Kamau Dikaro - Short Stories | RekhtaGujarati

કમાઉ દીકરો

Kamau Dikaro

ચુનીલાલ મડિયા ચુનીલાલ મડિયા
કમાઉ દીકરો
ચુનીલાલ મડિયા

ભેંસ ગાભણી હતી ત્યારથી ગલા શેઠે અઘરણિયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી. શેઠને તો ઘરના ખેતર વાડી રહ્યા એટલે ઘાસ કે નીરણ-પૂળાની તો ખેંચ હોય, પણ ઓછામાં પૂરું ખેડુસાઈ વેપારધંધો હોવાથી કપાસિયાનીય કમીના હતી. વળી ગલા શેઠને મૂળથે ઢોરઢાખર ઉપર બહુ ભાવ. ભેંસને તો તેમણે હથેળી ઉપર રાખી હતી પણ જ્યારે ભેંસ વિયાણી અને પાડીની આશા રાખી હતી ત્યાં પાડો આવ્યો, ત્યારે ઘરમાં ગલા શેઠ સિવાયના સૌ માણસો નિરાશ થયા. શેઠને ઘડીભર લાગ્યું તો ખરું કે તો દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો. પણ શેઠ ગમે તેના તો મોટા માણસ. અને એમના મન પણ મોટા. એટલે પાડીને બદલે પાડો આવતા એમણે બહુ વિમસણ અનુભવી.

ગામલોકોએ તો માંડી મેલ્યું હતું કે વણમાગ્યા અણગમતા પાડાને શેઠ પાજરાપોળ ભેગો કરી દેશે. પણ વાણિયા માણસની વાત થાય? ગમે તેની તો ધર્મી જાત રહી. ગલા શેઠ તો કહે : ‘પાડાને મારે પાજરાપોળને ખીલે નથી બંધાવવો. ભલે મારી કોઢમાં બે કોળી રાડા ચાવે. સૌ પોતપોતાનું લખાવીને આવે છે. કીડીનો કણ ને હાથીનો મણ દેવાવાળો પાડાના પેટનું મને દઈ રહેશે.’

પાડો તો લીલાંછમ રાડાં ને માથે બોઘરુ બોઘરુ છાશ પીને વર્ષની આખરે તો ક્યાં વધી ગયો. તો શેઠે તો કીધું કે : ‘મારે એને પાંજરાપોળ નથી મોકલવો. એમાં અમારા ઘરની આબરૂ શી? ભલે મારા ઘરના ભારો સાઠા બગાડે, અમને ભગવાન દઈ રહેશે.’

પણ ન-દૂઝણિયાત ઢોરનું પાટું ખમીખમીને કેટલાક દિ’ ખમાય? પાડો મોટો થતો ગયો તેમતેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજસવાર ચારચાર કોળી રાડા પણ હવે એને ઓછા પડવા લાગ્યા. તુરંત શેઠની આંખ ઊઘડી.

એક સવારે પાડાને પાંજરાપોળ મૂકવા જવા સારું ગલા શેઠ પાદરે થઈને નીકળ્યા. લખુડો ગોવાળ પણ એક ભેંસના ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો. ખડાયું હજી હતું તો નાનકડુ પણ જોયું હોય તો પહેલાં વેતરવાળી ભગરી ભેંસ જેવું લાગે રંગરૂપે પણ ભારે નમણું. ચારે પગ ને મોં ઉપર ધોળાંકૂલ ચકરડાં ને કપાળ વચ્ચોવચ્ચ મજાની ટીલડી. આંખ કાળીકાળી બોઝ જેવી, ને ચામડીની રૂંવાટી તો મખમલની જોઈ લ્યો! ડીલ આખું જાણે કે રૂના પોલથી ભર્યું છે ને હાડકુ તો ક્યાં વાપર્યું નથી એવી પોચીપોચી ગાભા જેવી ભેંસ હતી. એક તો ભરાઉ ડીલવાળી ને એમાં પાછું ચડતું લોહી એટલે આંચળ પણ ખોબામાં સમાય એવાં. એને જોઈને પાડાના પગમાં તો કોકે મણમણ સીસાનાં ઢાળિયાં ઢાળી દીધાં હોય એમ રણકીને ઊભો રહ્યો. લખુડાએ ડચકારા કરી જોયા, પણ સાંભળે કોણ? પૂંછડું ઊબેળ્યું, પણ ખસે બીજા!

લખુડો શેઠના પાડાને કહે, ‘એલા શરમ વગરના! નકટા! નાગા! હાલતો થા હાલતો. લાજતો નતી જરા યે?’

પણ પાડો તો તસુ જેટલો ખસે નહિ ને!

લખુડે ફરી પાડાને બેચાર ગાળો સંભળાની અને પોતાનો પરોણો પાડાની પીઠ ઉપર સંબોડ્યો. પણ પાડો તો ફરીથી રણકીને ખડાયા સામે ઊભો થઈ રહ્યો.

લખુડો તો પ્રાણીઓનો પરખદો આદમી એટલે પાડાનું પોત તુરંત પારખી ગયો. ગલા શેઠને કહે, ‘શેઠ, પાડાને હવે પાંજરુપોળ મોકલનો રેવા દિયો ભલે મારે વાડે મોટો થાય ઢોરનું સામટુ બાડુ બાંધ્યું છે એમાં આનો ખીલો એક વધારે.’

‘તું એને શું કરીશ?’ શેઠે પૂછ્યું.

‘હું ને ખવરાવી પીવરાવી મોટો કરીશ. મારે આમે ભેંસ દબરાવવા સારું મૂંઝાવું પડે છે તે મૂંઝવણ તો ટળશે. આજે ઠીક જોગેજોગ જડી ગ્યો બાપલા!’

શેઠે તો તરત દાન અને મહાપુણ્ય કરીને ‘જા, તું કમાઈ ખા,’ કહેતા પાડો લખુડાને આપી દીધો.

‘કમાવાની તો કોને ખબર છે. કે દિ’ મોટો થાય ને ગામ એની પાસે ભેંસુ દવરાવે ને મને રુપિયોરોડો મળતો થાય? પણ હમણાં તો મારે હાથહાથની કાતરિયુંવાળા મોંઘા પાડા રાડાં એને નીરવાના ને?’

ગલા શેઠને એક કાંકરે બે પક્ષી મારવાનું પુણ્ય મળતું હતું. આમે પાડાને પાંજરાપોળમાં મૂકવા તો કોઢ બહાર કાઢ્યો હતો. લખુડા ગોવાળને સોંપવાથી ગામમાં ને ગામમાં, પોતાની નજર આગળ રહેતો હતો; એટલું નહિ. પોતાના જેવા મોટા માણસને ઘરેથી ઢોર મહાજનાવાડે મુકાય નીચાજોણામાંથી ઊગરી જવાનું હતું પણ પોતાની મિલ્કતમાંથી જતે દિવસે લખુડો દવરામણનો ધંધો કરીને માલેતુજાર બની જાય વસ્તુ તેમના વેપારી ગળા માટે ગળવી મુશ્કેલ હતી. તેમણે તુરંત પાડાના વેચાણ માટે કિંમત આકવા માંડી.

‘દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું મળે?’

લખુડો વેપારી નહોતો. એને કળાની ગતાગમ પણ નહોતી. એણે તો સીધો ને સટ જવાબ આપ્યો : ‘દવરામણનાં અડધા ફદિયા તમારા ને બાકીનાં અડધાં મારાં પછી છે કાંઈ?’

શેઠે સોદો કબૂલ રાખ્યો.

લખુડો ઢોરઢાખરનો હોશિયાર પારખ રહ્યો. એટલે ગલા શેઠના પાડાનાં લખણ વરતી ગયો હતો. એણે તો પાડાને સારી પેટે ખબરાવી પીવરાવીને સાંઢ જેવો કરવા માંડ્યો. પોતાને બાળપણથી ઢોર ઉપર અનગળ પ્રેમ હતો. બાપુકા સાઠ ભેંસના ખાડા વચ્ચે પોતે નાનાથી મોટો થયેલો. પશુઓને તે પોતાના આપ્તજનો ગણતો. એમાં, ગયે વર્ષે પોતાનો જુવાનજોધ દીકરો રાણો બે દિવસના ઊલટી-ઝાડામાં ફટાકિયાની જેમ ફૂટી ગયો ત્યારથી એનું દિલ ભાંગી ગયું હતું. જ્યારથી ગલા શેઠનો પાડો આંગણે બાંધ્યો ત્યારથી લખુડાને એમાં પોતાના મૃત પુત્ર રાણાનો અણસાર કળાતો હતો. એક દિવસ નીરણપૂળો કરી રહ્યા પછી એને કાળીભમર રૂવાટી ભરેલ છાતીવાળો રાણો સાંભરી આવ્યો ત્યારે એનું કઠણ હૈયું પણ હાથ રહી શક્યું. ‘આજે જીવતો હોત તો મને ગઢપણમાં રોટલો તો કામી દેત ને!’ કહેતા માથે વીંટેલ પનિયાના છેડા વતી આંખ લૂછીને વિચાર્યું. ‘કાંઈ નહિ, સામે ખીલે બાંધ્યો મારો રાણો છે ને? કાલ સવારે વધીને મોટો થઈને ભેંસુ દવવા માંડશે ત્યારે તો મૂળાના પતીકાં જેવા કલદારથી મારો ખોબો ભરી દેશે.’

અને તે ઘડીએ લખુડાએ શેઠના પાડાનું નામ રાણો પાડી દીધું.

રાણો તો લખુડાના હાથની ચાકરી પામતા કોઈ લક્ષાધિપતિને ઘેરે સાત ખોટનો દીકરો ઉછરે એમ ઉછરવા લાગ્યો. દિવસને જાતા કાંઈ વાર લાગે છે? થોડાક મહિનામાં તો રાણો જુવાનીમાં આવી ગયો. મોનો આખો ‘સીનો’ બદલી ગયો. આંખમાં નવી ચમક આવી ગઈ. અંગેઅંગ ફાટવા લાગ્યું લખુડાના અનુભવી કાન રાણાનો નવો રણકો વરતી ગયા. બીજે દિવસે લખુડો બાવળની ગાંઠ કાપી આવ્યો, ને સુતાર પાસે જઈને થાંભલા જેવો જાડો ને ભોંયમાં હાથ એક ઊંડો સમાય એવો મજબૂત ખીલો ઘડાવ્યો. રાણાને હવે પછી ખીલે બાંધવા માંડ્યો.

પણ અન્તે તો રાણો ગલા શેઠની ભેંસને પેટે એક આપાના ઘરઘરાઉ પાડાના દવરામણથી અવતર્યો હતો. એની દાઢમાં શેઠની કોઠીના કણ ભર્યા હતા, એનામાં સંસ્કાર પણ શેઠના હતા. નાનપણમાં શેઠના ઘરના કપાસિયા, રાડા. અડદમગના ફરમા ને માખણસોતી છાશ પી પીને પાડો મોટો થયો હતો. એમાં વળી લખુડા જેવા ગોવાળ બાપની ચાકરી પામ્યો : પછી કાંઈ બાકી રહે ખરું? એક દિવસ સુડલોએક અડદનું કોરમું ભરડી ગયો અને રાત પડી પડી ત્યાં તો ઘેરા ઘૂટેલા અવાજે રણકવાના માંડ્યો. લખુડો ખાટલામાં સૂતો હતો ત્યાંથી સફાળો ઊઠીને રાણા પાસે આવ્યો અને નવો ખોડેલો બાવળિયો ખીલો હલબલાવી જોયો પણ ચસ દીધો ત્યારે એને નિરાંત વળી રાણાની ડોકમાં પહેરાવેલી સાંકળમાં એક કડી ઊંચી ચડાવીને લખુડો બીતો બીતો જઈ ખાટલામાં પડ્યો.

મધરાતે લખુડો ફરી જાગી ગયો. રાણાનો આવો જોરદાર રણકો તો એણે પોતાના આવડા લાંબા આયખામાં કોઈ દિવસ સાંભળ્યો નહોતો. ડાંગ કે પછેડી કાંઈ પણ ભેગું લીધા વિના દોડતોકને જોવા ગયો તો ખીલે રાણો તો નહોતો પણ નવોનકોર ખીલો મૂળમાંથી ઊખડી ગયેલ જોયો. ટોડલે પડેલ મેરાયાની વાટ ઊંચી ચડાવીને અડખેપડખે નજર કરી તો સામે ખૂણે બાંધેલ એક ખડાયાના વાસા હારે રાણો પોતાનો વાસો ઘસે છે! ડોકમાં રુડમાળ જેવી લઠ્ઠ સાંકળ ને છેડે ધૂળ-ઢેફા સોતો ભોંયમાંથી ઊખેડી કાઢેલ બાવળિયો ખીલો લટકે છે! લખુડાનો તો જીવ ઊડી ગયો. પણ આવે ટાણે બીને બેઠાં રહ્યે કામ થાય? લખુડે એની આવડી આવરદામાં ભલભલા પાડાઓને હથેળીમાં રમાડી નાખ્યા હતા. ઝટઝટ એણે તો પડખેને ખીલેથી એક વાછડી છોડી મૂકી, રાણાને ખબર પણ પડે એવી રીતે એની સાંકળમાંથી ખીલો છૂટ્ટો કરી, નવે ખીલે એનો ગાળિયો પરોવી દીધો. ને થોડીક વાર પછી ખડાયાને એની જગ્યાએથી છોડીને પડખેના એકઢાળિયામાં બાંધી આવ્યો. પણ એમ તો રાણાના રણકા ને છાકોટા વધતા ગયા તુરંત લખુડો ચેતી ગયો અને રાણાની સાંકળ હળવેકથી છોડીને ઓશરીના તોંતીંગ થાંભલા ફરતી બાંધી દીધી. હવે રાણો શાન્ત થયો.

બનાવ ઉપરથી લખુડો ચેતી ગયો કે, રાણાનું નાક વીંધવાનો અને નાકર પહેરાવવાનો સમય પાકી ગયો છે. નાકર નાખ્યા વિના જનાવર હવે હાથ નહિ રહે. બીજું બધું તો ઠીક, પણ કાળ ચોઘડિયે કોઈ માણસને શીંગડુ ઉલાળીને ભોં ભેગો કરી દેશે તો જાતે જનમારે મારે કપાળે કાળી ટીલી ચોંટશે. રાણાની આંખ બદલતી જતી હતી. લખુડાએ એના પગમાં મોટો નોડો નાખ્યો હતો અને નાકમાં નાકર પહેરાની હતી એટલે કાંઈકેય હાથ રહેતો હતો. બાકી તો ખાઈ પી ને રાણો એવો મસ્તાન થયો હતો એને ફાટફાટ થતાં અંગોને લીધે એની આંખમાંથી એટલું તો ઝેર વરસતું હતું કે કોની મજાલ છે કે આંખ સામે આંખ પણ મેળવી શકે?

હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો. લખુડાને થયું કે ખવરાવી પીવરાવીને મોટો કરેલ દીકરો હવે બે પૈસા કમાતો થાય તો સારું કારણ કે, હવે તો રાણો ફાટીને ધૂમાડે ગયો હતો. વાડામાંથી બહાર તો કાઢ્યો નહોતો થાતો. વળી, હમણાં હમણાં એનો આહાર પણ બેહદ વધી ગયો હતો. એટલું વળી સારું હતું કે ગલા શેઠે, ભવિષ્યની કમાણીને લોભે પોતાની વાડીમાંથી રાણા માટે લીલુ વાઢી જવાની લખુડાને છૂટ આપી હતી. ગલા શેઠનું મફત મળતું લીલું ખાઈને રાણાનું જે લોહી જામ્યું એથી ગામ આખું તો ઠીક, પણ લખુડો પણ હવે તો બીવા લાગ્યો હતો. એના છાકોટા સાંભળીને લખુડાને દહેશત લાગતી કે કોક દિવસ રાણાની આંખ ફરશે તો મારાં તો સો યે વરસ એક ઘડીમાં પૂરાં કરી નાખશે. આગમચેતી વાપરીને એણે રાણાના નાકની નાકર પગના તોડા સાથે બાંધી રાખવાનું શરૂ કર્યું હતું પણ આમ આખો દિવસ હાથીની જેમ બાંધી રાખવાનું અને સાંજ પડ્યે અધમણ કડબના બૂકરડો બોલાની દેવાનું તે કેટલાક દિવસ પોસાય? લખુડાને થયું કે હવે ભેંસો દવરાવવી શરૂ કરીએ તો સાંજ પડ્યે રૂપિયા-રોડાનું દનિયું પડવા માંડે.

લખુડાએ ગામમાં વાત વહેતી મૂકી કે મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે: પણ ગલા શેઠે કબૂલ કર્યું તેમણે બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો.

ગલા શેઠનો ભાવ બીજા ગોવાળોના ભાવ કરતા બમણો હતો. પડખેના ગામમાં એક આપા ફક્ત એક રૂપિયામાં ભેંસ દવરાવી દેતા. પણ આપાના પાડાને ચાકરી જોઈએ તેવી નહોતી મળતી. એટલે ડીલમાં રાણા કરતા બહુ નબળો હતો. પરિણામે ગલા શેઠે સૂચવેલો લખુડાનો બે રૂપિયાનો ભાવ લોકોને બહુ આકરો લાગ્યો. આથી આપાનો વેપાર થોડે અંશે તૂટવા લાગ્યો અને લખુડાની ઘરાકી જામવા માંડી.

ધીમે ધીમે રાણાની ખ્યાતિ ગામના સીમાડા વટાવીને પરગામે પહોંચી. હટાણાં માટે આવરોજાવરો કરનારાઓએ લખુડાના અને રાણાના બે-મોએ વખાણ કરવા માંડ્યાં. તે દરમ્યાન ગામમાં દવરાવેલી ભેંસો વિયાવા માંડી હતી. એમના પાડી -પાડરડાં બતાવીને લખુડો તેમ ગલા શેઠ રાણાની વધારે જાહેરાત કરતાં.

લખુડાની મૂઠી રૂપિયાથી ભરાવા લાગી. જોકે, કુલ આવકમાંથી અડધોઅડધ તો ગલા શેઠ વગર મહેનતે ઉપાડી જતા, અને બાકી વધતી રકમમાંથી લખૂડાને રાણાના ખાણ માટે રોજિંદુ ખરચ થતું, છતાં રાણાનો ભાવ બમણો રાખ્યો હતો એટલે બચત સારા પ્રમાણમાં થઈ શકી.

પાંચેક વીસુ રૂપિયા ભેગા થયા એટલકે લખુડાએ વાડામાં ગયે ચોમાસે પડી ગયેલી વડી ફરી ચણી લીધી. મહે’પાણી ટાણે નીરણ પૂળો ભરના માટે આટલા દિવસ મૂંઝાવું પડતું હતું, તે હવે ફળિયામાં એક ખૂણે કાચું ચણતર કરીને માથે સાંઠી છાઈ દીધી. પોતાની ડાગને છેડે પિત્તળના બોભરા જડાવ્યાં; અને છતાં જ્યારે થોડા રૂપિયા વધ્યા ત્યારે એણે રાણાના પગમાં રૂપાનો તોડો પહેરાવ્યો અને સ્મૃતિપટ ઉપર મૃત પુત્રના ચિત્રની રહીસહી રેખાઓ સાથે નવા પુત્રની રેખાકૃતિની ઘડ બેસારવા માંડી.

લખુડાની આબાદી ગલાશેઠ જીરવી શક્યા. તેમને થયું કે રાણાની કમાણીમાંથી પોતાને મળવું જોઈએ તેટલું મળતર નથી મળતું. વળી, રાણાની વધતી જતી શાખને લીધે શેઠની વેપારી બુદ્ધિને ભાવ વધારવાનું સુઝાડ્યું. લખુડાને તેમણે બેને બદલે અઢી રૂપિયા ભાવ રાખવાની ફરજ પાડી છતાં ભરાતામાં ભરાય કોઈ અણલખ્યા નિયમને આધારે કે પછી લખુડાના સદભાગ્યે, રાણાની કમાણી ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલી. વધેલા ભાવ નહિ ગણકારતા, અડખેપડખેના ગામડાગોઠડાંમાંથી માણસો પોતાની ભેંસો લઈને લખુડા પાસે આવવા લાગ્યાં.

લખુડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો રાણા ઉપર–એક દિવસ મહાજનવાડે પુરાવા જતા એક અનાથ પાડરડા ઉપર–પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી. પોતાના પુત્ર રાણાને પણ એની મા સુવાવડમાંથી મા-વિહોણો કરીને ચાલી નીકળી હતી. લખુડાએ બાળકનાં બાળોતિયા ધોઈને એની માનું સ્થાન લીધું હતું. નમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાનજોધ બનાવ્યો પણ અદેખું કોગળિયું એની જુવાની સાખી શક્યું. લખુડાની પિતૃવાત્સલ્યની અભગ ધારા નીચે પુત્રની જગ્યાએ પ્રાણી આવીને ઊભું અને આંખ ઉઘાડતા વારમાં તો એણે પુત્રની ખોટ વિસારે પાડી દીધી. આજે કમાઉ દીકરાએ એને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હતો અને જતી જિંદગીમાં સુખનો રોટલો અપાવ્યો હતો.

તે દિવસે સનાળીના એક પટેલ પડે પોતાની ભગરી ભેંસ લઈને રાણા પાસે દવરાવવા આવ્યા ત્યારે લખુડાના હર્ષનો પાર રહ્યો. ગલા શેઠને ખબર પડી ત્યારે તેમને પણ આનંદ થયો. પણ તેમનો આનંદ લખુડાનાં આનંદથી જુદી જાતનો હતો. તેમને થયું કે પટેલ જેવા ખમતીધર માણસ પાસેથી પાવલું આઠ આના વધારે મળે તો સારું! પટેલ તેમની ભેંસ સાથે પાદરની એક હૉટેલ પાસે ઊભા હતા. તેમણે લખુડાને કહેવરાવ્યું એટલે લખુડો તો રાણાને દોરતો, કોઈ શહેનશાહની જેમ મલપતી ચાલે આવ્યો. પટેલની ભેંસ આવેડા પાસે ઊભી રાખી હતી, એટલે રાણો તો સીધો તરફ દોડવા જતો હતો પણ લખુડાએ ચેતી જઈને એની નાકર પગના તોડા સાથે બાંધી દીધી. તુરત રાણો સાવ સોજો થઈને ઊભો રહ્યો. તો એક ડગલું આગળ ચાલી શકે, એક તસુ પાછો હઠી શકે. નાકર બંધાયા પછી બીકણ છોકરા ઓરા આવવાની હિંમત કરી શક્યાં: કારણ કે આમ આડે દિવસે રાણાને છૂટી નાકરે આડા ઊતરવાનું જોખમ કોઈ ખેડતુ, ત્યાં આવા દવરાવવા ટાણે, જ્યારે હાથણી જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે તો રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે?

સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોઢા ટાણે ભેંસ દવરાવાશે. અને બન્યું પણ એમ જ. રોઢો નમતા રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો. ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. લખુડો ખુશમિજાજ હતો. પટેલ આવતી સાલ થનાર દૂઝાણાના દિવાસ્વપ્નમાં રમતા હતા.

ઓચિંતા ગલા શેઠ આવી ચઢ્યા અને લખુડાને અને ભગરીના ધણી પટેલને કહી ગયા કે દવરામણના આઠ આના વધારે પડશે.

ભાવ સાંભળીને પટેલને ટાઢ વાઈ ગઈ. લખુડાને પણ ગલા શેઠની કજુંસાઈ પ્રત્યે અણગમતો ઊપજ્યો.

પટેલ અને ગલા શેઠ વચ્ચે બહુ રકઝક ચાલી તે દરમ્યાન ગામના કેટલાક વિઘ્નસંતોષીઓ આવીને પટેલના કાનમાં કશીક ફૂંક મારી ગયા.

પટેલનું મન ઢચુપચુ થવા લાગ્યું. આઠ આના વધારે આપતાં તેમનો જીવ કચવાવા લાગ્યો.

રાણો હવે લખુડાના હાથમાંથી રાશ છોડાવતો હતો. ગામના માણસોએ ફરીથી પટેલના કાનમાં હોઠ ફફડાવ્યા. પટેલે છેવટનો નિર્મય, જણાવ્યો, ‘શેઠ, તમારો આવો આકરો ભાવ તો અમને નહિ પોહાય.’

‘અરે માથે આનો એક લટકાનો આપવો પડશે. સાત વાર ગરજ હોય તો આવોને!’ ગલા શેઠે તુમાખીમાં કહ્યું.

રાણાનું જોર વધતું જતું હતું. લખુડો સમો પારખીને ગલા શેઠને વાર્યા : ‘શેઠ, પાવલું આઠ આના ભલે ઓછા આપે. રાણા સામું તો જરાક જુઓ!’

ગલા શેઠે કહ્યું, ‘ના ના, એક પૈ ઓછી નહિ થાય.’

પટેલે કહ્યું, ‘તો મારે પાછું જાવું પડશે!’

‘તો રસ્તો પાધરો પડ્યો છે’. ગલા શેઠ બોલ્યા.

ગામ લોકોએ પટેલને સાનમાં સમજાવ્યા.

પટેલે છેવટનું જણાવી દીધું : ‘અમારે તમારા રાણા વિના અડ્યું નથી રહેવાનું. તમે ને તમારો રાણો રહો તમારે ઘેર. અમે ભલાં ને અમારી ભેંસ ભલી. તેરેકુ માંગન બહોત તો મેરેકુ ભૂપ અનેક.’

રાણો હવે હાથ નહોતો રહેતો. લખુડાએ ગલા શેઠને સમજાવ્યા : ‘શેઠ, આઠ આનઈડીના લોભમાં પડો મા, ને જનાવરની આંખ સામે જરાક નજર કરો.’

ગલા શેઠ તાડુક્યા : ‘હવે જોઈ જોઈ એની આંખ! એમ આંખ જોઈને બી જઈએ તો તો રહેવાય કેમ? બાંધી દે એની નાકર તોડા હારે.’

શેઠનો હુકમ કબૂલ કરી, અનિચ્છા છતાં લખુડો રાણાની નાકર એના તોડામાં ભરાવવા હતો વખતે ચબૂતરે બેઠેલા બધા માણસોએ બૂમો મારીને લખુડાને વાર્યો : ‘એલા! રેવા દે, રેવા દે! નાકર બાંધવી રેવા દે હો! રાણિયાની આંખ્ય ફરી ગઈ છે. હવે ઝાલ્યો નહિ રહે.’

અને નાકરની કડી ભરાવીને લખુડો હજી ઊભો થવા જાય છે ત્યાં રાણો વીફર્યો. એક છાકોટા સાથે એણે માથું હવામાં વીઝ્યું, અને નાકનાં ફોરણાનું જાડું ચામડું ચીરી ગયું. નાકરની કડી તોડા સાથે પરોવાયેલી પડી રહી અને રાણાના નાકમાંથી લોહીનો દરોડો છૂટ્યો. પણ અતૃપ્તિના દુઃખ આગળ નસકોરાના રક્તસ્રાવની વેદના શા હિસાબમાં? રાણાએ વીફરીને લખુડા સામે શીંગડા ઉગામ્યા.

લખુડો લાગ ચુકાવીને દોડ્યો.

અડખેપડખેનાં માણસો તો ક્યારના ચેતી જઈને ચબૂતરે ચડી ગયા હતા. ગલાશેઠ અને પટેલ વગેરે લોકો હૉટેલમાં પેસી ગયા હતા.

લખુડો મુઠ્ઠી વાળીને દોડ્યો. જીવ બચાવવા સારું વીરડીમાં પડેલા ધણામાં ઘૂસી ગયો. ડોબા આડે સંતાઈ જવાની બહુ મથામણ કરી પણ ફાવ્યો નહિ, કારણ કે આજે રાણાનો વીફરાટ જુદી જાતનો હતો. એણે ધારી નેમથી લખુડાનો પીછો પકડ્યો. લખુડો આડેધડ દોડવા લાગ્યો. એને આશા હતી કે ક્યાંક ઝાડની ઓથે ઊભીને રાણાની નેમ ચૂકવી દઈશ; પણ એમાં નિષ્ફળ નીવડ્યો.

આટલી વારમાં તો બધે રીડિયા-રમડ થઈ ગઈ હતી ‘એલાવ ભાગજો! ભાગજો! રાણિયો ગાંડો થયો છે!’ ચારેકોરથી બૂમો સંભળાતી હતી. લખુડાના હોશકોશ ઊડી ગયા હતા. આઘે આઘે ડોબા ચારતા છોકરાઓએ રાણાને જ્યાં ત્યાં શીંગડાં ભરાવતો ને છાકોટા નાખીને દોડતો જોયો એટલે સૌ ચપોપચ પીપળ ઉપર ચડી ગયાં પણ કમભાગ્યે લખુડાને તો એવું કોઈ ઝાડઝાખરું પણ વેતમાં નહોતું આવતું એની મતિ મૂંઝાણી હતી. ડૂબતા માણસના તણખલાની જેમ એણે પોતાનો ફેંટો રાણાના રસ્તા આડે નાખીને એને ભૂલવવા કરી જોયું; પણ ફેંટાને તો રાણાએ શીંગડે ચડાવી લીધો અને ફેંટાનો લાલચટાક રંગ જે કેમ જાણે લખુડાનો આખરી અંજામ બનવાનો હોય એમ બમણા વેગ અને ક્રોધથી રાણો લખુડાની પાછળ પડ્યો.

દોડી દોડીને લખુડાને હાંફ ચડ્યો હતો. મોઢે જાણે કે લોટ ઊડતો આવતો હતો. જીભ સુકાતી હતી. ગળે શોષ પડતો આવતો હતો. છાતી ધડક ધડક ધડકારા કરતી હતી. પેટમાં જાણે કે લ્હાય લાગી હતી. કપાળ ઉપર પરસેવાનાં મોતિયા બાઝ્યાં હતાં. આવી સ્થિતમાં રાણાથી છટકવા આડેધડ દોડ્યે ગયો.

હવે લખુડો થાક્યો હતો. આજે ફરી બેઠેલો રાણો મને નહિ મૂકે એવી ખાતરી થતી ટાંટિયા ભાગી ગયા. ચારેકોર નજર ફેરવી, પણ ક્યાં ઓથ જડે એવું લાગ્યું. ભાગેલ હૃદયે પણ દોડ્યે જતો હતો, છતાં, હવે બહુ ઝાઝુ દોડાય એમ લાગતું નહોતું. ભવિષ્યમાં દૂરદૂર પણ ઊગરવાનો આરો દેખાતો હોય તો પછી માણસને ક્યાં સુધી હૈયારી રહી શકે? લખુડાએ ફાટી આંખે પાછળ જોયું. રાણો હવે બહુ છેટો હતો. લોહીલોહાણ નાકોળી અને શીંગડામાં હીરાકશી ફેંટો લઈને, છંછેડાયેલી નાગણની જેમ નજીક ને નજીક ઊડતો આવતો હતો.

લખુડાને દિશાઓ નહોતી સૂઝતી. કાળને અને પોતાને હાથવેંતનું છેટું છે હકીકતનું ભાન થતા એના ઝૂડા ભાંગી ગયા. અને બાજુ પર ઊભેલ આવળના ઝૂંડ આડે સંતાવાથી પોતે રાણાની નજર ચુકાવી શકશે એવી ગણતરી આવળ આડે ઢગલો થઈ ને પડી ગયો.

પણ રાણાની કાળઝાળ આંખોમાંથી લખુડો પોતાને બચાવી નહોતો શક્યો. ઢગલો થઈને પડ્યા પછી હાંફની ધમણ સહેજ પણ ધીમી પડે પહેલાં પાસળાની કચડડાટી બોલાવતો રાણાનો એક હાથીપગ લખુડાનાં પાસળાં ઉપર પડ્યો અને બીજી ક્ષણે લોહીમાંસ સાથે ભળી ગયેલ હાડકાંના ભંગારટૂકડાઓમાં ભાલા જેવું એક અણિયાળું શીગડું ભોકાયું અને એક જોરદાર ઝાટકા સાથે, સૂતરની આટલી બહાર આવતી રહે એમ આંતરડાંનું આખું જાળું બહાર ખેંચાઈ આવ્યું.

આવળના ખાબોચિયામાં લખુડાના ઊના ઊના લોહીનું જે પાટોડુ ભરાયું એમાં રાણાએ ખદખદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું.

સ્રોત

  • પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : ગુલાબદાસ બ્રોકર
  • પ્રકાશક : ધી નેશનલ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
  • વર્ષ : 1948