પૂજા તત્સત્
Pooja Tatsat
રેવા મનમાંથી ડાળ કાઢીને હાથમાં લઈને તપાસે. ગુલમહોરની જ તો. ડાળને પણ ડાળીઓ. ને એને પણ લીલીછમ નાજુક ડાળીઓ. ને એને માથે ઘાટાં લીલાં ઝીણાં લંબગોળ પાંદડાં. આશુતોષને મળવા જઈશ તો ટ્રેનમાં જ. બસમાં તો જરાય નહીં. એ પણ ગ્રીન ડ્રેસ પહેરીને. અરીસામાં જુએ. પેલી પાર્લરવાળીએ આઇબ્રો બરાબર નથી કરી. સફેદ દોરો લે. આઇબ્રોના કાઢવાના રહી ગયેલા એકાદ-બે વાળ દોરાથી કાઢી નાખે. ડાબેથી, પછી જમણેથી. હમમમ. હવે લાગી રેવા જેવી. કંઈ આઘું નહીં, પાછું નહીં. ન ઓગણીસ ન વીસ. અરીસામાં જોઈ એના હોઠના ખૂણા મલકે. આંખોના ખૂણા સાથ આપે. આશુતોષ યાદ આવે. રેવા હવે ઝૂલી રહે બાળપણમાં ઝૂલતી તે ગુલમહોરની ડાળે બાંધેલ હીંચકે. આસપાસ લાલ, કેસરી ફૂલ ને પેલાં ડાળીઓની ડાળીઓ પરનાં ઘાટાં લીલાં ઝીણાં લંબગોળ પાંદડાં... ઝાડ માત્ર ઝાડ થોડું હોય છે?
નાની હતી ત્યારે ઘરની પાછળના વાડામાં ઝાડ સામે ઊભી રહે. એની ડાળીઓ હાથ અને થડ બાકીનું શરીર છે એમ માનીને એની અંગભંગિમાની નકલ કરે. પછી પોતે ઝાડ છે અથવા ઝાડ માણસ છે એમ વિચારે. ઝીણાં પાન એટલે ઝીણી ઇચ્છાઓ, મોટાં પાન એટલે મોટા વિચારો...
લગ્નવિદાય પછી આશુતોષ સાથે કારમાં બેઠેલી એ આખા રસ્તે ઝડપથી પસાર થતાં ઝાડને જોઈ રહે. ટટ્ટાર ઊભેલ ઝાડ, કેડેથી વળી ગયેલ ઝાડ, સ્થૂળકાય ઝાડ, યુવાનીની લીલી ડાળીઓથી આળસ મરડતાં ઝાડ, સાવ પાંદડાં વિના પણ બિનધાસ્ત ઊભેલાં ઝાડ... ને છેક રાતે આશુતોષના ઘરે પહોંચી વિદાયનો ભાર લઈ કારમાંથી ઊતરે ત્યારે ઘરની આસપાસ છૂટાંછવાયાં ઝાડ સામે પળવાર કોઈને ખબર ન પડે તે રીતે જોઈ રહે. જમ્યા પછી બાળકોને સુવાડવાની વ્યવસ્થામાં લાગી ગયાં હોય તેવાં થાકેલાં માતાપિતા જેવાં ઝાડ... જાણે એના ઘરથી છેક આશુતોષના ઘર સુધી પથરાયેલાં સગાંવહાલાં.
‘મને ઝાડ બહુ ગમે’ નવા ઘરની બારીમાંથી દેખાતાં ઝાડ સામે જોતાં આશુતોષને કહ્યા પછી રેવાને તરત જ થાય કે ના આમ નહીં આટલું પૂરતું નથી.
પણ પછી ‘હમમમ... કેવું છે?’ આશુતોષ પણ ઝાડવાળી વાત સાંભળી જ ન હોય તેમ ગર્વથી રેવા સામે ને પછી ઘર સામે જોતાં મલકાતો બોલે.
ને રેવાને શાંતિ થાય. હાશ. સારું જ થયું ન સમજ્યો. બધું સમજાવી શકાય તેમ પણ નથી.
‘હમમમ. પણ બારીઓ જરા મોટી હોત તો... ને એક બાથરૂમ વધારે હોત... આ બીજો બેડરૂમ તો એટલો નાનકો કે ફર્નિચરની ગોઠવણી પણ...’ રેવાની ઝીણી-ઝીણી ઇચ્છાઓ.
એ હરખભેર ઘર ગોઠવે. ગોઠવણી બદલે. ક્યારેક લાગે કે ટીવી સામે સોફા એ આદર્શ પરિસ્થિતિ. ક્યારેક વળી ટીવી સોફાની લાઈનમાં જ બિરાજી જાય. તો ક્યારેક સોફા ડાઇનિંગ ટેબલ એક હરોળમાં ને ટીવી સામેની ભીંતે અઢેલી એકલું-અટૂલું બેસી રહે. લંબચોરસ ડ્રૉઇંગ હૉલમાં બધાનું સ્થાન એક જ રંગમંચ પર બદલાતી મંચસજ્જાની જેમ બદલાતું રહે. ને રેવા બધાની વચ્ચે ઊભી સ્વસર્જિત બદલાવને ગર્વથી જોઈ રહે.
માત્ર નાવીન્ય નહીં એક આદર્શ પરિસ્થિતિ માટેની એની જીદ. ને ત્યાં સુધી પહોંચવાનાં એનાં પોતાનાં બનાવેલાં પગથિયાં પણ ખરાં. આસપાસ વિખરાયેલી અવ્યવસ્થાને એ દીકરીના જમીન પર ઢોળાયેલ રંગબેરંગી ક્રેયોન્સને બૉક્સમાં એકએક કરીને ગોઠવતી હોય એમ સતત ગોઠવ્યા કરે. એ કંઈ કરતી હોય ત્યારે ટીવી જોતો આશુતોષ ઘણી વાર એની સામે જોઈ રહે. રેવાની ગોઠવવાની જીદ ને એના ઉપલા અને નીચલા દાંતની એકબીજા સાથે ભિડાયેલી હરોળ એના બંધ હોઠમાંથી પણ એને દેખાય.
શું કામ મથે છે આટલું? છોડી દેતી હોય તો થોડું?
એમ કંઈ છોડી દેવાય? બાથરૂમની વિન્ડોપેનમાંથી કબૂતર ઘૂસી જાય છે... પૂંઠાં કે કંઈ ભરાવવું પડે ને... બારીઓની સ્ટૉપર બંધ નથી થતી. કાર્પેન્ટર... પડદા બહુ પાતળા છે અસ્તર નખાવવું...
ઘરની અપૂર્ણતાઓને પૂરવા મોટા ભાગે ફર્નિચરની બદલાતી રહેતી ગોઠવણી ને નાનાંમોટાં રિપેરિંગ રિનોવેશન કામ લાગી જાય. તો ક્યારેક ખિજાઈને બોલી ઊઠે, ‘ગમે તેટલું કરો આ ઘરની ડિઝાઇન ને વંદાની કતાર ઘર બદલવા જેટલી મહત્ત્વની ન લાગતાં પાછી ઘરમાં લાગી જાય.
બદલાવ નહીં તો ગોઠવણી. ગોઠવણી નહીં તો બદલાવ.
અહં... આ વખતે દીકરો જ. દીકરી તો છે જ. સ્કૂલે મોકલતાં ગૂંથીને ચોટલા લેવા, લાંબા વાળ ધોવા, નવરાત્રીમાં એની ઓઢણી ફરતે ગોલ્ડન બોર્ડર મુકાવવી, એની બાર્બીને નવો ડ્રેસ પહેરાવવો, મમ્મી લિપ્ટિક કરે ત્યારે એની પણ જીદ... ફ્રોક હેરપિન, ક્લિપ, પર્સ, સેન્ડલ... એ બધું તો છે જ. પણ હવે નવું કંઈ જુદું...
ને એ ક્ષણે જ એની નજર સામે નાનકડા છોકરાના સાઈડમાં પાંથી પાડેલ ટૂંકા વાળ, સફેદ ઝભ્ભા-લેંઘામાંથી ડોકાતા હાથ ને બ્લેક શૂઝ તરવરી ઊઠે. એક નાનકડા પુરુષદેહને જન્મ આપવા તડપી ઊઠે. પોતાનું ઊપસેલું પેટ એમ પસવારે જાણે ત્રણ વર્ષના પહેલી વાર સ્કૂલે જતા દીકરાની પીઠ પસવારતી હોય.
બીજી દીકરી જન્મે ત્યારે એ કાળી આડી બે રેખાઓ જેવી એની નહીં બંધ નહીં ખુલ્લી આંખોને જોઈ રહે. એના માથાના પોચા તાળવે ઊગેલા લીસા કાળા વાળને અડે ને નાનપણમાં પકડેલ બિલાડીના બચ્ચાનો સ્પર્શ યાદ આવી જાય. વહાલ દૂધની સાથે જ ઊભરાય. પછી ક્યારેક બાલ્કનીમાં સુકાતાં દીકરીનાં સફેદ બાળોતિયાં પવનથી ડોલે અને એ જ પવનની થપાટોથી પેલાં ગુલમહોરનાં ઝીણાં લીલાં પાન ડોલી ઊઠે. બદલાવની ઇચ્છાઓનાં પાન... દીકરો, નાનકડા વાળ, સફેદ ઝભ્ભો-લેંઘો, બ્લેક શૂઝ...
પછી પાછી આખા અસ્તિત્વથી લાગી જાય બંને દીકરીઓ પાછળ. કશું આછુંપાતળું નહીં, બધું ધસમસતું. સિન્ડ્રેલા, સુખડી, બેબીકટ વાળ, પિંક બેડશીટ, લંચબૉક્સ, મ્યુઝિક ક્લાસ, પરીક્ષાઓ, કૉલેજ, જીન્સ, સાડીઓ, બૉયફ્રેન્ડથી લઈને આંસુઓ અને કવિતાઓ સુધી. દીકરી પ્રેમમાં પડે ને એ ઊગી નીકળે. દીકરીને ગમતી કૉલેજમાં એડમિશન ન મળે ને એ કરમાઈ જાય. પછી બીજા દિવસે ટટ્ટાર ઊભી રહી જાય કોઈ પ્રાચીન નદી પર બાંધેલ તોતિંગ બંધની જેમ.
પછી એક દિવસ એવું બને કે બંને દીકરીઓ ઊડી જાય. કોઈ પરદેશી યુનિવર્સિટીમાં. એરપોર્ટ પર આશુતોષની બાજુમાં ઊભેલી રેવા પ્લેનને આઘે જઈને ટપકું થઈ જતાં જોઈ રહે. ને રડીને લાલઘૂમ થયેલી આંખોને અરીસામાં જોઈ રહે. દીકરીઓની વિદેશમાં કરિયર, પ્રેમલગ્ન... પછી સૂનકાર.
આ બદલાવ અસહ્ય હતો. દીકરીઓના રૂમનાં બારણાં બંધ રાખીને એમની વસ્તુઓ સંતાડીને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. કોઈ ગોઠવણી કામ લાગે તેમ ન હતી. ક્યારેક લાગે બસ હાથ જ નથી. તો ક્યારેક થાય પગ ક્યાં... તો ક્યારેક લાગે બધું છે પણ ખોટું પડી ગયેલું. પથ્થર થઈ બેસી રહે. ઝાડ તો હલી પણ શકે. એ ક્યાં...
એને નવા ખરીદેલા વિશાળ ઘરમાં જેનો ઉચ્ચાર કરતાં ન ફાવે એવા ઠેકાણે દૂર દેશ વસેલી દોહિત્રીઓ રમતી, દોડતી દેખાય... ઇચ્છાઓનાં પાન કંઈ પીળાં થઈ ખરી થોડાં પડે? રેવા અરીસામાં દેખાતી વ્યક્તિને જોઈ રહે. આંખો, નાક, હોઠ, વાળ. ગોઠવણીને બદલવી કે બદલાવને ગોઠવવો? એ પોતે કે ઇચ્છાઓનું ઝાડ?
દીકરીઓ વર્ષે બે વર્ષે આવે. બાકીના સમયે વેબ કૅમેરા પર દેખાય. એમના વ્યવસ્થિત ગોઠવાયેલાં જીવન, સંતાનો, જૉબ, ઘર... ફોનમાં મમ્મીને ભૂલી જવાયેલા શ્લોકો અને સત્યનારાયણની કથાવિધિ પુછાય. કંસારની રેસિપી વિશે પુછાતાં અવાજ ભીનો થઈ ટપકે. સૈકા જૂના ઝાડને હોય તેવી હૃદયની વચ્ચોવચ ઊભી તિરાડ પડે. પછી બારી બહાર મકાનોની વચ્ચે ઊભેલાં ઝાડ ડોકિયું કરીને એને જ બોલાવતાં હોય એમ રેવા જોઈ રહે. નવાં ઊગેલાં કૂમળાં અને પીળાં થઈ ખરતાં પાંદડાંઓની ચંચળતા વચ્ચે ઝાડનું સ્થૈર્ય, પછી ઝાડમાંથી કંઈ એનામાં ઊતર્યું હોય તેમ આંખો બંધ કરી બેસી રહે.
એક વાર દીકરીઓનાં કપડાંના કબાટને ગોઠવતાં ખૂબ રોઈ પડી. આંસુઓનો જળધોધ એવો કે આશુતોષ સામે ઊભેલો તોય કાચની કૅબિનની પેલે પારથી જાણે બોલી રહ્યો હોય તેમ તેના લાફિંગ ક્લબ ને યોગના ક્લાસ એવા કંઈ શબ્દો એને સંભળાઈ રહ્યા. ત્યારે જમણો હાથ એને સાંત્વન આપવા ઊંચો કરીને બસ બોલવા જ જતી હતી કે એવી કશી જરૂર નથી. હું ઝાડ છું અથવા મારી સામે ઝાડ છે, ચિંતા ન કરીશ એવું કંઈ. એટલામાં ઇન્સ્યોરન્સનું કુરિયર આવ્યું ને સહી કરવામાં બધું રહી ગયું.
ઘણી વાર તીવ્ર ઇચ્છા થઈ આવે કે આશુતોષને બધું કહે. ઝાડ વિશે કે એનામાં રહેલા ઝાડ વિશે કે ઝાડમાં રહેલી એના વિશે. પછી કેવી રીતે કયા શબ્દોમાં ને ક્યારે કહેવું એ બધા પ્રશ્નો નડે. ને બધું કહેવાયા પછી પણ સામે છેડે ન પહોંચે તો? પછી થાય સારું થયું ન કહેવાયું. કહીને સમજાવી ન શકાય. ને ન કહેવામાં બાધ ન હોય. કદાચ એવા સંબંધનો અર્થ તેની ગુપ્તતામાં જ જળવાતો હશે.
*
‘તમારે તો બબ્બે દીકરીઓ પરદેશ. છ મહિના ત્યાં ને છ મહિના જ અહીં –‘
‘અથવા તમારે એકલાં ત્યાં જતાં-આવતાં રહેવું –‘ સલાહો.
પણ એમ નહીં.
આશુતોષને બિઝનેસ અને એનેય કેટલું બધું?
પૂરાં આઠ ગલૂડિયાં. સફેદ, બદામી, કાળાં રંગોની વિવિધતામાં. ક્યારેક માખણની છાશમાં રોટલીનાં બટકાં નાખીને પ્લાસ્ટિકના વાસણમાં ઠલવાય. ક્યારેક દૂધમાં બ્રેડ ને બિસ્કિટની મિજબાની અપાય. સોસાયટીના સભ્યો ફરિયાદ નોંધાવે.
ગલૂડિયાં બધાનાં ઘર બગાડે છે. બહાર લટકતાં કપડાં ખેંચે છે. છોડનાં કૂંડાં પછાડીને તોડી નાખે. તમે જ હેળવ્યાં છે.
રેવા સ્થિતપ્રજ્ઞ થઈ સાંભળી રહે. આઠ ગલૂડિયાં અડોઅડ માથે એક વાસણમાં જમી ન શકે. એટલે બીજા દિવસથી બાજુમાં બીજું વાસણ ગોઠવાય.
પછી કબૂતરોનો વારો. તમે કૉમન પ્લૉટમાં વેરેલા જારના દાણા પર પગ આવવાથી હું લપસી પડી એવી 3 નંબરના ઘરવાળાની ફરિયાદ સામે પણ રેવા સહાનુભૂતિભર્યું સૉરી કહી જોઈ રહે. કૉમન પ્લૉટમાં દાણા નાખવા સિમેન્ટનું પાત્ર મૂકવામાં આવે. કબૂતરોની પરોણાગાત યથાવત્ રહે.
પછી એક નવી બાબત ઉમેરાય.
શ્રીધર અઠવાડિયે બે વાર આવે. ક્યારેક ન આવે ત્યારે રેવા હેતાળ સ્વરે ફોનમાં પૂછે, ‘કેમ, ભૂલી ગયો રસ્તો? જીપીએસ ચાલુ રાખતો હોય તો.’ ફોનમાં હાસ્યના ટૂંકા આરોહઅવરોહ ઉમેરાય.
‘ના મૅડમ એવું નથી –‘
‘મેડમ નહીં –‘
‘હા આંટી... ફ્રેન્ડ્સ ગેટ ટુ-ગેધર એ બધામાં હતો એટલે –‘
શ્રીધરે આમ તો આ જ વર્ષે કૉલેજમાં અને હૉસ્ટેલમાં એડમિશન લીધું. આશુતોષના દૂરના સગાનો દીકરો. વચ્ચે પાંથી, પાતળા હોઠ, ચશ્માંમાંથી દેખાતી લાંબી પાંપણોવાળી મોટી આંખો. વહાલો લાગે એવો.
રેવા પાસે અઠવાડિયામાં બે વાર સંસ્કૃત શીખવા આવે. ઇંગ્લિશ લિટરેચર અને નાટકોની સાથે સંસ્કૃતનું કૉમ્બિનેશન જરૂરી હતું. કૉલેજ અને મિત્રોનું પ્રકરણ પૂરું થયા પછી આવે. ભણીને જમીને જાય. જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર રેવા એની પાસે બેસે. આશુતોષ સામે. એ જમવાનો હોય ત્યારે એને ન ભાવતું દૂધીનું શાક ન બને. એ આવવાનો હોય તે દિવસે રેવા સવારથી સાંજને ગોઠવી નાખે. સાંજનો ટીવી શો અને વૉકિંગ કેન્સલ. ટેબલ પર નવા નૅપ્કિન. જમવામાં કંઈ ગળ્યું...
એણે માસ્ટર્સ કરવા દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું ને મીઠાઈ આપવા આવ્યો ત્યારે રેવા હંમેશ મુજબ છેક મુખ્ય બારણાની ગ્રીલ સુધી વળાવવા આવી. ગળામાં ભરાયેલા ડૂમાને ઓગાળવા થૂંક ગળવા ગઈ ત્યારે એના બંધ હોઠમાં દાંતની જોડાયેલી બંને કતારોની અંદરની તરફ જીભ ફરી હતી.
રાતે નહાઈને ગાઉન પહેરીને અરીસા સામે માથું ઓળતાં દેખાયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં તો પેલા ગુલમહોરમાં શ્રીધરની ભાવિ પત્ની ને બાળકોના કિલકિલાટથી ભરેલા ઘરની આખી નવી ડાળ ઊગીને ઉમેરાઈ ગઈ હતી.
ફરી એક વાર કશું ગોઠવવાનું ન રહ્યું. અઠવાડિયામાં બે દિવસ સાંજે કોઈની રાહ જોવાની ન રહી. સંસ્કૃત વ્યાકરણનાં પુસ્તકો કબાટમાં પાછલી હરોળમાં ગોઠવાઈ ગયાં. સાંજનું ચાલવાનું ને ટીવી શો જોવાનું એટલું જરૂરી થઈ પડ્યું કે એનાથી પણ ઊબ આવવા લાગી. આશુતોષ અડધો દિવસ ઑફિસ જઈ આવીને મોટા ભાગે ઘરેથી જ ફોન કે કમ્પ્યૂટર ઘર કામ પતાવે. ટી.વી., મોબાઇલ, ટેબ અને લેપટોપમાં વહેંચાયેલો રહે. જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પરથી ડિશ લઈને કિચન સિંક પાસે પહોંચતાં સુધીમાં લાગે કે એ પોતે આ ક્ષણ પછી નહીં હોય તોપણ જીવન આમ જ અટક્યા વિના ચાલ્યા કરશે. અચાનક અત્યાર સુધીનું જીવન અને હવે પછીનું જીવન એ બંને વચ્ચે એક રેખા ઊભી થઈ જાય. શેનાથી ને કેવી રીતે જિવાયથી લઈને શા માટે જીવવું સુધીના પ્રશ્નો ઊઠે.
પછી સાંજે કંટાળાને કાબૂમાં લઈને ચાલવા માંડે. કોઈ વાર પગની અને મનની ગતિ વચ્ચે કંઈ એવો તાલ મળે કે વિચારોની ભાષા બદલાઈ જાય. સારું જ થયું કે કોઈની રાહ નહીં જોવાની. આ ઉંમરે વળી આ શી જવાબદારી? ને સગપણ પણ કેટલું દૂરનું? આશુતોષના કઝીન ભાઈના મામાના દીકરાના સાળાનો... આ ઇચ્છાઓનાં પાંદડાંઓને હાઈવેની વચ્ચોવચ આવેલા નિયમિત રીતે ટ્રીમ કરાતા ડાહ્યાડમા છોડની જેમ ટ્રીમ કરતાં રહેવું જોઈએ. એટલે આડેધડ ઊગી ન જાય.
એ સોસાયટીની બહાર સ્ટેડિયમની ધારે ચાલી રહી હતી. સ્ટેડિયમની ગોળાઈને ફરતે ઝાડની હારમાળા. પવનમાં નમીને કંઈ કહેવા જતો અટકી ગયો હોય એમ સદ્ગૃહસ્થની માફક ઊભેલ આસોપાલવ. પોતાના થડની વૈભવી સ્થૂળતાથી હલનચલન માટે અક્ષમ હોઈને પણ પાંદડાંઓને પવનમાં ઊડવા દેવાની સંમતિ આપતો પાકટ લીમડો અને ગુલમહોર... પરસેવો, ધૂળ, થાક બધું લઈને રેવા અહીં ઊભી રહી જાય. અરીસામાં જોતી હોય તેમ જોઈ રહે. એનામાં રહેલું ઝાડપણું ને સામે ઊભેલ ઝાડ. એનાં પાન, ડાળીઓ, ફૂલોના વિસ્તાર સાથે વૈભવી પણ સંયમી. ભરપૂર ઊર્જા છતાં સ્થગિતતાને બાથ ભરીને સ્વીકારતું ચૈતન્ય. ન ઇચ્છા, ન બદલાવ, ન ગોઠવણી...
એ સાંજે રેવા થોડી વધારે રેવા હોવાનું અનુભવે. ટીવી શો જોતાં મોંમાં કંઈ નવો સ્વાદ લાગે. એટલામાં તો ખબર પડે કે ઉપલા-નીચલા દાંતની હરોળ હંમેશની જેમ ભિડાયેલી નથી. બંને વચ્ચે જીભને આવવા જવાની મોકળાશ થઈ છે. કંઈ ખૂલી ગયું છે. અથવા ઊગી ગયું છે. જૂના ઘરની પથ્થરો જડેલી ઓસરીની વચ્ચે અચાનક ઊગી જતા પીપળાની જેમ. એ આસપાસ નજર ફેરવે છે. બધું એનું એ જ પણ ગોઠવાયેલું લાગે છે. ઘર, ફર્નિચર, આશુતોષ, ચાલવું, ટીવી જોવું, જીવવું ને એ પોતે... આશુતોષ એકાદ વાર ચમકીને એની સામે જુએ પણ કોઈ શબ્દ ન જડતાં ટેબમાં ને ટીવીમાં ખોવાઈ જાય. રેવા ધીમું હસી રહે. પૂછે તોય કંઈ કહેવું નથી. કદાચ આટલાં વર્ષેય નહીં સમજાવી શકાય ઝાડ હોવાની વાત.
સ્રોત
- પુસ્તક : એન્ટરપ્રિન્યોર (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : પૂજા તત્સત
- પ્રકાશક : હર્ષ પ્રકાશન
- વર્ષ : 2019
