સ્નેહરશ્મિ
Snehrashmi
રેખા મારાથી ચાર વર્ષે મોટી હતી, પણ નાનપણથી અમ ભાઈ-બહેન વચ્ચે વયનું જાણે કશું અંતર ન હોય એમ અમે બંને એકબીજા સાથે વર્તતાં. તેનો બાંધો અત્યંત નાજુક હતો. તેની નાનકડી હથેળી ને ફૂલની પાંદડીઓ જેવી તેની કોમળ આંગળીઓ જગતમાં મને અજોડ લાગતાં. તેની વિશાળ આંખો ને તે આંખો ઉપરની ભરેલી ભમ્મરોનું સૌંદર્ય અનવદ્ય હતું. પરીઓની મારી કલ્પના એટલે પાંખોવાળી રેખા-એવી સુંદર, એવી નાજુક, એવી સુદર્શના મારી બહેન રેખા હતી.
અને જેવો અગાધ મારો તેની ઉપરનો પ્રેમ હતો તેવું જ અખૂટ વહાલ તે મારી ઉપર વરસાવતી. જીવનભર અમે કદી એકબીજાથી વિખૂટાં નહિ પડીએ એવા અન્યોન્યને અમે કંઈ કેટકેટલી વાર ગંભીરતાથી કોલ આપ્યા હતા! અમારી મુગ્ધતાનાં એ વર્ષોનાં સ્મરણો કેટલાં બધાં મીઠાં છે!
અને એ પછી વર્ષો વીત્યાં. રેખા અઢાર-ઓગણીસની થઈ અને હું ચૌદ-પંદરનો થયો. અમારા બંનેની સૃષ્ટિઓ વધુ વિસ્તૃત બની. અનેક નવા સંબંધો અમારે થયા-પણ રેખાના દરેક મિત્રના હલનચલન પર હું સતત બારીક નજર રાખતો રહેતો. એની બહેનપણીઓ સાથે એને કલ્લોલ કરતી જોતાં અનેક વાર મીઠી ઈર્ષ્યા મારા મનમાં જન્મતી. કોઈ કોઈ વાર હું ફરિયાદ પણ કરતો કે મારા કરતાં બહેનપણીઓનો સાથ તેને વધુ ગમે છે, ત્યારે મીઠું સ્મિત કરતી મારા ગાલ પર ટપલી લગાવતી તે મને કોઈ વાર વધુ ચીડવતી તો કોઈ વાર વહાલથી તરબોળ કરી દેતી.
પણ રેખાના મિત્રસમૂહમાં જ્યારે કોઈ કોઈ યુવકો પણ ભળવા માંડ્યા ત્યારે મારી ઈર્ષ્યા છુપાવવાનું મારે માટે લગભગ અશક્ય જેવું બન્યું. પરંતુ અગાઉની જેમ ફરિયાદ નોંધાવવાને બદલે મારા મનની વાત હું મનમાં જ રાખવા માંડ્યો. રેખાના એ બધા મિત્રોમાં મયંક માટેનો તેનો પક્ષપાત દેખીતો હતો. એમાં બા તથા બાપુજીનો પણ તેને સાથ હતો. એથી હું અકળાતો, પણ મારી અસહાયતા મને સ્પષ્ટ રીતે સમજાતી. એથી મયંક સામેનો મારો રોષ હું રેખા ઉપર ઠાલવતો. બહુ કુશળતાથી તેના સ્વભાવની એક નબળાઈનો હું લાભ લેતો. તે ભૂલકણી હતી એવી તેના મનમાં ગ્રંથિ બંધાઈ હતી-જો કે એ કેવળ તેનો વહેમ જ હતો, પણ હું એની ગ્રંથિનો લાભ લઈ મયંકની કોઈ ચોપડી કે નોટ એની પાસે આવી હોય તો તે હું આડીઅવળી કરી દેતો. તેને ખોળંખોળા કરતી જોતાં-અને એમાં નિષ્ફળતા મળતાં અકળાતી જોતાં-મનમાં ને મનમાં હું ખૂબ મલકાતો. વચ્ચે વચ્ચે હું તેને ચીડવી પણ લેતો ને તેના ભૂલકણા સ્વભાવને ધન્યવાદ આપતો અને આમ તેને પૂરી થકવી તે ન જાણે તેમ તેના ઓશિકા હેઠળ કે રેડિયોની આડમાં એ નોટ કે ચોપડી હું મૂકી દેતો. કોઈ વાર બા તો કોઈ વાર અમારી કામ કરનારી લલી તેને તે શોધી આપતાં, અને તે પણ તેને ભૂલકણીનો ઇલકાબ આપવાનું ચૂકતાં નહિ. હું તો એ બધી રમતમાં અજાણ્યાની જેમ કેવળ દ્રષ્ટા જ રહેતો. એકાદ વાર પણ એની ખોવાયેલી વસ્તુ શોધી આપી કદાચ મેં તો એ ગુમ કરી દીધી ન હોય એવી શંકા માટેનો કશો અવકાશ જ હું રહેવા દેતો નહિ.
પણ મારાં આ અળવીતરાં મને કામ ન લાગ્યાં. મયંક સાથેનો રેખાનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. મારા તરફનો એનો ભાવ પહેલાં જેવો જ હતો, પણ મારા તરફના તેના વલણમાં પહેલાના સાથીભાવની જગ્યાએ મોટી બહેનનો ભાવ હતો. હું હજી બાળક છું એવા વડીલભાવભર્યું તેનું મારા તરફનું વલણ બનતું જતું હતું અને એ મને ખૂંચતું.
મારી પાસેથી મારી રેખાને કોઈ છીનવી લઈ જાય છે એવી વેદનાભરી પ્રતીતિ દિવસ-રાત મને સતાવવા માંડી. રેખા પોતાનાં દિવાસ્વપ્નોમાં એવી તો મગ્ન હતી કે મારા મનની પ્રક્રિયાઓ તરફ તેનું ધ્યાન ન હતું. એ પણ મને ખૂંચતું. જો પરિસ્થિતિની ચોખવટ કરવા તે થોડોઘણો પણ પ્રયત્ન કરત તોપણ હું કંઈક આશ્વાસન પામત, પણ એવા કશા જ પ્રયત્ન તેણે ન કર્યા. રેખા એક દિવસ કોઈક અન્યની થશે એ ન ગમતા વિચારને મેં મહાપરાણે મારા મનમાં સ્વીકારી લીધો હતો-પણ તે સામે મારી પોતાની રીતે લડી લેવાની ઊર્મિને ખાળવા હું અસમર્થ હતો. આથી મયંક સાથેના એના વધતા જતા સંબંધ ઉપર હું વધુ ને વધુ બારીક નજર રાખતો થયો.
મારે કબૂલ કરવું જોઈએ કે મયંક મને પણ ગમતો હતો. તેની ઉદારતા, તેની ખાનદાની, તેની બુદ્ધિમત્તા, તેજસ્વિતા, નમ્રતા ને તેનું પ્રતિભાભર્યું વ્યક્તિત્વ કોઈને પણ મુગ્ધ કરે એવાં હતાં, પણ એથીય વધુ તો મારા માટેનો તેનો ભાવ, અને મારી અવળચંડાઈ છતાં મારી સાથેનો હમેશનો હસમુખો તેનો વર્તાવ, એ બધાંથી હું પણ રેખાની જેમ જ તેની ઉપર મુગ્ધ હતો. પણ રેખા ઉપરના મારા હકમાં કોઈ ભાગ પડાવે કે મારો એ હક કોઈ છીનવી લે એ વિચાર જ મને અસહ્ય હતો, અને એથી મયંક તરફનું મારું વર્તન કંઈક અતડાઈભર્યું રહેતું.
એક વાર રેખા અને મયંક કંઈક વાતચીત કરતાં બેઠાં હતાં. વાત કોઈ ખાસ મુદ્દાની આસપાસ ગૂંથાયેલી ન હતી. હું એ ઓરડામાં દાખલ થયો છું એનો એ બંનેમાંથી કોઈનેય ખ્યાલ ન હતો, ને એમની હાજરીની નોંધ મેં લીધી નથી એ રીતે હું પણ ચોપડીઓના ઘોડા ઉપરથી એક પછી એક ચોપડી ઉતારી તેમાં નજર નાખવાનો ડોળ કરતો હતો-પણ મારા કાન એ બંનેની વાતચીત ઉપર હતા. વાતચીત સ્ત્રીઓનાં ઘરેણાં તરફ વળી. રેખા બોલતી હતી:
“સ્ત્રીઓની નબળાઈ ઘરેણાં કે વસ્ત્રો લેખાય છે, પણ મને એમાં અતિશયોક્તિ જ લાગે છે.”
“તો તું સ્ત્રીઓમાં અપવાદ લેખાય!” હસી પડતાં મયંક બોલ્યો.
“ના, એમ તો ઘરેણાં ને વસ્ત્ર મને પણ ગમે છે, પણ એને ખાતર હું ઝૂરું નહિ. સાદાં ને સ્વચ્છ વસ્ત્ર હોય તો હું અસંતુષ્ટ નહિ રહું-”
“ને ઘરેણાં?” મયંકે પૂછ્યું.
“ઘરેણાં?” રેખાએ સામે પ્રશ્ન પૂછ્યો અને પછી બોલી, “કઈ સ્ત્રીને ઘરેણાં ન ગમે? પણ-”
રેખાનો ઉત્તર સાંભળવા હું અધીરો બન્યો. એનો શોખ હું જાણતો હતો. કાનનાં જાતજાતનાં લટકણિયાંઓ તેને ખૂબ જ ગમતાં. નવાં નવાં લટકણિયાં વસાવતાં એ કદી ધરાતી નહિ-અને મારી માન્યતા સાચી પડી. તે બોલી :
“હીરાનાં લટકણિયાં આગળ મને બીજાં ઘરેણાં ઝાંખાં લાગે.”
“હં!” રેખાના કાનની સુંદર નાજુક લારી સાથે રમત કરતો મયંક સસ્મિત બોલ્યો : “આની અપૂર્વ સુંદરતા જેના ધ્યાનમાં આવી ગઈ હોય તે તારી પસંદગીનું મૂલ્ય સમજ્યા વિના કેમ રહી શકે!” અને એમ કહેતાં તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી દાબડી કાઢી રેખાના હાથમાં મૂકી દીધી. અધીરાઈ અને મુગ્ધતાથી રેખાએ દાબડી ઉઘાડી અને એના હાથમાં હીરાનાં બે સુંદર લટકણિયાં ઝળહળી ઊઠ્યાં. અપૂર્વ આનંદની ચમક એની આંખમાં મલકી ઊઠી ને ન વર્ણવાય એવું એક અભૂતપૂર્વ સંવેદન મારા હૈયાને સ્પર્શી ગયું. હળવે પગલે હું ઓરડાની બહાર નીકળી ગયો ને એ બંનેને ચા માટે બોલાવતો બાનો મીઠો સાદ રસોડામાંથી સંભળાયો.
વાત અધૂરી મૂકી એ બંને ચા પીવા ગયાં ને એમની પીઠ ફરતાં જ હું છાનોમાનો ઓરડામાં ફરીથી દાખલ થયો. પેલાં લટકણિયાં ત્યાં જ હતાં! મેં તો ઝડપી લીધાં અને ત્યાં જ એક જગ્યાએ તેને સંતાડી દઈ હું ઘરની બહાર નીકળી ગયો. પણ મને કંઈ ચેન પડ્યું નહિ. કંઈક ન કરવા જેવું હું કરી બેઠો છું એવી એક પાપભીરુ લાગણી મને સતાવવા માંડી, પણ તે સાથે મનમાં હું હસી પણ રહ્યો કે છે બે કલાક બંને હેરાન થતાં. મારી હંમેશની રીત મુજબ સાંજે તો તેમને એ લટકણિયાં પાછાં મળી જ જવાનાં છે ને!
રેખાને હેરાન કરવાની આજે અનન્ય તક લીધી છે એ વિચાર પછી મારા મનમાં અગ્રસ્થાને રહ્યો ને તેને ખોળખોળા કરતી જોવા અધીરો બનેલો હું જ્યારે બેએક કલાક બાદ ઘેર પાછો આવ્યો ત્યારે એ બંનેમાંથી કોઈને મેં ત્યાં જોયાં નહિ એટલે મને સહેજ નવાઈ લાગી. ઘરનું વાતાવરણ પણ, કશું અસાધારણ બન્યું ન હોય એવું, રોજના જેવું સ્વાભાવિક અને શાંત હતું. બાને પૂછતાં ખબર પડી કે બંને બગીચામાં ફરવા ગયાં છે અને મયંક આજે રાતે અહીં જ જમવાનો છે. બા પાસેથી આ સમાચાર મેળવી લટકણિયાં સહીસલામત છે કે કેમ તે જોવા, જે ઓરડામાં મેં એ સંતાડ્યાં હતાં તેમાં હું અધીરાઈથી દાખલ થયો. પણ જ્યાં મેં લટકણિયાં સંતાડ્યાં હતાં ત્યાં તેને ન જોતાં હું આભો બન્યો. ઉતાવળમાં મેં બીજી કોઈ જગ્યાએ સંતાડ્યાં હશે એવો મને ભ્રમ થયો અને બીજી બે-ત્રણ જગ્યાએ મેં ખોળખોળા કરી મૂકી. મારો એ ભ્રમ ધીરે ધીરે દ્રઢ પ્રતીતિરૂપ બની ગયો. અવળે હાથે મારાથી કંઈક ગફલત થઈ ગઈ છે, એ વિશે મારા મનમાં શંકા રહી નહીં. અને જ્યારે રેખા અને મયંક ફરીને પાછાં આવ્યાં ત્યારે મારા મનમાં જે રહીસહી શંકા હતી તે પણ દૂર થઈ ગઈ. પણ એ બંનેમાંથી લટકણિયાં અંગે કોઈને પણ અસ્વસ્થ ન જોતાં મારી મૂંઝવણ અનેકગણી વધી ગઈ. પછી તો મને એ પણ શંકા થવા લાગી કે આ આખી ઘટના મારા મનનો કોઈ એક મોટો ભ્રમ જ હશે-અને આવું કશું બન્યું જ નહિ હોય. આપણા જ્ઞાનતંતુઓ કોઈ વાર આપણને કેવો દગો દે છે!
રેખા આગળ મારી મૂંઝવણ ઠાલવી મારા હૈયાને રૂંધી રહેલા બોજમાંથી મુક્ત થવાનો મને વિચાર આવ્યો, પણ મારી હિંમત ન ચાલી. આ જટિલ સમસ્યા મને વધુ ને વધુ મૂંઝવી રહી, અને એ લટકણિયાનું શું થયું હશે એ હું કદી પણ જાણી શક્યો નહિ.
આ ઘટનાને દિવસો વીતી ગયા. રેખા અને મયંકના વર્તનમાં એની કશી જ અસર વરતાતી ન હતી. મારી સાથેનું એ બંનેનું વર્તન પૂર્વવત જ હતું-બલકે રેખા મને પહેલાં કરતાં વધુ ચીડવતી અને મારા પર વધુ વહાલ પણ વરસાવતી. આથી લટકણિયાંવાળો એ બનાવ મારો કોઈ ચિત્તભ્રમ કે સ્વપ્ન જ છે એવું હું માનતો થઈ ગયો.
અને એમ કરતાં બળેવનું પર્વ આવી પહોંચ્યું. રેખાએ દર વર્ષની જેમ ખૂબ વહાલથી રાખડી બાંધી. પણ આ વર્ષે એની આંખમાં ઝળઝળિયાં હતાં. આવતા માગશરમાં એનાં લગ્ન હતાં, એટલે આવતે વર્ષે તો રક્ષાબંધન માટે એ આ ઘરની મહેમાન બનીને આવી હશે-એવા કોઈ વિચારો એના મનમાં એ વખતે રમી રહ્યા હશે કે કેમ તે તો હું નથી જાણતો, પણ મારા હૈયામાં પણ ડૂમો ભરાઈ આવ્યો ને આંખમાં આવતાં આંસુને હું ખાળી ન શક્યો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રેખાને આપવા માટે બાએ મને પાંચ રૂપિયા આપ્યા. રેખાએ તેનો અસ્વીકાર કરતાં કહ્યું :
“તને મનગમતી કોઈ વસ્તુ ખરીદી મને વીરપસલી તરીકે આપ. આખી જિંદગી હું તેને મારા લાડકા ભાઈની મહામૂલી ભેટ તરીકે સાચવી રાખીશ.”
“પાંચ રૂપિયાની તે એવી કેવીક ભેટ આવે!” હું અકળાતો બોલ્યો, “એવી યાદગાર ભેટ તો હું ખૂબ કમાણી કરી તને આપીશ. આજ તો આ પાંચ રૂપિયા તું લઈ લે.”
પણ તેણે રોકડા રૂપિયા ન લીધા અને અમે બંને એટલી રકમની કોઈ ભેટ એને માટે ખરીદવા બજારમાં ગયાં.
નકલી ઘરેણાંની એક દુકાનમાં અમે દાખલ થયાં. એક પછી એક વસ્તુઓ તે મને બતાવતી ગઈ પણ એ સૌમાં મારી નજર રોલ્ડગોલ્ડનાં તદ્દન નવી ઢબનાં લટકણિયાંની એક જોડ પર સ્થિર થઈ હતી. જાણે તેણે એ જોયું ન હોય ને પોતાની આગવી પસંદગીની વાત કરતી હોય તેમ એ લટકણિયાં તરફ આંગળી કરતાં તે બોલી : “કેવાં સુંદર છે આ! આની આગળ તો સાચાં જવાહીર પણ ઝાંખાં લાગે-” ને એમ બોલતાં ત્યાંથી ઉતારી તેણે તેના કાનમાં પણ તે પહેરી લીધાં! એ વખતના એના મુખ પરનો આનંદ-દીપ્તિ અદ્ભુત હતાં. મારા જીવનનું એ એક મહામૂલું સંભારણું છે.
અને એ લટકણિયાં અહોરાત એના કાન ઉપર જ રહેવા લાગ્યાં. એના લગ્ન વખતે પહેરવા માટે બાએ હીરાનાં લટકણિયાં કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે જોરથી એ વાતને ટાળી દઈ તેણે તો પોતે જે લટકણિયાં પહેરતી હતી તે લગ્ન વખતે પણ પહેરેલાં જ રાખવાની છે એવું જણાવી દીધું. એવાં નકલી ઘરેણાં એવે પ્રસંગે શોભે કે? મેં પણ તેને ખૂબ સમજાવી. પણ રેખા એકની બે ન થઈ. તેનો જવાબ તો એક જ હતો કે મારા ભાઈના સાચા પ્રેમના પ્રતીક કરતાં જગતમાં વધુ મૂલ્યવાન વસ્તુ કોઈ છે જ નહિ.
અને એ જ લટકણિયાં સાથે મારી રેખા-મારી વહાલી બહેન રેખા-માગશર મહિનામાં સૌભાગ્યવતી બની. તેના કાનમાં અપૂર્વ રીતે એ દિવસે શોભી રહ્યાં હતાં એ લટકણિયાં! એ જોતાં મારી આંખમાં આંસુ માતાં ન હતાં. રેખાનો મારા માટેનો પ્રેમ કેટલો ઊંડો, કેટલો અગાધ, કેટલો સાચો હતો એની મને આથી વધુ મોટી પ્રતીતિ બીજી કઈ મળી શકી હોત?
અને પછી વર્ષો વીત્યાં. રેખાને એક નહિ પણ હીરાનાં લટકણિયાંની અનેક જોડ વીરપસલીમાં આપી શકું એવી કમાણી કરતો હું બની ગયો-અને સાચે જ એક વાર તો મેં એને એવાં લટકણિયાં આપ્યાં પણ ખરાં-પણ ત્યારે થોડા જ વખત ઉપર એની બેબીને મારા ખોળામાં મૂકતાં તે બોલી :
“મોટી થઈને તારી આ દીપ્તિ એ પહેરે તો ભલે-બાકી મારા માટે તો મારાં છે તે જ લટકણિયાં હીરામાણેકનાં લટકણિયાંથી પણ અધિક છે!”
અને એક દિવસ રેખાની જેમ મારે પણ લગ્નજીવનમાં પગરણ માંડવાનું આવ્યું. રેખાનો હરખ માતો ન હતો અને લગ્નનો કારભાર બધો જાણે મયંકે જ સંભાળી લીધો. રેખાની દીપ્તિ પણ, મારાં આપેલાં લટકણિયાં પહેરી આમથી તેમ, કલબલાટ કરતી દોડી રહી હતી, ને બા-બાપુજી તો જગતનાં સર્વ સુખનો સાગર પોતાને આંગણે લહેરી રહ્યો હોય એવા પરમ આનંદમાં નાહી રહ્યાં હતાં.
લગ્નમંડપમાં ઉમળકાભેર અમે દાખલ થયાં. રેખા મારી પડખે જ હતી-ને તેની આંખોમાં અપાર આનંદ અને તોફાન જાણે કે રમણે ચઢ્યાં હતાં. અંતરપટ નંખાયું. સુષમા એની આડે બેઠી. તેનાં કંકણોનો રણકાર મારા ચિત્તમાં મીઠાં સંવેદનો જગાડી ગયો ને તે અદ્ભુત પળ આવી-અંતરપટ દૂર થયું. અમે અન્યોન્યને હાર પહેરાવ્યા-પણ આ શું! સુષમાના કાન પર અખૂટ તેજથી ઝળહળી રહેલાં હીરાનાં પેલાં લટકણિયાં! મને વાંસામાં વહાલથી ટપલી લગાવતી રેખા બોલી:
“ભાઈ, મારી ભેટ ગમી?”
તે સુષમાની વાત કરતી હતી કે લટકણિયાંની તે હું નક્કી કરી શક્યો નહિ. કારણ કે એક રીતે કહેતાં સુષમા પણ મને રેખાની જ ભેટ હતી. એની એક અતિપ્રિય સખીની એ નાની બહેન થતી હતી, અને નાનપણથી જ એ રેખાની ખૂબ લાડકી હતી. રેખાએ જ આ સંબંધ ગોઠવ્યો હતો, એટલે મોં મલકાવી મેં કહ્યું :
“તે છેક આજે મને તું પૂછે છે?”
તે મારી લુચ્ચાઈ સમજી ગઈ. હું સુષમાની વાતો કરતો હતો ને લટકણિયાં અંગે જાણે કશું જાણતો જ ન હોઉં એવો ડોળ કરતો હતો તે તે જોઈ શકી, એટલે તરત જ હસતાં હસતાં બોલી :
“પણ લટકણિયાં સહિતની ભેટ તો આજે જ જોઈ ને!”
અને તે વખતે પણ જે સંયમપૂર્વક રેખાએ એ લટકણિયાંનો વધુ ઉલ્લેખ ન થવા દીધો, એ હું કેમ કરી ભૂલી શકું! મયંકે રેખા માટે કરાવેલાં લટકણિયાં આજે સુષમાના કાન પર શોભી રહ્યાં હતાં! અને એ વખતે મારા માટેના રેખાના પ્રેમનું વધુ દર્શન મને લાધ્યું. પોતે ભૂલકણી છે એવા સ્વાંગ હેઠળ મારી ઈર્ષ્યાના કેટલા બધા ડંખોનાં ઝેર એણે ચૂસી લીધાં હતાં! અને હીરાનાં લટકણિયાંવાળા પ્રસંગના ડંખનું ઝેર એણે કેવી અદ્ભુત શક્તિથી જીરવ્યું હશે!
એ જ્યારે મને પૂરું સમજાયું ત્યારે બાલ્યમાં રેખાએ આપેલો કોલ-આપણને કદી કોઈ જુદાં પાડી શકશે નહિ-એ એણે કેટલો બધો સાર્થ કરી બતાવ્યો હતો એ વિચારે રેખા માટેના અખૂટ પ્રેમ અને કૃતજ્ઞભાવથી મારું હૈયું સભર બની ગયું!
સ્રોત
- પુસ્તક : હીરાનાં લટકણિયાં (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : સ્નેહરશ્મિ
- પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1962
