Laash - Short Stories | RekhtaGujarati

અવાજ કાને પડ્યો.

માંડ ઘેરાતી આંખ ખૂલી ગઇ ને કપાળ તંગ થયું. ફરી કોઇએ ત્રાડ નાખી. ગોદરાને લાત મારી લવજી ઊભો થયો. કાળું ધબ્બ અંધારું એને બાથે પડ્યું. શું થયું? હાહારું કાંય ખોટું તો નથી થયું ને? માચીસ ખોળવા ખાંખાખોળાં કરતાં પાણીયારા પરથી ગ્લાસ પડ્યું. ખખડાટથી એની બાયડી ભીખી જાગી. કૂંણ સે?

તો મું. લવજીનો અવાજ ઓળખી સૂઇ ગઇ. લવજી માચીસમાંથી દીવાસળી કાઢી સળગાવી બહાર આવવા નીકળ્યો એટલામાં દીવાસળી હોલવાઇ ગઇ. સાચવીને સાંકળ ખોલતાં એના હાથ અટકી ગયા. દિયોર કોઇ પાસરો તો નહી કરે ને? આટલા વિચાર પછી ફરી પાછી બૂમ સંભળાઈ. આખા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. રૂવાટે રૂવાટું ફકડી ઊઠ્યું. મહિના પહેલાં ગામના લોકોએ કેવા માર્યા હતા. પછી રાતે કૂતરું ભસતું તો પણ વાલ્મીકિ બધા ફફડી મરતાં. લવજીનું માથું ચકરાવે ચડ્યું. એમની બૂમ પડે ને હાજર ના થઇએ તોય મોત.. હિમ્મત રાખ્યા વગર છૂટકો નહોતો. એણે ધીમેથી બારણું ખોલ્યું, ‘કૂંણ સે ભઇ?’

અજવાળામાં ઊભેલા બે ઓળા. એક બોલ્યો, ‘એ તો હું સરપંચ.’

લવજી તરત બહાર આવી બે હાથ જોડી ઊભો રહ્યો. ‘ઓહો સરપંચ સાહેબ, અત્યારે?’

ને સરપંચે માંડીને વાત કરી, કે કેટલાક દિવસથી ગામમાં એક ગાંડો ફરતો હતો. આજે સવારથી ગામના ઓટલે પડ્યો હતો. સૌને એમ કે સૂઇ ગયો હશે. આખરે રાતે પણ ના ઉઠ્યો. ચોરે બેસેલા લોકો ઘેર જવા નીકળ્યા ત્યારે તપાસ કરી. એના શરીરમાંથી વાસ આવી. એટલે બધાને ખબર પડી કે મરી ગયો હતો. એને રાતો-રાત સ્મશાન ભેગો કરી દેવાનો હતો.

લવજી મનોમન ખુશ થયો. એના માટે તો રમત વાત હતી. ને ઉપરથી ગામ આખું સવારે દાણા આપશે તો જાણે ઉજાણી. ને સરપંચ ખુશ કરશે તે જુદું. ગામ હમણાંથી નાખુશ છે. તે ખુશ થશે. લવજીના શરીરમાં ગલગલિયાં થયાં. જોકે અડધી રાતે સ્મશાનમાં એકલા જવાનું એનું ગજું નહતું. મનોર આવે તો એને હિમ્મત રહે. એવી વાત સરપંચને કરી ત્યારે સરપંચે મનોરના ઘરે રાડ નાખી ને જગાડ્યો. લવજી અને મનોર બે ભેગા થયા. ત્યારે જખ મારે છે ઝાંપાવાળી, બેય જણ લારી ઠેલતા ચાલ્યા. એમની આગળ હતા સરપંચ અને ભીખો. રસ્તામાં સરપંચે વાત કરી કે સ્મશાન પાસેના ગામ મંદિરમાંથી લાકડાં માગી લઇ આને સળગાવી દેવાનો. ચારે જણ ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે ગામના કેટલાક લોકો રાહ જોતા હતા. ગામના ઓટલા પર પેલાની લાશ પડી હતી. ને એના પર કોઇએ આપેલુ સફેદ ધોતિયું ઓઢાડેલું હતું. લારી છેક એના પાસે લઇ લીધી. સરખી ઊભી રાખી ને બેય જણે પેલા ગાંડાને ઉપાડ્યો ને એની લાશને લારીમાં સૂવડાવી. કેટલાય દિવસથી નાહ્યા કે ધોયા વગરની વળી સવારથી પડી રહેલી લાશમાંથી વાસ આવતી હતી. દિયોર ધોતિયું નવું ના મળ્યું? લવારો કરતા લવજી અને મનોરે લારી ઠેલી. થોડા આગળ જઇને પાછળ જોયું તો ગામના ચોરે કોઇ ઊભું નહતું. એટલામાં ગામના સીમાડા બાજુથી કૂતરાં આવીને ભસવા લાગ્યાં. અંધારામાં કૂતરાંની આંખો ચમકી. મનોરના શરીરમાંથી ફફડાટનું લખલખું પસાર થઇ ગયું. ડોળા ડખળ–વખળ થયા. ને ખૂલ્લા સીમાડામાંથી વાયરો વાયો. પેલી ગંધ નાકમાં ઘુસી ગઇ. ઉલટી વળવા જેવું થયું. લવજી તો લારી ઠેલે જતો હતો. લવજીય ચારે તરફ જોઇ ફફડી રહ્યો હતો. મહાવદનું અંધારું જાણે દાંત ખખડાવી રહ્યું હતું. ગામ ધીમે અને દબાતે પગલે પાછું ખસવા લાગ્યું. વળી સામે રસ્તો કોઈ ખોંહલા માણસની ટાલ જેમ પડયો હતો બે ચાર ખેતર જેટલો ખરાબો. ને ખરાબામાં ઊગેલા ઝાડી ઝાંખરા જાણે જટિયાં છૂટાં મૂકીને ધૂણી રહ્યાં હતાં. દિવસે જતા જ્યાં બીક લાગે ત્યાં રાતે જવાનું? હાહારું ક્યા જન્મના પાપ ભેગા થયા હશે? સવારની પણ રાહ નહી જોવાની? એય પાછું ગંધાતી લાશ લઇને. વળી પેલો ફફડાટ તો ખરો જ. ગામમાં રહેવાનું એટલે ગામની પડ્યો બોલ માથા પર. તોય ક્યારે વાંકું પડે કહેવાય નહી. મહિના પહેલા બનેલી પેલી ઘટનાથી તો સૌ પારેવાની જેમ ફફડે. અંધારું થયું નથી કે શેરી ફળિયું - વાસ ને ચોકનું મંદિર બધુંય ભેંકાર ભાસતું.

ગામના વસવાટ સાથે સફાઇ માટે કેટલાક વાલ્મીકિ કુટુંબોને આગેવાનો છેવાડે જગ્યા આપી હતી. ને વર્ષોથી લોકોએ ગામને પોતાનું ગામ માની લીધું હતું. પણ ભ્રમ તો ત્યારે ભાંગ્યો જ્યારે વાસના કૂસા ડોસાનું અવસાન થયું. વખતે ગામના પણ એક ડોસાનું અવસાન થયું. ને બેય પક્ષના લોકો સ્મશાનમાં ભેગા થઇ ગયા. સૌ એક જગ્યાએ કેવી રીતે બેસી શકે? સૌની આંખોમાં જાણે મરેલી લાશો! કેટલાકે વાંધો ઉઠાવ્યો કે લોકોના સ્મશાન અહીં નથી. ચિતામાંથી તણખા ઊડે એમ સૌના ચહેરા પર ગુસ્સો ઊડ્યો. કેટલાક યુવાનોએ વિચાર્યા વગર દે ધનાધાન ચાલુ કરી દીધી. વાલ્મીકિઓએ માર ખાધી. છેવટે વાલ્મીકિઓએ ડોસાને થોડે છેટે બાળવો પડેલો. વાતને લીધે રાત્રે ગામ આખામાં હોબાળો મચી પડ્યો. આગેવાનોએ વાલ્મીકિઓને મોઢામાં ખાસડું રાખી ઉભા કરી દીધેલા. પછી જ્યારે પણ કોઇ મરી જાય તો છેક એમના ગામ જઇને બાળવાની શરતે ગામમાં રહેવા દીધા. હમણાં-હમણાં એક બે વાર વાલ્મીકિઓના વાસ પર ઇટાળિયું થયેલું. ત્યારે મનોર કેવો લપાઇ ગયેલો. આજે લપાતો હોય એમ ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા એને બીક પેસી કે કોઇ પાણતિયો જોઇ જાય ને ઇટાળિયું કરે તો? મનોરે આજુ-બાજુ જોયું. અડધી રાતનું અંધારું પણ સફેદ કપડામાં વીટેલી લાશને જોઇ લપાતું હતું. કૂતરાં આવી-આવી ને ભસતાં-ભસતાં દૂર ચાલી જતાં હતાં. સારું હતું કે હમણાં લાઇટોના થાંભલા નાખ્યા હતા. એનું પીળું અજવાળું જમીન પર જાણે સળવળતું હોય તેવું લાગતું હતું. બેય એકધારા લારીને ધકેલે જતા હતા. વળી ખાડો આવતો ને લાશ સહેજ ડગુમગુ થતી. ત્યારે મનોર અને લવજી એક બીજા સામે જોઇ લેતા. મનોરને લાગતું કે લવજી જીવતું ભૂત છે. તે લવજીને લાગતું કે મનોર ભૂત છે. બે આમતો જબરા મજબૂત!! નહીંતર અડધી રાતે પણ સ્મશાનમાં જવા કોઇના પગ ઉપડે કે? બીજું કોઇ હોય તો ના પાડી દે. જોકે આવા કામ માટે તો બે લાયક હતા વાત તો સૌ કોઇ જાણતું હતું.

એકવાર ગામના એક શેઠ સુરતમાં ગુજરી ગયા. ગામ તરફ એમનો લમણો હતો. મરતાં પહેલાં એમણે વચન માગેલુ કે મને મારા ગામની જમીનમાં દાટવો. એમની લાશ લઇ ગામમાં આવતાં અડધી રાત થાય એમ હતું. આખો દિવસથી લોકો ભૂખ્યા ને તરસ્યા હતા. ગામના કેટલાક સમજુ લોકો રાત્રે કાઢવાનું વિચારેલું. સ્મશાનમાં ખાડો ખોદી રાખ્યો હોય તો ઉતાવળ કરી શકાય તેવું વિચારતાં લવજીનું નામ એક બેના મોંઢે આવેલું. ત્યારે લવજીએ બાપુકી બુદ્ધિ વાપરીને લોકો જોડેથી પહેલા બસો રૂપિયા ગલચાવી દીધેલા. એમાંથી અડધા મનોરને આપવાની લાલચ આપીને મનાવવા ગયેલો. - અડધી રાતે સ્મશાનમાં હાહરા ભૂત ભૂતાવળ ભડાકા કરશે તો? મનોરના આવા પ્રશ્ન સામે લવજી બોખું હસેલો. –હાહરા મનેખ મનેખ ને હેરાન કરે બાકી તો કોઇને કશી જગતમાં પડી નથી. મનોર આંખો ફાડીને વિચારે ચડેલો. દિયોર ભેદ-ભાવ ભર્યું તો ઘણું જીવ્યો હતો પણ પેલી સોની નોટ તો શી ખબર ફરી ક્યારે જોવા મળે? લવજી કશું નવું કહે પહેલા તો હેડ.. તાણે.. કહેતો સાથે થયેલો. પાવડો અને ત્રીકમ ખભે કરી બેય જણ અભાજીના છાપરેથી બે કોથળી ટટકાવી ગયેલા. વચ્ચે આવતા માં'દેવના મંદિરે પાવડો ત્રીકમ એક બાજુ નાખી બમ-બમ ભોલે કહી આડા હોળ થઇ દંડવત નમી પડેલા હે મસાણના ધણી તું હાચવજે.. અમે તો તારા ગોલિયાં બાપા. ને ત્યાર પછીના અંધારીયા રસ્તે મનોરને થોડો ખચકાતો જોઇ લવજીએ એને હામ ધરેલી.

- લોખંડનો ત્રિકમ છે એટલે ભૂતનો ભો નહી..

- પણ દિયોર ખાલી ડાકલીઓ ખખડાવે તોય મૂતા વછૂટે..

- આપણાથી તો ભૂત અભડાય.. આપણા તો હામે ના આવે..

- માણસ હામે આવે ને ભૂત હામે ના આવે?

- માણસ તો દિયોર ભૂતથી ભૂંડા.

સ્મશાનમાં પહોંચ્યા પછી ઠંડા વાયરે બેયને નશો ચડેલો. મનોર તો લવારે ચડેલો: આવો લ્યા ભૂતડાં.. દિયોર અમારાથી અભડાવ છાં?

સાત ફૂટ લાંબો ને પાંચ ફૂટ પહોડો ખાડો ખોદીને બેય જણે બીડી સળગાવી ત્યારે ગામમાંથી ડાઘુઓ નનામી લઇ આવી પહોંચેલા. બેય જણને નિરાંતે બીડી પીતા જોઇ ગામમાં લુખ્ખી મરદાનગી હાંકનારાઓને મોઢું સંતાડવાનું ક્યાં બાકી રહ્યું હતું? ને પછી તો સ્મશાનમાં કોઇ મરનારને બાળવાનો હોય તો મા’દેવના મંદિરથી લાકડાં લારીમાં ભરી-ભરી નાખવાના હોય. સૌ લવજી અને મનોરને આગળ કરતા.

આજે અડધી રાતે બે જણ અજાણ્યા માણસની લાશ લઇ સ્મશાન તરફ જઇ રહ્યા હતા. જોકે એમને પેલા મરેલા માણસની બીક નહતી એટલી જીવતાં માણસની બીક હતી. નથીને ગામનું કોઇ આવે ને રાડ નાખે ને એને વાતની ખબર નહોય તો શું જવાબ આપવો? ને કોઇ આમ માને ખરું કે? દિયોર જાણે આપણે તો હાવ જૂઠ્ઠા..

- મનોર શું લવારો કરે સે? લવજીએ કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. મનોરે કોઇ જવાબ આપ્યા વગર લારીને હંકારે રાખી. પછી અચાનક યાદ આવ્યું હોય તેમ બબડાટ કર્યો. - હાહરું મડદું સે એટલે આજે સ્મશાનમાં બીક લાગે સે.

- પાણીમાં પેઠા ને પાદવામાં શરમ?

લવજી ઊભો રહ્યો તરત મનોર પણ ઊભા રહ્યો. ક્યારનો લારી ઠેલતાં કમરથી વળી ગયો હતો. કમરને સીધી કરી ખેંચવા જેવું કર્યું. ને એની નજર દૂર સુધી ફરી વળી. મંદિરની ધજા પણ જાણે અંધારામાં લપાઇ જવા મથી રહી હોય તેવું લાગી રહ્યું હતું. બાજુ એક રસ્તો કરસનજીના ખેતર તરફ જતો હતો. લવજી પણ બધે જોવા લાગ્યો. પછી લાશ તરફ જોઇ રહ્યો. ને લાશમાંથી આવતી ગંધથી એના ચહેરાની રેખાઓ તંગ થઇ. મોંઢા પર હાથ રાખી દેવાનું મન થયું. જલદી આને બાળી દઇએ એટલે વાત પતે. કહીને લવજીએ ખીસ્સામાંથી બીડી કાઢી. એક મનોર સામે નાખી ને બીજી પોતાના બે હોઠમાં દબાવી. બાકસ કાઢી સળગાવી. બાકસ મનોરા તરફ નાખી. મનોરે બીડી સળગાવી. એટલામાં લવજી કસ ખેંચતા કશાક વિચારોમાં ખોવાઇ ગયો. પછી ચારે તરફ જોયું. ‘હાળું અંધારું બઉ સે નહીં?’

- છોને રયું આપણને ચ્યાં કરડવાનું સે?

પછી જાણે એના ચહેરા પર જે કહેવા માગતો હતો એજ આવી ને સળવળ થયું હોય એમ જરા હસ્યો, ‘તોય એક બે વાસણ ટટકાવ્યાં હોય તો?’ મનોર બીડીના કસ ખેંચતો લારીથી થોડો છેટો જઇ થૂંક્યો. ‘શું કરવું સે કે’ મનોરની સંમતિ સાંભળી રાજી થયો, ‘કરશનજીનું ઘર ક્યાં છેટું સે? તું એકલો ઊભો રે?’

મનોરે થોડે દૂર જોયું. થાંભલાના અજવાળામાં ઊભેલા મંદિર સામે જોઇ હિમ્મત રાખી ‘હોવે ઓય શું ભો જેવું સે?’ બીડી હાથમાં લઇ જોઇ રહ્યો. પછી ફેંકી દીધી.

- ‘સારું મું જતો આવું લે, બીડીનો ટેકો રહે.’ તરત લવજીએ ખીસ્સામાં હાથ નાખીને એક બીડી કાઢતાંની સાથે મનોર ને ઝીલાવી. એક-બે ફૂંકો મારતો લવજી કરસનજીના નીચાણવાળા વાસ તરફ રવાના થયો. મનોર એને તરફ જતો જોઇ રહ્યો. બાજુ કૂતરાં ભસવાનો અવાજ એને ઘણી વાર સુધી સંભળાયો. નવરા પડેલા મનોરને હવે લાશની ગંધ વીટળાઈ વળી. અંદરનો ડર વળ ખાઇને બેઠો થયો. દૂર મંદિરની ધજા ઘસઘસાટ ઊંઘમાં હોય તેમ સાવ ડોક નાખીને પડી હતી. વચ્ચેના ભાગે અંધારું વધારે હોય તેવું લાગી રહ્યું હતું. અંધારું જાણે ડરાવતું હોય તેમ બાજુ ધસી આવતું દેખાયું. ને એણે ગામ બાજુ નજર ફેરવી. ગામ તો બાવળોની જાળીમાં લપાતું છૂપાતું લાગ્યું. ગામને છેવાડે એકલ-દોકલ ઊભેલા થાંભલા હમણાં બેસી જશે એવા થાકેલા ઊભા હતા. ને એના આછા અજવાળાને વીંટળાઇ વળેલાં જીવડાં હટવાનું નામ લેતા હતાં. ઉકરડા તરફ હજુ કૂતરાં ભસતાં હતાં. મનોરની નજર બધે ભટકાઇને પાછી લારી પર આવી બેઠી. નિરાંતે પોઢેલા પેલા તરફ જોઇને એને ઇર્ષા થઇ. પણ પછી કાળા ભમ્મર પગ જોઇને એને વાતાવરણ થોડું ભારે લાગ્યું. પાછલી જાળીમાં ખખડાટ થયો ને એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. દારૂ પીવા કેવો એકલો બેસવા તૈયાર થઇ ગયો. હવે હિમ્મત રાખે છૂટકો. માચીસનો ઘસરકો કરી બીડી સળગાવી. ઊંડો કસ ખેંચ્યો. એને થયું. પીધા વગર આવું કામ અડધી રાતે થતું હશે કે? હમણાં આવ્યો નથી કે કોથળી ગટગટાવી નથી ને સવારે તો ગામ આખાના દાણાથી કોથળો..

એના શરીરમાં ગરમાવો આવી ગયો. કોઇ આવતું હોવાનો અવાજ કાને પડ્યો. બીડીનો જોરદાર કસ ખેંચ્યો. લાલ અજવાળું પથરાયું. એક પળ તો થયું કે કોઇ બીજું તો નહી હોય? એટલામાં અંધારાના પડ ચીરીને આવતો લવજી દેખાયો. મન લબકારા લેવા લાગ્યું. દારૂ મળ્યો એટલે આખું જગત મળ્યું. પાસે આવી લવજીએ કપાળ પરનો પરસેવો લૂછયો હાહરાં કૂતરાં..

મનોર ઊભો થયો. ‘લાવ્યો?’

‘હોવ’ એક ગ્લાસ તો ત્યાંને ત્યાં જ.. લવજી થોડો છેટે જઇ બેઠો. મનોર પણ તેની પાછળ ઘસડાયો. પોટલું છોડીને બેય આંખો ફાડીને જોઈ રહ્યાં. મનોરને પોટલીઓ ફૂલેલી લાશ જેવી લાગી. નજર ફેરવીને લાશ સામે જોયું. ‘પેલાને ધરવો સે?’

લવજીએ પણ તરફ નજર કરી. કશુંક વિચારતો હોય એમ માથું હકારમાં હલાવ્યું. ‘હોવ જા, એના મોઢામાં થોડો ટટકાવી આવ’ ને તરત મનોર કોથળી તોડતો ઝડપથી લાશ પાસે પહોંચ્યો. લાશ પર વીટેલું સફેદ કપડું હટાવ્યું. દુર્ગંધ વછૂટી. તોય અડધી કોથળી એના મોઢા પર રેડી દીધી. ને અડધી કોથળી ચાલતાં ચાલતાં ઘટઘટકાવી. એટલામાં લવજી પણ એક કોથળી મોંહાલાને ધરી બેઠો હતો. બેય જણ બેઠા. બીજી બે કોથળી પડી હતી. બેસી ને આખી બીડી ચૂસી. લવજીએ કોથળી લઇ તોડી. ને અડધી પીધી. મનોરને તાકી રહેલો જોઇ કોથળી આપી. મનોર ડહ.. ડહ.. ડોંહી ગયો. બેયના ચહેરા પર મોજ આવીને ઊભી રહી. તરત બીજી કોથળી પણ બેય જણે અડધી-અડધી ટટકાવી. જખ મારે સે ઝાપાવાળી જેવું બોલીને લવજી ઊભો થયો. આવો લ્યા ભૂત-બૂત સે કોઇ, જેવી રાડ નાખી મનોર ઊભો થવા ગયો ને એક વાર નીચે પડી ગયો.

લવજીએ એનો હાથ પકડી ઊભો કર્યો. બેય જણે આછા અંધારમાં એક બીજા સામે જોઇ આંખો નચાવી. લારી પાસે આવી લવજી લારીને ખેંચી મનોર પણ લારીનો ટેકો લેતો ધક્કો પૂરવા લાગ્યો. ઊંચા કિલ્લા જેવી દીવાલ પર લગાવેલો બલ્બ જાણે કોઇની રાહ જોઇ રહ્યો હોય તેવો લાગી રહ્યો હતો. ધીમેધીમે લારી મંદિરના દરવાજા પાસે લાવી હાહ ખાધો. આમ પણ લાશને જેમ જેમ સમય જાય તેમ વજન પકડે તે લવજી સારી પેઠે જાણતો હતો. મનોરે આંખો ઉઘાડવાખ કરી. હાહરું અત્યારે અડધીરાત સે ને.. નથી ને કોઇ પળ ચોઘડીયું બાજી ગયું તો? ચારે તરફ નજર નાખી. બલ્બના અજવાળાએ એને હિમ્મત આપી. સ્મશાન હવે થોડું દૂર હતું. પણ હવે મંદિરમાંથી લાકડા પણ લારીમાં લેવાના હતા. પછી તો કેટલું વજન થશે? લવજીએ મનોરને બૂમ પાડી, ‘લાકડાં સાથે લારી ખેંચા સે ને?’

‘હઔઉ’ લવજી મંદિરના દરવાજા પાસે ગયો. એટલામાં દૂરથી આવી ને એક બે કૂતરા ગોગળો તાણીતાણીને કરાંજવા લાગ્યાં. બંનેના શરીરમાં ભયનું મોજું ફરી વળ્યું. સ્મશાન પાસેના મંદિરનો મા'રાજ થોડો ગુસ્સાવાળો હતો ને છો રાતનો સમય. અને એમાંય તો લવજી અને મનોર. પછી તો કહેવું શું? તોય એમ થોડું ડરી જવાય? દરવાજા પાસે ગયો. જોરથી બૂમ પાડી. ‘મા'રાજ.. મા'રાજ..’ ને બીજી બૂમે તો દરવાજાની તિરાડોમાં અજવાળું સળવળતું દેખાયું. ને પગરવ દરવાજા પાસે આવી ઊભો. ‘કોણ?’

‘એ તો મું લવજી સફાઇ કરવાવાળો..' ને જાણે પરિચય માટે આટલી વાત કાફી હોય તેમ અંદરની સાંકળ ખખડી. મોટા દરવાજામાં રહેલો નાનો દરવાજો ખૂલ્યો. બેટરીનું અજવાળું બેયના ચહેરા પર ફરી વળ્યું. ને તરત શબ્દો કાને પડ્યા. ‘કેમ અડધી રાતે?’

મા'રાજની રાતી ચોળ આંખો જાણે વિચિત્ર હોય તેવી લાગી. બેય જાણે શું બોલવું? કંઇ સૂજ્યું નહીં. લોકોના મોઢે સાંભળેલી વાતો બેયના મનમાં રમવા લાગી. મા'રાજ તો ઊભા બાળી દે કે ચકલી બનાવે દે.. બેયના બેબાકળા ચહેરા જોઇ ને મા'રાજે ત્રાડ નાખી ‘કેમ અડધી રાત માથે લીધી લ્યા.’ લવજીને જાણે દાંત સાંકળ બંધાઇ હોય તેમ માત્ર લારી તરફ ઇશારો કરી શક્યો. મા'રાજે કમાડમાંથી ડોક સહેજ બહાર કાઢી. બેટરીનું અજવાળું લારી તરફ છૂટું નાખ્યું. સફેદ કપડું વીંટાળેલ લાશ તરફ જોયું. ને એમની આંખો સહેજ પહોળી થઇ ગઇ. મહારાજના વર્તન પરથી તો જાણે બેય કોઇ અંધારા ઓઘામાં અટવાઇ પડ્યા હોય તેવા થઇ ગયા. બેટરીનો શેરડો લવજીની આંખોમાં પડ્યો. ‘કોણ ઉકલી ગયું?’

લવજીની જીભ થોથવાઇ. ને મા'રાજની આંખો વધારે લાલ થઇ. ‘કોણ સે?’ મા'રાજના ડોળા ચકળવકળ થયા. લવજીને પરસેવો વળ્યો. ‘મા’રાજ ગાંડો ગામ વચ્ચે.’ લવજી આગળ કશું બોલી ના શક્યો. મા'રાજે નાક દબાવ્યું. ને ફરી ડોળા ડખળવખળ કર્યા. લવજી નીચી નજરે બોલ્યો. ‘થોડાં લાકડાં આપો તો આને ઠેકાણે પાડીએ.’

‘ઠેકાણે?’ મા'રાજે પાડેલી રાડથી વગડામાં બોલાતાં તમરાં પણ ચૂપ થઇ ગયાં. કૂતરાં દૂર ઊભા રહ્યાં. મનોરને મૂત્તા વછૂટવાનું બાકી રહ્યું. એક તો આવા કામ કરવાનાં ને હાંકોટા સાંભળવાના? વધુ ગુસ્સે થશે તો હમણાં ધોકો લઇ રમકાવશે જુદું. હેડ લ્યા લવજી કહેવા બોલ્યો તો ખરો પણ અવાજ બહાર આવ્યો. મા'રાજે બેટરી બંધ કરી. દરવાજાનું બારણું અડધું બંધ કર્યું. ‘પે’લા આની જાત બતાવો. તો સ્મશાનમાં બાળવા દઉં.’

લવજીએ ડોક નીચી કરી. મા'રાજ ગાંડો ક્યાંથી આવ્યો એજ ખબર નથી. નહીંતર એના સગાંને ના બોલાવીએ? ને અમે તો ક્યાં અંતર્યામી છીએ તે એની જાત ખબર પડે? લવજી પગના અંગૂઠા વડે જમીન ખોતરવા જેવું કર્યું. ‘મા’રાજ તમે તો અંતર્યામી છો તમે બતાવો ને કે આની જાત કઇ સે?’

મા'રાજ અડધું વાખેલું કમાડ ફટ કરતા પાછું ખોલી દીધું. ‘સાલાઓ મારી મશ્કરી કરવા આવ્યો છો?’ મા'રાજને હાંફળો-ફાંફળો થતો જોયો. મનોરને લાગ્યું કે કશુંક ખોટું વટાયું. એણે ગામ બાજુ પટ્ટી મારી. એક પળમાં તો જાણે એને અંધારું ગળી ગયું. લવજી પણ પળ પારખી ગયો. બેય હાથની મૂઠીઓ વાળીને એય મનોરની પાછળ જાય નાઠો. મા'રાજ હવે દૂર પડેલી લારી સામે જોઇ ત્રાડ નાખી. ‘હાહારાઓ લારી લઇ જા જો નહીંતર..’ ને દરવાજો ધડામ કરતો બીડાયાનો અવાજ લવજીને સંભળાયો. લવજી ઊભો રહ્યો. દૂર અંધારામાં મનોરને હાંફતો જોઇ ને તરફ ગયો. આછા અંધારામાં આંખો ખેંચીને જોયું તો મનોર આખેઆખો ધ્રૂજતો હતો. હાથ પકડી એને બરોબર હલાવી નાખ્યો. ‘દિયોર લારી તો ત્યાંથી લઇ જવી પડસે. વાડમાંથી લાકડાં ખેંચી હેંડ બાળી દઇએ’ મનોર કશું બોલી શક્યો નહીં. લવજી પળની પણ રાહ જોયા વગર તેનો હાથ પકડી ખેંચ્યો. મંદિરના દરવાજા તરફ ચાલતાં બેય જણ જોઇ રહ્યા કે દરવાજો ખુલતો તો નથી ને? જો મા'રાજ ધોકો લઇ આવી જાય તો? અહીં વગડામાં તો એમને કોણ છોડાવે? આમ તો એકલો લવજી મા'રાજને પાંસરા કરવા માટે કાફી હતો. પણ પછી કાલે ગામમાં એમની જે દશા થાય. એની તો વાત મૂકો. પેલાં કૂતરાં પાછા આવીને ગોગરા તાણવા લાગ્યાં. લવજીને થયું કે કૂતરાને તો રમકાવું. ને ઢેખાળો લેવા નીચે નજર ફેરવી કે નજર મનોરના પેન્ટ પર પડી. એનાથી ફી.. ફી કરતાં સહેજ હસી પડાયું. મનોર પોતાના પેન્ટ તરફ જોઇ ગુસ્સે ભરાયો. દિયોર શું હસે સે! બાવો જો ચકલી બનાવી દે તો ક્યાં જવું? વિચારતો ધ્રૂજતા શરીરને કાબુ રાખતો લવજી પાસે આવ્યો. એટલામાં લવજીના હાથમાં ઢેખાળો આવતાં એણે કૂતરાં તરફ રમરમાવ્યો. પણ ઘા અવળો પડ્યો. કૂતરા ત્યાંથી હટ્યાં નહીં. મનોર તરફ ઇશારો કરી લારી તરફ સરક્યો. બેય ધીમે ધીમે આજુ-બાજુ નજર નાખતા લારી પાસે આવ્યા. એમના પગના અવાજ પણ હવે તો એમને ડરાવતા હતા. લાશ પણ જાણે ડરી ગઇ હોય તેમ થીજી ગઇ હતી. નજીક આવતાં પેલી ભયંકર દુર્ગંધે બેયના નાકનો ભરડો લીધો, મનોરે લારીને ધક્કો દીધો. ને લવજી લારીને વળગતાં દોડવી. મનોર લારી મૂકીને પાછો જાય નાઠો હત તારી તે.. જેવું બબડી લવજી મોટી ગાળ કાઢી.

‘શું થયું લ્યા..?’ મનોર પાછો આવી ડોળા ડખળ-વખળ કરી ને રીસ ચડાવી. દિયોર તે લારી દોડાવી એટલે મું સમજ્યો કે બાવો આયો.. મનોરને પરસેવો વળી ગયો. નીચે બેસી ગયો. દારૂ ઉતરી ગયો હતો. ગંધ થૂંકતો હોય એમ હક શૂં.. કરી થૂંક્યો.

લવજીએ એને સમજાવ્યો. ‘થોડું સે ચાલ પહોંચી જઇએ.’

મનોર ઊભો થયો. લવજી એના ચાળા જોઇ રહ્યો. લાશ સામે જોઇ જાણે બેસૂદ બની બેઠો. મનોર દારૂ પી જતો ત્યારે ઘણી વાર બેભાન અવસ્થામાં બબડાટ કરતો જોવા મળ્યો હતો. પણ આવી હરકત કરતો તો જોવા મળ્યો નહતો. અત્યારે અચાનક એના વર્તનમાં કશૂક વિચિત્ર થવાના એંધાણ વર્તાઇ રહ્યા હતા. લવજીએ જરા ઊંચા અવાજે કહ્યું. ‘ઊઠ લ્યા.’

મનોર ચમકી ગયો. મંદિરનો દરવાજો જાણે ડાકલાં ખખડાવતો હતો. બેય આંખો ભમાવતો ઘડીમાં લાશ તરફ તો ઘડીમાં દરવાજા તરફ જોઇ રહ્યો. શરીર જાણે ધુણતું હોય તેમ હલતું હતું. લવજીએ ફરી બૂમ પાડી. મનોરના હોઠ ફફડી ઉઠ્યા.

‘પેલા આની જાત બતાય.

જાતને તારે શું ચાટવી સે?’

મનોર ફટ ઊભો થયો. ‘દિયોર અત્યારે ગામના સ્મશાનમાં આને બાળીએ ને કોઇ અફવા ફેલાવે કે ગાંડો તો દલિત હતો તો ગામ આપણું મગજ કેવું ચાટે?’ કહીને લવજી સામે ડોળા કાઢી જોઇ રહ્યો. લાશ પરનું કપડું લવજીની આંખમાં પડ્યું હોય તેવું થયું. મહિના પહેલા સ્મશાનમાં થયેલી મારામારી વખતે કેવો દોડેલો તોય પાછળ પડનારે કંટાળાં બે ઝરડાં બરડામાં ફટકારેલાં, એના ઉઝરડા પર ફરી લોહી ફૂટ્યું હોય એવી બળતરા થઇ. શરીરનાં રુવાટાં તંગ થયાં. કૂસા ડોસાની લાશ જાણે કહી રહી હતી અહીંથી જાઓ લ્યા. ભાગો.. તમ્મર આવવા જેવું થયું. મોર પાસે બેસી રોડું લઇ જમીન ખોતરવા લાગ્યો. દિયોર મા'રાજ ગામમાં અફવા ફેલાવે તો?.. રોડું મંદિર તરફ છનછનાવ્યું. આકાશ સામે જોયું. અડધી રાતના તારા માથા પરથી નમી જવા ઉતાવળા થવા લાગ્યા. લવજીએ ખિસ્સામાંથી બીડી કાઢી. એક મનોરને આપી. બીજી એણે સળગાવી. બે ચાર ઊંડા કસ ખેંચી ને ઊભો થયો. લારી સ્મશાન બાજુ ઠેલવાને બદલે ગામ બાજુ ધકેલી. હેડ મનોર ગામ નક્કી કરે પછી વાત... ને મનોર પણ ઊભો થઇ લારીને વળગી પડ્યો. બેયના મનમાં એક વાત હતી કે પહેલા આની જાત નક્કી કરો પછી બાળીએ. બંનેનાં મોઢામાં સળગતી બીડીમાંથી ધૂમાડા નીંકળતા હતા. ને પેલી વાસ પોતાનું ગજુ કાઢવા મથી રહી હતી.

સ્રોત

  • પુસ્તક : કમઠાણ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : સંજય ચૌહાણ
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2019