jumo bhistii - Short Stories | RekhtaGujarati

જુમો ભિસ્તી

jumo bhistii

ધૂમકેતુ ધૂમકેતુ
જુમો ભિસ્તી
ધૂમકેતુ

આણંદપુરના ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છુટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાનાં, પાટિયાનાં અને ગુણિયાનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલતુટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોનારૂપાનાં વાસણથી માંડીને ઠીકરાની ફુટેલી હાંડલી સુધી બધા તડકાછાંયા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. વખતે તેણે એક પાડો શોખની ખાતર પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા—વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઈક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું-વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો; અને આજે છેવટ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બંધાતો; વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈ બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા; મળ્યા અને ટળ્યા. માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.

આજ હવે વેણુની પીઠ ઉપર મોટીમોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય, ને પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. જુમાએ એક પૈસાનાં ગાજર, કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ - જેને વેણુ પાછળ ખાતો આવતો હોય-પાડા માટે લીધા હોય. બસ, હંમેશાની ખરીદી. જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો, અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા હતા!

છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈને પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.

એક દિવસ સવારમાં પાંચ વાગ્યે પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું. પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું ગૃહસ્થાઈના લક્ષણ નહીં! એટલે જુમો ખવડાવવાનું કરે તોપણ પાડો રણકીને સામે ઊભો રહે, અને 'ના, નહીં ખાઉં' એમ સ્પષ્ટ સંભળાવી દે!

અંતે જુમો થાક્યો : 'ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે!'

વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂછડાં ને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન 'રણક' કરતોક ને ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો થોડુંક દોડ્યો.

'જો! જો! હવે પાછો વાળું કે? દોડવાનું છે?' જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી. પણ તે પહેલાં તો વેણુ રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો‌. તે શ્વાસભેર દોડ્યો આવ્યો; તેણે આવીને પાડાનો પગ લઈ આમતેમ મચડ્યો; પણ બધું વ્યર્થ!

આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો : 'ગાડી આવશે તો?'

તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અમે ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો.

'એ ભાઈસાબ! મારો વે... મારો પાડો. અબઘડી કપાઈ જશે. જુઓ પણે જુઓ-પેલા પાટામાં સપડાયો છે‌!'

બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું.

'શું છે?'

'મારો વેણુ - પાડો!'

'ઓહો!... જા, જા, ફાટકવાળા પાસે દોડ...'

'તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે!'

'અમે? તું દોડ-દોડ-ફાટકવાળાને કહે-' એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા! જુમો ફાટકવાળા તરફ દોડ્યો. પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દૃષ્ટિ ફેંકી. પણ માણસનું કોઈ છૈયું સરખુંયે જણાયું નહી. તે ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી; ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં! તેણે જોરથી બારણામાં પાટું માર્યું.

'એ કોણ?'

'એ ચાલો! ભાઈ-બેન! સિગ્નલ ફેરવો; મારું જનાવર કચરાઈ જશે.'

'ઘેર કોઈ ભાઈ માણસ નથી.' - બસ, આટલા બેદરકાર જવાબની સાથે ઘંટી ફરીથી ગાજવા માંડી.

'દોડો! દોડો!.... મારું જનાવર કપાય છે!' જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી રહી!

જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.

'યા પરવરદિગાર!' તેણે મોટેથી બુમ પાડી.

એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.

'દોસ્ત! ભાઈ! વેણુ! આપણે બન્ને સાથે છીએ હોં!' અને તેમ કહીને જુમો તો છેક તેના પગ પાસે પડ્યો.

દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડ્યો. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં, વેણુ માથું ઊંચક્યું, અને પોતાના શેઠ ને બચાવવા, એક ઝપાટે માથું મારીને એને પાટાથી દૂર ફેંકી દીધો!

વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનુ કડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળી ને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય એના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામનિશાન રહ્યું હતું!

હજી પણ હંમેશાં જુમો સવારસાંજ એકલો, અશાંત, રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે, અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને 'વેણુ!... વેણુ!... વેણુ!...' એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે.

સ્રોત

  • પુસ્તક : તણખા (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
  • વર્ષ : 1926