જયંતી દલાલ
Jayanti Dalal
જગમોહને ચશ્માં ઉતારી આંખ ચોળી. પછી અંગૂઠા અને આંગળીઓનો ભાર આપીને પોપચાં ઉઠાવ્યાં. થઈ શકે તેટલી, આંખને પહોળી કરીને, એણે વાંચતો હતો તે પુસ્તકમાંથી વાંચવાનો યત્ન કર્યો, પણ વિચિત્ર હતું. જ્યાં જે શબ્દ પર નજર ઠેરવે તેમાંના એકાદ અક્ષરનું જાણે ગાબડું પડ્યું હોય એવું લાગે. લીટીઓ પર નજર ઠેરવે તો છેડે જતી પાંચસાત લીટીઓ વાંકી વળીને જાણે એક ગાંઠમાં બંધાઈ જતી હોય એમ લાગે. જગમોહનને ભારે અચરજ થયું. આ આંખ વળી કયો ખેલ કરતી હતી? એણે બારીમાંથી દેખાતા આકાશ તરફ નજર નાખી, પણ બારીમાંના સળિયાને શું થયું? અણઘડ ચિતારો જે જેને સીધી લીટી કહે તેવા વાંકાચૂકા કેમ લાગતા હતા આ સળિયા? અને પેલી બારીની બારસાખ પર બેસીને ઝૂલતા પોપટને બદલે આ શું દેખાય છે? દેખાતું જ નથી. બારસાખમાં જાણે એટલું કોકે બટકું ભરી લીધું છે!
ફરી પાછું નજરને પાછી ખેંચીને જગમોહને ચોપડીમાં જોયું. કેવી લાગતી હતી આ લીટીઓ? ગામડા-ગામના સ્ટેશન એક ગાડી ન હોય અને બપોરના તાપમાં ચળકતા અને ચમકતા પાટા દૂરને કોઈ એક છેડે જાણે ભેગા થઈ જઈને એક તેજ લિસોટો બની જાય એવું આ લીટીઓનું લાગતું હતું. આધેડ ઉંમરની સ્ત્રી માથેથી બહુ વાળ ઊતરી ગયા પછી, હોય એ વાળને ચીપી ચીપીને, ખેંચી ઢાળીને અંબોડે બાંધે તેમ જ આ લીટીઓનું લાગતું હતું. હા, જમણી બાજુએ જ. ડાબી બાજુએ કશું ન હતું. ત્યાં તો પહેલાં લીટી શરૂ થતી હતી તેમ જ, કડિયાએ ઓળંબો લટકાવીને સરખી કરી હોય તેવી દીવાલ જેવી હતી. ગરબડ હતી તે જમણી બાજુએ જ હતી.
ડાબી આંખ મીંચી, જમણી આંખને વધુ પહોળી કરી જગમોહને આસપાસ બધે જોવા માંડ્યું. ખાટલાની ઈસ સમુદ્રના તરંગ જેમ ઉપરનીચે જતી રેખા જેવી લાગી. સામે કબાટમાં પડેલાં પુસ્તકોમાંથી ચાર દેખાય અને પાંચમું ન દેખાય. વળી પાછું પાંચમાંથી આગળ ચાલો તો હારબંધ પુસ્તક દેખાય પણ ખાનું જાણે વચ્ચે વચ્ચે ઝૂલી ગયું હોય એવું લાગે. ફરી ચશ્માં ચડાવીને જોયું. હાર અને ખાનામાં એ જ તકલીફ, સળિયા વાંકાચૂકા લાગે, બારસાખને કોકે બટકું ભર્યું હોય એવું લાગે.
જગમોહન ત્રાસી ઊઠ્યો, શરૂમાં વિચિત્ર લાગતી વાત હવે એને ભયંકર લાગતી હતી, આંખ ગઈ?
સૂનમૂન એ ઊભો રહ્યો. મગજમાં જાણે જોશભેર લોહી ધસ્યું હોય અને આંખની કીકી પાછળ ઠલવાયું હોય એવું લાગ્યું. પડી જવાશે એવું લાગતાં એણે ખુરશીની પીઠ પકડી લીધી.
‘હં. હેમરેજ છે.’
‘હેમરેજ?’ ડઘાઈ ગયો એમ ઑપ્થોલ્મોસ્કૉપથી આંખ તપાસતા દાક્તરને જગમોહને પૂછ્યું.
‘કીકી પાછળની નસ તૂટી ગઈ છે અને ત્યાં લોહી જામ્યું છે. આને રેટિનલ વેઈનનો થ્રોમ્બોસિસ કહે છે.’
દાક્તરે ઑપ્થોલ્મોસ્કૉપ પાસેના મેજ પર મૂકી દીધું અને એક જાડું થોથું લીધું. જગમોહનને તો આસમાન તૂટી પડ્યા જેવું લાગ્યું : થ્રોમ્બોસિસ! હેમરેજ!
આંખ ગઈ?
આંખ તપાસવા માટેના, પ્રકાશ પ્રવેશ ન પામે એમ અંધારિયા બનાવેલા ઓરડામાં જગમોહનને ધીરે ધીરે જાણે આંખનું તેજ કમી થતું હોય એવું લાગ્યું. ગંભીર બની ગયેલા દાક્તર સામે એકીટસે એ જોઈ રહ્યો હતો. દાક્તરના હાથની આંગળીઓ થોથાના એક પાનની લીટીઓ પર ફરતી હતી. હાથ પર કેટલા વાળ હતા? જગમોહને જરા ઊંચે જોયું. દાક્તરના નાકમાં પણ વાળ હતા, કાનમાં પણ વાળ હતા.
‘હં, રેટિનલ વેઈનનો થ્રોમ્બોસિસ. આ તો અમારું બાઈબલ કહો, ગીતા કહો, તે. લેખક લખે છે : Such patients should take their lives philosophically. (આવા દર્દીએ જીવન પ્રત્યે ફિલસૂફની દૃષ્ટિ કેળવવી જોઈએ.)’ દાક્તરે જગમોહનના હાથમાં થોથું મૂકતાં કહ્યું.
જગમોહન જરા રોષમાં આવ્યો.
‘What have I been doing all these years? (આ બધાં વર્ષ મેં બીજું શું કર્યું છે?)’ પણ પાછો જગમોહન જાણે હોશમાં આવ્યો.
‘એમ નહિ; આમાં તાત્કાલિક તો તમને થયું છે તેનાથી વિશેષ નુકસાન નહિ થાય; પણ ultimately (જતે દહાડે) vision (દૃષ્ટિ) dim (ઝાંખું) થવાનું.’
‘આનો ઇલાજ?’ જગમોહને પૂછ્યું.
સહૃદય દાક્તર પણ સહેજ ખિજાયા હોય એવું જગમોહનને લાગ્યું.
‘મેં વાંચ્યું નહિ તમારા આગળ?’ મૂકી દીધેલા થોથા પર ફરી હાથ મૂકતાં દાક્તરે કહ્યું.
સામાને કેવું લાગશે, કેવું નહિ, એનો વિચાર કરવાનું તો જગમોહનના સ્વભાવમાં જ ન હતું. એણે સીધો પ્રશ્ન કર્યો :
‘બીજા કોઈને બતાવવા જેવું...’
પૂછતાં પુછાઈ ગયું, પણ દાક્તર સહૃદયી હતા. કદાચ આવા પ્રશ્નોના જવાબ એમને આપવાના પણ આવતા જ હશે. મીઠું મલકીને બોલ્યા
‘મનને ઠીક લાગે તો જરૂર બતાવવું, પણ એનાથી બીજો કશો ફેર પડવાનો સંભવ નથી. વિટામિન વધુ પ્રમાણમાં લેવાં. એની ટેબ્લેટ્સ (ગોળીઓ) આવે છે. અને ખાસ તો Rest (આરામ). No Excitements (ઉશ્કેરણી થાય એવું કશું ન કરવું.)’
‘કાંઈ ઑપરેશન જેવું...’ કોક બીજાને પૂછતો હોય તેમ બિનસંગત દેખાવનો જગમોહનનો યત્ન જાતને પણ છેતરી શકે એવો ન હતો.
‘આમાં કશું ઑપરેશન થતું નથી. તમારી Anxiety (ચિંતા) સમજી શકાય એવી છે, પણ આરામ અને રુટિન ટેબ્લેટ્સ એ સિવાય અમારા Science (વિજ્ઞાન)માં તો બીજી કોઈ વાત આને માટે નથી.’
ખિસ્સામાં મૂકેલાં ચશ્માં પહેરી લઈને જગમોહન ઊભો થયો. અંધારા ઓરડામાં જે એક ટેબલ-લૅમ્પ બળતો હતો તે પણ દાક્તરે બુઝાવી દીધો. અંધારું અંધારું થઈ ગયુ. પાછળ જ સ્ટૂલ હડસેલાયાનો અવાજ આવ્યો. જગમોહનને થયું, દાક્તર પણ ઊભા થયા છે.
‘જગમોહનભાઈ, હવે તો હિંમતનું કામ છે.’ દાક્તર બોલ્યા.
‘Doctor, you have been very kind. Thank you Doctor. (તમે ખૂબ દિલસોજ આદમી છો દાક્તર, આભાર તમારો.)’ પડદો હટાવી બહારના પ્રકાશમાં ડોકિયું કરતાં જગમોહન બોલ્યો... પ્રકાશ આવતાં જાણે આંખમાં ઝાંખ વળી હોય એવું લાગ્યું. દાક્તર પાસેથી એક પછી એક દર્દી હટે તો રાતના નવે પણ આપણો વારો આવી જાય એવી ગણતરીઓ કરનારા દરદીઓ બેઠા હતા. જગમોહન પછીથી જેમનો વારો આવવાનો હતો તે બાઈ તો જાણે જગમોહન સામું જોતાં જોતાં જ ‘કેટલી વાર કરી તમે તે મિસ્ટર?’ એમ ઠપકો દેતાં હતાં એ પરથી જ ઓળખાઈ આવે. દવા નંખાવી આંખ મીંચીને બેઠેલાં એક ઘરડાં બાઈએ પાસે બેઠેલી નાની બાળકીને પૂછ્યું : ‘અલી લલી, આ પેલા ભાઈ નીકળ્યા કે નહિ?’ અને એનો જવાબ મળે એ પહેલાં જ પાછા નાટકની સ્વગતોક્તિ તો નાટક બહારનો સોડાલેમનવાળો પણ સાંભળે એટલી જોરથી બોલ્યાં : ‘રાતે દસે પણ પાર આવે તો સારું!’ જાતને દેવાતા આશ્વાસનની ગુણવત્તા પણ સાવ નિરાળી જ હોય છે.
આંખમાં ઝાંખ વળતી હતી. ડૂબવા જતા સૂરજનું તેજ પણ સામી બારીમાંથી અંદર આવીને આવતા અંધારા સાથે બાથ ભરતું લાગતું હતું. જગમોહને સાચવીને દાદરને પહેલે પગથિયે પગ મૂક્યો અને લોખંડની નળીના કઠેરા પર જોશભેર હાથનાં આંગળાં ભીડ્યાં. મન તો એક જ વાક્યનું રટણ કરતું : Such patients should take their lives philosophically. (આવા દર્દજીએ જીવન પ્રત્યે ફિલસૂફની દૃષ્ટિ કેળવવી જોઈએ.) But what have I been doing all these years? (પણ આજ લગી મેં બીજું કર્યું શું છે?) જગમોહનના કાન પર દાક્તરનો અવાજ આવ્યો : ‘કાંતિલાલ પટેલ.’ બીજા કોક ખોખરા ઘાંટાએ ફરીથી ઉચ્ચાર્યુ : ‘કાંતિલાલ પટેલ.’
જગમોહનના પગ તો જાણે સીસું પૂર્યું હોય એટલા ભારે થયા હતા. આ ક્ષણે તો એ સડક પર હોવો જોઇએ, પણ હજુ તો દાદરાને છેલ્લે પગથિયે હતો. સડક પરનું અજવાળું આંખમાં જાણે ટાંકણીની ઝીણી ઝીણી અણીઓ મારતું હોય એવું લાગતું હતું. ઉપર બારણું બંધ થવાનો અવાજ આવ્યો. જગમોહનના મનમાં વિચાર આવી ગયો : કોક બીજો દરદી.....
પોતે બેઠો. દાક્તરે ટેબલ-લૅમ્પ સળગાવ્યો. પોતે ચશ્માં ઉતારીને કફનીના છાતી પરના ખિસ્સામાં આદતના જોરે જ મૂક્યાં. દાક્તરે હાથમાં ઑપ્થૉલ્મોસ્કૉપ લીધું. અમે ટેબલ-લૅમ્પ બંધ કરીને પછી પોતાની આંખમાં જોયું....
Such patients shoule take their lives philosophically.
‘What have I been doing...’
પડખેથી સાઇકલ નીકળી. એણે ઘંટડી મારી જ હશે. પોતે સાંભળી નહિ હોય, પણ આંખ ભેગું કાનનુંય...
ઑટોરિક્ષાની બ્રેકે ચીસ પાડી.
What have I been doing...
જગમોહને સૂરજનું આથમતું તેજ પણ ન ખમી શકતી આંખ પર હાથની આંગળીઓનું નેજવું કર્યું. ઑટોરિક્ષાવાળાના મોં સામું જોયું તો કશું બોલાઈ ગયા બાદ હોઠ હજુય એનો કંપ અનુભવતો હોય એવું લાગ્યું. અંદર બેઠેલાં ઉતારુની નજરમાં કશી અનુકંપા દેખાઈ. એની આંખોએ જગમોહનની આંખોને દોરવી. આંખના દાક્તરનું પાટિયું! જગમોહને પોતે જ આંખની કસોટી કરવા પાટિયા પર નજર ટેકવી. રિક્ષા ચાલી. ‘આંખ’ પછી શું હતું? શું હશે? પછી તો ‘દાક્તર’ વંચાતું હતું. એ પાટિયું ચીતરનારે ‘ર’ને ઉપરથી બેઠેલો અને નીચેથી લંબાયેલો ચીતર્યો હશે?
Such patients should take their lives philosophically..
જગમોહનને ચિત્તના કોક ખૂણામાં અભરાઈએ ચડી ગયેલી મિલ્ટનની વિખ્યાત કવિતાની લીટીઓ યાદ આવી :
And that one talent which is death to hide
Lodged with me useless.
પણ એથીયે વિશેષ જોશથી, જગમોહનને પોતાને લાગ્યું તેમ ઉન્માદની ઘેરી અસર હેઠળ ન હોય એમ, યાદ આવી એ જ કવિતાની બીજી એક લીટી :
‘Doth God exact day-labour, light denied?’
આંખનું તેજ જાય, જિંદગીમાં સર્વત્ર અંધકાર ફેલાય, જીવતર ઓશિયાળું બને, સુંદરતા માત્ર બીજાના વર્ણનનો વિષય બની જાય, અને છતાંય જીવતરનો ઢસડબોજો વેંઢારવાનો.
અને જગમોહનને ચાર દિવસ પહેલાં જ વાંચેલી જાપાની લેખક તત્સુઝો ઇશિકાવાની વાર્તા યાદ આવી.* કેવો હતો એ જોગાનુજોગ! વાર્તાનું શીર્ષક પણ ‘અંધકારમાં આવતા ખ્યાલ.’ પોતાના પર પણ આવનાર અંધારાના ઓળા પડતા હતા ને?
હવે તો પોતે ફૂટપાથ પર આવી ગયો હતો. પડખે કેટલીય જાતનાં વાહન જાતદીઠ એક કરતાં વિશેષ અવાજ કરતાં હતાં, પણ ફૂટપાથ પર વાહનનો ડર ન હતો. આ ક્યાં દિલ્હી હતું કે ફૂટપાથ પર વાહનને ચાલવાની પરવાનો હતો? આ તો હતું અમદાવાદ, હા, સામેથી આવતો માણસ અથડાય અને ‘મિસ્ટર, જોતાય નથી?’ એમ કહે, એવું બને.
Such patients should take their lives philosophically...
અને પાછી ઇશિકાવાની વાર્તા યાદ આવી.
[ખરેખર જો તમારી આંખનું તેજ જાય, તો તો તેમને આમ ખાંળાંખોળાં કરતાં, ડાફોળિયાં મારતાં જોવા – એ મારાથી તો ન વેઠાય, ઊજળું ભાવિ તો ન જ કહેવાય, મૂએલાં સારાં,’ એની પત્ની કોક વાર કહેતી. પત્ની મજાક કરતી હતી કે સાચું કહેતી હતી એની કશી પતીજ એ પડતી ન હતી. એ બોલે ત્યારે એના સાદમાં કંપ હોય, શબ્દમાં આવેશ હોય :
‘હું તો કહું છું : ચાલો, સાથે આપઘાત કરે. આમ જીવવું તો ભારે ત્રાસદાયક થાય. રોજેરોજે દુઃખ થોડે થોડે વધે...’
ક્યારેક પત્નીના કહેવા સાથે એ સહમત થતો, અડધીપડધી ઊલટ આવી જતી, પણ બીજા કોક પ્રસંગે એ આવી મતલબનું કહેતો :
‘કાલે પથારીમાં પડ્યો હતો ત્યાં આવો ખ્યાલ આવ્યો : આંધળો થાઉં પછી હું શું કામ કરી શકું એનો વિચાર કરતો હતો. હા, કાંઈ ઝાઝું તો થઈ શકે એમ નથી. સંગીતનું પણ ઝાઝું ચાલે એમ નથી. ‘કોટો’* બીજાને શિખવાડી શકું.’ એટલું પોતે જાણી લઉં એટલો વખત નથી. પણ હા, આ રહસ્યભરી ડિટેક્ટિવ વાર્તાઓ કેવી લાગે છે? હું હમણાં જ એક વાર્તાનું વસ્તુ વિચારી લઉં. તને લખાવી દઉં. ડિટેક્ટિવ-વાર્તા હુંય ઘડી શકું.’
આંખ પર સફેદ પાટો હતો. પલંગના કઠેડાને પીઠ ટેકવીને પત્ની સામું મીટ માંડીને પતિ બેઠો હતો. એની પીઠ પાછળથી આવતો વસંતના સૂરજનો પ્રકાશ જાણે એના ખભાને સ્પર્શતો હતો. દયા આવે એવું. રહસ્યકથાનો અંધ લેખક! પતિની આવી કામગીરી અને પતિનો પત્ની વિચાર કરવા લાગી. હલચલ નથી કરતો, ફરતો નથી, કસરત કરતો નથી એટલે જાડો થઈ ગયો છે. સૂરજનો પ્રકાશ હવે એને મળતો નથી એટલે ફિક્કો પડી ગયો છે. અને પેલી બંધ આંખો, સદાયની અંધકાર પર જાણે મીટ માંડીને બેઠી છે. પોતે લખવા ધારેલી રહસ્યકથાનો પ્રસંગ આ અંધકારમાં એને દેખાય છે. ખૂન, લોહી, છૂરી, પેલો બદમાશ આપણા ડિટેક્ટિવ નાયક સાથે બથ્થંબથ્થાં કરે છે. આ અંધકારમાં હવે એને આવું જ દેખાશે. પોતાને માથે આવી પડેલા અંધકારમાં, એ એનાથીયે વધુ અંધકારમય સમાજનું અદકેરું ચિત્ર દોરશે. પત્ની કંપી ઊઠી. એણે માથું હલાવ્યું.
‘ના, ના, એ નહિ, નહિ જ. મને નથી ગમતું. ચાલો મરી જઈએ.’ પાટા નીચેય એના મોં પર આછું સ્મિત આવ્યું.]
હું આમ મલકી શકત? મારે મોંએ સ્મિત આવત? અને આમ આપઘાત કરવાની વાત...
Such patients should take their lives philosophically...
હા, ગુસ્સામાં આવીને કહી તો દીધું હતું : What have I been doing... પણ ખરેખર જિંદગીને કઈ નજરે જોઈ હતી? બીજા લેખકની વાર્તાએ યાદ અપાવી પત્નીની... ફિલસૂફ કે સ્વાર્થી? દંભી.
પણ એને શું લાગશે? આંખના દીવા રાણા થશે. ઊઠતાં, બેસતાં, પાણી પીતાં, કોળિયો લેતાં...
આજે આંખ બતાવવા આવ્યો ત્યારે એને પણ સાથે લાવ્યો હોત તો સારૂં થાત. કેમ કરીને હું કહી શકીશ એને?
નીચું જોઈને ચાલતો, પોતાના વિચારમાં જ મગ્ન જગમોહન, સામેથી આવતા એક ભાઈ સાથે અથડાયો. ‘માફ કરજો,’ એમ તરત જ એ બોલ્યો. પેલાએ કશો જવાબ ન દીધો, માત્ર મલક્યો, અને આગળ ચાલ્યો.
મલક્યો : પાટા નીચેય મલક્યો...
દાક્તર ખોટું ન કહે એ શું કામ ખોટું કહે? ઊલટું, કેટલા સહૃદયયી હતા!
પણ એ માનશે?
એ નહિ માને એનાથી પરિસ્થિતિ કાંઈ બદલાવાની છે?
આંખમાં તેજ નહિ હોય ત્યારે?
એના જ ઉઠાડ્યા ઊઠવાનું અને બેસાડ્યા બેસવાનું. કેટલો બોજો પડવાનો એના ઉપર...
શું સુખ એને આપ્યું હતું પોતે?
મનમાં આવેલા વિચારનો ભાર સહન ન થતો હોય એમ ડોકી હાલી ગઈ : ના.
એવો વિચાર કર્યે શું?પતિ-પત્નીના સંબંધમાં જો જમા-ઉધાર હોય તોય ચોપડો ચોખ્ખો હતો, પણ એમાં લીધા-દીધાની વાત જ ખોટી.
પાછી પેલી જપાની વાર્તા સૂઝી–
[‘બાળક જેમ એ ખાતો હતો. વાટકાની કોર પરથી ઉથલી પડતા ભાતના દાણાને એ જોઈ રહેતી. વાંકી વળીને એણે નીચે પડેલા ભાતના દાણા ભેગા કર્યા અને પડખેના વાટકામાં મૂક્યા. એ ખિજાઈ.
‘ખાતાંય નથી આવડતું?’]
ના, ના, એ ન ખિજાય: ખિજાય જ નહિ. એનું ચાલે તો એ જ ખવરાવે. પણ પાછા પોતે પણ ક્યાં એવા હતા? ભલે ને હેઠે પડે. જમવાના તો હાથે જ.
ના, ના, એ પતિ-પત્નીની વાતને પોતાના જીવનમાં લાવવાની જરૂર જ ન હતી. એ વાર્તાકારે પોતાને જેવું દર્શન તેવું એની વાર્તામાં રજૂ કર્યું. રહસ્યકથા લખનારને – લખવાનો, લખાવવાનો ઇરાદો ધરાવનારને તો એણે જ લખ્યું છે તેમ આંધળા થતાં ન આવડ્યું પોતાને?
અને મનને ના પાડ્યા છતાં એ તો પાછું પેલી વાર્તામાં જઈને બેઠું.
[‘એની પત્ની એની રકાબીમાં માછલીનું ગોસ્ત મૂકે એ પહેલાં બધાં હાડકાં કાઢી લે. ચાર વરસના બાળક જેમ સંભાળ રાખવાની. કેવું શોકાતુર કરી મૂકે એવું કામ હતું! એ પણ કશાય સ્વાદ કે આનંદ વિના, યંત્ર જેમ જ માછલી ખાઈ જાય. એક એના હોઠ અને મોં પર કશી જીવન્તતા લાગે. માછલી ખાઈ ગયા પછી પણ એણે રકાબીમાં ચોપસ્ટિક્સથી કશું પકડવાની પ્રવૃત્તિ ચાલુ રાખી. રકાબીમાં કશા સફેદ ડાઘ દેખાતા હતા. એ ચોપસ્ટિક્સમાં આ ડાઘ પકડવા જાય. એને તો માત્ર ડાઘ જ દેખાતા હતા; એ શું હતું એ એને સમજાતું ન હતું.
પોતાની ચોપસ્ટિક્સ નીચે મૂકીને પત્ની પતિના યત્નને જોઈ રહી અને એનાથી રડી પડાયું :
‘એ તો તમારી રકાબીમાં કશી છાપ છે.’
‘હવે કાંઈ રહ્યું નથી?’
‘તમે બધું ખાઈ ગયા.’
એણે જવાબ ન દીધો, વાટકામાંનો ભાત એ ખાઈ ગયો, અને પછી એણે ચોપસ્ટિક્સ પછાડી ને ફેંકી દીધી. મનમાં ને મનમાં તો આગ જાણે બળતી હતી.’]
આવું પોતાને થાય?
What have I been doing all these years?
શોક અને રોષ, બન્ને છતાં જગમોહનથી મલકી જવાયું. કેવો સરસ કટાક્ષ હતો! આખી જિંદગી પોતે બીજું કર્યું શું હતું? ગુસ્સે થયા સિવાય? છણકા કર્યા સિવાય? જરા કાંક થયું તો કપડાં પહેરીને, એક વાર તો હતા એમ ને એમ જ, પગથિયાં ઊતરી જવા સિવાય...
‘જગમોહનભાઈ, નવી વાર્તા સૂઝી છે કે નાટક?’ સામેથી આવતા અને અથડાતાં રહી ગયેલા એક ભાઈએ જાણે જગમોહનને પાછો આપ-રોષથી દુનિયામાંથી બહાર આણ્યો.
‘ના, ના, શું નાટક કે શું વાર્તા...’
જગમોહન બોલ્યો. પણ પોતે જે બોલ્યો તેનો પણ એને પોતાને જ વિસ્મય થયો. એવું હોય ખરું કે વ્યાખ્યાતા આગળ મૂકેલું માઈક જ બોલે અને વ્યાખ્યાતા ચૂપચાપ રહે? માઈક જ બોલે તો કેવું વહેવારુ, વાતડાહ્યું, શાણું, ઠાવકું પણ લાગણી વિનાનું...
‘ના, આ તો તમે ખૂબ અંતર્મુખ થવા લાગ્યા.’ પેલા સજ્જન બોલ્યા. અને ફરી પાછું કોઈક માઈક બોલતું હોય એવું જગમોહનને લાગ્યું :
‘અંતર્મુખનું ઠીક છે, ભાઈ આ આંખનું..’ ન જાણે કેમ પણ વ્યાખ્યાતાએ માઈક ફેંકી દઈને પોતાના જ અવાજે કહ્યું. પણ કહ્યું એવું જ મન ડંખ્યું, આ વાત પહેલી બીજા કોઈનેય કહેવાય ખરી?
‘આંખનું શું છે? કશી તકલીફ? જોજો, ભાઈ, સાચવજો.’
જગમોહનને થયું, હવે સામું માઈક આંખનું મહત્ત્વ અને આંખના રોગ, આંખના દાક્તર, આંખના ઇલાજ, મિત્રોને થયેલા આંખના રોગ, મિત્રે કહેલી આંખની તકલીફની વાતો – પૂરી એક લાખ વાત સંભળાવ્યા વિના નહિ જ રહે. સુજનતાય ઘણી વાર આવા અહિંસક લાઠીચાર્જ સહી લેવાનું કહે છે. પણ...
છૂટ્યા!
‘સાચવજો, એ તો આંખનું કામ,’ એટલું કહી, ‘પાછું અંધારુંય થવા આવ્યું છે તે...’ એમ ખૂબીભેર અડધું વાક્ય બોલીને એ ગયા.
હં, ‘પાછું અંધારું થવા આવ્યું છે તે...’ ખરી વાત છે. હવે તો કાયમનું અંધારું!
મનમાં જાણે નવો તેજ-ઝબકારો થયો હોય એવું લાગ્યું. પેલાં બેને મરવાનું સૂઝતું હતું. અહીં એવું સૂઝે એમ ન હતું. અંતરના એકાંતમાં કાયરતાનો એકરાર કરવામાં શું નુકસાન?
પણ સવાલ એ નથી. જરાક જાતથી અળગા થઈને વિચાર કરવો જોઈએ. થવાનું ટાળી શકાય એવું નથી હોતું. એને સહ્ય બનાવો, અનુકૂળ બનાવો.
અંધારાં આવશે ત્યારે; ત્યાં લગી?
ભરી દો. એ બે તેજ-કૂવા ને સૌંદર્યો પી પીને ભરી દો. જોઈ લો. જગતભરનું સૌંદર્ય જોઈ લો. ભરી દો આત્માને.
તો વાંચી લઉં જેટલું વંચાય તેટલું?
દાક્તરના શબ્દ યાદ આવ્યા : Rest. No excitement.
વાંચવામાં તો આરામ જ છે ને? એમાં Excitement ક્યાં આવી? એનાથી વૃત્તિ ઉશ્કેરાય એ ઉંમર તો ક્યારનીય વીતી ગઈ હતી.
પણ એ તો અંધારાં આવ્યાં બાદ પણ થઈ શકે તેવી વાત હતી ને?
હા, એ ખરું.
તો, કાશ્મીર જોઈ આવું? હરીભરી લીલોતરી, હિમાલયો – નામ નગાધિરાજ કે પછી ધૂંવાધાર? ચાંદની રાતે એકાકી લાગતો તાજ કે અજંટા, ઇલોરા?
પિસ્તાળીસ વર્ષ લગી વાંચેલાં, ગોખેલાં, સાંભળેલાં, સંઘરેલાં નામ જાણે કશો બંધ તૂટતાં પાણી ધસમસે તેમ ધસમસવા લાગ્યાં : રમકડાંની દુકાનમાં ઉભેલા બાળક જેવી જગમોહનની દશા હતી. એ પૂરના પ્રવાહમાં જગમોહન પોતાનું અસલી દુઃખ જાણે વીસરી ગયો હતો. આ જગાના દોષ સામે પેલી જગાના ગુણનો મનમાં મુકાબલો કરતો હતો...
ઘર આવ્યું. ઓટલે, શેરી આખીનો માનીતો, લાલિયો કૂતરો બેઠો હતો. અવાજ પરથી એ પૂંછડી પટપટાવતો હોય એવું લાગ્યું. દેખાતું ન હતું, થોડે દૂર શેરીનો દીવો બળતો હતો. એના તેજમાં લાલિયાની આંખ ચમકવી જોઈએ, બીજું કાંઈ નહિ તો એના સફેદ દાંત પણ ઝળકવા જોઈ, પણ પોતાને દેખાતું ન હતું.
જાળી ખોલી ઘરમાં દાખલ થયો. બધું હતું તેમ ને તેમ હતું. પાટ પર પત્ની બેઠી હતી.
‘કેમ, આજે કાંક મોડું થયું?’ પત્નીએ પૂછ્યું.
ચંપલ જાણે પગની પગમાં જ રહી ગઈ. જગમોહન પત્ની સામું ફરીને એને જ આંખથી ભરીભરીને પીતો હોય એમ ઊભો રહ્યો.
‘કેમ આમ, શું જુઓ છો? મને?’
ઓહોહો આ મને કેટલે વર્ષે સાંભળવા મળ્યું? પહેલી વાર...
પણ અત્યારે એ વાત જવા દે. અંધારાં ઊતર્યાં પછી થઈ શકે તે કામ આજે કરીને સમય અને શક્તિ ક્યાં બગાડવા? આખી જિંદગી વાગોળવાનો તો પછી ખૂટ્યો ન ખૂટે તેટલો સમય છે.
‘પણ આમ મારા સામું શું જોઈ રહ્યા છો? કશું નવું છે? કાંઈ શિંગડાં ઊગ્યાં છે?’
જગમોહનથી મલકી જવાયું.
‘એ ક્યારે જૂનું થાય છે?’ હરખભેર એનું હૈયું બોલી ઊઠ્યું.
‘કશો ચમકવા થયો છે? કાશ્મીર જુઓ છો કે તાજમહાલ? કે પછી અજન્ટાના બુદ્ધ ભગવાન...’
આ કુદરતે કેવી છે? બે પળ પહેલાં પોતાના મનમાં જે હતું તે આ જીભે ક્યાંથી બોલવા માંડ્યું.
‘મારે તે કાશ્મીર અને તાજમહાલને શું કરવાં છે? મારે તો આ મોં જ જોવું છે!’
‘કશું નવું નથી એમાં.’
‘ગાંડી, એ મોં જોયું જ ક્યારે છે?’
જગમોહન ન જાણે કેમ કશા હર્ષાવેશમાં આવતો જતો હતો. ક્યાંથીય વસંતનો વાયરો આવ્યો હોય એની ફૂલની ફોરમને નાકમાં ઝાપટતો હોય એવું એને લાગતું હતું. એ ચહેરાની રેખાઓ જોઈ હતી. હવે ત્યાં દેખાતી હતી મનની ઉદારતાની રેખાઓ...
અને બે પળ પહેલાં, ખુદ જગમોહમને પણ કલ્પી ન હોય, એટલા દુઃખદર્દવિહીન અવાજે જગમોહને પત્નીને વાત કરી...
(‘જયંતિ દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)
*‘Thoughts in the Dark’ – Tatsuzo Ishikawa, trans. by : Brester Horwitz – New world writing No.-4 *જાપાની વાદ્ય
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
