Kafan - Short Stories | RekhtaGujarati

ઝૂંપડીના બારણા પર બાપ અને દીકરો બંને જણા એક હોલવાઈ ગયેલ તાપણાની સામે ચૂપચાપ બેઠા હતા અને અંદર દીકરાની જુવાન વહુ બુધિયા પ્રસવ-વેદનાને કારણે વારંવાર પછાડ ખાઈને જમીન પર આળોટતી હતી. એના મોઢામાંથી જરા-જરા વારે હૃદયને કંપાવી દેનારો એવો તો અવાજ નીકળતો હતો કે બંને જણા ચૂપચાપ પોતાની અસહ્ય વેદનાને હૃદયમાં જ દબાવી રાખતા હતા. શિયાળાની રાત હતી, કુદરતમાં સર્વત્ર સૂનસાન હતું અને આખુંયે ગામ અંધકારમાં ડૂબેલું હતું.

ઘીસૂએ કહ્યું, - “લાગે છે કે બચશે નહીં. આખો દિવસ દોડાદોડમાં વીતી ગયો. જા, જોઈ તો આવ.”

માધવ ચિડાઈને બોલ્યો, - “મરવું જ છે તો જલ્દી કેમ નથી મરી જતી? જોઈને શું કરું?”

“તું તદ્દન નિર્દય છે રે! જેની સાથે આખું વર્ષ સુખ-ચેનથી રહ્યો તેની જ સાથે આટલી બધી બેવફાઈ?”

“પણ મારાથી તો એનો તરફડાટ અને હાથ-પગ પછાડે છે ને, તે જોયું નથી જતું.”

આ લોકો જાતના મોચી હતા અને મોચીવાડામાં રહેતા હતા. આખાયે ગામમાં બદનામ હતા. ઘીસૂ એક દિવસ કામ કરે તો ત્રણ દિવસ આરામ કરે. માધવ તો એટલો બધો કામચોર હતો કે અડધો કલાક કામ કરે તો એક કલાક સુધી હુક્કો ગગડાવે. તેથી તેમને ક્યાંય પણ મજૂરીનું કામ મળતું નહીં. ઘરમાં એકાદ મુઠ્ઠી અનાજ પડ્યું હોય ત્યાં સુધી જાણે કામ કરવાના સોગંદ લીધા હોય તેમ વરતતા. જ્યારે બે-ચાર દિવસના ઉપવાસ થઈ જતા ત્યારે ઘીસૂ ઝાડ પર ચઢીને લાકડાં કાપી લાવતો અને માધવ બજારમાં વેચી આવતો. જ્યાં સુધી એ પૈસા હાથમાં હોય ત્યાં સુધી બંને જણા આમથી તેમ ભટક્યા કરતા. ફરી જ્યારે ઉપવાસ કરવા પડે એવી સ્થિતિ આવતી ત્યારે ફરી લાકડાં કાપી લાવતા કે મજૂરીની શોધ કરતા. ગામમાં કામકાજ કંઈ નહોતું, ખેડૂતોનું ગામ હતું. મહેનતુ માણસને પચાસ કામ મળી રહેતાં પરંતુ આ બંનેને લોકો ત્યારે જ બોલાવતા જ્યારે બે માણસો પાસે એક માણસનું કામ કરાવીને પણ સંતોષ માન્યા સિવાય તેમને છૂટકો ન થતો. બંને જણા જો સાધુ હોત તો તેમને સંતોષ અને ધૈર્ય માટે સંયમ તેમજ નિયમની જરા પણ જરૂર ના પડત. આ તો એમનો સ્વભાવ હતો. એમનું જીવન વિચિત્ર હતું. ઘરમાં માટીનાં બે-ચાર વાસણો સિવાય બીજી કોઈ સંપત્તિ ન હતી. ફાટેલાં ચીથરાઓથી પોતાની નગ્નતા ઢાંકીને તેઓ જીવી રહ્યા હતા. સંસારની ચિંતાઓથી મુક્ત, કરજથી લદાયેલા; ગાળો પણ ખાતા અને માર પણ ખાતા, છતાંયે કોઈ વાતનું દુઃખ નહોતું લાગતું. એટલા દીન હતા કે વસૂલ થવાની આશા ન હોવા છતાં લોકો તેમને કંઈ ને કંઈ કરજ આપતા. વટાણા અને બટાટાનો પાક થાય એટલે બીજાઓનાં ખેતરોમાંથી વટાણા અને બટાટા ઉખાડી લાવતા અને શેકી-શેકીને ખાતા, અથવા તો પાંચ-દસ શેરડીના સાંઠા ઉખાડી લાવતા અને રાત્રે ચૂસતા. ઘીસૂએ આકાશવૃત્તિથી સાઠ વર્ષની ઉંમર વિતાવી દીધી અને માધવ પણ સપૂત દીકરાની માફક બાપના જ પગલે ચાલી રહ્યો હતો, બલકે એનાથી પણ વધારે બાપની આબરૂ વધારી રહ્યો હતો. અત્યારે પણ બંને જણા તાપણાની સામે બેસીને બટાટા શેકી રહ્યા હતા, જે બીજા કોઈના ખેતરમાંથી ખોદી લાવ્યા હતા.

ઘીસૂની બૈરી તો ઘણા દિવસ પહેલાં મરી ચૂકી હતી. માધવનાં લગ્ન ગયા વર્ષે થયાં હતાં. જ્યારથી આ સ્ત્રી આવી હતી, તેણે આ કુટુંબમાં વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. દળણાં દળીને કે ઘાસ કાપીને તે શેર લોટની જોગવાઈ કરી લેતી અને આ બંને નિર્લજ્જોનું ડોઝું ભર્યા કરતી. તે આવી ત્યારથી તો બંને વધારે આળસુ અને એશઆરામી થઈ ગયા હતા. એટલું જ નહીં, એમની અક્કડ પણ થોડી વધી ગઈ હતી. કોઈ કામ કરવા બોલાવતું તો નફ્ફટાઈપૂર્વક બેવડી મજૂરી માગતા. માધવની બૈરી આજે પ્રસવવેદનાથી એવી પીડાતી હતી કે મરણતોલ થઈને જમીન પર પડી હતી અને આ બંને જણા કદાચ રાહ જોઈ રહ્યા હતા કે એ મરી જાય તો આરામથી ઊંઘી જઈએ.

ઘીસૂએ બટાટા કાઢીને છોલતાં-છોલતાં કહ્યું, “જઈને જો તો ખરો કે એની દશા શી છે? ચૂડેલ મરશે, બીજું શું? અહીં તો ભુવો પણ એક રૂપિયો માગે છે!”

માધવને ભય હતો કે પોતે ઝૂંપડીમાં જશે તો ઘીસૂ નક્કી મોટા ભાગના બટાટા સફાચટ કરી જશે. તેથી તે બોલ્યો, - “મને ત્યાં જતાં બીક લાગે છે!”

“ડર શેનો? હું તો અહીંયાં છું જ ને?”

“તો પછી તમે જ જઈને જુઓ ને?”

“મારી બૈરી મરી ગઈ ત્યારે હું ત્રણ દિવસ સુધી એની પાસેથી ખસ્યો પણ નહોતો, વળી મારાથી એ શરમાય પણ ખરી ને? જેનું કદી મોં નથી જોયું, તેનું ઉઘાડું શરીર કેમ જોવાય? એને તો એના શરીરનું ભાન પણ નહીં હોય! મને જોઈ જશે તો એને પોતાના હાથ-પગ પછાડવામાં પણ સંકોચ થશે.”

“મને વિચાર આવે છે કે કોઈ બાલબચ્ચું થશે તો શું કરશું? સૂંઠ, ગોળ, તેલ, કશું જ ઘરમાં નથી.”

“ભગવાન આપશે તો બધુંયે આવી જશે. હમણાં જે લોકો એક પૈસો પણ નથી આપતા, એ લોકો જ આવતી કાલે બોલાવીને આપશે. મારે નવ છોકરાં થયાં, ક્યારેય ઘરમાં કાંઈ જ નહોતું, પરંતુ ભગવાને જેમતેમ મારો બેડો પાર કરી દીધો.”

ઘીસૂ અને માધવ એવા સમાજમાં જીવી રહ્યા હતા, જ્યાં રાતદિવસ મહેનત કરનારાઓની હાલત પણ તેમના કરતાં વધારે સારી નહોતી. ખેડૂતોની સરખામણીમાં ખેડૂતોની લાચારીનો લાભ ઉઠાવી જાણનારા લોકો ઘણા વધારે શ્રીમંત હતા. આ પરિસ્થિતિમાં આવી મનોદશા ઉત્પન્ન થઈ જાય, તેમાં જરાયે આશ્ચર્ય કરવા જેવું નહોતું. હું તો કહીશ કે ઘીસૂ ખેડૂતો કરતાં ઘણો વધારે વિચારશીલ હતો. તે ખેડૂતોના વિચારશૂન્ય સમૂહમાં ભળી જવાને બદલે બેઠકબાજોની કુત્સિત મંડળીમાં જઈ ભળ્યો હતો. હા, તેનામાં એવી શક્તિ નહોતી કે તે બેઠકબાજોના નીતિ-નિયમોનું પાલન કરી શકે. તેથી જ્યાં-જ્યાં તેની મંડળી તેમજ ગામના આગેવાનો તથા મુખીઓ હતા, તેમની સામે પણ આ ગામનાં બધાં લોકો આંગળી ચીંધતા. તેમ છતાં તેને એટલું આશ્વાસન તો હતું જ કે ભલે ચીંથરેહાલ હોય, ખેડૂતોના જેવી તનતોડ મહેનત તો નથી કરવી પડતી ને? તેની સરળતા અને નિર્દોષતાનો ગેરલાભ તો બીજા લોકો નથી ઉઠાવતા ને?

બંને જણા બટાટા કાઢી-કાઢીને દાઝતા દાઝતા ખાવા મંડ્યા. ગઈ કાલથી કશું જ ખાધું નહોતું, એટલી ધીરજ પણ નહોતી કે તેને ઠંડા પડવા દે. કેટલીયે વાર બંનેની જીભ દાઝી ગઈ. છોલ્યા બાદ બટાટાનો બહારનો ભાગ તો વધારે ગરમ ન લાગતો, પણ દાંતની નીચે દબાતાં જ અંદરના ગરમ-ગરમ ગરભથી જીભ, ગળું અને તાળવું સખત દાઝી જતાં. છતાંયે એ અંગારાને મોઢામાં મૂકી દેવામાં વધારે સલામતી જણાતી, કારણ કે તે અંદર પહોંચી તો જતા! વળી ત્યાં તેને ઠારવા માટે પૂરતો સામાન પણ હતો. તેથી બંને જણા જલ્દી-જલ્દી ગળે ઉતારી જતા. જોકે આવો પ્રયત્ન કરવામાં તેમની આંખોમાંથી આંસુ ટપકી પડતાં.

આ વખતે ઘીસૂને ઠાકોરના ઘરની જાન યાદ આવી ગઈ. વીસ વર્ષ પહેલાં તે એમાં ગયો હતો. ત્યાંના જમણમાં એને જે તૃપ્તિ મળી હતી, તે એને માટે તો જીવનભરનું ઉત્તમ સંસ્મરણ હતું. આજે પણ એની સ્મૃતિમાં એ વાત તાજી હતી. તે બોલ્યો, - “એ જમણ તો ભુલાતું જ નથી. ત્યાર પછી કોઈ એવું ભોજન અને તે પણ વળી પેટભરીને મળ્યું નથી. છોકરીવાળાઓએ બધાને પેટ ભરી-ભરીને પૂરીઓ ખવડાવી. નાના-મોટા સૌએ પૂરીઓ ખાધી અને તે પણ અસલ ઘીની. રાયતું, ત્રણ જાતનાં કોરાં શાક, એક રસાદાર શાક, દહીં, ચટણી, મીઠાઈ! એ જમણમાં જે સ્વાદ આવ્યો હતો, તેનું આજે હું કયા શબ્દોમાં વર્ણન કરું?

ખાવામાં કોઈ જાતની રોકટોક નહોતી. જે ચીજ માંગો અને તે પણ જેટલી ખાવી હોય તેટલી ખાઓ. લોકોએ પણ એવું તો ખાધું, એવું તો ખાધું કે પછી કોઈનાથી પાણી ના પીવાયું! અને પીરસનારા પણ એવા કે બાજમાં ગરમ-ગરમ ગોળ-ગોળ સુગંધી કચોરીઓ પીરસી જાય. કહીએ કે ‘નથી જોઈતી,’ લોકો એવા ઉદાર કે પીરસતા જ જાય. મોઢું ધોયા પછી પાન-એલચી પણ વહેંચાયાં. પરંતુ મને તો તે લેવાની સૂધ જ નહોતી, ઊભા ન રહેવાય! હું તો ઝટપટ જઈને મારા કામળા પર સૂઈ ગયો. એ ઠાકોર તો એવો દરિયાદિલ હતો.”

માધવે પોતાના મનમાં ને મનમાં આ પદાર્થોનો સ્વાદ લેતાં લેતાં કહ્યું, - “હવે તો આપણને એવું જમણ કોઈ નથી જમાડતું.”

“હવે કોઈ શું ખવડાવશે? એ જમાનો જ જુદો હતો. હવે તો બધાને જ કરકસર સૂઝે છે-‘ લગ્ન-વિવાહમાં ખર્ચ ના કરો, ક્રિયા-કર્મમાં ખર્ચ ના કરો.’ એમને પૂછવું જોઈએ કે તે પછી ગરીબોનો માલ ભેગો કરી કરીને ક્યાં રાખશે? ભેગું કરવામાં કસર નથી સૂઝતી, હા, ખર્ચ કરતી વખતે કરકસર સૂઝે છે!”

“તમે વીસેક પૂરીઓ ખાધી હશે?”

“વીસથી વધારે ખાધી હશે.”

“હું તો પચાસ ખાઈ જાત.”

“પચાસથી ઓછી તો મેં પણ નહીં ખાધી હોય. ખાસ્સો પહેલવાન હતો, તું તો મારાથી અડધો પણ નથી.”

“બટાટા ખાઈને બંનેએ પાણી પીધું અને ત્યાં જ તાપણાની સામે પોતાનું ધોતિયું ઓઢીને પગ પેટમાં ઘુસાડીને સૂઈ ગયા, જાણે બે મોટા-મોટા અજગરો કોકડું થઈને ના પડ્યા હોય!

અને બુધિયા અત્યાર સુધી કરાંજતી રહી.

(2)

સવારે માધવે ઝૂંપડીમાં જઈને જોયું તો એની બૈરી ઠંડી પડી ગઈ હતી, તેના મોઢા પર માખીઓ બણબણ્યા કરતી હતી. તેની પથરાયેલી આંખો ઉપર ચડી ગઈ હતી. આખુંયે શરીર ધૂળમાં રગદોળાયેલું હતું. બાળક તેના પેટમાં જ મરી ગયું હતું.

માધવ દોડતો દોડતો ઘીસૂ પાસે આવ્યો. પછી બંને જણા જોર-જોરથી ‘હાય-હાય’ કરવા અને છાતી કૂટવા મંડ્યા. પાડોશીઓએ આ રડવું-કકળવું સાંભળ્યું એટલે તે બધા દોડતાં-દોડતાં આવી પહોંચ્યા અને જૂના રિવાજ પ્રમાણે આ અભાગિયાઓને સમજાવવા લાગ્યા.

પરંતુ વધારે લાંબું રડવા-કૂટવાનો સમય નહોતો, કફન અને લાકડાંની ચિંતા કરવાની હતી. પરંતુ જેમ સમડીના માળામાંથી માંસ ઊપડી જાય, તેવી જ રીતે ઘરમાંથી પૈસા અદૃશ્ય થઈ ગયેલા હતા.

બાપ-દીકરો રડતા-કકળતા ગામના જમીનદારની પાસે ગયા. તેમના મનમાં આ બંને પ્રત્યે એટલી બધી ઘૃણા હતી કે તેઓ એમનું મોઢું પણ જોવા નહોતા માંગતા. તેમણે ઘણી વાર પોતાને હાથે આ બંનેને ભારે માર માર્યો હતો. ચોરી કરવા માટે કે વાયદા મુજબ કામ પર ના આવવા માટે મારી ચૂક્યા હતા. તેમણે પૂછ્યું, “કેમ છે બે ઘીસૂઆ? રડે છે શા માટે? હવે તો તું ક્યાંય દેખાતો પણ નથી ને! મને તો થયું કે હવે તું આ ગામમાં રહેવા નહીં માંગતો હોય!”

ઘીસૂએ જમીન પર માથું ટેકવીને, આંખોમાં આંસુ લાવીને કહ્યું, - “સરકાર! મોટી આફતમાં છું. માધવની બૈરી રાતે મરી ગઈ, આખી રાત તરફડતી રહી. સરકાર! અમે બંને એના માથા પાસે બેસી રહ્યા. દવાદારૂ વગેરે જે કાંઈ બન્યું તે બધું કરી ચૂક્યા, પરંતુ તે તો અમને દગો આપીને ચાલી ગઈ. માલિક! હવે અમને કોઈ એક રોટલી ખવડાવનાર પણ ના રહ્યું, ભારે થઈ ગઈ, ઘરનું નખોદ વળી ગયું. આપનો ગુલામ છું, હવે આપ સિવાય કોણ તેના મડદાને ઠેકાણે કરશે? અમારા હાથમાં જે કાંઈ હતું તે તો બધું જ દવાદારૂમાં પૂરું થઈ ગયું. સરકારની દયા હશે તો જ એની ઠાઠડી ઊઠશે. આપ સિવાય બીજા કોના બારણે જઈને ઊભો રહું?”

જમીનદાર સાહેબ દયાળુ હતા, પણ ઘીસૂ પર દયા કરવી એટલે કામળા પર રંગ ચઢાવવા જેવું વ્યર્થ હતું. મનમાં તો થયું કે કહી દઉં – ‘જા, અહીંથી દૂર થા, આમ તો બોલાવવા છતાંયે નથી આવતો, આજે જ્યારે ગરજ પડી ત્યારે ખુશામદ કરી રહ્યો છે! હરામખોર ક્યાંનો? બદમાશ!’ પરંતુ અત્યારે ક્રોધ કે સજા કરવા જેવો સમય ન હતો. મનમાં ખીજવાતાં-ખીજવાતાં બે રૂપિયા કાઢીને ફેંક્યા, પરંતુ મોઢેથી આશ્વાસનનો એક શબ્દ પણ ના કહ્યો. તેની સામે પણ ના જોયું, જાણે માથેથી ભાર ઉતાર્યો ના હોય!

જમીનદાર સાહેબે જ્યારે બે રૂપિયા આપ્યા તો પછી ગામના વાણિયા-શાહુકારો કેવી રીતે ના પાડવાનું સાહસ કરી શકે? ઘીસૂ જમીનદારના નામનો ઢંઢેરો પીટવાનું પણ સારી રીતે જાણતો હતો. કોઈએ બે આના આપ્યા તો કોઈએ ચાર આના. એક કલાકમાં તો ઘીસૂ પાસે પાંચ રૂપિયાની સારી એવી રકમ ભેગી થઈ ગઈ. ક્યાંકથી અનાજ મળી ગયું તો ક્યાંકથી લાકડી. બપોર પડતાં ઘીસૂ અને માધવ કફન ખરીદવા બજારમાં ગયા.

ગામની પોચા દિલવાળી સ્ત્રીઓ આવી આવીને લાશને જોતી અને તે મરનારની લાચારી પર બે ટીપાં આંસુ પાડીને પાછી ફરતી.

(3)

બજારમાં પહોંચીને ઘીસૂ બોલ્યો, - “લાકડાં તો એને બાળવા પૂરતાં મળી ગયાં છે, કેમ માધવ?”

માધવ બોલ્યો, - “હા, લાકડાં તો ઘણાં છે; હવે કફનની જરૂર છે.”

“ચાલો ત્યારે કોઈ સસ્તામાંનું હલકું કફન લઈ લઈએ.”

“હા વળી, બીજું શું? લાશ ઊઠતાં-ઊઠતાં રાત પડશે, રાત્રે કોણ કફન જોવા બેસવાનું છે?”

“કેવો ખરાબ રિવાજ છે? જેને જીવતાં શરીર ઢાંકવા માટે ચીથરુંયે ના મળે, તેને મરે ત્યારે નવું કફન જોઈએ!”

“કફન તો લાશ સાથે બળી જ જાય છે ને!”

“નહીં તો બાકી શું રહે છે? આજ પાંચ રૂપિયા પહેલા મળ્યા હોત તો થોડો દવાદારૂ પણ થાત.”

બંને એકબીજાના મનની વાત સમજી રહ્યા હતા. બજારમાં આમથી તેમ ભટક્યા કર્યું. એક વાર આ કાપડિયાની દુકાને જાય તો વળી બીજી વાર પેલાની દુકાને. જાતજાતનાં કપડાં-રેશમી અને સુતરાઉ જોયાં પણ કંઈ જ પસંદ ના પડ્યું, એટલે સુધી કે સાંજ પડી ગઈ પણ કફનની પસંદગી ના થઈ. ત્યારે બંને જણા કોણ જાણે કઈ દૈવી પ્રેરણાથી એક મધુશાળાની સામે જઈ પહોંચ્યા અને જાણે પૂર્વનિશ્ચિત યોજના હોય તેમ અંદર પહોંચી ગયા. થોડી વાર તો બંને જણા દ્વિધામાં ત્યાં જ ઊભા રહ્યા, પછી ઘીસૂએ ગાદી સામે જઈને કહ્યું, - “શાહુજી, એક બાટલી અમને પણ આપજે.”

ત્યાર બાદ થોડું ચટપટું ફરસાણ આવ્યું, તળેલી માછલીઓ આવી અને બંને જણા ઝરૂખામાં બેસીને શાંતિથી પીવા મંડ્યા.

કેટલીક કુલડીઓ ઉપરાછાપરી પી ગયા, એટલે બંને પર નશો ચઢ્યો.

ઘીસૂ બોલ્યો, “કફન ઓઢાડવાથી શું મળે? આખરે તો બળી જ જાત, વહુની સાથે તો ના જ જાત.”

માધવ આકાશ સામે જોઈને જાણે દેવતાઓને પોતાની નિષ્પાપતાના સાક્ષી બનાવી રહ્યો હોય તેમ બોલ્યો, - “દુનિયાનો રિવાજ છે, નહીં તો લોકો બ્રાહ્મણોને શા માટે હજાર રૂપિયા આપે છે? કોણ જોવા જાય છે કે પરલોકમાં મળે છે કે નહીં?”

“મોટા લોકો પાસે ધન છે તો ભલે ફૂંકે, આપણી પાસે ફૂંકવા માટે શું છે?”

“પરંતુ લોકોને જવાબ શો આપશો? લોકો નહીં પૂછે કે કફન ક્યાં છે?”

ઘીસૂ હસ્યો, “અબે, કહી દઈશું કે રૂપિયા કમરમાંથી પડી ગયા. ઘણું શોધ્યું પણ ન મળ્યા. લોકોને વિશ્વાસ તો નહીં આવે, પણ ફરી પાછા એ લોકો જ રૂપિયા આપશે.”

માધવ પણ હસ્યો. આ વણમાગ્યા સદ્ભાગ્યની વાત સાંભળીને બોલી ઊઠ્યો, “બિચારી બહુ સારી હતી, મરી તોયે ખૂબ ખવડાવી-પીવડાવીને મરી.”

આટલા સમયમાં એક બાટલી કરતાં વધારે દારૂ બંને મળીને ઢીંચી ગયા હતા. ઘીસૂએ ચટણી, અથાણું અને માંસ સહિત બશેર પૂરીઓ મંગાવી. દુકાન દારૂના પીઠાની સામે જ હતી. માધવ દોડતો જઈને બે બાજમાં બધો સામાન લઈ આવ્યો. પૂરો દોઢ રૂપિયો વળી પાછો ખર્ચાઈ ગયો, હવે બહુ જ થોડા પૈસા બચ્યા હતા.

અત્યારે તો બંને રૂઆબથી બેઠા-બેઠા પૂરીઓ ખાઈ રહ્યા હતા જાણે જંગલમાં કોઈ વાઘ પોતાના શિકારની મોજ ના ઉડાવતો હોય! નહોતો એમને જવાબદારીનો ડર કે નહોતી એમને બદનામીની ચિંતા. આ ભાવનાઓને તો એમણે બહુ પહેલાં જ જીતી લીધી હતી.

ઘીસૂ દાર્શનિક ભાવથી બોલ્યો, - “આપણો આત્મા પ્રસન્ન થઈ રહ્યો છે તો શું એને પુણ્ય નહીં મળે?”

માધવે શ્રદ્ધાથી માથું નમાવીને સમર્થન કર્યું, - “જરૂર થશે જ. ભગવાન, તમે અંતર્યામી છો, એને વૈકુંઠમાં લઈ જજો. અમે બંને હૃદયથી આશીર્વાદ આપીએ છીએ. આજે જેવું ભોજન મળ્યું, એવું તો જિંદગીભરમાં કદીએ મળ્યું નહોતું.”

એક ક્ષણ પછી માધવના મનમાં શંકા જાગી. તે બોલ્યો, - “કેમ બાપા, આપણે પણ કોઈને કોઈ દિવસે ત્યાં જ જઈશું ને!”

ઘીસૂએ આ ભોળપણભર્યા પ્રશ્નનો કંઈ જ જવાબ ના આપ્યો. પરલોકની વાતોનો વિચાર કરીને તે આ આનંદમાં વિઘ્ન નાખવા નહોતો માંગતો.

“જી, ત્યાં તો તે આપણને લોકોને પૂછશે ને કે ‘તમે મને કફન કેમ ના ઓઢાડ્યું!’ ત્યારે શું કહેશો?”

“કહીશું, તમારું માથું.”

“ચોક્કસ પૂછશે તો ખરી જ.”

“તેને કફન નહીં મળે એવું તું કેવી રીતે જાણી શકે? તું શું મને એવો ગધેડો સમજી બેઠો છે? સાઠ-સાઠ વર્ષ સુધી શું મેં દુનિયામાં ઘાસ કાપ્યા કર્યું છે? તેને કફન મળશે અને આના કરતાં ઘણું સારું મળશે.”

માધવને વિશ્વાસ ના બેઠો. તેણે પૂછ્યું, - “કોણ આપશે? રૂપિયા તો તમે સફાચટ કરી ગયા. એ તો મને પૂછશે, એના સેંથામાં સિંદૂર તો મેં પૂર્યું હતું.”

ઘીસૂએ ગરમ થઈને કહ્યું, - “હું કહું છું ને કે એને કફન મળશે. તું માનતો કેમ નથી?”

“કોણ આપશે? બતાવતા કેમ નથી?”

“એ લોકો જ આપશે, જેણે હમણાં આપ્યું. હા, હવે રૂપિયા આપણા હાથમાં નહીં આવે.”

જેમ-જેમ અંધારું વધતું ગયું અને તારાની જ્યોતિની ચમક વધતી ગઈ, મધુશાળાની રોનક પણ વધતી ગઈ. કોઈ ગાતું હતું, કોઈ ગપ્પા હાંકતું હતું, કોઈ પોતાના દોસ્તને ભેટી પડતો હતો તો કોઈ પોતાના દોસ્તને હોઠે પ્યાલી લગાવી ઊભો હતો.

ત્યાંના વાતાવરણમાં માદકતા હતી, હવામાં નશો હતો. અહીં આવીને કેટલાયે એક ચાંગલું પીતાંની સાથે મસ્તીમાં આવી જતા. શરાબ કરતાંયે ત્યાંની હવાથી તેમને વધારે નશો ચઢતો હતો. જીવનની તકલીફો તેમને અહીં ખેંચી લાવતી હતી. થોડી વાર માટે તેઓ ભૂલી જતા હતા કે પોતે જીવે છે કે મરે છે! અથવા તો, નથી જીવતા કે નથી મરતા.

આ બાપ-દીકરો હજુ પણ મજા લૂંટતાં-લૂંટતાં ઘૂંટડા ભરી રહ્યા હતા. બધાની નજર એમના પર ઠરેલી હતી – “બંને કેટલા ભાગ્યશાળી છે? પૂરી બાટલી એ બે વચ્ચે છે!”

પેટ ભરીને ખાઈ લીધા પછી માધવે બચેલી પૂરીઓની બાજ ઉઠાવીને એક ભિખારીને આપી દીધું, જે ઊભો ઊભો તેમની સામે ભૂખી આંખોથી જોયા કરતો હતો. કોઈને આપવાથી મળતા ગૌરવ, આનંદ અને ઉલ્લાસનો એણે પોતાના જીવનમાં પહેલી જ વાર અનુભવ કર્યો.

ઘીસૂ બોલ્યો, - “લે, જા ખૂબ ખા અને આશીર્વાદ આપ. જેની કમાણી છે તે તો મરી ગઈ, પરંતુ એને તારા આશીર્વાદ જરૂર પહોંચશે. તારું એક-એક રૂંવાડું એને આશીર્વાદ આપે. ખૂબ મહેનતથી મેળવેલી કમાણીના પૈસા છે.”

માધવે પાછું આકાશ સામે જોઈને કહ્યું, - “બાપા, તે વૈકુંઠની રાણી બનશે.”

ઘીસૂ ઊભો થઈ ગયો અને જાણે કે ઉલ્લાસની તરંગોમાં તરતો તરતો બોલ્યો, - “હા દીકરા, વૈકુંઠમાં જશે. કોઈને એણે સતાવ્યા નથી, કોઈને દબાવ્યા નથી. મરતાં મરતાં આપણા જીવનની સૌથી મોટી લાલસા પૂરી કરતી ગઈ. વૈકુંઠમાં એ નહીં જાય તો શું આ મોટા મોટા લોકો જશે, જેઓ બંને હાથે ગરીબોને લૂંટે છે અને પોતાનાં પાપ ધોવા સારુ ગંગાસ્નાન કરે છે, મંદિરોમાં અભિષેક કરે છે?”

શ્રદ્ધાળુતાનો આ રંગ તરત જ બદલાઈ ગયો. અસ્થિરતા એ નશાની ખાસિયત છે. દુઃખ અને નિરાશાનું જાણે તેમના પર એકસાથે આક્રમણ થયું.

માધવ બોલ્યો, - “પણ બાપા, બિચારીએ જિંદગીમાં બહુ દુઃખ ભોગવ્યું; કેટલું બધું દુઃખ વેઠીને મરી!”

તે આંખો પર હાથ મૂકીને-પોક મૂકીને રડવા લાગ્યો.

ઘીસૂએ સમજાવ્યો, - “દીકરા, રડે છે શા માટે? ખુશ થા કે તે માયાજાળથી મુક્ત થઈ ગઈ, જંજાળમાંથી છૂટી ગઈ. બહુ ભાગ્યશાળી હતી તેથી જ આટલી જલ્દી માયા-મોહનાં બંધન તોડી નાખ્યા.”

પછી તરત જ બંને જણ ઊભા થઈને નાચવા લાગ્યા.

“ ठगनी, क्यों नैना झमकावै? ठगनी! ”

દારૂડિયાઓની નજર તેમના તરફ જ લાગેલી હતી. આ બંને મસ્તીમાં આવીને ગાયે જતા હતા. પછી તો બંને જણા નાચવા લાગ્યા, ઊછળ્યા પણ અને કૂદ્યા પણ! પડી ગયા અને નખરા પણ કર્યા! ભાવ પણ બનાવ્યા અને અભિનય પણ કર્યા. છેલ્લે નશામાં બેહોશ થઈને ત્યાં જ ધરતી પર ઢળી પડ્યા.

(અનુ. ડૉ. શ્રીમતી ઉર્વશી જયંતિલાલ સુરતી)

સ્રોત

  • પુસ્તક : પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : ડૉ. શ્રીમતી ઉર્વશી જયંતિલાલ સુરતી
  • પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1983