બકુલ દવે
Bakul Dave
માએ વિદાય લીધી એ વાત અતીતમાં દૂર ધકેલાતી જાય છે પણ માની સાથે જોડાયેલાં સ્મરણો ભોંયમાં દટાઈ ગયેલાં બીજની જેમ, વરસાદ જેવી કોઈ ઘટના બને કે તરત જ અંકુરાઈ ઊઠે છે. એવું લાગે છે એના ગયા પછી સમય થંભી ગયો છે ને જાણે દિવસો પસાર થયા જ નથી. હજી થોડીવાર પહેલા તો એ મારી સાથે હતી, વાતો કરતી હતી ને સાવ અચાનક મૌન થઇ ગઈ. ગર્ભનાળ જાણે બીજીવાર ઉચ્છેદાઈ. જન્મ થયો ત્યારે હું રડ્યો હતો. પણ આ વખતે-સૂક્ષ્મપણે નાળનું ઉચ્છેદન થયું ત્યારે હું સહેજ પણ ન રડ્યો.
માએ કહ્યું હતું કે એ ન હોય ત્યારે હું ન રડું. ‘તું રડે એ મને ન ગમે’ એણે કહ્યું હતું. માને ગમતું કરવું એ મને ગમતું. એનાથી માના ચહેરો પર પ્રગટતી ખુશી મને પણ ખુશી આપતી. ખુશીનો સરવાળો થતો. એ સરવાળો અમને બંનેને જીવાડતો. મેં માના પાર્થિવ દેહ સામે જોયું. એનો ચહેરો નિર્લેપ હતો-ભાવહીન હતો. એને ગમે એવું કશું કરું ત્યારે એના ચહેરા ચમકતી ખુશી મને જોવા ન મળી.
મન માનતું ન હતું: સાચ્ચે જ મા હવે નથી રહી? એનો ચહેરો મને ફરી કદીયે જોવા નહિ મળે? અંધારામાં સળગાવેલી દીવાસળીની જેમ એક પ્રશ્ન જરાતરા અજવાળું કરી બુઝાઈ ગયો. લાંબી જીવનસફર દરમિયાન સંઘર્ષના ઊબડખાબડ રસ્તા પર એ ચાલતી રહી હતી. પછી એક પડાવ પર હું એની સાથે જોડાયો ત્યારે શરૂઆતમાં એણે મને તેડી લીધો ને પછી હું ચાલતા શીખ્યો ત્યારે હું એની સાથે રહી શકું એ માટે એ એના જીવનની ચાલમાં ફેર કરતી. એ મારી ગતિએ ડગુમગુ ચાલતી. આંગળી પકડી એ જીવી ત્યાં સુધી મને ચાલવાનું બળ આપી માર્ગ બતાવતી રહી. ક્યારેક ઠોકર ખાઈ જાઉં ત્યારે મારી આંગળી પકડી રાખી એ મને પડવા દેતી નહિ.
એ વૃદ્ધ થઇ ત્યારે એને ચાલવામાં તકલીફ પડવા લાગી ત્યારે હું એ પડી ન જાય તે માટે આંગળી પકડી ચલાવતો ત્યારે એ કહેતી, “મારે તારો ટેકો લઈને ચાલવું પડે છે..”
“તેં મને ચાલતા શીખવ્યું છે ને હજીપણ હું સાઠ વર્ષનો થયો ત્યાં સુધી મને તું જીવનમાં ઠોકર ખાઈ પડી ન જાઉં એનું ધ્યાન રાખે છે. જીવનસંઘર્ષમાં હું લડખડી ન જાઉં એ માટે તેં હજીયે મારી આંગળી ક્યાં છોડી છે?” એના દાંત વગરના ચહેરા પર સ્મિત પ્રગટતું. આ હાસ્ય મેં એના ચહેરા પર સંઘર્ષના સમયમાં પણ જોયું હતું.
મારા પિતાને પગાર ટૂંકો. અમે સાત જણ. પણ મા થોડી આવકમાં પણ ઘર સરસ રીતે ચલાવતી. એણે અમારો ઉછેર પણ એવી રીતે કર્યો. કોઈ પાસે કશી કીમતી ચીજ જોઈ એ પામવાની ઈચ્છા અમને જરૂર થઇ પણ એ અમારી પાસે હોય જ એવી લાલચ કદી જાગી નહિ. મારા પિતા અને માએ અમને જીવનમાં જરૂરી હોય એવી ચીજોથી કદી વંચિત રહેવા દીધા નથી. પિતાજી રૂપિયો માના હાથમાં મૂકે ને મા એનો બે રૂપિયા જેટલો કસ કાઢે.
મા કદીયે કામ વગર બેસી રહેતી નહિ. હું છેક નાનો હતો ત્યારથી માને મેં કામ કરતી જોઈ હતી. એકાદ કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી પાણી સીંચી બે બેડાં માથે મૂકી એ પીવાનું પાણી સારી લાવતી. કપડાં ધોવા એ નદીએ જતી. વાસણ માંજતી અને કચરા-પોતાં કરતી, અનાજ સાફ કરતી, ચૂલા પર રસોઈ કરતી, ગોદડાં બેવડતી અને ગાભાનાં ટુકડામાંથી ચંદરવો પણ બનાવતી. આખો દિવસ એ કંઈ ને કંઈ કર્યા કરતી. રાત્રે બધા જંપી જાય પછી ફાનસના અજવાળે અને બપોરે કામથી પરવારી એ એનો વાંચનનો શોખ પૂરો કરતી. મારા પિતાના અવસાન પછી એકલતા અનુભવતી ત્યારે એ મને કહેતી: “આ પુસ્તકો ન હોત તો મારું શું થાત?”
પન્નાલાલ પટેલ અને કનૈયાલાલ મુનશી એના પ્રિય લેખકો. કૃષ્ણ એનું પ્રિય પાત્ર. મુનશીજીની કૃષ્ણવતાર અને પન્નાલાલ પટેલની “શ્રી કૃષ્ણ જીવનલીલા” એણે અનેકવાર વાંચી હતી ને વાંચતી રહેતી હતી. શ્રીમદ ભાગવતનાં પાનાં પણ એની આંગળીઓની છાપથી ઘસાઈ ગયાં હતાં. એ જે વાંચતી તે એના જીવનમાં અનાયાસે ઊતરતું જતું. પોતે જે વાંચ્યું હોય એની વાત એ મને કરતી રહેતી. કેટલાક પ્રસંગો એ વારંવાર કહેતી પણ એમાં એ નવા રંગ એવી રીતે ઉમેરતી કે સાંભળવાનો થાક ન લાગે.
હું મારામાં ગુમ ચુપ બેસી રહ્યો. વિદ્યુત સર્કિટમાં મહામૃત્યુંજય મંત્ર સાવ ધીમેથી બોલાઈ રહ્યો હતો: त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्.
અનેક સગાંસંબંધી હાજર હતાં પણ જાણે ત્યાં કોઈ જ ન હતું. હું પણ એ રહ્યો ન હતો. મા હતી ત્યારે જે હતો તે હવે હું ક્યાં હતો? માની સાથે મારા અસ્તિત્વનો એક હિસ્સો પણ ચાલી ગયો હતો. માની સાથે ચાલ્યા ગયેલા મને હું શોધી રહ્યો હતો. જે શોધ કદાચ બાકી જિંદગી દરમ્યાન ચાલતી રહેશે.
કડકડતી ટાઢ જેવી એકલતાથી થરથરતો, મૃત્યુના થાકલે થાક ઉતારતી ચિરનિદ્રામાં સૂતેલી માને હું જોઈ રહ્યો હતો. કોઈ અદૃશ્ય અને અગોચર પ્રદેશમાં એ ક્યાંક કોઈ જગ્યાએ ઊભી, પાછું વળી એ એના દીકરાને ‘આવજો’ કહી રહી હશે? માના અચેતન શરીરને અડવાનું-સ્પર્શ કરી લેવાનું મન થયું પણ મારાથી તેમ થઇ શક્યું નહિ. થયું, હવે એને સ્પશું તો પણ શું? એ સ્પર્શમાં હેત અને વાત્સલ્યની ઉષ્મા હું થોડો જ પામી શકવાનો છું?
રાત્રિ સમસમ કરતી પસાર થઇ રહી હતી. સવાર થવાની રાહ જોતા અમે બેસી રહ્યાં હતાં. એવું લાગ્યા કરતુ હતું કે સવાર પડશે જ નહિ કે શું? એક ક્ષણ પાસે આવી જાણે બધું જ અટકી ગયું હતું. સૌ ચૂપ હતા પણ ભીતર કેટલો અવાજ હતો.
હું બહાર ફળિયામાં હિંચકા પર જઈ બેઠો. હું અને મા અહીં બેસતાં. આ હિંચકા પર. ઉપર સુદ છઠનું આકાશ હતું. આકાશી વિતાન પર ટાંકેલા આભલાં જેમ તારા ટમટમતા હતા. આ હિંચકા પર માની પાસે બેસી મેં એના જીવનની કેટલી બધી વાતો સાંભળી હતી. માએ રોપેલી કરેણનાં ફૂલોની સુગંધ ચોમેર પ્રસરી ગઈ હતી. ફળિયામાંથી હું ફરી માને સુવાડી હતી એ ઓરડામાં ગયો. થયું, મા હમણા મને કહેશે, હજી કેમ જાગે છે? હવે સૂઈ જા.
ટીપોય પર “રામકૃષ્ણ કથામૃત” પડ્યું હતું. જે પાના પર મા અટકી હતી ત્યાં એણે વાંચવાના ચશ્માં રાખ્યા હતાં-પેજમાર્ક તરીકે. હું એને હંમેશા કહેતો કે એ ચોપડીની વચ્ચે એ ચશ્માં ન રાખે પણ.. મેં ચશ્માં કાઢી લીધા. પુસ્તક કઈ જગ્યાએ અધૂરું છોડ્યું હતું એ જોવા મેં પ્રયત્ન કર્યો ને પુસ્તક હાથમાંથી છટકી નીચે પડ્યું. પાનું પણ ખોવાઈ ગયું.
મેં ચશ્માંના કાચ લૂછ્યા. કાચ સહેજ ઘસાઈ ગયા હતા. નવાં ચશ્માં લેવાનું મા ઘણા સમયથી કહ્યા કરતી હતી પણ આંખના નંબર નવેસરથી કઢાવવાનું ખાસ કશા કારણ વગર પાછું ઠેલાયે જતું હતું. હું ચશ્માને માની આંખોને જોતો હોઉં તેમ જોતો વિચારવા લાગ્યો. આ ચશ્માં પહેરી મા પુસ્તકો વાંચતી અને ટેલિવિઝન જોતી. આ ચશ્માંના કાચની આરપાર આંખોમાંથી માના સ્નેહનું ઝરણું વહ્યા કરતું.
કોઈએ કહ્યું: “એક વાગ્યો..”
છેલ્લા કેટલાક વર્ષથી માની તબિયત સારી રહેતી ન હતી. એનું જીર્ણ શરીર થાકી ગયું હતું ને રોજ ફરિયાદો કર્યા કરતું. ત્રણ સાંધીએ તેર તૂટે એવી સ્થિતિ હતી. મને લાગ્યા કરતું કે સૂતરના તાંતણે એક તલવાર તોળાઈ રહી છે જે ગમે ત્યારે વિંઝાઈને મને માથી અલગ કરી શકે તેમ છે. આશંકા ડારતી - ડરાવતી રહેતી. કોઈપણની માના મૃત્યુના ખબરથી હું અસ્વસ્થ થઇ જતો. વિચારતો, મા જાય પછી શું થતું હશે? ત્રીસ વર્ષ અગાઉ મારા પિતાનું નિધન થયું તે પછી ઘરમાં હું અને મા બે જ જણ સાથે રહ્યાં હતાં. હવે માથી અલગ થઇ જવાનું થશે ત્યારે શું થશે. એટલે જ મા બીમાર પડતી ત્યારે મને થતું, માથી અલગ થવાની ક્ષણ પાસે આવી ગઈ છે? ને એ ક્ષણને દૂર રાખવા માટે હું ઈશ્વરને પ્રાર્થના કરતો, વિનવણી કરતો, ઝઘડતો અને ક્યારેક સોદાબાજી પર પણ ઊતરી આવતો. પણ “जातस्य ही ध्रुवों मृत्यु.” મૃત્યુ અનિવાર્ય હતું. સ્વીકારીએ કે ન સ્વીકારીએ. મૃત્યુ પહેલાના થોડા સમયથી માની માંદગી દવા અને ડોક્ટરને ગાંઠતી ન હતી. ખાંસી હઠીલી થઇ ગઈ હતી ને શ્વાસ ચડતો ત્યારે ક્યાંક સંતાઈને બેઠેલું મૃત્યુ મારી સામે મરકમરક સ્મિત કરતું હોય એવું લાગતું. કેટલાક એને સુંદર કહે છે પણ એ તો પોતાના મૃત્યુની વાત. અન્યનું-એમાંય પ્રિયજનનું મૃત્યુ સુંદર હોય તો તે સમજવા માટે મથામણ કરવી પડે છે. એ કદરૂપું અને અપ્રિય લાગે છે. મારી આસપાસ પણ એક ઓછાયો મંડરાયા કરતો. હું એના તરફથી ચહેરો ફેરવી લેતો. શાહમૃગ જેમ રેતમાં માથું છુપાવી દેતો.
ને એ નિશ્ચિત ક્ષણ આવી પહોંચી... वांससी जीर्णणानी यथावहीय માએ જીર્ણ ખોળિયું ત્યાગી દીધું. એ ક્ષણે એણે મારો હાથ એના હાથમાં પકડી રાખ્યો. ક્રમશઃ પકડ ઢીલી થઇ ગઈ ને એના હાથમાંથી મારો હાથ છૂટી ગયો. સૂતરનો દોરો તૂટે તેમ કશુંક તૂટી ગયું. એની સાથે ઘણું બધું છૂટી ગયું. અતિ સમૃદ્ધ એવો હું એક ક્ષણમાં જ અકિંચન બની ગયો.
ક્ષણવારમાં જ જાણે આસપાસનું વિશ્વ બદલાઈ ગયું. સાવ પરિચિત અવાજો અને દૃશ્યો મને અજાણ્યા લાગવા માંડ્યા. એક શૂન્ય રચાઈ ગયું હતું. માના જવાથી એની સાથે કેટલું બધું ચાલ્યું ગયું. સ્નેહભીના સ્પર્શથી પીઠ પર ફરતો હાથ, શેરીના નાકા સુધી રસ્તા પર દૃષ્ટિ પાથરી મારા ઘેર પાછા ફરવાની રાહ જોઈ બારણામાં ઊભેલી માનો ચહેરો અને હું સાવ નાનું બાળક હોઉં તેમ એ મારી ચિંતા કરતી એ બધું હવે અતીતમાં જતું રહ્યું. માના હોવાને કારણે મારામાં અકબંધ રહેલું બાળપણ અંગૂઠો બતાવતું દૂર સરકી ગયું ને વર્ષો મારામાં જાણે એકસામટા પ્રવેશી ગયા. રાતોરાત હું વયસ્ક બની ગયો. હજી મારે એની સાથે કેટલી વાતો કરવાની બાકી હતી. કેટકેટલું કહેવાનું હતું તે રહી ગયું. એકાએક મારાથી નીરવ પ્રશ્ન થઈ ગયો: મા તું ક્યાં છે? મારી ભીતરથી ઉત્તર મળ્યો કે મા ક્યાંય નથી એ મારી પાસે જ છે-સાવ પાસે. ક્યાંક કોઈ જન્મે એ મને ક્યાંક જરૂર મળશે.
સ્રોત
- પુસ્તક : લેખક તરફથી મળેલ કૃતિ.
