Jigalo - Short Stories | RekhtaGujarati

જિગલો બહુ સારો છોકરો. સીધો ને સરળ. ઓછાબોલો પણ મળતાવડો. શાંત પણ હસમુખો. જ્યારે જુઓ ત્યારે ખુશમિજાજમાં દેખાય. આંખોમાં ચમક, ચહેરા પર આનંદ અને હોઠ પર સ્મિત! હસવું અને રમવું, બે એનાં કામ. ક્રિકેટ રમે, વૉલીબૉલ નીચે રમે, ટેબલ ટૅનિસ, બૅડમિન્ટન અને કૅરમ પણ રમે. રમતો હોય ત્યારેય કંઈ ને કંઈ રમત કર્યા કરતો હોય. આગળ-પાછળની કંઈ ચિંતા નહીં કરવાની. કેવળ રમવાનું, આનંદ કરવાનો. ક્રિકેટ રમતો હોય તો કેટલા રન થયા અને કેટલા કરવાના તેની ચિંતા નહીં. વૉલીબૉલ રમતો હોય તો કોના કેટલા પૉઇન્ટ થયા એની ફિકર નહીં અને કૅરમ રમતો હોય તો કોણ હાર્યું અને કોણ જીત્યું નહીં જોવાનું. ખાવાપીવાનુંય ભૂલી જાય જિગલો. કેવળ મોજ કરતો રમ્યા કરે. ભણવામાંય પરીક્ષાઓ ક્યારે આવી ને ક્યારે ગઈ, રામ જાણે! એમ કરતાં સ્કૂલ ક્યારે પૂરી થઈ અને કૉલેજ આવી એનીય જિગલાને ખબર પડી.

દહાડે સોસાયટીના છોકરા ભેગા થઈને ક્રિકેટ રમવા ગયેલા ગ્રાઉન્ડ પર. ગ્રાઉન્ડ એટલે ચારેબાજુ સોસાયટીઓ અને વચ્ચે થોડી ખુલ્લી જગ્યા. એક બાજુ તારની વાડની બાઉન્ડ્રીને બીજી બાજુ સોસાયટીના કોટની. સામેની તરફ બે-ચાર ઈંટો ઊભી કરીને બાઉન્ડ્રી બનાવી હોય અને પાછળ ‘નો રન’. ફુલટોસ કોઈના ઘરમાં જાય તો આઉટ અને કાચ ફૂટે તો સ્ટમ્પલા લઈને ભાગવાનું. જિગલો તે દહાડે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો’તો. છેલ્લી છેલ્લી ઓવરો હતી અને રસાકસી જામેલી. જિગલો આકાશમાં ઊડતી સમડીઓને જોવામાં પડેલો. એકાએક ડાઇવ મારી સમડીએ જમીન પર પડેલું ડાળખું ઉપાડી લીધું અને રેતીના ઢગલા પર બેઠેલી કાબરી કૂતરી ભસવા જેવું કરતી દોડી. સમડી અરડૂસા તરફ સરી ગઈ અને નીચે કાબરીનાં ગલૂડિયાં મસ્તીએ ચડ્યાં. ‘કૅચ જિગલા, જિગલા કૅચ'ની બૂમો એને સંભળાય અને જિગલો સામે જોવા જાય, ત્યાં સુધીમાં તો બૉલ જિગલાના લમણામાં વાગ્યો. ચપ્પ કરતો આંખમાં લાલ- પીળો ઝબકારો થયો અને આંખ પર હાથ દબાવતો જિગલો તમ્મર ખાઈને બેસી પડ્યો. છોકરા બધા દોડી આવ્યા.

“એ ક્યાં વાગ્યો?”

“શું થયું?”

“એ જિગલા, આંખ તો ખોલ!”

“બે, બહુ વાગ્યું લાગે છે.”

ચિન્ટિયાએ કીધું : “આમ જો તો જિગલા.” જિગલાએ ડાબી આંખ દબાવી રાખીને માથું ઊંચું કર્યું. કો'કે રૂમાલ આપ્યો. જિગલાને લઈને ડાબી આંખ પર દાબ્યો. “આમ બતાવ તો, ખોલ તો આંખ.” મિત્રો કહેતા રહ્યા, પણ જિગલાએ આંખ ના ખોલી. “એ ધમા, તું આના બદલે ફિલ્ડિંગ કર.” એમ કહેતાં ચિન્ટિયાએ જિગલાને ઊભો કર્યો. “ચલ, થોડીવાર બેસ.” કહેતો ખભે હાથ મૂકીને ઓટલા તરફ લઈ ગયો.

ફરી રમત ચાલુ થઈ. ખૂણા પરના મોટા પીપળાની નીચે ગોળ ઓટલા પર બેસી ચિન્ટિયો અને જિગલો રમત જોવા લાગ્યા; જિગલો એક આંખે અને ચિન્ટિયો બે આંખે. થોડીવારે જિગલાએ ડાબી આંખ પરથી રૂમાલ હટાવી, આંખ ખોલી. ઝાંખું ઝાંખું દેખાયું. આંખ બળી. તરત બંધ કરી. રૂમાલ વડે પાણી લૂછ્યું અને જમણી આંખ બંધ કરી ધીમેથી ડાબી આંખ ખોલી. થોડીવારે દેખાવા લાગ્યું. જિગલાએ આમતેમ નજર કરી. બાઉન્ડ્રી ઉપર ચાર-પાંચ છોકરાઓનું ટોળું દેખાયું. બીજા એક-બે દોડતા તરફ જઈ રહ્યા હતા. ટોળામાં ચિન્ટિયાની લાલ ટી-શર્ટ દેખાઈ. જિગલાએ બંને આંખ વડે જોવાનો પ્રયત્ન કર્યો. બાઉન્ડ્રી ઉપર ટોળું છે અને નથી. ટોળામાં ચિન્ટિયો ઓળખાયો પણ...

જિગલાએ બાજુમાં બેઠેલા ચિન્ટિયાનો ખભો હચમચાવ્યો. “ત્યાં શું છે?” ટોળા તરફ જોતાં બોલ્યો : “ક્યાં?” ચિન્ટિયાએ બાજુ જોતાં પૂછ્યું. જિગલાએ બે-ત્રણ વાર આંખો બંધ-ખોલ કરી, એક-બે વાર ચોળી જોઈ. “ત્યાં બાઉન્ડ્રી પર.” “ક્યાં?” પૂછતાં ચિન્ટિયાએ એની સામે જોયું, “લાલ થઈ ગઈ છે.” ડાબી આંખ તરફ જોતાં બોલ્યો. જિગલો વારાફરતી જમણી-ડાબી, જમણી-ડાબી આંખ બંધ કરતો બાઉન્ડ્રી તરફ જોઈ રહ્યો હતો. “બે, શું દેખાય છે?” એણે પૂછ્યું, “જવા દે ને.” કહેતો ચિન્ટિયો ફરી મેચ જોવા લાગ્યો. ડાબી-જમણી આંખે વારાફરતી જોતા જિગલાને ત્યાં ટોળું દેખાય, દેખાય એમ થવા લાગ્યું. એણે જમણી આંખ દાબી રાખી. ટોળું હતું - એમાં ચિન્ટિયોય હતો.

જિગલો ગભરાયો, એણે ચિન્ટિયા તરફ જોયું. એની બાજુમાં ચિન્ટિયો દેખાતો હતો. ચિન્ટિયો તો ત્યાં દૂર ટોળા વચ્ચે! હબકી ગયો જિગલો. ચિન્ટિયો પોતાને લઈને તરફ આવતો દેખાયો. જિગલાએ પોતાના પગ સામે જોવા કર્યું, તો કેવળ ઓટલો દેખાયો. પીપળો હતો, ઓટલો હતો ને દૂરથી ચાલ્યા આવતા જિગલો અને ચિન્ટિયો હતા. જિગલાએ જમણી આંખ ખોલી દીધી. “ચલ બે, જીતી ગયા.” કહેતો ચિન્ટિયો ઊભો થઈ દોડ્યો. જિગલો બે ડગલાં ચાલ્યો તો ખરો, પણ પછી ઊભો રહી ગયો. ડાબી આંખ બંધ કરીને જોયું તો ચિન્ટિયો દોડતો મિત્રોના ટોળા તરફ જઈ રહ્યો છે. જમણી આંખ બંધ કરી તો ચિન્ટિયો જિગલાના ખભે હાથ મૂકી ઓટલા તરફ આવી રહ્યો છે. ગભરાઈ જઈને જિગલાએ ડાબી આંખ પર રૂમાલ દાબી દીધો અને મિત્રોના ટોળા વચ્ચે જઈ ચૂપચાપ ઊભો રહ્યો. બધાની પાછળ ચાલતા જિગલાએ છેક ગ્રાઉન્ડની બહાર નીકળી પાછળ ફરી, ધીમેથી ડાબી આંખ ખોલી જોયું તો ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમાઈ રહી છે. પીપળા નીચે ઓટલા પર ચિન્ટિયો અને જિગલો બેઠા છે, ચિન્ટિયો જુએ છે ક્રિકેટ મેચ અને જિગલો આંખો પર રૂમાલ દાબીને આડો ફરીને આમતેમ જોતો બેઠો છે. “ક્યાં અટકી ગયો લ્યા?” જિગલાના ખભે હાથ મૂકી મનિયો બોલ્યો અને જિગલો વળી એની સાથે ચૂપચાપ ચાલવા લાગ્યો. રોડ હતો, વૃક્ષો હતાં, દૂર દેખાતાં મકાનો હતાં અને આકાશ હતું. પણ, આગળ ચાલતા મિત્રોની ટોળી એક આંખે દેખાતી હતી અને બીજી આંખે નહોતી દેખાતી. રસ્તા પરનાં વાહનો, ગાય, કૂતરાં, આવતાં-જતાં માણસો અને આકાશમાં ચકરાવા લેતી સમડીઓ બધું બે આંખે અલગ અલગ દેખાતું હતું.

ગભરાતો, મૂંઝાતો જિગલો ઘરમાં જઈને સીધો બાથરૂમ જવા દરવાજો ખોલીને જુએ તો પપ્પા અંદર ઊંધા ઊભા બાથરૂમ કરતા દેખાયા. હબકી જઈને બે ડગલાં પાછળ હટતાં જિગલાએ બારણું ધડામ કરતું બંધ કર્યું. “શું થયું?” પાછળથી ચાલ્યા આવતા પપ્પાએ જિગલાને પૂછ્યું. “ના, ના કંઈ નહીં.” કહેતો જિગલો બેડરૂમમાં જવા લાગ્યો. બારણામાંથી અંદર જતાં અચાનક મમ્મી બહાર આવતી દેખાઈ. જિગલો ચમકીને અટકી ગયો. પાછળ ચાલ્યા આવતા પપ્પા એને ખભે હાથ મૂકી, “શું કરે છે બેટા?” કહેતાં ઊભા રહી ગયા અને જિગલો ડાબી આંખ દાબતો, “કંઈ નહીં, તો આંખે વાગ્યું છે.” બોલતો પલંગમાં જઈ પડ્યો.

એકલો પડ્યો એટલે ફરી જિગલો વારાફરતી બંને આંખે જોવા લાગ્યો. બધું બરોબર હતું. પંખો, ટ્યૂબલાઇટ, દીવાલો, કબાટ, માતાજીનો ફોટો, સ્વિચબોર્ડ, ટેબલ, નાઇટલૅમ્પ, બારી અને બારી બહાર દૂર દૂર આછા અંધારામાં ઘેરાયેલું ગ્રાઉન્ડ! બધું બરોબર દેખાતું હતું. પણ જિગલાની ડાબી આંખને પલંગ પર સૂતેલો જિગલો દેખાતો હતો. એણે ઘડિયાળ સામે જોયું તો બેબે મિનિટ કાંટા દેખાયા. જમણી આંખે સવા સાત વાગ્યા હતા અને ડાબી આંખે બરોબર સાત અને મિનિટ થઈ હતી. બારણા તરફ નજર પડી તો જિગલાને, રૂમમાં પ્રવેશવા જતો ને ભડકીને ઊભો રહી જતો જિગલો દેખાયો. પાછળથી પપ્પાએ ખભે હાથ મૂક્યો અને કશુંક બોલતો આંખ દાબતો જિગલો પલંગ પર આવી પડ્યો. ચમકીને જિગલાથી જરા આઘા ખસી જવાયું. પછી બરાબર બાજુમાં અડોઅડ સૂતેલા જિગલાને અડવા જિગલાએ હાથ લંબાવ્યો.

“જમવા ચાલો બેટા.” બારણે ઊભી રહીને મમ્મી બોલી અને જિગલો ફટોફટ બેઠો થઈ ગયો. જિગલાએ રૂમમાંથી બહાર નીકળતાં પાછળ ફરીને પલંગમાં સૂતેલા જિગલા તરફ નજર કરી અને ડાઇનિંગ ટેબલ પર જઈ બેઠો. ત્યાં સુધીમાં એને સમજાઈ ગયું કે એની એક આંખ બધું જૂનું જુએ છે. લગભગ નવ મિનિટ પહેલાંના ભૂતકાળને જુએ છે. જિગલાની જમણી આંખ બધું બરોબર જોતી, એના કાન બધું બરોબર સાંભળતા હતા. આખેઆખો જિંગલો બાકી બધી રીતે બરોબર હતો, ખાલી એની ડાબી આંખ પાછળ રહી ગઈ હતી બરાબર નવ મિનિટ પાછળ.

ડાઇનિંગ ટેબલ પર બેસીને વારાફરતી બે આંખ બંધ કરીને જોતા જિગલાને પપ્પાએ પૂછ્યું : “શું થાય છે? દુખે છે આંખમાં?” અને જિગલાએ મૂંઝાતાં, અટકતાં પપ્પાને કહ્યું : “આ આંખમાં કંઈક જુદું દેખાય છે.” “ના હોય, બંધ કર તો જમણી આંખ.” પપ્પા બોલ્યા, ત્યાં બૅલ વાગ્યો. પપ્પાએ દરવાજા તરફ જોયું. બહેને બારણું ઉઘાડ્યું. મીનુ આવી હતી. જિગલો એની સામે જોઈ નીચું જોઈ ગયો. “એવું હોય તો ડૉક્ટરને બતાવી જોઈશું.” પપ્પા બોલ્યા. જિગલો નીચું જોઈ જમતો રહ્યો. મીનુ એને ગમતી. પહેલેથી. જિગલાની સ્કૂલમાં એના ક્લાસમાં ભણતી. શાંત, સીધી અને શરમાળ. સાવ ઓછાબોલી. જિગલાને પૂછો તો મીનુ સાથે એક-બે વાર વાત કર્યાની, એકાદ વાર નોટ લીધાની કે બે-ચાર વાર સ્માઇલની આપ-લે કર્યાની વાત હસી હસીને કરશે. પણ મીનુ સામે જુએ કે જિગલાની નજર ઝૂકી જાય. બારમું પાસ કર્યા પછી મીનુ સાયન્સમાં ગઈ અને જિગલો આર્ટ્સમાં, પણ જિગલાની બહેનની બહેનપણી એટલે ક્યારેક એને મળવા ઘરે આવે.

બહેન સાથે કંઈક વાત કરી મીનુ ચાલી ગઈ. ખાવાનું પતાવી જિગલો વૉશ બેસિનમાં હાથ ધોઈ પાછો આવ્યો, ત્યારે બહેન બારણું ખોલતી દેખાઈ. મીનુ અંદર પ્રવેશી, સોફામાં બેઠી. જિગલાએ ડાઇનિંગ તરફ જોયું, તો જમતાં જમતાં મીનુ તરફ જોઈ જિગલો નીચું જોઈ ગયેલો. હરખાતો જિંગલો સોફામાં જઈ બેઠો. જમણી આંખ બંધ કરી, ડાબી આંખે સાવ લગોલગ બેઠેલી મીનુને જોતો રહ્યો. જોતો રહ્યો. “હજી તકલીફ લાગે છે?” પપ્પાએ સામેના સોફામાં બેસતાં પૂછ્યું ત્યારે જિગલાએ હસીને જવાબ આપ્યો : “ના, ના, હવે બધું બરાબર છે.”

મજા પડી ગયેલી જિગલાને. મજા એવી પડી કે સાંજનું મિત્રો સાથે રમવા જવાનું બંધ થયું અને એકલો એકલો બગીચામાં આંટા મારવા જવા લાગ્યો. મીનુ રોજ અડધો કલાક વૉક કરતી. પછી પાંચ-સાત મિનિટ એની બહેનપણી સાથે બાંકડે બેસી વાતો કરતી. જિગલો બરોબર દસ મિનિટ પાછળ આંટા મારવા લાગ્યો. ધીમે ધીમે એને સમજાયું કે બગીચામાં મીનુ સિવાય ઘણું બધું જોવા જાણવા જેવું હતું. કૉલેજમાંય ધીમે ધીમે જિગલો એકલો રહેતો થયો. ક્યારેક બારી પાસે, ક્યારેક સીડીઓ પાસે, ક્યારેક કોરિડોર, ક્યારેક બહારના ગાર્ડનમાં, પાર્કિંગમાં અને એલ. આર.ની સામે એકલો ભટકતો જિગલો દેખાવા લાગ્યો. લેક્ચર પૂરું થાય પછી ખાલી ક્લાસરૂમમાં અવળો ફરીને ફાટી આંખે તાક્યા કરતો, કશુંક ફંફોસ્યા કરતો જિગલો મિત્રોને સાવ બદલાયેલો લાગ્યો. પણ બદલાયેલા જિગલાના હાથમાં એવી ચાવી આવી ગઈ હતી કે વર્ષોથી બંધ રહેતાં બારણાં અચાનક ઊઘડી ગયાં હતાં. ક્યારેય જોવા, જાણવા મળે એવાં રહસ્યો જિગલા સમક્ષ ખૂલવા લાગ્યાં હતાં. પડોશીઓ, મિત્રો, સગાંસંબંધી; જાણીતાં-અજાણ્યાં તમામ લોકોની કદીયે જોવા-જાણવા મળે એવી વાતો, એવી વસ્તુઓ, એવી હકીકતો જિગલાની ડાબી આંખ સમક્ષ કોઈ પુસ્તકનાં પાનાં ઊઘડે એમ સતત ઊઘડતી જતી હતી. અને રસપ્રદ પુસ્તકનાં લોભામણાં રહસ્યોને જિગલો એની ડાબી આંખ વડે લોલુપતાથી પીતો જતો હતો.

જિગલાએ એની ડાબી આંખની મદદથી સગાં-સંબંધીઓ, ઓળખીતાઓ અને મિત્રોનાં કેટલાંક કામો પણ કરી આપેલાં. એક મૅરેજમાંથી નીકળીને પાર્કિંગમાં પપ્પાને ખબર પડી કે ગાડીની ચાવી પડી ગઈ છે. “હમણાં સુધી તો હાથમાં હતી.” કહેતાં પપ્પા ચાવી ગોતવા માંડેલા, જિગલાએ હાથ ઊંચો કરીને એમને નિશ્ચિંત રહેવા કહેલું અને લગ્નની ભીડમાં સડસડાટ અંદર જઈને ચાવી શોધી લાવેલો. એકવાર વળી, ઘરમાંથી બહાર નીકળતાં ચિન્ટિયાની મમ્મીનો દોરો ખેંચીને બાઇકવાળા નાસી ગયેલા. સામેથી ચિન્ટિયો અને બાજુથી જિગલો બૂમાબૂમ સાંભળીને બહાર આવ્યા. જિગલાએ ચિન્ટિયાને ધીરજ રાખવા કહેલું અને નવમી મિનિટે ચિન્ટિયાના સ્કૂટર પર, એને ગાઇડ કરતો જિગલો છેક ચોરના ઠેકાણા સુધી પહોંચી ગયેલો. ચોર, એમનું બાઇક અને દોરો ચપટી વગાડતાંમાં એમના હાથમાં આવી ગયેલાં. પણ બીજાંઓને મદદ કર્યાના આવા પ્રસંગો કેટલા? આંગળીના વેઢે ગણાય એટલા. ખરી મજા તો જિગલાને પોતાને પડી ગયેલી. હંમેશાં પોતાની મોજમાં ગુલતાન રહેતો જિગલો, દુનિયાદારીથી તો સાવ અજાણ રહી ગયેલો. તેને માટે હવે જાણકારીના અવનવા પ્રદેશો ખૂલી ગયેલા. એમાંય ચડતું લોહી! તે અમુક પ્રકારની જાણકારીમાં જિગલાને વિશેષ રસ પડવા લાગ્યો. એવો રસ પડવા લાગ્યો કે જિગલો એમાં ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. જાત જાતના તરીકાઓ ગોતીને મોજ લૂંટતો ગયો. થિયેટરોમાં ને બગીચાઓમાં, બસોમાં ને ટ્રેનોમાં, નવરાત્રીમાં ને ક્રિસમસમાં ડાબી આંખના ખેલ જોતો જિગલો, એકલો એકલો ભટકતો રહેવા લાગ્યો.

મૉલમાં મજા પડી જતી જિગલાને. રેડિમેડ કપડાં મળતાં હોય વિભાગમાં આંટા માર્યા કરે ને નજર હોય સતત ટ્રાયલ રૂમ તરફ. લાગ મળે કે હાથમાં એકાદ કપડું પકડીને પેસી જાય. નાનકડા ટ્રાયલ રૂમમાં ત્રણ બાજુ ત્રણ અરીસા, એમાં ત્રણ ત્રણ પ્રતિબિંબ અને વચ્ચે બિંબ. જિગલાની ડાબી આંખ મટકુંય માર્યા વિના તાક્યા કરે. એના હાથ હવામાં સરતા, લસરતા રહે. મુઠ્ઠીઓ ભિડાતી જાય અને રોમેરોમ રણઝણી ઊઠે. આમ જુઓ તો જિગલાના હાથમાં કંઈ મળે ને આમ જુઓ તો આખેઆખો જિગલો ભર્યોભર્યો થઈ જાય!

આવી રીતે એકવાર, મૉલમાં રખડતા જિગલાને કપડાંઓ પાછળ જરાક આઘે મીનુ દેખાઈ. લપાતો છુપાતો જિગલો અધ્ધર શ્વાસે એને જમણી આંખે તાકતો, ડાબી આંખનો વારો આવવાની રાહ જોતો રહેલો અને વારો આવતાં ઊંડા શ્વાસો ભરતો ટ્રાયલ રૂમમાં પેસી ગયેલો. મીનુએ ત્રણ-ચાર ટૉપ્સ અને ચાર-પાંચ પૅન્ટ ટ્રાય કરેલાં. મીનુની સામે નજર માંડીને જોઈ શકનાર જિગલાએ તે દહાડે મન ભરીને એક આંખ વડે મીનુને-એનાં રોમ રોમને પીધા કર્યું હતું. આખેઆખો જિગલો ભરાઈ, ઊભરાઈ ગયો ત્યાં લગી પીતો રહેલો.

બહાર આવી જિગલાએ જમણી આંખ ખોલી તો મીનુ દેખાઈ. ડાબી આંખે એને કાઉન્ટર પાસે ઊભેલી જોઈ. શાંત, સીધી અને ભોળી લાગતી મીનુ! કશાક અપરાધભાવથી જિગલો એને જોઈ રહ્યો. ધીમે ધીમે એની સાવ લગોલગ જઈ એના ચહેરાને તાકતો ઊભો રહ્યો. અચાનક મીનુએ જિગલાની સામે જોયું અને જાણતો હોવા છતાં કે મીનુ તેની સામે નથી, જિગલાએ નજર ઝુકાવી દીધી. મીનુનો હાથ ઊંચો થયો. બે ડગલાં ચાલી. જિગલાને થયું જાણે પોતાનામાં સમાઈ ગઈ! પાછળ ફર્યો તો મીનુ કોઈક છોકરાને હાથનો ઇશારો કરી બોલાવી રહી હતી. અજાણ્યો હતો. પેમેન્ટ એણે કર્યું અને બંને જણ સડસડાટ નીકળી ગયાં.

થોડીક વાર બઘવાઈને ઊભા રહ્યા પછી જિગલો એમની પાછળ દોડ્યો. પાર્કિંગ સુધી ગયો. બંને એક ગાડીમાં પેઠાં. જિગલો દોડયો, બારી પાસે જઈ ઊભો રહ્યો. કશુંક બોલીને હસતી મીનુ છોકરાને વળગી પડી. મીનુના ચહેરા પર મોઢું ઘસતા છોકરાનો હાથ મીનુના શરીર પર ફરવા લાગ્યો. જિગલાએ હવામાં હાથ વીંઝયો, લાતો વીંઝી, ગંદી ગાળો બરાડ્યો. એના હાથની મુઠ્ઠીઓ મજબૂત ભિડાઈ અને ડાબી આંખ ઉપર ચીડથી મુક્કો માર્યો. આંખમાં ચપ્પ કરતો લપકારો થયો અને જિગલો આંખો ફાડી પાર્કિંગનાં અંધારાંને તાકતો, હાંફતો ઊભો રહ્યો.

એણે જોયું કે એની સામે ગાડી નહોતી પડી. એણે જોયું કે પાર્કિંગના અંધારામાંથી અવળાં પગલે ચાલતો એક માણસ આવી, સ્કૂટર પર બેસી, અવળું સ્કૂટર ચલાવતો બહાર નીકળી ગયો. જિગલાએ જોયું કે એક ગાડી પણ અવળી ચાલતી, પાર્કિંગના ઍન્ટ્રન્સનો ઢાળ ચઢતી સડસડાટ બહાર નીકળી ગઈ. અને પછી તો સ્કૂટરો, ગાડીઓ અને બાઇકોની વણજાર ચાલી. બધેબધાં જાણે રિવર્સમાં પાર્કિંગ બહાર નીકળતાં રહ્યાં. જિગલો એવો ગભરાયો કે ડાબી આંખ દાબતોકને ત્યાંથી ભાગ્યો.

ધૂંધવાતો, અકળાતો જિગલો જમણી આંખે જોતો ઘેર પહોંચ્યો. રૂમમાં જઈ ભરાયો. પલંગમાં ચત્તોપાટ પડ્યો. છતને તાકતો રહ્યો. ક્યાંય સુધી એને કંઈ સમજાયું નહીં. ઘડિયાળના કાંટાઓને દોડાદોડ અવળા ફરતા જોયા, ત્યારે જિગલો ચોંકી ગયો. એને લાગ્યું કે રૂમમાં મમ્મી, પપ્પા, બહેન બધાં જાણે વારાફરતી આવ-જા કરે છે, પણ અવળે પગલે. એને લાગ્યું કે તે પોતે પણ રૂમમાં ઊંધાં પગલાં ભરતો આવે–જાય છે. જિગલો બેઠો થઈ ગયો. આખી રાત જાગતો બેસી રહ્યો. શું જુએ છે ડાબી આંખે, સમજવા મથતો રહ્યો, અને સવાર સુધીમાં તો સમજી ગયો-શીખી ગયો કે અમુક રીતે આંખને હવામાં ફોકસ કરવાથી ભૂતકાળમાં નવ મિનિટથી વધુ ને વધુ ઊંડા જઈ શકાય. જિગલો હવે જાણતો હતો કે એની ડાબી આંખ, એને ઇચ્છે એટલા દૂરના ભૂતકાળમાં લઈ જઈ શકતી હતી.

થથરી ગયો જિગલો, નવ મિનિટના ભુતકાળે કેર દેખાડ્યો હતો, જોતાં હવે ડાબી આંખ શા ખેલ બતાવે એની કલ્પના કરવી જિગલા માટે મુશ્કેલ હતી! સમજાયું જિગલાને કે ભૂતકાળમાં ઊંડે ને ઊંડે ઉતારતી જતી ડાબી આંખ, એણે વર્તમાનની સપાટી પર લાવી દેવી જોઈએ, પણ કઈ રીતે? મગજમાં ચમકારો થયો અને ડાબી આંખ મીંચતોકને જિગલો દોડ્યો. ઘરમાંથી ને પછી સોસાયટીમાંથી બહાર નીકળ્યો, ગ્રાઉન્ડ પર આવ્યો જગ્યાએ જ્યાં ક્રિકેટ રમતાં એણે ડાબી આંખને ભૂતકાળમાં ડૂબી જતી જોઈ હતી. જિગલાને પાછું સમયમાં જવું અને જોવું હતું. એણે ડાબી આંખ ખોલી અને ગ્રાઉન્ડની ખુલ્લાશમાં ફોકસ કરવા મથતો રહ્યો. એની નજર સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં કંઈકેટલાંય દૃશ્યો ભજવાવાં શરૂ થયાં.

કાબરી કૂતરી અને એનાં ગલૂડિયાં અવળાં પગલે દોડાદોડ કરતાં દેખાયાં. ક્યાંક ક્યાંક માણસોય સડસડાટ પસાર થઈ ગયાં. આકાશમાં પક્ષીઓ ઊંધી ઉડાન ભરતાં દેખાયાં. પશ્ચિમમાંથી નીકળી નીકળીને સૂરજ પૂર્વ બાજુ ડૂબવા લાગ્યો. સમયના પ્રવાહમાં ઊંધા પગલે ગડગડતી દોટ મૂકતો જિગલો એને જવું હતું જગ્યાએ પહોંચીને જંપ્યો. અરડૂસા તરફથી પાછી સરી આવતી સમડીએ ગ્રાઉન્ડ પર ડાળખું મૂક્યું અને કાબરી કૂતરી અવળાં પગલે ગલૂડિયાં પાસે ગોળ વળીને બેઠી. એટલે જિગલાએ આંખ ફેરવીને ફિલ્ડિંગ ભરતા જિગલા પર ઠેરવી. જે બધું રિવર્સમાં ચાલી રહ્યું હતું સીધું ચાલવા માંડ્યું.

જિગલો જુએ છે તો મેચ રમાઈ રહી છે. જિગલો બાઉન્ડ્રી પર ઊભો છે. જિગલો ફિલ્ડિંગ ભરતા જિગલાની નજીક પહોંચ્યો. બે ગલૂડિયાં ધૂળમાં મસ્તી કરી રહ્યાં છે. જિગલો એમની તરફ જોવામાં મશગૂલ છે. થોડીવારે ચોંકીને સામે જોવા જાય પહેલાં લમણામાં બૉલ ઝીંકાય છે. માથું ગોળ ફરી જાય છે અને જિગલો નીચે બેસી પડે છે. જિગલાએ વધારે નજીક જઈ આંખ ફોકસ કરી. ફરી લમણા પર બૉલ ઝીંકાય, ઊછળે છે, તેનામાંથી પસાર થઈ જાય છે. આંખને વારંવાર ફોકસ કરી વધુ ને વધુ નજીકથી, અલગ અલગ ખૂણેથી ઝીણવટથી જિગલો જોતો રહ્યો. બૉલ વારંવાર લમણામાં ટિચાય છે, માથું ફરી જાય છે. વધુ ને વધુ નજીકથી જોતા જિગલાને દેખાયું કે લમણામાંથી આંખ પર ઘસાઈને જતો બૉલ આંખના ડોળાને ગોળ ફેરવી ગયો. આંખનો ડોળો નાક તરફથી અંદર જઈ કાન બાજુથી, એટલે કે આંખના જમણા ખૂણેથી અંદર જઈ ડાબા ખૂણેથી બહાર આવ્યો.

જિગલો અચંબિત! આમ તે કંઈ આંખ ફરી જાય? એણે જમણી આંખે ખાલીખમ મેદાનને જોયું. ધીમા ધીમા પવનમાં પીપળાનાં પાંદડાં જાણે તાળીઓ પાડી રહ્યાં હતાં. આકાશમાં એક-બે સમડીઓ ચકરાવા લેતી હતી. જિગલાએ ડાબી આંખ બે-ત્રણ વાર મટમટાવી અને જોયું તો બાજુમાં વાંકો વળી, આંખ ઝીણી કરી, હવામાં તાક્યા કરતો જિગલો દેખાયો. થોડીકવાર જિગલો, જિગલાને તાકતો કંઈક વિચારતો રહ્યો. અને પછી મન મક્કમ કરીને, ટટ્ટાર થઈ, જમણા હાથ વડે ડાબી આંખને બરાબર પહોળી કરી, ડાબા હાથની પહેલી આંગળી વડે ડોળાને બહારની તરફ ડાબી તરફ ઘુમાવવાનું શરૂ કર્યું.

ગોળ ફરીને ડોળો સામે આવ્યો, ત્યારે જિગલાને મેદાન દેખાયું. આકાશ, સમડીઓ અને અરડૂસો દેખાયાં. જમણી આંખનેય બધું દેખાયું. પણ મેદાનમાં સામેથી દોડી આવતી કાબરી કૂતરી અને એની પાછળ દડબડ દોડતાં ત્રણ ગલૂડિયાં જે જમણી આંખને દેખાયાં, ડાબીને દેખાયાં. ડાબી આંખને તો દેખાતું હતું કેવળ સપાટ મેદાન. જિગલાએ બાજુમાં જોયું. હજી જિગલો વાંકો વળી હવામાં તાકી રહ્યો થયાં હતો. પીપળો તાળીઓ પાડી રહ્યો હતો. જિગલાએ ઝડપથી પોતાની હથેળી સામે જોયું. હાથ, પગ, કેવળ મેદાનની ધૂળ દેખાઈ. ઓહ નો! જમણી આંખ ખોલતાં જિગલાને સમજાયું કે હજી એની ડાબી આંખ ભૂતકાળને તાકે છે.

શૂન્યમાં તાકવા જેવું કર્યું, તો બાજુમાં વાંકો વળેલો જિગલો સીધો થઈ અવળાં પગલે ચાલતો મેદાનમાં બહારની બાજુ જતો દેખાયો. હજી જિગલો ભૂતકાળમાં ડાબી આંખ વડે ઊંડે ઊતરી શકતો હતો. ગભરાઈને એણે બે-ત્રણ વાર ડાબી આંખના ડોળાને આમથી તેમ ઘુમાવ્યા કર્યો. પણ કેમેય એની આંખ વર્તમાનમાં પાછી ફરી.

ખાસ્સી વાર ઊંચા શ્વાસે મથામણ કર્યા પછી જિગલો બેબાકળો બની શું કરવું એનો વિચાર કરતો ઊભો રહ્યો. ગભરાટ અને ઉચાટભરી સ્થિતિમાં જિગલાને થયું, જમણી આંખ પણ આમ ફરતી હશે? ડાબી આંખ બંધ કરી જમણી આંખે આકાશમાં ચકારવા લેતી સમડીને, અરડૂસાને, પીપળાને અને મેદાનમાં જોયું. કૂતરી થોડે દૂર એક ઝાંખરાના છાંયડે હાંફતી બેઠી હતી. ગલૂડિયાં એને ધાવતાં આઘાંપાછાં થતાં હતાં. જિગલો એની સામે જોઈ રહ્યો. અને પછી ડાબા હાથની આંગળીઓ વડે જમણી આંખ પહોળી કરીને, જમણા હાથની પહેલી આંગળીથી ડોળાને ડાબી તરફ ધકેલવા લાગ્યો.

જમણી આંખનો ડોળો પણ ગોળ ફરતો હતો. ગોળ ફરીને કાન તરફથી સામે આવ્યો ત્યારે જિગલાને એની પોતાની આંગળી નડવી જોઈતી હતી, પણ ના નડી. જિગલાને આકાશ, અરડૂસો અને મેદાન દેખાયાં. એણે જોયું કે ઝાંખરા પાસેથી ઊભી થઈ કૂતરી દાંત દેખાડીને ભસતી આગળ વધી રહી છે. પણ જિગલાને એનો અવાજ સંભળાયો. કોને ભસતી હતી કૂતરી? જિગલાએ જોયું તો બે હાથ ઊંચા કરી, બૂમો પાડતો જિગલો કૂતરીથી ડરીને પાછળ ડગલાં ભરે છે. જોકે, એનીયે બૂમો જિગલાને સંભળાઈ. ડરીને પાછા પડતા જિગલાએ નમીને પથરો ઊંચકવા જેવું કર્યું અને કૂતરી તરફ ઘા કરતો એક ડગલું પાછો હટ્યો કે બેલેન્સ જતાં નીચે પડ્યો.

ગભરાટમાં ડાબી આંખ ખૂલી ગઈ જિગલાની. બે હાથ લાંબા કરી જોવા પ્રયત્ન કર્યો. નથી હાથ, નથી પગ. બેઉ આંખો ઉઘાડી, છતાં જિગલાને જિગલો પોતાની જગ્યાએ દેખાયો. છાતી, પગ પર હાથ મૂકી પોતાના હોવાની ખાતરી કરતાં જિગલાએ જ્યારે સામે જોયું, ત્યારે બે-બે જિગલા દેખાયા! એક હવામાં હાથ વીંઝતો, ગોળ ફરતો, રાડો પાડતો જિગલો અને બીજો જમણા હાથ વડે ડાબી આંખને પહોળી કરી ડાબા હાથની આંગળી વડે ડોળો ગોળ ઘુમાવતો જિગલો. આકાશ હતું, મેદાન હતું, દૂર પેલો અરડૂસો, તાળીઓ પાડતો પીપળો અને ચકરાવા લેતી સમડીઓ હતી. બે-બે જિગલા હતા અને બે-બે હતી કૂતરીઓ, એક કૂતરી મેદાનમાંથી બહાર જઈ રહી છે અને બીજી આવી રહી છે તરફ. એની પાછળ દડબડ દોડે છે ગલૂડિયાં.

દૂર સોસાયટીના મકાનના ધાબા પર કોઈ માણસ દેખાયો અને બે હાથ ઊંચા કરી મદદ માટે બૂમ પાડતો જિગલો તરફ આગળ વધ્યો. પણ એને જાણે જિગલાની બૂમો સંભળાતી નથી. ગોળ ઘૂમીને મેદાનમાં ચારે તરફ જોતો, હાથ ઊંચા કરતો જિગલો મદદ માટે ગળું ફાટી જાય એટલી રાડો પાડતો આગળ વધ્યો અને એને કૂતરીના ભસવાનો અવાજ સંભળાયો. ગભરાઈને ઊભો રહી ગયો જિગલો. સામે ઝાંખરું હવામાં ડોલી રહ્યું છે. કૂતરીનો ઘુરકાટ વધારે નજીકથી સંભળાયો. ગભરાઈને જિગલો બે ડગલાં પાછો હટતો નીચે જમીન પરથી પથરો ઉઠાવી, મારતો ‘હટ, હટ'ની બૂમો પાડતો પાછળ ડગલું ભરવા ગયો અને ઠોકર વાગતાં નીચે પડ્યો.

મોડા સુધી જિગલો ગ્રાઉન્ડમાં આથડતો, મદદ માટે રાડો પાડતો રહ્યો. સમડીઓ ચકરાવા લેતી રહી, પવન વાતો રહ્યો અને પીપળો તાળીઓ પાડતો રહ્યો. ઘણીવાર પછી કોઈનું ધ્યાન પડ્યું. જિગલા પાસે જઈ એને પકડીને એના ઘેર પહોંચાડ્યો. પણ તે દા'ડાનો જિગલો પોતાની રૂમમાં એવો ભરાયો છે કે બહાર નીકળવાનું નામ લેતો નથી. અમદાવાદના રન્નાપાર્ક વિસ્તારની સૂર્યનારાયણ સોસાયટીમાં નવ નંબરનું એનું મકાન છે. ક્યારેક બાજુ જવાનું થાય ને મન થાય તો મળજો જિગલાને. એના રૂમમાં, એની સામે તમે બેઠા હશો ને તમને લાગશે કે તમને જોઈ રહ્યો છે. પણ તમારી આરપાર તાકી રહ્યો હશે. મૂડ હોય તો થોડી વાત કરશે ને પ્રેમથી વિદાય કરશે. પણ યાદ રાખજો, તમારા ગયા પહેલાં અને તમારા નીકળ્યા પછી જિગલાની આંખો ઇચ્છે એટલી વાર તમને તાક્યા કરતી હશે.

સ્રોત

  • પુસ્તક : જિગલો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : જિગ્નેશ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન
  • વર્ષ : 2019