Indubhai Gayab - Short Stories | RekhtaGujarati

ઈંદુભાઈ ગાયબ

Indubhai Gayab

અંજલિ ખાંડવાળા અંજલિ ખાંડવાળા
ઈંદુભાઈ ગાયબ
અંજલિ ખાંડવાળા

તે માણસ હતો. સામાન્ય. બુદ્ધિ - સામાન્ય. દેખાવ - સામાન્ય, સંસ્કાર - સામાન્ય. નામ - સામાન્ય, ઈંદુભાઈ. માત્ર, એની આંખ સામાન્ય નહોતી. બે કીકીની કાળાશમાં લુચ્ચાઈ ઘૂઘવ્યા કરે. એટલે માનવ-કૂંડાળામાં મધ્યબિંદુમાં રહી શકતો. તેણે પોતાના જમણા પગના અંગૂઠાનો નખ મધ્યબિંદુમાં ખોડી દીધેલો. પોતાનો અંગૂઠો જગ્યા ઉપરથી તલભાર પણ ખસે એની તકેદારી ઈંદુભાઈએ કાળજીપૂર્વક લીધેલી.

ઈંદુભાઈએ એમની પાછળ એક સ્પૉટ-લાઇટ ફિક્સ કરાવેલી. જાણે સૂરજ! કોઈને ગંધ આવે એમ. એટલે એમનો પડછાયો પ્રલંબ પડતો. સૌ કોઈ પડછાયાની મોટાઈથી અંજાઈ જતા... ડઘાઈ જતા... પૂજા કરતા. સ્પૉટ-લાઈટના સૂરજ સમા તેજમાં ઈંદુભાઈનાં મૂળ આકાર-કદ લપાઈ જતાં. તીવ્ર પ્રકાશથી મીંચાઈ જતી જોનાર આંખો, કેવળ જોઈ શકતી ઈંદુભાઈનો પ્રલંબ પડછાયો.

વળી... પડછાયાના ફોટા અવારનવાર શહેરના બધા પ્રતિષ્ઠિત અખબારોમાં ડોકાતા. તેથી ઈંદુભાઈના પડછાયાની ખ્યાતિ લોકોના મનમાં તાજીતાજી રહેતી. ઈંદુભાઈ પોતે ફોટા છપાવવા મોકલતા અને અખબારના તંત્રીઓ પહેલે પાને તેમના ફોટા છાપી તેમને સદા રાજી રાખતા. રાજી રાખવાનું કારણ પડછાયાની પ્રલંબતા.

બધાંને હતું : પડછાયો ઈંદુભાઈ! મુલાકાતીઓ દૂર... ખૂબ દૂર ઊભા રહી પડછાયા જોડે વાત કરતા. કામ વગર એમની પાસે કોઈ જતું. જોકે ઇંદુભાઈની એપોઇન્ટમેન્ટ વગર એમનો ઝાંપો કોઈ ઓળંગી શકતું નહીં. એપોઈન્ટમેન્ટ હોય તોપણ પોતાના પડછાયાનાં દર્શનનો લાભ મનમાં આવે તેને આપતા. મુલાકાતીઓ લળી-લળી પારાવાર સલામો ભરતા. ઈંદુભાઈને સલામો જેટલું પ્રિય દુનિયામાં બીજું કોઈ નહોતું. પ્રસન્ન ઇંદુભાઈ મુલાકાતીઓને ક્યારેક વરદાન માગવાનું કહેતા. મુલાકાતીઓ–દીકરાનું એડમિશન, પોતાનું કે પોતાના સ્વજનનું પ્રમોશન, બૅન્કની લોન, નોકરી વગેરેની યાચના કરતા. ઈંદુભાઈ માટે કશું અશક્ય નહોતું. શહેરની દરેક વ્યક્તિનો દોર એમના હાથમાં હતો. દોર ખેંચી કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ પણ કરાવી શકતા. ઈંદુભાઈને નારાજ કરવાની હિંમત કોઈ નહીં કરતું -- કારણ... એમનો પ્રલંબ પડછાયો.

આમ તો ઈંદુભાઈ માણસ હતા. માણસ જેવા માણસ. સામાન્ય; પણ એમણે પોતાની જાતને ક્યારે અરીસામાં નહોતી જોઈ. પોતાના પ્રલંબ પડછાયાને જોઈ જોઈ પણ માનતા થઈ ગયેલા કે ઈંદુભાઈ એટલે મહાકાય પડછાયો.

ઘણી વાર મુલાકાતીઓને કહેતા : મારા સ્વરૂપનું વર્ણન કરો! ઘણાખરા મુલાકાતીઓ કહેતા : સકલ શહેરના સૂત્રધાર; તમે વિરાટ છો. અમે તમારાં ચરણની રજ છીએ. વ્યક્તિએ વ્યક્તિએ, સ્વરૂપના વર્ણનની પરિભાષામાં કંઈક ફરક જરૂર રહેતો - પણ વર્ણનનો સારાંશ એક -- ઇંદુભાઈ એટલે વિરાટ અને વિરાટ એટલે ઇંદુભાઈ. આનાથી વિરુદ્ધ વર્ણન એકલ-દોકલે ભૂતકાળમાં કરેલાં; પણ-ઇંદુભાઈનો પ્રચંડ પડછાયો તેમને ક્ષણવારમાં ગ્રસી ગયેલો.

*

એક દિવસ, પોતાની ઑફિસમાં, પોતાની ખુરશી ઉપર બેસી ઈંદુભાઈ પોતાના પડછાયાના ઢગલાને ફંફોળતા હતા. તેમનું મન એકાગ્ર હતું; ફંફોળવાની ક્રિયામાં. ત્યાં... એકાએક હૃષ્ટપુષ્ટ, લાંબી મૂછોવાળો વાંદો, વગર પૂછ્યું ઑફિસમાં દાખલ થયો. એની ચાલમાં નેપોલિયનપણું હતું. સડસડાટ ઈંદુભાઈની ખુરશી તરફ ધસી રહ્યો હતો. કોઈ ક્ષુદ્ર પડછાયાને પોતાના ઉપર પડતો જોઈ ઈંદુભાઈએ માથું ઊંચું કરી દિશામાં તુચ્છકારથી જોયું. ભલભલાની હિંમતનાં ચીંદરડાં ઉડાવી દે એવી ઈંદુભાઈએ ત્રાડ પાડી.

ક્યાં તો વાંદો બહેરો હતો, ક્યાં તો વાંદો રાજપૂત બચ્યો હતો. તો ખુરશીની દિશામાં આગેકૂચ કર્યે ગયો. વાંદો તટસ્થપણે ખુરશીનો પાયો ચઢવા માંડ્યો. ઈંદુભાઈએ પહેરેગીરને રાડ મારી. એક વાર - બે વાર - ત્રણ વાર. રાડ ભીંતને અફળાઈ પાછી ફરી. સન્નાટો રણકયો.

વાંદો હવે ઈંદુભાઈથી વારભાર દૂર હતો. ઈંદુભાઈએ વાંદાને પાછા ફરવા છેલ્લી ચેતવણી આપી. વાંદાએ તે ગણકારી. વાંદાએ ખુરશીના હાથા ઉપરથી ઠેકડો મારી ઇંદુભાઈની કફની ઉપર ઝંપલાવ્યું. વાંદાના કદના પ્રમાણમાં ખરેખર રેકૉર્ડ-બ્રેકિંગ કૂદ હતી. ઈંદુભાઈએ ત્વરાથી કફની ઝાટકી વાંદાને ઊંધે માથે ગબડાવી દીધો... છેક બારણાની બહાર.

વાંદો લાંબો સમય દેખાયો એટલે વાંદાની તુચ્છતા ઉપર હસી ફરી પોતાના પડછાયાના ઢગલાને ફંફોળવા બેસી ગયા.

વાંદાએ આક્રમણનો વ્યૂહ બદલ્યો. ઈંદુભાઈની આંખને અલોપ લાગતો વાંદો, ઇંદુભાઈની આંખોને પીઠ કરતી બારીએથી ધસી આવ્યો. પોતાના પડછાયામાં રત એવા ઈંદુભાઈની કફનીએથી વાંદો, કફનીમાંથી ઠૂંઠા જેમ બહાર નીકળતી તેમની બોચી ઉપર ચઢ્યો. વાંદાના બુઠ્ઠા કાંટા જેવા પગ તેમની બોચીમાં અથડાતાં, ઈંદુભાઈ સ્પર્શ ઓળખવાની મથામણ કરવા લાગ્યા. આમ તો ઈંદુભાઈ ગામડાનો જીવ એટલે બાવળના કાંટાનો સ્વાદ તો બહુ ચાખેલો; પણ તો કાંટા જેવો, પણ ભોંકાય નહીં! સ્પર્શ જો કાનમાં થાય તો કેવી લિજ્જત આવે! કાનમાં સળી હલાવ્યા સિવાય આછું આછું ખોતરાયા કરે. મીઠાશનું માનસિક આહ્વાન કરતા હતા ત્યાં વાંદાની દોરી જેવી મૂછ, તેમને જમણે ગાલે ઘસાઈ. તીરછી આંખ કરી એમણે મૂછની કાળાશ જોઈ.

ઇંદુભાઈના ગુસ્સાનું ચક્ર ગતિમાન થયું, પોતાની આંગળીઓમાં મસળી વાંદાની ચટણી કરવાનું એમને મન થઈ ગયું; પણ વિચારથી ઇંદુભાઈ આખા - ચીતરીથી ઊભરાઈ ગયા. આવા ક્ષુદ્ર જંતુના લોહીથી એમની આંગળીઓનું પ્રક્ષાલન થાય તો એમનો મોભો અભડાય; નિર્ણય લઈ ઇંદુભાઈએ પોતાના શેડાથી બુદ્બુદ થતા હાથરૂમાલમાં વાંદાને પકડ્યો.

વાંદો પોતાની ભાષામાં કડકડાટ ગડગડાટ ધમધમાટ કશું બોલી ગયો. ઇંદુભાઈને એમાં અક્ષૌહિણી સેનાનો ધબકાર સંભળાયો. એમના હાથમાંથી વાંદા સહિત રૂમાલ છૂટી ગયો.

જમીન ઉપર પટકાયેલા વાંદાની પાંખ સળવળવા લાગી. પછી ફફડવા લાગી. વાંદો વિમાન જેમ ઊઠ્યો. ઊડીને ઇંદુભાઈના ટેબલ ઉપર વિરાજમાન થયો; બરાબર ઇંદુભાઈની દૃષ્ટિના મધ્યબિંદુમાં. ઇંદુભાઈની દૃષ્ટિ વાંદાની આંખોમાં સપડાઈ ગઈ; સાણસાના ચીપિયામાં કચરાતી હોય તેમ. વર્ષોથી ચણાઈ, ઊંચો ઊંચો ઈંદુભાઈનો આત્મવિશ્વાસ ગાબડે ગાબડે ખરવા માંડ્યો.

વાંદાની આંખો ધીરે ધીરે મોટી થતી હોય એમ ઇંદુભાઈને લાગ્યું. ચમકતી હતી. ધીરે ધીરે ચમકમાં કોઈ અપૂર્વ તેજ હોમાતું હતું. એક પછી એક સૂર્ય ઓગાળાઈને એમાં પુરાતો હોય તેમ પ્રજ્વલિત... વધુ પ્રજ્વલિત થતી જતી હતી. તેમના પૂરમાં તણાતા અનેક માણસ ઇંદુભાઈએ જોયા. પોતાની રહીસહી હિંમતને તણખલા જેમ વળગતા ઇંદુભાઈએ સિંહાસન જેવી પોતાની ખુરશીને બન્ને હાથેથી મજબૂત પકડી લીધી.

વાંદાનું જડબું હાલવા લાગ્યું. પછી ધીરે ધીરે ખૂલવા માંડ્યું. પછી પૂરેપૂરું ખૂલ્યું. ખુલ્લે જડબે વાંદો ઇંદુભાઈના પડછાયા તરફ ધસ્યો. ઈંદુભાઈના પડછાયાને ખોતરવા લાગ્યો... પછી તેના એક ખૂણેથી ચગળવા માંડ્યો. ઇંદુભાઈના આખા અસ્તિત્વમાં બીકનો ડૂમો ભરાઈ આવ્યો. ગૂંગળામણથી વરાળનું દબાણ વધતું ગયું... વધતું ગયું. બીજી બાજુ વાંદો આજીવન ભૂખ્યો હોય એમ કચડ કચડ ઇંદુભાઈના પડછાયાને ખાતો ચાલ્યો. ઇંદુભાઈના પડછાયાનો છેલ્લો ટુકડો પોતાના કાંટાળા પગની જાળીમાં દાબી વાંદો ખાઈ રહ્યો હતો. બસ... ખલાસ... ઇંદુભાઈનો પડછાયો ખતમ.

કમાલ થઈ ગઈ! ગજબ થયો... અજબ ભયો! ઇંદુભાઈની સાઠ વર્ષની જિંદગીમાં, ક્યારેક અનુભવેલી ફૂલ જેવી હળવાશ એમણે અનુભવી. એમનાં પુરાઈ ગયેલાં છિદ્રોનો મેલ પડછાયાના ખોતરવાથી ખરી ગયો. ત્વચાની ઝીણી ઝીણી બારીમાંથી પહેલી વાર પવનની લહેરખી અંદર આવી.

ઇંદુભાઈએ સ્વાભાવિકતાથી ચારેબાજુ જોયું. બધું રોજિંદું ઓળખાયું; પોતાની ઑફિસ - ટેબલ - ખુરશી. બા-બાપુજીનો, વર્ષોથી જાળામાં ગંઠાયેલો ફોટો ભીંત ઉપર લટકતો દેખાયો; જે આજ સુધી ઇંદુભાઈના પ્રલંબ પડછાયામાં ઢંકાઈ રહેતો.

અચાનક ઈંદુભાઈની નજર પોતાની ખુરશી ઉપર પડી. સાવ ખાલી લાગી. એમણે પોતાના શરીરને જોયું. ખુરશીના કદમાં ઓગળી સાકરની નહીંવત્ ગાંગડી જેવું લાગ્યું. ઈંદુભાઈએ પોતાનો હાથ લાંબો કરી પંજો ફેલાવ્યો. એકેએક આંગળી... વેઢા... નખ... બધું સલામત હતું. એમણે પગના બે અંગૂઠા ગણી લીધા. પંજો મોઢે પસારી કાન-નાક-ગાલ-મોં બધું તપાસી લીધું. બધું હતું. અખંડિત. સ્વસ્થાને. એમની આંખોએ ફરી ખુરશી સામે જોયું. પહાડ સમી ખુરશીમાં પોતે હતા; પણ એટલા ઝીણા હતા હતા કહીએ તોપણ ચાલે. તેમણે ખુરશી ક્યારેય જોઈ હોય એમ કુતૂહલતાથી એનાં અંગેઅંગ ઉપર ફરવા માંડ્યું.

ઇંદુભાઈની નજર એકાએક ટેબલ ઉપર ઊભેલા વાંદા ઉપર પડી. તે મૂર્તિ જેમ સ્થિર ઊભેલો. સૂરજ તેના માથા પાછળ પ્રકાશતો હતો. વાંદાના આખા શરીરમાંથી તીવ્ર પ્રકાશ રેલાતો હતો. જાજ્વલ્યમાન વાંદાની દીપ્તિ અસહ્ય લાગતાં ઇંદુભાઈ પોતાની જાત ઢાંકવા, ખુરશીમાં તડ શોધવા લાગ્યા. ખુરશીની એક ઝીણી સલામતીમાં ઇંદુભાઈ ભરાઈ ગયા. તિરાડની ઓથમાંથી એમણે વાંદા સામે જોયું.

વાંદામાં મોટામોટા પર્વત હતા. સમુદ્ર હતા. જંગલ હતાં. અગણિત શહેરો હતાં. શહેરના નાક સમાં ઐતિહાસિક સ્મારકો હતાં. ઇંદુભાઈએ પેલું ઊંચું મશાલધારી પૂતળું ઓળખ્યું. બે પગ નદીમાં ખોડી ઊભેલું. કઈ હિંદી ફિલ્મમાં જોયેલું તે ઇંદુભાઈને યાદ આવ્યું. એના બે વિશાળ પગ પાસેની કેટકેટલી સ્ટીમરો દોડ્યે જતી હતી. એક સ્ટીમરની પાછળ પાછળ ઘસડાતી ઇંદુભાઈની નજર પોતાના શહેર આગળ આવી અટકી. તેમનો મહોલ્લો આવ્યો. પછી આવી તેમની ઑફિસ... ખુરશીની તડમાં ભરાયેલું નાનકડું ટપકું... બધું વાંદાના શરીરમાં હતું.

ઇંદુભાઈને દૃશ્ય જોઈ કમકમાં આવ્યાં. તેમની આંખો બંધ થઈ ગઈ.

એકાએક પવન ઘૂરક્યો. ઇંદુભાઈની આંખ ઊઘડી ગઈ. વિરાટકાય વાંદો સંકોચાઈ રહ્યો હતો. ઉદ્ભવતી શૂન્યતામાં વંટોળ ફેણનાં ઝૂંડ ઊંચાં કરી કરી ફુંફાડા મારવા લાગ્યો. ઑફિસ નીચેની જમીન આળોટવા લાગી. ઑફિસ આખી ડગુમગુ થવા માંડી. ઑફિસની અંદર મોટો રવૈયો ફરતો હોય એવો ફંગોળાટ શરૂ થયો. ટેબલ ઉપર બેઠેલાં કાગળિયાં હવામાં તરફડવા લાગ્યાં. કબાટ-ટેબલ-ખુરશી અફળાવા લાગ્યાં; પછડાવા લાગ્યાં. ઘડીક એકમેકને ઘડીક જમીનને - ઘડીક ભીંતને. ખુરશીની તડમાં સંતાયેલા ઇંદુભાઈ એક ઊડતા કાગળ ઉપર ફેંકાયા.

ચાર દીવાલમાં ગૂંગળાતો વંટોળ બહાવરો બની બહાર ધસ્યો. એની લાતથી ખૂલી ગઈ બધી બારી. કાગળ ઉપર ચીટકેલા ઇંદુભાઈ અવકાશમાં દટાઈ ગયા.

*

બીજે દિવસે ઇંદુભાઈની ઑફિસનો ઝાંપો સાવ ખુલ્લો હતો. તેને રક્ષતા પહેરેગીર ક્યાંય દેખાતા નહોતા. ઝાંપાને ઓળંગી રસ્તા સુધી લપકતો ઇંદુભાઈનો પડછાયો નહોતો.

લોકો ખુલ્લા ઝાંપામાં થઈ ઇંદુભાઈની ઑફિસમાં ધસી આવ્યા. ઇંદુભાઈ ક્યાંય નહોતા. ઇંદુભાઈ હવે નથી એવી તેમને ખાતરી થઈ ગઈ. તેઓ બોલવા માંડ્યા : અજબ થયો! ગજબ થયો!

બધા ગેલમાં આવી ગયા. પછી ઇંદુભાઈની ઑફિસમાં, એમની ખુરશી પડાવવા લોહીછાંટણાં થયાં. સૌથી મોટા પડછાયાવાળાનો ખુરશી અભિષેક થયો. ઇંદુભાઈ-2 તરીકે ઓળખાયા.

(‘આંખની ઇમારત’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999