વીનેશ અંતાણી
Vinesh Antani
કસનભૈને ઘણીયે ના પાડી કે ન જાઓ. રોકાઈ જાઓ આજની રાત. હવે એક રાતમાં કાંય ખાટુંમોળું નહીં થઈ જાય. પણ કરસનભૈ જેનું નામ ! ન રોકાયા ! આવી ઉતાવળ કરશે એવી તો અમને ધારણા પણ નહોતી. ઉતાવળ એવી કરી કે ઘરવખરીમાં બચેલી બે-ત્રણ વસ્તુઓ પણ મૂકતા ગયા. કશું જ સાથે ન લઈ ગયા. એમની બત્રીસી ત્યાં પડી છે ગોખલામાં ને ખડખડ હસે છે. બાજુમાં દરરોજ સવારે ઉપયોગમાં લેતા તે બજરનો ડબ્બો પણ પડ્યો છે. પણ હવે બત્રીસી અને બજરને ઘણું છેટું પડી ગયું. આંગળી પર બજર લઈને ગલોફાંમાં દાબનાર કરસનભૈ પોતે જ વચ્ચેથી ઊઠીને હાલતા થઈ ગયા છે ! ગોળ ચશ્માં પણ પડ્યાં છે. એનો એક કાચ ભાંગેલો તો ભાંગેલો પણ એમને કામ આવતાં. બહુ ગમે એમને ચશ્માં. કે’તા કે આપણે આના વિના જીવી ન શકીએ, બાપ ! આ ચશ્માં છે તો નાક છે, કાન છે, આંખ છે, એવું લાગે. બાકી એના વિના તે કંઈ દુનિયા છે ! કાળું ધાબું છે કાળું ધાબું ! બસ. તે સિવાય કશું જ ઘરમાં નહોતું. બધી જ વસ્તુઓ એક એક કરતાં ઓયડામાં ફેંકી દીધી, તે છેલ્લે છેલ્લે તો અરીસા તરીકે કામ આવતો કાચનો ટુકડો પણ અંદર ફેંકી દીધો હતો.
કરસનભૈને કોઈ ઓળખતું ન હોય તો તમારે માત્ર એટલું કહેવાનું હોય - કરસનભૈને નથી ઓળખતા? કરસનભૈ ઓયડાવાળા... ! ને સામા માણસના ચહેરા પર કરસનભૈને ન ઓળખી શકવા બદલ ગુનાની છાપ ન ઊઠી આવે તો કે’જો...! આમ તો કરસનભૈ એવા માણસ કે એમને બધું ગમે. બધા માણસો ગમે. બધી વસ્તુઓ ગમે. બધી વાતો ગમે. બધું કરવું ગમે. પણ એમને પોતાનું ઘર અને તેમાંયે ઓરડો, જેટલાં ગમતાં એની તો વાત જ ન પૂછો. આંખ બંધ કરીને કરસનભૈને યાદ કરો તો જે નેગેટિવ આંખમાં ઊઠે તેમાં આગળ કરસનભૈ ઊભા હોય અને પાછળ એમનો અંધારો ઓયડો ઊભો હોય. કરસનભૈ ગમે ત્યાં જવા નીકળ્યા હોય, ધારો કે બજારમાં હોય તોપણ એમને તો એવું જ લાગે કે ભગવાનના માથા પાછળ તેજચક્ર હોય છે એમ કરસનભૈની પાછળ પણ આખો ઓયડો ઊભો છે.
તો એ કસનભૈ ઓયડાવાળા. પોતાના ઘરની પણ બહુ સંભાળ રાખે. ચોખ્ખુંચણક આંગણું ને ચોખ્ખુંચણક ઘર. દર વર્ષે લીંપણ કરાવતા. એકલા હતા તે દિવાળીના છસાત દિવસ પહેલાં પૈસા દઈને મોંઘીને તેડી આવતા. આખું ઘર ધોળાવી નાખતા. પછી માથે રહીને લીંપાવતા. બધા ડબ્બાડુબ્બી બહાર કાઢીને ઝાટકી ઝાટકીને પાછા ગોઠવતા. માત્ર ઓયડામાં કંઈ ન કરે. ઓયડાનાં બારણાં પર બેલતેલ પણ ન લગાવે. એ ઓયડા સામે અમે જોઈએ ત્યારે કાળીચૌદશની રાત જેવું અંધારું જ દેખાય. અમે તો ઘણી વાર કે’તા કે કરસનભૈ, ઓયડાને બાકી રાખ્યો ? એ કંઈ ન બોલે. અમે કહીએ, કો’તો ખરા, કરસનભૈ ? એવું તે શું છે ઓયડામાં કે તમે મોંઘીનેય સાફ કરવા દેતા નથી ? એ ન બોલે. પછી અમે ઘણી વાર કે’તા કે કરસનભૈ, અંદરના ઓયડામાં અમે કે’દીક તો જવા દો. ના ના પાડે. બહુ કરીએ તો ઓયડાના ઉંબર પર આડા સૂઈ જાય. મારા ગળાના સમ, મને ફાટેલો જુઓ જો અંદર જાઓ તો... અમે કહીએ, પણ કો’તો ખરા, કરસનભૈ, અંદર ચરુબરુ દાટ્યા છે કે શું ? એ ખડખડ કરતા હસે. બત્રીસી લગાવી હોય તો હસતા હોય એ સંભળાય, નહીં તો નાળિયેર હલાવીએ ને પાણીનો અવાજ સંભળાય એવું લાગે, પણ અમે તો રોજના બેસવાવાળા એટલે સમજી જઈએ કે કરસનભૈ છે ટેસમાં ! અંદર તો ચરુયે નથી દાબ્યો કે બરુયે નથી દાબ્યો. હાચું કહું ? અમે બધા ડોકી હલાવીને હા પાડતા. એ ખાનગી વાત કહી દે - હુંયે નથી ગ્યો ઈ ઓયડામાં ! જોયુંયે નથી કે અંદર કેટલી ચીજું જમા થઈ છે. હું તો મારે દિવસ જાય એમ જે ચીજ નકામી થઈ જાય તે અંદર ફેંકી દઉં. પણ માળું અચરજ કઈ વાતનું છે એ ખબર છે ? અમારા બધાનાં ફાટેલાં મોં જોઈને વળી નાળિયેરનું પાણી હલબલે. તે એલા, આમ બાધા શેના થઈ ગ્યા છો ? જાણે તમારા બાપા તમારા માટે ઓયડો મૂકી જ ન ગ્યા હોય ! અમે હસી પડીએ. ઓયડા તો ઘણાય છે, કરસનભૈ, પણ તમારા ઓયડાની તોલે ન આવે. આવા ઓયડા તો, કરસનભૈ, જેણે પાંચે આંગળીએ ભગવાન પૂજ્યા હોય ને, ઈંમને જ મળે... અમે તો જનમ જનમના અભાગિયા મૂઆ છીએ. કરસનભૈ જરા વધારે ખુશ થાય. હોઠ નીચે તમાકુ ભરે. ભગવાનને એક વાર પૂજીને રાખી દેવાથીયે ન મળે. ઈ તો હજીયે ભગવાનને દર્શદશ આંગળીએ પૂજ્યા જ કરતા હોયને ઈમને મળે ઈમ કો’...! નકર તમે શું એમ માનો છો કે આ - હાથ ઓયડાના અંધકારમાં લંબાવે પણ અંદર એરૂ આભડ્યો હોય એમ તરત જ પાછો ખેંચી લે, થોડા સિસકારા નીકળી જાય - આ ઓયડાને હાંચવી રાખવો એમ સે’લો માનો છો ? અરે કઈ ઘડીએ ઊઠીને હાલતો થાય ઈ વાતની તો તમને ખબર ન પડે. તમે જરા ઝોલે ચડવા હો કે જરા આડે પડખે થયા હો ને એટલામાં તો આવો આ હજાર હજાર જોજન દૂર પૂગી ગયો હોય ને તમે માથે હાથ દઈને બાપાના નામનું... વાત હસવા જેવી થઈ હોય તોપણ હસી ન શકાય. ઓયડાના ધણી ઉંબરમાં આડા દેવાણા હોય પછી હસાય કેમ ? એમ કહીએ, હવે ઊઠો, કરસનભૈ, બઉ થયું. સૂતા ઉંબરે. તમે કંઈ હિરણ્યકશ્યપ છો કે આમ સંધ્યાટાણે પહોળા થયા ઉંબર ઉપર ! તો શું કરું ? તમે બધા ભેળા થઈને માંય જવાની વાત કરતા હો અને હું ટાણું કે ટક જોવા બેસું તો તો આરોયે ન આવે...
એ બેઠા થાય. હું તમને ઈમ કે’તો’તો કે... કહીને વાત શરૂ કરે. બધા પાછા આંગણામાં આવી જઈએ. લીમડા નીચે બેસીએ, સામે ધોળાયેલું મકાન ઊભું હોય, માથે મોંઘીના સુંવાળા હાથ ફર્યા હોય અને ઉપર ઝગમગતી દિવાળી લટકતી હોય... તમારા સમ, કરસનભૈ, જીવવાનું મન થઈ જાય એવી સંભાળ રાખો છો તમારા આ ઘરની.... ત્યાં તો લીમડા ઉપર જાણે મોંઘી બેઠી હોય એમ મોંઘીના હસવાના પડઘા સંભળાય. લીંપણની વાસ ફેલાઈ જાય. સાંભળ્યું બધાએ હોય પણ કોઈ પૂછે નહીં કે મોંઘીનું ખિલખિલ હસવુંયે આ ભીંતોમાં ધોળાવ્યું છે કે શું, કરસનભૈ ?
હું તમને ઈમ કે’તો’તો કે આ ઓયડામાં અચરજ છે. તમને માન્યામાં નહીં આવે. પણ સાચે અચરજ છે. તમે જે વસ્તુ અંદર નાખો–પછી આંગળીથી સમજાવતા જાય અને ભારપૂર્વક કહેતા જાય - જે કંઈ/ગમે તેવી/ભારી/હલકી/ભરેલી/ખાલી/ચીજ/તમે/ઈ/ઓયડામાં/ઈ/ઓયડામાં/ ફેંકો/ભલે ને હમ્બો કરીને/હમ્બો કરીને હોં/ ગમે તેટલો હમ્બો કરો ને તમતમારે/પણ મારા ભઈલા તમે ઘા કરેલી ઈ ચીજનો અંદર પડવાનો અવાજ/જરાયે અવાજ/પાછો બા’ર ન આવે ! સાચું પૂછતાં તો અવાજ આવવો જોઈએ ને ? પણ આમાં તો કોણ જાણે ક્યાં જાય છે અવાજ ! તમને થાય કે મેં ખરેખર અંદર કંઈ ઘા તો કર્યું’તું ને ?
અમને વાત માનવા જેવી ન લાગે. અરે કરસનભૈ, તમેય આમ ટાઢા પો’રની ક્યાં હાંક હાંક કરવા બેઠા ! ઓયડામાં તમે ચીજનો ઘા કરો ને એનો અવાજ ન આવે એવું તે કંઈ બને ? અરે ભાઈ, તમને ખબર હોય કે મને ? હું તો દિવસમાં દશ વાર કરતો હોઈશ. એવું જ બને છે. કોઈ કહે, ખાવ ગળાના, કરસનભૈ ! અરે ગળાના તો શું આ પાંચ ફૂટના આખેઆખાનાં ખાધા, લે ને ! ફાટી પડું જો ખોટું કહેતો હોઉં તો... છતાંયે અમે ના પાડીએ વાત માનવાની. કરસનભૈ તેમ તેમ ઊકળતા જાય. છાતી ઠોકીને, હાથ પછાડીને, લીમડો હચમચાવીને, ડેલી પછાડ પછાડ કરીને પોતાની વાત સાચી ઠરાવવા મથે. ઉગ્રતા વધતી જાય. વાસો આવ્યો હોય એમ ધૂણતા જાય. મારો ઓયડો, મારો ઓયડો કરતા આંગણામાં ઘૂમી વળે, માથું કપાઈ ગયું હોય ને ધડ લડતું હોય એમ. પણ મચક ન દે. અમે શરત લગાવીએ. જો તમે સાચા પડ્યા, કરસનભૈ, તો અમે આટલું હાર્યાં. નકર તમે હાર્યાં...
ને એ ઠંડા પડી જાય. સમજી જાય. નાળિયેરનું પાણી ખડખડે. બઉ પાકા થઈ ગ્યા છો, છોરાઉં ! મારા હાળા મને ઉશ્કેરીને, શરતું લગાવીને અંદરના ઓયડામાં જાવા માગો છો ! માળા રાંયડાનાઓ, જાઓ ને તમારા ઓયડામાં ચીજું ઘા કરી જુઓ ને ! પણ અમે એમને સમજાવીએ. અરે કરસનભૈ, અમારા ઓયડા આવા બળ્યા હોત તો અહીં તમારા આંગણામાં શું કામ ટીંચાતા હોત ! આવા ઓયડા અમારા નસીબમાં ક્યાંથી ! અમારા ઓયડામાં ગરોળી છત ઉપરથી પડે તોયે એવો અવાજ થાય કે કુંભકરણે જાગી જાય ! બધા હસી પડે. કરસનભૈ પણ હળવા થઈને તમાકુવાળું પાન કાઢે. પછી પૂછે, કરવો છે કોઈને અર્ધા પાનનો ટેશ ? પણ પછી તરત જ આખું પાન પોતાના મોમાં નાખી દે અને અમારા બધાના લંબાયેલા હાથ ભોંઠા પાડે.
એવા અમારા કરસનભૈ. બહુ રખેવાળી કરે ઓયડાની. અમને કરસનભૈની વાત પર વિશ્વાસ નહોતો બેસતો. એવા તે કંઈ ઓયડા હોય ! તમે અંદર ચીજ ફેંકો ને અવાજ ન સંભળાય એવું તે કંઈ બને ? પણ કરસનભૈ આગળ કોઈ દલીલ ચાલે નહીં, એ વારંવાર વાત નીકળે ત્યારે એક જ વાત કહેતા રહે : ભાઈ, આ કોનો ઓયડો છે તે જાણો છો ? ને મારા ઓયડા વિશે તે હું જાણું કે તમે જાણો ? વર્ષોથી આ ઓયડાનો ભાર ઉપાડીને ફરું છું.
પછી તો અમને પણ એ જ વાત નડવા લાગી. જો કરસનભૈની વાત સાચી હોય તો ખાતરી કરવી જોઈએ. પણ કરસનભૈ મચક નહોતા આપતા. અમે માથાં પછાડીને મરી ગયા તોયે કરસનભૈ પોતાની વાતની ના નહોતા પાડતા અને અમને ખાતરી કરવા નહોતા આપતા.
અમે બધા જીવ ઉપર આવી ગયા. એક દિવસ કરસનભૈની વાતની ખાતરી કરવા મોડી રાત્રે એમને ઘેર જવાનું નક્કી કર્યું. આવો ઓયડો તો જોવો જ જોઈએ. છેવટે કંઈ નહીં તો એકાદ કાંકરી ફેંકીને પણ ખાતરી તો કરી જ લેવી જોઈએ કે અવાજ થાય છે કે નહીં.
નક્કી કર્યા પ્રમાણે છુપાતા, તળિયાં ઊંચાં ને જીવ તાળવે ચોંટાડીને કરસનભૈના ઘર પાસે પહોંચ્યા. પણ જેવા ઘરનાં બારણાં ઉઘાડ્યાં કે સામે જ ડોસો દેખાયો, તેલવાળા દીવાના તેજમાં જાગતો બેઠો હતો. બરાબર ઓયડાના ઉંબર પાસે. ધડાક દઈને બારણું બંધ કરીને નાસવા ગયા ત્યાં તો એ પાછળ આવીને ઊભા.
કેમ ‘લ્યા ?
અમે કહ્યું, તમને જોવા આવ્યા.
એ જોરથી હસ્યા. મને જોવા ન આવો, હું બધું સમજું છું. તમારી સગલીઓનાં પડખા નવાં મૂકીને આમાંનો એકેય જણ મને જાગતો જોવા આવે એવી નથી ! પણ અમે સાંભળવા શેના ઊભા રહીએ ?
પાછા ભેળા મળીને વિચારીએ, માથામાં કરસનભૈના ઓયડા સિવાય બીજું કંઈ નહોતું રહ્યું. કો’ક વાર અમને રોકવા એ ઓયડાના ઉંબરે આડા પડ્યા હોય ત્યારે એવો પણ વિચાર કરીએ કે આપણામાંથી છ જણા કરસનભૈને વાતે વળગાડે. ને બે જણાએ એકે દીવાસળીની પેટી અને બીજાએ લોખંડનો એક ટુકડો, અંદર ફેંકી દેવાં. એક વાર ખબર પડી જાય ને તોયે બસ ! તે બધું ગોઠવાઈ જાય. કરસનભૈ અમને રોકવા ઉંબરે સૂઈ ગયા હોય. અમે વાતો કરતા ઊભા હોઈએ. ત્યાં દીવાસળીની પેટીવાળો જેવી પેટીનો ઘા કરે કે તરત જ કરસનભૈનો હાથ ઊંચો થાય ને વચ્ચેથી જ ઊડતી આવતી પેટી પકડી લે. લોખંડનો ટુકડો જેવો વછૂટે તેવો સીધો કરસનભૈના વીજળી જેમ ઊંચા થયેલા હાથમાં. હજી કરો ઘા. ઘા કરો ને તમારી બાયડિયુંના સોનાના ચૂડલા. વેવલીનાઓ, મને કાચો સમજો છો ? જે આંગળાંથી ભગવાનને પૂજી પૂજીને આવો ઓયડો મેળવ્યો છે એ જ આંગળાં આ ઓયડાના તોતિંગ દરવાજા થઈને જીવે છે એ ખ્યાલમાં રાખજો. આ ઓયડો કરસનભૈનો છે. કરસનભૈને વારસામાં મળ્યો છે. કરસનભૈએ પોતે પણ જે ઓયડો જોયો નથી, અંદર કોઈ દી ગ્યા નથી ઈ ઓયડા હારે તમે ચેનચાળા કરો છો ?
એક દિવસ તો અમે પણ જીવ પર આવી ગયા. ઓયડાના પાછળના ભાગ પરથી છાપરે ચડીને અંદર ભુસકા મારવાનું નક્કી કર્યું. કોઈ તૈયાર નહોતું થતું. વાતો બધા કરતા હતા કે ના, હવે તો પત્તો લીધે જ છૂટકો. પણ કોઈ માનો જણ્યો તૈયાર ન થયો. હજી કંઈ નક્કી થાય તે પહેલાં તો કરસનભૈને વાવડ મળી ગયા કે શું તે ગંભીર અવાજે કહ્યું : જોજો તમારામાંથી કોઈએ એવી અળવીતરાઈ કરી છે તો બાપના જાશો. આ કરસનભૈ જેવો કસાઈ તમે દીઠો નહીં હોય ! મારે તો ના’વું નકર નિચોવવું. તમે જાનના જાશો. મારા ઓયડાનો વિચાર મૂકી દો, ભાઈ... મારા ઓયડામાં કોઈએ પગ ન મૂકવો કે ચીજ ઘા ન કરવી. મેં જેટલી ચીજું ફેંકી છે અને ફેકું છું ઈ જ ઘણી છે. તમારે કંઈ કરવાની જરૂર નથી. બઉ વિચાર કરશો આ ઓયડાનો ને ક્યાંક સપનાંબપનામાં આવશે ને તો રાંયડાનાઓ, હબકી જાહો અને ગાંડા થઈ જાહો...
પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ ઓયડો અમારા માટે જીવન-મરણનો પ્રશ્ન થઈ પડ્યો. અમે જેમ જેમ ઓયડાની નજીક પહોંચવા જઈએ તેમ તેમ બમણા વેગથી કરસનભૈ પહોંચી વળતા હતા. કરસનિયાને કાં’ક કરીને ગામબહાર મૂકી દો ને એટલે પછી નિરાંતે અંદર જઈને જોઈ આવીએ, કોઈક જણ આકળો થઈને બોલી પણ ઊઠે. અમે બધા બેબાકળા થઈ ગયા હતા. ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. ખાવાપીવામાં ચિત્ત નહોતું ચોટતું. રાતે, દિવસે, બપોરે, સાંજે, જમતાં, વાળુ કરતાં કે સૂતાં સૂતાં પણ ‘ઓયડો ઓયડો’ એમ અજંપો થયા કરે. આંખો ઊંડી બેસી ગઈ હતી. જીવનમાંથી રસ ઊડી ગયો હતો તેમતેમ કરસનિયો રોજ ઓયડામાં આજે આ નાખ્યું ને આજે તી નાખ્યું એમ બોલ્ય કરે. ચશ્માં વિના દુનિયાને કાળું ધાબું કહેનારો કરસનભૈ અમને મચક નહોતો આપતો. અમે કહ્યુંયે ખરું કે કરસનભૈ, ઓયડામાં એક ચીજ ફેંકવા નો’તી દેવી તો પછી વાત ન’તી કરવી જોઈતી. અર્ધું પાન ગજવામાંથી કાઢીને સંતોષથી ગલોફામાં રાખતાં એ માથું હલાવે. કશું જ બોલે નહીં પણ આંખમાંથી વ્યક્ત થાય કે ઈ જ તો ખૂબી છે ને !
ધીરેધીરે અમને અમારા ઓયડા પર ચીડ ચડવા લાગી. અમારા ઓયડાનાં બારણાં પછાડીએ, અંદર જાતજાતની વસ્તુઓ ફેંકીએ, દીવાલ પર ખીલા ઠોકીએ, લીંપણ ઉખેડી નાખીએ પણ અમારા ઓયડા એવા ને એવા રહ્યા ને કરસનભૈનો ઓયડો અમારા સામે એવો ને એવો અચરજ બનીને ઊભો રહ્યો.
અમે બધા સુકાઈને ઠાંઠું થઈ ગયા હતા એવામાં એક સાંજે એક જણ દોડતો દોડતો આવ્યો. શ્વાસ માય નહીં, ઘેરે ઘેરે જઈને બધાને કહી આવ્યો : હાલો, કરસનભૈ કે’ છે કે હું જાઉં છું. અમે કહ્યું હોય નહીં ! તો એણે કહ્યું, એક વાર હાલો તો ખરા. નજરોનજર જુઓ. અમે દોડ્યા. કરસનભૈ જાય છે ? જોયું તો વાત સાચી હતી. કરસનભૈ પરવારી બેઠા હતા. અમને જોઈને આંખ ઉઘાડી. આવી ગ્યા સૌ ? પછી આંખ ફેરવીને બધાને તપાસી લીધા. અમને રામ રામ કર્યા. હાલો ભાઈઓ, કરસનભૈ જાય છે. હઉને જાજા કરીને રામ રામ. બોલ્યુંચાલ્યું માફ. અમે ઘણું સમજાવ્યા. એક રાત પણ રોકાઈ જવા કહ્યું પણ એ ન માન્યા ને ગયા.
આખા ઘરમાં સોપો પડી ગયો. હજી અઠવાડિયા પહેલાં ઘર ધોળાવ્યું હતું ને આમ અચાનક ? ઘરમાં તેલવાળો દીવો બળતો હતો. બે-ત્રણ વસ્તુઓ સિવાય કરસનભૈએ બધી વસ્તુઓ ઓયડામાં ફેંકી દીધી હતી. હવે કંઈ નહોતું રહ્યું. ચાલ્યા ગયેલા કરસનભૈ લાંબા થઈને જમીન પર સૂતા હતા. સામે જ ફટાક ઉઘાડો ઓયડો હતો. અમે બધા ચૂપ થઈ ગયા હતા. કોઈ બોલે નકર ચાલે. કરસનભૈએ ભારી કરી. આમ ઓયડો ઉઘાડો મૂકીને ચાલ્યા ગ્યા એ સારું ન કર્યું...
અમે થોડી વાર જમીન પર સૂતેલા કરસનભૈને જોઈએ ને થોડી વાર ઓયડાને જોઈએ. અંદર ઘોર અંધારું હતું. આ તક જવા ન દેવાય. કરસનભૈ આખી જિંદગી કહેતા રહ્યા કે કોઈ પણ ચીજ નાખો તમે ઓયડામાં - અવાજ નહીં સંભળાય ! આ તક તો જવા ન જ દેવાય. અમે બધાએ ધડકતા દિલે કરસનભૈના શરીરને ઉપાડ્યું. એમનું માથું લબડી પડ્યું. વજન ઘણું હતું. ઉપાડતાં ઉપાડતાં શ્વાસ ચડી આવ્યો. પછી ઓયડા પાસે લઈ આવ્યા. ભગવાનનું નામ લઈને, હમ્બો કરીને, કરસનભૈના ભારી શરીરને ઓયડામાં કર્યું ઘા. પછી બધા કાન માંડીને બેસી રહ્યા. હમણાં ધુબાકો સંભળાશે, હમણાં ધુબાકો સંભળાશે.
પણ વર્ષો વીતી ગયાં છે.
સ્રોત
- પુસ્તક : વાર્તાવિશેષ વીનેશ અંતાણી (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : મણિલાલ હ. પટેલ
- પ્રકાશક : અરુણોદય પ્રકાશન
- વર્ષ : 2011
