Kayar - Short Stories | RekhtaGujarati

‘આગે, આગે’ બોલ્યો.

માત્ર એના માથા ઉપર મૂકેલો મારો સામાન જોઈ શકતો. સામાનના ટાપુની આજુબાજુ માથાંઓનો મહેરામણ ખદબદતા કાદવના રંગનો ફરી વળેલો હતો. છેલ્લા તરણાની જેમ મેં મારી સૂટકેસ ઉપરના ‘એ.વી. ઉપાધ્યાય, બૉમ્બે’ ઉપર મારી નજર ચીટકાવી રાખી હતી.

‘ઔર આગે’ સામાન નીચેથી માથાંઓ ઉપર થઈ અવાજ મને દોરી રહ્યો હતો.

છતાંય મેં એક બાબુને પૂછ્યું, ‘ગોવા...!!!’

એણે મને એની પાસે બધું સાંભળવાની ફુરસદ હોય એમ ત્યાંથી અટકાવતાં ઇન્કવાયરી કાઉન્ટરની જેમ કહી દીધું ‘ફેરી વ્હાર્ફ, ચૌથા શેઈડ, દૂસરા ઝાંપા.’

મેં પૂછ્યું, ‘ગોવા? ગોવા?’

‘હાં, તો ઔર ક્યા?’ અને ફરી આંખ મીંચકારી માથાંઓમાં ભળી જતાં પહેલાં ઉમેર્યુ, ‘ગો (Go) એન્ડ આ’

ફેરી વ્હાર્ફ, ચૌથા શેઈડ, દૂસરા દરવાજા-બધું વટાવી પેલા લગભગ હવામાં ચાલ્યા જતા સામાનની પાછળ ધક્કા ઉપરની છૂટમાં આવ્યો ત્યારે તપેલીના તળિયેથી પાણીનો થર ઓળંગી ઊંચે આવી બાષ્પીભવન થયેલા વરાળ (કે પાણી!)ના પરમાણુ (કે બુંદ!) જેવી મોકળાશ અનુભવવા લાગ્યો.

અરે ઉપર લે જા, કેબિન ક્લાસ પેસેંજર હય.’

મિ.એ.વી. ઉપાધ્યાય, તમારો વટ તો હવે પડશે! કેબિન ક્લાસ પેસેંજર તરીકે, બહાર તો તમે ધકેલાતા હતા, ઉપાધિમાં હતા! મનમાં અને મનમાં એલ. ઍન્ડ પી. (ઇંડિયા) લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટરને એક્સપેન્સ એકાઉન્ટ, ટ્રાવેલિંગ એલાવન્સ વ. વ. માટે સલામ ભરી દીધી.

‘મિ. ઉપાધ્યાય?’ ગેંગવેના છેડે ઉપર ઊભેલા સફેદ વસ્ત્રધારીએ પૂછ્યું.

‘યસ.’

‘વેલકમ એબોર્ડ, યૉર કેબિન નંબર ઇઝ થ્રી, ટૉપ ડૅક, આઈ હોપ યુ એન્જોય વૉયેજ.’

‘થેંક યૂ.’

અપરડેક પર પાથરણાં પથરાતાં હતાં અને એના ઉપર લોકો ગોઠવાતા જતા હતા. કેટલાકે 6’× 3'નો પૂરો હક્ક સાબિત કરવા લંબાવ્યું પણ હતું અને જતા-આવતા ઠેબે પણ ચઢતા હતા.

કેબિનમાં ગોઠવાઈ, પોર્ટરને એલ.એન્ડ પી. (ઇંડિયા) લિ.ના ડાયરેક્ટરોના માને એટલું મહેનતાણું ચૂકવી હું ફરી બહાર ડૅક પર આવ્યો. મારા કરતાં વહેલા આવેલા પેસેન્જરોમાંના જિજ્ઞાસુઓ ડાઈનિંગ હૉલથી લોઅરડેક સુધીની કુકસ ટૂર મારતા હતા. એક વૃદ્ધ ખ્રિસ્તી-યુગલ નીચે ઊભેલા દીકરાવહુને છેલ્લી સૂચનાઓ આપતાં હતાં, અને ‘રોડ્રીગ્ઝ’ આવે તો શું કહેવું સમજાવતા હતા.

ત્યાં મારી નજર-અથવા તો સાચું કહું તો મારા કાનની નજર ‘ઝીંદાબાદ’ જેવા શબ્દો પર પડી. મારા મોઢા પરના પ્રશ્નાર્થ જોઈને રેલીંગ આગળ ઊભેલા એકે કહ્યું, ‘ડી’કોસ્ટા ગોવા જાય છે.’

‘કોણ ડી’કોસ્ટા?’

‘વહી તો, ડી’કોસ્ટા, યુનિયનવાલા.’

‘અચ્છા, તો યુનિયનવાલા ડી’કોસ્ટા!’

પણ સમજી ગયો. કે મને બહુ પહેચાન પડી નથી એટલે વધુ બાયોડેટા ઓકવા માંડ્યો.

‘ભાઈ એમ. પી. છે, તમે પોલિટિક્સથી અપરિચિત...’

‘કંપની પોલિટિક્સ સિવાય!'

હસ્યો, ‘હાં, તો... એમ.પી. છે. ઇંદિરાજીને કડવા સવાલો પૂછે છે, લોકસભામાં તો વટ છે એનો, દાદો છે એ. હી ઇઝ જાયન્ટ, વેરી ટફ યુ નો, બહુ કાબેલ, સીનાવાલો આદમી.’

ત્યાં પેલું ઝીંદાબાદ અંદર પેઠું.

‘ડી'કોસ્ટાજી ઝિંદાબાદ, ડી’કોસ્ટાજી ઝિંદાબાદ' અને એમ એમ કરતાં કરતાં હારોથી લદાયેલું એક ડોકું ગેંગવે ચઢવા માંડ્યું, અડધે આવી ઊંધું ફર્યું, અને હસ્યું. હાર પાછળથી એક હાથ ઊંચે ગયો.

‘ડી’કોસ્ટાજી ઝિંદાબાદ, ડી'કોસ્ટાજી ઝિંદાબાદ.’

છેલ્લા છેલ્લા બધા પગે લાગવા ઊમટી આવ્યા. ડી’કોસ્ટાજીએ એક હાથ નમેલા માથાના લેવલે ધરી રાખ્યો.

‘ડી’કોસ્ટાજી ઝિંદાબાદ ડી'કોસ્ટાજી ઝિંદાબાદ.'

રેલીંગ ઉપર મારા બીજા હાથે ઊભેલો માણસ. ‘ઇઝ ધેટ ફેમસ ડી’કોસ્ટા?’ કહી છલાંગ મારી દોડ્યો.

‘હજારો માણસો એના યુનિયનમાં છે,’ પેલાએ વધુ માહિતી આપી.

‘અચ્છા, અચ્છા, અચ્છા. અચ્છા, તો યે તો... યુનિયનવાલા!’

‘અબી આપ ઠીક સમઝે.’

‘અરે ભાઈ એલ.એન્ડ પી.માં પણ યુનિયનવાળા છે.’

‘આઈ સી, સો યૂ આર વીથ એલ.એન્ડ પી.? નાઇસ કંપની.’

‘એટલે તો સ્ટાઇલમાં કેબિન નં. થ્રીમાં છું, બાકી શ્રી. એ.વી. ઉપાધ્યાય લોઅર ડૅક પર રશિયા એક્સપોર્ટ થતા ધી ગ્રેટ ઇંડિયન બનાના આરોગતા હોય.’ હસ્યો, ‘આઈ એમ વીથ એલ. એન્ડ ટી., ધેટ ઇઝ લાર્સન...’

‘આઈ નો, પી, ટી, સબ સરીખા હી હય-આપણે બધા ચહેરારહિત મોટી મોટી કંપનીઓના પેલા શેરહોલ્ડરોના ફોટા આવે છે ને એવા ચહેરાઓ.’

મારા જવાબમાંનો તેજાબ એને બહુ પસંદ ના પડ્યો (કદાચ જનરલ મેનેજર હશે). એણે આગળ ચલાવ્યું:

‘આ યુનિયનવાળા બધા બેકાર છે. જોકે ડી'કોસ્ટા બહુ પાવરફુલ માણસ છે. હું એને એની કારકિર્દીની શરૂઆતથી ઓળખું છું. તમને યાદ છે, ચોપ્પનમાં હડતાળ પડેલી? તમને યાદ નહીં હોય, ઑફિસો કરતાં ફેક્ટરીઓ, કારખાનાંઓમાં પછી ધમાલ થયેલી અને ગોળીબાર ને એવું બધું. ત્યારે ડી’કોસ્ટા લીડર તરીકે બહાર આવ્યો.’

‘તો તો લગભગ ચૌદ પંદર વર્ષ થયાં.’

‘ધેટ્સ રાઇટ, મીટીઓરિક રાઈઝ, પણ તાકાતવાળો માણસ, બૈરીછોકરાં છે નહીં.’

‘આઈ સી, તમે તો બહુ જાણો છો ભાઈસા'બ! એલ.એન્ડ ટી. પહેલાં એના પી.એ. હતા કે શું?’

‘નહીં, નહીં’ મલક્યો, ‘હું જર્નાલિસ્ટ હતો, સબએડિટર હતો.’

‘તમારું શુભ નામ...’

‘રામન’

આટલે મોડે હાઉ યૂ ડુ કરવાનો કંઈ અર્થ નહોતો એટલે મેં પૂછ્યું:

‘પછી?’

‘ડી’કોસ્ટા વૉઝ મીલહેન્ડ ધેન, મિલમઝદૂર. એક સરઘસને મોખરે હતો. ગોળીથી ઘાયલ થયો અને શહીદ થતાં રહી ગયો. પણ લોકોએ સામી છાતીએ એને ગોળી ઝીલતાં જોયો અને વાત ફેલાઈ ગઈ. એટલે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો તે દિવસે એની આજુબાજુ મઝદૂરો વીંટળાઈ વળ્યા. બહાર સભા થઈ. એને માન અપાયું. પછી પ્રેસ કૉન્ફરન્સ થઈ અને એમાં ડી'કોસ્ટાજીએ મજૂરોના પ્રાણપશ્નો સમજાવ્યા. ફરી હડતાળ પાડવાની ધમકી આપી.'

‘ત્યારથી ડી’કોસ્ટાજી ઝિંદાબાદ ચાલે છે?’ મેં ઉમેર્યું, ‘ભણેલો છે?’

‘હં, મૅટ્રિક પાસ છે, કૉલેજમાં પણ એકાદ બે વર્ષ કાઢ્યાં છે. ગોવાનીઝ છે.’

‘અચ્છા, તો એટલે ગોવા જાય છે.’

‘રામ જાણે, હવે એને ગોવાબોવા બધું સરખું. એક દિવસ દિલ્હીમાં લોકસભા, તો બીજે દિવસે કલકત્તામાં હડતાળ તો વળી ત્રીજે દિવસે પૂનામાં મજૂર પરિષદ. હવે એને શું વતન જેવું રહ્યું હોય? એને, મને યાદ છે ત્યાં સુધી એને ઘરડી મા હતી, બાપ નહોતો. આઇ ડોન્ટ થિંક એને બહુ કુટુંબકબીલો હતો.’

‘તો તો ગોવામાં હડતાળ પડાવવા ના જતો હોય! આઈ હોપ હોટલ ને ટૅક્સીની ના પડાવે, કારણ મારે તો કામધંધો ઓછો છે, પણ એલ. એન્ડ પીના બી.ઓ.ડી.ની મહેરબાનીથી થોડુંક આરામ એન્ડ સાઇટ સીઇંગ કરવું છે.’

‘ઓહ તો, તો તમે સ્વર્ગમાં પધાર્યા છો એમ માની લેજો.’

‘એટલું બધું રૂપાળું છે?’

‘ગોવાને તમે શું માનો છો!’

ત્યાં સુધીમાં ગેંગવે ઊપડી ચૂક્યો હતો. સ્ટીમરનો ધણધણાટ શરૂ થઈ ગયો હતો. લોઅરડેક પરથી ચાના પ્યાલાનો ખખડાટ આવતો હતો. સ્ટીમરે ઘૂઘરિયાળા બાવાની જેમ આઘુંપાછું થવા માંડ્યું. અને પછી બારું છોડ્યું. કોલાબાનો છેડો વટાવી એણે દક્ષિણાભિમુખ પાણી કાપવા માંડ્યું. ગલપંખીઓ થોડેક સુધી પાણીમાં પડતાં છાલછોતરાં ઝડપવા ક્વે ક્વે ક્વે કરતાં આવ્યાં. હું કેબિનમાં પાછો ફર્યો.

ટિફિન ખોલી જમી લીધું. પછી લંબી તાણી. હજુ સાડા અગિયાર થયા હતા પણ ઊંઘ જબરી આવી.

હું ઊઠ્યો ત્યારે બે વાગ્યા હતા. મારો પડોશી ઊંઘતો હતો. હું બહાર નીકળ્યો. બહાર ખારો, ભીનો, હૂંફાળો પવન આવતો હતો. ડેક લગભગ ખાલી હતો. સ્ટીમર ગતિથી પાણી કાપતી હતી. સામે પશ્ચિમકાંઠો ઝાંખો દેખાતો હતો. પાણીમાં માછલાં પકડવાની જાળ બાંધવા રોપેલા વાંસડા દૂર દેખાતા હતા. થોડાંક હોડકાંઓ ઘૂમતાં હતાં. બીજી બાજુ દરિયો ક્ષિતિજ સુધી દેખાતો હતો. હજુ થોડાંક સી-ગલ ક્વે ક્વે ક્વેની કિકિયારીઓ કરતાં આજુબાજુ ઘૂમતાં હતાં.

ડેક-ચેર પર એક માણસ હતો. આંખ મીંચી સિગારેટના કશ પર કશ ખેંચતો હતો. એની પાસે નીચે છો ઉપર એક બિયરનો બાટલો અને પ્યાલો પડ્યાં હતાં. ધ્યાનમગ્ન હતો.

હું ડાઇનિંગ હૉલમાં ગયો. ચા પીધી. પાછો આવ્યો ત્યારે પેલો સ્થિતિમાં હતો. જોડેની ડૅકચેર જરાક દૂર ખસેડી રેલીંગ પર પગ ટેકવી, ગોગલ્સ આંખે લગાવી હું આડો પડ્યો. એણે આંખ ઉઘાડવા સરખી પણ તસ્દી લીધી નહીં. સારું થયું, મેં એને નખશિખ ધારીધારીને જોઈ લીધો. ત્યારે એકાએક મને ભાન થયું કે તો પેલા હાર નીચેના ડોકાવાળો ડી’કોસ્ટા; ઝિંદાબાદોના નારાઓ અને મેદની અને પગે પડતા અનુયાયીઓથી ટેવાયેલા. (કે એમને એવા જોવા ટેવાયેલા આપણે?) નેતાઓ આવી રીતે કેટલા એકાકી લાગતા હતા?

ધક્કા પર ફેરિયા પાસેથી લીધેલું એક શીર્ષક વાંચ્યા વગરનું માસિક મેં ઉઘાડ્યું અને પાના ફેરવવા માંડ્યાં. રાજકારણ, લેખો, ચર્ચાઓ, સિનેમા, સલાહો, જાણવા જેવું, રાજકારણ, વાર્તા, કવિતા, રાજકારણ... પાનાંઓ ફેરવતો ગયો. એક લેખમાં પી.એલ. 480ના ફાયદાઓ કોઈ બતાવતું હતું તો બીજામાં ફુગાવાજનક છે એમ કહેતું હતું. શર્મિલા જાન્યુઆરીમાં પરણશે? અને પરણશે તો સીનેજગત છોડશે? કે સીનેરસિયાઓ એને છોડશે? કે પટૌડી એને? કે પટૌડીને? નિક્સન આવે તો શું થાય? માઓ જાય તો શું થાય? કલકત્તાનું શું થવા બેઠું છે? ચારે બાજુઓની ચિંતાઓ મને ઘેરી વળી. એલ.એન્ડ. પી. સદ્ધર છે. મિસિસ ઉપાધ્યાયને સાતમે મહિને પણ તબિયત બ્હાલ છે. બૉનસનો ધારો વટહુકમ બહાર પાડી સુધારવામાં આવ્યો છે, ટપકતી ચકલીઓ અને નહીં ચાલતા ફ્લૅશટેન્ક પ્લમ્બર ચાર મહિને આવી દુરસ્ત કરી ગયો હતો-એ બધા ખુશી સમાચાર હું ભૂલી ગયો. પાનાં ફેરવવા માંડ્યો.

‘That's me! મને ઓળખ્યો?’ ઝબકીને બેઠા થઈ ગયેલા ડી'કોસ્ટાએ એક પાના પરના ફોટા ઉપરના તીરથી ચીંધાયેલા ચકરડા વચ્ચેના એક ઝાંખા ચહેરા ઉપર આંગળી ચીંધતાં કહ્યું. અને જેવો ઝબકીને બેઠો થયો તેવો પાછો આંખો મીંચી શાંત થઈ ગયો; હું કંઈ પણ સુષ્ઠુ સુષ્ઠુ બોલું પહેલાં.

તો થોડી ક્ષણો પછી મારા મોઢા પરના ભાવ જોવાનો નહોતો છતાં મલકતાં મલકતાં મેં કહ્યું,

‘ઓહ, આઈ સી.’

‘નો... No... you don't see. તમે જોઈ નથી શકતા. એટલે તો એની આજુબાજુ ચકરડું ચીતર્યુ છે અને માથે તીર ઠોક્યું છે.’

‘ખરાબ પ્રિંટ છે, ખરાબ ન્યૂઝપ્રિંટ છે.’

‘ખરાબ ન્યૂઝ છે, મિસ્ટર...'

‘ઉપાધ્યાય.’

‘યસ, મિ. ઉપાધ્યાય, Real bad news.’

હું કંઈ બોલ્યો નહીં.

‘Me that is હું,-ખૂબ ખરાબ સમાચાર, you see... I see... nobody else sees.’

‘શું?’

‘હું ડી’કોસ્ટા નથી. હું ઇમ્પોસ્ટર છું, વેષધારી છું’ એના મોઢામાંથી બિયરની વાસ આવતી હતી.

પી.એલ. 480 ફુગાવાજનક છે ત્યાંથી માંડી ડી’કોસ્ટા વેષધારી છે ત્યાં સુધીના બધા સમાચારો ખરાબ હતા!

‘તમે મને ઓળખો છો? આઈ મીન, ડી’કોસ્ટા તરીકે સિવાય?’

‘ના, આઈ મીન, હા!’ મેં બાફયુ.

‘ના... સાચું છે. તમે મને નથી ઓળખતા. હું તમને ઓળખું છું.’

શું ધડાકો?

‘હું તમને ઓળખું છું-as an honest man, એક સાફ નેકદિલ, પ્રામાણિક માણસ તરીકે. તમે શું કરો છો, મિસ્ટર...'

‘ઉપાધ્યાય.’

‘મિ. ઉપાધ્યાય?’

‘નોકરી.’

‘ગુડ, નોકરી પ્રામાણિકતાથી, તમે નવ વગે ઑફિસ પહોંચો છો! એક વાગે બહાર નીકળો છો? ભાતું ખાઓ છો! બે વાગે પાછા ફરો છો! વાગેય એકાવન કે તોંતર કે એકસો ત્રણ પકડી મિસિસ ઉપાધ્યાય પાસે પહોંચી જાઓ છો! you are an honest man, Mr. Upadhyay.’

‘મારા પરિચયથી આનંદ થયો,’ મેં હસતાં હસતાં કહ્યું.

‘એ તકલીફ છે મિ. ઉપાધ્યાય, તમને તમારો પરિચય નથી, સારા ગામનો પરિચય છે, ઇંદિરાજીનો, સંપૂર્ણાનંદનો, ખુરાનાનો, શર્મિલાનો, ડી'કોસ્ટાઓનો, તમને તમારો પરિચય નથી. ફેંકી દો, ડી'કોસ્ટાઓનાં ચરિત્રોને!’ કહેતાં કહેતાંમાં તો મારા હાથમાંથી માસિક લઈ એણે દરિયા પર ફગાવી દીધું.

મને થયું કે એણે બહુ બિયર પીધી લાગે છે. મને બી ફગાવી દે તો! મનમાં હું હસ્યો.

એક આંગળી પોતાના તરફ ચીંધી બોલ્યો,

‘મારા વિશે તમે શું જાણો છો?’

હું મૂંગો રહ્યો.

‘હું તમને કહું. તમે જાણો છો હું કઈ રીતે ડી’કોસ્ટા થયો? કે ક્યારે? ઓગણીસસોને ચોપ્પનની સાલમાં, હડતાળ હતી. સરઘસ નીકળ્યું. અમારી ફેક્ટરીનો સાવંત એને મોખરે હતો. સાવંત મારો જિગરી દોસ્ત. છતાં હું એને કહેતો હતો, ‘આ ઝંડો તારા હાથમાં નથી શોભતો. તારું કામ નહીં’ કહે ‘કોટનીસ વળગ્યો છે, કહે છે એક ઝંડો તો તારે પકડવો પડશે’ ‘તે ના પાડીએ,’ મેં કહ્યું, “કોટનીસ નારાજ થશે” “ચાલ ત્યારે,” મેં કહ્યું, “તું નહીં આવે ?” એણે પૂછ્યું. મેં કહ્યું, “નહીં હું તો ફૂટપાથ પરથી જોઈશ. ટંટા ફીસાદ, સભાસરઘસ મારું કામ નહીં. મને તો બધા ઝઘડાની બહુ બીક છે.” “ડી’કોસ્ટા, આમ કાયર ના થા”, બોલ્યો. “સાંભળ્યું છે પોલીસો બંદૂકધારી છે.” “હશે, તો બતાવવાની, યે ગોરી સરકાર થોડી હી હય, તું તો અકેલા હય ડી’કોસ્ટા, મૈં બચરવાલ હું!” “અરે ભાઈ, બીબી લાની તો હૈ.” “ઠીક, ઠીક,” સાવંત બોલ્યો. સરઘસને મોખરે એણે ઝંડો પકડ્યો હતો. ત્યાં ફટાફટ પથ્થરબાજી થઈ, એક મોટર સળગી, ગોળીઓ છૂટી, હું દુકાનના ઓટલા પર ઊભો હતો. જોઉં તો સાવંતે ગોળી ખાધી હતી, એના પગ લથડતા હતા. સરઘસ વીખરાઈ જતું હતું. ભાગાભાગ થતી હતી. સાવંતને જોતાં હું દોડ્યો. એના હાથમાંનો ઝંડાનો બોજ મેં એક હાથમાં લીધો અને સાવંતને ટેકો દેવા વાંકો વળું છું ત્યાં ફરી ગોળીઓ છૂટી.’

એણે બાંયો ચઢાવી એક કાપો બતાવ્યો. પેંટ ઊંચું કરી ગોટલા પર નિશાન બતાવ્યું.

‘આંખ ખોલી ત્યારે હું હૉસ્પિટલમાં હતો. બાજુમાં પોલીસ અફસરો, નર્સો, ડૉક્ટરો ઊભાં હતાં. થોડી વારમાં મને પૂરતો હોશ આવ્યો અને ઉપાધ્યાયજી, ત્યારે બારી બહારથી ક્યા અવાજો આવતા હતા ખબર છે? “ડી’કોસ્ટા ઝિંદાબાદ”, “ડી”કોસ્ટા ઝિંદાબાદ” રસ્તા પરથી અવાજ ત્રીજે મજલે પહોંચતો હતો. હજુ અવાજ છોડતો નથી આજે સવારે ના જોયું?’

‘એટલે રીતે નવો ડી'કોસ્ટા ઝિંદા થયો અને જૂનો સાચો ડી'કોસ્ટા, ફૂટપાથ પર-ઓટલા પરનો ડી'કોસ્ટા ભુલાઈ ગયો, ડી’કોસ્ટા-‘

છાતી પર આંગળી જોરથી ઠોકતાં ઠોકતાં બોલ્યો.

‘પછી તો ઉપાધ્યાયબાબુ, મેં સરઘસો કાઢ્યાં. કારણ મારો છૂટકો નહોતો; મેં ભાષણો કર્યા કારણ મારો છૂટકો નહોતો; મેં હડતાળો પડાવી, ગોળીઓ ખવડાવી, લોકોને ઉશ્કેર્યા, પોલીસને ઉશ્કેરી, સરકારને ઉશ્કેરી કારણ મારો છૂટકો નહોતો... છૂટકો નહોતો.’

રઘુવીર કહેતો: ‘ડી’કોસ્ટાજી, ફૌરન ચલે જઈએ. યહાં હડતાલ બરાબર લગી હુઈ હય.’

બોલાપ્પા કહેતો, ‘આપકા નામ દિયા ઔર મેનેજમેન્ટ ઠંડી હો ગઈ.'

સુરેન્દ્ર શાહ કહે છે, ‘અમારા સભ્યોને બે શબ્દો સાંભળવા છે, એમને માર્ગદર્શન આપો.’

‘મારો છૂટકો નહોતો ઉપાધ્યાયસાહેબ, મારી હા પહેલાં હા ચાલી જતી. મારી ના પહેલાં ના ચાલી જતી. હા પર, ના પર, મારો કોઈ અંકુશ નહોતો. I wanted to marry શાદી કરવી'તી, બાળકો જોઈતાં હતાં...'

‘ડી’કોસ્ટાસાહબ, હમેં પહેચાના?’ દોડતો દોડતો એક માણસ નીચેના ડૅક પરથી ઉપર આવી હાથ લંબાવતો લંબાવતો ડી’કોસ્ટા સુધી પહોંચ્યો.

અમારી-અથવા તો એની વાત ત્યાંથી અટકી.

‘હમેં નહીં પહેચાના? ઈલાહાબાદ કૉન્ફરન્સમેં...’

‘અચ્છા, અચ્છા, વર્માસાહબ, વર્માજી!'

આગંતુક ખુશ ખુશ થઈ ગયો. ડી'કોસ્ટાની જોડે બેસવા માટે હોશમાં ને હોંશમાં-હું ઊભો થઈ ગયો હોત તો મારા ઉપર મારા ખોળામાં બેસી પડત. મેં ખુરશી એને માટે ખાલી કરી દીધી. એનો ઋણસ્વીકાર કર્યા વગર તો ડી'કોસ્ટાની સામે હાથ જોડી મારી ખાલી કરેલી ખુરશીમાં બેસી પડ્યો.

‘કૈસે હો ભાઈ?’

‘બહુત અચ્છા, બહુત અચ્છા હૂં. કહીએ આપકી તબિયત...’

હું ત્યાંથી ખસી ગયો, સાંજના ડી'કોસ્ટા ડૅક પર દેખાયો નહીં. કેબિનમાં સૂઈ ગયો હશે એમ મેં ધારી લીધું, એટલો બધો બિયર એણે લગાવ્યો હતો કે એને સૂઈ ગયા સિવાય ચાલે એમ નહોતું.

અરબી સમુદ્રમાં સૂર્ય અસ્ત થયો. પૂર્વ તરફના કાંઠાનાં ગામોમાં દીવાઓ ઝબૂકવા માંડ્યા. દીવાદાંડીઓના પ્રકાશપુંજ ચોગરદમ ઘૂમવા માંડ્યા. સ્ટીમર હોડકાંઓને ચેતવવા ક્યારેક ક્યારેક ભોં... ભોં... કરવા માંડી. સ્યૂઅર્ડોએ ડાઇનિંગ હૉલના ટેબલો પર ચાદરો પાથરી, ડિશો ગોઠવી. પબ્લિક એડ્રેસ સિસ્ટમનાં લાઉસ્પીકરોમાંથી સંગીત વાગવા માંડ્યું.

મોડી રાત્રે એટલે કે બાર વાગ્યા પછી નાનાં નાનાં બંદરો આવવાનાં હતાં, રત્નાગિરિ, વિજયદુર્ગ, માલવણ વગેરે. મને ખાસ ઊંઘ આવતી નહોતી. દૂર રત્નાગિરિના દીવાઓ દેખાતા હતા. ડૅક ખાલી હતો. હું રેલીંગ અઢેલીને ઊભો ઊભો રત્નાગિરિની તૈયારીમાં સ્ટીમરના સ્ટાફની હિલચાલ જોતો હતો. દોરડાં છોડાતાં હતાં. સીડી ઉતારાતી હતી. ફ્લડલાઇટો સળગાવવામાં આવી હતી.

‘ઉપાધ્યાય! સૂતા નથી?’

‘ના, આપ’

‘મને પણ ઊંઘ આવતી નથી.' ડી'કોસ્ટા પાસે આવી ઊભો રહ્યો, ડૅકના છેડે મહાન યુનિયન લીડર અને એલ.એન્ડ પી.નો સેવક એક સરખી ઊંચાઈના લાગતા હતા.

‘રત્નાગિરિ છે?’

મેં હકારમાં ડોકું ધુણાવ્યું.

‘તમે ક્યાંના છો?’

‘અહમદનગરનો’

‘હું ગોવાનો છું.’

મેં કહ્યું, ‘હું જાણું છું.’

‘નામ પરથી?’

‘નામ પરથી અને વળી સવારે અહીંયાં એક ભૂતપૂર્વ પત્રકાર તમારી વાત કરતો હતો તે પરથી.’

‘મેં પચાસમાં ગોવા છોડેલું. ગોવામાં મારે એક બુઢ્ઢી મા હતી. બાપ તો નાનો હતો ત્યારે મરી ગયેલા. માએ મોટો કરેલો.’

થોડી વાર એકાએક શાંત થઈ ગયો. દૂરથી બે ખાલી હોડકાં બાજુ આવતાં હતાં; રત્નગિરિના પેસેન્જરોને લેવા.

‘મિ. ઉપાધ્યાય, મને ખબર નથી પડતી, હું કેમ બધું તમને કહું છું. તમને વાંધો તો નથી ને?’

‘નહીં, નહીં, કંઈ નહીં ને. ખુશીથી કહો, હું કોઈને...’

‘કહો ને તો કોઈ માનશે નહીં, ડી’કોસ્ટા પાછળ તો કહેતીઓ ચાલે છે.’

હું બોલ્યો નહીં.

‘મારી મા હું નાનો હતો ત્યારથી કહ્યા કરતી, “જ્હોન તું કાયર છે, બુઝદિલ છે. John you are a coward તારો બાપ કાયર નહોતો. દરિયો ખેડતો હતો. અને તારા બાપે તને તરવા પણ દીધો.” હું નહોતો ઝાડ પર ચઢતો, નહોતો ચાર દોસ્તો સાથે રમતો. મને સારી દુનિયાની બીક લાગતી હતી: મગરની, બાવાની, પોલીસની, શેરીઓમાં ખેલાતી મુક્કાબાજીની, અરે રસ્તે જવાઆવવાની પણ. મા કહેતી હું ડરપોક છું પણ હું કબૂલતો નહોતો, હું બહાનાં કાઢતો.

‘છેલ્લાં દસેક વર્ષથી હું ભૂલી ગયો હતો કે મા મને કાયર કહેતી. દુનિયા મારાથી ડરતી હતી, શેઠિયાઓ, પ્રધાનો, સામેના યુનિયનવાળાઓ, પોલીસો, મારી હાથ નીચેનાઓ; બધા મારાથી ડરતા. ડી’કોસ્ટા ભડવીર હતો, સામી છાતીએ ગોળી ઝીલતો હતો, કડક હાથે કામ લેતો હતો, એનાં ભાષણોમાં આગ ઝરતી હતી.’

નાની નાની પોટલીઓ, થેલીઓ, ડોલો, પતરાંની બૅગો, બચ્ચાંઓ લઈ એકધારા માણસો હોડકાંઓમાં ઠલવાતાં જતાં હતાં.

‘અગલે સપ્તાહ મેં યુ.પી. ગયા. મુઝે બુલાયા ગયા, ફીર વહી તો સંદેશા “ડી”કોસ્ટાજી ફૌરન ચલે આના” ફૌરન, ફૌરન, ફૌરન ડી'કોસ્ટાજીને પાંખો ઊગવાની બાકી હતી. ક્યું ચલે આના? હડતાલ નરમ પડતી જતી હતી. જુસ્સો લાવવા “ચલે આના.” અરે સાબ, ટેલિફોનમાં મેં કહ્યું: કહ્યું નહીં, કહેવું જોઈતું હતું, “ત્રણ મહિનાથી હડતાલ ચાલે છે. ફેક્ટરી બંધ છે, પગાર થયા નથી, મજુરોનાં પેટ ઊંડાં ઊતરી ગયાં હશે, હડતાલ નરમ નહીં પડેગી તો ક્યા ગરમ રહેગી.” તો એણે કહ્યું હોત, કારખાનાવાળા નબળા પડ્યા છે, સરકાર વચમાં પડી છે. પંદર ટકા નહીં તો દસ ટકા જરૂર મળી જશે. બાર્ગેન-સોદાબાજીની વાર છે. હડતાલ ઔર જો આઠદસ દિવસ ખેંચાય તો... તો મૈં યુ.પી. ચલા.'

‘હાં સાબ, યુ.પી. ડી’કોસ્ટાજીને હાજર થયા વગર છૂટકો નહોતો ને! પણ સમાચાર સારા નહોતા. સરકાર કડક થઈ રહી હતી એવું છાપાંવાળાઓ લખતા હતા. પોલીસો ભરીબંદૂકે કારખાનાવાળા નાના ગામમાં ઘૂમતી હતી. વાતાવરણ તંગ હતું. સૌ ડી'કોસ્ટાની રાહ જોતા હતા. સ્થાનિક યુનિયન લીડરો અને શેઠિયા અને સરકા૨. ડી'કોસ્ટાનો ફજેતો થવાનો હતો. આટલી લાંબી હડતાલ તૂટતી હામ પર, ભૂખ્યાં મઝદૂરો પર કેમ ટકાવવી? “ડી’કોસ્ટાજી, સરકા૨ આપકી ધરપકડ કરને કે લીએ સ્ટેશન પર તૈયાર હો બેઠી હૈ.” “પોલીસની ફૌજની ફૌજ તોફાન થાય જોવા ખડકાઈ છે.” “મજૂરોમાં બે પક્ષ પડી ગયા છે, આપ હડતાલ લંબાવવાનું એલાન આપો તો આપના પર તૂટી પડવા તૈયાર છે. બન્ને પક્ષો સામસામી બાથડશે નક્કી.”

‘ઉપાધ્યાયજી, દસ સાલમાં પહેલી વાર ડી'કોસ્ટા જ્હૉન થઈ ગયો. હિંમત ચાલતી નહોતી. કોણ જાણે કેમ જેલ જવું નહોતું, ચાર સ્ટેશન પહેલાં મેં છાતીમાં દુઃખવાની બૂમ મારી. સૌએ મને વેઇટિંગ રૂમમાં સુવાડ્યો. મેં આંખ મીંચી રાખી. બીજે દિવસે પ્લેનમાં હું મુંબઈ પાછો ફર્યો.’

‘અને હડતાલ?’

‘પરમ દિવસે ત્યાં તોફાન થયું. ત્રણ જણા મરી ગયા' થોડી વાર શાંત રહી બોલ્યો, ‘મેં ત્યાં જઈ માત્ર એટલું કહ્યું હોત કે હડતાલ નકામી છે, નિષ્ફળ ગઈ છે, કામે ચઢી જાઓ...’

હોડકાંઓ છલકાઈ ગયાં હતાં; કાળાં પાણીમાં સ્ટીમર છોડી કાંઠા તરફ સરવા માંડ્યાં, સ્ટીમરની ફ્લડલાઇટો બુઝાઈ ગઈ. સીડી ખેંચાઈ ગઈ; દોરડાં બંધાઈ ગયાં; ડંકા વાગ્યા. સ્ટીમરે મોટું ઘુમાવ્યું.

‘ગોવામાં કેમ જાઓ છો?’

‘કંપનીએ મોકલ્યો છે. આયર્ન ઓરના વિકાસ માટે.’

‘હું તો મારે ગામ જઈશ. કોર્ટાલમ પાસે છે, મારી મા તો મરી ગઈ છે. ઝૂઆરી નદીના કાંઠે ત્યાં કબ્રસ્તાન છે ત્યાં એને દાટી છે. એના પથ્થર પર એનું નામ લખેલું છે; -“ડી”કોસ્ટાની મા” એવું લખ્યું નથી! ત્યાં જઈને ઉપાધ્યાયબાબુ ખૂબ ખૂબ રડીશ અને કહીશ કે મા તું સાચી હતી. હું ખરેખર કાયર હતો અને આજ પણ કાયર છું.'

સવારે પંજીમની મંડોવીમાં સ્ટીમર પ્રવેશી. બંદર પરની ભીડ જોઈ નવાઈ લાગી. ત્યાં તો એક પ્રચંડ અવાજ ઊઠ્યો,

‘ડી’કોસ્ટા ઝિંદાબાદ, ડી'કોસ્ટા ઝિંદાબાદ' લાલ બેનરો ફરફરવા માંડ્યા,

Welcome home D'costa

Worthy son of Goa

છેલ્લે છેલ્લે મેં એને ગેંગવે ઊતરતાં અને હાર ઝીલતાં જોયો. એનામાં બધું નકારવાની પણ તાકાત ક્યાં હતી?

સ્રોત

  • પુસ્તક : વ્હાઈટ હોર્સ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સર્જક : સુધીર દલાલ
  • પ્રકાશક : નવજીવન
  • વર્ષ : 2023