પ્રબોધ પરીખ
Prabodh Parikh
ze vatcha chetmpa lu cantiptta
etra pru chatmnixuy cotaul cikta be zobt,
et utttri
mmmmn, mmmmtnaz mctchche, millkhttammm.
ze uatcha
ez ahcttau.
હસવાના અવાજો થયા છે. હું ઊભો થઈને માળિયા નીચે બારી છે ત્યાં ગયો, ખુરશી પર બેઠો છું. દાદરા પરથી હવે એમના ઊતરવાનો અવાજ, અને સામે કબાટ છે તેમાં છે એ રમકડાંઓ. અમે સાથે હોઈએ એટલે એવું હસીએ પછી પણ કંઈ નહિ. ઊભો થઈને ઊતરતાં ઊતરતાં ગયાં છે તેમને આવજો કહેવાનું તો ભૂલી જ ગયો છું. લાકડાનાં ટેબલો સામે બેઠા બેઠા એ કશુંય માનતા નહિ. હું પણ ત્યાં હોઈશ કે પછી આમ ને આમ બેઠા છીએ. અમે સૌ ભેગા થઈએ ત્યારે આમ કોઈક પાર્કમાં કે એવી રીતે શયનખંડમાં ‘આવ ભાઈ, આનંદ થયો. તમને મળીને, કેમ છો, કેમ છો?' સાવ નાનપણમાં આંગળી પકડીને શાક લેવા જતાં એ કાકીઓનાં, એમના લાંબા અવાજો. હું ઊભો થઈને બારી પાસે ઊભો રહ્યો છું. સ્ટ્રીટમાંથી એ બધા અવાજો થાય છે. ગામથી એ લોકો ફરવા આવ્યા હતા જેથી શહેર જોઈ શકે, આંખો અંજાઈ જાય ત્યાં સુધી. એ બધાં ઉત્સુકતાથી ફરતાં હશે. ગઈ કાલે પેલી ખુરશીઓની બાજુમાં દરવાજાને અઢેલી ઊભા હતા તે મારી બાનાં તે અને તેમનાં તે એમનાં ભત્રીજી આવ્યાં હતાં તે કહેતાં જ હતાં, અને બોલતાં હતાં, ડૉક્ટરે ના કહી છે, પણ હવે જોઈએ. પીત્તળના અને કાચની ડીશોના મહેમાનો આવે ત્યારે થતા અવાજો, એવું સાંભળું છું. એ ગયા અને પછી રૂમમાં હવે કોઈ રહ્યું નથી. રૂમ સાવ ખાલી છે. મારી આ રૂમમાં હું ઊભો રહ્યો છું. રૂમમાં કબાટ. એવા અવાજો કાગળનાં હવાથી જે આમતેમ ફરે છે, ગોળ ગોળ મોજાં ઇલેક્ટ્રિક વાયરનાં ફરતાં હોય તેમ ફરે છે, મારી રૂમમાં લાગણીશીલ થઈ ને અવાજ તરડાય છે. રૂમમાં બેઠો છું ને. અમે એક વાર અહીં બેઠા હતા. બારી પાસે ઊભા રહેતા સ્ટ્રીટમાં થતી ભીડ દેખાય છે. દાદરો હવે તો મૂંગો થયો છે. એના ઘરનો દાદરો મને યાદ આવે છે. દાખલ થતાં જ બીજે માળે એનું ઘર અને એ હોય ત્યાં એ એટલે કોણ? કોણ હશે એ? પાછળથી એમના ચંપલનો અવાજ સંભળાતો તે એ એ જ હશે. એ તો એવું બન્યું કે, ના રે. હોય કંઈ, એમ ઠાવકાઈથી, બસ કન્ડક્ટર ના કહે છે, મૂઢ જેવા એ, મારા ઘરથી ઘણે જ દૂર રહે છે તે, પ્રબળ ઇચ્છા છે તોય હજુ બસની લાઈનમાં જ છે. આ પહેલાં એક વાર થયું હતું તે મને યાદ છે. એમ જ આ રૂમમાં આંટા મારું છે, ખરેખર તો આમ ન જ થાય પણ હવે થયું જ છે તો. સામે ખીંટી પર વસ્ત્રો મૂક્યાં છે ગોઠવીને. હું પેલી બારી પાસે ગયો, પછી અહીં પાછો આવીને બેઠો છું. યહુદીઓનાં ગોઠવેલાં ઘર એક એક ખૂલતાં હોય, અને એ ઘર ન હોય, એમાંથી પવન રણમાંથી આવતો રૂમ પર વાય છે. પાંચ માળના આ મકાનની ઉપર અગાશીને અડીને જાય છે તે પવન બારીમાંથી જોઉં છું. નીચે સ્ટ્રીટ છે, અને પછી મોટો રસ્તો, ત્યાંથી જે રસ્તો ડાબી બાજુએ વળે છે તે, હું કંઈ આ કશું માનતો નથી. કાકી તો કહેતાં હતાં વાત ઘણી વધી ગઈ છે. આમ કોઈક વાર અકસ્માત જ સવારનાં છાપાં જોઈએ તો એનો ખ્યાલ આવે છે, કંઈ કરતો ન હોય તેથી કે પછી કોણ જાણે. હસીને એમને તો હું છેક દાદર સુધી મૂકી આવ્યો છું. ક્યાંય સુધી ત્રણ માળના દાદર પર એમના ઊતરવાનો અવાજ આવ્યા કરે. અને એ અવાજ, એ અવાજને સાંભળું છું ને કાનમાં કંઈક થઈ આવે છે. ફ્લાંગો ભરે છે તે હરણોની પાછળ કોણ હશે એ જાણવા આતુર થઈ જાઉં છું. હાથ નાના થઈ જાય છે, આંખો પર શું ઊંચકીને કરોળિયાના મોઢા જેવો એનો હાથ, કાણો હાથ હશે તે? માળિયા નીચે નાની બારી છે, મારી રૂમની. ત્યાં ઊભા રહેને ભાઈસાહેબ જોતા. પડોશીઓના છોકરા આવીને પૂછે છે કે આ ક્યાં આવ્યું? શું ક્યાં આવ્યું હશે? એમ કે, હું તો ભાઈ સાવ મૂઢ થઈને જ વાતો કરતો હતો. સામે પલંગ ગોઠવી રાખ્યો છે. ભીંત પરથી ચૂનો ખરે છે, એમનો અવાજ પહોળો છે. એ વાતનો મેં ખ્યાલ રાખ્યો નથી, એનું કંઈ આશ્વાસન પણ ન હોય. સહી ન શકાય એવી મુસીબતોનો સામનો કર્યો છે તે સૌએ. પથારી કરી રાખતા. તીણા અવાજો રાતે તો થયા જ કરે છે. મને પૂછ્યું તો હતું જ. એક વાત તો ખરી જ, કંઈ ખાસ ફાવતું હોય, કંઈ એમ દાદર પર ખખડતું તો હશે જ. હું ઊભો થઈને ત્યાં જોઉં છું. ઊભા થતાં જ ખ્યાલ આવે છે. દોડાદોડ થઈ જાય છે. મોડી રાતે સ્ટેશન માસ્તર થાંભલાના દીવાઓ પર લખેલું સ્ટેશનનું નામ જોતા જાય. હું એમની સાથે જ જતો. રાતે લાકડાનાં ટેબલો પર ખડકાતા કાગળોના કિલ્લા છે. હું ઊભો થયો છું. ને બેસી ગયો છું. પછી પાછો ફરું છું. દાદરા સામે જ રૂમ છે. અને ત્રીજે માળે. હાથ-પગ ઠંડા થઈ ગયા છે. ગળે કોઈ ધારદાર છૂરી ફેરવતું હોય તેમ. માળિયામાંથી કોઈ દોડી આવ્યું હશે. પણ નહિ. કોઈ નથી. એ તો માળિયાની સામે બેઠો છું. માળિયામાં કબૂતરે ઇંડાં મૂક્યાં છે. સામે બારી છે. અને એ રૂમ દાદર ૫૨ કોઈનો અવાજ નથી. ભીંત પર કબાટ ગોઠવ્યાં છે. અવાજના પડઘા થાય છે. ત્રીજે માળ દાખલ થતાં જ સામે રૂમ છે. એ રૂમમાં માળિયાની સામે બારી છે ત્યાં બેઠો છું. હું ઊભો થઈને કબાટ પાસે ગયો. હું પાસે જઉં છું. અવાજો થાય છે. રૂમમાં સમુદ્રની વાસ આવે છે. દસ વરસ થયાં, ત્રીસ 1 મેં શું કર્યું? શેરબજારમાંથી અમૃતલાલ મોદી, સ્કૂલમાં સાથે ભણતા, સુખદુઃખની તોને સમય હોય તો સૌ સાથે જ બેસીએ. દશ વરસ થયાં. ત્રીસ પણ મેં શું? હજું ઇમાં જ એ ગયાં એ વખતે, અને એ પહેલાં હસવાના અવાજો થતા. અને પછી એ ગયાં તો દાદરા પરથી જવાના અવાજો. ત્યાં ફોન રાખ્યો છે. હોડીમાં બેઠા હતા. ત્યાંથી પાછા પણ આવી ગયા. અને તેથી કંઈ થયું નહિ, તેથી કંઈ થયું નહિ, એ લોકો મને પૂછતા હતા, ભાઈ, પેલા શહેરની પાછળ અને ત્યાંથી આટલા માઈલ દૂર દક્ષિણ બાજુ જઈને થોડું ચાલીએ, પછી ત્યાંથી ઉત્તરમાં દશ માઈલ ચાલીએ તો તે શહેર, તેમાંથી કોણ આવતા હશે? પછી પણ કંઈ ખ્યાલ ન રહ્યો, અને ભૂલી ગયો. ખીંટી પર વસ્ત્રોનો ખડકલો થયો છે. ઉખેળતાં કલાકો થશે એમ કહે છે. સામે બારી છે. હમણાં જ કંઈ કામ હશે તે આવ્યા હતા, ભાઈ ગયા છે. દાદરો કોરોકટ ઊભો રહ્યો છે. ભોંય તળિયાથી અહીં સુધી. ત્રીજે માળે રૂમમાં બેઠો છું, અને પાંચમે માળે અગાશી છે. બધાં ત્યાં રમતાં હશે. ઊભો થઈને દાદરા પાસેથી બારી પાસે ગયો છું, એથી જે અવાજ આવે છે તે ઝાંખો થતો જાય છે. ક્યાં અને કેમ બધું ડૂબી જતું હશે? સભાખંડમાં નવાં વસ્ત્રો પહેરીને આવ્યા છે તે બધા સજ્જનો સાથે નમી નમીને પિરચય થાય છે. ગ્લાસ સામે છે. પછી ઝાંખાં ટેબલો હમણાં, થોડોક સમય થયો હશે, ગયા હતા તે, એ પહેલાં પણ કોઈ આવતો, અને એમ બધા સામે જોતો હોઉં છું. જાહેર મહેફિલોમાં ચમકતી આંખો, લોનમાં પાર્ક કરી છે તે મોટરો, એ બધા આવ્યા હતા એટલે પછી એમની ઓળખાણ થઈ છે. રૂમમાં બેઠો છું. બધા અવાજો થાય છે. કંઈક થઈ ગયું છે તે મારા હાથો પર કેમ ફરતું હશે? કંઈક થયું નથી તે પણ? મોટરમાંથી હમણાં ઊતરે છે તે અમારા ગામની સામે ગામ છે તે પછીના ગામમાં રહેતા. હવે તો એ વાત યાદ નથી, એવા બધા અવાજો થયા છે. હું પહેલાં લાઇબ્રેરી છે તે ખંડમાં બેસી રહેતો ને કલાકો ખોવાઈ જતા હતા, તે ખુરશી પર જઈને બેઠો છું. ઊભો થઈને પાછો બારી પાસે આવ્યો હતો, અને ખુરશી પર બેઠો છું. બારી પાસે ઊભો હતો ત્યારે પાછળ પીઠ પર માળિયાનો પડછાયો હશે. હવે ખુરશી પર બેઠો છું. અમુક મિનિટો પહેલાં દાદરા પરથી એમના ઊતરવાનો અવાજ સંભળાતો હતો. You see, this is, I am, please to see you, એક વાત કહેતા એ હસી પડ્યા, પછી ઘણી વાતો કરી હતી. રેડિયોમાંથી સમાચાર આવે છે તે સાંભળું છું. માળિયા ઉપરથી બધી ઈંટો એક પછી એક ખસતી જાય છે. બટાકાનું શાક છે. ડંફાસ હાંકતા થાકી જઈને પાછા ફર્યા. જૂની વાતોની આસપાસ ફરતા રહીને શું જોઈતું હશે મારી પાસેથી? ગયા વરસે જોઈ હોય તેમ જ મારી બારી પાસે ગોઠવેલી રાખી છે. ક્યાંય સુધી દાદરા પરથી એમના ઊતરવાનો અવાજ સંભળાતો હતો. સ્ટ્રીટમાં જોઉં છું તે બધા એમાંથી ઘણા ડાબી બાજુની સ્ટ્રીટમાંથી આવ્યા છે. પેલાં બેનને ઓળખું છું. બારીમ ઊભો રહીશ તો કંઈ થશે નહિ. હસવાના અવાજો થયા હતા, તે પછી રૂમમાં કંઈ છે નહિ. આંખો ફેલાવીને રૂમને જોઉં છું. અમૃતલાલ મોદીના નવા ચંપલનો અવાજ દાદર પરથી પવન સાથે આવે છે, માળિયામાં અથડાઈને પડઘા પાડે છે. એમની માથે નતમસ્તકે ગંભીર વાતો પણ થઈ છે. ગોઠવણ તો થઈ જ ગઈ છે, પણ કંઈ નહિ, બારીમાંથી જોઉં છું, પાસેથી જતાં જતાં કહ્યું, ને મેં સાંભળ્યું. અમૃતલાલ મોદી, મારા ગાઢ સ્નેહી. બારી ખખડે ને અવાજ કરતો કાગડો ઊડી જાય, હાથ લંબાવું ને રેડિયો બંધ થઈ જાય તેમ સ્ટ્રીટમાંથી જતાં જોઉં છું. સૌએ નક્કી જ કર્યું છે, છેવટે અંત સમયે તો સમજાશે જ પાંચ જ દિવસ પરની વાત, માળિયા નીચે આવી બેઠા. અને દલાલ સ્ટ્રીટમાં ઑફિસનું નક્કી થયું. અવાજ તરડાય છે, પણ કંઈ નહિ. બે આંગળીની વચ્ચે ખાલી જગ્યા છે તેમાં જોઉં છું. સામે માળિયું છે આ રૂમમાં, મકાનની નીચે ગુરખો બેઠો છે, આવજો કહેવાનું ભૂલી ગયો છું તે તો હવે ગયા હશે. અમૃતલાલ મોદી, કુટુંબીજનો, હસીને નમસ્કાર ઝીલું છું. શિયાળાના દિવસોમાં ઠંડી પછી ઉનાળામાં તડકો. હવે ચોમાસું બેસસે ને વરસાદ આવશે. હસતાં હસતાં ઊભો થઉં છું. બારીમાંથી લાંબા અવાજો નાના હોવા સુધી ફરતા જાય છે, તે તમે ખરેખર, સાવ સાચું, કહું છું બા બોલાવે છે. રૂમમાં અવાજો ભરાતા જાય છે. કબાટ સામે જોઉં છું ને મને એ યાદ આવે છે. હવે બોલું છું, સામે રૂમમાં કેટલા બધા લોકો બેઠા છે તે સાંભળતા હશે અને તે લોકો સૌ જે બજારમાં સોમવારથી રવિવા૨ માટે ખરીદી કરે છે, અને એ લોકો પણ જે સહેલગાહે પુરાણી મૂર્તિઓ જોવા નીકળ્યા છે કે નાની નાની રૂમોમાં બેસી અતિમુશ્કેલ પ્રશ્નોની છણાવટ કરે છે એ લોકો પણ બોલતા હશે ને? બધા અવાજો થયા, હું ઊભો થઈને માળિયા નીચે બારી છે ત્યાં જઈને બેઠો છું, રશિયન ઊનના કોટો ને નોર્વેની ઠંડી મસાલાથી ભરેલી માછલીઓ. ટ્રામમાં, આવજો કહ્યું છે તે તો બેસી જ ગયા હશે, દાદરા પરથી એમના ઊતરવાનો અવાજ સંભળાતો નથી કે બારીની પાસે ખુરશી છે, આ રૂમમાં, તેમાં ભીંત પર ઉપરની બાજુ હાર પહેરેલા કોઈકના ફોટોગ્રાફની નીચે હું બેઠો છું. ઊભો થઈને સ્ટ્રીટમાં જોઉં છું. બધી દોડાદોડી થઈ ગઈ છે, કયાં કશું હશે તેની કંઈ ખબર નથી. બધા શું બોલે છે તે કંઈક, જેમને આવજો કહ્યું હતું તે તો ગયા. ફેરિયાઓના અવાજ આવે છે. હવે તો આ રૂમમાં, ને બોલું છું તેમાં ઢોલના અવાજ પ્રસરતા જાય છે. ઢોલના અવાજો ઝાંખા થતા જાય છે સમુદ્રમાં ડૂબે છે, ને અવાજો શહેરમાં છે તે બારીમાંથી જોઉં છું. અમૃતલાલ મોદી કશું કહે છે, અમે, ગાઢ સ્નેહીઓ, બચપણનાં સાથી. હસવાના અવાજો થાય છે. ઊભો થઈને માળિયા નીચે બારી છે ત્યાં ગયો, પછી ખુરશી પર બેઠો છું. દાદરા પરથી હવે એમના ઊતરવાનો અવાજ, અને સામે કબાટ છે તેમાં એ રમકડાંઓ. અમે સાથે હોઈએ ત્યારે એવું હસીએ, એટલે પછી પણ કંઈ નહિ, ઊભો થઈને ઊતરતા ઊતરતા ગયા છે તેમને આવજો કહેવાનું તો ભૂલી ગયો. ભૂલી ગયો અમૃતલાલ મોદી, મારા ગાઢ સ્નેહી, બારીમાંથી જોઉં છું. હસવાના અવાજો થયા છે. હું ઊભો થઈને બેસીને ઊભો થઈને.
(‘કારણ વિનાના લોકો’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 276)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
