હિરેન દેસાઈ
Hiren Desai
ડૉરબેલ વાગ્યો. હું ઝબકીને સોફા પરથી બેઠો થઈ ગયો. એ કોઈ સ્વપ્ન નહોતું. મને દિવાસ્વપ્નો આવતાં નથી. દૃષ્ટિને આવવામાં હજુ વાર હતી. આંખો ચોળતાં ચોળતાં મેં બગાસું ખાધું. ડૉરબેલ ફરી વાગ્યો. મેં આળસ મરડી. વારંવાર વાગ્યો એટલે મારી સભાનતામાં ભરતી આવી. આંખોમાંથી ઊંઘ ઊડાડીને હું ઝપાટાબંધ દરવાજા પાસે પહોંચી ગયો.
“આજે તું વહેલી આવી ગઈ?” દરવાજે દૃષ્ટિને જોઈને મેં ન પૂછવાનો સવાલ પૂછ્યો.
“વહેલી…!” મારા આશ્રર્યને એણે પોતાનું બનાવી લીધું.
દૃષ્ટિની આંખો સોજેલી હતી. પોતે હાંફતી હતી અને શરીરમાં બેહદ થાક ભરાયેલો હોય એવું તેની લથડતી ચાલ પરથી સ્પષ્ટ વરતાતું હતું. હૅન્ડ-બૅગને ટેબલના ખાનામાં રાખીને શ્વાસ હેઠો બેસાડવા એણે સોફા પર શરીરને પડતું મૂક્યું. હું કંઈક વિચારતો, યાદ કરતો ભાવશૂન્ય ઊભો રહ્યો. દૂધની થેલી લાવીને મેં પ્લેટફોર્મ પર રાખી મૂકેલી. સાંજે ભજીયા બનાવવાના હોવાથી ચણાનો લોટ પણ લાવવાનો હતો. સોસાયટીની બહાર ઊભા રહેતા શાકભાજીવાળા પાસેથી વીસ રૂપિયાની કોથમી, કિલો બટાટા, પાંચસો ગ્રામ ટામેટાં અને મરચાં લાવીને ધોઈ નાખવાનાં હતાં. હા, લિસ્ટમાં બસ આટલું જ હતું. મેં ફોનમાં તપાસી જોયું.
“તું બધું લઈ આવ્યો?” દૃષ્ટિએ થાકેલાં અવાજે પૂછ્યું.
મેં ધીમેથી હા પાડી. હજુપણ હું ફોનમાં કંઈક ફંફોસવામાં નિગ્મન હતો.
“શાકભાજી ધોઈ નાખ્યું?”
“હા, ધોઈ નાખ્યું.”
“ફિલ્ટરના પાણીએથી?”
“ફિલ્ટરનું પાણી?” મને બરાબર યાદ નહોતું. મેં કદાચ નળના પાણીમાં શાકભાજી ધોયેલું કાં તો ફિલ્ટરના પાણીએથી ધોયું હોય એવુંય બની શકે. પણ મને કેમ યાદ નથી? ફોનની સ્ક્રીન પરથી માથું ઊંચકીને મેં દૃષ્ટિ સામે જોયું. હું જરા વિહ્વળ બની ગયો. આટલી સામાન્ય મૅટર પણ કેમ મને ભૂલાઈ જાય છે?
“વૉટ હૅપન્ડ?”
દૃષ્ટિના સવાલનો મારી પાસે કોઈ જવાબ નહોતો. “હું બહુ શ્યૉર નથી, કદાચ મેં નળનું પાણી વાપરેલું.”
મારો જવાબ સાંભળીને દૃષ્ટિ હમણાં ગુસ્સે ભરાશે; મને મારી જવાબદારીઓથી સતેજ કરશે – ડૂ યૂ નો, ઑફિસમાં કેટલું બધું કામ હોય છે?! સવારથી લઈને અત્યાર સુધી શ્વાસ લેવાનોય ટાઇમ મળતો નથી. હું ખરેખર થાકી જાઉં છું. સાવ લોથપોથ થઈ જાઉં છું. સાંજે ઘરકામમાં થોડી હૅલ્પ થઈ જાય એટલે હું જતી વખતે તને નાનાં નાનાં કામો સોંપતી જાઉં છું, પણ તું એય બરાબર કરતો નથી. તારું ધ્યાન ક્યાં હોય છે એ જ મને સમજાતું નથી…? બાય ધ વે, આખો દિવસ તું ઘરમાં કરે છે શું? કોઈ કામ શોધ્યું કે નહિ? કોઈનો કૉન્ટેક્ટ કર્યો કે નહિ? કોઈને મળ્યો કે નહિ? હમણાં મહિનો થઈ જશે. આ વખતે આખા ઘરનો ખર્ચો મારે જ ઊઠાવવો પડશે. લાઇટ બિલેય મારે ભરવાનું; ઘરનું રૅન્ટ પણ મારે ભરવાનું…બધો જ ભાર મારે ઉઠાવવાનો…
આઇ ઍક્સેપ્ટ ઇટ ઍન્ડ આઇ એમ ટ્રાયિંગ માય બેસ્ટ – હું ગણગણ્યો. પરંતુ આ શું? ચિત્તમાં સાનંદાશ્રર્ય ઊપજ્યું. તેના ચહેરા ઉપર આવેશને બદલે શાંતિની લકીરો ખેંચાયેલી હતી. તોફાનના ગયા પછી ખામોશી ધારણ કરીને બેઠેલો ધીરગંભીર સમુદ્ર જ જાણે જોઈ લ્યો! મારી ઉપર લાવારસ ઠાલવવાનું આજે તે ભૂલી ગઈ કે શું? રિયલી? ના, ના, હમણાં કંઈક બોલશે. છેલ્લે કંઈ નહીં તો વકાસેલું મોઢું લઈને રૂમમાં જતી રહેશે. થોડી વસ્તુઓ જોરથી પછાડશે. થોડા અપશબ્દો પણ ઉચ્ચારશે અને રૂમનું બારણું ‘ધડીંગ…’ એવા અવાજ સાથે અફળાવીને સાત વાગ્યા સુધી સૂઈ જશે. ઊઠીને રસોઈ બનાવવાના કામમાં પરોવાઈ જશે. મૂડ સરખો નહિ હોય તો જાતે જ બનાવશે, નહીંતર મને થોડીઘણી મદદ કરવાનું કહેશે. હું મારાથી બનતી મદદ કરીશ. પછી ડાઇનિંગ ટેબર પર બેસીને અમે નિરાંતે ફોનમાં કંઈક જોતાં જોતાં ડીનર માણીશું. જમવાનું પતાવીને નીચે સોસાયટીના ગાર્ડનમાં ટહેલવા માટે જઈશું. એ એના કામની થોડી વાતો કરશે, થોડી આડાઅવળી વાતો અને હું મોટેભાગે ચૂપચાપ ચાલતો રહીશ. આવીને બીજાં થોડાં પરચૂરણ કામો અને પછી…
બહુ દૂર નીકળી ગયો હોવાથી હું અટક્યો. મારી વિચારમાળા તૂટી. દૃષ્ટિની આંખો બંધ હતી. પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરો સાવ ફિક્કો પડી ગયેલો. એ જોઈને ફર્શ પર ચોટી ગયેલા મારા પગ ઊખડ્યા; જાણે વર્ષો સુધી મનની આડશે જામેલું જાળું ઊખડ્યું. તેની નજીક બેસીને મેં એનું માથું તપાસ્યું; હાથ તપાસ્યા. શરીર ધગતું હતું. નાકમાંથી હૂંફાળો શ્વાસ બહાર નીકળી રહ્યો હતો. મારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.
“દૃષ્ટિ…દૃ...ષ્ટિ…” શબ્દો ઠરડાઈ ગયા.
“હં…” એ બોલી શકવાની સ્થિતિમાં નહોતી.
સવારે ઘરેથી નીકળી ત્યારે તો બિલકુલ ઠીક હતી…! તો પછી અચાનક વળી શું થઈ ગયું? ડરે મને બરાબરનો ભીંસમાં લીધો. હું બાવડું ઝાલીને દૃષ્ટિને બેડરૂમમાં લઈ ગયો. બરાબર સુવડાવીને શાલ ઓઢાડી. માથામાં ખોસેલી પિન કાઢીને વાળ ખૂલ્લા કર્યા અને પછી કપાળ પર હાથ ફેરવતો હું એની બાજુમાં બેઠો.
દૃષ્ટિ સાચું જ કહેતી હતી. આખો દિવસ ઘરમાં પુરાઈને હું કરું છું શું? છેલ્લા એક મહિનામાં થોડાં આર્ટિકલો લખ્યા, જે ક્યાંય છપાય એમ નથી. પ્રૂફરીડિંગનું કામ પણ મળતું નથી. એક સૅલ્ફ-પબ્લિશિંગ કંપનીએ એડિટિંગ માટે પુસ્તકનો જે નમૂનો મોકલેલો, એનું એડિટિંગ કરવાની પણ મેં ના ભણી દીધી. કન્ટેન્ટ સાથે મારે વળી શું લેવાદેવા? જેવું હોય તેવું… મારે તો એમાં સુધારાવધારા કરીને થોડા પૈસા કમાવાના હતા. દૃષ્ટિના દૃષ્ટિકોણથી કેમ હું વિચારતો નથી? કેમ એની કફોડી સ્થિતિ તરફ હું આંખ આડા કાન કરું છું? આખો દિવસ ઑફિસનું કામ અને પછી ઘરકામ. ઘરકામમાં પણ હું એની ક્યાં એવી કોઈ ખાસ મદદ કરું છું…!
દૃષ્ટિનો સ્વભાવ હમણાં ચીડિયો થઈ ગયો છે. મનોમન ઘણીવખત હું એવું વિચારતો પણ એને જણાવવામાં ખચકાટ અનુભવતો. રખેને એ વધારે ગુસ્સો કરે તો… ગુસ્સો? થોડા મોટા અવાજે કોઈ તમને હકીકતનું, તમારી જવાબદારીઓનું કે પછી વેડફાતા સમયનું ભાન કરાવે તો શું એને ગુસ્સો કહેવાય? ના, ના, તો પછી? મારો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. પંખો ચાલુ કરવાના વિચારને તો ક્યારનો મનમાં જ હણી નાખ્યો હતો. જ્યાં સુધી દૃષ્ટિના શરીરની રૂંવાટી ઊભી રહેવાની હતી ત્યાં સુધી મારી વ્યાકુળતા હેઠે બેસે તેમ નહોતી. હું એનું માથું દાબવા લાગ્યો.
“મને… મારે થોડીવાર સૂવું છે…”
“હા, દિકુ! તું સૂતી જ છે. થાકને કારણે બસ ખાલી નોર્મલ તાવ ભરાયો છે.” હું સહસા ડૉક્ટર બની ગયો.
“તું કિચનમાં જઈને બધું સુધારવાનું ચાલુ કર. હું હમણાં આવું છું. આવું જ છું. જા…”
“ના, હું અહીં બેઠો છું. તારી પાસે.”
“અહીં શું છે…”
“અરે!”
“તું જાય છે કે નહિ..?” દૃષ્ટિનો અવાજ સહેજ ભારે થયો. નાકનું ટીચકું લાલ થયું.
જો હું અહીંથી જઈશ નહિ તો તો તેં ખરેખર ગુસ્સે ભરાશે. ઊભો થઈને હું રૂમના દરવાજા પાસે પહોંચ્યો; અટક્યો. પાછળ ફરીને દૃષ્ટિ સામે જોયું. મારે એને ‘સૉરી’ કહેવું જોઈએ. અલબત્ત, થોડી સ્વસ્થ થાય પછી વાત કરવાનું મને ઉચિત જણાયું.
રસોડામાં હું પ્રવેશ્યો તો ખરો, પણ કામમાં મારું મન પરોવાતું નહોતું. જે હાથ અત્યારે દૃષ્ટિના મુલાયમ ચહેરા પર ફરતો હોવો જોઈએ તે હાથમાં ચાકુ હતું અને જે આંખો દૃષ્ટિની આંખોને તાકતી હોવી જોઈએ તે અત્યારે ધોયેલી મેથી ઉપર સ્થિર હતી. ઘડીયાળના કાંટાનો ટકટક અવાજ કાનમાં હવે ખૂંચવા લાગ્યો હતો. ચોતરફ સન્નાટો. ખબર નહિ કેમ આવી ભયંકર શાંતિમાં પણ એના જાગવાનો, જાગીને બેઠા થવાનો કે પછી અહીં સુધી પહોંચવામાં ભરેલાં ડગલાંનો અવાજ સાંભળવામાં હું તદ્દન બેધ્યાન બની ગયો.
ઝાડ ફરતે વેલ વીંટળાઈ હોય એમ એના બંને હાથ મારા ગળાની ફરતે વીંટળાઈ ગયા. માથું જમણા ખભા પર ઢળી પડ્યું. સૂકાંભટ જીવનમાં થોડો રોમાંચ ઠાલવવાના ઇરાદાથી અમારા બંનેના ઉચ્છ્વાસે ભેગા થઈને ગૅસના તાપ સાથે જાણે દ્વંદ્વ યુદ્ધ છેડ્યું. હું એકદમ સ્થિર બનીને ઊભો રહ્યો. આસપાસની તમામ ગતિવિધીઓ અટકી પડી હતી. હજુ કોઈ પ્રતિક્રિતા આપું ન આપું એ પહેલાં તો એક મધુર, હૂંફાળો અવાજ કાનમાંથી અંદર પ્રવેશી, દોડતો, નાચતો, કૂદતો હૃદયની બંધ બારીઓ ખોલીને ફરી ખળભળાટ મચાવતો, માલીપાને એકાંતને ઢંઢોળતો નસેનસમાં ભળી ગયો. “આઇ એમ સૉરી, લવ!”
સાથે જ આંસુનું ટીપું દૃષ્ટિના ગાલેથી દડતું દડતું મારા ખભે તો બીજું એક ટીપું ધોયેલી મેથીના પાણીમાં ખારાશ ઉમેરવા ડૂબી ગયું.
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ (પૃષ્ઠ ક્રમાંક 121)
- સંપાદક : દિપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યાભવન
- વર્ષ : 2023
