ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
લાશને નામ ન હતું.
નિકેત, નિખાર અને નિગમમાંથી એક નામ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ દસમો દિવસ આવતાં પહેલાં જ બાબાનું નર્સિંગહોમમાં અવસાન થઈ ગયું. ફૂલેલા પેટ પર ઊભરી આવેલી નસોવાળું લીલું, ઠંડું શરીર કફનમાં લપેટીને, કપાળ પર તિલક કરીને ચારે માણસો નીચે ઊતરી આવ્યા. કફનમાંથી લાશના સુંવાળા કાળા વાળ દેખાઈ રહ્યા હતા. શરીર ઠંડું, નાનું અને હલકું હતું અને સૌથી ઊંચા માણસે એ ઉપાડ્યું હતું. એ માણસના ખિસ્સામાં ડેથ-સર્ટિફિકેટ હતું, જેમાં મૃત્યુનું કારણ ‘ગૅસ્ટ્રોએન્ટ્રાઇટિસ’ લખેલું હતું અને નીચે ડૉ. મિસ મૃણાલ વર્માની સહી કરેલી હતી, જે સ્પષ્ટ વાંચી શકાતી હતી.
ટૅક્સી! બીજા માણસે દોડી જતી ટૅક્સીને બોલાવી, ઊભી રખાવી અને બારણું ખોલીને સૌથી ઊંચા માણસને બેસવા દીધો, કારણ કે બાબાની લાશ એના હાથમાં હતી. ઊંચો માણસ સંભાળીને, ઝૂકીને બાબાની કફનમાં લપેટેલી લાશ ટૅક્સીના ખૂલેલા બારણા સાથે ન અથડાય એ ખ્યાલ રાખતો ડ્રાઇવરની પાસે જ બેસી ગયો અને નમાવેલ બારણા તરફ એક ઉદાસીન દૃષ્ટિ કરીને વિન્ડશીલ્ડના કાચમાંથી સામે ધીરેધીરે પડી ગયેલા વરસાદમાં ભીંજાઈ ગયેલો રસ્તો, આંખો કેન્દ્રિત કર્યા વિના જોતો રહ્યો અને પાછળથી એક સ્વરે ‘સોનાપુર સ્મશાન’ કહ્યું ત્યારે તંદ્રામાંથી જાગ્યો હોય એમ હોશમાં આવ્યો. બીજો, ત્રીજો અને ચોથો માણસ પાછળ બેસી ગયા હતા અને આગળ ઊંચો માણસ અને ડ્રાઇવર આરામથી બેસી શકે એટલી જગ્યા હતી.
ટૅક્સી ચાલી, ધીરેથી, બાળકની લાશને આંચકો ન લાગી જાય - કંઈક એવા અહેસાસથી ટૅક્સી ડ્રાઇવર ચલાવી રહ્યો હતો અને પાસેથી એક મોટી ગાડી ઓવરટેક કરીને ગુજરી ગઈ અને એના જુવાન ચાલકની ગુસ્સાદાર આંખો ધીરે જતી ટૅક્સી તરફ નફરત વરસાવતી પસાર થઈ ગઈ. ચોથા માણસે બારીમાંથી બહાર જોયું, કારણ કે બધા ચૂપ હતા અને પોતપોતાના વિચારોમાં મગ્ન હતા અને સમાંતર જતી લોકલ ટ્રેનના પાટા પરથી એક ફાસ્ટ ટ્રેન વિમુખ દિશામાં બોરીવલી કે અંધેરી તરફ જઈ રહી હતી અને થર્ડ ક્લાસના ડબ્બા પણ ખાલી હતા, કારણ કે સમય બપોરનો હતો. રજા, બપોર અને વરસાદને કારણે કદાચ, ચોથા માણસે વિચાર કર્યો, ટ્રેનમાં રશ ન હતો.
ચોથો માણસ પડોશમાં રહેતો હતો અને બાબાનું સવારે નર્સિંગહોમમાં અવસાન થયું ત્યારે એને વાંસ-કફનનો સામાન લઈ આવવા કોઈએ કહ્યું હતું. એ સામાન તો તરત જ લઈ આવ્યો હતો, પણ નર્સિંગહોમમાંથી લાશનો કબજો મળતાં વાર લાગી હતી, કારણ કે ડૉ. મિસ મૃણાલ વર્મા કલાકનું કહીને બહાર ગઈ હતી અને એને પાછા ફરતાં વિલંબ થઈ ગયો હતો. વાંસ-કફનના સામાનવાળી દુકાન બહુ દૂર ન હતી અને એ પહોંચ્યો ત્યારે હજી ખૂલી ન હતી. દુકાનદાર આવ્યો, દુકાન ખોલીને પગથિયાંને સલામ કરીને ચડ્યો ત્યારે ચોથા માણસને ફિલસૂફીનો વિચાર આવી ગયો કે કોઈનું મરવું એ જ આને માટે જીવવું છે. જો માણસો મરતાં બંધ થઈ જાય તો કફનવાળો ભૂખે મરે અને એટલા માટે જ પગથિયાંઓને સલામ કરીને દુકાનમાં પ્રવેશતો દુકાનદાર કદાચ એના ભગવાનને અર્જ કરતો હશે કે આજે વધારે વકરો કરાવજે, ભગવાન!
ભગવાનને આખી દુનિયા સંભાળવાની. કોઈ મરે, કોઈ જીવે તો જ સંસાર ચાલે. ચોથા માણસે દુકાનદારને કહ્યું: “એક દસ દિવસનું બચ્ચું મરી ગયું છે અને એની અંત્યેષ્ટિનો સામાન જોઈએ છે.” ત્યારે દુકાનદારે અનુભવી અને સંયત સ્વરે ઉત્તર આપ્યો: “દસ દિવસના બાળકને દાટવું પડશે અને માત્ર કફન જ ચાલશે. બીજા કોઈ સામાનની જરૂર નહીં પડે અને અમે કફન વેચતા નથી. અમે સાદડીઓ, લાકડાં વગેરે વેચીએ છીએ.” “એ સિવાય બીજી કંઈ જરૂર પડશે?” એમ જ્યારે ચોથા માણસે પૂછ્યું ત્યારે જરા ખિન્ન સ્વરે દુકાનદારે કહ્યું: “કફન માટે સામેની કાપડની દુકાનમાંથી તમે મલમલ લઈ લો અને દસ-પાંચ કિલો નિમકની જરૂર પડે તો એ સ્મશાન પાસેની કોઈ દુકાનમાંથી મળી રહેશે.” પહેલો જ ઘરાક પાછો ગયો એ દુકાનદારને ન ગમ્યું એવું લાગ્યું, પણ માણસ પગથિયાં ઊતરીને બહાર આવ્યો ત્યારે એને લાગ્યું કે સ્મશાન પાસે નિમક કદાચ થોડું મોંઘું પડશે. પછી બીજો વિચાર આવી ગયો કે દસ કિલો નિમકમાં શો ફરક પડી જવાનો છે? વધુ વિચાર કર્યા વિના એ સામેની દુકાનમાંથી કફનનો સામાન લઈને નર્સિંગહોમ તરફ ચાલ્યો.
ત્રીજો માણસ થોડી રાતો નર્સિંગહોમમાં બીમાર બાબા પાસે રહ્યો હતો અને રાતોના જાગરણને લીધે હવે એના બદનમાં થકાવટ અને ચહેરા પર નિસ્તેજી દેખાઈ રહી હતી. અત્યારે આંખોના સિરાઓ પર ખુમાર આવી ગયો હતો અને એ ટૅક્સીની પાછલી સીટમાં બીજા અને ચોથા માણસની વચ્ચે બેઠો હતો, એટલે લાંબા માણસના ખોળામાં કફનમાં લપેટેલી લાશના માથાના વાળ એ સ્પષ્ટ જોઈ શકતો હતો. એને યાદ આવ્યું કે એને બાબાની મમ્મીએ કહ્યું હતું: “મૃત બચ્ચાના વાળનું એક જુલ્ફ કેંચીથી કાપીને એક કાગળના પડીકામાં રાખી લેજે.” અને મમ્મીને આપવાનું પડીકું એના કુરતાના ખિસ્સામાં પડ્યું હતું. એ સોચતો હતો કે દસ દિવસના બાળકે પણ ઘણું સહન કર્યું હતું. ત્રીજા દિવસે લીલા દસ્ત થયા ત્યારે લેડી ડૉક્ટરે કહ્યું હતું: “બાબાને ડિહાઇડ્રેશન થયું છે અને એક-બે દિવસ ઇલાજ કરવાથી બધું નૉર્મલ થઈ જશે.”
બાબાના મુલાયમ ડાબા હાથને લાકડાના પાટિયા પર રાખીને એડ્હેસિવ ટેપથી ચોંટાડીને નસમાં ઇન્જેક્શનની સોય ઘોંચીને ડ્રિપ આપવામાં આવ્યું ત્યારે એણે નર્સને પૂછ્યું હતું: “આ કેટલો સમય ચાલશે?” અને નર્સે કહ્યું હતું: “બેએક બાટલા ચડાવ્યા પછી બચ્ચું નૉર્મલ થઈ જશે, પણ જોવું પડશે કે ડબ્બાનું દૂધ બાબો પચાવી શકે છે કે નહીં. જો દૂધ નહીં પચે તો-” નર્સે ત્રીજા માણસના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું: “જો દૂધ નહીં પચે તો ફરી ડ્રિપ ચડાવવાં પડશે, પણ બાળક હૉસ્પિટલમાં જ છે એટલે આપણે ટ્રીટમેન્ટ તરત કરી શકીએ છીએ, દવાઓ બદલી શકીએ છીએ, પણ આ જ બાળક જો ઘરે હોય તો ટ્રીટમેન્ટ બરાબર ન થાય અને ઘણી વાર માબાપ કેસ ખૂબ ખરાબ થઈ જાય પછી જ હૉસ્પિટલમાં લાવતા હોય છે.”
ગ્લુકોઝનાં ઇન્જેક્શનો આપ્યા પછી કેસ બગડતો ચાલ્યો ત્યારે ડૉક્ટરે ડાબા પગમાં ઇન્જેક્શનો આપવા માંડ્યાં અને એક સાંજે કાનમાંથી રસી નીકળી. અને ત્રીજા માણસે ડૉક્ટરને ગભરાતાં પ્રશ્ન કર્યો ત્યારે ડૉક્ટરે મોઢું બગાડીને કહ્યું: “જોતા નથી, એના શરીરમાં સેપ્ટિક થઈ ગયું છે!” સેપ્ટિક ક્યારે થઈ ગયું અને શી રીતે થયું એ ડૉક્ટરે કહ્યું નહીં, પણ ફક્ત એક લાંબું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને નવી દવાઓ શરૂ થઈ. અને પેશાબ બંધ થઈ ગયો ત્યારે ગરમ પાણીના ટબમાં બેસાડીને પેશાબ કરાવવામાં આવ્યો અને પછી એક બૉટલ લોહી ચડાવ્યું અને ત્રીજા માણસને લાગ્યું કે બીમારી ખરેખર ગંભીર થઈ ગઈ હતી અને ડૉક્ટર બહુ વાત કરતો ન હતો અને વાતવાતમાં ગુસ્સે થઈ જતો હતો, કારણ કે એ કદાચ જવાન અને બિનઅનુભવી હતો. ડૉક્ટરે કહ્યું હતું: “બાબાની નસ પકડાતી નથી, માટે સિરિંજ હાથમાં જ રાખવી પડશે.” એટલે એને આખી રાત બાબા પાસે જાગતા બેસી રહેવું પડ્યું અને એ જાગતો બેસી રહ્યો હતો.
સવારે ટ્યૂબ નાખીને જઠરનો કચરો સાફ કરવામાં આવ્યો હતો અને બાબાના શરીરની આસપાસનાં ટ્યૂબો-સિરિંજો-સાધનો જોઈને એ ગભરાઈ ગયો હતો. બાબાએ ઘણું સહન કર્યું - ત્રીજો માણસ વિચારી રહ્યો હતો : આટલી નાની ઉંમરમાં શું બાકી રહ્યું! એના પગમાં સોય ઘોંચતી વખતે એ રડી પણ શકતો ન હતો, કારણ કે દૂધ ન પી શકવાથી અશક્તિ આવી ગઈ હતી અને છેવટે પગ પણ ખોટા થઈ ગયા હતા અને ડૉક્ટરે જ્યારે આંખનું પોપચું ઊંચું કરીને ટૉર્ચ જલાવી ત્યારે બાબાની કીકીઓ પણ હલી ન હતી અને એના હોઠ લીલા પડી ગયા હતા. છેલ્લી રાતે સ્થિતિ એકદમ બગડી ગઈ ત્યારે નર્સે છાતી ઘસીને આર્ટિફિશિયલ રેસ્પિરેશન કરવાની ભરપૂર કોશિશ કરી. ઑક્સિજન સિલિન્ડર લાવીને ટ્યૂબ નાકમાં ઘુસાડી હતી, પણ કેસ ડૂબી રહ્યો હતો. એક ડૉક્ટર બાબાની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને ધબકારા સાંભળી રહ્યો હતો. બીજો બાબાનો હાથ હાથમાં લઈને પડવા દેતો હતો અને હાથ નિશ્ચેષ્ટ વસ્તુની જેમ પડ્યો ત્યારે ત્રીજા માણસની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં - કેસ ખતમ થઈ ગયો હતો.
ત્રીજા માણસે ઝળઝળિયાંમાંથી બધું જ જોયા કર્યું હતું. ટ્યૂબો ધીરેધીરે નાક અને મોઢામાંથી બહાર કાઢવામાં આવી, ઑક્સિજન સિલિન્ડર ખસેડવામાં આવ્યું, સિરિંજ ખેંચી લેવામાં આવી, એડ્હેસિવ પટ્ટીઓ કેંચીથી કાપીને ડાબા હાથ નીચેનું લાકડું હટાવી લેવાયું અને નર્સે સફેદ ચાદર ગળા સુધી ઓઢાડી દીધી ત્યારે ત્રીજા માણસે ઝળઝળિયાં સાફ કરવા આંખો દબાવીને મીંચી. આંસુ નીકળી ગયાં અને આંખો સાફ થઈ ગઈ. બાબાની મુક્તિ અંતે મૃત્યુએ આપી દીધી હતી. ભગવાને સંતાન આપ્યું અને ભગવાને લઈ લીધું. ત્રીજા માણસે વિષાક્ત મને વિચાર કર્યો. પછી ઝૂલીને મૃત બાબાના કપાળે એક હળવું ચુંબન કર્યું અને બાલ્કનીની હવામાં શ્વાસ લેવા એ ચાલ્યો ગયો.
*
બીજો માણસ એના મિત્ર ફોટોગ્રાફરને બોલાવવા ગયો હતો બાબાના મૃત્યુ પછી અને એણે ફોટોગ્રાફરને કહ્યું ન હતું કે એક મૃત બાળકનો ફોટો લેવાનો છે. ફોટોગ્રાફર આવ્યો ત્યારે એણે શોકમાં અંકિત ચહેરા જોયા અને એ પરિસ્થિતિ સમજી ગયો કે મૃત બાળકની અંતિમ સ્મૃતિરૂપે એને ફોટો લેવા માટે એને બોલાવવામાં આવ્યો હતો. એણે આવીને કૅમેરા અને ફ્લૅશગન ગોઠવ્યાં અને બહુ જ પ્રયત્નપૂર્વક ઊભા રહીને ઝૂકીને ફ્લૅશ દબાવી બે-ત્રણ ફોટાઓ લીધા અને બીજા માણસે જ્યારે પૂછ્યું: “ફોટાઓ સાફ આવશે?” ત્યારે એણે શાંતિથી એકાક્ષરી ઉત્તર આપ્યો: “હા.” બીજા માણસે ફુસફુસાતા સ્વરે પૂછ્યું: “ફોટાઓ ક્યારે મળશે?” ત્યારે એણે ફરીથી પૂર્વવત્ શાંતિથી ઉત્તર આપ્યો: “કાલે.” અને કૅમેરા બંધ કરી થેલામાં મૂકી ગમગીન ચહેરે વિદાય લેવા માંડી ત્યારે બીજા માણસે પ્રશ્ન કર્યો: “ફોટાઓના કેટલા રૂપિયા આપવાના છે?”
પહેલી જ વાર ફોટોગ્રાફરથી ગમગીન ચહેરે હસી જવાયું અને એ બોલ્યો: “મૃતકોના ફોટાઓનો ચાર્જ હું લેતો નથી.” બીજા માણસે મિત્રભાવે આગ્રહ કરતાં કહ્યું: “આ ધંધો છે અને તારે કમથી કમ જે ખર્ચ લાગ્યો એ તો લઈ જ લેવો જોઈએ, કારણ કે બધા જ લે છે અને બાબાને માટે છેલ્લે જ્યારે ચાઇલ્ડ-સ્પેશ્યાલિસ્ટને અમે બોલાવ્યો ત્યારે બાબાના મૃત્યુના અડધા કલાક પહેલાં જ એણે એંશી રૂપિયા ફી લીધી હતી.” ફોટોગ્રાફરે બહાર નીકળીને બીજા માણસને એટલું જ કહ્યું: “હું પૈસાદાર માણસ નથી. હું તો ગરીબ ફોટોગ્રાફર છું. હું મૃતકોના ફોટા પાડવાનો ચાર્જ લેતો નથી.” અને તે ચાલ્યો ગયો હતો. બીજો માણસ વિચાર કરતો હતો કે ફોટોગ્રાફર ખાનદાન માણસ હતો અને આ જમાનામાં આવા ખાનદાન માણસો બહુ ઓછા મળે છે.
ટૅક્સી સ્મશાન પાસે આવીને ઊભી રહી ગઈ. ડ્રાઇવરે બારણું ખોલ્યું. ખોળામાં લપેટેલી લાશ લઈને બેઠેલો ઊંચો માણસ સંભાળીને બહાર નીકળ્યો અને સ્મશાનમાં પ્રવેશ્યો. પૈસા ચૂકવીને પાછળવાળા માણસો એક પછી એક અંદર આવ્યા અને બીજા માણસે સૌથી ઊંચા પહેલા માણસના ખિસ્સામાં હાથ નાખીને ડેથ-સર્ટિફિકેટ કાઢી લીધું અને એ સ્મશાનની ઑફિસમાં પ્રવેશ્યો.
*
પાછી ફરતી ટૅક્સીમાં પહેલો માણસ વિચાર કરી રહ્યો હતો કે બક્ષિસ કે રિશ્વત આપ્યા વિના સ્મશાનમાં પણ ચાલતું નથી. ખાડો ઘણો ઊંડો હતો અને વાંસની સીડી મદ્ધિમ વરસાદમાં ભીંજાઈ ગઈ હતી અને બહાર જૂની દટાયેલી લાશોની કંઈક તીવ્ર વાસ આવી રહી હતી. ખાડામાં બાબાની લાશને સુવાડીને નિમક નાખવા જતી વખતે એક પાવડાવાળો માણસ પાવડો મૂકીને દોડતો આવ્યો હતો અને કહી રહ્યો હતો: “નિમક નાખશો નહીં. નિમકથી જમીન પથ્થર બની જાય છે અને ખાડા ખોદાતા નથી અને છ-છ મહિને અમારે આ ખાડાઓ ફરીથી ખોદવા પડે છે.” ઊંચા પહેલા માણસે ખાડામાં ઊભાં-ઊભાં જ નિમકની થેલી હાથ બઢાવીને આપી દીધી હતી અને એ બહાર ઊભેલાઓના હાથ પકડીને, સંભાળીને ચીકણી સીડી પર પગ મૂકીને ચઢતો બહાર નીકળ્યો હતો. અંદર ધરતીના ગર્ભમાં બાબાનું નિશ્ચેષ્ટ શરીર સૂતું હતું અને ઉપરથી કફનની બહારના કાળા વાળ દેખાઈ રહ્યા હતા. બધાએ મુઠ્ઠી-મુઠ્ઠી ભર માટી નાખી. પાછો પાવડો લઈને પહેલા માણસે ખાડામાં માટી નાખવી શરૂ કરી.
વરસાદ ફરીથી પડવો શરૂ થયો. ધીરે-ધીરે ખાડો પુરાતો ગયો. એક ઘોરખોદિયો પાસે આવ્યો અને એ સપાટાબંધ માટી પૂરવા લાગ્યો. ચાર માણસો પુરાયેલા ખાડા પાસે બંધ આંખ કરીને થોડી ક્ષણો ઊભા રહી ગયા અને પછી ઉદાસ મને કાદવમાંથી ચાલતા બાંધેલા સ્મશાનમાં આવ્યા. હાથ-પગ ધોતા રહ્યા. પહેલો માણસ પાસે બળી ચૂકેલી એક ચિતામાંથી ઊઠતા ધીમા ધુમાડાની આંચ તરફ જોતો વિચાર કરતો રહ્યો કે બાબાની સંસારલીલા દસ દિવસમાં જ સમાપ્ત થઈ ચૂકી હતી. જન્મ અને જીવન અને મરણ, દુઃખ અને સુખ અને દુઃખ, ભૂત, વર્તમાન, ભવિષ્ય -બધું જ, હસવું અને પડવું અને... નિકેત, નિખાર અને નિગમમાંથી એક નામ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ...
લાશને નામ ન હતું, પહેલા માણસે વિચાર કર્યો અને જોયું તો ઘર આવી ગયું હતું.
સ્રોત
- પુસ્તક : ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 187)
- સર્જક : ચંદ્રકાંત બક્ષી
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2018
