Jambu - Short Stories | RekhtaGujarati

લોકો માની ના શક્યાં. ને વાત પણ ઝટ માની શકાય એવી કયાં હતી? શહેરને દવાખાનેથી રાજીની લાશ ગામમાં આવી ત્યારે ગામ આખું કકળી ઊઠ્યું હતું :

‘ફટ્ રે ભૂંડા ભગવાન ! તારે તાંય ન્યા નથી? ધર્મીને ઘેર ધાડ પાડવાની? દન્યોમાં તારો ભરુહો કુણ કરવાનું... ભૂંડા ભગવાંન...'

લીંપણમાં ગાબડાં પડેલી ભીંતો જેવા ચ્હેરાઓની ગામને નવાઈ ન્હોતી. પણ આજે તો સૌ કોઈની આંખોમાં પાણી હતું. આંગણે, ઓટલે, પડસાળે, ફળિયે ઊભું રહી ગયેલું ગામ ટાઢુંબોળ અને ઢીલુંઢસ પડી ગયેલું. મરણ તો ઘણાં થતાં પણ આવું મરણ તો મલક માટે અચંબો હતું. બારેક વર્ષો પૂર્વે રાજીનો એકનો એક દીકરો ભીખો અચાનક ગુજરી ગયેલો ત્યારે ગામ આટલું હક્કબક્ક તો ન્હોતું થઈ ગયું.

ભીખો જાંબુના ઝાડ પરથી પડેલો. જાંબુના ઝાડ નીચે ઘરમાં જડવા માટે આણેલા પથ્થરોની થપ્પીઓ હતી. વરસાદના દિવસો બેઠેલા. ઘટાદાર જાંબુડાની લીલીપીળી ડાળો ભીની ને લિસ્સી હતી. રાજી ઘરની ઓરડીમાં દાડિયાં માટે રોટલા ઘડતી હતી. નિશાળે જવા નીકળેલો ભીખો જાંબુના ઝાડ નીચે વાડામાં ગયો છે એમ રાજી બિચારી જાણે ક્યાંથી? નીચે ગરેલાં બે જાંબુ ખાવાથી દાઢે સ્વાદ લાગતાં ભીખો એકલતાનો લાભ લઈ ઝાડે ચડેલો ને જાંબુ ઝૂડવા જતાં લપસી પડેલો. ઝાઝે ઊંચેથી ન્હોતો પડ્યો તોય પેલા પથ્થરોએ એની ખોપરી ફાડી નાખેલી, ચીસ સાંભળીને બ્હાર દોડેલી રાજી ભીખાને તરફડતો જોતાં બેબાકળી બનીને રાડારાડ કરી ઊઠેલી. ડિલના ફોદા નીકળેલા જોતાંવેંત રાજી સમજી ગયેલી કે ભીખો હવે દેવને વ્હાલો થઈ જવાનો...

તે દિવસે રાજીએ પથ્થરો પર માથાં કૂટી કપાળ ફોડેલું. લોહી અને આંસુથી તરબોળ એનો ચ્હેરો જોઈને ગામનાં છોકરાં હેબતાઈ ગયેલાં. આજેય બધા ગોઝારી ઘટના સાંભળતાં સૂનમૂન થઈ જાય છે. રાજીના ધમપછાડા અને એના કલ્પાંતે ગામને ગાંડું કરી મેલેલું. આખા ગામમાં તે દિવસે ધાન રંધાયું ન્હોતું. પાસેના વાડીગામથી લોક ધાન રાંધી સગાંવહાલાંને ‘કડવું કરાવવા’ આવેલાં. ભર્યું ગામ વેરાન લાગેલું. ગામે આવો શોક નહોતો દીઠો. દિવસો ગયા છતાં રાજીને કળ નહોતી વળી. રાજી જાતને કોસતી હતી. કયારેક એને થતું કે ભીખાનો ભોગ એના હાથે લેવાયો છે, જાતને ફિટકારતી. જાંબુના અભરખા માટે પોતાને ધિક્કારતી હતી.

રાજીને જાંબુ ખૂબ ભાવતાં. જાંબુનાં વૃક્ષો વચ્ચે ઊછરી હતી. એના પિયર ગામનું નામ જાંબામુવાડી હતું. દાદા બાળપણમાં રાજીને ખોળામાં બેસાડીને મીઠા-મરીવાળાં જાંબુ ખવડાવતા. દાદાના વાડામાં, આંગળાની પડખે, કૂવાની ધારે ને ઉકરડે જાંબુનાં ઝાડવાં લ્હેરાતાં હતાં. ફળિયાનું નામ પણ જાંબુફળી પડી ગયેલું. જેઠ ઊતરતાં તો જાંબુ પાકવા માંડતાં. કોક જાંબુડાને મીઠાંને મોટાં જાંબુ આવતાં, તો બીજા એક બેને ઘણાં પણ સ્વાદમાં સાકર જેવાં જાંબુ બેસતાં. વારાફરતે બધા જાંબુડા ફળતા, પાકતા. દાદા વધારાનાં જાંબુ ઊતરાવીને આખી જાંબા મુવાડીમાં ઘેર ઘેર આપવા રાજીની આગેવાની નીચે છોકરાંની પલટણને મોકલતા. આખા ગામમાં જાંબુ ખવાતાં. મોઢામાં મૂકતાં ઓગળી જાય એવાં જાંબુ!

રાજી ઉપર આખા ગામનો હેતાળ આશીર્વાદ ઊતરેલો. દેવુદાદાની રાજી સૌને વહાલી થઈ પડેલી.

રાજી પરણીને પહેલે આણે સાસરે આવી ત્યારે પતિ સુખા માટે મધમીઠાં જાંબુની પોટલી બાંધી લાવેલી. ઊતરતા જેઠના આકરા તડકામાં પિયરથી સાસરીની વાટ એને ખાસ્સી લાંબી લાગેલી. સુખાની સામે પોતે પોટલી ખોલી દેશે કાળાં કલદાર જાંબુની પોટલી! આટલો ઉમંગ લઈને આવેલી, બીજું તો એની પાસે હતુંય શું? ગણો તો થોડું રૂપ ખરું. પણ રાજી તો ગુણની ઘરાક. કૃષ્ણ માટે સુદામા તાંદુલની પોટલી લઈ ગયાની વારતા એણે સાંભળેલી પણ એને ઘડીએ એવુંતેવું યાદ ના આવે સ્વાભાવિક હતું.

આણે આવતાં વાટમાં વિસામે પાણી પીવા બધાં બેઠાં ત્યારે રાજીને સાસરિયા તેડત છાનામાના નીરખી લેતા હતા સસરા ને જેઠ સમેત સૌએ. રાજી તો ઘૂંઘટમાં માં ઢાળીને થેલીમાંની પોટલીને એક હાથથી પંપાળતી શૈશવમાં પહોંચી ગયેલી.

વાડાના જાંબુડા નીચે પડોશીના પશા સાથે પોતે હંમેશાં રમ્યા કરતી. પશો એને દદાની ગેરહાજરીમાં છાનોમાનો, જાંબુડા પર ચડીને જાંબુ પાડી આપતો. પછી બેઉ ખાતાંને રમતાં. દાદા જાંબુ આપે તો રાજી પશાનો ભાગ સાચવી રાખતી. રાજીને સાસરીની વાટમાં પશો સાંભરી આવેલો. પછી તો પશો મોટો થઈ બહારગામ કૉલેજ ભણવા જતો રહેલો. જાંબુ પાકતાં ત્યારે રાજીને પશો સાંભર્યાં વિના નહોતો રહેતો.

બાએ થેલીમાં પિયર-પોટલી બંધાવેલી —- કંકુવાળા ચોખા, સવા રૂપિયો, ખારેક, સોપારી અને જમાઈ માટે માદળિયું. ગામમાં રીંછ લઈને આવેલા બાવા પાસેથી લીધેલું મંતર મારેલું માદળિયું! બાએ પિયર પોટલી સાચવીને સાસુજીને આપવા અને માદળિયું જમાઈને દેવા કહેલું. ગાંઠે શિખામણ બંધાવવા સાથે સ્તો! પિયરપોટલી સાથે રાજીએ મેળામાંથી સુખાએ ઑરીને પ્રેમની નિશાનીરૂપે ભેટ આપેલા ફૂલાળા રૂમાલમાં જાંબુ બાંધીને મૂકી દીધેલાં.

વિસામેથી સૌ ઊઠ્યાં ને આગળપાછળ ચાલવા માંડ્યાં ત્યારે સુખાના બરોબરયા મોટિયાર જેન્તીએ પૂછેલું :

‘ભાભી ચ્યારનાં પિયરપોટલી હંતાડાં સૉ તે અમારા ભાઇબંધ માટે એવું તો હું લાંયા સૉ ? નવજુ વસ ઑય તો અમારોય ભાગ રાખજો પાછાં ..'

શરમની મારી રાજી તો રાતીચોળ થઈ ગયેલી. ઘેર પ્હોંચતાં સુખાને જાંબુ ખવરાવવા અધીરી થઈ હતી. પણ ઠેઠ રાતે બધો મેળ પડેલો. એણે જેન્નીની ટીખળી વધુ સુખાને કહેલી. સુખાને ગળે જાતે માદળિયું પહેરાવીને રાજીએ જાંબુની પોટલી એની સામે ઉઘાડી દીધેલી...

સુખો તો ન્યાલ થઈ ગયેલો.

બાપજન્મારામાંય એણે આવાં મીઠાં જાંબુ ન્હોતાં ખાધાં. એના ગામમાં જાંબુડો કયાં હતો! બધાં પંચરુ ઝાડ થતાં પણ જાંબુડો નહીં. એને રાજી પણ જાંબુડો લાગેલી.

બીજે દિવસે એણે વાડામાં જાંબુનો ઠળિયો રોપી રાજીને કહેલું કે આપણે જાંબુડો ઉછેરવો વાત નક્કી. રાજીની કાળજીથી જોતજોતામાં જાંબુડો ઝાડ થવા લાગેલો. રાજીની કૂખે ભીખાનો જનમ થતાં થોડાં વરસો ગયેલાંને સુખાના મોટા ભઈને કશો વસ્તાર નહોતો. એટલે રાજીની કૂખ ફળતાં અવતરેલો દીકરો ભીખો કહેવાયો. હાસ્તો! ભગવાન પાસેથી ભીખો-માગેલો! રાજી-ભીખા પર આખા કુટુંબના બારબાર હાથ રહેવા લાગેલા. ભીખો જોતજોતામાં જાંબુડા તળે રમતો થયો. નિશાળે જવા લાગ્યો. દોસ્તારો થયા. ત્યાં

રાજીનો વલોપાત આખા પંથકમાં પહોંચેલો. ગામમાં માય નહીં એટલું મનેખ ઊમટેલું. સૌને મોઢે એક વાત હતી : ‘ભગવાનને ઘેરેય હૉ મણ તેલે અંધારું સે. કહાઈને ઘેર કહોળ રાખનારા ભગવાંન! જાહ રે જાહ! આવો કાળો કેર તે થતો હશે? ચિયા ભવનાં વેર લેવાંય સૅ, આ? તારે તાંય કળજગ સૅ કળજગ...'

જડ થઈ ગયેલી રાજીમાં જીવ આવતાં દિવસો ગયેલા. સુખો લાચાર થઈ ગયેલો. જાંબુડાના ઝાડને જોતાં રાજીને ભીખો દેખાતો. લવારા કરવા માંડતી. સુખાએ જાંબુડો કપાવીને કરામાં એનાં લાકાડાંનો કઠિયારો ખડકી દીધેલો. એકાદ વરસમાં રાજી પાછી ઘર સંભાળતી થઈ ગઈ હતી. પણ હવે પહેલાંની રાજી નહોતી રહી. એણે જાંબુ નહીં ખાવાનો નિયમ લઈ લીધો હતો. હા, અતૂટ નિયમ!

બીજાં ચારપાંચ વરસેય રાજીની કૂખ ના ફળી. દૈવની મરજી નહીં હોય, બીજું શું? રાજીએ લડીઝઘડીને, કાલાવાલા કરીને અને ખોળો પાથરીને સુખાને બીજી બૈરી કરવા વિનંતીઓ કર્યે રાખેલી. છેવટે સુખો સંમત થયો. ઘરમાં શોક્ય આવી. લીલી. રાજી લીલીને સગી બેન જેમ રાખતી. પોતે વગડે કામ કરતીને લીલીને ઘરસંસાર સોંપી રાખતી. વખતે એમાંય મદદરૂપ થતી. તોય શોક્ય એટલે શોક્ય! લીલી રાજીને ભાળે ને કાળ ભાળતી. રાજીએ વગડો ને સીમ વહાલાં કર્યાં. સુખો ખેતરમાં રાજીને મનવર કરતો, પણ રાજી ધીમે ધીમે કરમાતી ને બિડાતી જતી હતી.

સમયને જતાં વાર થતી નથી. લીલીએ દીકરો જણ્યો. રાજીને સુખાની પેઢી વસ્યાનો સંતોષ મળ્યો. ઘરમાં વારતહેવાર ઉજવાવા લાગ્યાં. ઋતુઋતુનાં ફળ લઈને દીકરા ઘેલાને લીલી ખવડાવતી હતી. હવે લીલી રાજી તરફ થોડી કૂંણી પડી હતી. રાજીને ઘેલા પર હેત રહેતું પણ ભીખો સાંભરી આવતાં એની છાતીમાં ડૂમો બાઝતો. ઘેલાને ઘોડિયામાં મૂકી ખેતરોમાં નીકળી જતી - એકલી અટૂલી વગડામાં રખડીને છાણાં-લાકડાં વીણતી.

લોકો એને જોઈને જીવ બાળતાં. કોઈ કોઈ એને ટાઢપના બોલ કહેતું :

‘કાળના આગળ કોઈનું ચ્યાં ચાલૅ સૅ, બુન! મોટું મન રાખાં, અવે કાઢ્યાં એટલાં વરહાં ચ્યાં કાઢવાં સે? વેઠવામાં કસર નથી મેલી, બુન! તો લીટી ભેળો લહરકો... અહવાં પાડીને આંશ્યોનાં તેજ ઓલવશો તો દોરનારો ભીખો તો સે નહીં...'

બોલનારની આંખોય દદડી પડતી. રાજી મૂગુંમૂગું રડ્યા કરતી.

ગઈ કાલની વાત. જાંબુ વેચનારો વાઘરી આવેલો. રાજી તો વગડે હતી. ઘેલાએ જાંબુ માટે હઠ કરી. લીલીએ જાંબુ લીધાં. ઘેલો ટાઢો પડ્યો. સાંજે બેઉ શોક્યો વાડામાં બેઠેલી. લીલીએ રાજીને જાંબુ ધર્યાં. રાજીએ યાદ દેવડાવ્યું કે મારે તો બારબાર વરસથી નિયમ છે - જાંબુ ના ખાવાનો. કાળ ચોઘિડયું હશે, તે લીલીને અવળી મતિ સૂઝી. એણે કહ્યું કે ‘આપડા ઘેલાના સોગન સે જો બે જાંબુ ના ખાંવ તો. અવે જાંબુ ખાવાથી... જઈ ગુજરી ભૂલી જાંવ, બુન... ઘેલાના સોગન..' રાજીએ લીલીને મોઢે હાથ દીધો ને જાંબુ હાથમાં લીધું. છાતીમાં મુંઝારો થવા લાગેલો, ગળામાં ડૂમો. લીલીએ તાણ કરી... ને રાજીએ જાંબુ મોઢામાં મૂક્યું... ગળવા-ચગળવા જતાં ઉધરસ ચડી ને ઠળિયો અંતરસ ગયો... રાજી બેભાન થઈ પડી. બધાં દોડી આવ્યાં. ગાડે ઘાલી એના હાંફતા-તરફડતા ખોળિયાને શહેરમાં દવાખાને લઈ ગયા. ડૉક્ટરે જોઈ તપાસીને કહ્યું : ઠળિયો શ્વાસનળીમાં ઊંડે જતો રહ્યો છે, હવે દરદી ખલાસ થવાની અણી પર છે.' ગાડું ગામ ભણી પાછું વળ્યું.

લોક કહેતું હતું : ‘હવાના બાટલા ચડાયા તો ના બચી. એક ઠળિયે જીવ લીધો બચારીનો....

સવારે રાજીને સ્મશાને લઈ ગયા. સુખો ભાંગી પડ્યો હતો અને લીલી પોતાની છાતીએ ગડદા વાળતી જાતને ધિક્કારતી રડતી હતી. બબ્બે બૈરાંની ઝાલી ઝલાતી નહોતી.

સૂકાં લાકડાં શોધતાં ડાઘુઓને સુખાના કરામાંથી પેલા જાંબુડાનાં વરસો જૂનાં લાકડાં મળ્યાં. ગાડું સ્મશાને ઠલવાયું. જાંબુડાનાં લાકડાંની ચેહ ખડકાણી... રાતીપીળી જ્વાળાએ ચઢી રાજી ચાલી નીકળી.

ડાઘુ સુખાને આંગણે ખરખરો કરીને વેરાયા ત્યારે માંડ જપેલી લીલીને ઢંઢોળીને અબુધ ઘેલો કહેતો હતો : ‘બા મેં વાડામાં જાંબુનો ઠળિયો રોપ્યો સે, તે જાંબુ ઊગશે ને બા...?'

(‘રાતવાસો’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 356)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999