Jeevan ane Jeevanna Shani-Ravini Vaat - Short Stories | RekhtaGujarati

જીવણ અને જીવણના શનિ-રવિની વાત

Jeevan ane Jeevanna Shani-Ravini Vaat

કિશોર પટેલ કિશોર પટેલ
જીવણ અને જીવણના શનિ-રવિની વાત
કિશોર પટેલ

શનિવારની સાંજે ફ્લાઈંગમાં ગરદી કંઈ જેવી તેવી હોય કે? પણ આપણો જીવણ કોઈ દિવસ માને ખરો? કોઈ પણ સીઝન હોય શનિ-રવિમાં ગામ જવાનો એટલે જવાનો.

ફ્લાઈંગ બોરીવલી છોડે એટલામાં તો સ્ટાફમાં રમી શરુ થઇ જાય. પનામા અને તીસ નંબર સળગતી જાય. દસ દસ પૈસા ખખડતા જાય અને ગામ નજીક આવતું જાય.

જીવણને તમે ઓળખો તો ખરાને? આપણો જીવણ મુંબઈમાં પંદર-વીસ વર્ષથી ડ્રાઈવરનું કામ કરે છે. ડ્રાઈવર કહ્યું એટલે તમે સમજી જવાના કે એને હાથ સાફ કરવાનું મળી રહેતું હશે. અનુમાન તમારું સાચું છે. એનું માનવું છે કે દેશનો નાનોમોટો દરેક માણસ જો મોકો મળતાં હાથ સાફ કરી લેતો હોય તો એને પણ તેમ કરવાનો નૈતિક અધિકાર છે.

જીવણના ઘર-ગામમાં ઉંમરે આવી ગયેલા ડોસો-ડોસી,પત્ની, ચાર છોકરાં અને પાંચમું પેટમાં. બે-ત્રણ બહેનો પરણાવી દીધા પછી પણ કુંવારા રહી ગયેલાં એક ભાઈ અને એક બહેન. પરચૂરણ ઢોર અને પડું પડું થતું ચોમાસે ઠેર ઠેર ગળતું ઘર. મામૂલી જમીન જે મોટે ભાગે ગીરવે મૂકેલી હોય.

એક વાર જીવણે મને કહ્યું હતું કે કુટુંબ તો ગામમાં પોસાય. એણે આવું વિધાન કર્યું તેની પાછળના કારણો તપાસવાની જરૂર છે. બારતેર વર્ષ પહેલાં એના લગ્ન થયાં. પરણ્યા પછી પત્ની કાશીને મુંબઈ લાવેલો. કાકા ગોસાંઇની બંગલા ખાતેની ખોલીમાં ચોરીછૂપીથી સંસાર ભોગવેલો. પરદાવાળી ટેક્સીમાં બેસાડી પત્નીને મુંબઈ દેખાડેલું. પછી બહુ જલ્દી પોતાની ખોલી લેવાનું વચન આપી પત્નીને ભારે હૈયે ગામ મૂકી આવેલો. પછી પોતાની ખોલી લેવાના એણે ઘણા પ્રયત્ન કર્યા પણ ટૂંકા પગારમાં, કશી બચત વિના, આગળપાછળના કોઈ આધાર વિના મુંબઈ શહેરમાં કોઈ પોતાની ખોલી વસાવી શક્યું છે કે જીવણ વસાવી શકે? હારીને શમણું એણે દફનાવી દીધેલું. આમ છતાં ચાર-પાંચ વર્ષના ગાળામાં કાશી બેત્રણ વખત મુંબઈ આવી ગઈ. સગાવ્હાલાંઓની રૂમ પર, રસોડામાં, ગેલેરીમાં અને દાદરાઓ નીચેની એમણે અનેક વાર સંસાર માણ્યો ને મુંબઈમાં હર્યા-ફર્યાં. પણ બધી વરણાગીમાં જીવણ લાંબો થઇ ગયો. બોનસમાં કામમાં ખાડા થાય એટલે સાહેબની બોલી સાંભળવાની. અને ધારો કે પણ જીવણ ચલાવી લે પણ પછી મુંબઈ ખાતે પત્નીનું રોકાણ લંબાઈ જાય તે ગામડે ડોસી થોડી ચલાવી લે? એની બડબડ શરુ થઇ જાય કે આખા ઘરનું લદોયડું મારે એખલી કરવાનું કે? ચારે બાજુથી વિચારતાં જીવણને એવું લાગેલું કે કુટુંબ ગામમાં રહે એમાં ડહાપણ છે. એટલી એક વાત પરવડી શકે એમ છે. પછી જીવણનું કુટુંબ કાયમ ગામમાં રહે અને દર શનિવારે આપણો જીવણ ફ્લાઈંગ પકડે. મુંબઈમાં ગમે ત્યાં ગેરેજમાં પડી રહેવું પડે કે હાથે કાચું-પાકું બાફીને ખાવું પડે એમાં આપણો જીવણ કંટાળે નહીં.

ફ્લાઈંગ દહાણુ પહોંચે એટલે વાનગાંવના બટાટાવડાં આવે. રમીમાં જે જીતમાં હોય સ્ટાફના બીજા સાથીઓને વડાં ખવડાવે. ટ્રેઈન ઊપડે એટલે ફરીથી રમી શરુ થાય.

વલસાડ આવે એટલે બધા વિખેરાવા માંડે. બિલીમોરા અને પછીના બે-ત્રણ સ્ટેશનોએ સ્ટાફના બધાંના ગંતવ્યસ્થાન આવવાના હોય. પહેલા કે છેલ્લા ડબામાં પહોંચી જવાનું. સ્ટેશને ગાડી અટકે પહેલાં પ્લેટફોર્મની વિરુદ્ધ દિશામાં કૂદીને એસટી પકડવા ડેપોએ પહોંચવાનું હોય.

આપણા જીવણની શું વાત કરું? એનું કહેવું છે કે સ્ટાફનો મેમ્બર છે માટે એનો સંસાર ટક્યો છે, બાકી તો જિંદગી મીઠા વગરની દાળ થઇ જાત.

ક્યારનો સ્ટાફ સ્ટાફ કરું છું તે સમજ્યા કે નહીં? ના ભાઈ, ગ્રુપમાંનું કોઈ રેલ્વેમાં કામ કરતુ નથી. લગભગ બધાજ વિધાઉટ ટિકીટ હોય. પણ ટીસી આવે તો સ્ટાફ છું એવું કહે. સ્ટાફ એક સંકેતશબ્દ છે. સ્ટાફ એટલે ટિકીટ કઢાવી પ્રવાસ કરવાના બદલે ટીસીને ચાંલ્લો પકડાવી નિયમિત પ્રવાસ કરતુ એક ગ્રુપ. હવે સમજાયું ને જીવણના જીવનમાં જીવ છે તે સ્ટાફના કારણે.

જીવણ ઘેર પહોંચે એટલે ડોસી પૂછે, 'ભાઈ આયવો કે?' ને ડોસો ખાટલે પડ્યો પડ્યો જોરમાં ખાંસે. પત્ની પીવાનું પાણી આપી ને તરત પગ ધોવાનું બાદલીમાં કાઢી આપે. છોકરાં એની થેલી ફરતે વીંટળાઈ વળ્યા હોય. નાની બેન થેલીમાંથી છોકરાંને ચવાણું અને માને તમખીનું પડીકું કાઢી આપે. જીવણ ગજવામાં બચેલી બધી પનામા ડોસાને આપી દે. નાનો ભાઈ આવા વખતે ઘરમાં હોય નહીં.

હાથ-મોં ધોઈ જીવણ ઓટલે બેસે. ડોસીને તબિયતના અને ગાય-વાછરડીના પરચૂરણ પ્રશ્નો પૂછે. ડોસાએ લહેરમાં પનામા સળગાવી હોય. દરવાજાની આડાશે પત્ની આંખમાં અનુત્તરિત રહેનારા પ્રશ્નો ભરીને ઊભી હોય. એના ઉપસેલા પેટ પર એક નજર નાખી, 'રસોઈને કેટલી વાર છે?' એવું પૂછી જવાબની રાહ જોયા વિના ફળિયામાં ચાલતો થાય.

અટકે ગોવિંદના બારણે જે એની રાહ જોતો તૈયાર બેઠો હોય. બંને જીગરી મિત્રો. એક પીધેલો થઇ જાય તો બીજો સંભાળીને ઘેર મૂકી જાય. એક પણ શબ્દની આપલે કર્યા વિના બંને પકડે લાખાવાડીનો રસ્તો. લાખાવાડીમાં રવજીની ધણિયાણી ઘરના વાડામાં દારુ ગાળે. સાંજે અંધારું થયે રવજી લાખાવાડીમાં આમલી નીચે કેન ભરીને દારુ વેચવા બેસે. પીનારા આવે ને જાય.

ગોવિંદ ગજવામાંથી ખાલી શેરિયા બાટલી કાઢે. એમાં રવજી દારુ ભરીને આપે. ઉપરથી દાંડી તૂટેલો ચિનાઈ માટીનો એક કોપ આપે. શરુ થાય બે મિત્રોની મહેફિલ. ગોવિંદ કોપ ભરીને જીવણને આપે. સાહેબજી કહી જીવણ દારુ ગટગટાવી જાય. માલ સારો છે એમ કહે. પછી ગોવિંદનો વારો. પણ સાહેબજી કહે. દાંડી તૂટેલા કોપમાં પણ દારુ પીએ. જીવણ તીસ નંબર સળગાવે. ગોવિંદ એની ખાસ થેલીમાંથી તંબાકુ-પાંદડા કાઢી બીડી વાળે. ગોવિંદના બે વાર લગ્ન થયેલાં. પહેલી પત્નીને ગોવિંદે ફારગતી આપેલી અને બીજી જાતેપોતે નાસી ગયેલી. પછી સંસારમાંથી ગોવિંદનો રસ ઊડી ગયેલો. બંને મિત્રો વચ્ચે આમતેમની વાતો થાય. મુંબઈમાં જીવણે ધર્મેન્દ્ર કે અમિતાભનું કોઈ પિક્ચર જોયેલું હોય તેના મોઢે ચઢી ગયેલા સંવાદ પોતાની શૈલીમાં કહે. ગોવિંદ આમ તો ગામમાં મજૂરી કરી ખાય પણ વચ્ચે બેએક વાર હવાફેર કરવા મુંબઈ જઈ આવેલો ત્યારે હેમા માલિની અને રેખાના પરિચયમાં આવેલો. ત્યારથી બંને એની માનેલી પ્રાણપ્રિય સખીઓ. ગોવિંદ સખીઓના લેટેસ્ટ ખબર પૂછે. જીવણ કહે કે હમણાંથી એમનું કોઈ પિક્ચર જોયું નથી. ગોવિંદ ને ગુસ્સો આવે. 'પેશાબ કરી આવું' એમ કહી અંધારામાં દૂર જાય. હવે આવું કહીને ગોવિંદ હકીકતમાં ક્યાં જાય છે એ-જવા દો. ગોવિંદની ખાનગી બાબત છે. હું તમને કહું તો ગોવિંદ મને વાઢી નાખે. અમસ્તો પણ વાતવાતમાં લોકોને વાઢી લાખું-ફાડી લાખું કહ્યા કરતો હોય છે.

ઘણી વાર રવજીનું કેન ખાલી થઈ જાય ને છતાં જોડીની ઈચ્છા અધૂરી રહી જતી હોય તો બંને બીજી ભઠ્ઠી ઉતરવાની રાહ જોતા બેસી રહે. એમ તો ઘણા રીતે રાહ જોતા બેઠા રહે. જાતજાતની વાતો થાય. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ગામના ચોતરે થાય એવી બધી વાતો અહીં પણ થાય. ફરક માત્ર એટલો કે અહીં કોઈ પણ કોઈની પણ મા-બહેન કે સાસુ જોડે તાત્કાલિક વિશિષ્ટ સંબંધ બાંધવા હર ઘડી તૈયાર હોય.

એટલામાં નવો દારુ આવે. આટલી વારમાં જીવણને થોડોક તો ચઢી ગયો હોય. પણ તો કહ્યા કરતો હોય કે હું ઓલરાઈટ છું. ગોવિંદને તો જેટલું પીધું હોય તે ઉંગટમાં પણ હોય. એટલે ઇશારાથીજ રવજીને વધુ દારુ લાવવા કહે. જીવણ આનાકાની સાથે થોડુંક પીએ ને બાકીનું ગોવિંદ ગટગટાવી જાય. જીવણ ગોવિંદને તેની પ્રિયતમાના ખબર પૂછે. ગોવિંદ મૂડમાં હોય તો જવાબ આપે નહીં તો ધરમકરમની વાતો માંડે. ગોવિંદને ભજનનો ભારે શોખ. જવા દો. ગોવિંદ વિષે વિસ્તારથી ફરી કોઈ વાર.

શેરિયા બાટલી ભરાવી બંને મિત્રો ઊભા થાય. બિલ તો મુંબઈવાળો ચૂકવે.

પાછા ફરે ત્યારે અંધારું ખાસું થયું હોય. રસ્તા એના હોય પણ પીધેલા જીવણનો રસ્તાઓ વિષે અભિપ્રાય બદલાઈ જાય. એના મતે રસ્તાઓ એના દુશ્મન તેથી કાયમ એને ઢરિયાંમાં પાડી નાખે.

ઘેર બધા ઊંઘી ગયાં હોય. કાશી ખાટલામાં પડી હોય. સૂતી કે જાગતી જીવણને ક્યારેય ખબર પડતી નહીં. ખાટલામાં પડી છે માટે ઊંઘમાં છે એવું જીવણ સમજતો. એવું માનતો કે ઊંઘી ગયેલી પત્નીને ફક્ત લત્તાપ્રહારથી જગાડી શકાય. જો કે અનુભવી કાશી હમણાથી જીવણને એવી તક આપતી નહીં. જીવણના ગૃહપ્રવેશની સાથે ખાટલેથી ઉઠી જઈ રાત બધી પીએ અથવા ઘેરના માણહનું હો ધ્યાન નીં મલે એવા બબડાટ સાથે જીવણ માટે ભાણું કરતી.

બંને જમવાની શરૂઆત કરે.

વીક-એન્ડનું સ્પેશીયલ ડીનર. મેનુમાં શું હોઈ શકે એવો સવાલ કદાચ તમને થાય. જુઓ ભાઈ, શનિવારની વાત છે. આખા અઠવાડિયા પછી ધણી થાક્યો-પાક્યો ઘેર આવ્યો છે. આવતાં પીએ કે આવીને પછી પીવા જાય. મરઘી-મટનનો જોગ ના થાય તો છેલ્લે નદીની માછલી પણ જમવામાં ના હોય તો જીવણનો મિજાજ બગડે. એવું કાશીને કોઈ સંજોગોમાં ના પરવડે. એટલે સવારથી દિયરને ગોદા મારી મારીને માછલી પકડવા નદીએ મોકલ્યો હોય. માછલી ના મળે તો માળ પર કરેલા સંગ્રહમાંથી કંઇક ઉતારી બૂમલા-ફ્રાય કે જિંગા-કરી તો બને બને. નવરાત્રિ કે એવી કશીક અડચણ હોય તો પાણીપૂડા અને વેગણબટાકાનું તીખું તમતમતું રસાદાર શાક તો હોય જ. જીવણનું એવું કે ખાવાનું સારું હોય તો દુનિયામાં સુખ છે બાકી કંઈ નથી. ને એટલે કાશી આખું અઠવાડિયું બધાને ધાન-ડખું ખવડાવે પણ શનિવારની રાતે? કોઈ સમજૌતા નહીં સરકાર!

મનભાવન ભોજનનો જીવ્હાને સ્પર્શ થતાં ખુશ થયેલો જીવણ ઘરમાં બીજા બધાં જમ્યા કે એવું પૂછે. લાગ જોઇને કાશી પૂછે, 'આ ફેરે મોમ્બેઈથી મારા હારું હું લાયવો?' જીવણને યાદ આવે કે ફ્લાઈંગ પકડતાં પહેલાં સ્ટેશનની બહારથી ગજરો બંધાવ્યો હોય. જમતાં જમતાં થેલીમાંથી ગજરો કાઢવા ઊઠવા જાય. કાશી ઉઠવા ના દે. જીવણ જીદ કરે કે 'હમણાં ગજરો આપું' છેવટે કાશી પાણિયારા પર ભીંજાતો મૂકેલો ગજરો બતાવે.

જમી ઉઠીને જીવણ તીસ નંબર સળગાવે. કાશી જીવણની આંખોમાં ભાવ રમતા જૂએ તો બાંધેલા વાળ છૂટા મૂકે. જીવણ કહે કે ગજરો બાંધ. કાશી કહે સવારે બાંધીશ. જીવણ કહે હું બાંધી આપું. ગજરો બાંધવાને બદલે જીવણ કાશીને બાહુપાશમાં બાંધી લે. પછી તો જાતજાતનું થાય.

ટૂંકમાં જીવણે માફકસરનો પીધો હોય તો બંનેની રાત ઉજળે. બાકી કાશીના અનુભવ અપરંપાર છે. ઘણી વાર તેણે ધણીના હાથનો માર ખાધો છે. કેટલીક વાર જીવણે કશું કર્યા વિના તેને સૂવા નથી દીધી. કેટલીક વાર ગોવિંદના ઘેર સૂઈ રહ્યો હોય. ગોવિંદ આમ છડો માણસ એટલે કાશીને બીજી ચિંતા નહીં પણ ઘેર રાંધેલું ધાન બગડે ને? ક્યારેક તો જીવણ ઊંઘી ગયેલા બાપને ઉઠાડીને ઝગડે. પીધેલા જીવણને બાપની દલીલો સંભળાય નહીં. સંભળાય તો સમજાય નહીં. સમજાય તો ડોસી, કાશી કે છોકરાની કોઈની પણ માયના માટીને યાદ કર્યા કરે.

જીવણ જંપી જાય એટલે ઘર જંપી જાય. કાશી તેના વધી રહેલા પેટ પર હાથ મૂકી સૂઈ જાય. સમસમ કરતી રાત વહે ત્યારે જાતજાતના અવાજ આવ્યા કરે. ઢોરના વાગોળવાનો, તેમના કાન ફ્ફડાવવાનો, પૂંછડા ઉડાવવાનો, પેશાબ કરવાનો, મરઘાં વાંસ પરથી કૂદી પડવાનો, ડોસીના નસકોરાંનો, ડોસાના ખાંસવાનો, અચાનક ઓટલા પરથી કૂતરીના ભસી પડવાનો અને તરત ફળિયામાંથી તેની બહેનપણીના ઈમીજીયેટ રીપ્લાયનો, માળિયા પર ઉંદર-બિલાડીની દોડાદોડનો, વાડામાંથી કામાતુર બિલાડાના રડવાનો, પાડોશમાંથી નાના બાળનો રડવાનો, નદી પરથી ગામમાં ફરવા નીકળેલી ટીટોડીના ટીહું ટીહુંનો ને એવા બીજા અસંખ્ય અવાજો રાત આખી સંભળાયા કરે. પણ આપણો જીવણ સુખી જીવ. આખી રાત મસ્ત ઘોરે.

રવિવારે જીવણ મોડેથી ઊઠે. પહેલાં ઉતારો કરે અને પછી દાતણ કરે.

ચા પીતો હોય ત્યારે ડોસી અને બેન છટ્યા ફાડતી હોય. એમાં એવું કે જમીન નબળી એટલે આવક એવી કંઈ ખાસ નહીં. એકલા જીવણના પગારમાં કંઈ ઘર ચાલે નહીં. એટલે ઘરની સ્ત્રીઓ ખજૂરીના પાંદડાની સાવરણી વગેરે બનાવી વેચીને એટલે કે લઘુગૃહઉદ્યોગ ચલાવીને ઘરખર્ચમાં ફાળો આપે. સ્ત્રીઓ સિઝનમાં બીજાની જમીનમાં મજૂરીએ પણ જાય. રવિવારની રજા ફક્ત જીવણને. કામ કરી શકે એવા નાના ભાઈનો ક્યાંય પત્તો ના હોય. ડોસા બહુ બહુ તો ઢોરમાં જાય. છોકરાં શેરીમાં રમતાં હોય.

ચા પીને જીવણ ફળિયામાં ફરે. સાજા-માંદાની ખબર લે. મૂડમાં હોય તો વળી કાશીને પૂછે 'મારું કંઈ કામ છે?' કાશી કહે કે લાકડાં કરવાના છે તો કુહાડી લઈને બપોર સુધી લાકડાં ફાડ્યા કરે. મૂડ થાય તો ઢોરમાં પણ જાય. છોકરાંને લઇ નદીએ નહાવા જાય.

બપોરે જમ્યા પછી સ્ત્રીઓ ઓટલા પર તમખી ઘસતી બેઠી હોય. જીવણ વાડામાં લીમડાની ઘટામાં ખાટલો ઢાળીને સૂતો હોય. ત્યારે કંઇક મરઘાં એના ઉઘાડા ડિલ પરથી કૂદાકૂદ કરતાં વિઘ્નદોડની રમત રમતાં હોય. ઓબરામાં કાશી જીવણના કપડાંના ખીસા ફંફોસતી હોય.

સાંજે જીવણ ગોવિંદ જોડે લાખાવાડી ફરી આવે. રાત્રે વેળાસર ખાઈને ઊંઘી જાય. અથવા યાદ આવે તો વળી છોકરાંને પૂછે કે કોણ કંઈ ચોપડી ભણે છે. ડોસા જોડે ઘર-જમીનની વાત કરે. આવા સમયે નાનો ભાઈ નજરે ના ચડે. દેખાઈ જાય તો જીવણના હાથનો માર ખાય. કારણ કે જીવણને ખબર મળ્યા કરતા હોય કે કામ કરવા સરખો છોકરો આખો દિવસ રખડ્યા કરતો હોય. બીડીઓ પીતો હોય. ચોરેલા ઈંડાના પૈસામાંથી દારુ પીતો હોય. બીજા નવરા છોકરાંઓ જોડે જુગાર રમતો હોય. વચ્ચે ડોસી ગમેતેમ કરીને પોતાની વાત કરે. એની તો એક વાત હોય, બેન માટે તપાસ કર. એમાં એવું કે નાની બેન જીવણના ધ્યાન બહાર મોટી થઇ ગઈ હોય. જીવણ યોગ્ય જગ્યાની તપાસમાં તો હોય પણ કંઈ જામતું ના હોય. બેનની સાથેની છોકરીઓ ક્યારની પરણી ગઈ હોય ને છોકરાંછૈયાં પણ રમતાં થઇ ગયાં હોય એટલે બેન દુ:ખી રહેતી હોય. વાત નીકળે એટલે બારણાં પાછળથી કાન ઊંચા કરી બધું સાંભળતી હોય. લેટેસ્ટ જગ્યાએથી પણ ના આવી છે એવું સાંભળતાં રડી પડે. જીવણ ગુસ્સે થઇ જાય. કાશી નણંદને સમજાવે અથવા રડવામાં સાથ આપે. ડોસો વચ્ચે મમરો મૂકે કે જગ્યા આવે તો ખર્ચનું શું?

જીવણ કંઈ જવાબ આપે નહીં. ડોસી અને બેનના જીવને કંઈ કંઈ થાય. ડોસો કહે સાહેબને વાત કરજે. જીવણ કહે જમીન મૂકીશું. ડોસો પૂછે, 'પછી ખાઈશું શું? ઘાસ ને કચરું?' બાપદીકરો ઝગડે. ડોસો કહે કે એના ટાઈમમાં કેવો ઈજ્જતથી રહેતો. ગોવિંદ કહે બે બેનોના લગ્નપ્રસંગ ઉકેલતાં કેટલો ખુવાર થઇ ગયો છે. વખતે ઘરના હાજર બધા બંને પક્ષે વહેંચાઈને લડવામાં ઝુકાવે. બેન એક ખૂણે બેસી આંસુ સારતી હોય. એક માત્ર કાશી સ્વસ્થ હોય. જાણતી હોય કે ગમે તેમ કરીને સંઘ કાશીએ જરૂર પહોંચશે.

થોડીક વારે ડોસો ઠંડો પડી જાય કારણ કે ખાંસીએ જોર પકડ્યું હોય. આટલી વારમાં જીવણને ખ્યાલ આવે કે કહેવા જેવું બધું કહેવાઈ ગયું છે એટલે પણ ઠંડો પડી જાય. સૂવા જાય એટલે ઘર પણ સૂઈ જાય.

જીવણ પગાર લઇને આવ્યો હોય તો સોમવારે સવારે ઊઠવામાં આળસ કરે. પગાર લેવાનો બાકી હોય તો મળસ્કે હાંફળો ફાંફળો જાગે અને ઝડપથી તૈયાર થાય. બે અંતિમો વચ્ચેના દિવસે ખૂબ આળસ કરતો જાગે અને અનિચ્છાએ તૈયાર થાય. વિદાય વેળાએ કાશીના વધેલા પેટને જોઈ કહે સાચવજે. કાશી પણ કહે સાચવીને કામ કરજો.

એસટી બિલીમોરા પહોંચે એટલે-

જીવણ અને જીવણના શનિ-રવિની વાત અહીં પૂરી થાય છે. આમ તો જીવણની લીલા અપરંપાર છે. બીજો અધ્યાય ફરી કોઈ વાર.

સ્રોત

  • પુસ્તક : ડિવોર્સ@લવ.કોમ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : કિશોર પટેલ
  • પ્રકાશક : શુભમ પ્રકાશન
  • વર્ષ : 2009