મનોહર ત્રિવેદી
Manohar Trivedi
નટુ મેરાઈનું ધ્યાન આજે મશીન પર નોતું લાગતું. ગઢ ખોલીને લૂગડાંનાં ચીંથરાંથી સાફ કર્યો. તેલ ઊંજ્યું. ઘડીવાર કાતર લે ને ઘડીવાર મેજરટેપ. એમાં રોજના જેવો તરવરાટ નોતો. એ મનોમન બબડ્યા : કફનીનું કલેતું થૈ જાત, જધનું, હમણાં. બીડી જગવેલી, હોઠ વચ્ચે એમની એમ ઠઠી રહી, સટ લીધા વગરની. આંગળીથી અછડતી ઠપકારી, બીડીનું ફૂલું ખેરવ્યું. ઊપરાછાપરી દમ લીધા, પણ ઓલવાઈ ગયેલી. દીવાસળીથી ફરી સળગાવી, એકાદ-બે ફૂંક લઈ આંગળીથી અંગૂઠાને હડસેલો આપી, બહાર ફેંકી દીધી.
શેરીને નાકે આવેલી દુકાનને બે બાજુ બારણાં હતાં. એક ઘરના આંગણામાં પડતું, બીજું બજારમાં. છોકરા મેઈન બજારની દુકાને બેસતા. નટુ મેરાઈની નામનાનો લાભ છોકરાઓને મળેલો. જૂના ઘરાક તો, વેતરવાનું નટુઅદા જ કરે, એવો આગ્રહ રાખતા. મેરાઈ પણ એ બાબતે પૂરી ચીવટ રાખતા; પરિણામે જૂના ઘરાક બીજે નોતા વળ્યા ને એ જ કારણે છોકરાઓને મોડે લગી બજારની દુકાને ખોટીપો થતો.
- નિરવર્તીમાં નવરા બેઠા બેઠા ટેમ નૉ જાય ને નાનુંમોટું, ખાસ તો આણાં - પરિયાણાંના, એમાંય બલાઉઝ-ચણિયાના પૅશલ આપણે, તે ઘરઘરાઉ કામ એન મળી રે. વળી બાયુંને આપણો હાથ ફાવી ગ્યેલો તે...
કાન્ત્યો મિસ્ત્રી બેઠકનો માણસ. કે તો : નટુ અદાના હાથમાં જ જાદુ, તે થાય જ ને રાજી, બાયું. અદો બલાઉસની કટોરિયું એવી બનાવે કે દોરાવાય ફેર નો પડે. ગામ અમથું થાનોલાના કારીગર કેતું હશે ?
ઘેલસફ્ફીના, ઘર્યે વોવ આવી. હવે તો કાંક સુધર્ય, દીધ્યે જ જા છ તે, નાનડિયો ! પ્રારંભે એમ, વાક્યને છેવાડે પણ ગાળનાં એક પછી એક ટીપાં ઝવે, હોઠેથી. એમાંય શેત્રુંજીમાં ગાગડિયો ભળે એવો જિતુ માસ્તર હાજરાહજૂર હોય. બોલશે : મિસ્ત્રી, હાચી વાતું મેરાયથી નંઈ જિરવાય. બીજું સિવવામાં એને રસ જ ક્યાં છે ? મેં ઝભ્ભા ને પેન્ટ બે મઈનાથી આપ્યાં છ, રોજ આપણે એની સામે ખોડાયા હોંઈ : ખમી જાને, અમથૉ અમથૉ થા છ, અઘઅમી આવવાની છે તારે ? કાં તો કેશે : ક્યાં ઉઘાડો ફરછ તેં નાડાં તોડાવ છ : આમ દિ' ઠેકાડી દ્યે. સીવ્યે રાખો તમતમારે...
કબ્જાએ કબજો જમાવ્યો છને કાંય ! : કાંત્યો ઉમેરશે.
ઝાઝું નહીં તો છેલ્લે : નવરીના તિમાં... એટલું અચૂક બોલે, પછી પેલા બેઉને રોકટોક વગર ચલાવવા દે. પોતે મોઢામાં મગ ભરીને સંચે વળગેલા રહે, ધીમું ધીમું મલકાતાં.
પણ આજની વાત જુદી હતી. કાન્ત્યા અને જિતવા માસ્તરની મજાક ભણી એનું ધ્યાન જ નોતું. ત્રણ અડાળી નૅ ચાની નાનકડી કિટલી વહુ મૂકી ગઈ, એય થોડીવાર એમની એમ પડી રહી. મિસ્ત્રીએ જ અડાળીમાં ચા કાઢી. કહે : કેમ આજ કોનાં ઓસાણ નડ્યાં ?
માસ્તરે મરમથી મિસ્ત્રી તરફ આંખ માંડી.
- માસ્તર, મસગરી મેક્ય... સાચું માનીશ, ચા પીવાની ય વૃત્તિ નથી થાતી. મેરાઈના શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું, તે આ બેઉએ નોંધ્યું. માસ્તરે કાંડું પકડી કહ્યું : સુવાણ્ય તો છેને ? મૂકો હવે. ઓછી તોડામણ વેઠી છે ? આમ તો કાંય કરાગ દેખાતો નથી ! ઉલટાનું ટાઢું બોળ...
- નથી, એવી કોય વાત નથી. અટાણ પેલા સંચા ઉપર ક્યાં મોટરું હતી ? ટાંટિયા તોડાવીને જ રોડવવું પડતુંને ? આ સંધું તો હમણે આવ્યું. રાત-દિ' મગસમાઋ કરી છ. ઓછી કરી છ ? એવી કોય વાત નથી, મેં કીધું ને ?
આટલું બોલ્યા મેરાઈ. મિસ્ત્રી અને માસ્તરને એ ગમ્યું. વાતનો તાંતણો જડશે કદાચ, હવે.
- તો ? કો ન કો, કાંક ડખો છે. મિસ્ત્રી પાછળ માસ્તરે સૂર પુરાવ્યો : ભાભી અમારા વઢકણાં રે ઋષિરાયજી રે ?
કોઈ આડે દિવસે માસ્તરનાં વેણ કાને પડ્યાં ન પડ્યા ને ફટકાર્યું હોત : ઋષિરાયના દીકરા, તમારી ડોસિયુંના ડખાથી બચવા, સોળને ભાવે તમારે આંયથી ત્યાં ટલ્લા દેવા પડે છ... પણ આજની વાત જ અલગ હતી. મેરાઈએ કોઈ જવાબ ન વાળ્યો, આજે ક્યાંય લગી છત સામે તાકી રહ્યા. કોઈ મજાક એમને ગુસ્સે ન કરી શકી.
અંધારાની પીંછી પોતાના હાથમાં ઝાલીને સાંજ, આછા અજવાસને ભૂખરા રંગે રંગવા લાગી. દુકાનમાં ત્રણે જણા ઓછાયાની જેમ સ્તબ્ધ બેસી રહ્યા. અડખે-પડખેનાં ઘરોની છત, ફળિયાં ને જાળિયામાંથી ચળાઈને આવતા ધીમા - મંદ અવાજ સિવાય આખ્ખું વાતાવરણ શાંત થઈ ગયેલું. ઓછામાં પૂરું વીજળી ગુલ થઈ ગયેલી.
મેરાઈને થયું ગોમતી જ નંઈ, સાંજ સોતે હીબકે ચડી છે ને ઈ હીબકાંએ એને પોતાનેય ઘેરી લીધો છે ને પોતે એમાંથી છૂટવા ઝાંવાં મારી રહ્યો છે. પેટાવાતી - ઓલવાતી બીડીએ પણ અત્યારે એના ઘૂમરીએ ચડેલા માંહ્યલાને કોઈ વાતે ધરપત ન બંધાવી. શેરીમાં પડતાં બારણાની આડશમાંથી એક ખસૂડિયા કૂતરાએ એકાએક - અણધાર્યો રુદનનો સ્વર વહેતો કર્યો. સાંભળીને નટુ મેરાઈ ઝબકીને ઉભડક થઈ ઊઠ્યા, પોતાની બેઠક પરથી.
- કેમ મેરાય, આજ... કૂતરું આમ પેલવારુકું રોતું સાંભળ્યું, તે... કાન્તિએ ચૂપકિદી તોડી.
- વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને.... માસ્તરના કવિતા-શોખને કાન્ત્યા મિસ્ત્રીએ ખીલાની જેમ એના ગળામાં જ ધરબી દીધો : જિતા, મેક્ય પૂળો તારી કવિતામાં. મસગરી મસગરીને ઠેકાણે સારી લાગે... શું છે નટુભાઈ ? મિસ્ત્રીએ ગંભીરતા પારખી લીધી, એણે મેરાઈની આંખમાં આંખ પરોવી પૂછ્યું.
- સામેવાળી ગોમતી... તે... મેરાઈએ નાકા ઉપર આવેલી ખડકી ભણી નજર માંડી. ગુલ થયેલી વીજળી હજી આવી નહોતી. આ બેઉની આંખો પણ ગોમતીની ખડકીએ જઈને ઊભી રહી. હમણાં બારણું ઊઘડશે ને ગોમતીનું અભરેભર્યું રૂપ શેરીને એના અજવાળે ઝળાંહળાં કરી મેલશે.
એવું કશું થયું નહીં. હતાશ આંખો પાછી ફરી : એણે ધણીનો કાંઠલો ઝાલવાને બદલે તમારો ઝાલ્યો કે શું ? જિતુ માસ્તર ગોમતીના સ્વભાવથી પૂરેપૂરા પરિચિત થઈ ચૂક્યા હતા. એના આસિસ્ટન્ટ ભોજરાજગિરિ શંભુગિરિએ પોતાનાં અપલખણ ઝળકાવેલાં, ગોમતી હાર્યે. દેવ દેરાં મેલીને હનમાને હડીકાં લ્યે તો બીજું શું થાય ? ભરબજારમાં ઢીબી નાખેલો ને ઉમેરણમાં ગામ આખ્ખું સાંભળે એમ ગાળોની ઝડી વરસાવેલી. બાવો એક હરફ ઉચ્ચાર્યા વિના ઘરભેગીનો થૈ ગ્યેલો. ઈ તો સારું હતું, ત્યારે રાત પડી ગયેલી ને રડ્યાખડ્યા છોકરાવ સિવાય ઝાઝી અવરજવર નોતી. પણ બીજે દિ' ટાબરિયાંવે નિશાળની ભીંતે ભીંતે માસ્તરના નામનું ચિતરામણ કરેલું ને આખરે ચૂનાનું ડબલું ને કૂચડો લઈને પોતે જ નીકળવું પડેલું... એક વાર નિશાળના કામે એને દાડીએ બોલાવેલી. રજા પડી ગયેલી. સ્ટાફ પણ નહોતો. પોતાને થયેલું : મોકો મળ્યો છે ને કાંય ? મેનતાણું ચૂકવવા ને પાવતી પર અંગૂઠો લેવા ગોમતીને એણે ઑફિસમાં બોલાવેલી : આંય માર્ય અંગૂઠો... કહીને એનું કાઠું પકડેલું ને ઓલીએ વીંછીએ ડંખ દીધો હોય એમ હાથ વછોડાવી લીધેલો : મને હંધીય ખબર્ય પડે છ, સાબ્ય. લખણના પૂરા હોય એનું કાંડું આમળતાંય આવડે છે ને દસકત કરતાંયે. ધગારા મારતી એની આંખ્યું ! એની ઝાળથી પોતે દાઝેલોય. એણે ટેબલ પર પડેલી બૉલપેન ઉઠાવી, ફટાફટ સહી કરેલી ને કશી લમણાઝીંક કર્યા વગર સામે મૂકેલા દાડીના પૈસા ગણ્યા વગર બ્લાઉઝમાં સેરવી દીધેલા ને વટથી, પોતાના ધરબાઈ ગયેલા મોંઢા પર બૉલપેનનો ઘા કરી, ઑફિસનો દરવાજો ભટકાડી, ડમરીની જેમ નીકળી ગયેલી.
એનું એ દૃશ્ય જિતુ માસ્તરની આંખ સામે વારંવાર ભજવાતું રહેલું, રાતદિવસ. મેરાઈની દુકાને મનના આ લબાચાને ઠાલવ્યો ત્યારે જ હળવાશ અનુભવેલી : મારી મા ભવાની ભેરે નો ચડ્યાં હોત તો ભોજુ બાવાની જેમ આપણેય પોંખાત !
- ઠેકડી ઉડાડવા નથી કેતો મેરાય. ભોજુ માસ્તર જેવી વલે ઈ ગમે તેની કરી હકે એમ છે... એટલે તમારે તો નથી થૈને, કાંય માથાકૂટ ? ગોમતી માટેનો ડર કંઈક અંશે હવે રોષમાં ફેરવાઈ રહ્યો'તો, જિતુ માસ્તરના સવાલમાં : નકર ગામ આખ્ખું જાણે છ, ‘રુદ્રા કન્સ્ટ્રકશન’ના કંટ્રાટી પાંકુ જોશી ને ગોમતીના લફરાને. રખાત, પાછી સતીનો વેશ કાઢીને નીકળે !
માસ્તરનો આ અજંપો મેરાઈ અને મિસ્ત્રી, બેમાંથી કોઈથી અજાણ નહોતો. મિસ્ત્રીએ નટુ મેરાઈ સામે આંખ ઝીણી કરી, મોં મલકાવી લીધું. માસ્તરે એની ધૂનમાં ચલાવ્યે રાખ્યું : જોજ્યો, એની હડફેટે ચડવા જેવું નંઈ. એને ઘાઘરે ક્યાં તાળાં છે, જોતજોતામાં એવા પાયના કરી મેકે કે બજારમાં ઊભા રાખો તો તમારા દાળિયાય નો આવે... ઉમેર્યું : પાછી, તમારે તો મેરાય, બારે ને ચારે આંખ્યું સામે જ... જોતાંવેંત મોળોજીવ થાય, તે...
- માસ્તર, જોયા કારવ્યા વિન્યા શું હાંક્યે રાખ છ ? મેરાઈને વાત કરવાનો તાંતણો જડી ગયો, જાણે. સંચાની સોયમાં દોરો પરોવતા હોય તેટલી જ ત્વરાથી બોલી ગયા : સાંભળી લે, તું ઈ હું નથી ને હું ઈ તું નથી. ભવાનીને ભેરે તો એણે તેડાવ્વા પડે, જેનાં તનમનમાં નર્યો મેલ ભર્યો હોય. આટલાં વરહથી મારી સામે છે, કાને પડ્યું કાંય આડાઅવળું મારું કે મારા છોકરાવનું ? તું માન્ય કે નો માન્ય, પણ ઈ યે સાંભળી લે, મેં એના જેવું સત બીજે ક્યાંય જોયું નથી. તમારે કે ગામને જી કેવું હોય ઈ કો
- સત ? માસ્તર ઊકળ્યો : શું સત ? પાકું જોશી...
પાંકુ જોશીની મા આણ્ય મા : મેરાઈના હોઠ હવે ઊઘડી ચૂક્યા હતા. એણે ધીરજ ગુમાવી. સંચાના પાટિયા પર જોરથી મુક્કી મારી, બરાડ્યા : હું તને પૂછું, ઉપરવાળાની આપણા કુટુંબ પર મેર નો હોત તો ? હું કે તું એક સળીના બે કટકાય નો કરતા હોત તો ? શું કરત આપણી બાયું ? પારકા ઉંબરે ઠેબાં ખાયખાયને વાસણકુસણ કરત કે નંઈ ?
- ઈ તો ગામનું ધાવણું છોકરુંય જાણે છ, મેરાય. એનો ધણી કમલો, મન પડે તો દાડીદપાડી કરે. મજૂરી જે કાંય સૂઝી હોય તે આ લીધી કોથળી, આ ગળામાં ઠાલવી ને રાતભર લંબાવી દીધું રેંકડીમાં. મિસ્ત્રીએ જૂડીમાંથી બીડી ખેંચીને મેરાઈને અંબાવી. દીવાસળીથી બીડી સળગાવતાં કહે : ને એમાંય ભાગ્ય જોગે કાંક બચ્ચુંકૂચ્યું હોય તો તીન પત્તી કે આંકડામાં. પછી ? પછી ધબોય નમાઃ ...ઘરે આવ્યાનો સોં તો ર્યો નો હોય...
- સોં-ની ક્યાં માંડ છ ? ઓલી વાઘણ વછૂટે, ઘરે આવે તો. તમને એની માલીપા પડેલી તાગાતનું માપ નથી. મેરાઈ જાણે કશીક ધૂનમાં બોલતા હતા : નશામાં પાછું એટલું ભાન તો બળ્યું હોય કે ખડકીમાં પગ મેલવામાં માલ નથી. કાળક્યા કાચેકાચો કોળિયો કરી જાહે...
- એમાં ના નંઈ. બાય રમરમાવીને એક ઘુંસ્તો મારે તો માથું પેટની બખોલમાં ગરી જાય, સંચોડું. છે ભલેને એકવડા બાંધાની ! આમ બોલતી વખતેય માસ્તરને નિશાળવાળું દૃશ્ય આંખ સામે તરવરી ગયું હશે.
- માથું પેટની બખોલમાં ગરી જ જાત, માસ્તર. એટલું જ નંઈ, જીવ સોતે તાળવું તોડીને... મેં આંયથી દોટ તો મેકી હોતને...! આજ રોંઢાની જ વાત. અટાણની ઘડીએય પંચની થથરાટી મોળી નથી પડી : આટલું બોલતાંય મેરાઈને શેત્રુંજો ચડ્યાનો થાક વરતાતો'તો.
શું થ્યેલું પાછું ? બેય વચાળ આવી તો હંદરોજ ઢુંહાની પરાણ્ય, એની ક્યાં નવાઈ છે હવે ? મિસ્ત્રીએ વાતને ઝાઝું વજન ન આપ્યું : આજ કાંતોકને કમલે છૂટો ઘા ઝીંક્યો હશે, કાં ગોમતીએ...
...ઈ રામમાં ક્યાં એવાં રતન ઠઠ્યાં છે તે. માસ્તરને ખાતરીની જરૂર જ નહોતી, હતી જ. કહે : ઈ રણચંડી એક ધૂંબે બે જ એનાં સંધાં સ્પેરપાર્ટ વીંખી નાખે !
એવું જ થાત : મેરાઈ કોઈ ઘેરામાંથી બહાર નીકળવા ફાંફા મારતા હોય એમ બબડ્યા : એમ જ થાત. હું એન ટાયમેં નો પોગ્યો હોતને...
બન્ને જણ કુતૂહલવશ ઝાંખા અજવાસમાં મેરાઈ સામે તાકી રહ્યા. મેરાઈને પણ જાણે એનો ખ્યાલ આવી ગયો.
વહુ સંચાના પાટિયા પર ગ્યાસતેલનું ટમટમિયું મૂકી ગઈ.
- હમણાં, રોંઢા મોર્યની જ વાત. હું આંય - તું બેઠો છ ઈ ખાટલી પર-બપોરા કરીને આડે પડખે થ્યેલો. દીકરીનો સરતાનપરથી કાગળ આવ્યો'તો, તે વાંચતો'તો. બચારીએ એનાં ઘરનાંવથી છાનેછાને લખેલો. ઈ જ વાતું. સાસુ-નણંદનાં કાળાં કહાલાં. જમાય ઘર્યે જ પડ્યો-પાથર્યો રે'. જુવાનજોધ ને લોંઠકો આદમી, ભોંમાં પાટું મારીને પચ્ચી-પચ્ચાનું રોજ નો પાડી હકે ? સૂઝકો જ નંઈ... એદી... મોત એમાં દીકરીનાં. પિ’ર ભણી પરિયાણ કરે તો બાપની આબરૂના ધજાગરા થાહે - એવી બીક, ને ન્યાં ઠરવાનાં ઠેકાણાં નંઇ. ઠરે તો આખરે મહાણની અગ્નિથી ઠરે... એમાં નીંદર તો ક્યાંથી આવે ? કાગાનીંદરમાં હઇશ ને ત્યાં જ સામેના ઘરે, ખરે બપોરે રડારોળને બોકાહા. હું તો ઝબ્બશારાનો ખાટલીમાં બેઠો થૈ ગ્યો. પેલપેલા તો એવું જ થ્યું કે દીકરીના કાગળને લીધે, ઊંઘમાં ને ઊંઘમાં મને સોણું આવી ગ્યું છ. પણ ના. દીકરીનાં નંઈ, આ રાડ્યું ને રોણાં તો ગોમતીનાં. મેં કાંય જોયા-કારવ્યા વિન્યા એની ઉઘાડી ખડકી દીમના દોટ મેકી... શેરીમાં રકાબી-પ્યાલા-બંગડી-બકલ ને તેલ-અંતર-પાવડના ડબા-સંધાનો કડૂહલો. નવાંનક્કોર સાડી - ચણિયા - બૉડિસના લીરેલીરા. મેં છેટેથી જ ડારો કર્યો : કમા, આ શું માંડ્યું છ ખરા તત્તડિયાનું ? અડખેપડખે તમારી, ભૂંડાં-કૂતર્યાં રે' છ ? આડોશી-પાડોશીનો વિચાર જ નંઈ કરવાનો ? ઓશરી ઓળંગીને ઓવડામાં ગ્યો તો હું હેબત જ ખાય ગ્યો. ઓલ્યો માસમાણી ગાળ્યુંની ત્રમઝીંક બોલાવતો'તો, રાંડ, બજારમાં... ભાંગીને ભુક્કો કર્યે જ આજ તો છૂટક્યો... : બે દિ' મોર્ય આણેલા ટી.વી.ને બાથમાં ઘાલીને કમલો ઊંચકાવવા મથતો'તો. ગોમતીએ એને મોઢે નાખોરિયાં ભરાવીને ઉઝરડા કરી નાખેલા. ગળે ને નાકે લોઈના ટશિયા ફૂટેલા. એણે ઓલ્યાની છાતી ફરતો બેય હાથે ભરડો લઈ લીધેલો : ઉંબર તો વટાડી જો, ટી વી સૉતો ! કાચોકાચો ખાય નો જાવ તો મારા બાપમાં ફેર પડ્યો'તો માનજ્યે... તું કમાવા ગ્યેલો કાં, તે ક્યારુનો મંડ્યો છ સંધું ઘરબારું ફેંકવા ?
મેં કમલાને ઝંટિયે ઝાલ્યો : નથી હારાં લાગતાં. ભૂંડાં લાગો છ, ભૂંડાં... બાય માણહને તો હડસેલો મરાતો નથી ? ગોમીનેય કીધું : હાવ જાત્ય પર જૈને ઊભાં’ર્યો મા. આવી ગાળ્યુંથી મોઢાં ગંધાંય છે તમારાં. કમલાનેય લીધો : તમારાં છોકરાં બિચારાં, કોકની બારીયુંના સળિયા ઝાલીને ટિંગાતાં, ને ટી વીને ટગરટગર તાકતાં, આ ઘર્યે માંડમાંડ રાચ થ્યું છ તે એને ટાળવા બેઠો છે ? શું લેવા નિહાકા લે છ આ ગરીબડાંવના ?
કમલો ઊકળ્યો : રાચ કેમ ને ક્યાંથું આવ્યું છ, ઇ તો પૂછો આ રંભાને ? તમે કે'શો નટુદા', એનો ધણી કોણ છે ? હું કે મલકનો ઉતાર ઓલ્યો પાંકુડો જોશી ? કોના પડખામાં ગરીને આ હંધું લૈ આવે છ ? એણે ટી વી છોડી દીધું ને હાંફતો હાંફતો હેઠો બેહી ગ્યો.
ગોમતી પાછી વિફરી : તારી તે જાતના... નટુદા’, લાજશરમ નેવે મેલીને કૌં છૌં. તમે મારા બાપને ઠેકાણે છવો. આ નમાલીનાને એટલું તો પૂછો, કમાયને કે’દિ’ એણે બાયડી - છોકરાંવની આંતવડી ઠારી ? મેં પરમ દિ’, વનાભાયની દુકાનેથી બાજરો લાવવા પચા’ની નૉટ આપેલી... ગ્યૉ ઈ ગ્યૉ, એની ઠાઠડી નીકળે. ભૂખે ભયડો લીધો તે અટાણે ઠેઠ આવ્યો એનું ઠોબરું લૈને... પરમ દિ' રાત્ય, કાલ્યનો આખ્ખો દિ', મેં પૂછ્યું, તું ગુડાણો તો ક્યાં ? બાજરો નો લાવ્યો તો લાવ્ય પચા'ની નૉટ પાછી... બસ, એનો દુખાવો ઉપડ્યો, મોટા જાટલીમેટને. જે બાપ એનાં છોકરાંનાં મોંઢેથી કોળિયો આંચકીને, ગળામાં કોથળી ઉલેચવા નોટ વાપરી નાખે, ઈ કપાતર મારો ધણી ?... માવતરે હાથ ઝાલીને કૈ દીધું કે આ તારો ધણી થૈ ગ્યો ?
કોને વારું ? આપણું જોર કોની પાંહે હાલે ? ઓલ્યાએ ઊભા થૈ ફરી પાછો આનો ચોટલો ખેંચ્યો ને ભૂંડાબોલી ગાળ્ય રમકાવી... છોકરાં તારાં, મારાં કે'તી નંઈ. તારો ધણી તો ઓલ્યો...
- બોલ્ય તો ફરી દાણ... નાગણીએ ટચકાવવા જાણે દોટ દીધી. મને થ્યું, આજ નક્કી કાંક નવાજૂની થૈને રેહે. કમલા આડો હું વંડી થૈને ઊભો રૈ ગ્યો. કીધું મેં : ગોમી, બેટા, શી ધારી છ તેં ? એ એકાદ ઘડી ખંચકાયને ઊભી રૈ ગૈ. પણ ઓલ્યું ભંઠિયું મૂંગું મરે ? બોલ્યું : અદા, તમે આઘા 'ર્યો. આજ કાં તો ઈ નંઈ, કાં હું નૈ... ગુણક્યા પાછી, સતી સીતા થાવા નીકળી છે દુબળું ભૂત લથડિયાં ખાતું ઊઠ્યું : તું સું કરી લેવાની મને, હેં ? પાંકુડાના... એની સાઇટને છાપરે, મને કે', રાંધણું કરવા બોલાવે છે. તડકો વેઠવો મૈં ને શીળે છાંયે દા'ડી કરતાંય વધૂકું હૂઝી રે' ...હં, હમજું છ બધું... શીળે છાંયે પાંકુડાના પડખામાં ઘલાયને તનકારા કરવાના... કમલો હજી પૂરું વેણ કરે નો કરે, ન્યાં નંદીમાં, ચોમાહે અણધાર્યો ધબકો આવે એમ મને ઓવાળે હડસેલતીકને કમલા પર તૂટી પડી. ઝાલ્યાં એનાં ઝંટિયાં. બોલી : કંઈ જગુનો અદાની વાંહે લપાઈને દી રાખ છ, મન ફાવે તેમ, આજ તો પૂરો કરીને જ મેકીશ. આપદા જાય હંદરોજ્યની... કે'તાંકને વળગી સીધી ઓલ્યાની ગળચીએ, ને ઈ યે ખિલખોડાની ઘોડ્યે તરફડે છૂટવા... આંખ્યુંમાં રાતા દોરા ફૂટ્યા, મોંઢામાં ફોહા, મંડ્યાં નસકોરાં ફૂલવાં... મારી માએ, રામ જાણે ક્યાંલી તાગાત મેલી મારામાં, ઊઠીને એક જ ઠેકડે મેં એનું બાવડું ઝાલી લીધું, મરચું ને વછોડાવ્યું... ફરી દાણ એનો ધક્કો લાગ્યો ને મોંભરિયા પછડાણો... પાછો ઊઠ્યો ને બેય જણાં વચાળ ખોડાયને ઊભો રૈ ગ્યો. મેં એને હાથ જોડ્યા : ગોમી, મારી દીકરી, ખમૈયા કર્ય હવે. તું તારા આ અદાને બાપને ઠેકાણે ગણતી હો તો તારો આ બાપ, બે હાથ જોડી ભીખ માગે છે... ખોટું નૈં કૌં. મારી બેય આંખ્યું છલકાય ગૈ'તી, તયેં.
મારાં આ વેણ એને વાગી ગ્યાં કે ગમે ઇ થ્થું, કમાડને વળગીને ઊભી રૈ ગૈ, ને ધ્રૂસકે ચડી : અદા, તમે બાપ થૈને આડા નો આવ્યા હોતને... ઈ કમલા ઉપર થૂંકી : હેઠ, તાણી કાઢલ્યના ! નીકળ્ય ઘર બારો, બતાવતો નંઈ તારું ઠોશર્યું... એણે પાટું ઉગામ્યું, પણ માર્યું નંઈ : મરેલાને શું મારવો હવે ! જા, ઢીંચ્યા કર્ય ને ભર્યે રાખ્ય આંકડા ! મેં કમલાને ઊભો કરી, ઇશારાથી ખડકી બતાડી.
મનેય ખબર્ય નથી, કેમ, ગામની હારોહાર ધાવસુર લેનારો હુંય... મને એણે ગામ આખ્ખાથી નોખો તારવી લીધો. ઇ હીબકાં ભરતી ઉંબરામાં જ બેહી ગયેલી. મેં એને માથે હેતથી હાથ ફેરવ્યો : છાની રે' દીકરા... મારું ગળુંય ભરાય ગ્યું'તું. ડળક ડળક ચૂવા થ્યા મારી આંખ્યુંમાંલી...
મિસ્ત્રી અને માસ્તરે જોયું, મેરાઈની આંખો અત્યારેય ચૂતી હતી. ગળામાં ભરાયેલા ડૂમાને ખોંખારી બહાર કાઢી બોલ્યા : મારા આવા બોલે તો એને વધુ હીંબકે ચડાવી. મેં કીધું; કમલો જ શું લેવા, મલકનેય જી કે'વું હોય ઈ મર કે'. પણ બટા, આટલી સેંથકની રીંહ ? હમણાં, હું નો હોત તો, તારે હાથે કેવો અનરથ થૈ જાત, જાણે છ તું ? આ પુંખડાંવની યે દયા નો આવી તને ? જલમટીપમાં પડવું'તું તારે ? તારો બાપ જલમટીપમાં ગ્યો'તો તે શી વલે થૈ'તી તમારાં ભાંડરુંની, નથી ખબર્ય તને ?
જલમટીપ ? મને બોલતો રોકીને બોલી : જલમટીપને ? અદા, આનાથી મોટી જલમટીપ તમે ક્યાં ભાળી છ બીજે, કો' મને ? મારાં પુંખડાંને મોઢે ટંકેટંકે બે કોળિયા મેક્યા હોત ને પછી મારું ચામડું ઊતવડી નાખ્યું હોતને, તો હું એકે ગોબરું વેણ નો કાઢત. અરે, દવા દૈ દીધી હોત ઈ યે ગટગટાવી, સોડ્ય તાણીને લાંબો મારગ પકડી લેત... તમે જ કો', હું શું કરું ?
એનું રોણું અટકા'વાનું' ભડભડ બળતા એના રુદિયાને ચંદણલેપથી ઠારવાનું મારામાં ક્યાં ગજું હતું ? હું શું કઉં એને ? એની ખડકીથી મારી દુકાનને ઓટલે પોગતાં મને થ્યું કે ગાઉ-ગાઉનો થાકોડો મારી પિંડીયુંમાં ઠાંસીને નો લાવ્યો હોઉં ? બસ, તયુંનું સાસરવાણી મારી દીકરીનું ઓશિયાળું મોઢું આંખ્યુંથી એક ઘડીયે આઘું નથી ખસતું, સાચું માનશો ?
કાન્તિ મિસ્ત્રી અને જિતુ માસ્તર કશું બોલ્યા વગર, મૂંગામૂંગા બેસી રહ્યા.
એક ઝબકારે ગુલ થયેલી વીજળીનો પ્રવાહ ફરી શરૂ થયો ને દુકાનમાં અજવાળું ફેલાઈ ગયું.
[‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ]
સ્રોત
- પુસ્તક : ગુજરાતી નવલિકાચયન 2004 (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : ભરત નાયક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2006
