સંજય ચૌહાણ
Sanjay Chauhan
જેઠો રોજ કરતાં વહેલો પરવાર્યો.
થોડા પૂળા ગોઠવવાના હતા. એ ઑતરા-ચીતરાના તાપ વેઠીનેય ગોઠવી દીધા. કૂવાના થાળા પર મૂકેલાં બે દોરડાં લીધાં. જમીન પર બે ફૂટના અંતરે આડાં મૂક્યાં. જાણે રસ્તો ના બનાવ્યો હોય... જેઠો જોઈ રહ્યો. બે દોરડાં એક બીજાથી વધુ દૂર લાગ્યાં. એક દોરડું સહેજ બીજા દોરડાની નજીક લીધું. ‘આમ તો ભારો બંધાતો હશે ભલાદમી. દોરડાં ભેગાં રાખીને બાંધીએ તો ભારો લચી જ પડઅ નઅ...’ પાછું દોરડું સહેજ છેટું મૂક્યું. આજે એને વહેલા ઘેર પહોંચી જવું હતું.
જેઠો લાકડાં ભેગાં કરવા લાગ્યો. માસી-માસા આવવાનાં હતાં. એમનાં માટે રાંધવું જ પડેને? થોડું હટાયણું લઈ જવાનું હતું. એટલું જ કામ હોત તો જેઠો ધીમે ધીમે તૈયાર થાત. જોકે રોમાંચ પેલી વાતનો હતો. જમનાએ એને બોલાવ્યો હતો. છેક ગામના પાદરના વાડામાં. એય પાછું સમી સાંજે. ભાદરવા વદ સાતમનું અંધારું કાળુંધબ્બ. જેઠો લાકડાં ભેગાં કરતાં કરતાં મલકાયો. એના કાનમાં સિસોટીઓ સંભળાવા માંડી... અદ્દલ રવાના મોઢામાંથી નીકળે એવી. એય પાછી એના પાડા આગળ પાળીમાં આવેલી ભેંસ ઊભી હોય એ વખતની.
ભેંસ ભાંભરવાનો અવાજ જેઠાના કાને પડ્યો. ઝાટકા સાથે ડોક મરડી. નાગ ફૅણ ફેરવે તેમ જોયું તો સોમલી એના ખેતરમાં આવી હતી. રોજની જેમ સોમલીને આજે પકડી લેવાનું મન થયું. સોમલી થોડી હાથમાં આવે? તે તીતીઘોડાની જેમ ફટ્ કરતી ઊડી જતી. કામ સિવાય બોલાવે નહીં.
જેઠાને નિસાસો પડ્યો. એનું કોઈ કામ નહીં કરવાનો નિર્ધાર કેટલી વખત કર્યો? તો પણ ના ક્યાં પાડી શક્યો છે? આજે એને સોમલી સામે જોવું જ નહોતું. છૉને ફરતી નવરી. આપણે શું કૉમ છઅ?
જેઠાએ દોરડા પર લાકડાં ગોઠવ્યાં. દોરડાના છેડા કચકચાવી બાંધ્યા. ભારો ઊંચકવા સહેજ નીચે નમ્યો. ત્યાં તો બૂમ સંભળાઈ. જેઠાથી જોયા વગર રહેવાયું નહીં. સોમલીના હાથમાંથી છૂટી ગયેલી રેલ્લી ઉછાળા મારી રહી હતી.
આજે તો જોવું જ નથી. છૉ ભળંમ્-ભળા કરતી. જેઠો પાછો નીચે નમ્યો. ફરી બૂમ સંભળાઈ. ‘જેઠાભઈ દોડજો.’
જેઠાએ મન માર્યું. હડી કાઢતો પહોંચી ગયો. હો...હો...હો... તારી... રેલ્લીની રાશ જાલી. રેલ્લી શાંત પડીને ઊભી રહી. સોમલી પરસેવે રેબ-ઝેબ થઈ ગઈ હતી. દોડવાથી છાતી પરનો સાડલો ખસી ગયો હતો. જેઠાની નજર ચોંટી પડી સોમલીના ધમણ જેમ હાંફતા ઉભાર પર. સોમલીનું ધ્યાન ગયું.
સાડલો સરખો કર્યો. ‘ભલભલું ઢોર તમારા વશમાં થઈ જાય.’ રાશ પકડીને સોમલી ચાલતી થઈ ગઈ. જેઠો મનમાં બબડી પડ્યો: ‘તમારા જેવું માણસ ક્યાં વશમાં થાય છઅ?’ જેઠો ભારે મને ભારા તરફ વળ્યો. મનમાં બોલાયેલા શબ્દો કેમ હોઠે ના આવ્યા? જેઠાને શેઢા પર બેસી જવાનું મન થયું. સોમલીના ખેતરનો શેઢો ઑગળી જતો હોય એમ એ ખૂંપવા લાગ્યો. સોમલીના શબ્દો એના કાનમાં રણકવા લાગ્યા. આમ તો સોમલીના શબ્દો ક્યાં નાખી દેવા જેવા હતા? ગમે તેવું વસૂકી ગયેલું ઢોર હોય, એને વશ કરવું જેઠાના ડાબા હાથનો ખેલ. પહેલ-વહેલ ભેંસ વિયાણી હોય એ દોહવા શાની દે? દોહીએ તો આંચળે ગલી થાય. કૂદમ-કૂદ ને ધડમ-ધડા કરે. ક્યાં તો દૂધ ઢોળે, ક્યાં તો દોહનારના પગ તોડે. દોહનારને વખા. એમાંય રણછોડ પટેલની પેલી કાબરી ભેંસની વાત શું કરવી? કૂદે કૂદે કે આખોય વાડો શીંગડે ભરાવે. એ તો એમનો સાથી જેઠો હોય. તે હૅરી પાડે. પછી જેઠાના હાથે બીજી બે ભેંસો હૅરી પડી. આ વાત ફેલાઈ ત્યારથી પહેલવહેલ ગાય કે ભેંસ વિયાણી હોય એને જેઠા વગર હૅરી પાડવાનું કોઈને ફાવે જ ક્યાંથી? ગામ તો ગામ છેક પુદગામ સુધી ભેંસને હૅરી પાડવામાં જેઠાનો એક્કો. પહેલી વાર વિયાયેલ ભેંસ કૂદવામાં કશું બાકી ન રાખે. જેઠો એને મજબૂત પકડે. ટપારે ને એવી રીતે હાથ ફેરવે કે ત્રીજે દિવસે ભેંસ ટાઢી પડી જાય. એના આ કસબના રૂપિયા સો મળતા હતા. એ ફાયદાના.
જેઠાને ઠેસ વાગી. ભારો એની આંખે પડ્યો. ભારા પાસે આવી ઊભો રહ્યો. સૂર્ય નીચે લપસવા માંડ્યો હતો. સોમલીના ખેતરમાં નજર કરી. સોમલી ચાલી ગઈ હતી. એ ભલે ગઈ, આપણે કેટલા ટકા? જમના જેવી આપણને યાદ કરતી હોય પછઅ? જેઠો મલકાયો. ભારો ઊંચકી માથે કર્યો. જેઠો ધીમે ધીમે શેઢા પર ચાલતો નેળિયા સુધી આવ્યો. ઊતરતા ઢાળે નેળિયામાં પૅઠો. નેળિયામાં આવતાં જ ઉતાવળો થયો. બેય બાજુ માથોડું ઊંચા થોરથી નેળિયું ડરામણું લાગતું હતું. જોડા રેતમાં ખૂંપી જવા લાગ્યા. ભારાના ભારથી ખૂંપે છે કે શું? જેઠો વિચારમાં પડ્યો કે પછી મનમાં પેલો ભાર...
અચાનક રાયણના ઝાડ પરથી કશુંક પડ્યું. જોયું તો સુક્કું ડાળું હતું. ડર ખંખેરવા જેવું કરી ચાલવા માંડ્યો. રાયણ નીચે આવતાં ભીતર કશું ઊપસી આવતું. પાંદડા પર ઈયળ ફરે ને છાપ ઊપસે તેવું.
આજે પણ બધું એવું ને એવું યાદ છે.
ગામમાં ઠાકોરો સાથી તરીકે રહેતા. એ પરંપરા તોડીને રણછોડે વાલા મોતી ચમારને સાથી તરીકે રાખ્યો. વાલાએ ખેતી એવી અવેરી કે લોકો ચમારોને સાથી તરીકે રાખતા થયા. પછીના વર્ષોમાં ચોરોએ ત્રાસ વર્તાવ્યો. રણછોડના ખેતરનું અનાજ ચોરાયું. ને વાલાના માથે સૂરજનો તાપ એકસામટો વેરાયો. એક રાત્રે વાલાએ ચોરોને પડકાર્યા. સામસામે લડત ચાલી. આજુબાજુનાં ખેતરોમાંથી દેકારા-પડકારા કરતા વછૂટેલા લોકોને જોઈ ચોરો નાઠા. વાલો ધારિયું લઈ પાછો પડ્યો. એક ચોરને રાયણ નીચે ઢાળી દીધો. વાલાને સજા થઈ. ઈયાટી ગયેલી જેઠાની માએ શરીર ખેરવી દીધું. રણછોડે માલિકપણું દાખવી જેઠાને સાથી રાખ્યો. નહીંતર એનું કોણ થાત? ભલું થજો માસી-માસાનું કે પડતો બોલ ઝીલી દોડી આવતાં. એટલું જ કેમ? ચાર વર્ષની એની સગાઈ માટે ટાંટિયા ઘસે છે. પણ કોણ દોરડે બાંધે. પાછા ભેડા મારનારાંના વખા.
આજે માસીમાસા આવવાનાં હતાં.
પરસેવાથી ખમીસ પલળી ગયું. જેઠો ઉતાવળો ચાલ્યો. ગાંદરાના વાડાઓ તરફ નજર નાખતો ગામમાં પ્રવેશ્યો. ઘર પાસે આવી ખંઢોળિયામાં ભારો નાખ્યો. હતું કે માસી દોડી આવશે. પણ ધારણા ખોટી પડી. જેઠાને મણનો નિસાસો પડ્યો. ઘર ખોલી અંદર ગયો. અંધારું એને વીંટવાઈ વળ્યું. ખાલીખમ ઘર બાવાની મઢી લાગ્યું. જેઠો આંખો ફેરવી-ફેરવીને જોવા લાગ્યો. હમણાંથી ખાલીપો ખૂંચતો હતો. જેઠાને ગઈ કાલની સાંજ યાદ આવી.
ઘરમાં એ હજુ ઊભા પગે બીડી ફૂંકતો હતો ત્યાં જ એના કાને રણકો સંભળાયો હતો, ‘જેઠા ભઈ...’
‘હઓ...’ જેઠો ફટ્ દઈ ઊભો થયો હતો. બહાર આવે એ પહેલાં ઝાંઝરનો રણકાર ઓસરી વટાવી કમાડ સુધી આવી ઊભો. જોયું તો જમના. ને એય પાછી છેક ઓસરીમાં, જેઠો ખોવાઈ ગયો હતો. આ આઠમ પર ગામમાં ગાય ભડકી. જમનાને હડફેટમાં લઈ લેત. પણ જેઠાએ પૂંછડેથી ઝાલી પાડેલી. ત્યારથી જમનાની મીઠી નજર એના પર પડતી હોય એવું લાગતું હતું.
‘શું જોઈ રહ્યા છો?’ જમનાએ નજર નીચે કરી.
‘કૉય નહીં’ બીડીનો કસ ખેંચી જેઠો પૂછી વળ્યો. ‘કેંમ આવવું પડ્યું?’
‘ઍમ-નેમ તો નહીં આવ્યાં હોય?’
‘ભલું પૂછવું.’ જેઠો હસ્યો. કોઈ જોતું તો નથી. જેઠાએ બહાર જોયું.
‘ભેંસ વિયાણી છઅ.’
‘તે?’ છેલ્લો કસ ખેંચી જેઠાએ બીડી નીચે નાખી. જોડાથી દબાવી હોલવી દીધી.
‘હૅરી પાડવાની છઅ.’
‘ભેંસ નઅ?’ જેઠો ધારીને જોઈ રહ્યો.
‘તાણ્યું શુ મનઅ?’ જમના શરમાઈ ગઈ. જેઠાની ધારદાર નજર જીરવી ના શકી. ‘જૂવાં કે જાંણી હડકવા ના ઊપડ્યો હોય ભૈસાબ. મું તો જઉં. કાલે સાંજે આવી જજો.’ જમના ચાલતી થઈ. કુંભીએ ઊભી રહેતાં સાદ દીધો. ‘છેક પાદરના વાડે આવજો પાછા.’
જમનાના ગયા પછી જેઠાનું મન વલોવાઈ ગયું. જમના મૂઈ છે જ એવી. દૂધે ધોયેલી. પંજાપૂર. એને પામવાની શરતો લગાડનારાંના કોઈ મશ્કરો કોલસાથી નામ લખે તો દીવાલ ભરાઈ જાય. સ્ટેશનની વણયોજી સભામાં એક વાર એની વાત નીકળે જ. બધાય જબરા દાવ-પેચ રચે, પણ ફાવે નહીં.
ભગાએ મૉઢામોઢ પ્રશંસાનાં બે વેણ કહ્યાં. તો કદી પોતાની સામે નહીં બોલવાનું ફરમૉન છૂટ્યું.
દેવજીએ નવલ સાથે પોતે રાત-દિવસ યાદ કરતો હોવાનું કહેવડાવ્યું તો સામે પક્ષેથી મસમોટી ગાળો આવી. બધાને શિયા-વિયા જોઈ અનારજીને શૂરાતન ચડ્યું. એક સાંજે વાંધામાં ઑતરી. તો જમનાએ ગંધમાં રગદોળી મેલ્યા. આખાય ગામમાં વાત ફેલાઈ. વળી અનારજી અઠવાડીયું ઘરમાંથી નીકળ્યા નહીં. પછી દાવપેચ રચનારાઓએ સામે ચાલીને હાર સ્વીકારી લીધી હતી.
મૂળી ડોસીની ભેંસ ભાંભરી. જેઠાને ભાન થયું. એને જમનાને વાડે જવાનું હતું. ઉતાવળથી કમાડની સાંકળ ચડાવી નીકળ્યો. સૂર્ય આગળના ઘરમાં મોભારા નીચે હેઠો બેઠો. ઘરોના છાંયડા પગ લાંબા કરવા લાગ્યા. જેઠો વાસ વટાવી ગોંદરે આવ્યો. ને સ્ટેશન પર બસ આવી. બસમાંથી ધૂળો અને બાયડી-છોકરાં સાથે ઊતર્યો. ધૂળાને જોઈ જેઠાને કાલ રાતની સ્ટેશનની સભા યાદ આવી. બધા અટ્ટમ-સટ્ટમ વાતે વળ્યા હતા. જમનાની વાત નીકળી. ને જેઠો ચૂપ રહી ના શક્યો. ‘કાલે એણે મને હૅરી પાડવા બોલાયો છઅ. ભેંસ ભેળી એનેય હૅરી પાડી દઉં.’
‘તારું કૉમ નહીં જેઠા.. અલ્યા વિઠ્ઠલ, ઑનીં સીંકળી આવઅ એના આગળ.’
વિઠ્ઠલે બીડી સળગાવી, ‘એ તો કૉય ઢોર છઅ તે તારા વસ થાય?’
‘લગાવ શરત.’ જેઠો હાથ ધરી બેઠો.
‘તારો નંબર હાલ ના આવઅ.’ ધૂળા સામે મર્માળું હસી વિઠ્ઠલે ઊંડો કસ ખેંચ્યો. ધુમાડો જેઠાના ચહેરા પર ફેંક્યો. આખી રાત જેઠાને ઊંઘ નહોતી આવી. આઠમની ઘટના. જમનાની મીઠી નજર. ઝાંઝરનો રણકાર. એમાંય બહાર કૂતરાંના ટોળામાં થતો વિચિત્ર અવાજ એને ઊંઘવા નહોતો દેતો. એને લાગતું હતું, જાણે બેય હાથે જમનાને ભીંસી લીધી છે. જમનાય એને ચીપકી પડી છે. આંખ માંડ મીંચાતી ને કૂતરાંનો પેલો અવાજ ખેંચાઈ આવતો. વિઠ્ઠલની બીડીનો ધુમાડો હડસેલતો હોય તેમ ચહેરા પર હાથ ફેરવતો રહેલો.
‘જેઠા’ ધૂળો સામે આવી ઊભો. ‘તારાં માસી વિસનગર મળ્યા'તાં.’ ધૂળાની બાયડી અને છોકરાં દુકાન પર ગયાં.
‘આવવાનાં છઅ?’ જેઠાએ પૂછ્યું.
‘હોવે, મોડા આવશી. કૅ‘તાં, તાં કે આ વખતે જેઠાનું ગોઠવી દેવું છઅ.’
‘જોઈએ શું થાય છઅ? એ આવી એટલે કોઈને મોકલજે... મું જમનાના વાડામાં ભેંસ હૅરી પાડવા જઉં સું.’ જેઠો ચાલતો થયો. થોડો આગળ ગયો ત્યાં જ ધૂળાએ બૂમ પાડી. ‘ઊભો રે જેઠા.’ ધૂળો પાસે આવ્યો. ધીમેથી કહ્યું. ‘સાચવજે પાછો. કાંઈ ધજાગરો ના થાય.’
‘તું ફિકર ના કર.’ કહી ચાલતો થયો. બસના ડ્રાઈવરે બીડી સળગાવી બસ ઉપાડી. જેઠાને યાદ આવ્યું કાલ બપોરે એ ધૂળા સાથે પતંગિયા પાડતો હતો. ધૂળ ઉડાડી ગયેલી બસ વળાંક વટાવી ગઈ. રજોટી શ્વાસમાં જવાથી જેઠાને ખાંસી ઊપડી. આંખોમાંથી પાણી નીકળી ગયું. જેઠાએ આંખો ચોળી. ઉપરથી આથમતા સૂરજનો તાપ જાણે મારો વારો કહી લાહ્ય ઝેરવતો હતો. જેઠાની નજર આકાશમાં પહોંચી. અજાણ્યા મલકમાંથી વણઝારાની પોઠો આવી ચડે તેમ વાદળો આવી ચડ્યાં હતાં. બફારોય શું કામ ઝાલ્યો રહે? જેઠો પલળી ગયો. વાદળો ઘેરાવાથી આકાશનો લાલ લંગ ગાઢો થવા લાગ્યો. અદ્દલ જમનાના કબજા જેવો. માંહ્યલો ઉકળાટ એનેય કેમ દઝાડતો નહીં હોય ? એનેય કંઈક તો થતું હશેને? રાતમાં સંભળાયેલા કૂતરાંના અવાજો એને ઘેરી વળ્યા. જેઠાના શ્વાસ વધી પડ્યા. જમના જાણે રાહ જોઈ રહી હોય તેવું લાગ્યું. રોડ અને ઉકરડા વટાવી ઝડપથી જમનાના વાડા પાસે આવ્યો. આજુબાજુ અછડતી નજર ફેરવી. વાડાની જાળી ખોલી. વાડામાં પ્રવેશ્યો.
‘ઓહોહો જાંણી પરદેશથી ના આવવાના હોય.’ જમના બોલી પડી. આછા અંધારામાં જમના તાંબાની મૂર્તિ લાગી. વાડો બફારામાં શેકાતો હતો. પવન આવે જ શાનો? કાયમી જગ્યા બથાવવા કમર સમાણી દીવાલો ચણાઈ હોય પછી. જમનાનો વાડો પૂર્વ તરફનો છેલ્લો વાડો. એ બાજુ ભાંયબાવળિયા ફેલાઈ વળ્યા હતા. બાવળિયાને નસીબ એવાં કામોના સાક્ષી થવાનું જ લખ્યું હતું. એ તો નવરાત્રિમાં કોઈના પગે કાંટા ભાંકાય ત્યારે જ ખબર પડે.
‘લ્યાં હૅડાં ભેસને હૅરી પાડાં' જમના મર્માળુ જોઈ રહી. જેઠાને લાગ્યું પોતે પોતાના કાબૂમાં નથી. જમનાનો દોરવાયો બાંધેલી ભેંસો ને છૂટી ગાયો વટાવતો વિયાયેલી ભેંસ પાસે આવ્યો. ભેંસની પીઠ પર જેઠાએ હેતાળ હાથ ફેરવ્યો. બોઘરણું લઈ ઊભેલી જમના સામે જોયું. હાથમાં ઠંડક અનુભવાઈ. હાથ જાણે જમના પર ના ફર્યો હોય... થોડું અંધારું થવા દેવું યોગ્ય લાગ્યું. મન કાબૂ કરી ભેંસને દીવાલ તરફ ખસેડી. એક હાથે ભેંસના પાછળના પગ આંટીમાં પકડ્યા. બોઘરણું લીધું. આંચળની સરતે નીચે મૂક્યું. બીજા હાથે ભેંસને દોહવા લાગ્યો. ભેંસ થોડી આઘીપાછી થઈ. અછડતી નજરે જમના સામે જોયું. જમના મલકાઈ. એનો મલકાટ જેઠાને છાતીમાં વાગ્યો. આવો મોકો થોડો રોજ મળવાનો હતો? જમનાને એના પર હેત હોય તેવું જેઠાને લાગ્યું. નહીંતર અંધારે બોલાવે ખરી? પ્રશ્ન જેઠાની ભીતર થયો. ને બધું પડતું મૂકી જમનાને પકડી લેવાનું મન થયું. એ જ વખતે પાછળના ભોંયબાવળિયામાં કોઈના ખાંસવાનો અવાજ થયો. આભલામાં કાળાંડિબાંગ વાદળો બધું જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. પૂર્વની ક્ષિતિજમાં વીજળી શરૂ થઈ. ભેંસ કૂદી. જેઠો બૂચ... બૂચ... હોહો... હો... કહીં ભેંસને પંપાળતો દોહવામાં પરોવાયો. બોઘરણું ભરાઈ રહેવા આવ્યું. ત્યાં જ દૂરથી બૂમ સંભળાઈ... ‘જેઠાકાકા, તમારાં માસી આવ્યાં છઅ.’
ધૂળાના છોકરાનો અવાજ હતો.
‘આવું સું...’ કહી જેઠો દોહતો રહ્યો. દૂધની શેર ચર...ચરરર બોઘરણામાં પડતી રહી. બોઘરણું ભરાઈ ગયું. બીજા બોઘરણાની જરૂર હતી. ભરાઈ ગયેલું બોઘરણું જમનાને આપવા લંબાવ્યું. પણ આ શું? જેઠાની આંખો પહોળી થઈ ગઈ. જમના ક્યાં ચાલી ગઈ? બોઘરણું દીવાલ પર મૂકી ચારે તરફ જોયું. જમના વાડામાં ક્યાંય દેખાઈ નહીં. જેઠાને થયું જમનાએ એને મોકો આપ્યો છે. હરખમાં આવી ગયો. તૂટી ગયેલી દીવાલ કૂદી બાવળિયાં તરફ જવા કરતો હતો. ને ઝાંઝરનો રણકાર એના કાનમાં વાગ્યો. આંખો ઝીણી કરીને જોયું. જેઠાના શ્વાસ વધી પડ્યા. બે ઓળા અંધારામાં એકબીજામાં ઓળઘોળ હતા. જમના રમત નથી રમતીને? મને ફસાવવાનો કારસો? ગણગણાટ સાથે વીજળી થઈ. અજવાળું આંખોમાં ઊતરી ગયું. બાપાના જેલમાં ગયા પછીના દિવસો ચોખ્ખા દેખાયા. આંખો બંધ કરી દીધી. ડોક ઝાટકા સાથે ફેરવી લીધી. આકાશમાં થતો ગણગણાટ એના માથામાં ઊતરી ગયો. તમ્મર ચડે એ પહેલાં ત્યાંથી ખસી ગયો. ભેંસ પાસે આવ્યો. માસા-માસી ઘેર આવ્યાં હતાં એ યાદ આવ્યું. બિચારાં મારા માટે રાત-દહાડો જોતાં નથી. પૈસાનું પાણી કરી સી. ને મું છું તે... આગળના વિચારે જેઠો ફફડી ગયો. વીજળીના ચમકારા વધ્યા. ગાયો-ભેંસો ફૂંદવા લાગી. બીજું બોઘરણું લઈ દોહવા બેઠો. એટલામાં ઝાંઝરનો અવાજ થયો. જોયું તો જમના આવી ઊભી હતી. જેઠાની નજર પડતાં એ મલકાઈ. જેઠો ફટ દેતાં ઊભો થયો. બોઘરણું જમનાને પકડાવ્યું. ‘લ્યાં ભેંસ પૅલ્લેથી હેરી પડેલી છઅ. મારું કોંય કામ નથી.’ જમના કશું કહે એ પહેલા ઉતાવળા પગલે વાડાનું છોડું વટાવી ગયો. ઉકરડા પસાર કરતાં આખા શરીમાંથી પરસેવાના રેલા ઊતર્યા. રોડ પર થાંભલાના ગોળા પ્રજળી ઉઠ્યા હતા. સ્ટેશનથી દૂરના પેલા થાંભલા નીચે વિઠ્ઠલ ચંપલમાંથી કાંટો ખેચવામાં પરોવાયો હતો એની નજર પડે એ પહેલાં જંઠાએ સ્ટેશન વટાવ્યું. ને આકાશમાં મોટો કડાકો થયો. ઉકરડા સુધી આવતાં વરસાદના છાંટા શરૂ થયા. ટાઢો બોળ પવન વાયો. આખાય દિવસો ઉકાટ સમાવતી ઠંડક ફેલાઈ વળી.
સ્રોત
- પુસ્તક : થુંબડી (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : સંજય ચૌહાણ
- પ્રકાશક : લટૂર પ્રકાશન
- વર્ષ : 2013
