Laundryroom - Short Stories | RekhtaGujarati

લૉન્ડ્રીરૂમ

Laundryroom

અભિમન્યુ આચાર્ય અભિમન્યુ આચાર્ય
લૉન્ડ્રીરૂમ
અભિમન્યુ આચાર્ય

મિસિસ નાયરે જ્યારે તેમના ડ્રેસિંગ ટેબલ પર રહેલા પ્રેયર પ્લાન્ટના લંબગોળ, મંકી-વૉશ સ્ટાઈલના પાંદડાં પર હાથ ફેરવ્યો, ત્યારે તેમને પોતાના કબાટમાં સંતાડેલી તેમની પાડોશીની આછા ભૂરા રંગની, મોગરાની ડિઝાઈનવાળી અંડરવૅરનો વિચાર આવ્યો.

મિસ્ટર નાયર તેમના માટે થોડા દિવસ પહેલાં પ્રેયર પ્લાન્ટ ભેટ લાવેલા, તેમની સત્તરમી એનિવર્સરી પર. જ્યારે બંને હજી એકદમ યુવાન હતાં અને નવાં નવાં પરણેલાં હતાં, ત્યારે મિસ્ટર નાયર તેમના માટે ઘણી વાર ફૂલો લાવતા, પ્રેમનું થાકેલું પ્રતીક, બંનેને ખબર પડી કે ફૂલોમાંથી સુવાસ ક્યારે ઊડી ગઈ. એક ક્ષણ, બધું મઘમઘી રહ્યું હતું, અને બીજી ક્ષણે, સુગંધ સૂકી હવામાં ફેરવાઈ ગઈ હતી. જોકે ક્ષણ અને તે ક્ષણ વચ્ચે બે સ્ટીલ-બૉર્ન મૃત્યુ, ત્રણ ઘર, એક આખો દેશ, અને કેટલાંય વર્ષો પસાર થઈ ગયેલાં.

બંનેએ જે દુનિયા બનાવેલી, બહારની દુનિયાથી અલગ, એના જુદા નિયમોથી ચાલતી, જેમાં માત્ર બંને હતાં, દુનિયાની દીવાલોમાં તિરાડો પડવા માંડી હતી. ત્યાંથી બહારની દુનિયા પ્રવેશી ગઈ હતી, અને તે બંનેની દુનિયા ખાલી તેમની નહોતી રહી. એનિવર્સરી ગિફ્ટ, હાથ પકડવા, બહાર ફરવા જવું-બધું કોઈ એવા સ્થળની યાદ અપાવતું જે સ્થળનું હવે કોઈ અસ્તિત્વ નહોતું રહ્યું.

બે વર્ષ પહેલાં જ્યારે લોકો કૅનેડા શિફ્ટ થયાં ત્યારે શરૂઆતમાં મિસિસ નાયરને એડજસ્ટ કરવામાં ઘણું અઘરું પડ્યું. અવાજોથી ભરેલા દેશમાં જન્મથી લઈને પહેલાં પાંત્રીસ વર્ષ કાઢ્યાં પછી કૅનેડિયન ચુપ્પી તેમને ખાવા દોડતી. કૅનેડામાં પડતાં બરફ જેટલી ધારદાર ચુપ્પી લાગતી, અને મિસિસ નાયરના મનને ઘણી વાર છોલી નાખતી. જોકે ધીરે ધીરે સેટ થતાં ગયાં. કાન પર જે અવાજો પડતા -- -- લૉન મોવરનું ધણધણવું, પસાર થતી ગાડીઓનું ધમધમતું, કૂકરની સીટીનું રણકવું, અને લૉન્ડ્રી મશીનમાં ઘૂમી રહેલા પાણીનું ખળખળવું -- તેમાં ઉષ્મા શોધવાનું મિસિસ નાયર શીખી ગયાં હતાં. તેમને થતું કે અવાજો જુદા-જુદા વાજિંત્રોમાંથી આવે છે અને આસપાસ રહેલી ચુપ્પી સાથે મળીને જાણે કોઈ સંગીત રચે છે. સંગીત સાથે તેમણે પોતાની રોજિંદી જિંદગીનો તાલ મેળવી લીધો હતો.

રસોઈ બનાવવી અને ફૂલછોડનું ધ્યાન રાખવા સિવાય જે પ્રવૃત્તિ તેમને સૌથી વધુ વ્યસ્ત રાખતી હતી લૉન્ડ્રીરૂમમાં કપડાં ધોવાની પ્રવૃત્તિ. દરેક બ્લૉકના બેઝમેન્ટમાં લૉન્ડ્રીરૂમ હતો, જેને જે-તે બ્લૉકમાં રહેલા એપાર્ટમેન્ટના બધા સભ્યો વાપરી શકતા. લૉન્ડ્રીરૂમમાં બે વૉશર અને બે ડ્રાયર. વૉશર કપડાં ધોઈ કાઢે, ડ્રાયર એને સૂકવી નાખે. મિસિસ નાયર માટે આખા બ્લૉક દ્વારા વપરાતો લૉન્ડ્રીરૂમનો વિચાર અકલ્પનીય હતો. ભારતમાં તો પોતાના ઘેર અલગ વોશિંગ મશીન હતું, જેમાં તેમના ઘરના સભ્યો કપડાં ધોતા.

શરૂઆતમાં તો મિસિસ નાયરને રાહ જોવાનો સખત કંટાળો આવતો. એપાર્ટમેન્ટના મૅનેજમેન્ટ તરફથી દરેક ભાડુઆતને સંદેશો મળેલો : લૉન્ડ્રીરૂપ કપડાં માટે ખાસ સુરક્ષિત જગ્યા નથી. ગમે ત્યારે કપડાંની ચોરી થઈ શકે છે. એટલે તમારાં કપડાં ધોવાઈને સુકાઈ જાય ત્યાં સુધી લૉન્ડ્રીરૂમમાં રહેવું. મિસિસ નાયર વાતથી દંગ હતાં. આખા એપાર્ટમેન્ટમાં મોટેભાગે વેલ-સેટલ્ડ, ગાડીઓવાળા ગોરા લોકો રહેતા, અને છતાં કપડાંની ચોરી થતી! એવું તો શું કારણ હશે?

એટલે જ્યારે તેમણે તેમની પાડોશીની અંડરવેર ઉપાડી, ત્યારે તેમણે જાતને કહ્યું કે આને ચોરી ગણી શકાય. મિસિસ નાયર જાણતાં હતાં તે શું કરી રહ્યાં છે, જ્યારે તેમણે તેમની પાડોશીને કહેવાનું ટાળ્યું કે ડ્રાયરમાં હજી એક કપડું વધ્યું છે, જ્યારે તેમણે આસપાસ જોઈને હળવેથી કપડું પોતાનાં કપડાં વચ્ચે સરકાવી દીધું, જ્યારે તેમણે ડ્રાયરમાંથી તાજી નીકળેલી અને હજી હૂંફાળી અંડરવેરના સિલ્કને તેમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે પકડીને અનુભવ્યું.

*

સપ્ટેમ્બરમાં, કૉલેજનું નવું સત્ર શરૂ થયું ત્યારે થોડાં નવાં ભાડુઆતો બ્લૉકમાં રહેવા આવ્યાં. બાલ્કનીમાં તેમના ફૂલ-છોડને પાણી પિવડાવતાં મિસિસ નાયરે જોયું તો એક ચહેરો વેનીલા આઇસક્રીમમાં કથ્થઈ ચૉકલેટ ચિપ્સ દેખાઈ આવે એમ તેમના ધ્યાનમાં આવ્યો. આંખ પર ચડાવેલાં કાળાં ગોગલ, જડબાની રેખાઓ અણિયાળી, ખુલ્લા વાળ પણ એવા સમજી વિચારીને વેર-વિખેર કરેલા કે સારા લાગે. છોકરીની ઉંમર હશે ચોવીસની આસપાસ.

જ્યારે ઢસડાતી સૂટકેસ અને ખખડતાં વાસણનો અવાજ એકદમ નજીકથી આવવા લાગ્યો ત્યારે મિસિસ નાયર સમજી ગયાં કે નવી છોકરી ’13-અ’માં શિફ્ટ થઈ રહી છે. તેમની બાજુના ફ્લેટમાં, એક દીવાલે.

તેની સાથે ભેટો તો થોડા દિવસ પછી થયો. લૉન્ડ્રીરૂમમાં. એકબીજાનાં નામ પુછાયાં. છોકરીનું નામ હતું અંજલી કાલા. લુધિયાણાની હતી.

મિસિસ નાયરની વણમાગી સલાહથી તેમની વાતચીત શરૂ થઈ.

‘અહીં કપડાંની ચોરી ઘણી વાર થાય છે. એટલે કપડાં પૂરાં ધોવાઈને સુકાઈ જાય ત્યાં સુધી અહીં રહે તો સારું.'

‘ખરેખર? મેં વાત સાંભળેલી તો ખરી, પણ હું નહોતી જાણતી કે વાત આટલી સિરિયસ છે. હવે એક કલાક હું અહીં શું કરીશ! મારી મિટિંગ પણ છે.' અંજલી અકળાતાં બોલી.

એક ક્ષણ ચૂપકીદી, પછી મિસિસ નાયરે કહ્યું- ‘તારે જો જવું પડે એમ હોય તો જઈ શકે છે. હું ધ્યાન રાખીશ.'

‘સાચે ? તમે બહુ સ્વીટ છો! ચિંતા કરો, હું તમને દર વખતે હેરાન નહિ કરું. આજે મને ખબર નહોતી એટલે...'

‘કોઈ વાંધો નહિ. ચિંતા કર.’

‘બાય વે, હું 13 -અ માં છું. તમે ?'

‘શું વાત કરે છે!’ મિસિસ નાયરે ડોળ કરતાં કહ્યું- ‘હું 14-અ માં છું. એક દીવાલે. ચાલો, ઘણા સમયે પાડોશી મળશે. અમે બે વર્ષ પહેલાં આવ્યાં ત્યારથી ઘર ખાલી હતું.'

‘હા, મને પણ એકદમ સસ્તામાં મળ્યું છે. તમને કોઈ જાણ છે શા માટે ખાલી હતું?’

‘હા...13 નો આંકડો છે એટલે. અહીં લોકો એવા શુકન-અપશુકનમાં બહુ

માને છે.'

અંજલીએ હસતાં હસતાં કહ્યું ‘મારા માટે તો સારું છે.'

તેના હસવાના અવાજની કંપન નાનકડા લૉન્ડ્રીરૂમની દીવાલો સાથે અથડાઈ. અંજલી ચાલી ગઈ પછી મિસિસ નાયર એકલાં લૉન્ડ્રીરૂમમાં બેસી રહ્યાં, ઘૂમરાતા-અટકતાં, ઘૂમરાતા-અટકતાં વૉશરને જોતાં રહ્યાં. ડિટરજન્ટની ખટુમડી ગંધ રૂમમાં ક્યારની પ્રસરી ગઈ હતી, પણ તેમના નાકને વાતનું હમણાં ધ્યાન આવ્યું, જાણે અંજલીને મળીને તેમની ઇન્દ્રિયો જડ થઈ ગઈ હોય!

*

પછી લૉન્ડ્રીરૂમમાં ત્રણવાર ભેટો થયો. પહેલી બે વાર તો આડી-અવળી વાતો થઈ. અંજલી બાયોકેમેસ્ટ્રીમાં માસ્ટર્સ કરી રહી હતી અને તેનું એક સત્ર બાકી હતું. તે ત્યાં ચાર મહિના માટે હતી.

જ્યારે અંજલીએ મિસિસ નાયરના કામ વિશે પૂછ્યું, ત્યારે મિસિસ નાયરને બે ઘડી સમજાયું નહિ શું કહેવું. થોડા પ્રયત્નો પછી શબ્દો તેમની પાસે આવ્યા.

‘હોમ-મેકર છું’ - મિસિસ નાયરે કહ્યું. મારા પતિ અહીંની ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરે છે.' તેમણે ઉમેર્યું.

તેમની ત્રીજી મુલાકાત મહત્ત્વની હતી, કારણ કે ત્રીજી મુલાકાતમાં મિસિસ નાયરે અંજલીને ઓણમના જમણ માટે ઘેર બોલાવી.

‘કાલે ઓણમ છે. આવતીકાલે સાત વાગ્યે તું જો ડિનર પર આવી શકે તો...’ મિસિસ નાયરે વાક્ય પૂરું કર્યું.

અંજલી અચાનક મળેલા આમંત્રણથી થોડી બઘવાઈ ગઈ.

‘હા... હા... ચોક્કસ.’ તે થોથવાતાં બોલી.

તેણે ડ્રાયરમાંથી તેનાં કપડાં કાઢ્યાં અને લૉન્ડ્રી બેગ ભરવા માંડી. કપડાંના ડૂચા વળવાથી બેગ ભરચક થઈ ગઈ હતી અને ઊભરાઈ રહી હતી. તેણે ઠાંસી ઠાંસીને કપડાં ભર્યાં, છતાં એક મોજું તો તોય નીચે પડ્યું જ. મિસિસ નાયરે તે ઉપાડીને અંજલીને આપ્યું.

‘થેંક યુ. કાલે મળીએ.'

બીજા દિવસે, મિસિસ નાયરે મિસ્ટર નાયરને સમયસર આવવાનું કહી, દીધું, કારણ કે તેમને ત્યાં બહુ સમય પછી કોઈ મહેમાન આવવાનું હતું.

તેમણે રસોઈ બનાવવામાં રોજ કરતાં ઝાઝું ધ્યાન રાખ્યું. એક કૂકરમાં રસમ બની રહી હતી ત્યારે તેમણે આંબલીના ઠળિયા કાઢીને તેની છાલને ગરમ પાણીમાં બોળી રાખી, પછી એમાં મીઠું નાખીને મિક્સરમાં તેની ચટણી બનાવી.

હવે નાળિયેરનું કોચલું તોડવાનો વારો. કિચનના પ્લૅટફૉર્મ પર એક હાથે નાળિયેર પકડી તેમણે બીજા હાથમાં પકડેલા દસ્તાથી કોચલા પર હળવેથી ઠપકારવાનું શરૂ કર્યું. તિરાડો પડી, પાણીને ભાગી છૂટવાનો રસ્તો મળી ગયો. નાળિયેર તોડવાનું કામ મિસિસ નાયરને હંમેશાં ઉદાસ કરી દેતું. એક આખી, પૂર્ણ વસ્તુને ઠંડે કલેજે ધીરે ધીરે તોડવી એટલે શું?

પણ સમયે આવા વિચારોને મિસિસ નાયરે દૂર રાખ્યા, જ્યાંથી તિરાડ પડેલી, ત્યાંથી તેમણે નાળિયેર પકડ્યું, અને બળ કરીને ખેંચ્યું. પાણી નીચે ઢોળાયું. અને કોચલાની ધાર તેમનો અંગૂઠો છોલી ગઈ. લોહી નીકળ્યું.

લોકો બરફના પહાડો પર સ્કીઈંગ કરે એમ લાલ ટીપાં નાળિયેરના અંતરિયાળ, કોમળ, સફેદ ભાગ પર લસર્યાં.

મિસિસ નાયરે ડેટોલથી હાથ ધોઈ, અંગૂઠા ફરતે બૅન્ડ-એઈડ લગાવી દીધી. પછી નાળિયેર પરથી લોહી સાફ કરીને નાળિયેર છીણી નાખ્યું. ચટણી બનાવી. જો ઓણમ હોત અને કોઈ આવવાનું હોત તો તેમણે વાત ત્યાં પૂરી કરી હતી, પણ મિસિસ નાયરને તેમની માતાએ શીખવેલી વાત યાદ હતી : ખાલી ચટણી સૂકીય લાગી શકે. એવું હોય તો વઘાર કરવો. એટલે મિસિસ નાયરે ચટણી ઉપર રાઈ, ચપટીક અળદની દાળ, મીઠો લીંબડો અને સૂકાં લાલ મરચાંનો વઘારેય કર્યો.

સાંજ પડી. ઓણમનું જમણ તૈયાર હતું. મિસ્ટર અને મિસિસ નાયર ટેબલ પર રાહ જોઈ રહ્યાં હતાં.

સાત વાગ્યા. મિસિસ નાયર ઊંચાં-નીચાં થયાં. તેમણે કાન સરવા કર્યા, ક્યાંક દીવાલની આરપારથી તેમની પાડોશીની કોઈ હિલચાલ સંભળાય છે કે કેમ જોવા. કોઈ નાનો અમથોય અવાજ, નાનું અમથુંય આશ્વાસન કે તેમની મહેમાન આવવા માટે તૈયાર થઈ રહી છે. પણ દીવાલો શાંત રહી.

‘આપણે ચાલુ કરીએ?’ મિસ્ટર નાયરના અવાજમાં ભૂખ ચોખ્ખી વર્તાઈ રહી હતી.

‘હું જઈને પૂછી આવું? બાજુમાં તો રહે છે!' સવા સાત થયા એટલે મિસિસ નાયરે કહ્યું.

મિસિસ નાયર જઈને 13-અની બહાર ઊભાં રહ્યાં. દરવાજો ખખડાવવાનાં હતાં પણ કશાક કારણથી તેમનો હાથ અટકી ગયો. કોઈને આવવું હોય અને પરાણે ખેંચી લાવવું કેટલું વાજબી હતું? આવું વિચારી મિસિસ નાયર પાછાં ફર્યા.

‘મહેમાન આવે છે કે નહિ?' મિસ્ટર નાયર બોલ્યા. તેમની ધીરજ હવે ખૂટી ગઈ હતી.

‘ના... વ્યસ્ત છે.’ મિસિસ નાયરે નીચું જોતાં કહ્યું.

‘અને અંગૂઠામાં શું થયું?’

‘નાળિયેર તોડતી વખતે થયું. હશે, આપણે ચાલુ કરીએ.’

જમતી વખતે મિસ્ટર નાયરે અંજલી વિશે પૂછ્યું. મિસિસ નાયરે તેમની નવી પાડોશીની બધી વાત કરી. જમવાનું પત્યું ત્યાં સુધી અંજલીની વાતો ચાલતી રહી. અંજલીના અભાવમાંય તેની હાજરીનો ઓછાયો રસમ, પુલીસેરી, થોરણ, અવીઅલ, પાયસમ, બધા પર વર્તાતો રહ્યો.

*

‘આઈ એમ સોરી. હું ઓણમ માટે આવી શકી. કંઈક અરજન્ટ આવી ગયું. પણ વાંધો નહિ, આઈ વોન્ટ ટુ મેઈક અપ ફોર ઈટ. હું તમને અને મિસ્ટર નાયરને આમંત્રણ આપું છું, મારે ઘેર ડિનર માટે.' થોડા શરમના ભાવ સાથે લોકો લૉન્ડ્રીરૂમમાં મળ્યાં ત્યારે અંજલીએ કહ્યું.

‘ઈટ્સ ઓકે, એવી કોઈ જરૂર નથી.’ મિસિસ નાયરે તેમનાં કપડાં વચ્ચે ડ્રાયર શીટ્સ ભરાવતાં કહ્યું.

‘ના... મારો આગ્રહ છે. પ્લીઝ.' અંજલીએ કહ્યું.

મિસિસ નાયરે કોઈ જવાબ આપ્યો.

‘અને શું છે?’ અંજલીએ મિસિસ નાયરના ડ્રાયરમાં નાખેલાં કપડાં સામે જોતાં કહ્યું.

‘ડ્રાયર શીટ. મશીનમાં કપડાં સુકાય ત્યારે કરચલી પડી જાય છે. પણ જો કપડાંની વચ્ચે ભરાવો તો કરચલી નથી પડતી.'

‘અચ્છા. હું પણ ખરીદી લઈશ.' અંજલીએ ડોકું ધુણાવ્યું.

મિસિસ નાયરે અંજલીનો ચહેરો જોઈ છેવટે નમતું જોખ્યું.

‘સારું, હું આવીશ. પણ મારા હસબન્ડનું નક્કી નહિ.’

‘એમને પણ કહેજો, મારા વતી. મને ગમશે. કાલે મળીએ. સાત વાગે.’

તે રાત્રે, પથારીમાં, મિસિસ નાયરે અંજલીના આમંત્રણ વિશે મિસ્ટર નાયરને કહ્યું. મિસ્ટર નાયરને વિચિત્ર લાગ્યું.

‘લોકો જબરું કરતાં હોય છે! છે ખાલી થોડા મહિનાઓ માટે, તો આમ અકારણ સંબંધ કેમ વધારવા માંગતી હશે? સરખે સરખી ઉંમર હોય તોય સમજાય. પણ ક્યાં, અને આપણે ક્યાં!’

‘તમે આવશો?’

‘ના.’

‘મિસ્ટર નાયર આટલું બોલી તેમના ફોનમાં ખોવાઈ ગયા.

મિસિસ નાયર પથારીમાંથી ઊભાં થઈ પોતાના ડ્રેસિંગ ટેબલ તરફ ગયાં. તેના પર પ્રેયર પ્લાન્ટનો છોડ હતો. મિસિસ નાયરને હંમેશાં વાત અજબ લાગતી કે દિવસે, સૂરજનાં તીક્ષ્ણ કિરણો પ્લાન્ટને ભેદતાં આખા રૂમને અજવાળતાં, વખતે પ્લાન્ટનાં પાંદડાં સમતલ સૂઈ રહેતાં, એકદમ મુડદાલ. પણ રાત્રે, ચાંદનીમાં, સુષુપ્ત વાસનાઓની જેમ, પાંદડાં ટટ્ટાર ઊભાં રહેતાં, તેમની ટોચ એકબીજા સાથે જોડાઈ જતી, જાણે કોઈએ પ્રાર્થના કરવા હાથ જોડ્યા હોય.

મિસિસ નાયરે અરીસામાંથી મિસ્ટર નાયરને જોતાં જોતાં કપડાં કાઢી નાઈટ ડ્રેસ પહેર્યો. મિસ્ટર નાયરનું તરફ ધ્યાન હતું. પોતે નગ્ન, કે અર્ધ-નગ્ન હોય ત્યારે મિસ્ટર નાયર કદી તેમની સામું જોતા નહિ. ફોનમાં શું જોતા હશે એવો પ્રશ્ન મિસિસ નાયરને થયો. એક વાર દરવાજો ખખડાવ્યા વગર બેડરૂમમાં ઘૂસી ગયેલાં ત્યારે તેમણે મિસ્ટર નાયરને ખૂબ શરમજનક હાલતમાં જોયેલા. તેમણે તરત ‘સોરી’ કહીને દરવાજો બંધ કરી દીધેલો. ત્યારબાદ મિસ્ટર નાયર બાથરૂમમાં ગયા ત્યારે મિસિસ નાયરે તેમનો ફોન ચેક કરેલો. ફોનમાં ચાલુ થયેલા વિડીયોને જોઈને મિસિસ નાયરને ઘણું દુઃખ થયેલું, જેટલી ઉત્સુકતાથી મિસ્ટર નાયર બીજાં શરીરોને જોતા, એટલી ઉત્સુકતાથી તેમના શરીરને છેલ્લે મિસ્ટર નાયરે ક્યારે જોયું હશે?

મિસિસ નાયર પોતાના શરીર સામું નહોતાં જોઈ શકતાં. જ્યારે પણ જોતાં ત્યારે એક વસ્તુ દેખાતી—તેમના પેટ પરનું નિશાન, લાંબો કાપો જે તેમના શરીરને બે સરખા ભાગમાં વહેંચી દેતો હતો.

જોકે તે દિવસે, લાઈટ્સ બંધ કરતાં પહેલાં તેમના શરીરની બીજી એક વસ્તુ પણ મિસિસ નાયરને દેખાઈ-તેમની આંખોના ખૂણે પડી રહેલી કરચલી.

*

અંજલીના ઘરમાં ઘૂસતા મિસિસ નાયરના નાકમાં આદુ-લસણના વઘારની તીવ્ર સુગંધ પેસી ગઈ. અંજલીએ પનીરની સજ્જ બનાવેલી હતી.

મિસિસ નાયરે નોંધ્યું કે અંજલીએ ઘર વ્યવસ્થિત દેખાય એનો બને એટલો પ્રયત્ન કરેલો. ફર્શ પર કચરો વાળેલો હતો પણ પોતું નહોતું કરેલું. આછા આછા ડાઘા, જો ધ્યાનથી જોવો, તો દેખાઈ જાય. કિચનના બેઝીનમાં ગંદાં વાસણો પડેલાં હતાં, પણ પ્લૅટફૉર્મ સાફ હતું. સોફો બારી નજીક ખસેડવામાં આવ્યો હતો, રૂમમાં વધુ અવકાશ મળે એટલે. પણ સોફા પર રહેલાં ચોરસ ઓશીકાં પર અલગ અલગ રંગનાં કવર હતાં. પીળી ફૅરો લાઈટ્સ સીલીંગ પરથી લટકીને રૂમને ઝગમગ કરી રહી હતી. સોફાની પાસે નાનું ટેબલ હતું, જેના પર મની પ્લાન્ટ ગોઠવાયેલો હતો.

‘થેંક યુ, આવવા માટે.’

‘સૉરી, મારા હસબન્ડ આવી શક્યા.'

‘કોઈ વાંધો નહિ, તમે બેસો, હું ખાવાનું લઈને આવું છું.’

‘હું મદદ કરું?’

‘ના ના, તમે બેસો.’

મિસિસ નાયરે જોયું કે મની પ્લાન્ટનું એક પાંદડું સુકાઈ રહ્યું હતું.

‘આને થોડું ધ્યાન આપવાની જરૂર છે.' તેમનાથી બોલાઈ ગયું.

અંજલીને અચાનક નીકળી ગયેલા ઉદ્ગારથી આશ્ચર્ય થયું.

‘તમને ફૂલ-છોડનો શોખ છે?'

‘મને તેમના તરફ જે લગાવ છે તેના માટે શોખ શબ્દ નાનો પડે, મારી પાસે ઘણાં છે ઘેર. તને ગમે છે?’ મિસિસ નાયરે પણ પૂછ્યું.

‘ખરું કહું તો મેં ઝાઝું વિચાર્યું નથી. તો હું ડેકોરેશન માટે લાવેલી, જેથી લાગે કે ઘરમાં કોઈ માણસ રહે છે.' અંજલીએ ખાવાનું સર્વ કરતાં કહ્યું.

‘સુગંધ તો બહુ સરસ આવે છે!’

‘સ્વાદ પણ સારો આવે તો કામનું.’ અંજલીએ એક બેચેન સ્મિત કર્યું.

મિસિસ નાયરે કોળિયો લેતાં પહેલાં ફરી એકવાર અંજલીનો આભાર માન્યો. અંજલીએ ફરી સ્મિત કર્યું.

મિસિસ નાયરે કોળિયો મોંમાં મૂક્યો અને તેમને સમજાયું કે મીઠું ઓછું છે. પણ વાત જાહેર કરવાનું તેમણે નક્કી કર્યું.

‘બહુ સરસ છે! સ્વાદ તો બહુ સરસ છે.’ મિસિસ નાયરે બને એટલા ઉત્સાહથી કહ્યું. તેમની આંખો જુઠ્ઠાણાની ચાડી ખાઈ જાય એટલે તેમણે નજર પ્લેટ પર રાખી. અંજલી પાણી લેવા ઊભી થઈ, પણ તેનાથી એક ચમચી નીચે પડી ગઈ. તે વાંકી વળી તે લેવા ગઈ. તેની આછા ભૂરા રંગની અંડરવેરે તેના પેન્ટમાંથી બહાર ડોકિયું કાઢ્યું. મિસિસ નાયરે એક ક્ષણ જોયું, અને પછી તરત નજર ફેરવી લીધી.

અંતમાં અંજલીએ બંને માટે આઇસક્રીમ કાઢ્યો. આઇસક્રીમ ખાતાં ખાતાં બંને વચ્ચે થોડી અંગત વાતો થઈ, બેનપણાં થયાં.

મિસિસ નાયરે જણાવ્યું કે તે હવે બાળકો કરી શકે એમ નથી. જીવનું જોખમ છે, અને અંદર ઘણા કૉમ્પ્લીકેશન ઊભા થાય એમ છે. અંજલીએ કહ્યું કે તેનું થોડા સમય પહેલા તેના બૉયફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું હતું, અને એટલે ઓણમના દિવસે મિસિસ નાયરને ત્યાં જમવા નહોતી આવી શકી.

‘એ દિવસે થયું?’ મિસિસ નાયરે પૂછ્યું.

‘ના, એનાથી થોડા દિવસ પહેલાં. હું અહીં એટલે રહેવા આવી છું થોડો સમય. આમ તો નૉર્મલ હોઉં છું હું, પણ ક્યારેક નથી જીરવાતું ત્યારે રૂમમાં પુરાઈ રહું છું.' અંજલીએ કહ્યું.

શા માટે સંબંધ તૂટ્યો એવું મિસિસ નાયરે પૂછ્યું. તેમને થયું કે એવી રેખા હતી જે તેમણે પાર કરવી જોઈએ. તેમણે એવું વિચારીને મન મનાવ્યું, કે આજના યુવાનોની તાસીર છે. સંબંધ તોડવો-જોડવો, સંબંધોમાં ઘૂસવું- નીકળવું, એમ જેમ લોકો કોઈ હોટેલમાં આવે-જાય. એવી વ્યવસ્થા, એવો વૈભવ જે તો તેમને ઉપલબ્ધ હતો, પોસાય તેમ હતો.

‘પણ મેં એક છોકરો જોયેલો... ગોરો, ઊંચો, વાંકડિયા વાળવાળો. થોડા દિવસ પહેલાં જ. મને થયું કે તારો...’ મિસિસ નાયરે એક નહિ તો બીજી રેખા પાર તો કરી જ.

‘ના... કોઈ નથી. શું કહું... એમ સમજોને કે કોપિંગ મિકેનિઝમ છે.' અંજલીએ નીચું જોતાં કહ્યું.

‘અને એનાથી કામ ચાલી જાય?’ મિસિસ નાયરે આગળ પૂછ્યું.

‘કામ, આમ જુઓ તો ચાલી જાય. બસ મનમાં જે ચહેરો ફરતો હોય તેને નવા ચહેરા સાથે બદલી નાખવાનો.

બંને હવે સંવાદ જ્યાં જઈ રહ્યો હતો તેનાથી થોડાં અચકાઈ રહ્યાં હતાં.

‘અને એવું શક્ય છે?’ મિસિસ નાયરથી રહેવાયું નહિ.

‘શક્ય તો શું નથી. પ્રાઈવેટ મોમેન્ટ્સમાં લોકો મનમાં આવી અદલા-બદલી કરતા હોય છે. ક્યારેક ચહેરાની, ક્યારેક તો આખે આખા...’ અંજલી વાક્ય પૂરું કરી શકી. મિસિસ નાયરની ખાલી પ્લેટે અંજલીને આખો સંવાદ બીજી દિશામાં લઈ જવાની સગવડ કરી આપી.

‘તમે વધુ આઇસક્રીમ લેશો?’

‘ના ના, બસ. પેટ ભરાઈ ગયું. આટલું તો છેલ્લે ઇન્ડિયામાં હતી ત્યારે ખાધેલું.' મિસિસ નાયરે પણ જાણે તંદ્રામાંથી બહાર નીકળતાં હોય એમ કહ્યું, અને વિનયપૂર્વક પ્લેટ્સ ધોવામાં મદદ કરવાની ઇચ્છા બતાવી.

‘તમે ચિંતા કરો. હું કરી લઈશ.’

‘હું હવે નીકળું. મારા હસબન્ડ રાહ જોતા હશે.'

‘હા. ચોક્કસ. આવવા માટે થેંક્સ.’

થોડા કલાકોમાં મિસિસ નાયર બેડરૂમના અરીસા સામે ઊભાં હતાં. મિસ્ટર નાયર નિરાંતે નસકોરાં બોલાવી રહ્યા હતા.

અંજલી સાથેની વાત પછી મિસિસ નાયરને એક પ્રસંગ યાદ આવી ગયો. મિસ્ટર નાયરે તેમને કહેલું એક દિવસ: ‘હું જાણું છું આપણી વચ્ચે વસ્તુઓ ઠીક નથી. આપણે કંઈક નવું ટ્રાય કરીએ.'

મિસિસ નાયરે પહેલા હા તો પાડેલી, પણ મિસ્ટર નાયરે ત્યારબાદ જે પ્રસ્તાવ મૂક્યો તેનાથી તે ગુસ્સે થઈ ગયેલાં.

‘ના... હું નહિ કરી શકું. આપણા બેની વચ્ચે કોઈ ત્રીજાની હાજરી તો દૂર, કોઈ ત્રીજાનો વિચાર પણ હું ખમી શકું એમ નથી.' મિસિસ નાયરે કહી દીધેલું.

મિસ્ટર નાયરે દિવસ પછી વાત ક્યારેય નહોતી કરી.

મિસિસ નાયરે નાઈટ-ડ્રેસ પહેર્યો, અને ચહેરા પર ક્રીમ લગાડ્યું. તેમનાથી અનાયાસે પોતાની સરખામણી અંજલી સાથે થઈ ગઈ. અંજલીનાં અણિયાળાં જડબાં સામે પોતાની ચરબી ભરેલી હડપચી, તેના ઘાટ્ટા, કાળા વાળ સામે પોતાના કપાળથી પાંખા થઈ રહેલા વાળ, તેના પાતળા પેટ સામે પોતાની વધી રહેલી ફાંદ પણ નિશાનવાળી.

મિસિસ નાયરની આંખોમાં ઈર્ષા ફરી વળી. અંજલી માટે નહિ, તેની ઉંમર માટે. ઉંમર જે તમને નચિંત અને બેજવાબદાર થવાનું લાઈસન્સ આપે છે, એક એવી ટ્રેન જે મિસિસ નાયરની નજીકથી ઝડપથી પસાર થઈ ગઈ, અને વાતથી અજાણ કે એમાં ચડી જવાનું હતું, મિસિસ નાયર ક્યાંક બીજે જોતા રહ્યાં. હવે સ્ટેશન પર હતાં, એકલાં, રાહ જોતાં. ક્યારનાંય. પણ શેની? હવે કોઈ ટ્રેન આવવાની નહોતી.

તેમણે અંગૂઠા પરથી બૅન્ડ-એઈડ છેવટે ખેંચી કાઢી. ઘાવ હજીય દેખાઈ રહ્યો હતો.

*

મિસિસ નાયરને હવે અંજલીનું કપડાં ધોવાનું શિડ્યૂલ સમજાઈ ગયું હતું. મંગળવાર અને શુક્રવાર, જ્યારે તેની કૉલેજમાં રજા રહેતી. મિસિસ નાયરે પણ તેના શિડ્યૂલ સાથે તાલ મિલાવ્યો. પછી તો એવી સ્થિતિ થઈ ગઈ કે બંને વચ્ચે એક અશબ્દ સમજણ સ્થપાઈ ગઈ, કે મંગળવાર અને શુક્રવાર એટલે બંનેનો લૉન્ડ્રી દિવસ. એમાંય કપડાં સુકાવાનાં હોય ત્યારે તો અંજલી જતી રહેતી. મિસિસ નાયર ખુશીથી તેનાં કપડાંનુંય ધ્યાન રાખતાં. ડ્રાયર ફરતું બંધ થાય ત્યાં સુધીમાં અંજલી પાછી આવી જાય. ‘થેંક યુ સો મચ’, તે દર વખતે કહેતી.

એક દિવસ મિસિસ નાયરે નોંધ્યું કે અંજલી નવી ડ્રાયર શીટ્ઝ લાવી છે.

‘તમે કહ્યું હોત તો મને ક્યારેય ખબર પડત કે આવું પણ કશુંક છે! થેંક યુ.' અંજલીએ તેનાં કપડાં ડ્રાયરમાં નાખતાં કહ્યું.

મિસિસ નાયરે વૉશરમાં કપડાં ખાલી કર્યાં, અને બાજુના ખાનામાં ડિટરજંટ ભર્યું.

પછી મશીનમાં બંનેએ સિક્કા નાખ્યા. ખખડતા સિક્કા સાથે વૉશર અને ડ્રાયર ફરવા શરૂ થયા. લૉન્ડ્રીરૂમ અવાજોથી ભરાઈ ગયો.

તેમણે આવી રહેલા શિયાળાની વાતો કરી. એમ, કે શિયાળો અત્યાર સુધીનો સૌથી ઠંડો શિયાળો રહેશે. એમ, કે વાત છાપાવાળા દર વર્ષે છાપે છે.

‘માઈનસ દસ ડિગ્રી હોય કે માઈનસ પંદર, એક પૉઈન્ટ પછી શું ફેર પડે છે!' અંજલીએ કહ્યું.

‘હા, એક હદ પછી કંઈ અનુભવાતું નથી. ખાલી જડ થઈ જવાય છે.' મિસિસ નાયરે કહ્યું. અંજલીએ મિસિસ નાયર સામું જોયું, ચકાસવા કે હજી ઠંડીની વાત રહી રહ્યાં હતાં કે કોઈ બીજી જ.

થોડા સમયમાં ડ્રાયરમાંથી ‘બીપ’નો અવાજ આવ્યો.

‘સારું. ફરી મળીશું.' અંજલીએ ડ્રાયરમાંથી કપડાં કાઢતાં કહ્યું. તેની લૉન્ડ્રી બેગ ફરી ભરાઈ રહી હતી, કપડાંના ડૂચાથી. તે ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું.

ઝડપથી કપડાં ભરી તે લૉન્ડ્રીરૂમમાંથી નીકળી ગઈ.

મિસિસ નાયરે ડ્રાયર સામું જોયુ તો તેમને લાગ્યું હજી એકાદ કપડું રહી ગયું છે. તેમણે ખોલીને અંદર નજર કરી. કપડું હતું, જેણે અંજલીના પૅન્ટમાંથી મિસિસ નાયર તરફ ડોકિયું કરેલું. ડ્રાયરમાંથી નીકળેલી, તાજી, ગરમ આછા ભૂરા રંગની અંડરવેર, જેના પર મોગરાનાં ફૂલ ચીતરેલાં હતાં. મિસિસ નાયરને થયું કે અંજલીની પાછળ જઈને કપડું તેને દઈ આવે. પણ વખતે તેમને એક બીજો વિચાર આવ્યો.

અંજલી પાછળ જવાનું માંડી વાળતાં તેમણે અંડરવેર તેમનાં કપડાં સાથે ધીમેથી સરકાવી દીધી.

મિસિસ નાયર નહોતાં જાણતાં કે તેમને ફીટ આવશે કે કેમ. અંજલી તેમનાથી ઘણી પાતળી હતી. પણ મિસિસ નાયરે પ્રયત્ન ચાલુ રાખ્યો.

સાથળો પરથી ઉપર ચડાવતાં થોડો સમય થયો, પણ ચડી ગઈ. કમર ગૂંગળાઈ. સાથળ પાસે ઊગેલા વાળ ઘણા સમયે વર્તાયા. બધું હોવા છતાં મિસિસ નાયર કોઈ બીજી સ્ત્રીના અંડરવેરમાં સમાયાં. માત્ર પહેરી તે મિસ્ટર નાયર સામે આવ્યાં.

‘તું ઠીક છે? અને તારી તો નથી લાગતી.' મિસ્ટર નાયરે જોતાં કહ્યું.

મિસિસ નાયરે આંખોથી મિસ્ટર નાયરને નજીક આવવા આમંત્રણ આપ્યું. બહુ લાંબા સમય પછી તેમને પોતાના શરીરની શરમ આવી, કારણ કે આજે શરીર તેમને પોતાનું લાગી નહોતું રહ્યું.

‘અંજલીની છે.’ મિસિસ નાયરે વધુ નજીક સરકતાં કહ્યું.

મિસ્ટર નાયર પહેલાં ગૂંચવાયા, પછી મિસિસ નાયરનો ચહેરો જોઈ સમજ્યા. મહિનાઓ પહેલાં પોતે કરેલી વાતનો રિસ્પોન્સ આજે મળ્યો છે એવું ધ્યાન જતાં નજીક આવ્યા. તેમણે અંડરવેર પર હાથ મૂક્યો, અને પછી સ્મિત કર્યું.

ઘણા સમય પછી મિસ્ટર નાયરનું સ્મિત હોઠોના સીમાડા વટાવી આંખો સુધી પહોંચ્યું.

તે રાત્રે મિસિસ નાયરને યાદ આવ્યું કે તેમના હાથ-પગ છે, આંખ-કાન છે, સ્તનો છે, નાક છે, નિતંબ છે, ગરદન છે, નખ છે. તેમને લાગ્યું કે તેમના શરીરનું પોતાનાથી અલગ એક ધબકતું અસ્તિત્વ છે. શરીરના શ્વાસ છે. શરીર યાદો સંઘરે છે. શરીર રડેય છે. મિસ્ટર નાયર ઊંઘી ગયા ત્યારે મિસિસ નાયર પ્રેયર પ્લાન્ટના લંબગોળ પાંદડાં પર હાથ ફેરવતાં જાગતાં રહેલાં, કેટલુંય વિચારન રહેલાં.

*

ફૂલ-છોડ, જે માત્ર એનિવર્સરી પર અપાતા હતા, હવે દર અઠવાડિયે અપાવા લાગ્યા.

મિસ્ટર નાયરે બાલ્કનીને જાસૂદ, બોનસાઈ, ઑર્કિડ, ટ્યુલીપ, બધાથી ભરી દીધી. દર બે દિવસે ગુલાબનો બુકે અલગ.

‘તમારે આટલા બધા લાવવાની જરૂર નથી.’ મિસિસ નાયર કહેતાં.

‘તને કેટલા ગમે છે જાણું છું.' મિસ્ટર નાયર હસીને જવાબ વાળતા.

અઘરું કામ તો મિસિસ નાયરનું હતું. દર મંગળવારે, લૉન્ડ્રીરૂમમાં અંજલીને મળવાનું. તેની આંખોમાં આંખો નાખીને જોવાનું, હસીને વાતો કરવાની મિસિસ નાયરે જે રેખા ઓળંગેલી તેનો નશો અકબંધ હતો, તેના લીધે તેમને બધું જીવંત લાગી રહ્યું હતું.

એવામાં મિસ્ટર નાયર એક દિવસ એક નાનકડો મોગરાનો છોડ લઈ આવ્યા, જાણે ગરમ થઈ ગયેલા તેલમાં પોતાના તરફથી સૂકું લાલ મરચું નાખતા હોય એમ.

‘આની શું જરૂર હતી? અહીં તો આસાનીથી મળતાય નથી, ઠંડા પ્રદેશમાં.’ મિસિસ નાયરે કહ્યું, પણ તેમને અંદર અંદર વાત ગમી પણ ખરી.

‘ઈટ્સ ઓકે. થોડું શોધવું પડ્યું. તારે ધ્યાનય સરખું રાખવું પડશે આનું.' મિસ્ટર નાયરે કહ્યું.

તેમનું ઘર હવે રંગોથી ભરેલું હતું, અને બાલ્કની સુગંધથી મઘમઘી રહી હતી.

દિવસે ફૂલ-છોડની સંભાળ લેવાતી. રાત્રે, બંને એક-એક ઈંટ ધ્યાનથી ગોઠવતાં, પોતાની દુનિયા ફરી બનાવવા. પણ તેમને ખબર નહોતી કે સમયે તેમને જાણ પણ થાય એમ ચોરીછૂપીથી તેમની દુનિયાની બ્લૂપ્રિન્ટ બદલી નાખી.

*

નવેમ્બરના અંતમાં વરસનો પહેલો બરફ પડ્યો ત્યારે તે લોકો વૉશરને ફરતું જોઈ રહ્યાં હતાં. અંજલીના ચહેરા પરના ભાવ જોઈ મિસિસ નાયરને ચિંતા થઈ.

‘મિસિસ નાયર, એક વિચિત્ર વસ્તુ થઈ રહી છે.' અંજલીએ કહ્યું.

‘શું?’

‘મને લાગે છે કે મારાં અમુક કપડાં ક્યાંક મીસિંગ છે.’

‘હા, વિચિત્ર વાત તો છે. કારણ કે હું હોઉં ત્યારે તો કોઈ આવતું નથી અહીં.’

‘હા, ઘણું વિચિત્ર છે.’

મિસિસ નાયરે એક ઘડી વિચાર્યું. કોઈ નવો છોડ પસંદ કરી રહ્યાં હોય એટલી સંભાળથી તેમણે શબ્દો પસંદ કર્યા.

‘એવું બની શકે કે તારાથી અમુક કપડાં વૉશરમાં રહી જતાં હોય. એવું બનતું હોય છે ઘણી વાર. મારાથીય થાય છે. વૉશર છેય ઊંડું. ધોવાઈ જાય એટલે કપડાં એક તો ચોળાઈ જાય, અને ક્યારેક વૉશરની દીવાલો સાથે ચીપકી જતાં હોય છે.'

‘હા, એક શક્યતા છે.' અંજલીએ કહ્યું. મિસિસ નાયર અંજલીના શબ્દો ઉકેલવા મથી રહ્યાં.

‘આજે એકદમ સરખી રીતે જોઈ લેજે, કશું રહી જાય એટલે.' મિસિસ નાયરે કહ્યું.

‘હા. આજે સરખું ધ્યાન રાખીશ.'

વાતની અસર તેમની વૈવાહિક આત્મીયતા પર પણ તરત પડી. મિસ્ટર નાયરે તેમની કમર પર હાથ મૂક્યો ત્યારે મિસિસ નાયરનું ધ્યાન ક્યાંક બીજે હતું.

‘મને લાગે છે અંજલીને ખબર પડી ગઈ છે.' મિસિસ નાયરે કહ્યું.

મિસ્ટર નાયરે તરત હાથ પાછો ખેંચી લીધી ‘ખરેખર?’

‘હા. મને આખી વાતની હવે શરમ આવી રહી છે, હું મૂર્ખ એવું માની બેઠી કે એનું ધ્યાન નહિ જાય.’

‘કોઈ વાંધો નહિ. ડોન્ટ વરી. આપણી પાસે જે છે, એને બસ કોઈક રીતે પાછું સરકાવી દે.' મિસ્ટર નાયરે તેમના ફોનમાં ખોવાઈ જતાં કહ્યું.

‘આપણે આની જરૂર પડે એવું થવા નહોતું દેવાનું.' થોડા સમય બાદ મિસિસ નાયર બોલ્યાં, પણ ત્યાં સુધીમાં તો મિસ્ટર નાયર એટલા દૂર થઈ ગયેલા કે મિસિસ નાયરના શબ્દો તેમના સુધી પહોંચ્યા નહિ. મિસિસ નાયર નિરાશાથી તેમના ડ્રોઅરમાં પડેલાં કપડાંને જોઈ રહ્યાં જેના પર નાના સફેદ ફૂલોની ડિઝાઈન હતી.

શુક્રવારે મિસિસ નાયર તે સાથે લઈ ગયાં, કોઈક રીતે એને પાછું સરકાવી દેવા.

પણ જ્યારે તેમણે દર વખતની જેમ અંજલીના કપડાંનું ધ્યાન રાખવાની ઑફર કરી, ત્યારે અંજલીએ તેમને માનથી ના પાડી.

‘હું ઘણા સમયથી દર અઠવાડિયે તમને મારાં કપડાંનું ધ્યાન રાખવાનું કહું છું અને પોતે ભાગી જાઉં છું. તમને એનો ભાર લાગતો હશે. સારું કહેવાય. આજે હું અહીં રહીશ, તમે ચિંતા કરો.' અંજલીએ સ્મિત કર્યું.

‘ના ના, એમાં ભાર શું. હું હજી કહું છું. તું જઈ શકે છે. તારા કપડાંને કંઈ નહિ થવા દઉં.'

‘એ તો મને ખબર છે. પણ તોય, આજે કંઈ નહિ તો તમને કંપની તો આપું.' અંજલીએ કહ્યું. તેના અવાજની ઉષ્મામાં રહેલી ઠંડક મિસિસ નાયરને અડી, અને ધ્રુજાવી ગઈ.

મિસિસ નાયરે જ્યારે તેમના કપડાં ડ્રાયરમાં નાખ્યાં, ત્યારે તેમને થયું કે અંજલી તેની અંડરવેર પકડી પાડે તો સારું. કબૂલાત કરવાની આખી લપમાંથી બચી જવાય. મિસિસ નાયરને સમજાયું કે કબૂલાત કરવા કરતાં રંગે હાથ પકડાઈ જવું વધારે સહેલું છે. પણ અંજલીનું ધ્યાન ગયું. એકાદ કલાક બંને લૉન્ડ્રીરૂમમાં બેસી રહ્યાં, આડી-અવળી વાતો કરતાં. તેમની વાતો પર નહીં બોલાયેલા શબ્દો ઝળુંબી રહ્યાં હતાં, છેક સુધી.

પછીના અઠવાડિયે મિસિસ નાયર લૉન્ડીરૂમમાં એકલાં હતાં. અંજલી નહોતી આવી.

પાછા જતી વખતે મિસિસ નાયર ‘13-અ’ સામે રોકાયા. દરવાજો ખખડાવ્યો. ચાર ટકોરા પછી દરવાજો ખૂલ્યો.

‘કેમ છે? આજે તું લૉન્ડ્રીરૂમમાં આવી નહિ એટલે મને થયું કે ચેક કરું, બધું બરાબર તો છે ને. મને થયું તું ભૂલી ગઈ હશે કે આજે મંગળવાર છે.’ મિસિસ નાયરે કહ્યું.

‘હા... ના. એટલે... મને યાદ તો હતું, પણ મારી એક્ઝામ આવી રહી છે. અને પૅકિંગ પણ ચાલુ કરવાનું છે. તમે મારું વેઈટ કરતાં હવે. મારું બહુ ઠેકાણું નથી.’ અંજલીએ કહ્યું.

અચાનક મિસિસ નાયરને યાદ આવ્યું કે ડિસેમ્બર અડધો પસાર પણ થઈ ગયો છે, અને અંજલી જલદી એપાર્ટમેન્ટ છોડીને બીજે ચાલી જશે.

‘અરે હા... યાદ આવ્યું. પૅકિંગમાં કોઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે. અને તું બહુ બિઝી હોય તો મને તારી બેગ આપી દે, હું કરતી આવીશ. મને તો કંઈ ફેર નથી પડતો.' મિસિસ નાયરે કહ્યું.

‘પાક્કું, એવી જરૂર પડી તો તો કહીશ ને. થેંક યુ.' અંજલીએ સ્મિત કર્યું, અને પછી હાથ હલાવી દરવાજો બંધ કરી દીધો.

તે રાત્રે મિસિસ નાયરે કહ્યું ‘તેને સો ટકા ખબર છે. આજે લૉન્ડ્રીરૂમમાં પણ નહોતી આવી.

‘હશે. બહુ ચિંતા નહિ કરવાની.' મિસ્ટર નાયરે ઉડાઉ રીતે કહ્યું.

મિસિસ નાયરે બધાં કપડાં ઉતારી તેમની પાસે પડી રહેલી અંજલીની અંડરવેર પહેરવાનો એક ઘેલછાથી પ્રયત્ન કર્યો. કમર પાસેથી ઘણી ખેંચાવાને લીધે ઈલાસ્ટીક ઢીલું પડી ગયું. અંડરવેર કોઈ કામની રહી.

મિસિસ નાયરે અરીસામાંથી જોયું. મિસ્ટર નાયર તેમને જોઈ રહ્યા હતા. પણ તેમના ચહેરા પર બધી ઇચ્છાઓ સુકાઈ ગઈ હતી. તે ચહેરા પર દયાનો ભાવ જોઈને મિસિસ નાયરે તરત મોં ફેરવી લીધું.

તે પછી મિસિસ નાયર અંજલીને ક્યારેય મળી શક્યાં. લૉન્ડ્રીરૂમમાં તો નહોતી આવતી, પણ ક્રિસમસ પર ફેરવેલ ડિનર પર મિસિસ નાયરે અંજલીને આમંત્રણ આપ્યું ત્યારે અંજલીએ કહ્યું કે તે નહિ આવી શકે કારણ કે તે વ્યસ્ત છે.

ડિસેમ્બરના છેલ્લા દિવસે, જ્યારે રસ્તા પર બધે બરફ જામી ગયો હતો, ત્યારે એક મૂવિંગ ટ્રક તેમના એપાર્ટમેન્ટની પાસે આવીને ઊભી રહી. મિસિસ નાયર તેમના લીવિંગરૂમની બારીમાંથી બધું જોઈ રહ્યાં.

વાસણો ખખડવાનો, સૂટકેસના ઢસડાવાનો અવાજ આવ્યો. તેમણે બાલ્કનીમાંથી જોયું, અંજલીએ ધીરે ધીરે તેનો બધો સામાન ટ્રકમાં ભરી દીધો. ટ્રક ગઈ. ટ્રકની પાછળ પાછળ અંજલીની ગાડી પણ ગઈ, અને થોડી વારમાં દેખાતી બંધ થઈ. ખાલી ટાયરનાં નિશાન બરફમાં દેખાતા રહ્યાં.

સ્રોત

  • પુસ્તક : લગભગપણું (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : અભિમન્યુ આચાર્ય
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2024