વિજય સોની
Vijay Soni
મે મહિનાના છેલ્લા દિવસો હતા. હવામાં ઉમસ હતી. શરીરેથી પરસેવો સૂકાતો જ ન હતો. સૂરજ આથમે ત્યારે નદી તરફથી આવતા પવનો થોડી ઠંડક લઈ આવતા એટલે રાહત લાગતી. છોકરો અને એનો બાપ ખડગપુર રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે સાંજના સાડા છ થયા હતા. એમણે એક લોખંડના પતરાની પેટી અને એક નાનો બગલથેલો સાથે લીધાં હતાં. છોકરો ચૌદથી પંદર વર્ષની આસપાસ હતો. એ પાતળો અને કાળો હતો. આખો દિવસ ગામમાં સાઇકલ લઈને રખડતો રહેતો હોવાથી વધુ કાળો લાગતો હતો. બહાર અંધારું ઘટ્ટ થઈ ગયું હતું. છોકરાએ પાતળો શર્ટ અને જૂનું જિન્સનું પેન્ટ પહેર્યું હતું. બાપ દેખાવ પરથી દયામણો લાગતો હતો. એની દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. છોકરો અને બાપ રેલવે સ્ટેશનનાં પગથિયાં ચડીને પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે છોકરો તો પ્લેટફોર્મ જોઈને ડઘાઈ ગયો. એના બાપે કીધું આ દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. છોકરાને દુનિયાની ખબર ન હતી પણ એને આ પ્લેટફોર્મ પર સાઇકલ ચલાવવાની બહુ મજા આવે એવો વિચાર આવ્યો. છોકરાને જેની સાથે અમદાવાદ જવાનું હતું એ તપન હાવડા સ્ટેશનથી ટ્રેનમાં બેસવાનો હતો. ટ્રેન સાડા આઠ વાગ્યે આવશે એવી બંગાળીમાં જાહેરાત થયાં કરતી હતી. છોકરો ચાર ચોપડી સુધી ભણ્યો હતો. પછી આમતેમ ફર્યા કરતો. એનો બાપ ખેતરમાં દાડીયે જતો હતો. રોજના બસો રૂપિયા મળતા. એનો માલિક એને ચોખા મફત આપતો એટલે બાપ દીકરાને ખાવામાં કઈ તકલીફ પડતી ન હતી.
છોકરાએ બાપ સામે જોયું. પ્લેટફોર્મ પર માણસ ઘણું ઓછું હતું. કોઈ કોઈ રડ્યાં ખડ્યાં માણસ દેખાતાં હતાં. બાપે કીધું સામાન સાચવજે, અહીં વસ્તુ ચોરાતાં વાર નથી લાગતી. પોલીસ અને ચોર બંને મળેલાં હોય છે. બાપ બોલ્યે જતો હતો. છોકરાનું ધ્યાન ન હતું. એ ઉદાસ હતો. એને એની સાઇકલ, ઘરમાં વારંવાર આવી જતું કૂતરું, એના ભાઈબંધો, નદીનો કિનારો, ભીના રસ્તાઓ.... બધું યાદ આવતું હતું. એણે બાપ સામે જોયું. બાપ સમજી ગયો.
‘એ કદાચ નહિ આવે.’ બાપ આડું જોઈને બોલ્યો. છોકરાનું મોઢું પડી ગયું.
‘આવવાની હોય તો પહેલાં આપણને ખબર તો કરે ને?’ બાપ બોલ્યો.
છોકરાના મનમાં ખટાશ વ્યાપી ગઈ. એની મા છ મહિના પહેલાં કોઈકની સાથે ભાગી ગઈ હતી. એ પછી બાપ-દીકરા માટે અકારું થઈ પડ્યું હતું. ગામમાં બધાં એની સામે આંગળી કરતાં. છોકરાની સામે વારંવાર એની માનો ચહેરો આવી જતો. એને હતું કે એ અમદાવાદ જાય છે તો એની મા એને મળવા જરૂર આવશે. એણે બાપ સામે જોયું. બાપ નીચું જોઈ ગયો. એને બાપ પર ખીજ ચડી. એનો બાપ બહુ ઢીલો છે અને એની માને રાખી ન શક્યો એ વિચારી એ પ્લેટફોર્મ પર જોરથી થુંકયો. એનો બાપ થોડીવાર પતરાની પેટી પર નીચું ઘાલીને બેસી રહ્યો. એના બાપનાં કપડાં ધૂળવાળાં થઈ ગયાં હતાં. એ પ્લેટફોર્મ પર આંટા મારતો મારતો એના બાપને જોઈ રહ્યો. એને એના બાપની દયા આવી. પણ એની પાસે જઈને બેસવાનું મન ન થયું. એ ચા-કોફીની દુકાનો, પાણીની પરબ, અને ખાલી પડેલાં બાંકડાને જોઈ રહ્યો. બહાર રસ્તા પર દસે દિશાઓથી અંધારું ઘાટું થતું જતું હતું. એનો બાપ હજી ત્યાં જ કોકડું વળીને બેઠો હતો. એણે ત્યાં જઈને પાણીની બોટલ કાઢી. એને તરસ લાગી ન હતી છતાં એણે પાણી પીધું જેથી એ એનાં બાપને ધરી શકે. બાપ એની સામેં એકીટશ જોઈ રહ્યો. જાણે એ કોઈ કિંમતી વસ્તુ આપી રહ્યો હોય એમ એ આખી બોટલ પાણી પી ગયો. ખાલી બોટલ લઈને છોકરો પાણીની પરબ તરફ દોડ્યો.
‘આપણે થોડા વહેલા આવી ગયા.’ બાપ બોલ્યો.
‘ઘણાં વહેલા’ છોકરો બોલ્યો.
હાવડાથી અમદાવાદ તરફ જતી હાવરા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર આવશે એમ બંગાળીમાં જાહેરાત થઈ. બાપ-દીકરો જાહેરાત સાંભળીને પ્લેટફોર્મના કિનારેથી થોડા પાછળ હટી ગયા. એન્જિન થાક ખાતું ચીઈઈઈઈ... કરીને ઊભું રહ્યું. એસ-સિક્સ ડબ્બામાંથી તપન નીચે ઉતર્યો. એ જાડો હતો. એનું પેટ બહુ આગળ આવી ગયું હતું એટલે એ બાંઠીયો લાગતો હતો. છોકરાનાં બાપે એને ઓળખી કાઢ્યો. એ બંને એની પાસે ગયા.
તપન એના બાપ કરતાં ઉંમરમાં નાનો હતો.
‘દાદા, તમે આ છોકરાની કોઈ ચિંતા ન કરતા, કામ શીખતાં બે-ત્રણ વર્ષ તો લાગશે જ. કામ શીખીને પછી તરત એ જતો રહે એ નહીં ચાલે. થોડો સમય મારી દુકાને કામ કરવું પડશે. તમે સમજો છો ને દાદા અમે છોકરાઓને કામ શીખવાડીને ટકોરા જેવા કરીએ છીએ, પછી એ તરત ઉડી જાય છે એ તો ના ચાલે ને...! અમારી બધી મહેનત પાણીમાં જાય ને! બીજું તમારો છોકરો દોઢ બે વર્ષ પછી દેશમાં આવશે. તમે વારેઘડીએ બોલાવશો તો નહીં મેળ પડે.’ તપન દાડીયા મજૂરને સમજાવતો હોય એમ બોલતો હતો. છોકરાને બહુ કંઈ સમજાયું નહીં. બાપ અદબ વાળીને બધું શાંતિથી સાંભળી રહ્યો હતો. છોકરો આખો દિવસ સાઇકલ લઈને ગામમાં રખડી ખાય એની કરતાં કશુંક શીખશે તો એની જિંદગી સુધરી જશે એવું મનમાં રાખીને બાપે છોકરાનો હાથ તપનના હાથમાં આપ્યો. બાપ જાણે દીકરીને વળાવતો હોય એમ ઢીલો પડી ગયો. એની આંખમાં પાણી ખેંચાઈ આવ્યાં.
‘દીદી ક્યાં છે?’ એણે પૂછ્યું.
‘એ ડબ્બામાં બેઠી છે, સામાન બહુ જ છે એટલે નીચે નહીં ઉતરે કદાચ.’
પછી શી ખબર તપનને શું સૂઝ્યું કે એણે એની વહુને નીચે બોલાવી. તપનની વહુ હાથ જોડીને ઉભી રહી. એની સાથે એનો અઢી ત્રણ વર્ષનો છોકરો એની સાડીનો છેડો પકડીને ગોળ ગોળ ફરતો રહ્યો.
‘દીદી, મારા છોકરાનું ધ્યાન રાખજો. કંઈ આડું અવળું કરે તો તમને બધી છૂટ છે. મેં તો તમને છોકરો સોંપ્યો.’ એમ કહીને બાપ બે હાથ જોડીને ઉભો રહ્યો જાણે દીકરીને એની સાસુને સોંપતો હોય. તપનની વહુ થોડી શરમાઈ ગઈ. એને શું બોલવું એ સમજાયું નહીં. એ ચૌદ પંદર વર્ષના છોકરા સામે જોઈ રહી. છોકરો શરમાઈને નીચું જોઈ ગયો.
‘તમે એની ચિંતા ન કરતા, એ અમારી સાથે જ રહેશે, અમે જે ખાઈશું એ જ એને ખવરાવીશું. એ અમારા ઘરનો જ માણસ છે.’ તપનની વહુ બોલી.
બાપની આંખમાંથી આંસુ સરી પડ્યાં. ટ્રેને વ્હીસલ મારી. બાપે છોકરાના હાથમાં બસો રૂપિયા મૂક્યાં અને ભેટવા જેવું કર્યું. છોકરો હજી એમ જ નિશ્ચલ ઊભો હતો. એને થયું મારો બાપ આટલાં બધાં હાથ કેમ જોડે છે. એને સમજાયું નહીં. છોકરાની પતરાની બેગ બાપે ઊંચકીને ડબ્બામાં ગોઠવી દીધી. નાનકડો બગલથેલો લઈને છોકરો ડબ્બામાં ચડી ગયો. ડબ્બાનું પગથિયું ચડતાં એ અડવડીયું ખાઈ ગયો. એનો બાપ તરત જ આગળ આવ્યો.
‘રહેવા દો, એ એમ જ શીખશે.’ તપન બોલ્યો. બાપ પાછળ હટી ગયો. ટ્રેન ઉપડી ગઈ. બાપ દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મ પર હાથ હલાવતો રહ્યો. ટ્રેન સાપની જેમ સરકતી અમદાવાદની દિશામાં આગળ વધી. અંધારું બારીમાંથી કંપાર્ટમેન્ટમાં ઉતરતું જતું હતું. લોકોએ જમવાનાં ડબ્બાં કાઢ્યાં. છોકરાને એનાં બાપે ભાત અને એનાં માલિકનાં પુકુરની ઇલીસ માછલી એક ડબ્બામાં ભરી આપી હતી. એણે ડબ્બો આગળ ધર્યો. તપન, એની વહુ અને એનાં ત્રણ વર્ષનાં છોકરો એમ બધાએ ભેગાં બેસીને જમી લીધું. તપનનો છોકરો મોડી રાત સુધી એની સાથે રમતો રહ્યો. તપન અને એની વહુ ઉપરની બર્થમાં સુઈ ગયાં હતાં. ચેનથી બાંધેલો સામાન ટ્રેનના દોડવાથી એની જગ્યાએ ઝૂલ્યા કરતો હતો. એ બારી પાસે બેસી ગયો. રાતનું અંધારું જોઈને એ પહેલીવાર ઉદાસ થઈ ગયો. એને એનો બાપ અનએ એનું ઘર યાદ આવવા લાગ્યાં. તપનનો છોકરો એનાં ખોળામાં આવીને વારેઘડીએ પડતું મુકતો હોવાથી એ બારી પાસે ઝાઝું બેસી શક્યો નહીં.
ત્રીજા દિવસે અમદાવાદ સ્ટેશને ગાડી ઉભી રહી ત્યારે એના વાળ વિખેરાઈ ગયા હતા. એ બે દિવસથી ન્હાયો ન હતો. એટલે વધારે કાળો લાગતો હતો. એ કાલુપુર સ્ટેશનેથી બહાર આવ્યો ત્યારે આટલાં બધાં વાહનો અને ભીડ જોઈને બઘવાઈ ગયો. કોઈપણ અજાણ્યાં શહેરમાં લાગે એમ એને બીક અને એકલતા લાગી રહી હતી. સ્ટેશનની બહાર રિક્ષામાં બેસતાં એણે વિચાર્યું કે એનો બાપ અત્યારે ખેતરમાં કામ કરતો હશે. એને ફરી એની સાઇકલ અને હવા ભરવાનો પંપ યાદ આવ્યાં. રિક્ષામાં ઠસોઠસ સામાન અને તપન અને એની વહુના ભારે શરીરને લીધે એ દબાઈ ગયો હતો. હડદોલો આવતાં એ વધુ સંકોચાઈ ગયો. એના બે પગ વચ્ચે દુખાવો થતો હતો. પણ હલી શકાય એમ ન હતું. એને બાજુમાં બેઠેલી તપનની વહુના પરસેવાની ગંધથી ગૂંગળામણ થતી હતી. એણે નાક બંધ કરવાની કોશિશ કરી પણ એને મૂંઝારો થવા લાગ્યો. એ નીચું વળીને બહાર રસ્તા પર જોવા લાગ્યો. તપનનો છોકરો એની માના ખોળામાં બેઠો બેઠો એના ગાલે ચીમટા ભરતો હતો. એને ગુસ્સો આવતો હતો. પણ એ કશું બોલ્યો નહીં. તપનનું મકાન ત્રણ માળનું હતું. બે દિવસ સતત ટ્રેનમાં બેસી રહેવાથી એનાં કાનમાં હજી ટ્રેનનો અવાજ ગુંજતો હતો. હજી જાણે એ ટ્રેનમાં બેઠો હોય એમ એનું શરીર ટ્રેનની ગતિ સાથે હલતું હોય એવું એને લાગ્યા કરતું હતું. તપનની વહુએ એને એનો સામાન ઉપરના માળે લઈ જઈને મૂકી આવવાનું કીધું. એ સામાન મુકવા ગયો ત્યારે એને ભૂખ લાગી હતી એણે ખડગપુર સ્ટેશનથી લીધેલા વેફરના વધેલા બે બુકડા મારી દીધા.
મોડી સાંજે તપન એને બાઇક પાછળ બેસાડીને દુકાન જોવા લઈ ગયો. દુકાન નાની અને માળિયા જેવી નીચી હતી. દુકાનમાં ઊભા ઊભા કામ થઈ શકે એમ ન હતું. દુકાનમાં નીચા વળીને જ અંદર જવું પડે એમ હતું. એ થોડો વાંકો વળ્યો પણ એને અંદાજ ન હોવાથી એનું માથું છત સાથે અથડાયું. દુકાનમાં પાંચ છોકરાઓ નીચું ઘાલીને કામ કરતા હતા. એ લોકો આ છોકરાને જોઈને એકબીજા સામે જોવા લાગ્યા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. તપને એને જગ્યા બતાવીને કીધું, ‘કાલથી તારે અહીં બેસવાનું છે.’
દુકાનમાં કોઈ બારી ન હતી. હવા માત્ર પંખાની જ આવતી. નાની દુકાનમાં બધા એકબીજાને ભીંસાઈને બેઠા હતા. નીચે કાથીની ચટ્ટાઈ પાથરેલી હતી. દુકાનમાં વાસી ધૂળ અને બગડી ગયેલા કેળાની વાસ સતત આવ્યા કરતી. એને એના ફળિયામાં ઉભેલી કેળ યાદ આવી. એ રાત્રે તપનની સાથે ઘરે આવી ગયો.
બીજા દિવસે સવારમાં એ ઉઠ્યો ત્યારે તપન તૈયાર થઈ ગયો હતો.
‘કોચી, આ ચાલશે નહીં. કાલથી તારે વહેલું ઉઠીને તારે સાઇકલ લઈને દુકાન જતું રહેવાનું, તું અહીં આરામ કરવાં નથી આવ્યો. કામ શીખવા આવ્યો છું.’ તપન ગુસ્સે થઈ ગયો હતો. એ મૂંગો મૂંગો સાંભળતો રહ્યો. બે પરાઠા અને રકાબી ચા પીને એ તપનની બાઇક પાછળ બેસી ગયો. રસ્તામાં આસપાસના વિસ્તારને એ પહેલીવાર અજવાળામાં જોતો રહ્યો. શહેર દૂર દૂર સુધી અજાણ્યું લાગતું હતું. એને કશુંય અડતું ન હતું. એ બાઘાની જેમ જોતો રહ્યો. એ તપન સાથે દુકાને પહોંચ્યો ત્યારે કારીગરો એકબીજા સામે જોઈ રહ્યા. કોઈએ એની જગ્યા કરી નહીં. એ થોડીવાર વાંકો વળીને ઉભો રહ્યો.
‘કોચી, કેમ વાંકો વળીને ઉભો છે, કોઈ પાછળથી મારી જશે?’ દુકાન પાસેથી પસાર થતો એક બંગાળીએ એની પાછળ આંગળી અડાડતાં કહ્યું. એ ચમક્યો. માથું ઊંચું કરવાં ગયો, એનું માથું ભટકાયું. કારીગરો હસી પડ્યા. તપને આંખ ફેરવી. એક કારીગરે એને જગ્યા કરી આપી. એ બેસી ગયો.
‘સંજય, આ કોચીને કામ આપજે, એને કારીગર બનાવવાનો છે. એના બાપાએ કીધું છે. જોઈએ એનામાં કેટલું પાણી છે?’ તપને હાકોટો કર્યો. સંજય મુખ્ય કારીગર કમ મેનેજર હતો.
‘તારે, એની જે તપાસ કરવી હોય એ કરી લે. આ કારીગર થશે કે નહીં?’ તપને આંખ મારીને સંજયને કીધું.
‘કોચી, ઉભો થા, અને ગોળ ફરી જા.’ સંજય બોલ્યો.
‘કેટલા વર્ષ થયાં તને? નૂનું હેં? કિતનાં બડા?’ સંજયે પૂછ્યું. બીજા કારીગરો એકબીજા સામે જોઇને હસતા હતા. તપન મોઢું દબાવીને હસતો હતો.
એને શું બોલવું એ સમજાયું નહીં. એ બેસી રહ્યો.
‘બોલ ના બાણાં...’ સંજય તાડુક્યો.
‘હા.’ એ બોલ્યો.
‘કિતના બડા?’
એ શરમાઈ ગયો. એ આજુબાજુ જોવા લાગ્યો.
‘બધાની સામે શું જુએ છે, મારી સામે જો… જવાબ આપ. તું બોલીશ એટલે હું કહી દઇશ કે તું કેટલાં વર્ષમાં અને કેવો કારીગર થઈશ?’
‘આટલું?’ સંજયે વેઢા જેટલું માપ બતાવ્યું. આટલું હશે તો એક-બે-ત્રણ એમ ગણીને કહે કે તું ત્રણ વર્ષમાં કારીગર થઈ જઈશ.
‘આ બધાંને પૂછી જો.... જેનું નૂનું નાનું એને ઓછો ટાઈમ લાગે.’ તપન હસી પડ્યો. પછી આખી દુકાનમાં બધાં ખડખડાટ હસી પડ્યા. એ ઘડીભર મુંઝાઈ ગયો. પછી એ પણ હસી પડ્યો.
‘જા આને ચાની કીટલી અને કારખાનું બતાવી આવ.!’ સંજયે એક કારીગરને બૂમ પાડીને કીધું.
દુકાનમાં દિવસે ને દિવસે લગ્નગાળાનું કામ ભરાતું જતું હતું. બધા કારીગરો રાત પડ્યે થાકીને લોથ થઈ જતા હતા. કોઈ કોઈવાર તો આખી રાત કામે બેસવું પડતું. વેપારીના ઓર્ડર માટે ફોન આવે ત્યારે મનમાં ધ્રાસકો પડતો. કારખાનાવાળા અને બીજા કારીગરો હવે એને ઓળખતા થઈ ગયા હતા. એને ય દુકાને ગમવા લાગ્યું હતું. દુકાનમાં આખો દિવસ કુમાર શાનું, બાબુલ સુપ્રીયો અને શ્રેયા ઘોશાલના મોટા અવાજે વાગતાં રહેતાં. કારીગરો સાથે સાથે ગાતાં રહેતાં. દુકાનમાં સવારથી જ લાઈટ ચાલુ રાખવી પડતી. દુકાનમાં ઘડિયાળ ન હોય તો સવાર કે સાંજ કશી ખબર પડતી નહીં. દુકાને માણસોની સતત અવરજવર રહેતી. સરસ્વતી પૂજા માટે ફાળો લેવા ચાર બંગાળીઓ આવ્યા ત્યારે તપન દુકાને ન હતો.
‘જા, કોચી નાસ્તો લઈ આવ..!’ સંજયે કીધું.
‘હલવો મંગાવ.’ એક જણ બોલ્યું.
સંજયે એને પાંચસોની નોટ આપીને કીધું, ‘તારે દુકાનવાળાને જઈને પૂછવાનું હલવાનું શું છે? એ જવાબ આપે તો ય ચાર વખત પૂછવાનું. સમજ્યો?’ એ ગયો, દુકાનવાળો એને મારવા પાછળ દોડ્યો. એ ધોયેલા મૂળા જેવો પાછો આવ્યો.
એ રાત્રે થાકી જતો. દિવસભર કારખાના અને બીજા કારીગરોની સીડીઓ ચડી ચડીને એની પિંડીઓ કળતર કરવા લાગતી. કામ કરતાં એ ઝોકે ચડી જતો. એકવાર તો એનું માથું બાંકડા પર ઢળી પડ્યું તો સોનાનો ભૂકો ઢોળાઈ ગયો હતો.
બે દિવસ પછી તપને કીધું કે હવેથી રાતનું જમવાનું એનાં ઘરેથી જ લઈ આવીશું. બધાં અહીં દુકાને સાથે જ ખાઈ લઈશું. કારીગરોનાં મોંઢા બગડી ગયાં. રાત્રે જમવા માટે કલાક બહાર જવા મળતું હતું એ પણ બંધ થઈ જવાનું હતું.
‘કોચી, તું સાઇકલ લઈને આપણા બધાનું ટિફિન ઘરેથી લઈ આવજે.’ તપને કીધું. એને મનમાં હરખ થવા લાગ્યો. એ એની નવી સાઇકલ જોવા નીચે દોડ્યો. એ સાઈકલને સ્ટેન્ડ પર ચડાવીને જોર જોરથી પેડલ મારવા લાગ્યો.
‘તને ઘરનો રસ્તો તો જડી જશે ને?’ તપને પૂછ્યું.
‘હાં.’ એ બોલ્યો.
‘તો ટિફિન લઈ આવ, સાચવીને ચલાવજે, જોજે કોઈને અથડાય નહીં. અથડાય તો મારીને આવજે, માર ખાઈને ન આવતો.’ તપને એના વાંસામાં ધબ્બો મારતા કહ્યું. એ સાઇકલ લઈને હવામાં ઉડતો હોય એમ નીકળ્યો. ટ્રાફીકને વીંધતો સડસડાટ ઘરે પહોંચી ગયો. તપનની વહુ રસોઈ બનાવતી હતી. એ ઘર પાસે આવ્યો કે તરત તપનનો નાનો છોકરો એને વળગ્યો. એ છોકરાને સાઇકલ પાછળ બેસાડીને આંટો મરાવવા લઈ ગયો. છોકરો અચાનક જોર જોરથી રડવા લાગ્યો. છોકરાનો પગ સાઇકલનાં પૈડાંમાં આવી ગયો હતો. એનો પગ વળી ગયો હતો. એ ચીસાચીસ કરવાં લાગ્યો. એ ગભરાઈ ગયો. એ સાઇકલ પડતી મૂકીને છોકરાને તેડીને ઘરમાં લઈ ગયો. છોકરો એની માને જોઈને ઔર જોરથી રડવા લાગ્યો. એનું મોઢું ઢીલું થઈ ગયું હતું. એ ધ્રૂજતો હતો. ‘શું થયું…. શું થયું?' કરતી એની મા એને અંદર રૂમમાં લઈ ગઈ. એનો પગ વળી ગયો હતો. એક બે જગ્યાએ લાલ ચકામાં ઉપસી આવ્યાં હતાં. એની માએ એને બાથમાં લીધો અને પગે કંઈક ચોપડી આપ્યું. છોકરો રડી રડીને થાકીને ઊંઘી ગયો. એ એક જ જગ્યાએ બેસી રહ્યો હતો. એને મનમાં હતું કે તપનની વહુ એને વઢશે. તપનની વહુ એની સામે હસી. એને થોડી રાહત થઈ.
‘આવું તો થયાં કરે.’ એમ કહી એ એની નજીક આવીને બેસી ગઈ. રસોડામાં કામ કરવાને લીધે એ પરસેવાથી ન્હાઈ ગઈ હતી. એ એની સામે જોઈ રહી. એ સંકોચાયો.
‘તને ક્યાંય વાગ્યું તો નથી ને?’ એની વહુએ એની નજીક સરતાં પૂછ્યું.
‘નાં’ એ થોડો પાછળ ખસ્યો.
એની વહુએ એને પોતાની પાસે ખેંચીને ગાલે બટકું ભરી દીધું. એનો ગાલ લાલચોળ થઈ ગયો. તપનની વહુએ એનું માથું પકડીને એની છાતીમાં દબાવી દીધું. એ મુંઝાઈ ગયો. એની વહુ વધુ ને વધુ એનું માથું છાતી સાથે દબાવતી ગઈ. તપનની વહુના હાથમાં એનું માથું શીઘરાંમાં પાઇપ પકડાઈ રહી હોય એમ સજ્જડ થઈ ગયું. એના હોઠ પર પેલીનો પસીનો ચોટતો હતો. એની વહુએ એનાં ગાલે, ગળે અને છેલ્લે હોઠ પર બટકું ભરી લીધું. એ છુટવા મથ્યો પણ એ થઈ ન શક્યું. એની વહુ ઉભી થઈ ગઈ. એનો છોકરો ઉઠીને રડવા લાગ્યો. એ એને લઈને રસોડામાં ગઈ.
‘કોઈને કંઈ કહેતો નહીં... નહીંતર અહીં રહેવાનું બંધ થઈ જશે.’ ટિફિન આપતાં તપનની વહુ બોલી. એની આંખની આસપાસ સરસવનાં તેલનો ધુમાડો બાઝી ગયો. એણે ઝડપથી સાઇકલ કાઢી અને બહારની તાજી હવામાં ઊંડો શ્વાસ લીધો. રસ્તા પર લોકો ઘરે પાછા ફરતાં હતાં. એ દુકાને પહોંચી ગયો. એનો જીવ ચકરાવે ચડ્યો હતો. એને ખાવાનું ભાવ્યું નહીં. એ ભાત મોઢામાં મુકતાં વેંત જ ગળી જતો હતો. એને છાતી સાથે ભીંસતી અને બટકું ભરતી તપનની વહુના જ વિચારો આવ્યા કરતાં હતા. એને એની મા યાદ આવી. એની મા એ કદી આવી રીતે ભીંસ્યો નથી. એની મા દેખાવમાં સારી હતી. એનું ધ્યાન ટિફિન ધોવામાં રહ્યું નહીં. નળમાંથી પાણી વહી જતું હતું. સંજયે છુટ્ટી સમાણી મારી અને બૂમ પાડી, ‘એ ય કોચી શું કરે છે, પાણી દુકાનમાં આવી જશે. નળ તો બંધ કર.’ એ હડબડાઈ ગયો. પસીનો લૂછીને ઝડપથી થડા પર બેસી ગયો. સામે થડા પર ડિશમાં પડેલી સોનાની નાની નાની ટિકીઓ ઝોલાં ખાતી હતી. મોડી રાત્રે દોઢ વાગ્યે એ તપન સાથે બાઇક પર ઘરે જઈને ઉપર એના રૂમમાં જઈ સુઈ ગયો. સવારે ચા પીતી વખતે તપનની વહુ બોલી, ‘કાલે કોચી, પેલાને સાઇકલ પર આંટો મરાવવા લઈ ગયો તો એનો પગ વળી ગયો. રાત્રે એને બહુ દુખતું હતું.’ એ ડરી ગયો. એની જીભે ગરમ ચા ચોંટી ગઈ. ‘કેમ....! ધ્યાન રાખજે અલ્યા, મારા છોકરાને કઈ થયું તો તારી ખેર નથી.’ તપનની આંખ લાલ થઈ ગઈ. એ સહેમી ગયો.
‘નાં.. નાં, એને વઢવાની જરૂર નથી. આપણો ય ક્યાં સખણો રે એમાં નો છે?’ તપનની વહુ બોલી. પછી એણે એની સામું જોયું, એ નીચું જોઈ ગયો.
એ દિવસે સાંજે ટિફિન લેવાં જવાં માટે તપને, એને હાકોટો કર્યો ત્યારે એને થયું, હું કહી દઉં કે હું નહીં જાઉં, પણ આજુબાજુ બધાં કારીગરો કામ કરતા હતા અને એ નવરો બેઠો હતો એટલે એ ના ન પાડી શક્યો. એ પરાણે ઉભો થયો.
‘કેમ અલ્યા, મરતાં મરતાં ઊભો થાય છે? હજી તો શરૂઆત છે! આમ અધમૂઓ થઈ જઈશ તો કામ ક્યારે શીખીશ?’ સંજય તાડૂક્યો. એણે ચેમ્બરની સીડી ઉતરીને સાઇકલ કાઢી. તપનનો છોકરો ફરી એને વળગ્યો. એણે આ વખતે એને સાઈકલ પર આગળ ન બેસાડ્યો. એને થયું કે એ તપનના છોકરાને લઈને સોસાયટીમાં આંટા મરાવ્યા જ કરે, ઘરે જાય જ નહીં. એની વહુ ટિફિન તૈયાર કરીને બહાર મૂકી દે. અને એ લઈને નીકળી જાય. પણ એ આંટો મરાવીને ઘરે આવ્યો ત્યારે તપનની વહુએ કીધું, 'ટિફિનને વાર લાગશે, મેં દુકાને કહી દીધું છે. તું જા રૂમમાં બેસ.’ એ કમને અંદર ગયો. તપનની વહુએ એનાં છોકરાને પાટા વાળી ટ્રેન ગોઠવી આપી. એ રમવા લાગ્યો.
‘તારો વાન ખુલી ગયો છે હવે.’ તપનની વહુએ એને નજીક બોલાવીને કીધું.
એ થોડો પાછળ હટ્યો. 'પાછળ કેમ જાય છે, અહીં ઉભો રહે.’
એણે એનો હાથ પકડી રાખ્યો. એની તાજી ઉગેલી મૂછ પર હાથ ફેરવીને બોલી, 'આ કેટલી સરસ છે, તારો શેઠ તો સાવ.....' એ આગળ કશું બોલી નહીં.
‘દીદી, મારે દુકાન જવાનું છે ત્યાં બધાં ટિફિનની રાહ જોઈને બેઠા હશે.’ એ ધ્રુજતાં ધ્રુજતાં બોલ્યો.
‘હું ક્યાં જવાની ના પાડું છું? તને ખબર છે હું ક્યારની રાહ જોઉં છું? એનું કંઈ નહીં?’ એ બોલી.
એને કંઈ સમજાયું નહીં. તપનની વહુ એની છાતી પર હાથ ફેરવવા લાગી. એનાં શરીરમાં ઝણઝણાટી થવા લાગી. તપનની વહુ એને વીંટળાઇ વળી. એના હાથ આખા શરીર પર ફરવા લાગ્યા. એને ગૂંગળામણ થતી હતી. તપનની વહુએ એનો સાડીનો છેડો ખોલી નાખીને એની છાતીમાં એનું મોઢું ભીંસી દીધું. એ એના શરીર પર દાંત મારવા લાગી. એનું શરૂર પલંગ પર આડું પડી ગયું. તપનની વહુ એની પર ઝળૂંબી રહી. એની કાળી છાતીમાં બે કાળાંમેશ ગોળાકાર એનો શ્વાસ રોકી રાખતાં હતાં. એણે તપનની વહુને ધક્કો મારવા જેવું કર્યું. પણ એ એનાથી ખસી શકી નહીં. એના દાંત અને નખ શરીર પર વાગતા હતા. એની પર પસીનાના રેલા ઉતરવાથી એને બળવા લાગ્યું. એને બકારી થવા લાગી. એ છૂટવા માટે તરફડિયા મારવા લાગ્યો. એણે તપનની વહુની છાતી પકડીને ધક્કો માર્યો, પેલી જોરથી એના તરફ ઝૂકી અને ધીરે ધીરે હાંફવા લાગી. તપનની વહુ ઝડપથી ઊભી થઈ ગઈ. એનું શરીર દુખતું હતું. એને લાગ્યું હવે જાણે એનાથી દુકાને નહીં જઈ શકાય. એ કશું બોલ્યા વગર રસોડાની બહાર થાંભલો પકડીને ઊભો રહ્યો. તપનની વહુ ટિફિન ભરીને એને આપી દીધું. પછી એની સામે જોયું. મોઢાં પર આંગળી મૂકીને ગાલે ચીમટો ભર્યો, ‘કાલે ટિફિન લેવા થોડો વહેલો આવી જજે.’
એ ઘરની બહાર નીકળ્યો. એના મોઢામાં હજી કાળી પસીનાનો સ્વાદ બેસી ગયો હતો. એ તપનની વહુને સંભળાય એમ જોરથી થૂંકયો. મોડું થશે તો શેઠ વઢશે એ બીકે એ ઝડપથી સાઇકલ લઈને સોસાયટીની બહાર નીકળી ગયો. એ દુકાન પહોંચ્યો ત્યારે બધાએ ઘડિયાળ સામે જોયું.
‘ક્યાં ચોંટી ગયો તો? કોઈ મળી ગયું હતું? આટલી વાર કેમ લાગી?’ સંજયે પૂછ્યું. એ કશું બોલ્યો નહીં.
‘બોલને.... મોઢામાં કંઈ ભર્યું છે?’ સંજય ઉકળ્યો.
એની આંખ સામેથી ઘરે જે કઈ બન્યું હતું એ બધું સડસડાટ પસાર થઈ ગયું. એને ઘડીભર થયું કે બધું કહી દઉં. પછી એણે તપનની સામે જોયું. એની વહુનો ચહેરો યાદ આવ્યો. એની વહુની મોઢા પર મૂકેલી આંગળી યાદ આવી. એ આડું અવળું જોવા લાગ્યો. બાજુમાં બેઠેલા કારીગરે એને ઠોસો માર્યો.
‘અલ્યા.... ટોપા, ચાવલ કાઢને, બહુ ભૂખ લાગી છે,’ કારીગર બબડ્યો.
‘બે.... તારા ગાલે શું થયું છે? આ લાલ ડાઘ શેના છે?’ બીજો બોલ્યો. એ ગભરાઈ ગયો. એ ઝડપથી બધાના ડબ્બામાં ચાવલ કાઢવા લાગ્યો. બધા કારીગરોએ ઉપર રસવાળા બટેકાનું શાક રેડી દીધું. મોટા ડબ્બામાં ભાત ખાઈને બધાની આંખો ઘેરાતી હતી.
‘સ્પીકરમાં લોતાદીદી ન મુકતો…. વધારે ઊંઘ આવશે.’ એક કારીગર બોલ્યો. એનું મન ચકરાવે ચડયું હતું. એનો ખાવામાં જીવ લાગતો ન હતો. પેટમાં ગૂંચળા વળતાં હતાં. ભૂખ હતી પણ ભય અને ઉજાગરાને લીધે એને ચક્કર આવવા જેવું થયું. એ ટિફિનના ડબ્બા ધોતાં ધોતાં પડી જવા જેવો થઈ ગયો. એના ગળામાં કશુંક અટકી ગયું હોય એમ દુખતું હતું. એનો જીવ મોળો થવા લાગ્યો. એ દુકાનની ચોકડીમાં નીચું નમીને બકારી કરવા લાગ્યો. આંખ બંધ કરીને વિચારતાં એને આવતીકાલે ફરી પાછું ટિફિન લેવાં જવાનું. ફરી તપનની વહુ.... ફરી નખોરીયાં…. કાળો પસીનો…. આ બધું એને પીડવા લાગ્યું. એને થયું કે એ રાત્રે કારખાને જવાના બહાને અહીંથી નીકળીને સીધો રેલ્વેસ્ટેશન જતો રહે. એની પાસે એના બાપે આપેલા રૂપિયામાંથી સો રૂપિયા બચ્યા હતા. એટલા રૂપિયામાં ખડગપુર કેવી રીતે જઈ શકાય? એને મૂંઝારો થવા લાગ્યો. એને ખાટા પાણીની ઉલટી થઈ સાથે સાથે આંખનું પાણી ભળી ગયું.
બીજે દિવસે સવારે એ સોનાની રણી લઈને કારખાને ગયો ત્યારે કારખાના વાળો રફીક બહારની ગાદીમાં ઊંઘતો હતો. એનો જીવ ઘમતળિયે ચડ્યો હતો. એને અહીંથી વારંવાર ભાગી જવાના વિચાર આવતાં હતાં. તાર-પટ્ટીના મશીનના ચામડાના પટ્ટા મોટેથી અવાજ કરતા ગોળ ગોળ ફરતા હતા. એક પટ્ટો વચ્ચેથી કરપાઈને છૂટો પડી જવાની તૈયારીમાં હતો. એને થયું કે એ ચાલું મશીન પકડીને એ પટ્ટાને રોકી દે. એનો જીવ મશીન સાથે ઘૂમરીયા ખાતો હતો. આ ગડમથલમાં એના હાથમાં પકડેલી સોનાની રણી ક્યાં મુકાઈ ગઈ એનું ભાન રહ્યું નહીં. એ બેબાકળો બની ગયો. એ દોડતો દોડતો દુકાને આવ્યો. એ ભયનો માર્યો કશું બોલી શક્યો નહીં. સંજય અને બીજા કારીગરો રણી શોધવા કારખાને દોડ્યાં. સાંજ સુધી રણી મળી નહીં. એ દિવસે સાંજે તપનનો મૂડ ખરાબ થઈ ગયો.
‘આટલી આટલી મરાવીએ અને આ લોકો આમ રણી ખોઈ નાખીને આવતા રહે તો ધંધો શું લૂમ લેવાં કરવાનો?’ એને એનાં બાંકડા પર સાણસી પછાડતાં કહ્યું.
‘ચલો બંધ કરો દુકાન... નથી કરવો મારે ધંધો...’ તપન માથું પકડતાં બોલ્યો. દુકાન વસ્તી કરી દીધી. એ તપનની સાથે એ ઘરે આવ્યો. તપનને એનો છોકરો ઘરમાં જતાંવેંત વળગી પડ્યો. એ ખૂણામાં ખુરશીમાં બેસી ગયો. તપનની વહુ રસોડામાંથી બહાર આવી.
‘આજે કેમ વહેલાં, ટિફિન?’ એણે પૂછયું.
તપન ખિજાઈ ગયો. ‘તું ક્યાં ટિફિનની મા ફાડે છે, આ જો આજે રણી ખોઇને આવ્યો.’
તપનની વહુએ એની સામે જોયું. એ નખ ચાવવા લાગ્યો. એને થયું કે જમીન જગ્યા આપે તો સમાઈ જાઉં. એ મૂંગો મૂંગો નીચું ઘાલીને બેસી રહ્યો. તપનનો છોકરો રમત કરતો કરતો એની પાસે આવી ગયો અને એનાં ખોળામાં ચડી ગયો. એનું ચિત્ત ઠેકાણે ન હતું. એનું મન ડહોળાઈ રહ્યું હતું. તપન બહાર ચકલાને ચણ નાખતો હતો. તપનનો છોકરો એનાં ગાલ ખેંચવા લાગ્યો. એણે એને હડસેલો માર્યો અને સામે પડેલી નાની ખુરશીમાં ચુપચાપ બેસી જવા ઈશારો કર્યો. એનાં વિચારો આમતેમ અથડાતા હતાં. તપનનો છોકરો ખુરશીમાં બેઠો બેઠો પેન્ટમાં હાથ નાખીને રમત કરવાં લાગ્યો. એ થોડીવાર જોઈ રહ્યો. એને ચીડ ચડી. એણે આંખ કાઢી, ઈશારાથી એને પેન્ટમાંથી હાથ બહાર કાઢી લેવા કીધું. છોકરો કંઈ સમજ્યો નહીં. એ હસતો હસતો જોરથી રમત કરવા લાગ્યો. એને દાઝ ચડી. શું કરવું એ સમજાયું નહીં. રસોડામાં તપનની વહુ દેખાતી હતી. એની કાળીમેશ કમર અને છાતીનો ઉભાર સાઈડમાંથી દેખાતાં હતાં. રસોડામાં એ પસીનાંથી નીતરતી હતી. એને લાગ્યું કે જાણે એને એકલો જોઈને હમણાં એ આવશે અને ખેંચીને લઈ જશે. એને ભીંસી નાખશે. ફરી એની છાતીમાં મોઢું દબાવશે. એના ખરબચડાં હાથ, આખા શરીરે ફેરવશે. એને ગઇકાલે ભરેલાં નખોરીયાની પીડા તાજી થઈ. એનાં મોઢામાં તપનની વહુનાં હોઠ ગોળ ગોળ ફરતાં હોય એવું લાગ્યું. એ ખુરશીમાં કોકડું વળીને બે ગોઠણ વચ્ચે કાચબાની જેમ માથું દબાવીને બેસી ગયો. તપનનો છોકરો હજી પેન્ટમાંથી હાથ બહાર કાઢતો ન હતો. તપન બહાર ચકલાંને ચણ નાખતાં અવાજ કરતો હતો. ચકલાં ચી.. ચી... ચી.... કરતાં હતાં. સાંજનું અંધારું ઉતરતું જતું હતું. રૂમનો પંખો માથે ધમ ધમ અવાજ કરતો હતો. તપનની વહુ રસોડામાંથી જાણે બહાર આવતી હોય એવો એને ભાસ થયો. એ ગભરાયો. તપનનો છોકરો નીચું ઘાલીને હજી રમત કરતો હતો. એનું માથું ભમવા લાગ્યું. એણે ઊભાં થઈને તપનના છોકરાને જોરથી એક અડબોથ લગાવી દીધી. નાની ખુરશીમાં બેઠેલો છોકરો ખુરશી સાથે ફંગોળાઈ ગયો. એને ટેબલનો ખૂણો માથામાં વાગી ગયો હતો. તપન અનએ એની વહુ દોડતાં આવ્યાં. એ હજી ગુસ્સાથી ધ્રૂજતો હતો. તપનનું માથું ગરમ થઇ ગયું. તપનની આંખો લાલ થઈ ગઈ.
‘સાલા.. માદરબખત, મારા છોકરાને મારે છે. મારા...? તારો બાપ મને સ્ટેશન પર પગે લાગતો તો…. યાદ છે?’ તપનના મોઢામાંથી લાળ પડી જાય એટલું જોરથી બોલતો હતો. એની વહુના હાથમાં ગરમ તાવેથો હતો, તપને એ લઈને એના હાથ પર ચાંપી દીધો. એ ચીસ પાડી ઉઠ્યો.
‘તારી, મારે જરૂર જ નથી. તું અત્યારે જ રવાના થઈ જા.’ તપન ઉપર રૂમમાં જઈને એની પતરાની બેગ લઈ આવ્યો. એનો હાથ પકડીને ખેંચી ગયો. તાવેથો ચોંટી ગયો એ જગ્યાએ હજી બળતું હતું. તપને સોસાયટીના નાકે ઊભેલા રીક્ષાવાળાને કીધું, ‘આને કાલુપુર સ્ટેશન મૂકી દેજે’
તપને, રિક્ષાવાળાને પૈસા ચૂકવી દીધાં. એને રિક્ષાવાળાએ કાલુપુર ઉતાર્યો ત્યારે રાતના સાડા નવ થયા હતા. અગિયાર પંચાવનની હાવરા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર મુકાવાને વાર હતી. માણસો આમતેમ પાગલની જેમ દોડતાં હતાં. એ પ્લેટફોર્મ પર પતરાની બેગ પર બેસી ગયો. એને એનો બાપ, પછી એની મા, એની સાઇકલ, એના ઘરની કેળ…. એમ બધું યાદ આવ્યું. એણે દૂર સુધી નજર કરી. અમદાવાદનું પ્લેટફોર્મ ખડગપુર જેટલું લાંબુ ન હતું. બાજુમાં એક બંગાળી પરિવાર બેઠો હતો. એનો નાનકડો છોકરો રમતો રમતો એની પાસે આવીને એના ખોળામાં બેસી ગયો…. એ દૂર સુધી ટ્રેનની રાહ જોતો રહ્યો.
ટ્રેન આવવામાં વાર હતી.. જો કે….
સ્રોત
- પુસ્તક : માણેકચોકની ચકલી (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : વિજય સોની
- પ્રકાશક : Divine publication
- વર્ષ : 2016
