અશ્વિન દેસાઇ
Ashvin Desai
પ્રતાપરાયના બંગલાની સાથે એક બગીચો છે. તેમાં એક સુંદર ફૂલ છે. પ્રતાપરાયને પણ ખબર છે કે બાપ-દાદાએ બનાવેલા બગીચામાં એક સુંદર ફૂલ છે. એઓ હીંચકે બેઠા બેઠા વેપારધંધાની વાતો વાગોળતા હોય છે, ત્યાં એમને ખ્યાલ આવે છે કે બગીચામાં પેલું સુંદર ફૂલ છે, તે સુકાઈ જાય તે પહેલાં તેનું કંઈ કરવું જોઈએ. એટલે પ્રતાપરાય બન્ને હાથથી હીંચકાના સળિયાને મજબૂત પકડીને હીંચકો એકદમ ઊભો રાખે છે. અને કંઈક નક્કી કરીને ધીમે રહીને ઊભા થાય છે. કફનીમાં થોડા સળ પડ્યા છે, તેને હાથથી સરખા કરીને એ બગીચા તરફ જાય છે. શીલા પોતાના રૂમની બારીમાંથી જુએ છે તો પપ્પા...
જેવા પ્રતાપરાય ફૂલ તોડવા માટે હાથ લંબાવે છે કે તરત જ દીવાનખાનામાં ઘંટડી વાગે છે. પ્રતાપરાય ફૂલને ત્યાં જ રહેવા દઈને જરા ઝડપથી દીવાનખાનામાં આવે છે.
બારણું ઉઘાડે છે તો કોઈ અજાણ્યો છોકરો છે.
‘કોનું કામ છે?’ પ્રતાપરાય એક હાથે ખોલેલું બારણું પકડી રાખે છે અને બીજો હાથ આરામથી કેડ ઉપર મૂકી રાખે છે.
છોકરો જરાક ઊંચો થઈને, જેનું કામ છે તેને ઝડપથી દીવાનખાનામાં શોધે છે. અને કોઈ દેખાતું નથી એટલે પ્રતાપરાયને માત્ર પૂછવા ખાતર જ પૂછતો હોય તેમ પૂછે છેઃ ‘શીલાનું ઘર આ જ છે ને?’
‘હા,’ કહીને પ્રતાપરાય બે ડગલાં પાછળ હઠે છે. એ અંદર લેવાનો સંકેત હશે એમ માનીને છોકરો પણ બે ડગલાં અંદર જાય છે. અને પ્રતાપરાય કંઈક બોલે તેની રાહ જુએ છે.
‘તમારે શીલાને મળવું છે?’
છોકરો તરત ‘હા’ કહે છે એટલે પ્રતાપરાય એને સોફા પર બેસવાનો ઇશારો કરીને, પોતાનું ઘર છે એટલે એકદમ આરામથી ચાલીને અંદરના કોઈ રૂમમાં જાય છે. છોકરો આજુબાજુ જુએ છે.
અને થોડી વારમાં જ દીવાનખાનામાં એકદમ શીલા દેખાય છે.
‘ઓ હો! અ... તુલ!’ શીલા એકદમ આનંદમાં આવી જઈને તીણી ચીસ પાડે છે. છોકરો, જે અતુલ છે તે, જરાક ચોંકી જાય છે. પછી સંભાળી લઈને હળવાશથી પૂછે છેઃ
‘કેમ છે, શીલા?’
‘ફાઈન!’ શીલા અતુલની સામેના ખાલી સોફા ઉપર બેસી જાય છે.
દરમ્યાનમાં પ્રતાપરાય, જાણે કંઈ બન્યું જ ન હોય તેમ, જાણે હીંચકેથી ઊઠીને જ જતા હોય તેમ પાછા બગીચા તરફ જવા માંડે છે. શીલા બેઠી હોય છે ત્યાં જરાક ઊંચી થાય છે એટલે અતુલ સમજી જાય છે અને તેને હાથના ઇશારાથી રોકે છે. હમણાંથી પ્રતાપરાય સાથે વાત કરવાની એની ઇચ્છા નથી. અને શીલાની ઇચ્છા છે કે એ પપ્પા સાથે અતુલની ઓળખાણ કરાવી જ દે:
‘આ અતુલ. પપ્પા, એને બરાબર જોઈ લો!’
શીલાને પપ્પા સાથે બોલવાની આમ તો સારી એવી છૂટ છે. એ ધારે તો કહી શકે કેઃ ’પપ્પા, હું અતુલ સાથે “લવ” માં છું.’ એ ધારે તો કહી શકે કેઃ ‘પપ્પા, ઈફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ વુડ મેરિ અતુલ!’ એ ધારે તો કહી શકે કેઃ ‘પપ્પા, અતુલ તમને ગમે છે કે નહિ? મને ગમતો હોય તો?’ પણ વાત એમ છે કે અતુલ જરા શરમાળ પ્રકૃતિનો છોકરો છે. અને આવું કંઈક શીલા કરી બેસે, એની હાજરીમાં કરી બેસે, તો પાછળથી સર્જાનારી પરિસ્થિતિનો મુકાબલો કરવાની એની તૈયારી નથી. પણ તેથી એ પ્રતાપરાયથી ડરી જાય એવો છે એમ કહેવાનો મતલબ નથી. એનો સંકોચ આપણને ડર જેવો લાગે છે.
પણ શીલા માનતી નથી.
‘પપ્પા, એક મિનિટ!’
પ્રતાપરાય ઊભા રહી જઈને પાછળ જુએ છે. શીલા દોડીને એમની પાસે પહોંચી જાય છે. પછી એમને પાછાં સોફા તરફ લાવે છે. શીલાને બોલતાં થોડોક સંકોચ થાય છે.
‘હું તમને ઓળખાણ કરાવું. આ અતુલ છેઃ અતુલ મહેતા.’
અતુલ મહેતા પણ, પોતે અતુલ મહેતા છે તે જાણે ગુનો કર્યો હોય તેમ, માંદલું હસીને પ્રતાપરાયને નમસ્તે કરે છે. પ્રતાપરાય ઉપકાર કરતા હોય તેમ એની સામેના સોફા ઉપર બેસે છે.
‘અતુલ મહેતા, એમ ને? શું કરે છે હમણાં?’ પ્રતાપરાય પૂછે છે એટલે શીલા એમની એકદમ નજીક લપાઈને બેસી જાય છે.
‘જી, હું હમણાં એમ.એ.નું કરું છું.’
‘પપ્પા, તમે શું લેશો?’ શીલા એકદમ ઊભી થઈ જાય છે.
‘કોફી. કઈ કોલેજમાં એમ.એ. કરો છો?’
‘આર.ટી.પી.ટી.’
‘અતુલ, તને પણ કોફી ફાવશે?’ અતુલ ‘હા’ કહે છે એટલે શીલા ઝડપથી રસોડામાં જાય છે.
‘પહેલાં હું એમ.ટી.બી.માં હતો. બી.એ. સુધી પછી...’
‘શીલા તો વાડિયા વીમેન્સમાં જાય છે, તમારી દોસ્તી ક્યાંથી થઈ?’ પ્રતાપરાય એકદમ હળવાશથી પૂછે છે પણ અતુલ જરાક ગૂંચવાઈ જાય છે.
‘દોસ્તી તો, શીલાને ટેબલ ટેનિસનો શોખ છે ને! હું પણ રમું છું. સ્પોર્ટ્સ ક્લબનો સેક્રેટરી છું.’
‘તમારે કેટલા વખતથી દોસ્તી છે?’
‘બે-ત્રણ વર્ષથી.’
‘તો પછી આજે જ અહીં આવ્યા?’
અતુલ ગૂંચવાય છે. પ્રતાપરાય એને ગૂંચવવા જ માગતા હોય એવું લાગે છે.
‘હું ખાસ કોઈને ઘરે જતો નથી. પણ આ તો શીલાના આગ્રહથી...’
‘કોઈ આગ્રહ કરે તો જ જાઓ છો, એમ ને?’ બંને જણા ખોટું હસે છે. અને પછી થોડી વાર શાંત થઈને બેસી રહે છે.
આટલામાં શીલા રસોડામાંથી આવતી દેખાય છે. પાછળ નોકરબાઈના હાથમાં ટ્રે છે.
બધાં કોફી પી લે છે ત્યાં સુધી કંઈ વાત થતી નથી.
‘શીલા તમારી સાથે લગ્ન કરવા માગે છે તે તમને ખબર છે?’ પ્રતાપરાય સહેજ હસીને, શીલાની તરફ જોઈને અતુલને પૂછે છે. શીલા તરત જ ઊભી થઈને ખાલી કપ ટ્રેમાં ગોઠવવા માંડે છે. પ્રતાપરાય હજી શીલાને જ જોઈ રહ્યા છેઃ ‘કેમ, ખરું ને શીલા?’ શીલા શરમાઈ જઈને, જવાબ આપ્યા વિના ઝડપથી ટ્રે લઈને રસોડામાં ચાલી જાય છે.
અતુલને પણ, સવાલ પોતાને પૂછાયો હોવા છતાં, તાત્કાલિક જવાબ આપવાની જરૂર જણાતી નથી.
પ્રતાપરાય પછી અતુલ તરફ વળે છે.
‘તમે શીલા જોડે લગ્ન કરશો?’
‘તમારી ઇચ્છા હશે તો જરૂર કરીશ.’ અતુલે આગલા સવાલ વખતે જ, આ સવાલ પણ પૂછાશે જ એની ગણતરી કરીને, જવાબ તૈયાર કરી રાખ્યો હતો.
‘બધું મારી ઇચ્છા પર જ છે?’
‘તમારી સંમતિ ખૂબ કિંમતી છે.’
‘હું ના પાડું તો?’
‘તો તદ્દન નવી પરિસ્થિતિ ઊભી થશે.’
‘પણ તમે લગ્ન તો કરશો જ ને?’
‘કંઈ કહેવાય નહિ. તમારી ઇચ્છા વિરુદ્ધ શીલા સાથે લગ્ન કરી લેવાની મારી પોતાની ઇચ્છા તો નથી જ.’
‘તો શું શીલાની ઇચ્છા મારી ઇચ્છા વિરુદ્ધ પણ તમારી સાથે લગ્ન કરી લેવાની છે?’
‘એવું તો નથી કદાચ. પણ શીલાને વિશ્વાસ છે કે તમે કોઈ દિવસ ના પાડશો જ નહિ. એટલે જ એણે મને તમને મળવા બોલાવ્યો છે.’
‘હા. એણે મને પણ તમારી વાત કરી હતી. પણ મેં કોઈ ખાતરી તો નહોતી આપી! મેં તો કહ્યું હતું કે છોકરો જોઈને હું નક્કી કરીશ.’
‘તો કદાચ તમારી પરીક્ષા માટે એમણે મને બોલાવ્યો હશે!’
‘તમે જો મારી પરીક્ષામાં નાપાસ થશો તો એ શું કરશે?’
‘એ તો એ જાણે!’
‘તમે એને શું સલાહ આપશો?’
‘મારી સલાહ પૂછશે તો કહીશ, “તારા સુખની જવાબદારી તારા પપ્પાની છે. તારે જાતે સુખી થઈ જવાની કોઈ જરૂર નથી!’
‘તમારી સાથે એ સુખી થશે?’
‘મને પોતાને પણ એ જ પ્રશ્ન થયો હતો. પણ શીલા કહે છે કે...’
‘તમને પોતાને શું લાગે છે?’
‘એણે જેટલા વાપર્યા છે તેટલા પૈસા તો હું કમાઈ નહીં શકું, પણ એને જોઈએ છે તેટલા પૈસા તો હું જરૂર કમાઈશ.’
‘એને કેટલા પૈસા જોઈએ છે?’
‘એ કહે છે, તું મહિને ત્રણસો-ચારસો કમાઈશ તો બસ છે.’
પ્રતાપરાય હસે છે. જોરથી નથી હસતા પણ ધીમેથી હસે છે.
‘ત્રણસો-ચારસામાં બે જણા મહિનો કાઢશો?’
‘બે નહિ ત્રણ. મારી મા પણ છે.’
પ્રતાપરાય ખિસ્સામાંથી ચિરૂટ કાઢે છે અને મોઢામાં ગોઠવે છે.
‘તમે એમ.એ.માં ભણો છો ને? પ્રતાપરાય દિવાસળી સળગાવે છે.
‘જી હા.’
‘કલ્પના અને વાસ્તવિકતામાં કેટલો ફરક હોય છે તે તમને ખબર છે?’ ચિરૂટના ધુમાડાથી પ્રતાપરાયની આંખ ભીની થાય છે.
અતુલ જવાબ આપવાને બદલે જોયા જ કરે છે.
‘શીલાને રાંધતાં શું આવડે છે તે તમે એને પૂછ્યું છે?’
‘એ કહે છે હું બધું શીખી લઈશ.’
‘તમે ક્યાં આગળ રહો છો?’
‘પ્રભાત કોલોની.’
‘કેટલી રૂમ છે?’
‘બે.’
‘શીલાનો રૂમ, તમારે જોવા હોય તો, ચારસો-ચારસફૂટનો છે.’
‘શીલાએ મારી રૂમ પણ જોઈ છે! એ ઘણી વાર મારે ત્યાં આવી છે!’
‘તમારી માને એ મળી છે?’
‘હા.’
‘તમારી મા તમારા લગ્નમાં સંમત થશે?’
‘એને શીલા તો ગમે છે, પણ અમારા મેળ કેમ ખાશે તેની ચિંતા છે! મા શીલાના વિચારો પૂરા સમજતી નથી.’
‘તમારી મા તમારા કરતાં હોંશિયાર છે, ભાઈ! વિચાર ફુરસદમાં કરવાની વસ્તુ છે. જ્યારે ખરાબ વખત આવે છે ત્યારે વિચારો નથી આવતા! ત્યારે પેટ ભરીને પસ્તાવાનું આવે છે! શીલાને તો અક્કલ નથી. પણ તમે તો ગરીબીમાં ઊછર્યા હશો. તમારે વિચારવું જોઈએ કે કેમ જીવાય છે. વિચારોના જોશમાં પરણવાનું સહેલું છે. નભાવવાનું ઘણું અઘરું છે, દોસ્ત! રાશનની લાઈનમાં ઊભા રહેવાનું આવે છે ત્યારે પ્રેમ ચાલ્યો જાય છે અને કપાળ ઉપર પરસેવાના ટીપાં રહી જાય છે! શીલા કોઈ દિવસ ચા પીધા વિના પથારીમાંથી ઊઠતી નથી. એને તમે કેટલા દિવસ પ્રેમના ઓઠા હેઠળ મળસ્કે પાંચ વાગે ઊઠાડીને લોટ બંધાવશો? તમે જાતે જ વિચારો...’
‘એટલે તમને આ સંબંધ મંજૂર નથી?’
‘મેં તમને જાતે જ વિચારવાનું કહ્યું છે.’
‘મારી પાસે જ તમે ના પડાવવા માગો છો?’
‘ના. હકીકત કબૂલાવવા માગું છું.’
‘તમે આ બધું શીલાને સમજાવી શકતા હો તો મારે કોઈ વાંધો નથી.’
‘એ હું ફોડી લઈશ. પણ તમારે પોતે તમારા પગ જોઈને નાચવાનું છે.’
‘મારી પાસે પગ જ ક્યાં છે? મારે નાચવાનું જ રહેતું નથી!’
‘તો પણ તમને નાચવાના અરમાન છે! એક નાદાન છોકરીને ભરોસે તમે...’
‘કોઈને નાચ જોવાના પણ અરમાન હોઈ શકે છે! અને દુનિયા નાચ જોનારા પર ચાલે છે. નાચનારાનું ખાસ ચલણ હોતું નથી!’
‘તમે વધારે પડતા જવાબ આપો છો!’
‘તમે કહેતા હો તો બંધ કરું.’
‘હું કહું તો અહીંથી ચાલ્યા જાઓ ખરા કે?’
તરત જ અતુલ ઊઠે છે.
‘માફ કરજો. મારાથી થોડું બોલાઈ ગયું છે. તેથી તમને દુઃખ થયું છે...’
‘તમે જઈ શકો છો.’ પ્રતાપરાય પણ ઊભા થાય છે.
અતુલ કંઈક બોલવા જતો હોય છે, પછી માંડી વાળીને ધીમેથી બહાર નીકળે છે. પ્રતાપરાય દરવાજો બંધ કરી દે છે.
શીલા પોતાના રૂમની બારીમાંથી જુએ છે તો અતુલ ધીમે ધીમે પગથિયાં ઊતરે છે. પપ્પા બગીચાનો દરવાજો ખોલે છે. અતુલ બંગલાના કંપાઉન્ડમાંથી નીકળીને રસ્તા ઉપર જાય છે. પપ્પા ગુલાબના છોડની પાસે જાય છે. થોડી વાર છોડની નીચે ઊભા રહીને છોડ ઉપર નજર ફેરવે છે. છેક ઉપરની ડાળીએ, હાથ પણ પહોંચે નહીં ત્યાં, એક ફૂલ છે. પપ્પા જરાક ઊંચા થઈને ડાળીને પકડે છે અને નમાવવા જાય છે. ત્યાં, કાંટો વાગે છે કે શું, પપ્પા એકદમ ડાળીને છોડી દે છે. અને એક આંગળી મોઢામાં નાખીને જોરથી હાલી રહેલા ફૂલને જોયા કરે છે. ડાળી થોડી વાર હાલીને સ્થિર થઈ જાય છે. પપ્પા ફરીથી ઊંચા થાય છે. ડાળી નમાવીને ફૂલને મૂળમાંથી પકડે છે. જરાક ખેંચે છે તો ફૂલ તૂટતું નથી. પપ્પા વધારે ખેંચે છે. ડાળી ફૂલની સાથે નીચે સુધી ખેંચાય છે. પપ્પા હજી પણ ખેંચે છે. હજી પણ ડાળી ખેંચાય છે. પપ્પા જોરથી એક આંચકો મારે છે. ફૂલ તૂટી જાય છે. ડાળી આંચકાની સાથે પોતાની જગ્યાએ ચાલી જાય છે. આખો છોડ હાલી ઊઠે છે, થોડાં પાંદડાં અને પાણીના છાંટા નીચે પડે છે.
પછી ધીમે ધીમે છોડ સ્થિર થઈ જાય છે. ઉપરની ડાળી પણ થોડી વાર હાલીને સ્થિર થઈ જાય છે.
શીલા દૂર સુધી જુએ છે તો અતુલ ચાર રસ્તા આગળ, આજુબાજુ જોઈને, ઝડપથી રસ્તો ક્રોસ કરીને સડકની પેલી પાર ચાલ્યો જાય છે.
સ્રોત
- પુસ્તક : કોઈ ફૂલ તોડે છે (પૃષ્ઠ ક્રમાંક 86)
- સર્જક : અશ્વિન દેસાઈ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1977
