાજુમાં પડેલી ચોપડી મૂકી દાબી દીધા.
ગંગાએ એ બધો ફેરફાર જોઈ લીધો. અને સૂનું ઘર પડતાં પોતે ફાવશે તે આશા નિષ્ફળ જવાથી કે સુશીલાની ખોટી ટોકથી, ગમે તેમ પણ એ જતી વખતે એના ભણી તીક્ષ્ણ નજર ફેંકતી ગઈ.
***
પણ એ સર્વ કરતાં સુભદ્રાના પુત્રજન્મની ખુશાલીનો હર્ષ સુશીલાથી ઢાંક્યો ઢંકાયો નહિ. વિનોદ કચેરીમાંથી આવતાં આંગણામાં પિતાજી સાથે વાત કરતો હતો. એ સાંભળી લેતાં સુશીલા કૂદતી, છલંગો ભરતી અંદર દોડી.
સાસરે જવા લાયક છોકરી આમ બાળકોની પેઠે કૂદાકૂદ કરે એ અસભ્ય માની, માએ રોષ કરતાં કહ્યું : ‘તને કેટલી વખત કહ્યું કે તું તે કંઈ હવે નાની છે, તે આમ હેલાળા ભર્યા કરે છે?’
અંતરનો ભાવ વ્યક્ત કરતાં એ બોલી : ‘એવું ખુશ થવા જેવું હોય તો કૂદી ય પડાય ?’
‘એવી તે શી વધામણી છે ?’
‘સુભદ્રાબહેનને પુત્ર જન્મ્યો !
માને ય આનંદ થયો. એણે પૂછ્યું : ‘કોણે કહ્યું ?'
સુશીલાએ જવાબ ટાળતાં કહ્યું : ‘એ બધી યે તારે પંચાત !'
ત્યાં સુધીમાં પિતાએ વધાઈ ખાધી : ‘સાંભળે છે કે? સુભદ્રાબેનને...’
‘પુત્ર જન્મ્યો એ કહો છો ને?’ ‘માએ આગળથી ઝડપી લીધું.
‘તને કોણે કહ્યું?’
‘આ નો ય તમારી લાડીલી ! તમને બહાર વાત કરતાં સાંભળ્યાં હશે તે તરત કૂદતી કૂદતી કહી ગઈ.'
અને સુભદ્રાબહેન ક્યારે આવે તે પુત્રને ઝડપી લેઉં તેની જ માળા જપતી સુશીલાને, એમને આવવાની બે દીવસની વાર હતી ત્યાંથી તો, ઊંઘમાં ય નાના નાના હાથ એના ભણી લંબાતા હોય તેવો ભાસ થતો.
વળી એટલું નાનું બાળકે ય, સુભદ્રા આવી ત્યારે કેટલાંએ લેવા હાથ લંબાવ્યા પણ કોઈની પાસે ન જતાં સુશીલાની સાથે જૂનું ઓળખાણ હોય તેમ એની સોડમાં સંતાઈ ગયું.
સુશીલા જોકે બધાનાં દેખતાં એના માંનો આકાર બરાબર મેળવી ન શકી. પણ એકાંતમાં નકલની મૂળ પ્રત સાથે મેળવણી કરતી હોય તેમ એનાં અંગ-ઉપાંગ મેળવવા લાગી. નાક તો એના જેવું અણિયાળું જ છે; આંખ જરા મોડી છે કે શું? ના, ના; એ તો હજુ બાળક એટલે લાગે. જબરો ભાગ્યશાળી લાગે છે. કપાળ કેટલું મોટું છે? પણ ટાલિયો થશે કે શું? માથે વાળ બહુ જણાતા નથી. મોં ગોળ લાડવા જેવું છે ને! બધું તો બધું, પણ દાઢીનો ખાડો ય બાકી નથી રહી ગયો ને!
એને હસતો જોઈ એણે કહ્યું : ‘લુચ્ચા ! શું હસે છે?' અને ટુંટિયું વાળેલા પગ સાથે હાથનું માપ લેતાં હાથ ઢીંચણથી નીચે ગયેલા જોઈ એ હર્ષ ઘેલી થઈ ગઈ, અને મને વધાઈ ખાવા દોડી : બા, બા ! જો તો ખરી; આના હાથ તે ઢીંચણથી નીચા છે!'
વગર જોયે માએ પ્રતિકાર કર્યો : ‘શુ ગાંડા જેવી વાત કરે છે!’
‘પણ જો તો ખરી?’
‘જો તું તારી મેળે !’ માએ એની મૂર્ખાઈમાં સાથ ન આપ્યો.
પણ પોતાનું સત્ય સાબિત કરવા માપી બતાવવા ગઈ, ત્યાં તો એણે પગ લાંબા કરી નાખ્યા.
એને મીઠી મધુરી ટપલી મારતાં સુશીલાએ કહ્યું : ‘આવડો છે પણ કેવો એની મા જેવા પાક્કો છે! તે વખતે ટૂંટિયું વાળી દીધું હતું તે હું તો ભૂલી જ ગઈ.’
અને ચોળાચોળ થતાં એ રડવા જેવા થાય એ પહેલાં એ સુભદ્રાને આપવા ગઈ : ‘લ્યો, આને ધવરાવો ભૂખ્યો થયો છે.’
સુભદ્રાને સુશીલાની શરમાળ વૃતિ યાદ આવી એટલે પિયેરમાં જે હોય તે ‘ભાણાનું મોં એના બાપ જેવું છે’ કહેતું એ સાંભરી આવ્યું. એણે પૂછ્યું : ‘સુશીલા ! ‘આનું મોં કોના જેવું છે?’
‘તમારા જેવું વળી !’ સુશીલાએ ભાવ છુપાવતાં કહ્યું.
‘જો વળી ! હજુ ય એની એ શરમ કે ?’
‘શાની શરમ? મને તો લાગ્યું એવું કહ્યું.’
‘સાચું બોલે છે?’
‘તમે માનો એમ.’
‘હું તો કહું છું કે તું જૂઠું બોલે છે.’
‘તો એમ.’ સુશીલાથી હસી જવાયું.
‘જા, જા; એમ શરમ રાખે ત્યાં ઓછું નભવાનું છે?’
સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સુભદ્રાએ કહ્યું : ‘જે હોય તે એના બાપના જેવું મોં કહે છે, ને તું મારું નામ દે તે હું કેસ માનું?’
સુશીલા : ‘ત્યારે જાણીને શું કરવા પૂછો છો?’ ને ત્યાં તો બચુએ સુશીલાને મોંએ બાચકો ભરવા માંડ્યો એટલે એણે કહ્યુ : ‘આટલો છોકરો ય માનું ઉપરાણું લેઈ મને મારે છે ને!’
સુભદ્રા : ‘જૂઠું બોલે એટલે મારે સ્તો.’
અને સુભદ્રાના આવતાં, ઘરનો કામચલાઉ લીધેલો ચાર્જ પાછો સોંપી એણે બચુનો લગભગ સંપૂર્ણ કબજો લેઈ લીધો.
જો ઝભલાને સહેજ ડાઘ પડ્યો હોય તો તરત બદલી નાખતાં એ સુભદ્રાને કહેતી : ‘ઝબલું કેટલું બધું મેલું થયું છે, પણ બદલતાં ય નથી ને?’
સુભદ્રા એની લાગણીને સમજી કહેતી : ‘તું છે, પછી મારે એની શી પંચાત?’
એની આંખોમાં મેશ ઘાલવા એ વળગતી ત્યારે મા એને ટોકતી : ‘રે’વા દે તારું ડહાપણ? કઈ ઉડઝૂડ કરતાં તેની આંખ ઝૂંકવીશ.’
આછા વાળને ઓળી પાંથી પાડવાના એ વ્યર્થ પ્રયત્ન કરતી, ત્યારે સુભદ્રા એની ઘેલછાને હસતી : ‘તું એને માથે ક્યાં વાળ જુએ છે કે ક્યારની પાંથી પાડવા મથે છે?’
એક દિવસ સુશીલાની એ ઘેલછા વિષે સુભદ્રા અને મંછાબેન વાત કરતાં હતાં. મા બોલી : ‘મૂઈને તમારો છોકરો જોઈને શું ઘેલું લાગ્યું છે કે હું ટોકતી રહું છું તોય નજર ચૂકવી એને રમાડી જાય ત્યારે એને જંપ વળે છે!’
સુભદ્રા : ‘પણ ટોકો છો શું કરવા ?’
મા : ‘સમજ્યા વગરનું ડહાપણ કરે ત્યારે ના કહેવું પડે? તે દિવસે તમે રેચ આપતાં હતાં ત્યારે મેં એને બોલતી સાંભળી : આટલી બધી દવા પવાતી હશે ! એથી તો બિચારાનું ધાવણે નીકળી જશે ! તે મેં એને કહ્યું, મા કરતા તું વધારે ડાહી છે કે ડહાપણ કરતી હતી ? તે ઊલટી પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મને કહે : તું ય આ બા જોયા વગર શું બોલતી હશે ? ખાસ્સો ચમચો ભરીને એવડા છોકરાને પાય તે એ વેઠે ? પણ મેં કહ્યું : તને એની શી ગતાગમ કે વેઠે કે ના વેઢે? એક વખત તો એ શરમાઈ ગઈ. પણ બોલે બંધાય એવી ક્યાં છે ? કહે : નાનાભાઈને તું કેટલી દવા પાતી એ કંઈ મેં નથી જોઈ ? ને હું ય મૂઈનું ડહાપણ સાંભળી કંઈ ન મેલી.’
સુભદ્રા : ‘આમ તો એ જબરી કાળજી રાખે છે. કાનના મૂળ આગળ બે દિવસ પાવડર છાંટવાનું ભૂલી ગઈ તે સહેજ કહોવારો લાગ્યો ત્યારથી રાજ મેં પાવડર છાંટ્યો હોય તો ય કરી છાંટ્યા વગર નથી રહેતી.’
મા : ‘છોકરાં તો એને નાનપણથી જ બહુ વહાલાં છે. પણ તમારા છોકરાને જોઈને તો એ ગાંડી જ બની ગઈ છે!’
આમ સુશીલા બચુની કાળજી રાખતી એટલું જ નહિ, પણ એને રડતો દેખીને એ સાનભાન ભૂલી જતી. પોતે એની મા હોય ને સુભદ્રાને સાચવવા માટે આયા રાખી હોય તેમ એ એને વઢતાં પોતાની જાત ભૂલી જતી.
‘સુભદ્રાબહેન ! આ ક્યારનો ય રડી મરે છે તે તમે શું મોતી પરોવો છો ?’
‘એ તો આખો દિવસ રડે માટે કામ મૂકી દેવાય?’
‘તે એના કરતા કામ કેવુંક જબરુ છે?’
અને જે વિનોદની એ પૂરેપૂરી સગવડ સાચવવાની ઇચ્છા રાખતી હતી તે ઢીલી પડી હોય તેમ સુભદ્રા રસોઈનું બહાનું કાઢતી, ત્યારે એ બચાવે ય સુશીલા માન્ય ન કરતી : ‘એવું હોય તો એક દિવસ રોટલી વગર ભૂખે મરી જવાય છે?’
સુભદ્રા હસીને કહેતી : ‘છોકરું તો રાજાનું ય રડ્યા વગર મોટું નહિ થવાનું.’
સુશીલા છેલ્લી ચેતવણી આપતી : ‘જુઓ, સુભદ્રાબહેન ! કહેનાર કહી રહ્યાં ! હવે બચુને રડાવશો તો હું તમારી સાથે લડ્યા વગર નહિ રહું.’
સુભદ્રા હસતાં હસતાં જવાબ દેતી : ‘અત્યારે જ વઢ ને, એટલે હું જોઉં તો ખરી?’
અને ઘણી વખત તો સુભદ્રા, વિનોદ ઘેર હોય ત્યારે સુશીલા આવી શકશે નહિ એમ જાણતી, એટલે એને ખિજવવા જાણી જોઈને બચુને રડતો છાનો રાખતી નહિ. જોકે વિનોદના ગયા પછી સુશીલાનો રોષ વહોરી લેવો પડતો.
સુભદ્રા હસતી : ‘આટલી બધી લાગણી અત્યારે થાય છે ત્યારે તે વખતે કેમ ન આવી?’
સુશીલા હથિયારને મ્યાન કરતાં કહેતી : ‘બહુ અત્યાચાર કરશો તો મને આવતાં કંઈ શરમ આવવાની છે?’
અને ખરેખર એવો પ્રસંગ આવ્યા વગર ન રહ્યો. વિનોદ એનાં કાગળિયાં લખ્યા કરતો હતો, સુભદ્રા રસોડામાં ગડમથલ કરતી હતી અને બચુ પારણામાં રહ્યો રહ્યો ચીસો પાડતો હતો. સુશીલાથી એની ચીસો ન સહી શકાઈ. એ વિનોદની હાજરીનો ખ્યાલ ભૂલી : ‘સુભદ્રાબહેન ! તમે મા છો કે...’ બોલતી વખતે ઘરમાં એટલી ઝડપે દાખલ થઈ કે વિનોદને જોઈ એને પાછા વળવાનો અવસર ન રહ્યો. હા, એની જીભ તો અટકી જ ગઈ, અને પારણામાંથી એને શકરાબાજની ઝડપે ઊંચકી એ બહાર નીકળી ગઈ.
છતાં આપદ્ ધર્મ વખતે શીલવતી ગૃહિણી ય સંકોચ છોડી મેદાને પડે છે, તેમ બચુના મંદવાડ વખતે એણે વિનોદની હાજરીમાં ય ત્યાં બેસી રહેવા માંડ્યું. સુભદ્રા બીજે કામે હોય તો વિનોદના હાથમાંથી અવળી નજરે દવા ય લેવા લાગી.
છેવટ એની ચાકરીના ઉજાગરામાં સુભદ્રાને તાવ આવી ગયો, ત્યારે વિનોદ સાથે બચુને લેઈ એ દવાખાને ય જઈ આવી.
અને આ માંદગીમાંથી બચ્યા પછી તો સુશીલા સુભદ્રાના ખોરાકની ય કાળજી લેવા લાગી.
‘ભીંડાનું શાક ન ખાતાં; એ તો નર્યું પિત્તનું ઘર !’
‘મેં તો ચાખ્યું જ નથી.’
‘તમારું તે ભલું પૂછ્યું ! તે દા’ડે, દહીં ચાખ્યું એમાં કેટલું બધું થઈ ગયું હતું?’
‘પણ મને કંઈ એમ ખબર હતી કે સહેજ ચાખ્યામાં એટલું બધું થઈ જશે?’
એ વાત જવા દો; પણ તે દા'ડે હું ના હોત તો કેળું તો ખાત જ ને?’
‘બળ્યો જીવ એવા છે કે ચાખ્યા વગર જંપ વળતો નથી.’
અને જાણે કહેતી હોય કે માંદો પડે તો વચવેગળે તમારે શું? હું તો છોકરો ખાઈ જ બેસું ને ? ‘તમને તો ચાખવાનું મન થાય સ્તો! માંદો પડે તો તમારે શું? તમે જોડે ખાટલો ઢાળી સૂઈ જાવ એટલે બીજાને વચવેગળે ઉપાધિ !’
સુભદ્રાએ એનો સ્વીકાર કરતાં કહ્યું : ‘એ તો ખરું. તે વખતે તારે કેટલી ચાકરી કરવી પડી હતી?’
સુશીલાએ પોતાનો ભાવ સંતાડતાં કહ્યું : ‘લ્યો, આ તો કહ્યું એટલે મારા ઉપર જ લેઈ ગયાં! પણ તે વગર બીજાને ઓછી હેરાનગતિ વેઠવી પડે છે?’
સુભદ્રા ‘બીજા’નો અર્થ સમજી ગઈ એટલે બોલી : ‘એમ હેરાનગતી વગર અમસ્તું બાપ થવાય છે? આપણે નવ મહિના પેટમાં રાખી દુઃખ ભાગવીએ ત્યારે એમને એટલો ય લહાવો ન મળે?’
સુભદ્રા તરફનો બધો ય અસંતોષ તેણે આજ પહેલી જ વખત, એક જ વાક્યમાં, સંકોચસહ છતાં વિનોદમાં વાળ્યો : ‘તમારું ચાલે તો એ ય તમે તો એમને સોંપી દો!’
સુભદ્રા પહેલી જ વખત આવો મર્માળુ ટાણો સાંભળી ગાલ પર ટપલી મારતાં બોલી : પાછી બોલતાં શીખી !’
***
પરીક્ષા પાસ થતાં જ સારી લાગવગ હોવાથી સુશીલાના વરને નોકરી મળી ગઈ. જે ઇચ્છા માબાપે રાખી હતી તે સફળ થઈ. જે હૈયું પિયુ ઝંખતું હતું તેને એની પાસે જવાને સુઅવસર આવ્યો.
રડતી આંખે અને હસતે હૈયે એને વળાવી ત્યારે સુભદ્રાએ સલાહ આપી : ‘હવે એવી ને એવી શરમાળ ના રહેતી. એમને કેમ રાજી રાખવા એ જરા શીખજે !’
આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતું : ‘તું ના મળી હોત તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’
સ્રોત
- પુસ્તક : તાણાવાણા (પૃષ્ઠ ક્રમાંક 173)
- સર્જક : ઈશ્વર પેટલીકર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1975
