શિરીષ પંચાલ
Shirish Panchal
માંડ માંડ આંખ મળી હતી, ઘરનાં તો મારા નિર્ણયથી દુ:ખી જ થવાનાં હતાં અને તેમાંય મારા બાપુજી તો ખાસ. એ ચિંતાએ પણ મને મોડી રાત સુધી જંપવા દીધો ન હતો. ઊંઘ નહીં જ આવે એમ માનીને આરામખુરશીમાં જ બેઠા બેઠા પગ લાંબા કર્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીઓના ઝબકારા દેખાતા હતા. એ જોતાં જોતાં જ આંખો ખૂલી ગઈ, પહેલાં તો મને બરાબર ખ્યાલ ન આવ્યો. બહાર વરસાદ પડતો હતો એટલે કશું સંભળાયું નહિ. ગઈ કાલે મોડી સાંજે પણ આવું જ થયેલું ને ! મારે ઘેર વહેલાં પહોંચવું જ ન હતું. બધાના ગુસ્સાનો ભોગ બનવાનું હતું એટલે એ પળને જેટલી પાછી ઠેલી શકાય તેટલી ઠેલવા માગતો હતો. વળી આવા વરસાદમાં કયો રિક્ષાવાળો ટૂંકા અંતર માટે આવવા તૈયાર થાય? એટલે મેં તો ચાલવા જ માંડેલું. વરસાદ તો યુવાનીમાં કોને ન ગમે પણ ભીંજાવાની મારી તૈયારી જરાય ન હતી. ચારપાંચ દિવસથી પડી રહેલા વરસાદે બધે કાદવ કાદવ કરી નાખ્યો હતો અને મારે એમાંથી રસ્તો કરીને ચાલવાનું હતું. જમીનથી અધ્ધર ચાલી શકાતું હોત તો કેટલું સારું એવો વિચાર પણ આવી ગયેલો. વાતાવરણમાં માત્ર વરસાદી ગંધ ન હતી. એમાં બીજું ભળી ગયું હતું. રસ્તા ઉપર અવરજવર તો ચાલુ જ હતી એટલે માત્ર વરસાદનો અવાજ આવતો ન હતો. પાણીથી ભરેલાં ખાબોચિયાંમાંથી પસાર થતાં વાહનોનો અને તેમના દ્વારા ઊડતી છાલકોનો અવાજ, ઝાડ પર ઝિલાતા વરસાદનો અને પછી ઝાડ પરથી ટપકતાં પાણીનો અવાજ તથા મારા ચાલવાનો અવાજ, આટલા બધા અવાજોમાં બીજા કોઈ અવાજ આછાપાતળા પણ સંભળાય એવી શક્યતા જ ક્યાં હતી, અને છતાં... અને છતાં મારા કાને એ અવાજ સંભળાયો હતો. એ શાનો હતો? મેં પાછા વળીને જોયું હતું. કોઈ કરતાં કોઈ ન હતું. વરસાદમાં બધું ઝાંખુંપાંખું દેખાતું હતું. પણ મને ચોક્કસ લાગેલું કે મારી પાછળ પાછળ કોઈ ચાલી રહ્યું છે. એ પગલાંનો અવાજ મને સ્પષ્ટ રીતે સંભળાતો હતો. વરસાદની ઝડીઓ પણ જેનાં પગલાંના અવાજને અસ્વસ્થ ન કરે એવું કોઈ ચાલી રહ્યું હતું અને કેટલો બધો લયબદ્ધ અવાજ! સાચું પુછાવો તો મને ભય લાગેલો. એટલે ઘેર જલદી જલદી પહોંચી જવાય તો સારું એમ માનીને મેં પગની ગતિ વધારી હતી. પણ જ્યાં હું ઉતાવળે પગે ચાલવા લાગ્યો ત્યાં તે પગલાં પણ ઉતાવળાં બન્યાં હતાં. મેં મારી જાતને મનાવી હતી કે આ તો ભ્રમણા છે ભ્રમણા. જે માનસિક યંત્રણામાંથી હું પસાર થઈ રહ્યો છું અને જે ભવિષ્યનો સામનો મારે કરવાનો છે તેને કારણે જ આવો આભાસ થયા કરતો હતો. એકાએક ત્યાં આકાશના એક છેડાથી બીજા છેડા સુધી વીજળી ચમકી ઊઠી હતી, થોડી વાર પછી થયેલા કડાકાએ મને ઠેઠ અંદર સુધી ધ્રૂજાવી દીધો હતો. વીજળી મારા ઉપર તો નહિ પડે ને એવો નાનપણથી સેવેલો ભય મને બીવડાવવા લાગેલો. એ અવાજ, એ ભય હજુ તો શમ્યા ન હતા અને ત્યાં મારે કાને અવાજ પડ્યો હતો. ‘પ્રવીણ.. ઓ પ્રવીણ.’ આવા તોફાની વાતાવરણમાં મને બોલાવવા કોણ નવરું હતું? ના.. ના કોઈ નથી. એવા વરસાદમાં મને આમ લાડ કરીને તે વળી કોણ બોલાવે? મેં જરા વધારે ઝડપથી ચાલવા માંડ્યું હતું. પણ ફરી પેલાં પગલાં અને ફરી એ જ અવાજ! ‘દીકરા પ્રવીણ, ઓ દીકરા પ્રવીણ.’ પ્રાચીન યુગના અવશેષો શોધવા માટે ખોદકામ કરતા હોઈએ અને અમુલ્ય ખજાનો મળી જાય, વાસણની ઠીંકરીઓ, રમકડાના હાથીઘોડાના તૂટેલા પગ, ચપ્પાનો હાથો, સ્ત્રીઓનાં આભૂષણો અને એમ કરતાં કરતાં લુપ્ત થઈ ગયેલું એક આખું નગર આળસ મરડીને એક વાર બેઠું થઈ જાય પછી એનો ભૂતકાળ સામે ઝળુંબ્યા જ કરે, બરાબર એવી જ રીતે એ અવાજ ત્યારે મારી પાછળ પડી ગયેલો મેં અનુભવ્યો હતો. હા, મને પછી તરત યાદ આવી ગયું. એ અવાજ, એ લહેકો, એ લાડ તો વૈકુંઠકાકા સિવાય કોઈના નહિ. મેં પાછા વળીને જોયું હતું. મારી આંખો મને છેતરતી તો નહોતી ને? એ જ જરા ઝૂકેલો દેહ, એ જ લાકડી, એવાં જ ઝબ્બો ધોતિયું. ચહેરો બરાબર દેખાતો ન હતો પણ એ જોવાની જરૂર ક્યાં હતી ? એ તો તરત ઓળખાઈ જાય એવા હતા. મને કમકમાં આવી ગયાં. મારી જીભ સાવ સુકાઈ ગઈ હતી. વરસાદનાં પાણી ઝીલવાં મેં જરા મોં ઊંચું કરીને પહોળું કર્યું હતું. જીભ પર થોડાં છાંટા ઝીલીને મેં ફરી એક નજર પાછળ કરી લીધી. પણ વૈકુંઠકાકા હોય જ કેવી રીતે? મારી આંખો મને છેતરતી જ હોવી જોઈએ. શું કરવું એની સમજ પડતી ન હતી. જરા હિંમત એકઠી કરી, તોય કેટલો બધો ગભરાટ અનુભવેલો, વરસાદને કારણે ઠંડક હતી તોય પસીનો પસીનો થઈ ગયો હતો. જેમ તેમ કરીને પાસે ગયો અને જોયું તો કોઈ ન હતું. માત્ર ભ્રમણા. તો શું મેં જે અવાજ સાંભળેલો તે ભ્રમણા? વરસાદ, વીજળી અને પવને ઊભી કરેલી ભ્રમણા? હું ફરી ધ્રૂજી ઊઠ્યો હતો. કારણ કે વૈકુંઠકાકાના મૃત્યુને તો બે વરસ થઈ ગયાં હતાં.
શું ગઈ કાલની જેમ મારે આજે પણ એવી જ ભ્રમણાના ભોગ બનવાનું હતું? આમ તો હું ખૂબ બહાદુર ગણાઉ છું. પુરાતત્ત્વ વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ તરીકે અમે સાઈટ પર જઈએ ત્યારે નિર્જન વિસ્તારોમાં તંબૂ તાણીને સૂવાની કે રાતે એકલપંડે પહેરો ભરવાની પણ મને બીક લાગતી ન હતી. કેટલાક ડરપોક વિદ્યાર્થીઓ વતી હું પહેરો ભરી લેતો હતો. પણ આજે તો મને બીક જ લાગવા માંડી. આરામખુરશીમાંથી ઊભો થવા ગયો પરંતુ મારાથી ઊભા થઈ ન શકાયું. ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. કાન માંડ્યા. હવે અવાજ સ્પષ્ટ આવતો હતો. નાગર નંદાજીના લાલ, નાગર નંદાજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી... આ અવાજ રેડિયોમાંથી તો નથી આવતો ને ? કે પછી ટેપરેકોર્ડર ચાલે છે ? ના.. ના એવું તો કશું નથી. એ ગીતની સાથે બીજા કેટલાક અવાજ પણ ભળી ગયેલા લાગ્યા, કોઈ ઉત્સવ પ્રસંગે બધા લોકો ભેગા થયા હોવા જોઈએ. મારા શરીરેથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા. મેં જરા ઉપર નજર કરી. પંખો બંધ હતો. હવે તો ઊઠવું જ પડશે અને એકાએક બીજા બધા અવાજ શમી ગયા. એક ઘુંટાયેલો, ઘેરો અવાજ સંભળાયો. એ ધીમે ધીમે નજીક આવતો હતો. મારા કાનને જ નહીં પણ મારી સમગ્ર કાયાને એ સ્પર્શવા માગતો હતો. પેલા પરસેવાના રેલા જરા જરા સુકાવા લાગ્યા. એ અવાજ મને વીંઝણો ઢોળતો હતો. કશીક ઠંડક વરતાતી હતી. કોઈ જૂના મંદિરના ગભારામાં જઈ ચઢીએ કે જૈન મંદિરની આરસમઢેલી ફરસ પર ચાલતા હોઈએ ત્યારે આવી જ ઠંડક લાગે છે. પેલો અવાજ હવે એક દિશાએથી નહીં પણ ચારે બાજુએથી સંભળાતો હતો; એ મને વીંટાયે જતો હતો, હું એના કોશેટામાં લપાયે જતો હતો. અવાજની બુલંદી મને આશ્ચર્યચકિત કરતી હતી. યદા સદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. કાનમાં શંખ ફૂંકાયે જતો હતો. અંદર ને અંદર પડઘા પડ્યે જતા હતા. એકાએક પડદો પડી ગયો, નર્યો સોપો. હું જાણે કોઈ જૂનાં સ્થાપત્ય જોવા માટે ગુફામાં ઊંડે સુધી પહોંચી ગયો હતો અને મારા સાથીઓ મને મૂકીને જતા રહ્યા. હું એકલો જઈ રહ્યો હતો. હું શું જોતો હતો? ખોદકામ તો ક્યાં ચાલતું હતું? પણ જો ચાલતું હોય તો એકની ઉપર એક એવા બાઝી ગયેલા થર દૂર કરવા તમે એક થર ઉખેડો અને કશુંક તમને મળી જ આવે. એવી જ રીતે મારી સામે જે હતું તે બધું દૂર થઈ ગયું. મારી સામે જ, બરાબર સામે જ વૈકુંઠકાકા ઊભા હતા. ડાબા હાથમાં આરતી. ઘંટડીનો રણકાર અને આરતીનો સોનેરી પ્રકાશ. મારી સામે તો માત્ર વૈકુંઠકાકા જ હતા પણ તેમની સામે કૃષ્ણની મૂર્તિ હોવી જોઈએ. એ કાળી મૂર્તિ પર આરતીનો સોનેરી પ્રકાશ પડતો હતો કે વૈકુંઠકાકાના હૈયાનું પ્રતિબિંબ પ્રગટાવતી આંખોનો ઝળહળતો પ્રકાશ એ હું નક્કી ન કરી શક્યો. ચારેબાજુ પ્રકાશનાં મોજાં ઊછળતાં હતાં, એમાં હું પણ ઊછળવા લાગ્યો. સામે હવે વૈકુંઠકાકા દેખાતા ન હતા. નર્યો પ્રકાશ અને એ પ્રકાશમાં ચમકતી હવેલી. બરાબર સ્પષ્ટ રીતે હવેલી મારી સામે હતી. એની મોહિની ધીમે ધીમે મારી આંખોમાં થઈને પાની સુધી પહોંચી. ધીમે ધીમે ફરી મારી આંખો મીંચાઈ.
‘હેઈસો, સંભાળજો, ધી... રે ધીરે.... આવવા દો, આવવા દેજો, એ... સંભાળજો આઘા ખસો... ધીરે ધીરે આવવા દો... આવવા દો...' આટલો બધો ઘોંઘાટ ક્યાંથી? શું છે આ બધું ? હું બારી આગળ આવીને ઊભો રહ્યો. જોઉં છું તો વીસપચીસ મજૂરો ભેગા થઈને વૈકુંઠકાકાની હવેલી ઉતારી રહ્યા છે. કોશકુહાડા ત્રિકમપાવડા લઈને મંડી પડયા છે. નીચે કાટમાળના મોટા ને મોટા ઢગલા થઈ રહ્યા છે. જરા દૂર નજર કરી તો મારા બાપુજી, ભાઈ, મામાનો દીકરો જાતને સાચવતા ઊભા છે. તેમના મોં પર હરખ ઊછળી રહ્યો છે. મારા બાપુજી મોટેથી બૂમો પાડે છે, જલદી કરો, જલદી કરો. અને ત્યાં મોટો કડાકો થયો. મોટો પાટડો ઉતારવા જતાં અડધી ભીંત તૂટી પડી, ચારે બાજુ ધૂળધૂળ. ખાસ્સી વારે ધૂળ શમી, જોયું તો એ બધા કાટમાલના ઢગલા ઉપર વૈકુંઠકાકા બેઠા છે અને નિરાંતે ભજન ગાય છે. તેમના ઉપર એક ગચિયું પડવા જતું હતું, મારા મોઢામાંથી તરત ચીસ નીકળતાં નીકળતાં આંખ ખુલી ગઈ. બહાર બધું અંધારું હતું. પંખાનો ફરફર અવાજ આવતો હતો. બીજા કોઈ કરતાં કોઈ અવાજ ન હતા. થોડી નિરાંત અનુભવી. આંખો મીંચીને થોડી વાર એમ જ પડી રહ્યો; મારી બંધ આંખો આગળ એ હવેલી વિશાળ વટવૃક્ષમાં ફેરવાયેલી જોઈ. અનેક વડવાઈઓ દ્વારા કેટલા મોટા વિસ્તારની જમીનમાં એણે મૂળિયાં નાંખ્યાં હતાં. કેટલી મોટી ઘટા ઊભી થઈ ગઈ હતી, દાયકાઓ એના થડનાં કુંડાળાંઓમાં સમાઈ ગયા હતા પણ કુહાડાના એક ટાચકે, કરવતના એક ઘસરકે બધું જ જાણે ઊતરડાઈ જવાનું હતું. મેં આંખો ખોલી નાખી. મનમાં કોઈ પણ જાતનો વહેમ ન રહે એટલા માટે ઊભો થયો અને છજામાં આવીને મેં નજર કરી. સામે જ હવેલી ઊભી હતી. અડીખમ, ચુપચાપ. અંદર જઈને બત્તી બુઝાવીને પાછો બહાર આવ્યો. થોડી વાર એમ જ ઊભો રહ્યો. હવે આંખોમાં જરાય ઊંઘ ન હતી. ગેલેરીમાં જ ખુરશી ખેંચી લાવ્યો. ઘડિયાળમાં જોયું તો ચાર વાગી ગયા હતા. વીજળીઓ તો હજુ પણ થયા જ કરતી હતી. અત્યારે જીવનમાં જાણે પહેલી વાર આ હવેલી જોઈ રહ્યાની લાગણી થઈ. આ ત્રણ માળની હવેલી અને ચોતરફ ખુલ્લું મેદાન, રસ્તા પર પડતો બારેક ફૂટ ઊંચો, કોતરણીવાળો તોતિંગ દરવાજો. દરવાજાની બંને બાજુએ ઊભી કરેલી દ્વાર સુંદરીઓની પ્રતિમાઓ કોઈ અણધડ કારીગરે તૈયાર કરી હતી પણ એ સિવાયનું બધું જ સરસ હતું. દરવાજો એની કોતરણી વડે ભવ્ય લાગતો હતો. દરવાજાને વીંધીને મારી નજર શમી આ હવેલીના મુખ્ય દ્વાર પર ગઈ.
અહીં કોતરણી વધારે ઝીણી હતી. લાકડું જાણે મીણમાં ફેરવાઈ ગયું હતું. એ દરવાજો તો બંધ હતો પણ તો પછી એના પહેલા માળે પરસાળમાં કોણ આંટા મારે છે ? એ જ ધોતિયું અને એ જ જરાક વાંકી વળેલી કાયા. હાથમાં આરતીની થાળી અને આશકા આપવા આ કોણ નીકળ્યું છે ? મારા હોઠ ફફડ્યા વિના રહી ન શક્યા: વૈકુંઠકાકા, વૈકુંઠકાકા. તેમના કાને મારો ફફડાટ પહોંચ્યો કે શું? પાછા ફરીને તેમણે મારી સામે જોયું, એકીટશે જોયા જ કર્યું. આરતીના પ્રકાશમાં તેમનું મોં સ્પષ્ટ દેખાતું હતું. અણિયાળું નાક દીવાના પ્રકાશમાં ઝળહળતું હતું અને ત્યાં પ્રકાશ થયો, વીજળીનો મોટો ચમકારો થયો. એ ચમકારમાં આરતી, વૈકુંઠકાકા સાવ ઓગળી ગયા અને હવેલી, તેની પરસાળો, એનાં છાપરાં, તેના કોતરણીઓવાળા ઝરુખા સ્પષ્ટ નજરે ચઢ્યાં.
આ કળાકારીગરી હતી ન હતી થઈ જવાની અણી પર હતી. વર્તમાનની એક જ ક્ષણ પેલા દીર્ઘ ભૂતકાળને જડમૂળમાંથી ઉખેડી નાખીને એના પર ઘાટછૂટ વિનાના, સૌન્દર્યહીન નમૂનાને ગાદીએ બેસાડવા ચારે પગે થનગનતી ઊભી હતી. આ હવેલી અને એની કળાકારીગરી, વંશપરંપરાથી ચાલી આવેલું રાચરચીલું. મોટો જમણવાર કરી શકાય એટલાં બધાં વાસણો: આ બધાંની કિંમત રૂપિયા પૈસામાં, ડૉલર અને સેન્ટમાં ખૂબ જ સરળતાથી રૂપાંતિરત થઈ જતી હતી. અને એમ રૂપાંતરિત કરતાં કરતાં ત્રીસપાંત્રીસ લાખ તો તરત ને તરત ઊભા થાય, ધીરજ રાખો અને જૂના જમાનાની ચીજવસ્તુઓ કસી કસીને તાવીતાવીને દેશવિદેશમાં વેચો તો પચાસેક લાખ હાથમાં રમતા થઈ જાય. દસ વરસમાં તો એ રૂપિયા સ્વર્ગનાં બધાં દ્વાર ફટાક કરતાં ખોલી આપે, એ રજતવર્ણી કે સુવર્ણવર્ણી દ્વારને માંજી માંજીને ચકચકતાં બનાવી દેવાની આવડત અમારા ઘરનાં સૌમાં હતી. મારા ઘરનાં હવેલીને કલ્પવૃક્ષ માનતા. એની ડાળીઓ ઉપર કેટલાં બધાં શાખિયાં લટકતાં, ઝૂલતાં હતાં અને અમે બધાં લાળઝરતા મોંએ આંખોના ખોળા પાથરીને ઊભા હતાં. આ ગર્યાં ગર્યાં એની પ્રતીક્ષામાં અમારું સર્વસ્વ રોકાઈ ગયું હતું. પણ ગળામાં નરમુંડ ધારણ કરેલા, લોહિયાળ મોંવાળા, આંખોમાંથી ઝેરીલા નાગના ફુંફાડા જેવી જ્વાળાઓ ફેંકતા કોઈ ભૈરવને જેમ રીઝવવો પડે તેમ મારા ઘરના મને રીઝવવા તૈયાર હતા. એમને મન હું વિઘ્નેશ, ભૈરવ, રાક્ષસ હતો. મારી મૂઠીમાં હવેલીને બંધ કરી દઈને કોઈ કરતાં કોઈની આગળ એની આછીપાતળી ઝાંખી સુધ્ધાં કરાવવા માગતો ન હતો, બે વર્ષ પર મૃત્યુ પામેલા વૈકુંઠકાકા પોતાની બધી સંપત્તિનું વસિયતનામું મારા નામે કરી ગયા હતા અને એકવીસ વરસ મને પૂરાં થાય ત્યારે એ બધી મિલકતનો વહીવટ કરવાની સ્વતંત્રતા મને મળતી હતી. અમેરિકામાં સ્થાયી થયેલા અને કરોડોમાં આળોટતા એમના દીકરાઓને આ જરીપુરાણી હવેલીમાં જરાય રસ ન હતો. એમણે તો સ્ટેમ્પપેપર પર લખીને પણ આપેલું કે અમને આ મિલકતમાં જરાય રસ નથી. આ ઘટના પછી તો હવેલી પર બધાનીં નજર હતી. અમારી પાસે માત્ર વીસપચીસ લાખની જ સંપત્તિ હતી અને એ તો ધૂળ ને ઢેફાં એમ મારા બાપુજી કહેતા હતા એટલે આ હવેલી તોડીને એક મોટી ઈમારત બને તો પરિયાંના પરિયાં ખાય એમાંથી પછી. હવે આને કલ્પવૃક્ષ કહો કે અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ કહો, એ તો અમારા હાથમાં હતી.
ચોમાસાનાં પાણી જેમ નદીકાંઠે આવેલી કોઈ ભેખડને ચૂરચૂર કરીને વહાવી જાય અને તમે ત્યાં ઊભા હો તોય કશું જ ન કરી શકો, જો એને બચાવવા જાઓ તો તમારું સર્વસ્વ હોમાઈ જાય, તમે હતા ન હતા થઈ જાઓ એ જ રીતે આ કાળનો પ્રવાહ છે અને એમાં હવેલી તો એક તણખલું છે, એ તારાથી નહિ સચવાય; મારા વડીલોએ આ અને બીજી રીતે મને સમજાવવામાં જરાય બાકી રાખ્યું ન હતું. ને હું એકલો મારા તણખલાને દસે દિશાઓમાંથી આવતા વંટોળિયા સામે, બારે મેઘે આણેલા જળપ્રલય સામે કે જળને સ્થળમાં તથા સ્થળને જળમાં ફેરવી નાખતા ધરતીકંપ સામે ટકાવી રાખવા માગતો હતો. આજનો દિવસ મારે માટે મહત્ત્વનો હતો કારણ કે આજે મને એકવીસ વરસ પૂરા થવાનાં હતાં.
ઘડિયાળમાં પાંચના ટકોરા થયા. અત્યારે વરસાદ પડતો બંધ થયો હતો એટલે એના રણકાર ક્યાંય સુધી સંભળાતા રહ્યા. સામેની હવેલીમાં પણ સંભળાયા હશે. સાવ સૂની, આટલી બધી સમૃદ્ધિથી ભરી ભરી, વર્તમાનને જ્યાં પ્રવેશબંધી હતી અને ભૂતકાળનું જ જ્યાં સામ્રાજ્ય હતું એવી આ હવેલી અત્યારે તો સાવ નધણિયાતી. વૈકુંઠકાકા હતા ત્યારે તો સવારે પાંચ વાગે એનો આગલો દરવાજો ખૂલી જ ગયો હોય. છેલ્લાં વરસોમાં તો કાકા સાવ એકલા હતા. દીકરાઓ તો વરસોથી અમેરિકામાં વસ્યા હતા અને કાકી સોળસત્તર વરસ પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં. જો કે અત્યારે હવેલીમાં કાકા એકલા રહેતા ન હતા. એક રસૌયો, બે નોકરબાઈઓ અને બે ચાકરો પણ હતા. એ હવેલીમાં મારો પ્રવેશ હું પાંચેક વરસનો હતો ત્યારથી થયો હતો. આજે પણ મારી આંખો આગળ એ પાંચેક વરસનો છોકરો જ દેખાય છે. એનું ધ્યાન કૃષ્ણની મૂર્તિ પર નથી. અવારનવાર બદલાતા શણગાર પર નથી, મગસની લાડુડીઓ પર નથી. એનું ધ્યાન તો આરતી ઉતારી રહેલા વૈકુંઠકાકા ઉપર જ છે. એનો નાનકડો ચહેરો માત્ર આરતીના તેજથી જ ઓછો રંગાયેલો હતો ? એમાં બીજાં કયા કયા રંગ હતા? તે વખતે જે રંગ હતાં તે સમય જતાં ઊપટી જવાને બદલે વધારે ઊઘડી આવ્યા હોય એમ કેમ લાગે છે? આ બધા રંગોનું તેજ વૈકુંઠકાકાના ચહેરા પર જોવા મળેલા ઝગમગાટનું જ હતું કે શું? એ ઝળહળાટ પાંચ વરસની ઉંમરે જોયો ત્યારે જે હતો તે જ ચૌદપંદર વરસ પછી પણ જોવા મળ્યો હતો. ચિતા પર ખડક્યા ત્યારે એ જ પ્રસન્નતા હતી. મને એમ જ લાગેલું કે આ હમણાં બેઠા થઈ જશે અને આરતી ઉતારવા માંડશે. આરતી ઉતારતી વખતે એમનો ચહેરો ગદ્ગદ્ થઈ જતો હતો. અને એ ગદ્ગદ્ થઈ જતા ચહેરા સામે એકીટસે નિહાળી રહેતી મારી આંખો આગળ કશું દેખાતું ન હતું. બધું અદૃશ્ય થઈ જતું હતું. આમ તો હવેલીમાં પગ મૂકતાંની સાથે જ એક જુદી દુનિયામાં પગ જઈ ચઢતો હતો. જે દુનિયામાંથી હું આવતો હતો તેને આપોઆપ તાળું વસાઈ જતું હતું. એક જુદો જ કાળખંડ, એક જુદું જ વાતાવરણ, કીડિયારાંની જેમ ખદબદતા વાતાવરણમાંથી બહુ ઓછા પગ એ દિશામાં વળતા હતા. સાબુ-ટુથપેસ્ટ-ચા-શરબત-પીપરમીંટોના કકળાટની વચ્ચે દબાઈ ગયેલી, કચડાઈ ગયેલી વિકૃત પુરાણકથાઓ મૂઢ બનીને ટી.વી.સ્ક્રીન પર જોઈ રહેલા, આંખો વિનાના ટોળામાંથી છટકી જઈને હું વૈકુંઠકાકાના મોઢે ભાગવતકથા સાંભળતો બેસતો. ચાર પાંચ શ્રોતાઓ આગળ તેમની કથા એક મોટા ઝરણાની જેમ વહેતી રહેતી. મને જોતાંવેંત એમની આંખમાં માગશરની રાતના આકાશની ચમક આવતી. ક્યારેક તો કથા પડતી મૂકીને ગાવા માંડતા, ‘આજની ઘડી તે રળિયામણી, મારો વા'લોજી આવ્યાની વધામણી.'
પણ મારા કાને આ અત્યારે શાનો અવાજ સંભળાય છે? ‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ…’ મેં કાન માંડ્યા. હવેલી સામે જોયું, જોયા જ કર્યું. સાવ આછો અવાજ હતો, પંખીના પીંછા જેવો આછો. એનો પ્રતિધ્વનિ મારી આંખોમાંથી રેલાવા લાગ્યો. મારી આંખ સામેનું બધું ઝાંખું ઝાંખું લાગવા માંડ્યું.
છેવટે અંદર આવ્યો. મન ચોંટતું ન હતું એટલે આંટા મારવા લાગ્યો. ટેબલ પર પુરાતત્ત્વવિદ્યાને લગતાં મારાં પુસ્તકો પડેલાં હતાં. છેલ્લા વરસની પરીક્ષા મારે આપવાની હતી એટલે ખાસ્સી તૈયારીઓ ચાલતી હતી. મને આ પુસ્તકોમાં ખૂબ રસ પડતો હતો. રણમાં વસતા માનવીઓ કંજૂસની જેમ પાણીના ટીપેટીપાને સાચવી રાખે તેમ આ બધા પુરાતત્ત્વવાદી ભૂતકાળને સાચવતા બેઠા હતા. પણ અત્યારે મારું મન આ બધું વાંચવામાં ન હતું. સમયની ગતિ કોનાથી રોકી શકાય અને છતાં હું એને થંભાવી દેવા માગતો હતો એમ મારા બાપુજી અને ભાઈ કહેતા હતા. સામે કેટલી બધી અઢળક સંપત્તિ હતી. જે એક વાર લક્ષ્મીને ઠોકરે ચડાવે છે તેની સામે પેલી વૃદ્ધ નાયિકાની જેમ તે વેર વાળે છે, પછી એની સામે કદી જોતી પણ નથી. મારી આગળ ભવિષ્યનાં કાળચોઘડિયાં સંભળાવા લાગ્યાં. એનો અવાજ બુલંદ થતો ગયો. મેં સામેની ભીંત પરના આયનામાં મારું પ્રતિબિંબ જોયું. આ ક્યાં એમ.એ.ની પરીક્ષા આપવા નીકળેલો પેલો પ્રવીણ છે? આ તો ચડ્ડી પહેરીને દાખલા ગણવા બેઠેલો પ્રવીણ છે. ક્યારે દાખલા પૂરા થાય અને ક્યારે હવેલીમાં જવા દોટ મૂકું એની ઉત્કંઠા ધરાવતો પ્રવીણ છે. હવેલીમાં જઈને એ તો વૈકુંઠકાકાને તેમની સેવાપૂજામાં મદદ કરવા માગે છે. હાંડીઝુમ્મરોના કાચથી માંડીને તાંબાપિત્તળનાં વાસણો સાફ કરવા માગે છે; જૂના ભવ્ય રાચરચીલા પરની ધૂળ ઝાટકી ઝાટકીને સાફ કરવા માગે છે. મને યાદ આવ્યું કે કેટલીય વખત એવી રીતે હું ત્યાં પહોંચી ગયો હતો. મદદ કરીને થાકી ગયો હતો. એવી રીતે થાકી જઉં ત્યારે ત્યાં ઊંઘી પણ જતો હતો. ઊંઘી ગયો હોઉં કોઈ ખૂણામાં અને સવારે આંખો ખોલું તો છત્રપલંગમાં સૂતેલો હોઉં. મને યાદ આવ્યું કે ઘણી વાર વહેલી સવારે આંખ ખૂલી જાય, ભળભાંખરું થવાની તૈયારી હોય, માથા પર કાચની હાંડીઓ લટકતી હોય, ભીંતોની છતો પરનાં ચિતરામણ ધ્રૂજતા થરકતા દીવાઓના પ્રકાશમાં સાવ જુદાં જ લાગતાં હોય. ક્યારેક તો મને બીક પણ લાગતી, એટલે જાગી જઉં તો આંખો મીંચી જ રાખતો. વૈકુંઠકાકા નાહીધોઈને શ્રીકૃષ્ણ શરણં મમનો પાઠ કરતા કરતા આવે અને મારા કપાળે હાથ ફેરવે ત્યારે જ આંખો ખોલતો.
અચાનક મેં કપાળે હાથ મૂક્યો, પેલો માયાળુ હાથ ક્યાંય ન હતો. હું એકદમ સભાન થઈ ગયો. હવેલીમાં જવાનું મને મન થયું. છ વાગવા આવ્યા હતા એટલે અત્યારે તો પેલો મોહન પણ જાગી ગયો હશે, સાથે બેટરી રાખી. ઘરની બહાર પગ મૂક્યો ત્યારે આછીપાતળી અવરજવર શરૂ થઈ ગઈ હતી.
તોતિંગ દરવાજો માત્ર અડાડી રાખેલો હતો. વૈકુંઠકાકાની ગેરહાજરીમાં પણ એ દરવાજો બંધ કરવાનો, ખોલવાનો વિધિ ચાલુ જ હતો. તેમના દાદાએ બંધાવેલી હવેલીના કડાને મેં હળવેથી સ્પર્શ કર્યો. એના પર કેટલા બધા સ્પર્શ થયા હશે, ભૂતકાળના એ બધા સ્પર્શોની છાપ રખેને ભુંસાઈ જશે એવી બીક લાગી. દરવાજા પછીનું ચોગાન વટાવી હું અંદર પ્રવેશ્યો. મોહન દાતણ કરતો હતો, ‘ભાઈ, અત્યારે?’
‘હા, મન થયું. ફાનસ સળગાવી દે તો. આમ તો બહુ જરૂર નહીં પડે.’
મોહને દાતણ કરતાં કરતાં જ મને ફાનસ સળગાવી આપ્યું. બેટરી ખિસ્સામાં મૂકીને ફાનસ હાથમાં ઝાલીને હું નીકળ્યો. હવેલીમાં વીજળી ન હતી. વૈકુંઠકાકાને કેટલું બધું સમજાવેલા કે આટલી મોટી હવેલીમાં દરરોજ દીવા કરવા, તેલ પૂરવા, કાચના ગોળા સાફ કરવા, એ બધું કામ બહુ અટપટું છે, એના કરતાં વીજળી લઈ લઈએ, આખી હવેલી ઝગમગી ઊઠશે પણ કોઈ એમને સમજાવી શક્યું ન હતું. દીકરાઓ તો કૉલેજમાં આવ્યા એટલે તરત મિત્રોને ઘેર રાતે સૂવા ચાલ્યા જતા હતા. ‘દીકરા પ્રવીણ, મારી વાત તને નહિ સમજાય.’ પછી તો બધાએ એમને સમજાવવાનું પણ છોડી દીધું હતું. જેવી રીતે વીજળીની ના પાડી તેવી રીતે નળની પણ ના પાડી. ‘કૂવાનાં પાણી પૂરતાં છે.’ પણ હવેલીની સંભાળ રાખવામાં જરાય કમી રહેતી ન હતી. મહિનામાં એક વાર આખી હવેલીની ફરસ નિયમિત રીતે ધોવાતી હતી. વૈકંઠુકાકા તો ચોકમાં કૂવા આગળ નાહી લેતા હતા. એક ખૂણામાં સ્ત્રીઓ માટે નાવણિયું હતું.
ચોકમાં અજવાળું હતું. વાદળો દૂર થયાં હતાં. મેં ફાનસ બાજુ પર મૂક્યું. હવે એની જરૂર નહીં પડે. મારી નજર કૂવા પર પડી. હમણાં જ જાણે કોઈએ ડોલ ભરીને પાણી ખેંચ્યું છે. દોરડું પણ ભીનું છે, એની કાથી પર પાણીનાં ટીપાં બાઝેલાં છે. ચોકને ફરતી પરસાળ અને પરસાળ પર કોતરણીવાળા લાકડાના થાંભલા અને તેની મૂર્તિઓ. હું આગળ વધ્યો. નાવણિયાની બાજુમાં જ રસોડું, રસોડા પાસે જ એક નાનકડી ખોલી, તેમાં કોલસાની ગૂણો અને લાકડાના ફાચરા... બહાર લાઈનબંધ નાનીમોટી સગડીઓ. અન્નકૂટ કે જન્માષ્ટમી પ્રસંગે આ બધી સગડીઓ એક સાથે પેટી ઊઠતી અને તપેલાં ચઢી જતાં. વરસોવરસ બરાસની સોડમવાળી મીઠાઈઓ ખાધી હતી તેની સ્મૃતિથી જીભ સળવળી ઊઠી; મારું નાક ફોરી ઊઠ્યું. ઘીમાં, તેલમાં થતા વઘારનો છમકાર અને એલચી જાયફળ તજ લવિંગની વાસ ઘેરી વળ્યાં.
એમનું નિજમંદિર ખાસ્સું મોટું મંદિર. હાંડી ઝુમ્મરોવાળું મંદિર, છત પર ચિતરામણ અને ખૂણામાં સંગીતનાં સાધનો; આ એમની આરતીની દીવી અને ઘંટડી. મને મન થઈ ગયું, ચાલ દિવેટો કરી દઉં, ઘી પૂરું અને પ્રગટાવી પણ દઉં, ચંદનની અગરબત્તીઓથી આખી હવેલી અને આખી શેરી મ્હેંકાવી દઉં. પછી નગારાં આપોઆપ વાગવા માંડશે. મારામાં વસતો કિશોર જાણે મારામાંથી છલાંગ મારીને બહાર કૂદી પડ્યો અને આરતીની સાથે તાલી પાડવા લાગ્યો. હું આગળ વધ્યો, મારી આગળ પેલો કિશોર હતો, તો પછી એની આગળ વૈકુંઠકાકા હોવા જ જોઈએ.
અમે ત્રણે આગળ વધતાં હતાં. એક ઓરડીમાંથી બીજા ઓરડામાં અને બીજામાંથી ત્રીજામાં. કોઈ ભવ્ય સંગ્રહાલયના એક પછી એક ઓરડામાં જતા હતા. તાજાં ફૂલોની મહેક મને વીંટળાવા લાગી. શાની આ મ્હેંક છે? વરસાદી, ભેજીલા વાતાવરણમાં જૂઈ, કેવડા મ્હેંકે છે, હિંડોળાની તૈયારીઓ ચાલતી હશે... મારું મગજ ભમવા માંડ્યું. હું ક્યાં છું, મારી સાથે, આજુબાજુ કોઈ છે કે નહીં એનો ખ્યાલ સુધ્ધાં ન રહ્યો. હું પરવશ બનીને ખેંચાયે જતો હતો. હા, અહીં જં ઢોલત્રાંસાં વાગતાં હશે. હિંડોળાની તૈયારી માટે આખો પરિવાર એકઠો થતો હશે, વૈકુંઠકાકા પણ ત્યારે તો બાળક હશે... ચારે બાજુથી નાના મોટા અવાજો આવવા માંડ્યા. હાસ્યના, રુદનના, ગીતોના, સંગીતના એ અવાજો મને ભીંજવતા રહ્યા... નાનપણથી આ બધા અવાજોની કથાઓ વૈકુંઠકાકાના મોઢે હું સાંભળતો આવ્યો હતો. ત્યારે તો કાકાય એકલા જ હતા ને! દીકરાઓ તો ભણતર પૂરું કરીને એક જ છલંગે સમુદ્ર ઓળંગી ન્યૂયોર્ક પહોંચી ગયા હતા. ત્યાર પછી આ મોટા મોટા ઓરડાઓમાં હું અને કાકા એમ બે જ આંટા માર્યા કરતા હતા. ક્યારેય વૈકુંઠકાકાએ દીકરાઓની ફરિયાદ ન કરી, ‘હોય એ તો, ઈશ્વરેચ્છા.’ ક્યાંથી પ્રગટી હશે આ સ્વસ્થતા?
આ હવેલીને, એની એકેએક વસ્તુને કેટલી બધી નિકટતાથી જોઈ છે, બધું પરિચિત છે... એ જ નિજમંદિર, એ જ કૂવો, એ જ હાંડીઝુમ્મર, કોતરણીવાળાં ધાતુપાત્રો અને તોય જાણે બધું પહેલી વાર જોઉં છું... આ હવેલીને આવી ને આવી જ, ભૂતકાળનાં દટાઈ ગયેલાં પડ હેઠળથી ખોદી કાઢીને જીવતી તો નથી બનાવી દીધી ને! એક જુદા જ કાળખંડમાંથી ઊંચકાઈને તો હું આ હવેલી સમેત વીસમી સદીમાં નથી આવી ગયો ને! આ રહ્યું ઘઉંની સેવ પાડવાનું લાંબું કોતરણીવાળું પાટિયું, એના વડે ઘરની સ્ત્રીઓ સેવો પાડતી હશે અને નાના છોકરાં છાબડાં પર ઝીલતાં હશે; કબાટો, એમાં જડેલા આયનાઓ... એમની સામે ઊભા રહો તો એમાંથી વૈકુંઠકાકાની દાદીથી માંડીને મા, પત્ની સુધીનું સ્ત્રીમંડળ બહાર આવવા માંડે. મારી આંખો ભારે બનીને મને ભમાવી દેશે એમ લાગ્યું... મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ... બસ. નહીંતર આનો એકેએક પથ્થર મારી સાથે સંવાદ કરવા માંડશે. ના, ના હવે તો અહીંથી જતો જ રહું, જતો જ રહું એમ કરતાં કરતાં મારા પગ મને પાછળ ને બદલે આગળ ને આગળ ખેંચતા ગયા. હું એક માળ, બીજો માળ, એમ કરતાં કરતાં છેક ઉપર જઈને ઝરુખામાં ઊભો રહ્યો. સૂર્ય ઊગી ગયો હતો. છાપરા પર દસ બાર પોપટ આવીને બેઠા હતા. તડકામાં એમના રંગ સામે હું જોતો જ રહ્યો. ત્યાંથી એકાદ પોપટ ઊડીને અમારા ઘરની અગાસીની પાળે બેઠો. અમારું ઘર બે માળનું હતું. પણ એકાએક એ બે માળનું લાગવાને બદલે બહુમાળી કેમ લાગવા માંડ્યું! મેં આંખો ચોળી, પેલો પોપટ અગાસીની પાળ પરથી પાછો પોતાના સાથીઓ ભેગો આવી ગયો. પાછી મારી આંખો રમત રમવા બેઠી કે શું? પણ આ શું જોઈ રહ્યો છું? અમારા આ બહુમાળી લાગતા ઘરની ટોચ પર આ ગરુડ કેમ ચકરાવા લઈ રહ્યા છે. અને હું શું અધ્ધર જ ઊભો છું? હવેલી ક્યાં ગઈ? એનું ઉદર બહુ મોટું, બહુ મોટું હોવું જોઈએ! મને ડર લાગવા માંડ્યો. અમારી આખી પોળ તો એમાં સમાઈ નહીં જાય ને! .....ના ...ના, હવેલી તો આ રહી. મારા પગ અહીં નથી તો ક્યાં છે? અમારું મકાન પણ બે જ માળનું છે, મને પરસેવો પરસેવો થઈ ગયો હતો. હવે મારે અહીંથી જવું જોઈએ એવું લાગ્યું એટલે જવા પગ ઉપાડ્યા, પણ એકદમ ઉપડ્યા નહીં. બળપૂર્વક મેં પગ ઉપાડ્યો, જાણે મારા બંને પગ અંદર રોપાઈ ગયા હતા. એ રોપાઈ ગયેલા પગમાંથી કશુંક ફૂટી નીકળેલું હતું. એ બધું ઉખેડતા જાણે મારા પગ ઉઝરડાઈ ગયા, પગ બહાર કાઢ્યા. એની સાથે હવેલીનો થોડો ભાગ પણ પગે વળગી ગયો હતો, એવી લંગડાતી ચાલે હું નીચે આવ્યો. ઘેર જતાં પહેલાં ફરી એક વાર કાકાનો અવાજ એ ઢોલિયામાં આવીને વસ્યો હતો. ‘ભઈલા, સૂઈ જા... સૂઈ જા. જાગવાને માટે તો આખી ઉંમર પડી છે.' ફરી મારા ઉઝરડાયેલા પગ લઈને હું ઢોલિયા પાસે ગયો. જેમ જેમ પાસે જતો ગયો તેમ તેમ ઢોલિયો હાલમડોલમ થતો લાગ્યો. ઘડીકમાં નાનો થતો તો ઘડીકમાં મોટો થતો લાગ્યો. એમાં જાતજાતનું દેખાઈ રહ્યાનો ભાસ થયો. હું ખેંચાયે જતો હતો. ઢોલિયા પર જાણે વૈકુંઠકાકા છે. ક્યાંકથી વાંસળી વાગતી સંભળાય છે, વહેતાં પાણીનો ખળખળ અવાજ સંભળાય છે, એ વહેતાં પાણીમાં ઝાંઝરનો મોહક અવાજ ભળી ગયેલો લાગ્યો અને હું ઢોલિયા પર ઢળી પડ્યો.
મને કોઈ ઢંઢોળતું હતું. મેં આંખો ખોલી, મારી નાની બહેન સરોજ સામે હતી. ‘પ્રવીણભાઈ, ઊઠોને! બાપુજી તમને બોલાવે છે... તમને ખબર છે કેટલા વાગ્યા તે? નવ વાગ્યા નવ!' હું તરત ઊભો થઈ ગયો. બાપુજી શા માટે બોલાવે છે તેની મને ખબર હતી. આજે મારા મામાનો દીકરો આશિષ હવેલીની જગ્યાએ ઊભા થનારા એક મોટા સંકુલની યોજના લઈને આવવાનો હતો. મારા કાકા તેમના ઓળખીતા બિલ્ડરને લઈને આવવાના હતા. એ બધા મારી રાહ જોતા હશે.
હું અને સરોજ ઘેર જવા નીકળ્યા. ફરી ચોક આવ્યો. હું જરાક ખમચાયો.
મોહને નાહી લીધેલા પાણીમાં વૈકુંઠકાકાનું પ્રતિબિંબ મેં જોયું. ‘પ્રવીણ... ઓ પ્રવીણ...’ હું એ પ્રતિબિંબ તરફ જવા માંડ્યો ત્યાં સરોજે મારો હાથ પકડીને ખેંચ્યો. ‘ચાલો ને ભાઈ, ચા-નાસ્તો પણ તૈયાર છે!’ મારા પગ સરોજની પાછળ પાછળ જવા માંડ્યા અને અચાનક મારી ભીતર કશું સળવળવા માંડ્યું. એ સળવળાટે ફરી મને રોક્યો, મૂઝવ્યો. મારી આંખ સામે ફરી પુરાતત્ત્વના અવશેષો નજરે પડ્યા. સરોજનો હાથ તરછોડીને કૂવાના થાળા તરફ દોડી ગયો. કૂવાના પાણીમાં ડોકિયું કર્યું. એમાં વૈકુંઠકાકા જ નહીં પણ જાણે એમનો સમસ્ત પરિવાર હતો. કૂવાની ભીંતમાંથી પીપળો ફૂટી નીક્ળ્યો હતો, એ પીપળા પરથી એક ઉંદર દોડી ગયો. હું ચોંક્યો. મને એ ઉંદર જોઈને કશુંક યાદ આવ્યું. મેં કૂવામાં ડોલ નાખી, ‘ભાઈ, શું કરો છો?' સરોજનો પ્રશ્ન મેં ગણકાર્યો નહીં. ડોલ પછડાવાનો અવાજ આવ્યો અને તરંગો વિસ્તર્યા, જાણે એ વિસ્તરતા તરંગોમાં બધું જ શમી ગયું. યંત્રવત્ ડોલ ઉપર ખેંચી કાઢી. એના પાણીથી મોં ધોયું, કોગળા કર્યા, ફરી એ થાળા આગળ ઢોળાયેલા પાણીમાં હવેલીનો ઉપલો ભાગ અને આકાશ દેખાયા. ધીમે ધીમે હવેલીમાંથી અને આકાશમાંથી એક ધૂંધળો આકાર ઉપસી આવ્યો. એ ધ્રૂજતો, ઝાંખો આકાર વૈકુંઠકાકાનો હતો. હવે એમની આંખોમાંથી અવાજ આવતો હતો. મારા કાન નહિ, મારી આંખો એ અવાજને પામતી હતી. ધીમે ધીમે વૈકુંઠકાકાની આસપાસ થોડા બીજા આકારો ઉપસવા માંડ્યા. અન્નકૂટ, હિંડોળા, આરતી આંખોમાં અંજાઈ ગયા, મારું લોહી તરત જ ધસમસતું વહેવા લાગ્યું. આગલી રાતના ઉજાગરાથી આંખ કળતી હતી તે બંધ થઈ ગઈ. ખોદકામ કરતાં કરતાં મહામૂલી વસ મળી જાય અને જે ચમકાર થાય એવો ચમકારો અનુભવ્યો. હું નીચે બેસી ગયો અને પહેરેલાં કપડાં શરીર પર એવાં ને એવાં રાખીને ડોલમાં વધેલું પાણી ઠાલવી દીધું. સરોજ જોતી જ રહી ગઈ. ‘જા સરોજ, જલદી દોડ. મારાં કપડાં અને ટુવાલ લેતી આવજે.’ મારા પર કૃત્રિમ મિજાજ કરતી સરોજે પગ ઉપાડ્યા. ફરી મેં એને ઊભી રાખી, ‘જો, બાપુજીને કહેજે કે હું ઘેર નથી આવતો. હવે અહીં જ રહીશ. ફેણ માંડીને અહીં રહીશ.’ મારી વાત ન સમજાયાનો ભાવ સરોજના મોં પર દેખાયો પણ એ ગઈ અને હું પાણીની ડોલો એક પછી એક ઠાલવતો રહ્યો.
ઑક્ટોબર, 89
એતદ્ - ડિસેમ્બર, 89
સ્રોત
- પુસ્તક : અંચઈ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : શિરીષ પંચાલ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 1997
