પારુલ ખખ્ખર
Parul Khakhar
એક પત્ર આવ્યો છે આછા ગુલાબી કવરમાં, ઉતાવળ એટલી કે કશું જોયાં કારવ્યાં વગર જ કવર ખોલી બેઠી. અંદર જોયું તો પત્ર જ ન મળે! મોકલનાર પાસે શબ્દોની અછત હશે તેથી માત્ર ફોટો જ મોકલી દીધેલો. જોકે ફોટો હતો બોલકો તેથી દરેક પોતાની આવડત મુજબ એ ઉકેલી શકે! હું કંઈક તો ઉકેલી જ શકું તેમ હતી પણ ફોટો કોઈ અજાણ્યા માણસનો હતો. આગળ-પાછળ ફેરવીને જોયું, પણ આ વરત ઉકેલવાની કોઈ કળ જડી નહીં. કોણે મોકલ્યો હશે? શું કામ મોકલ્યો હશે? ફોટામાં કોણ છે? એ ફોટો મોકલીને શું કહેવા માંગે છે, બધું જ મોઘમ હતું. મેં કવર હાથમાં લીધું ત્યાં તો કવર પર મારા નામને બદલે કોઈ ભળતું જ નામ નીકળ્યું! અને મોકલનારના નામ-સરનામાની જગ્યાએ નકરાં ઓઘરાળાં! કશુંક લખ્યાં બાદ ઘસીઘસીને ભૂંસી નાંખ્યું હોય એવાં. ‘હમને સનમ કો ખત લિખા’ ગાઈને મોકલી દેવાયેલો એ પત્ર ખોટા સરનામે પહોંચી ગયો હતો. હવે શું કરવું? શું કરી શકાય? શું કરવું જોઈએ? પ્રશ્નો ટપોટપ ઊગવાં લાગ્યાં મેં કહ્યું ‘બાપલિયા, જરા ધીરા ખમો જેનો હશે એને પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ પણ પહેલાં આ પત્રની ભાષા તો જરાક ઉકેલવા દો!
હું બગીચાના હીંચકા પર જઈને બેઠી, પીઠ પાછળનો તકિયો સરખો ગોઠવ્યો. જમણા પગથી ઠેસ લીધી ત્યાં તો તબલા પર થાપ વાગી, સિતાર રણઝણી અને હીંચકાની સાંકળમાં બેઠેલી નર્તકીઓ આળસ મરડીને ઊભી થઈ. બન્ને પગ ઠેસ લેવા લાગ્યાં, હીંચકાએ ગતિ પકડી અને નૃત્યાંગનાઓએ અપૂર્વ નૃત્ય આરંભ્યું. એકાદ ક્ષણ માટે મને રાજા ભોજના સિંહાસન પર બેઠી હોઉં એવી અનુભૂતિ થઈ. મેં કવર એકબાજું મૂકીને ફોટો હાથમાં લીધો અને ફોટા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. એક સુંદર નવયુવાનનો ચહેરો કલાત્મક રીતે ઝીલાયો હતો. એ કોઈ વાહનની બારીના કાચ પર માથું ટેકવીને બેઠો હતો. બારીના કાચમાં એનું પ્રતિબિંબ દેખાતું હતું. વળી એ જ કાચમાંથી બહારની તરફ પસાર થઈ રહેલાં વૃક્ષો, ખેતરો, પક્ષીઓ, રસ્તાઓ પણ દેખાતાં હતાં. આખુય દૃશ્ય સ્થિર હોવાં છતાં ગતિમાન હતું. નદીનો પ્રવાહ, આકાશ અને વાદળો એ નવયુવાનનાં ચહેરામાં ઓગળી જતાં હતાં. આટલી સામગ્રી તો ફોટામાં જ આપેલી હતી પણ જે ન લખાયેલો પત્ર હતો એ મારે ફોટામાંથી શોધવો હતો.
ફોટા પરથી એટલું સ્પષ્ટ થતું હતું કે એ કશેક જઈ રહ્યો હતો. એમ તો ઘણી જગ્યાએ શકાય, પણ આ જવુંથી શરુ કરીને જવું જ છે, જવા દેવું, જવું પડવું, જઈ શકવું, જઈ ચડવું વગેરે શબ્દયુગ્મોમાંથી આ યુવાનને શું અભિપ્રેત છે એ મારે ઉકેલવું હતું.
આવી સુંદર જગ્યા છોડીને એ શું કામ જતો હશે? કોઈએ રાજ્યાભિષેકની આગલી સવારે વનમાં મોકલ્યો હશે કે કોઈએ ખોળામાં બેસવાની ના પાડી હોવાથી એક પગે જંગલમાં તપ કરવા જતો હશે? ચોપાટમાં સર્વસ્વ હારીને અજ્ઞાતવાસ વેઠવા જતો હશે કે પછી યમની પાસે અમૃતવિદ્યા શીખવા જતો હશે? બુદ્ધ બનવા માટે મહામિનિષ્ક્રમણ કરીને જતો હશે કે પછી સુખી માણસનું પહેરણ શોધવા જતો હશે? યમુના નદી અને કદંબ વૃક્ષની માયા છોડીને મામાને મારવા જતો હશે કે પછી ત્રણ ડગલાંમાં પૃથ્વી માપવા જતો હશે? આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લઈને પિતાના લગ્ન નક્કી કરવા જતો હશે કે હાથમાં ફરસી લઈને પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરવા જતો હશે?- એનું જવું માત્ર જવા વિશે નિર્દેશ કરતું હતું ગંતવ્યસ્થાન વિશેની તમામ શક્યતાઓ ખુલ્લી રાખી હતી. ચારે દિશાઓ, ચારેય ખૂણાઓ અને વિરાટ પૃથ્વી એનું સ્વાગત કરવા તત્પર હતા પણ કાશ... એનું જવું ક્યા પ્રકારનું જવું છે તે જાણી શકાતું હોત!
એ શું કામ જતો હશે એ વિશે વિચાર્યા પછી તરત પ્રશ્ન થાય કે ક્યાં જતો હશે? અને બહુ રસપ્રદ જવાબો મળી આવે છે. ભણવા માટે વિદેશ જતો હોય, કમાવા માટે શહેરમાં જતો હોય, મિત્રનો સંદેશો એની પ્રિયતમાને આપવા જતો હોય, કોઈની ખબર કાઢવા જતો હોય, કોઈના બેસણામાં જતો હોય, ખેતીની ઉપજ વેચવા જતો હોય, હટાણે જતો હોય કે પછી નિરુદ્દેશે સંસાર ભ્રમણે નીકળ્યો હોય! એ જેમાં બેઠો છે એ વાહનનો પોતે ડ્રાઈવર પણ હોઈ શકે જે કશેય જતો જ ન હોય છતાં આવતો-જતો હોય!
એનું જવું મારા મનમાં ઘૂંટાતું જતું હતું. મારા પગ હીંચકાને લયબદ્ધ ઠેક આપી રહ્યાં હતાં, ઘૂઘરીઓ ઝીણું રણકી રહી હતી, નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી હતી. એ માણસ કશેક જઈ રહ્યો હોવા છતાં ફોટામાં સ્થિર હતો અને હું હીંચકા પર સ્થિર હોવા છતાં એનું ‘જવું’ શોધવા માટે રઝળપાટ કરી રહી હતી. મેં ફોટાને ધ્યાનથી જોયો. વીસ-બાવીસ વર્ષની ઉંમર હશે, ડાબી બાજુ પાડેલી પાંથી, જમણી તરફના કપાળ પર ધસી આવેલ વાળનો જથ્થો, સોળ વર્ષની મુગ્ધતા સાચવેલી આંખો, ઘાટી ભ્રમર, ગાલ પર ફેલાયેલી દાઢી, કપાળ પર ઉપસી આવેલી ત્રણ કરચલીઓ, હોઠ પર સ્મિત ન હોવા છતાં જોવો ગમે એવો ભાવ અને મહેંદી રંગના ટીશર્ટ પર ‘ગતિસ્ત્વમ્’નું ચિત્ર... બસ આટલું જ હતું એ ફોટોમાં. આટલી માહિતી પરથી કોઈના જવા વિશે કેટલુંક અને શું શું ધારી શકાય? જોકે એક ફાયદો એ હતો કે આ તાળાની એકેય ચાવી ન હોવાથી અનેક ચાવીઓ લાગાડી શકાય તેમ હતી.
એણે કવરમાં કશું લખીને મૂક્યું ન હતું તો શું એને લખતાં નહીં આવડતું હોય? કે પછી લખતાં-વાંચતાં શીખી ગયેલા વિદ્વાન લોકોની પરીક્ષા કરવા માટે આ ગૂઢ પત્ર મોકલી આપ્યો હશે? એણે કવર પર જે નામ લખ્યું છે તે સ્ત્રી-પુરુષ બન્નેને લાગુ પડી શકે તેવું છે. મેં એણે નહીં લખેલા વાક્યો વિશે ધારવાનું શરું કર્યું.
એને કદાચ એમ લખવું હશે કે ‘પ્રિયે, હું જાઉં છું, આ જીવનમાં નહીં મળી શકીએ.આવતા જન્મની રાહ જોજે અલવિદા’
એને એમ પણ લખવું હોય કે ‘પપ્પા, તમારા સપનાં પૂરા કરવાની મારી લાયકાત નથી પણ જો મારા જોયેલાં સપનાં સાચાં પડશે તો પાછો જરુર આવીશ નહીંતર રામ રામ.’
એને લખવું હશે કે ‘મમ્મી, જેને તું વંશનો વારસ સમજે છે તે આ દીકરો તારા આંબાને આગળ વધારી શકે તેમ નથી. મને માફ કરજે.’
એ એમ પણ કહેતો હોય ‘શેઠજી, તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા હું દુધે ધોઈને પાછા વાળીશ, મારા મા-બાપને કશું ન કહેજો હું જીવતો રહીશ તો તમારું ઋણ ચૂકવવા અવશ્ય પાછો આવીશ.’
એ કહેવા માંગતો હોય કે ‘મિત્ર, શરદપૂનમની રાતે તારી બહેન સાથે એક ઉજળા ભવિષ્યની ચોપાટ માંડી બેઠો છું. હું આવું ત્યાં સુધી રાહ જોજે.’
એ ક્યારેય ન કહી શક્યો હોત કે ‘માસ્ટરજી, તમારો આ પ્રિય વિદ્યાર્થી આજે કબૂલાત કરે છે કે જે ખરેખર હોંશિયાર ન હતો પણ ચાલાકીઓ અજમાવીને પ્રથમ નંબરે ઉતિર્ણ થતો રહ્યો છે.’
મારું મગજ ચકડોળે ચડવા લાગ્યું. ના...ના... આ માણસનું જવું આવા કારણોસર તો ન જ હોઈ શકે. એણે કશો ફોડ નથી પાડ્યો એટલે કંઈ આવા આળ ચડાવવાનો મને પરવાનો મળી જાય છે? બની શકે કે એ કોઈ મિત્રને મળવા જતો હોય, કોઈનાથી રિસાઈને જતો હોય, શહેરમાં ફિલ્મ જોવા જતો હોય કે કપડાં ખરીદવા જતો હોય. ખરીદેલાં શુઝ બદલાવવા જતો હોય કે પછી માનતા ઉતારવા જતો હોય.- શું આવા નાના કારણોસર કોઈ કશે ન જઈ શકે? મેં જ મને જવાબ આપ્યો. જઈ શકે ચોક્કસ જઈ શકે પણ આનો ચહેરો અને કપાળ પરની ત્રણ ઉપસેલી રેખાઓ કહે છે કે આ માણસ કોઈ સામાન્ય કારણસર બહાર નથી નીકળ્યો.
એનું જવું કંઈક અનોખું છે એટલે જ તો એણે કશું લખ્યા વગર માત્ર ફોટો મોકલ્યો છે. એનું જવું હિમાલયની યાત્રા પણ હોઈ શકે, પાયલોટ તરીકેની ટ્રેનીંગ પણ હોઈ શકે, એનું જવું કેલિગ્રાફિ શીખવા જતાં વિદ્યાર્થીનું પણ હોઈ શકે અને છૂટાછેડાના કાગળ પર સહી કરવા જવાનું પણ હોઈ શકે. એના જવાની શક્યતાના કોઈ સિમાડા નથી એ સ્કૂબા ડાઈવિંગ માટે જતો હોય કે પેરાગ્લાઈડીંગ માટે પણ જતો હોય. એ ‘નાસા’માં ઈન્ટર્વ્યુ આપવા જતો હોય કે કોઈ ફિલ્મમાં પાત્ર ભજવવા પણ જતો હોય, એ કોઈ નૃત્યશળામાં નૃત્ય શીખવવા જતો હોય કે કોઈ કોલેજમાં લેક્ચર આપવા પણ જતો હોય. એ ટેટૂ આર્ટીસ્ટ તરીકે ડ્યુટી કરવા જતો હોય કે એ પી.એચ.ડી.ના ગાઈડ પાસે માર્ગદર્શન લેવા પણ જતો હોય. એનું જવું અસંખ્ય રસ્તાઓ ખોલી આપે છે અને એનું જવું ફોટામાં સમાઈ જવું પણ દર્શાવે છે.
શક્ય છે કે એને કહેવામાં આવ્યું હોય ‘નિકલ જાઓ મેરે ઘર સે, તુમ્હારે જૈસી નામુરાદ ઔલાદ મુઝે નહીં ચાહીયે’ અને એ નીકળી ગયો હોય! શક્ય છે એને કહેવાયું હોય ‘સાત પગલાં સાથે ચાલ્યાં, બહુ થયું હવે તમારો સાથ નહીં ફાવે.’ અને એ નીકળી ગયો હોય! શક્ય છે કે એને કહેવાયું હોય ‘આજે સારો દિવસ છે બેટા, જા... વહુને તેડી આવ’ અને એ સારા શુકન જોઈ નીકળી પડ્યો હોય! એવું પણ બની શકે કે ખારાપાટ જેવી ઘરની સ્ત્રીએ કહ્યું હોય ‘જાઓ ને... શહેરના અનાથાશ્રમમાંથી એક દીકરી દત્તક લઈ આવો ને.’ અને એ ઘરને કિલ્લોલતું કરવાના આશયથી નીકળ્યો હોય! શક્યતા એવી પણ છે કે એને મેસેજ મળ્યો હોય ‘તમને દસ લાખની લોટરી લાગી છે, રુબરુ આવીને લઈ જાઓ.’ - એ જઈ રહ્યો છે એ વાત પાકી છે આમ તો એ એકલો જ છે પણ અનેક પ્રશ્નો એની સાથેસાથે ચાલી રહ્યાં છે. અમુક પ્રશ્નો એની પાછળ પાછળ છે તો અમુક એના રસ્તા પર થોડા થોડા અંતરે ટોળે વળીને ઊભા છે. એ કશાની પરવા કર્યા વગર નિસ્પૃહતાથી જઈ રહ્યો છે.
બની શકે કે એને પાંખો ફૂટી હોય! બની શકે કે એના પગ ગાયબ થઈ ગયા હોય! બની શકે કે એને મેઘધનુષ્યમાં રંગો ભરવા બોલાવ્યો હોય! બની શકે કે એને અપ્સરાઓના સ્વયંવરનું આમંત્રણ મળ્યું હોય! બની શકે કે એ ખભા પરના વેતાળને ફરી ઝાડ પર લટકાવવા જઈ રહ્યો હોય! બની શકે કે વર્ષોથી ઊંચકેલા ક્રોસને દરિયામાં ફેંકવા જતો હોય! બની શકે કે એ વનમાં લાગેલ દાવાનળમાં એક અંજલી પાણી છાંટવા જતો હોય! બની શકે કે એ પર્વતમાંથી નીકળતા લાવારસમાં પોતાનો ભુતકાળ હોમી દેવા જતો હોય!- એની બાબતમાં બધું જ શક્ય છે કારણકે એણે પોતે જ શક્યતાઓના દરવાજા ખુલ્લા રાખ્યાં છે.
હું ‘જવું’ વિશે હજુ પણ વિચારતી રહેત પણ ગેટ ખુલવાનો અવાજ આવ્યો, ગેટ પરની ચકલીઓ મીઠું ચહેકી, મેં પગને જમીન સાથે જોડ્યાં, હીંચકો ધીમો પડ્યો, સાજ વાગતાં બંધ થયાં નૃત્યાંગનાઓએ વિરામ લીધો અને મેં મારા મિત્રને આવતા જોયા. મને બગીચામાં જોઈ એ મારી તરફ આવ્યા. સામે પાથરેલી ખુરશી પર આરામથી બેઠા અને પૂછ્યું ‘શું કરે છે?’
‘ભૂલથી એક કવર મારે ત્યાં આવ્યું છે, એમાંથી પત્રને બદલે આ ફોટો નીકળ્યો છે.’ મેં ફોટો એમના તરફ લંબાવતા કહ્યું.
‘અચ્છા.’
‘હું આ માણસના જવા વિશેની શક્યતાઓ તપાસતી હતી.’
મિત્રએ ફોટા તરફ જોતા હસીને કહ્યું ‘બુદ્ધુ... આ પત્ર જ છે... આમાં ચોખ્ખું લખ્યું છે- ‘હું આવું છું’
સ્રોત
- પુસ્તક : એતદ્ : ઑક્ટોબર-ડિસેમ્બર 2022 (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : કમલ વોરા, કિરીટ દૂધાત, નૌશિલ મહેતા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
