સાંકળચંદ પટેલ
Sankalchand Patel
ટ્રેક્ટર ખેતર તરફ જઈ રહ્યું હતું. મોહન અને વિઠ્ઠલ ટ્રેક્ટરમાં સજીને બેઠા હતા. મોહનના હાથમાં લાકડી હતી અને વિઠ્ઠલના હાથમાં દાંતી હતી. ઘેરથી બાપબેટો નક્કી કરીને જ નીકળ્યા હતા કે જો આજે હરજી જરાક પણ બોલે તો પાડી દેવો.
મોહન અને હરજી બે ભાઈઓ હતા. એમનાં ખેતર વચ્ચે એક જ શેઢો હતો. હરજી થોડો જોરાવર હતો એટલે દર ખેડ વખતે એ શેઢો તોડી નાખતો, અને થોડો થોડો મોહનના ખેતર તરફ આઘો લઈ જતો. અત્યાર સુધી પાંચમના ચંદ્ર જેવો શેઢો ગોળાકાર થઈ ગયો હતો એ તો અજાણ્યો માણસ જુએ તોય કહી શકે એમ હતું.
આજે શેઢો તોડીને સરખો કરવા માટે બાપબેટો ટ્રેક્ટર લઈને આવતા હતા. ટ્રેક્ટર
ખેતરમાં આવીને ઊભું રહ્યું. મોહન અને વિઠ્ઠલ પોતપોતાનાં હથિયારો લઈને ઊતર્યા.
સામે હરજી વાડાના શેઢાની ધરોમાં ધીરે ધીરે ચાલતો હતો. શેઢો તોડીને કઈ રીતે સરખો કરવો તે બાપબેટો ટ્રેક્ટરવાળાને સમજાવી રહ્યા હતા.
એ જ વખતે સામેથી આ તરફ આવતાં હરજીએ જરા મોટે અવાજે કહ્યું : ‘વિઠલા, જરા શેઢો સાચવીને ખેતર ખેડાવજો, નહિ તો મારા જેવો કોઈ ભૂંડો નથી!!'
ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર ચાલુ કરીને જવા દીધું. હજુ તો એક ચાસ કાઢી એ ટ્રેક્ટર વાળીને પાછું લાવતો હતો. ત્યાં હરજીની ચીસ પડી : મરી ગયો, મને એરુ આભડ્યું, બચાવો, બચાવો!'
આટલું કહેતામાં તો એ લથડિયું ખાઈને નીચે પડી ગયો.
બાપબેટો પોતપોતાનાં હથિયારો લઈને દોડયા. વિઠ્ઠલે હરજીની બાજુમાંથી સરકતી સાપણને એક જ ઘાએ પૂરી કરી દીધી.
મોહને વિઠ્ઠલ તરફ જોયું : ‘શું કરીશું?’
વિઠ્ઠલે કહ્યું : પડી રહેવા દઈએ, આપણને બહુ વિતાડવા છે, કાયમનું દુઃખ ટળશે.'
પણ પુત્રની વાત જાણે સાંભળી જ ન હોય એમ મોહને હરજીના પગ પકડી વિઠ્ઠલને કહ્યું, ‘તું માથું પકડી લે!'
ટીંગાટોળી કરી બંને જણા હરજીને ટ્રક્ટર પાસે લાવ્યા. પછી ટ્રેક્ટરના પાટિયા પર
હરજીને બેસાડી, બાપબેટો એને પકડીને આજુબાજુ બેસી ગયા.
પછી મોહને ટ્રેક્ટરવાળાને કહ્યું: દવાખાને! જલદી!'
(‘ગુજરાતી પ્રતિનિધિ લઘુકથાઓ'માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
