Idgah - Short Stories | RekhtaGujarati

રમજાનના પૂરા ત્રીસ રોજા પછી આજે ઈદ આવી છે. કેવું મનોહર, કેવું સુહાવનું પ્રભાત છે. વૃક્ષો પર કંઈક અજબ હરિયાળી છે. ખેતરોમાં કંઈક અજબ રોનક છે. આસમાનમાં કંઇક અજબ લાલિમા છે. આજનો સૂર્ય જુઓ કેટલો પ્યારો, કેટલો શીતળ છે, જાણે સંસારને ઈદની વધાઈ ન આપી રહ્યો હોય. ગામમાં પણ કેવી અવરજવર છે, ઈદગાહ જવાની તૈયારીઓ થઈ રહી છે. કોઇના કુર્તામાં બટન નથી. પડોશના ઘરમાંથી સોય-દોરો લેવા એ દોડી રહ્યો છે. કોઈના જોડા કઠણ થઈ ગયા છે, એમાં તેલ નાખવા એ તેલીના ઘરે ભાગી રહ્યો છે. જલદી જલદી બળદોને ખાણ અને પાણી આપી દે. ઈદગાહથી પાછા આવતાં આવતાં તો બપોર થઈ જશે. ત્રણ કોસનો પગરસ્તો અને એમાંયે સેંકડો લોકોને હળવું - મળવું ને ભેટવું, બપોર પહેલાં પાછા આવવું સંભવિત નથી. છોકરાઓ સૌથી વિશેષ પ્રસન્ન છે. કોઈ એ માત્ર એક જ રોજુ રાખ્યું, એ પણ બપોર સુધી જ, કોઈ એ એટલું પણ રાખ્યું નથી. પરંતુ ઈદગાહ આવવાની ખુશી એમને આનંદની ચીજ છે. રોજાં તો ઘરડાં – બુઢ્ઢા માટે છે. એમના માટે તો ઈદ છે. રોજ ઈદનું નામ રટતા હતા. આજ એ આવી ગઈ. હવે એમને ઉતાવળ છે કે લોકો ઇદગાહ તરફ જવા કેમ નથી નીકળતા ?

એમને ગૃહસ્થીની ચિંતાઓથી શું પ્રયોજન હોય! સેવો માટે દૂધ અને સાકર ઘરમાં છે કે નહીં, એની એમને શું ફીકર ? તેઓ તો માત્ર સેવો ખાશે. તેઓ શા માટે જાણે કે એમના અબ્બાજાન હાંફળાં ફાંફળાં થઈને ચૌધરી કાયમઅલીને ઘેર શા માટે દોડીને જઈ રહ્યા છે ? એમને ક્યાં ખબર છે કે ચૌધરી આજે આંખો ફેરવી લે તો આ સઘળી ઈદ મહોરમ થઈ જાય. એમના પોતાના ખિસ્સાઓમાં તો કુબેરનું ધન ભર્યું છે. વારંવાર તેઓ એમનાં ખિસ્સાઓમાંથી એમનો ખજાનો બહાર કાઢીને ગણવા માંડે છે અને ખુશ થઈને પાછો એને મૂકી દે છે. મહમદ ગણે છે એક-બે, દસ-બાર એની પાસે બાર પૈસા છે. મોહસિનની પાસે એક, બે, ત્રણ, આઠ, નવ અને પંદર પૈસા છે. આ અગણીત પૈસાઓની તેઓ અગણીત ચીજો લાવશે. રમકડાં, મીઠાઈઓ, બ્યૂગલ, દડો અને ન જાણે શું ને શું ચીજો અને સૌથી વિશેષ પ્રસન્ન તો છે હામિદ. એ ચાર-પાંચ સાલનો ગરીબ-સૂરત, દૂબળો, પાતળો છોકરો છે. જેના બાપ ગયા વર્ષે કાલેરાનો ભોગ બની ગયો અને એની મા પણ પીળી થતી થતી મરી ગઈ. કોઈને ખબર ન પડી કે એને શી બીમારી છે. એ કોઈને કહેતો, પણ એને સાંભળવાવાળું કોણ હતું ? એના દિલમાં જે દુ:ખ થતું હતું એ દિલમાં જ સહી લેતી હતી અને જ્યારે એ સહન ન થતું ત્યારે એ આ સંસારમાંથી વિદાય થઈ ગઈ.

હવે હામિદ એની ઘરડી દાદી અમીનાની ગોદમાં સૂએ છે અને એટલો જ પ્રસન્ન છે. એના અબ્બાજાન રૂપિયા કમાવવા ગયા છે. થેલીઓની થેલીઓ ભરીને એ લઈને આવશે. એની અમ્મીજાન અલ્લાહમિયાંના ઘરેથી એના માટે સારામાં સારી વસ્તુઓ લેવા ગઈ છે; એટલે તો હામિદ પ્રસન્ન છે. આશા તો સૌથી મોટી વસ્તુ છે અને એમાંયે છોકરાંની આશાનું તો શું કહેવું ! એમની કલ્પના તો રાઈનો પર્વત બનાવી લે છે. હામિદના પગમાં જોડા નથી. એના માથા પર એક જરીપુરાની ટોપી છે જેનો ગોટો કાળા પડી ગયો છે. તોપણ એ પ્રસન્ન છે, જ્યારે એના અબ્બાજાન રૂપિયાની થેલીઓ અને અમ્મીજાન અમૂલ્ય ચીજો લઈને આવશે ત્યારે એ દિવસે એ એનાં અરમાન પૂરાં કરશે. ત્યારે એ જોશે કે મહમૂદ, મોહસિન, નૂરે અને સમ્મી એના જેટલા પૈસા ક્યાંથી કાઢશે ?

અભાગણ અમીના એની કોટડીમાં બેસીને રડી રહી છે. આજે ઈદનો દિવસ છે પરંતુ એના ઘરમાં તો અનાજનો એકે દાણો નથી ! આજે આબિદ હોત તો શું આવી રીતે ઈદ આવત અને ચાલી જાત. આવા અંધકાર અને આવી નિરાશામાં એ ડૂબી રહી હતી. કોણે બોલાવી છે અભાગી ઈદને? આ ઘરમાં એનું કોઈ કામ નથી, પરંતુ હામિદ ! એને કોઈના મરવાનો કે જીવવાનો શો અર્થ ? એના અંતરમાં પ્રકાશ છે અને બહાર આશા છે. વિપત્તિ ભલે એનું સઘળું દલ-બલ લઈ ને આવી પહોંચે, હામિદની આનંદ ભરી દૃષ્ટિ એનો વિધ્વંસ કરી નાખશે.

હામિદ અંદર જઈને એની દાદીને કહે છે, “તમે ડરશો નહીં, અમ્મા, હું સૌથી પહેલો આવી પહોંચીશ, તમે બિલકુલ ડરશો નહીં.”

અમીનાનું દિલ કચવાઈ રહ્યું હતું. ગામનાં બચ્ચાં સૌ પોત-પોતાના બાપ સાથે જઈ રહ્યાં છે. હામિદનો બાપ અમીના સિવાય બીજો કોણ છે ? એને એ મેળામાં એકલો કેમ જવા દે! એ ભીડ-ભાડમાં છોકરો ક્યાંક ખોવાઈ જાય તો શું થાય ? ના, અમીના એને એમ જવા નહીં દે. આ નાનકડો જીવ ત્રણ કોસ કેવી રીતે ચાલી શકશે. પગમાં છાલાં પડશે, એને જોડા પણ નથી. એ થોડી થોડી વારે એને કેડમાં બેસાડી લેશે. પરંતુ એ જાય તો અહીં સેવો કોણ રાંધશે? પૈસા હોત તો આવતાં આવતાં સઘળી સામગ્રી એકઠી કરીને ઝટપટ રાંધી લેત. અત્યારે તો સઘળી ચીજો એકઠી કરવામાં જ કલાકો પસાર થઈ જશે. આ તો માંગીને લાવવાનું છે એટલે એનો શો ભરોસો ? એ દિવસે ફહીમનનાં કપડાં સીવ્યાં હતાં. એમાંથી આઠ આનાના પૈસા મળ્યા હતા. એ આઠ આનીને આ ઈદના માટે ઈમાનની માફક એ બચાવી રહી હતી. પરંતુ કાલે જ ગોવાલણ આવીને બળજબરીથી ઉઘરાણી કરવા માંડી પછી એ પણ શું કરે ? હામિદના માટે બીજું કંઈ નહી તોપણ બે પૈસાનું દૂધ તો લેવું જોઈએ ને ! હવે તો બધા મળીને માત્ર બે આના બાકી રહ્યા છે. એમાંથી ત્રણ પૈસા હામિદના ગજવામાં અને પાંચ પૈસા અમીનાના બટવામાં. આ છે સઘળી પૂંજી અને સામે છે ઈદનો તહેવાર ! અલ્લાહ મિયાં જ બેડો પાર કરી શકે. ધોબણ, હજામડી, મેહતરાની અને ચૂડીઓવાળી, એ સર્વે પણ માંગવા તો આવશે જ ને ! એ સઘળાંને સેવો તો જોઈએ જ અને થોડું તો કોઈની નજરમાં જ આવતું નથી ! અને કોના કોનાથી મોઢું સંતાડું ? અને મોઢું પણ શા માટે સંતાડે ? આ તો આખા વર્ષનો તહેવાર છે. સૌની જિંદગી ખેરિયતથી રહે. એમનું નસીબ પણ એની સાથે જ છે ને ! બચ્ચાંને ખુદા સલામત રાખે, આવા દિવસો પણ પસાર થઈ જશે.

ગામના લોકો મેળામાં જવા નીકળ્યા. અન્ય બાળકો સાથે હામિદ પણ જઈ રહ્યો છે. ક્યારેક એ સૌ દોડીને સૌથી આગળ નીકળી જાય છે. પછી કોઈ ઝાડ નીચે ઊભા રહીને એમના સાથે આવનારાઓની રાહ જુએ છે. આ લોકો કેમ આટલા ધીમે ધીમે ચાલે છે. હામિદના પગોમાં તો જાણે પાંખો ફૂટી છે. એ કેવી રીતે થાકી શકે છે ? શહેરના છેડો આવી ગયો, સડકની બંને બાજુ અમીરોના બગીચા છે. એમની ચારે બાજુ પાકી દીવાલો ચણી લેવામાં આવી છે. વૃક્ષોમાં આંબાનાં અને લીચીનાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે, કોઈ કોઈ વાર કોઈ છોકરો કેરીનું નિશાન લઈને કાંકરો ફેંકે છે. તો માળી ગાળો દેતો દેતો અંદરથી બહાર દોડી આવે છે. છોકરાઓ ત્યાંથી એક ફર્લોંગ દૂર છે. તેઓ ખૂબ હસે છે ને કહે છે, “માળીને કેવો ઉલ્લુ બનાવ્યો.”

મોટી મોટી ઈમારતો આવવા માંડી. આ અદાલત છે. આ કોલેજ છે. આ ક્લબઘર છે. આટલી મોટી કોલેજમાં કેટલા છોકરા ભણતા હશે ? એ સઘળા છોકરા નથી, એમાં તો મોટા મોટા આદમી પણ છે. એમની મોટી મોટી મૂછો છે. આટલા મોટા થયા છતાં હજુ સુધી ભણે છે. સમજ નથી પડતી તેઓ ક્યાં સુધી ભણશે અને આટલું બધું ભણીને શું કરશે ? હામિદની મદરેસામાં બે ત્રણ મોટા છોકરાઓ છે, પરંતુ તેઓ પૂરેપૂરા ત્રણ કોડીના છે. દરરોજ માર ખાય છે અને કામ કરવામાં આળસ કરે છે. આ જગામાં પણ એવા જ લોકો હશે. બીજું શું હોય ! ક્લબઘરમાં જાદુ થાય છે. સાંભળ્યું છે અહીં મડદાંની ખોપરીઓ દોડે છે અને મોટા મોટા તમાશા થાય છે. પરંતુ તેઓ કોઈને અંદર જવા દેતા નથી, અને અહીં સાંજના સાહેબ લોકો રમે છે. મોટા મોટા આદમી રમે છે. એમાં કેટલાક તો મૂછો અને દાઢીવાળા હોય છે. અને મેમસાહેબો પણ રમે છે. ખરેખર એ સાચું છે! અમારી અમ્માને એ આપો તો-શું નામ એનું બેટ- તો એ એને પકડી જ ન શકે. એને ફેરવતાં જ એ તો ગબડી પડે.

મહમૂદે કહ્યું, “અલ્લાહની કસમ ! અમારી અમ્મીજાનનો તો હાથ જ કાંપવા માંડે-“

મોહસિન બોલ્યો, “અમ્મી કેટલાયે મણ આટો પીસે છે તો શું નાનકડું બેટ પકડે ને એનો હાથ કાંપે ? એ કૂવામાંથી સેંકડો ઘડા પાણી રોજ કાઢે છે. પાંચ ઘડા તો તારી ભેંસ પી જાય છે. કોઈ મે’મને એક ઘડો પાણી ભરવું પડે તો એની આંખોમાં અંધારાં આવી જાય.”

મહમૂદ બોલ્યો : “પરંતુ એ દોડી તો નથી શકતી. એ ઊછળતી નથી કે કૂદી પણ નથી શકતી.”

મોહસિન બોલ્યો, “હા એ ઊછળી કે કૂદી નથી શકતી. પરંતુ એ દિવસે મારી ગાય છૂટી ગઈ હતી અને ચૌધરીના ખેતરમાં જઈ ચડી હતી ત્યારે અમ્મા એટલી ઝડપથી દોડી હતી કે હું પણ એને પહોંચી શક્યો ન હતો. સાચું કહું છું.”

તેઓ આગળ ચાલ્યા. હલવાઈઓની દુકાનો આવવી શરૂ થઈ. આજે એમની ખૂબ સજાવટ થઈ હતી. આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે જુઓને! એક દુકાન પર કેટલાયે મણ મીઠાઈઓ હશે. સાંભળ્યું છે, રાત્રે જિન્નાતો આવીને એ ખરીદી જાય છે. અબ્બા કહે છે કે અડધી રાતે એક આદમી દરેક દુકાન પર આવે છે અને જેટલો માલ બચ્યો હોય એને તોલાવીને ખરીદી લે છે. અને એ સાચા રૂપિયા આપે છે. બિલકુલ આપણા જેવા જ રૂપિયા. હામિદને વિશ્વાસ ન આવ્યો. એણે પૂછ્યું, “આવા રૂપિયા જિન્નાતોને ક્યાંથી મળતા હશે ?”

મોહસિન બોલ્યો, “જિન્નાતોને રૂપિયાની શી ખોટ હોય ? એમની ઇચ્છામાં આવે એ ખજાનામાં તેઓ જઈ શકે છે. લોખંડના દરવાજા પણ એમને રોકી શકતા નથી, જનાબ ! તમે ક્યા ચક્કરમાં ઘુમો છો. એમની પાસે તો હીરા અને ઝવેરાત સુધ્ધાં રહે છે, અત્યારે અહીં બેઠા હોય તો કહો તો તેઓ પાંચ મિનિટમાં કલકત્તા પહોંચી જાય.”

હામિદે ફરીથી પૂછ્યું, “જિન્નાત તો ખૂબ જ મોટા મોટા હશે ?”

મોહસિન બોલ્યો, “એક એક જિન આસમાન જેટલો હોય છે. એ જમીન પર ઊભો રહે તો એનું માથું આસમાનને અડે પરંતુ એની ઇચ્છા થાય તો એ લોટામાં પણ સમાઈ જાય.”

હામિદે પૂછયું, “લોકો એમને કેમ ખુશ કરતા હશે ? કોઈ મને એ મંત્ર આપે તો હું એક જિનને તો ખુશ કરી લઉં.”

મોહસિન બોલ્યો, “અત્યારે તો હું એ જાણતો નથી પરંતુ ચૌધરી સાહેબના કાબૂમાં ઘણા જિન્નાત છે. કોઈની ચીજ ચોરાઈ જાય તો ચૌધરી સાહેબ એને શોધી આપે છે અને ચોરનું નામ પણ જણાવી દે છે. જુમરાતીનો વાછરડો એ દિવસે ખોવાઈ ગયો હતો. ત્રણ દિવસ સુધી હેરાન-પરેશાન થઈ શોધ કરી છતાં ન મળ્યો. પછી ઝખ મારીને તેઓ ચૌધરી સાહેબ પાસે ગયા. ચૌધરીએ તુરત જ શોધીને ઠેકાણું બતાવ્યું કે એ પશુઓના વાડામાં છે, અને એ ત્યાં જ મળ્યો. જિન્નાત આવીને એમને આખી દુનિયાની ખબરો આપે છે.”

હવે એને સમજાયું કે ચૌધરીની પાસે કેમ આટલું બધું ધન છે અને કેમ એમનું આટલું બધું સમ્માન છે.

તેઓ આગળ ચાલ્યા, આ પોલીસ લાઇન આવી. અહીં સર્વે કોન્સ્ટેબલ કવાયત કરે છે. રૈટન ! ફાયકો ! રાતના બિચારા ફરી ફરીને પહેરો ભરે છે. એમ ન કરે તો ચોરીઓ થવા માંડે. મોહસિને એનો વિરોધ કરતાં કહ્યું, “આ કોન્સ્ટેબલ પહેરો ભરે છે? ત્યારે તો તમે ઘણું જાણો છો ! અજી હજરત ! તેઓ જ ચોરીઓ કરાવે છે. શહેરમાં જેટલા ચોર ડાકુ છે એ સઘળા એમની સાથે મળેલા છે. રાતના તેઓ ચોરોને કહે છે કે ‘ચોરી કરો’ અને તેઓ બીજા મહોલ્લામાં જઈને કહે છે ‘જાગતા રહો ! જાગતા રહો !’ ત્યારે જ એમની પાસે આટલા બધા રૂપિયા આવે છે. મારા મામા એક થાણામાં કોન્સ્ટેબલ છે. તેમને વીસ રૂપિયા માસિક પગાર મળે છે. પરંતુ દર માસે તેઓ પચાસ રૂપિયા ઘરે મોકલે છે. સાચું કહું છું અલ્લાહની કસમ મેં એમને એક વાર પૂછ્યું, “મામા તમે આટલા બધા રૂપિયા ક્યાંથી મેળવો છે ?” તેઓ હસીને કહેવા લાગ્યા, “બેટા, અલ્લાહ આપે છે” પછી પોતાની મેળે જ બોલ્યા, “અમે નક્કી કરીએ તો એક દિવસમાં જ લાખો રૂપિયા મારી ખાઈએ પરંતુ અમે તો એટલા જ લઈએ છીએ જેમાં અમારી બદનામી ન થાય અને નોકરી ન ચાલી જાય.”

હામિદે પૂછ્યું, “આ લોકો ચોરી કરાવરાવે છે તો એમને કોઈ પકડતું નથી ?”

મોહસિને એની નાદાની પર દયા પ્રદર્શિત કરતાં કહ્યું, “અરે, પાગલ, એમને કોણ પકડે ? પકડવાવાળા તો એ પોતે જ છે. પરંતુ અલ્લાહ એમને સજા પણ ખૂબ કરે છે. હરામનો માલ હરામમાં જાય છે. થોડા દિવસ પહેલાં જ મામાના ઘરમાં આગ લાગી હતી. જમા કરેલી સઘળી સામગ્રી બળી ગઈ એક વાસણ સુધ્ધાં બચ્યું નહીં. કેટલાય દિવસો સુધી ઝાડના નીચે સૂતા અલ્લાહના કસમ ખાઈને કહું છું કે તેઓ ઝાડના નીચે સૂતા પછી કોને ખબર ક્યાંથી તેઓ રૂપિયા કરજે લાવ્યા ત્યારે ભાડે વાસણ લાવી શક્યા.”

હામિદે પૂછ્યું, “એક સો રૂપિયા તો પચાસથી વધારે હોય છે, નહીં ?”

“ક્યાં પચાસ ને ક્યાં એકસો. પચાસ રૂપિયા તો એક થેલીમાં ભરાય એટલા હોય છે. સો રૂપિયા તો બે થેલીઓમાં પણ ન સમાય.”

હવે જનસમૂહ વધવા માંડ્યો હતો. ઈદગાહ જનારી ટોળી નજરે પડવા માંડી. એક એકને આંજી નાખે એવાં એમણે વસ્ત્રો પહેર્યાં હતાં. કોઈ એક્કા-ટાંગામાં બેસીને આવતું હતું તો કોઈ મોટરમાં બેસીને આવતું હતું. સૌએ અત્તર છાંટયું હતું અને સૌના દિલમાં ઉમંગ હતો. ગ્રામજનોના નાનકડા સમૂહ, પોતાની વિપત્તિથી અજાણ રહીને, સંતોષ અને ધૈર્યથી, આનંદથી આગળ વધી રહ્યો છે. બાળકો માટે તો શહેરની સઘળી ચીજો અનોખી જ હતી. જે ચીજની તરફ તેઓ નજર કરતા, એ ચીજની તરફથી તેઓ નજર હઠાવતા જ નહીં. અને પાછળથી વારંવાર હોર્નનો અવાજ થાય છતાં જરાપણ હઠી ન જતા. હામિદ તો મોટરના નીચે આવતાં આવતાં જ બચી ગયો.

ત્યાં ઓચિંતુ ઇદગાહ નજરે પડયું. એના ઉપર આમલીના ઘટાદાર વૃક્ષોની છાયા છે. નીચે પાકો ફર્શ છે. એના પર જાજમ બિછાવવામાં આવી છે. અને એની રાખનારાઓની હરોળો એકની પાછળ એક, ક્યાંય સુધી ફેલાયેલી છે. આગળ ખાલી જગા નથી. ઈસ્લામની નજરમાં સૌ સમાન છે, સરખા છે. આ ગ્રામજનોએ પણ વજૂ (હાથ-પગ ધોવા) કર્યું અને પાછળની હરોળમાં ઊભા રહી ગયા. કેટલું સુંદર સંચાલન છે. કેટલી સુંદર વ્યવસ્થા છે. લાખો મસ્તકો એક સાથે સિજદામાં ઝૂકી જાય છે. પછી સર્વે એક સાથે ઊભા થઈ જાય છે, એક સાથે ઝૂકે છે અને એક સાથે ઘૂંટણોને આધારે બેસી જાય છે. જેમ વીજળીની બત્તીઓ એક સાથે જલી ઊઠે અને એક સાથે બુઝાઈ જાય એમ આ ક્રિયાનું કેટલીયે વાર પુનરાવર્તન થાય છે. કેવું અપૂર્વ દ્રશ્ય હતું આ. જેની સામૂહિક ક્રિયાઓ, વિસ્તાર અને અનંતતા હૃદયને શ્રદ્ધા, ગર્વ અને આત્માનંદથી ભરી દેતી હતી. જાણે ભ્રાતૃત્વનું એક સૂત્ર આ સઘળા આત્માઓને એક સેરમાં પરોવી રહ્યું ન હોય.

(2)

નમાજની ક્રિયા પૂરી થઈ ગઈ છે. લોકો પરસ્પર, એકબીજાને ભેટી રહ્યા છે. પછી મીઠાઈઓ અને રમકડાંની દુકાન પર ધસારો થાય છે. ગ્રામજનોનો આ સમૂહ આ વિષયમાં બાળકોથી જરા પણ ઓછો ઉત્સાહી નથી. આ જુઓ મહાશય ચક્રનો હીંડોળો, એક પૈસો આપીને એમાં બેસી જાઓ. ક્યારેક આસમાનમાં જતા દેખાશો, ક્યારેક જમીન પર આવતા દેખાશો. આ ચકડોળ છે એમાં લાકડાના હાથી, ઘોડા, ઊંટ, મોટી મોટી લાકડીઓ પર લટકતાં દેખાય છે. એક પૈસો આપો અને એમના પર બેસી જાઓ અને પચ્ચીસ ફેરાની મજા લૂટો. મહેમૂદ અને મોહસિન, નૂરે અને સમ્મી આ ઘોડાઓ અને ઊંટો પર બેસે છે. હામિદ દૂર ઊભો છે. ત્રણ પૈસા માત્ર એની પાસે છે. એના ખજાનાનો ત્રીજો ભાગ મામૂલી ચક્કર ખાવા એ વેડફી શકતો નથી.

સર્વે ચકડોળ પરથી ઊતરે છે, હવે તેઓ રમકડાં ખરીદશે. અહીં દુકાનોની હરોળો લાગી ગઈ છે. ભાત ભાતનાં રમકડાં છે. સિપાઈ અને ગોવાલણી; રાજા અને વકીલ; ભિસ્તી અને ધોબણ; તેમજ સાધુ વાહ ! કેવાં સુંદર રમકડાં છે. જાણે હમણાં જ બોલી ઊઠશે. મહમૂદ સિપાઈ ખરીદે છે. એ ખાખી વર્દી અને લાલ પાઘડી વાળો છે. અને ખભા પર બંદૂક રાખીને ઊભો છે. એવું લાગે છે કે જાણે હમણાં કવાયત કરતો આગળ વધી રહ્યો છે. મોહસિનને ભિસ્તી પસંદ આવ્યો. એની કમર ઝૂકેલી છે અને એના પર એણે મશક ઠેરવી છે. મશકનું મોઢું એણે એક હાથે પકડયું છે. એ કેટલો પ્રસન્ન છે, સંભવ છે કે કદાચ એ કોઈ ગીત ગાતો હોય. બસ જાણે હમણાં જ મશકમાંથી પાણી વહાવશે એવું લાગે છે. નૂરાનો વકીલ પ્રત્યે પ્રેમ છે. કેવી વિદ્વત્તા છે એના મોઢા પર. કાળો ઝભ્ભો, નીચે સફેદ અચકન, અચકનના સામેના ગજવામાં સોનાની સાંકળવાળી ઘડિયાળ અને એક હાથમાં કાયદાનું મોટું પુસ્તક. એવું લાગે છે કે એ હમણાં જ કોઈ કેસની દલીલો અને વિવાદ કરવા અદાલતમાં જઈ રહ્યો છે. આ સઘળાં બબ્બે પૈસાનાં રમકડાં છે. હામિદની પાસે કુલ્લે ત્રણ પૈસા છે. આટલાં મોંઘાં રમકડાં એ કેમ કરીને ખરીદે ? રમકડું જો ક્યાંક હાથમાંથી સરી જાય તો એ ટુકડે-ટુકડા થઈ જાય. એના પર જરાક પાણી પડે તો એનો રંગ ધોવાઈ જાય. આવાં રમકડાં લઈને એ શું કરે? એ શા કામમાં આવે?

મોહસિન બોલ્યો, “મારો ભિસ્તી રોજ રોજ સાંજે સાંજે અને સવારે પાણી આપી જશે.”

મહમૂદ બોલ્યો, “અને મારો સિપાઈ ઘરનો પહેરો ભરશે. કોઈ ચોર આવશે તો એ તુરત જ બંદૂકથી ગોળીબાર કરશે.”

નૂરે બોલ્યો, “અને મારો વકીલ ઘણા મુકદ્દમા લડશે.”

સમ્મી બોલ્યો, “અને મારી ધોબણ રોજ કપડાં ધોશે.”

હામિદ રમકડાંની નિંદા કરે છે એ કહે છે, “માટીનાં તો છે, જેવાં પડે એવાં જ ટુકડે ટુકડા થઈ જાય.” પરંતુ એ લાલચભરી આંખોથી રમકડાંને જોઈ રહ્યો છે અને ઇચ્છે છે કે થોડી વાર એ એમને હાથમાં લે. એના હાથ અનાયાસ એમને લેવા લંબાય છે, પરંતુ છોકરા એવા ત્યાગી હોતા નથી, ખાસ કરીને અત્યારે જ્યારે એમનો શોખ નવો નવો છે. હામિદ લાલચભર્યો એમને જોઈ રહે છે.

રમકડાં પછી મીઠાઈનો વારો આવે છે. કોઈ એ રેવડી લીધી છે, કોઈ એ ગુલાબજાંબુ લીધાં છે તો કોઈ એ સોહન હલવો લીધો છે આનંદથી ખાઈ રહ્યાં છે. હામિદ એમની બિરાદરીથી જુદો પડે છે. એ અભાગી પાસે ત્રણ પૈસા છે. શા માટે એ કંઈ લઈને ખાતો નથી ? એ લાલચભરી આંખોથી સૌની સામું જુએ છે.

મોહસિન કહે છે, “હમિડ, આ રેવડી લઈજા કેટલી ખુશ્બોદાર છે.”

હામિદને શંકા થઈ. એને લાગ્યું આ કેવલ ક્રૂર વિનોદ જ છે. મોહસિન એવો ઉદાર તો નથી જ. આ જાણવા છતાં એ એની પાસે જાય છે. મોહસિન દડિયામાંથી એક રેવડી કાઢીને હામિદની તરફ લંબાવે છે. હામિદ એને લેવા હાથ લંબાવે ત્યાં જ મોહસિન રેવડી મોઢામાં મૂકી દે છે. મહમૂદ, નૂરે અને સમ્મી તાલીઓ પાડી પાડીને ખૂબ હસે છે. હામિદ ખસિયાણો પડી જાય છે.

મોહસિન બોલ્યો, “આ વખતે તો હું જરૂર આપીશ, હામિદ, અલ્લાહના કસમ તું લઈ જો.”

હામિદ બોલ્યો, “તારી પાસે રાખ. શું મારી પાસે પૈસા નથી!”

સમ્મી બોલ્યો, “ત્રણ પૈસા તો છે, ત્રણ પૈસામાં તું શું શું લઈશ?”

મહમૂદ બોલ્યો, “મારી પાસેથી ગુલાબજાંબુ લઈ જા, હામિદ, મોહસિન તો બદમાશ છે.”

હામિદ બોલ્યો, “મીઠાઈ તો એવું શું મોટું પકવાન છે ? પુસ્તકોમાં એની કેટલીયે બુરાઈઓ લખી છે.”

મોહસિન બોલ્યો, “પરંતુ તું મનમાં તો કહી રહ્યો હશે કે તે મળે તો એને ખાઈ લઉં. તું તારા પૈસા કેમ કાઢતો નથી ?”

મહમૂદ બોલ્યો, “હું એની ચાલાકી સમજું છું. જ્યારે આપણા સઘળા પૈસા ખર્ચાઈ જશે, ત્યારે એ આપણને લલચાવી લલચાવીને ખાશે.”

મીઠાઈઓની દુકાનો પછી કેટલીક દુકાનો લોઢાના સાજ-સામાનની છે. કેટલીક ગિલેટ કરેલાં નકલી ઘરેણાંની દુકાનો પણ છે, છોકરાઓ માટે અહીં કોઈ આકર્ષણ ન હતું. તેઓ સઘળા આગળ વધે છે. પરંતુ હામિદ લોખંડની દુકાન આગળ અટકી જાય છે. કેટલાયે ચીપિયા ત્યાં રાખવામાં આવ્યા છે. એને ખ્યાલ આવ્યો. દાદીની પાસે ચીપિયો નથી. જ્યારે તેઓ તવામાંથી રોટલીઓ ઉતારે છે ત્યારે એમના હાથ દાઝે છે. જો એ ચીપિયો લઈ જઈને દાદીને આપે તો એ કેટલાં બધાં પ્રસન્ન થશે ? પછી એમની આંગળીએ કદાપિ દાઝશે નહીં. ઘરમાં એક કામની ચીજ આવી જશે. રમકડાંથી શું ફાયદો ? એમાં તો નક્કામા પૈસા ખરાબ થાય છે. થોડી વાર માટે આનંદ મળે છે. પછી તો રમકડાં તરફ કોઈ આંખ ઊંચી કરીને પણ જોતું નથી. અથવા તો એ ઘરે પહોંચતાં પહોંચતાં જ ટુટી-ફૂટી જાય છે અથવા તો નાનાં બાળકો, જેઓ મેળામાં નથી આવ્યાં, એ જિદ્દ કરીને લઈ લેશે અને તોડીફોડી નાખશે.

ચીપિયો કેટલા બધા કામમાં આવે છે. એનાથી તવા પરથી રોટલીઓ ઉતારો અને ચૂલામાં શેકી લો. કોઈ દેવતા માંગવા આવે તો ઝટપટ એનાથી ચૂલામાંથી દેવતા કાઢીને એને આપી દો. અમ્મા બિચારીને ક્યાં ફુરસદ છે કે એ બઝારમાં એને લેવા આવે. એને આટલા પૈસા પણ ક્યાં મળે છે? એ રોજ હાથ દઝાડે છે. હામિદના સાથીઓ આગળ વધી ગયા છે. પરબ પર સઘળા શરબત પી રહ્યા છે. જુઓ, સઘળા કેટલા લાલચુ છે. આટલી બધી મીઠાઇઓ લીધી. એમાંથી કોઈ એ મને એક પણ ન આપી. ઉપરથી તેઓ કહે છે કે ‘સાથે રમ. મારું આ કામ કર’ હવે જો કોઈ એ કામ કરવાનું કહ્યું તો એમને પૂછીશ “ખાઓને મીઠાઈઓ ? તમારું મોઢું સડી જશે. ફોલ્લા-ફોલ્લીઓ નીકળશે અને તમારી જીભ ચટકારી થઈ જશે. એ વખતે તમે ઘરમાંથી પૈસા ચોરશો અને માર ખાશો. પુસ્તકમાં જુઠી વાતો થોડી લખવામાં આવી છે ? મારી જીભ શા માટે ખરાબ થાય ? અમ્મા ચીપિયો જોતાં જ દોડીને મારા હાથમાંથી લઈ લેશે અને કહેશે, “મારો દીકરો, અમ્માને માટે ચીપિયો લાવ્યો.” હજારો દુવાઓ આપશે. પછી પડોશની સ્ત્રીઓને દેખાડશે. આખા ગામમાં ચર્ચા થશે કે હામિદ ચીપિયો લાવ્યો, કેવો સારો છોકરો છે. આ લોકોના રમકડાં પર એમને કોણ દુવા આપશે ? વડીલોની દુવા સીધી અલ્લાહના દરબારમાં પહોંચે છે અને તુરત જ સાંભળવામાં આવે છે. મારી પાસે પૈસા નથી એટલે તો મોહસિન અને મહેમૂદ આમ મિજાજ કરે છે. હું પણ એમની સામે મિજાજ કરીશ. તેઓ ભલે રમકડાંથી રમે અને મીઠાઈઓ ખાય હું કોઈનાં રમકડાં રમતો નથી પછી કોઈનો મિજાજ શા માટે સહન કરું? ભલે હું ગરીબ રહ્યો. કોઈની પાસે માંગવા તો નથી જતો. આખરે અબ્બાજાન ક્યારેક ને ક્યારેક તો આવશે જ, અમ્મા પણ આવશે, પછી હું આ લોકોને પૂછીશ “કેટલાં રમકડાં લેશો.” એક એકને છાબડી ભરીને રમકડાં આપીશ અને દેખાડી આપીશ કે દોસ્તો સાથે આવો વ્યવહાર થાય. એમ નહીં કે એક પૈસાની રેવડી લીધી અને ચિઢાવી ચિઢાવીને ખાવા માંડવી. તેઓ સર્વે હસવા માંડશે કે હામિદે ચીપિયો લીધો છે હસવું હોય તો હસે ! મારે શી બલા !”

એણે દુકાનદારને પૂછ્યું, “આ ચીપિયો કેટલાનો છે?” દુકાનદારે એની તરફ જોયું અને એની સાથે કોઈ મોટા માણસને ન જોતાં એ બોલ્યો, “આ તારા કામનો નથી.”

“કેમ વેચવાનો નથી ? તે અહીં શા માટે રાખ્યો છે ?”

“વેચવાનો તો છે.”

“તો પછી કહેતા કેમ નથી કે કેટલા પૈસાનો છે?”

“છ પૈસા લાગશે.”

હામિદનું દિલ બેસી ગયું.

“બરાબર કિંમત કહો.”

“એના બરાબર પાંચ પૈસા થશે, લેવો હોય તો લઈ લે. નહી તો ચાલતી પકડ.”

હામિદે કાળજું કઠણ કરીને કહ્યું, “ત્રણ પૈસામાં આપશો ?”

એમ કહેતો કહેતો એ આગળ ચાલ્યો જેથી દુકાનદારની ધમકી સાંભળવી ન પડે. પરંતુ દુકાનદારે ધમકી આપી નહીં, એણે હામિદને બોલાવીને ચીપિયો આપી દીધો. હામિદે એને એવી રીતે ખભા પર મૂક્યો કે જાણે બંદૂક હોય અને પછી શાનથી અકડતો અકડતો સાથીઓ પાસે આવ્યો. જરા સાંભળો તો, એક પછી એક સૌ કેવી ટીકા કરે છે.

મોહસિને હસતાં હસતાં કહ્યું, “અરે પાગલ ! આ ચીપિયો શા માટે લાવ્યો ? એનું શું કરીશ ?”

હામિદે ચીપિયાને જમીન પર પટકીને કહ્યું, “જરા તમારા ભિસ્તીને જમીન પર પછાડોને; બચ્ચાની સઘળી પાંસળીઓના ટુકડે ટુકડા થઈ જશે !”

મહમૂદ બોલ્યો, “અરે, આ ચીપિયો તે કોઈ રમકડું છે ?”

હામિદ બોલ્યો, “રમકડું કેમ નહીં ? જુઓ હમણાં ખભા પર મૂક્યો તો બંદૂક થઈ ગઈ. હાથમાં લીધો, ફકીરોનો ચીપિયો થઈ ગયો. ઇચ્છા થાય તો હું એનાથી મંજીરાનો અવાજ કાઢી શકું. એક ચીપિયો જોરથી લગાવું તો તમારાં સઘળાં રમકડાંનો જાન નીકળી જાય. તમારાં રમકડાં કેટલુંયે જોર કરે છતાં મારા ચીપિયાનો વાળ પણ વાંકો ન કરી શકે. આ ચીપિયો તો મારો બહાદુર શેર છે.”

સમ્મીએ ખંજરી ખરીદી હતી. એણે પ્રભાવિત થઈને પૂછ્યું, “મારી ખંજરી સાથે બદલીશ ? આ બે આનાની છે.”

હામિદે ખંજરી તરફ ઉપેક્ષાથી જોયું અને કહ્યું, “મારો ચીપિયો ઇચ્છે તો તારી ખંજરીનું પેટ ફાડી નાખે. બસ, એક ચામડાનું પડ લગાવી દીધું. એટલે એ ઢબ ઢબ બોલવા માંડી, પરંતુ જરા પણ પાણી અડી જાય તો ખેલ ખતમ થઈ જાય. મારો બહાદુર ચીપિયો, આગમાં, પાણીમાં, તૂફાનમાં બરાબર અડગ ઊભો રહે છે.”

ચીપિયાએ સૌને મોહિત કરી લીધા. પરંતુ હવે પૈસા કોની પાસે રહ્યા છે? ઉપરાંત હવે તેઓ મેળાથી દૂર નીકળી ગયા છે. ક્યારનાય નવ વાગી ગયા છે. તડકો વધી રહ્યો છે. ઘરે પહોંચવાની ઉતાવળ થઈ રહી છે. બાપ પાસે જિદ્દ કરે છતાં હવે ચીપિયો મળી શકે એમ નથી. હામિદ ભારે ચાલાક. આટલા માટે જ બદમાશે પૈસા સાચવી રાખ્યા હતા !

હવે બાળકોના બે પક્ષ થઈ ગયા. મોહસિન, મહમૂદ, સમ્મી અને નૂરે એક તરફ છે અને એકલો હામિદ બીજી તરફ, શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. સમ્મી તો વિધર્મી થઈ ગયો છે એ બીજા પક્ષમાં ભળી ગયો. પરંતુ મોહસિન, મહમૂદ અને નૂરે; હામિદથી એક એક બબ્બે સાલ મોટા હોવા છતાં હામિદના આઘાતોથી આતંકિત થઈ ગયા છે. એની પાસે ન્યાયનું બળ છે અને નીતિની શક્તિ છે. એક બાજુ માટી છે, બીજી બાજુ લોઢું છે, જે અત્યારે પોતાને પોલાદ કહી રહ્યું છે. એ અજેય છે અને ઘાતક પણ છે. જો ઓચિંતો વાઘ આવે તો મિયાં ભિસ્તીના છક્કા છૂટી જાય. મિયાં સિપાઈ માટીની બંદૂક મૂકીને ભાગી જાય. વકીલ સાહેબની નાની મરી જાય, તેઓ એમના ઝભ્ભામાં મોઢું છુપાવીને જમીન પર સૂઈ જાય. પરંતુ આ ચીપિયો, આ બહાદુર રુસ્તમે-હિંદ કૂદકો મારીને વાઘની ગરદન પર સવાર થઈ જાય અને એની આંખો કાઢી લે.

મોહસિને એડીથી ચોટી સુધીનું સઘળું બળ એકત્રિત કરીને કહ્યું, “પરંતુ તારો ચીપિયો પાણી તો નહીં ભરી શકે ને!”

હામિદે ચીપિયાને સીધો ઊભો રાખીને કહ્યું, “ભિસ્તીને એ એક ધમકી આપશે કે એ તુરત જ દોડીને પાણી લાવશે અને બારણા આગળ છાંટવા માંડશે.”

મોહસિન પરાજિત થયો પરંતુ મહમૂદ એની વહારે ધાયો અને કહ્યું, “પરંતુ એ બચ્ચો પકડાઈ જાય તો એ અદાલતમાં રઘવાયો થઇને ફરશે. ત્યારે વકીલ સાહેબને પગે પડશે.”

હામિદ આ પ્રબળ તર્કનો જવાબ આપી ન શક્યો, પરંતુ એણે પૂછ્યું, “અમને પકડવા કોણ આવશે ?”

નૂરાએ અકડીને કહ્યું, “આ બંદૂકવાળો સિપાઈ.”

હામિદે ચિઢાવવા જેવું મોઢું કરીને કહ્યું, “એ બિચારો, આ બહાદુર રુસ્તમે હિંદને પકડશે! અચ્છા લાવો, એ બંને વચ્ચે થોડી કુસ્તી થઈ જાય. એની સૂરત જોઇને એ દૂરથી જ ભાગવા માંડશે. એ બિચારો શું પકડે !”

મોહસિનને એક નવો પ્રહાર કરવાનું સૂઝયું. એણે કહ્યું, “તારા ચીપિયાનું મોઢું દરરોજ આગમાં દાઝશે.”

એને એમ લાગ્યું કે હામિદ નિરુત્તર થશે. પરંતુ એમ થયું નહીં. હામિદે તુરત જ જવાબ આપ્યો. “આગમાં તો બહાદુર જ કૂદી પડે છે. તમારા આ વકીલ, સિપાઈ અને ભિસ્તી, સ્ત્રીઓની માફક ઘરમાં ઘૂસી જશે. આગમાં કૂદવાનું તો એનું કામ છે, જે માત્ર આ રુસ્તમે હિંદ જ કરી શકે છે.” મહમૂદે એક વધારાનું બળ અજમાવ્યું અને કહ્યું, “વકીલ સાહેબ ખુરશી મેજ પર બેસશે, તમારો ચીપિયો તો રસોડામાં જમીન ઉપર ઊભો રહેશે.”

આ તર્કે સમ્મી અને નૂરાને પણ સજીવ કરી દીધાં. એમણે કહ્યું, “કેટલી યોગ્ય વાત કહી છે આ મહમૂદે! ચીપિયો રસોડામાં પડી રહ્યા સિવાય બીજું શું કરી શકે છે?”

હામિદને એવો કોઈ જોરદાર જવાબ સૂઝ્યો નહી એટલે એણે ધાંધલ શરૂ કરી દીધી. એણે કહ્યું, “મારો ચીપિયો રસોડામાં નહીં રહે, વકીલ સાહેબ ખુરશી પર બેસશે તો જઈને એમને જમીન પર પટકી દેશે અને એમના કાયદા એમના પેટમાં જ નાખી દેશે.”

એનું કોઈ પરિણામ તો ન આવ્યું, ગાલીગલોચ ઠીક ઠીક થઈ, પરંતુ કાનૂનને પેટમાં નાખવાની વાત છવાઈ ગઈ, એવી છવાઈ ગઈ કે ત્રણે શૂરવીરો દંગ થઈ ગયા. જાણે કે કોઈ અડધિયો પતંગ મોટા પતંગને કાપી ન ગયો હોય! કાનૂન એ મોઢામાંથી બહાર નીકળનારી ચીજ છે. એને પેટમાં અંદર નાખવાની વાત ભલે બેતુકી હોય છતાં એમાં નવીનતા તો છે જ. હામિદ મેદાન મારી ગયો. એનો ચીપિયો રુસ્તમે હિન્દ છે. હવે એમાં મોહસિન, મહમૂદ, નૂરે અને સમ્મી કોઈને આપત્તિ હોઈ શકતી નથી.

વિજેતાને પરાજિતો પાસેથી જે સત્કાર મળવો સ્વાભાવિક છે એ હામિદને મળ્યો. બીજાઓએ ત્રણ-ત્રણ; ચાર-ચાર આના ખર્ચ કર્યો, છતાં કોઈ કામની ચીજ લાવી શક્યાં નહીં. હામિદે માત્ર ત્રણ પૈસામાં જ રંગ જમાવી દીધો. એ પણ સાચું જ છે ને કે રમકડાંનો શો ભરોસો ? તે તો તૂટી-ફૂટી જશે પરંતુ ચીપિયો વર્ષો સુધી મજબૂત રહેશે.

સંધિની શરતો નક્કી થવા માંડી. મોહસિને કહ્યું, “જરા તું તારો ચીપિયો અમને આપ, અમે પણ એને જોઈએ. તું અમારો ભિસ્તી લઈને જોઈ લે.”

હામિદને આ શરતોમાં કંઈ વાંધો ન હતો. ચીપિયો એક પછી એક એમ સૌના હાથમાં ફર્યો અને એમનાં રમકડાં પણ એક પછી એક હામિદના હાથમાં આવ્યા. એણે કહ્યું, “કેવાં ખૂબસૂરત રમકડાં છે.”

હામિદે પરાજિતોનાં આંસુ લૂછ્યાં. એણે કહ્યું, “હું તો તમને ચિઢાવી રહ્યો હતો. ખરેખર! આ લોઢાનો ચીપિયો ભલા, આ રમકડાંની બરાબરી કરી શકે ? એમ લાગે છે કે રમકડાં હમણાં બોલશે, હમણાં બોલશે.”

પરંતુ મોહસિનના પક્ષને આ આશ્વાસનથી સંતોષ નહી થયો. ચીપિયાનો પ્રભાવ ઘણો જ જામી ગયો હતો. ચોંટાડેલી ટિકિટ હવે પાણીથી ઉખડતી નથી.

મોહસિન બોલ્યો, “પરંતુ આ રમકડાં માટે અમને કોઈ દુવા તો નહીં આપે ને ?”

મહમૂદ બોલ્યો, “દુવાની શી વાત કરો છો ? ઊલટો માર ન પડે એ જોવાનું છે. અમ્મા જરૂર કહેશે કે મેળામાં તમને માટીનાં જ રમકડાં મળ્યાં ?”

હામિદે એ સ્વીકાર કરવો પડ્યો કે જેટલી એની દાદી ચીપિયાને જોઈને ખુશ થશે, એટલી કોઈની મા રમકડાં જોઈને ખુશ થશે નહીં. ત્રણ પૈસામાં તો એને સઘળું કરવું હતું અને એ પૈસાઓના આવા ઉપયોગ માટે એણે પસ્તાવો કરવાની બિલકુલ જરૂરત ન હતી. ઉપરાંત હવે તો એનો ચીપિયો રુસ્તમે-હિન્દ છે અને સર્વે રમકડાંનો બાદશાહ છે.

રસ્તામાં મહમૂદને ભૂખ લાગી. એના બાપે એને કેળાં ખાવા આપ્યાં. મહમૂદે માત્ર હામિદને જ એ ખાવામાં સાથી બનાવ્યો. એના અન્ય મિત્રો તો માત્ર નિરાશ થઈ જોઈ રહ્યા. આ એ ચીપિયાનો પ્રસાદ હતો.

(3)

અગિયાર વાગે સમગ્ર ગામમાં હલચલ મચી ગઈ. મેળાવાળા આવી ગયા. મોહસિનની નાની બહેને દોડીને એના હાથમાંથી ભિસ્તી છીનવી લીધો અને ખુશીમાં ને ખુશીમાં એવી ઊછળી કે મિયાં ભિસ્તી નીચે પટકાયા અને સ્વર્ગલોકમાં સીધાવી ગયા. આ માટે ભાઈ બહેન વચ્ચે મારામારી થઈ ગઈ અને બંને ખૂબ રડ્યાં. એમની અમ્મા આ શોરબકોર સાંભળીને ગુસ્સે થઈ અને ઉપરથી બંનેને બબ્બે થપ્પડો લગાવી દીધી.

મિયાં નૂરાના વકીલનો અંત એમની પ્રતિષ્ઠાને અનુકૂળ રીતે વિશેષ ગૌરવમય રીતે થયો. વકીલ જમીન પર કે ગોખલામાં તો નથી બેસી શકતા. એમની મર્યાદાનો તો વિચાર કરવો પડે ને? દીવાલ પર બે ખૂંટીઓ લગાવવામાં આવી, એના પર લાકડાનું એક પાટિયું રાખવામાં આવ્યું. પાટિયા પર કાગળનો ગાલીચો બિછાવવામાં આવ્યો. વકીલ સાહેબ રાજા ભોજની માફક સિંહાસન પર બિરાજ્યા. નૂરાએ એમને પંખો નાખવા માંડ્યો. અદાલતોમાં ખસની ટટ્ટીઓ અને વીજળીના પંખા હોય છે. શું અહીં મામૂલી પંખો પણ ન હોય ! કાનૂનની ગરમી મગજ પર ચઢી જાય કે નહીં ? વાંસનો પંખો આવ્યો અને નૂરો હવા નાખવા માંડ્યો. માલૂમ પડ્યું નહીં કે પંખાની હવાથી કે પંખાના પ્રહારથી વકીલ સાહેબ સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ગયા અને એમનો માટીનો ઝભ્ભો માટીમાં મળી ગયો. પછી ભારે જોરશોરથી એમનો શોક મનાવવામાં આવ્યો અને કચરાના ઢગલામાં વકીલ સાહેબનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું.

હવે રહ્યો મહમૂદનો સિપાઈ-એને ગામનો પહેરો ભરવાનો ઝટપટ ચાર્જ મળી ગયો, પરંતુ પોલીસનો સિપાઈ કોઈ સાધારણ માણસ તો હતો નહીં, જે પગે ચાલે ! એ પાલખીમાં જશે. એક છાબડી લાવવામાં આવી, એમાં લાલ રંગનાં કેટલાંક ફાટેલાં ચીંથરાં બિછાવવામાં આવ્યાં જેમાં સિપાઈ સાહેબ આરામથી સૂઈ રહ્યા. મહમૂદે એ છાબડી ઉઠાવી અને દરવાજા સુધી ચક્કર લગાવવા માંડયો. એના બંને નાના ભાઈ સિપાઈના બદલે “સોનેવાલે જાગતે રહો,” એમ પોકારવા માંડયા ને ચાલવા લાગ્યા. પરંતુ રાત અંધારી જ હોવી જોઈએ. મહમૂદને ઠોકર લાગી, છાબડી એના હાથમાંથી છૂટી ગઈ અને નીચે પડી ગઈ. અને મિયાં સિપાઈ એમની બંદૂક લઈ ને જમીન પર પડી જાય છે અને એમની એક ટાંગ તૂટી જાય છે. મહમૂદને આજે સમજાયું કે એ સારો ડોક્ટર છે. એને એવો મલમ મળ્યો છે કે જેનાથી એ તૂટેલી ટાંગને ગમે તેમ કરીને બેસાડી દે છે. માત્ર થોરનું દૂધ જોઇ એ, થોરનું દૂધ લાવવામાં આવે છે અને ટાંગ બેસાડી દેવામાં આવે છે. પરંતુ જેવા સિપાઈને ઊભો રાખવામાં આવે છે એવી જ એની ટાંગ નીકળી જાય છે. શસ્ત્રક્રિયા સફળ ન થઈ એટલે એની બીજી ટાંગ પણ તોડી નાખવામાં આવે છે. હવે ઓછામાં ઓછું એ એક જગાએ આરામથી બેસશે તો ખરો. એક ટાંગથી તો ન એ ચાલી શકતો હતો, ન એ બેસી શકતો હતો. હવે એ સિપાઈ સંન્યાસી થઈ ગયો છે. પોતાની જગાએ બેઠા બેઠા પહેરો ભરી રહ્યો છે. ક્યારેક ક્યારેક એ દેવ પણ બની જાય છે, એના માથા પરનો ઝાલરવાળો સાફો ઘસી નાખવામાં આવ્યો છે. હવે એનું જેવું રૂપાંતર કરવા ઇચ્છે એવું કરી શકો છે. ક્યારેક ક્યારેક એનાથી તોલાનું-બાટનું કામ પણ લઈ શકાય છે.

હવે મિયાં હામિદના હાલ સાંભળો. અમીના એનો અવાજ સાંભળતાં જ દોડી અને એને ખોળામાં લઈને વહાલ કરવા માંડી. સહસા એણે એના હાથમાં ચીપિયો જોયો અને એ ચોંકી ઊઠી.

“આ ચીપિયો ક્યાં હતો ?”

“મેં ખરીદીને લીધો છે.”

“કેટલા પૈસામાં ?”

“ત્રણ પૈસા આપ્યા.”

અમીનાએ છાતી પીટી, “આ કેવો બેસમજ છોકરો છે, કે જેણે બે પહોર થયા છતાં કંઈ ખાધું પીધું નથી, અને લાવ્યો શું ? આ ચીપિયો ! આખા મેળામાં તને બીજી કોઈ ચીજ ન મળી કે તું આ લોઢાનો ચીપિયો ઉપાડી લાવ્યો ?”

હામિદે અપરાધી ભાવથી કહ્યું, “તમારી આંગળીઓ તવાથી દાઝી જતી હતી એટલે મેં એને ખરીદી લીધો.”

વૃદ્ધા અમીનાનો ક્રોધ તુરત જ સ્નેહમાં બદલાઈ ગયો. અને સ્નેહ પણ એવો નહીં જે પ્રગલ્ભ હોય છે અને પોતાની સઘળી વેદના શબ્દોમાં વિખેરી દે છે. આ મૂક સ્નેહ હતો. ખૂબ સ્વસ્થ, રસ અને સ્વાદથી ભરેલો. આ બાળકમાં કેટલો ત્યાગ, કેટલો સદ્ભાવ અને કેટલો વિવેક છે. બીજાઓને રમકડાં લેતાં જોઈને અને મીઠાઈ ખાતા જોઈને એનું મન કેટલું લલચાયું હશે. આટલો સંયમ એ કેવી રીતે રાખી શક્યો ? ત્યાં પણ એને એની વૃદ્ધા દાદીની યાદ ભુલાઈ નહીં. અમીનાનું મન ગદ્ગદ થઈ ગયું.

અને હવે એક ભારે વિચિત્ર વાત થઈ. હામિદના આ ચીપિયાથી પણ વિચિત્ર. બચ્ચા હામિદે વૃદ્ધ હામિદનો પાર્ટ ભજવ્યો હતો. વૃદ્ધા અમીના બાલિકા અમીના બની ગઈ. એ રોવા લાગી. એ પોતાનો પાલવ ફેલાવીને હામિદને દુવાઓ આપી રહી હતી અને આંસુનાં મોટાં મોટાં બિંદુઓ પાડતી હતી. શું હામિદ એનું રહસ્ય સમજતો હતો !!

(અનુ. પ્રો. શૈલેન્દ્ર ઠાકુર)

સ્રોત

  • પુસ્તક : માનસરોવર ભાગ - 1 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : પ્રો. શૈલેન્દ્ર ઠાકુર
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1988