મોહમ્મદ માંકડ
Mohammad Mankad
બાર વરસ થઈ ગયાં, રતિલાલ વિચાર કરતો હતો... ઇન્દુને મળ્યે બાર વરસ થઈ ગયાં ! જુદાં પડ્યા પછી ગુજરાત છોડીને એ આસામ ગયો હતો. વચ્ચે ચારેક વાર ગુજરાતમાં આવ્યો ત્યારે ઇન્દુને મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ મેળ ખાધો નહોતો. એક વાર પોતે બીમાર પડી ગયો હતો. એક વાર ઇન્દુ ક્યાં હતી, એની માહિતી મળી નહોતી. એક વાર માહિતી મળી પણ ઇન્દુ દક્ષિણ ભારતમાં ફરવા ગઈ હતી. અરે, એક વાર તો મળવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ ઇન્દુના સસરા ગુજરી જતાં છેક છેલ્લી ઘડીએ બધું વીંખાઈ ગયું હતું.
પણ આજે ખાસ એ માટે એ રાજકોટથી અમદાવાદ જઈ રહ્યો હતો. કિસન સોલંકી પાસેથી ઇન્દુનું પાકું એડ્રેસ પણ લઈ લીધું હતું. થોડા દિવસ પહેલાં જ કિસન અમદાવાદ ગયો હતો ત્યારે ઇન્દુ એને મળી હતી. કિસન કહેતો હતો કે, ‘તમારા પેલા મિત્ર...’ એમ વાતમાંથી વાત કાઢીને રતિલાલ વિષે એ પૂછતી હતી અને પોતાનું એડ્રેસ પણ કદાચ, રતિલાલને પહોંચાડવા માટે જ આપ્યું હતું. રતિલાલે નક્કી કર્યું હતું આ વખતે તો...
શું આ વખતે ?
હસવું આવી ગયું અને આખા શરીરમાં કશોક સળવળાટ પણ થઈ ગયો... આ વખતે તો, બસ, ઇન્દુડીને...
ત્રીસ-બત્રીસ વરસની ઉંમરે, રતિલાલ પહેલી વાર અઢાર વરસની ઇન્દુના પરિચયમાં આવ્યો હતો. શું છોકરી હતી ! શું... છોકરી હતી ! બીજી છોકરીઓ રતિલાલે જોઈ હતી, પણ ઇન્દુ તો ઇન્દુ જ હતી... ચાંદનો ટુકડો ! અને કિસન કહેતો કે અત્યારે તો ઓર ખીલી હતી. સત્તર અઢાર વરસની ઇન્દુ સાથે બેએક વરસ રતિલાલે મજા કરી હતી. પછી એને આસામ જવાનું થયું હતું. ઇન્દુ રડી પડી હતી. ખૂબ રડી હતી. પછી, પરણી ગઈ હતી.
હવે, બાર વરસ પછી ફરી એને મળવાનું હતું. પહેલાં તો, રતિલાલે રાજકોટથી ફોન કરીને કે એવી બીજી કોઈક રીતે, મળવાનાં સમય-સ્થળ નક્કી કરવાનું વિચાર્યું હતું. પણ કિસને કહ્યું હતું કે ઇન્દુનો પતિ બહુ ખાનદાન હતો, ફોરવર્ડ-માઇન્ડેડ હતો, (અને રતિલાલને પણ એ ખબર હતી.) એટલે અચાનક જઈને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું. અમદાવાદમાં ઑફિસનું થોડું કામ તો રતિલાલને હતું, પણ એ તો એક બહાનું હતું. મુખ્ય કામ તો આ જ હતું.
બસમાંથી ઊતરીને રતિલાલ ‘વિરામ હોટેલ’માં પહોંચ્યો. વિરામવાળા સાથે થોડો પરિચય પણ હતો. હોટેલનો નોકર આવીને નવ નંબરની રૂમમાં એની સૂટકેસ મૂકી ગયો. રતિલાલને યાદ આવ્યું, નવનો આંકડો એના માટે ઘણો જ શુકનિયાળ હતો. રૂમમાં બે કૉટ હતા, અને બીજો માણસ અત્યારે બાથરૂમમાં નહાતો હતો. રિતલાલ બૂટમોજાં કાઢીને પલંગ પર લાંબો થયો.
થોડી વાર પછી બાથરૂમનું બારણું ખૂલ્યું અને બાજુના કૉટવાળો આદમી ટુવાલ વીંટીને રૂમમાં દાખલ થયો. રતિલાલને એ ન ગમ્યું. પણ અહીં એવો અણગમો વ્યક્ત થઈ શકે તેમ નહોતો. ટુવાલ વીંટેલા માણસ સામે એણે સ્મિત કર્યું.
ટુવાલવાળો માણસ પણ મજાનો હતો. થોડો વધારે ખુલ્લો હતો. રતિલાલ સાથે એણે ફટાફટ વાત કરવાનું શરૂ કર્યું: ‘મારું નામ નિરંજન જોશી છે. નવસારી રહું છું. અહીં એક મિત્રને...’ અટકી ગયો, ‘અહીં ઑફિસના કામે આવ્યો છું.’
અચાનક રતિલાલને હસવું આવી ગયું અને એ હાસ્ય નિરંજન ઓળખી ગયો.
‘તમે પણ, કાકા, ઑફિસના કામે જ આવ્યા છો ?’ એણે શરારતથી પૂછ્યું.
કાકા ? રતિલાલને આંચકો લાગ્યો. વાળમાં સફેદ છાંટ તો દેખાતી હતી. પણ કાકા !?... અરે, હજી પિસ્તાલીસ પણ થયાં નથી અને પિસ્તાલીસનો પુરુષ તો... ‘કાકા’ શબ્દને એ માંડ માંડ ગળી શક્યો અને એ ગળવાની ક્રિયાને કારણે કશો જવાબ ન આપી શક્યો.
નિરંજનને લાગ્યું કે એણે ક્યાંક કશીક ઉતાવળ કરી નાખી હતી, પણ એ ઉત્સાહી હતો. હસીને બોલ્યો, ‘અમારે તો કાકા, ઑફિસનું બહાનું. બાકી, અમદાવાદ આવીએ ત્યારે... જરા મજા કરી લઈએ.’
અને નોકરને બોલાવીને તેણે બંને જણા માટે ચા-નાસ્તાનો ઑર્ડર આપ્યો. રતિલાલે ઘણી આનાકાની કરી, ‘મને નાહ્યા પહેલાં કશું લેવાનું નહીં ફાવે.’
પણ નિરંજને, ‘નાહી લો ને કાકા, એમાં વાર કેટલી ? આ તો રોકેટનો જમાનો છે. આટલી વારમાં હું તો ત્રણ વાર નાહી લઉં !’ કહીને હસવાનું અને વાતો કરવાનું ચાલુ રાખ્યું.
રતિલાલને એક માત્ર ‘કાકા’ શબ્દ સિવાયનો આખો નિરંજન ગમી ગયો. માણસ નિખાલસ અને પ્રેમાળ હતો. જલદીથી આત્મીય બની જાય એવો હતો. એની સૂચના પ્રમાણે જલદીથી નાહી લીધું. તૈયાર થઈ ગયો. બંને નાસ્તો કરવા બેઠા. રતિલાલનું નામ, ગામ, ધંધો, વગેરે જાણી લીધું. (જાણવા ખાતર જ) અને પોતાના વિષે કહેવાય એટલું કહી દીધું.
‘અહીં વાસણામાં મારી એક બહેનપણી રહે છે.’ નિરંજન હસી પડ્યો. પોતે પસંદ કરેલા શબ્દ ઉપર. એનું નામ છે ચારુ. એને જોયા પછી જ મને ચારુ શબ્દનો અર્થ સમજાયો. એવી સુંદર છોકરી છે કે નજર પડે તો નજર ચોંટી જાય ! જોનારો બસ જોઈ જ રહે. તમે માનશો કેટલીક વાર હું એને જોવામાં એટલો તલ્લીન થઈ જાઉં છું કે બીજું બધું જ ભૂલી જાઉં છું.’ અને રતિલાલને પોતાના કહેવાનો અર્થ બરાબર સમજાય એટલા માટે એણે આંખ ઝીણી કરી. બીજું બધું જ...’
રતિલાલ ઇન્દુના વિચારે ચડી ગયો હતો. એક વાર એ પણ ઇન્દુને જોવામાં જ ખોવાઈ ગયો હતો, ત્યારે ઇન્દુએ એને...
‘કેમ કાકા, શા વિચારમાં પડી ગયા ?’ નિરંજન હસી પડ્યો.
રતિલાલ સ્વસ્થ થયો. બોલ્યો, ‘તમે મને રતિલાલ કહેશો તો ચાલશે.’
નિરંજન વળી હસી પડ્યો. ‘બરાબર છે.’ પોતાની વાત કહેવાના ઉત્સાહમાં એ હતો. ‘હું અમદાવાદ આવું ત્યારે અચૂક ચારુને મળું છું. અથવા તો, સાચું કહું તો, ઘણી વાર એને મળવા માટે જ અમદાવાદ આવું છું. અરે, પણ તમને તો હું પૂછતાં જ ભૂલી ગયો, તમે અહીં શું આવ્યા છો ? ધંધાના કામે ?’ અને વળી હસી પડ્યો, ‘પેલી ધંધાના કામની જૉક સાંભળી છે ને ? એક વાર એક ડૉક્ટર અને એની પત્ની ચાલ્યાં જતાં હતાં. એ વખતે, રસ્તાની સામી બાજુએ ઊભેલી એક સ્ત્રીએ હાથથી ઇશારો કરીને ડૉક્ટરને પોતાની પાસે બોલાવ્યો. રસ્તો ક્રોસ કરીને ડૉક્ટર એ સ્ત્રી પાસે ગયો અને થોડી વાર વાત કરીને પાછો આવ્યો. જોયું તો પત્નીનો ચહેરો લાલદરવાજા જેવો બની ગયો હતો. એને ઠંડી પાડવા ડૉક્ટરે હસીને કહ્યું, ‘ડાર્લિંગ, ખાસ કશું નહોતું. થોડું ધંધાનું કામ હતું. પત્નીનો ચહેરો લાલ ભડકો થઈ ગયો, ‘કોના ધંધાનું ?’ ધંધાની વાત આવી છે ! જોકે તમને મારાથી એવું ન પુછાય, પણ હું તો, મેં કહ્યું તેમ, ચારુને મળવા જ આવ્યો છું.’
‘આમ તો હું પણ એક વ્યક્તિને મળવા જ આવ્યો છું.’ રતિલાલે કહ્યું, ‘પણ તમારામાં ને અમારામાં ફેર છે. અમારે બાઈના બદલે ભાઈને મળવાનું છે - ઇન્દુભાઈને.’
‘અરે, વડીલ,’ આ વખતે કાકા શબ્દને બાજુ પર રાખીને નિરંજને વડીલ શબ્દની પસંદગી કરી. ‘આ બાઈ અને ભાઈ વિષે પણ જાણવા જેવું છે.’ ફરી હસી પડ્યો, ‘મારો એક મિત્ર છે, પ્રવીણ, છેલ્લાં ત્રણ વરસથી એક પરણેલી છોકરી સાથે, આ ભાઈ અને બાઈની ટ્રિક વાપરીને પત્રવ્યવહાર ચલાવે છે. છોકરીને પત્ર લખે ત્યારે એ પ્રવીણમાંથી પ્રવીણા બની જાય છે અને છોકરી પત્ર લખે ત્યારે ‘જયા’માંથી યવદન બની જાય છે.’
એ વાત સાંભળીને રતિલાલ હસી ન શક્યો. નિરંજનની ટકોર એ સમજી ગયો - ઇન્દુભાઈવાળી ટ્રિક હવે સાવ જૂની થઈ ગઈ હતી.
જમવાના સમય સુધી બંનેએ આડીઅવળી વાતો કરી, સાથે જમ્યા અને પછી પોતપોતાના કામે જવા માટે જુદા પડ્યા.
*
ગરમી સખત હતી. રતિલાલ પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. ઇન્દુને મળવા ઘણા વખત પછી જઈ રહ્યો હતો. એટલે પણ કદાચ પરસેવો વધુ વળતો હોય ! રિક્ષા સડસડાટ નારાયણપુરા તરફ જઈ રહી હતી. રતિલાલ વિચારતો હતો. ધારો કે ઇન્દુનો હસબંડ ઘેર હોય...
અત્યારે એ શક્ય નથી.
પણ ધારો કે હોય...
તો પણ એ ખાનદાન માણસ છે અને ઇન્દુના પિયરની કોઈ પરિચિત વ્યક્તિ એને મળવા પણ ન આવી શકે ? એમાં શંકા કરવા જેવું શું છે ?
આમ તો કશું નહિ, પણ આ બપોરનો સમય...
અરે, પરિચિતો તો રાતના સમયે પણ આવી શકે.
અને રતિલાલને કિસન સોલંકીએ એના રાતના પરાક્રમની કરેલી એક વાત સાંભરી ગઈ. એક વાર કિસન એની એક બહેનપણીને (નિરંજનનો શબ્દ) મળવા રાત્રે ગયેલો. અચાનક એ સ્ત્રીનો પતિ બહારગામથી આવી ગયો. કિસન તરત જ ઇલેક્ટ્રિશિયન બની ગયો અને ઇલેક્ટ્રિસિટીનો ફોલ્ટ રિપેર કરવા આવ્યો હોય એવો દેખાવ કરવા લાગ્યો. પતિ જેવો અંદર આવ્યો કે તરત જ પેલી સ્ત્રી પાસેથી પાંચ રૂપિયા લઈને અને એના પતિને સલામ કરીને, એ રવાના થઈ ગયો... રતિલાલને હસવું આવી ગયું. આ એક વસ્તુ માટે માણસો કેવાં કેવાં બહાનાં શોધી કાઢે છે !
રિક્ષાવાળાએ બ્રેક મારીને રિક્ષા ઊભી રાખી. ‘નારાયણપુરા કા ફાટક આ ગયા, સા’બ. અબ કિસ તરફ લેલું ?’
‘એ તો મને ખબર નથી, ભાઈ, પણ અહીં સુલભ-ફ્લેટ્સ છે ત્યાં લઈ લો.’
‘નારાયણપુરા-ફાટક પાસે છે ?’
‘હા. નજીકમાં જ છે.’
રિક્ષાવાળો થોડી વાર મૂંઝાયો. રતિલાલને લાગ્યું કે એ પણ કદાચ, નવો હશે. નજીકમાંથી પસાર થતા એક માણસને એણે પૂછ્યું. એણે પણ થોડી વાર વિચાર કર્યો પછી કહ્યું, ‘આગળ જઈને, ચોક આવે ત્યાંથી ડાબી તરફ વળી જજો અને પછી કોઈકને પૂછજો. ઘણું કરીને, ત્યાં નજીકમાં જ સુલભ-એપાર્ટમેન્ટ્સ છે.’
રતિલાલને કહેવાનું મન થયું કે ભાઈ સુલભ-એપાર્ટમેન્ટ્સ નહીં, પણ સુલભ-ફ્લેટ્સ... પણ એ બોલ્યો નહીં.
રિક્ષાવાળાએ રિક્ષા ચલાવી. ચોકમાં જઈને ડાબી તરફ લીધી. થોડે દૂર જઈને એક પાનની કેબિનવાળાને પૂછ્યું. પણ એણે કહ્યું કે એવા કોઈ એપાર્ટમેન્ટ્સ કે ફ્લેટ્સ ત્યાં નહોતા.
અને પછી ચક્કર શરૂ થયું. ડાબી તરફ, જમણી તરફ બીજા ચોકમાં, ત્રીજા ચોકમાં, રિક્ષા દોડ્યા કરી. પણ સુલભ-ફ્લેટ્સનો પત્તો લાગ્યો જ નહીં.
‘સા’બ, ઈધર તો ઐસા કોઈ ફ્લેટ્સ નહીં હૈ. અબ ક્યા કરેંગે ?’
‘અરે, ભાઈ અહીંયાં જ છે.’ રતિલાલે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, અંદર પડેલી કાગળની બધી ચબરખીઓ જોઈ નાખી. હત્તેરી ! એડ્રેસવાળી ચબરખી ડાયરીમાં રહી ગઈ ! અને ડાયરી, બૅગમાં રહી ગઈ અને બૅગ હોટેલમાં...
‘આપકો એડ્રેસ બરાબર યાદ હૈ, સા’બ ? નારાયણપુરા, હૈ કિ નવરંગપુરા’
રતિલાલ વિચારમાં પડી ગયો.... કદાચ. નવરંગપુરા પણ હોય.
રિક્ષા એમણે નવરંગપુરા ફાટક પાસે લેવડાવી. ફરી ડાબા હાથે. જમણા હાથે, શરૂ થયું ગરમી વધવા લાગી. શરીર થાકવા લાગ્યું. કંટાળો આવવા લાગ્યો. એડ્રેસની ચબરખી ડાયરીમાં રહી ગઈ હતી... આમ તો, એને એડ્રેસ બરાબર યાદ હતું, પણ....
એક વિચાર એવો પણ આવી ગયો કે કિસનિયાએ, સાલાએ બનાવટ તો નહીં કરી હોય ને ?’
પોતાની જાત ઉપર એ નારાજ થઈ ગયો. શું દોડી આવ્યો હતો ! મૂર્ખ... મહામૂર્ખ... મૂર્ખશિરોમણિ...
ના, કિસન આવી બનાવટ ન કરે.
ગમે તે હોય. પણ એ પોતે મૂર્ખ તો હતો જ, નહીં તો આવી ગરમીમાં આવી રીતે...
રિક્ષાવાળો કહેતો હતો, ‘સા’બ આપકા એડ્રેસ બરાબર નહીં.’ એ પણ હવે કંટાળ્યો હતો.
પરસેવો લૂછી લૂછીને રિતલાલનો રૂમાલ પલળી ગયો હતો. એણે કહ્યું, ‘ચલો, વિરામ હોટેલ પર લે લો.’
થાકીને, લોથ થઈને એ હોટેલમાં પાછો ફર્યો ત્યારે, મેરેથોન દોડ દોડીને પાછો આવ્યો હોય એમ એને લગ્યું. જઈને સીધો પથારીમાં પડી ગયો. પેન્ટ બુશકોટ પણ ન કાઢ્યાં.
*
રાત્રે નવ વાગે નિરંજન આવ્યો ત્યારે રતિલાલ સ્વસ્થ થઈ ગયો હતો. મનમાં ઊંડે ઊંડે તો કોચવાતો જ હતો. પણ બહારથી સ્વસ્થ થઈ ગયો હતો. બૅગમાંથી ડાયરી કાઢીને ઇન્દુનું એડ્રેસ જોઈ લીધું હતું. નારાયણપુરા બરાબર હતું. પણ ફ્લેટ્સના નામમાં એણે ગોટાળો કર્યો હતો. સુલભ-ફ્લેટ્સ કઈ રીતે એના મગજમાં ઘૂસી ગયું હતું એ એને ખબર ન પડી. પણ ઘૂસી ગયું હતું અને બધો જ ખેલ એણે બગાડી નાખ્યો હતો.
એડ્રેસ જોયા પછી, ફરીથી જવાનો વિચાર એણે કર્યો હતો. પણ થાક, કંટાળો, જે કાંઈ હોય તે એટલો બધો હતો કે પેલા વિચારમાં એના શરીરને ધકેલવાની હવે શક્તિ જ નહોતી. અનેક વાર ઇન્દુનો વિચાર એણે કર્યો. પણ દરેક વખતે થયું, જવા દે ને યાર. કાલે વાત.
પણ કાલે સવારે તો પાછા ગયા વિના છૂટકો નથી.
સવારે ન જવું.
પણ સવારમાં થોડું એને ત્યાં જવાય છે ? અને જવાય તોપણ...
કાલે બપોરે જવું.
ના, એ શક્ય નથી. કાલે ચારેક વાગે તો, મોડામાં મોડા રાજકોટ પહોંચવું જ જોઈએ.
તો... પછી ક્યારેક વાત...
પણ, ખાસ એટલા માટે તો અહીં સુધી...
બધી વાત સાચી, પણ શરીર ફરી તૈયાર ન થયું તે ન જ થયું. એટલું જ નહીં. એ બાબતમાં, ‘હવે નથી જવું’ એમ નક્કી કર્યું, ત્યારે જ મન ઉપરથી ભાર ઓછો થયો. ચાલો, પત્યું. મૂકો માથાકૂટ.
અને ધીમે ધીમે એ સ્વસ્થ થયો. ડાઇનિંગ હૉલમાં જઈને જમી આવ્યો. નિરંજન હજી આવ્યો નહોતો, રૂમમાં આવીને, ત્યાં પડેલું સવારનું છાપું વાંચવા લાગ્યો.
નિરંજન નવ વાગે આવ્યો. ‘અરે, વડીલ.’ આવતાંવેંત જ એ બોલ્યો, ‘આજે તો હું હેરાન હેરાન થઈ ગયો. સાલી, શું ઝંઝટ થઈ ગઈ છે !’
‘કેમ ?’ રતિલાલે પૂછ્યું. પૂછતી વખતે એક આછો આનંદ પણ થઈ આવ્યો. આને પણ મારા જેવું જ થયું લાગે છે !
‘શી વાત કરું, વડીલ,’ નિરંજન બૂટ-મોજાં કાઢવા લાગ્યો. ‘અહીંથી હું ચારુને મળવા વાસણા ગયો. પણ એ લોકો તો, ચાર દિવસ પહેલાં જ મકાન બદલીને મણિનગર રહેવા ચાલ્યાં ગયેલાં.’
‘પછી ?’ રતિલાલને રસ પડવા લાગ્યો.
‘પછી શું, આપણે તો રિક્ષા લઈને ઊપડ્યા મણિનગર. પણ મણિનગરમાં ચારુના એડ્રેસની ખબર નહીં...’
‘પણ એડ્રેસ વિના તો –‘
‘આમ તો એ એક પ્રકારની મૂર્ખાઈ જ કહેવાય. પણ મને એવી મૂર્ખાઈથી અનેક વાર ફાયદો થયો છે. મારા જીવનમાં અનેક વાર એવા ચમત્કારો બન્યા છે. મારે કોઈનું ખાસ કામ હોય અને એ માણસ ક્યાં મળશે એની મૂંઝવણમાં હોઉં, ત્યાં અચાનક જ એ મળી જાય. ક્યારેક કોઈને અમસ્થો જ ફોન કરું, ને સામેનો માણસ કહે કે અગત્યના કામે મને ફોન જોડવાનો એ વિચાર જ કરતો હતો. ક્યારેક, કોઈ પણ દેખીતા કારણ વિના કોઈક ફિલ્મ કે નાટક જોવાનું મને મન થયા કરે.... થિયેટરમાં જાઉં, ને અચાનક મને જ શોધતો કોઈક જૂનો મિત્ર ભેટી જાય. આવું મારા જીવનમાં એટલી બધી વાર બન્યું છે કે ચાન્સ લેવાની મને એક આદત પડી ગઈ છે. એવો જ ચાન્સ મેં લીધો –‘
‘અને, અચાક તમારી બહેનપણી ભેટી ગઈ ?’
‘સાંભળો તો ખરા, વડીલ. આ વખતે એ ચાન્સનું કોઈ સારું પરિણામ ન આવ્યું.’
‘દરેક વખતે તો એવું ન જ બને ને !’
‘સાચું છે. રિક્ષા લઈને મણિનગરમાં હું ખૂબ ફર્યો. પણ મણિનગર કોઈ લત્તો કે ચોક થોડો છે કે એટલા સમયમાં તમે તે જોઈ વળી શકો. એક પછી એક ચક્કર હું કાટતો જ રહ્યો. પણ ચારુ નામનું પંખી ક્યાંય દેખાયું નહીં. છતાં હું હિંમત ન હારત, પણ રિક્ષાવાળો થાક્યો. એનું તો મીટર ચડતું જ હતું, છતાં એ થાકી ગયો. કંટાળી ગયો. મેં એને છૂટો કરી દીધો.’
‘અને...’
અને, બીજી રિક્ષા પકડી. ફરી ચક્કર મારવાનું શરૂ કર્યું.
રતિલાલ નિરંજન સામે જોઈ રહ્યો.
‘બીજી રિક્ષા લઈને ?’
‘હા, કેમ ?’
‘પણ તમારી પાસે એડ્રેસ તો હતું નહીં !’
‘પણ લગની હતી ને ? આમ તો રેતીના ઢગલામાંથી સોનાની કણી શોધવા જેવું એ કામ હતું. પણ સોનાની કણીનું આકર્ષણ એટલું બધું હતું કે...’
‘પણ એડ્રેસ વિના...’
‘એટલે તો... બીજો રિક્ષાવાળો પણ કંટાળી ગયો. એટલું જ નહીં, પણ એ મારા ઉપર વહેમ ખાવા લાગ્યો. હું કોઈ સી.આઈ.ડી.નો માણસ હતો, કે ચોર હતો, કે કોઈ ચસકેલ ભેજાનો...’
રતિલાલના હોઠ પર સ્મિત આવી ગયું. સારું થયું કે એણે પોતે વધારે પડતાં ચક્કર ન માર્યાં, નહીં તો રિક્ષાવાળો....
એણે કહ્યું, ‘તો, આ વખતે તમારો ફેરો સફળ ન થયો !’
‘સાંભળો તો ખરા, વડીલ. રિક્ષાવાળો થાક્યો હતો. હું ક્યાં થાક્યો હતો ? મેં એને પણ છૂટો કરી દીધો. પણ, પછી મને વિચાર થયો. એમ આડેધડ આથડાવાનો કશો અર્થ નહોતો. અને અચાનક જ મારા મનમાં એક ચમકારો થયો. હું ત્રીજી રિક્ષા પકડીને ફરી વાસણા ગયો. વાસણા પહોંચીને, ચારુના પાડોશી પાસેથી ચારુ જે મકાનમાં ભાડે રહેતી હતી એ મકાનમાલિકનું એડ્રેસ મેળવ્યું. મને થયું કે જૂના મકાનમાલિકને કદાચ, ચારુના નવા એડ્રેસની ખબર હશે અને મારી એ માન્યતા સાચી પડી !’
‘એટલે, તમે એ મકાનમાલિક પાસે ગયા ?’
‘એ વિના બીજો રસ્તો જ નહોતો. વાસણાથી રિક્ષા પકડીને હું શહેરમાં, ત્રણ દરવાજા પહોંચ્યો. ચારુના જૂના મકાનમાલિકની દુકાન શોધી કાઢી. એની પાસેથી ચારુનું નવું એડ્રેસ લીધું અને ફરી રિક્ષા મણિનગર તરફ દોડાવી.’
‘માઈ ગોડ !’ રતિલાલ બોલ્યો, ‘તમે બહુ કરી !’
‘પણ, વાત હજી પૂરી નથી થઈ. મણિનગર ચારુના ઘેર પહોંચ્યો ત્યારે ચારુની બાએ કહ્યું કે ચારુ એની એક બહેનપણી સરોજને ત્યાં ગઈ હતી - સાચી બહેનપણી, હો !’ નિરંજન હસ્યો. ‘વળી એની બા પાસેથી સરોજનું એડ્રેસ લીધું. એ મણિનગરમાં જ હતી. રિક્ષામાં હું ત્યાં પહોંચ્યો. અને, તમે માનશો ?... કાંઈ નહીં, જવા દો.’
‘કહોને, યાર.’
‘જવા દો, વડીલ, તમે મારા વિષે...’
‘કહી દો ને.’
‘શું કહું ? મને એક સાથે બે બહેનપણીનો લાભ મળ્યો... ભગવાન છે ને, મહેનત કોઈની થોડી નિષ્ફળ જાય છે ?’
રતિલાલે ઊંડો શ્વાસ લીધો.
‘જોકે મહેનત તો... હું મારી લગનીથી જ કરું છું... કર્મ કરું છું, પૂરા દિલથી, ફળની આશા રાખ્યા વિના જ, છતાં ફળ... દરેક વખતે...’
નિરંજન કપડાં બદલવા લાગ્યો. એ હસતો હતો - સંતોષથી.
એકાએક એણે પૂછ્યું, ‘વડીલ, તમારું પેલું કામ ઇન્દુભાઈવાળું, પત્યું કે નહીં ?’
‘ના,’ રતિલાલનો અવાજ સહેજ થડકી ગયો, ‘એમાં બહુ કાહટી હતી !’
‘કાહટી !!’ નિરંજને પૂછ્યું, ‘કાહટી એટલે ?’
‘એ અમારો કાઠિયાવાડી શબ્દ છે. કાહટી એટલે...’ રતિલાલ કહેવા ગયો કે કાહટી એટલે કાહટી. એનો પર્યાય..? કાશ, ઝંઝટ, માથાકૂટ, અથવા તો... અથવા તો... પણ એણે કહી દીધું. ‘કાહટી એટલે... ઉંમર.’
‘હું સમજ્યો નહીં’ નિરંજન વધુ ગૂંચવાયો.
રતિલાલ એના સામે જોઈ રહ્યો, એ તને નહીં સમજાય - નહીં સમજાય.
(1986)
સ્રોત
- પુસ્તક : મોહમ્મદ માંકડ વાર્તાઓ 2 (પૃષ્ઠ ક્રમાંક 467)
- સંપાદક : મોહમ્મદ માંકડ
- પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2002
