Hari ni hodi - Short Stories | RekhtaGujarati

હરિની હોડી

Hari ni hodi

વનુ પાંધી વનુ પાંધી
હરિની હોડી
વનુ પાંધી

દરિયો હાંફતો હતો.

મધ્યાહ્નના સૂર્યના પ્રખર તાપથી એની કાયામાં ઉકળાટ ઊભો થયો હતો. અને શીતળ છાંય શોધવા એનાં મોજાં ચોતરફથી કિનારા તરફ વેગથી ધસતાં હતાં. ઘમસાણથી એનાં પાણીનો રંગ ભૂખરો કાળો બની ગયો હતો. મૂંઝાઈ જતાં મોજાં અરસપરસ અથડાઈ પડતાં ત્યાં ઊંચે સુધી પાણીની સફેદ છાંટ ઊઠતી હતી.

નજર પહોંચે ત્યાં સુધી ખારાં પાણી વિસ્તરીને પડ્યાં હતાં. પાણીની માયાને આગળ વધતી રોકતો લાંબો કિનારો સૂર્યના પ્રકાશમાં ઝળહળતો હતો. કિનારાની પાછળના ભાગમાં સફેદ રેતીના મોટા ઢગલા બેચેન બની ઊભા હતા. સૂસવતો પવન ઢગલા પરથી રેતી ઉઠાવી નેળમાં પાથરતો હતો, અને સમુદ્ર રે’તી પરથી મોજાં સાથે કિનારા પર ઠાલવી દેતો હતો. વૃક્ષો વિનાનો સાગરકાંઠો વેરાન અને એકલવાયો લાગતો હતો.

હરિએ હોડીના સુકાન પર બેઠે બેઠે બધું જોયા કર્યું. પોતે દૃશ્ય દરરોજ જોતો રહેતો છતાં દૃશ્ય ફરીવાર જોવા મોજાંની મસ્તીમાં ડૂબી જવા અને ખારા પાણીમાં આંખ પરોવી દેવા દિલમાં પ્રબળ ઇચ્છા કેમ જાગતી વાત એને સમજાતી હતી. હોડીમાં આઠ-દસ માણસો હતાં. એક કિનારેથી બીજા કિનારે તેમને જવું હતું. સામેનો કિનારો જેમ નજીક આવતો ગયો તેમ ગામનાં મકાનો વધુ ઊંચાં અને ચોખ્ખાં દેખાવા લાગ્યાં. દૂર દૂર જોતાં હરિએ બાજુમાં પોતાની પત્ની સોનાને કહ્યું :

‘ફુરદો તો સાવ તૂટી ગયો હેં!’

‘તૂટી તો શું ગયો; પણ બે-પાંચ સાલમાં એના પાણા પણ હાથ નથી લાગવાના.’

‘નીચે મોટાં ગાબડાં છે તેમાં ભરાયેલ પાણી જોર કરી ઠેઠ ઉપર આવી જાય છે અને ઉપર એની તો લીલ જામી છે કે હાલનાર ઊંધે માથે પડે. મામદ ભડાલો નૈ?’ હરિ બોલ્યો.

‘કોણ ઈ?’ સોનાએ પૂછ્યું.

‘ઓલો, ફુરદા પર લાલબત્તી પેટાવા જાય છે તી. તી કે’તો હતો કે બત્તી પેટાવા જાઉં છું તી એક બાજુ ગુફાર વાવડો અને બીજી બાજુ લપસાણું... માંડ કરી પોગું છું.’

વાતોમાં હોડી આડી ફંટાઈ ગઈ હતી. તેને સુકાન ફેરવી હરિએ સીધા માર્ગે લીધી. હોડી નાની અને મજબૂત હતી. એના લીલા રંગ પરના સફેદ રંગના પટાથી સુંદર લાગતી હતી. સઢ નવો હતો એટલે એનો સફેદ રંગ હજુ ઝાંખો થયો હતો. પાછળનો પવન હતો એટલે હોડી તીરવેગે નાસતી હતી. હરિ મગરૂર નજરથી પોતાની હોડી જોઈ રહ્યો.

ત્યાં સોનાની ગોદમાં માથું ઢાળી સૂતેલ પ્રભુ સળવળ્યો. પવનથી ઓઢણી ખસી જતાં સૂર્યના તાપથી અકળાઈ તેણે આંખ ખોલી. આંખ ખોલતાં તે બોલ્યો, ‘મા ભૂખ લાગી છે.’

રીસથી સોનાએ કહ્યું :

‘મલક આખાની ભૂખ લઈને આવ્યો છે તે ખાઉં... ખાઉં કરે છે.’

ભૂખરા વાળવાળા દીકરાના માથા પર વહાલથી હાથ ફેરવતો હરિ બોલ્યો :

‘ખારવાથી ભૂખ જીરવાય ને તો બચ્ચું છે.’

મા દીકરાને સમજાવવામાં ગૂંથાઈ ત્યાં કિનારો નજીક આવ્યો એટલે હરિએ સુકાનનો દાંડો પત્નીના હાથમાં મૂક્યો અને તે સઢ ઉતારવામાં ગૂંથાયો.

સઢ ઊતરી ગયો તે છતાં હોડી કિનારાની ભીની રેતી પર થોડે સુધી વેગથી ધસી ગઈ, આડીઅવળી થઈ અને પછી સ્થિર થતાં અંદર બેઠેલ મુસાફરો કૂદી પડ્યા. સાથે સોના પણ ઊતરી ગઈ અને બધા પાસેથી ભાડું વસૂલ લેવા લાગી.

કિનારાની રેતી પર બેસી, પગથી રેતી ખૂંદતો પ્રભુ રડતો રડતો કહેવા લાગ્યો, ‘ભૂખ લાગી છે... મારે ખાવું છે...’

મા બોલી : ‘એક ફેરો થઈ આવવા દે પછી ખાશું.’

પણ પ્રભુનુ આક્રંદ વધતું ચાલ્યું.

જોઈ હરિ હોડી પરથી કૂદી પડ્યો અને છોકરાને પોતાની બાથમાં લઈ ચૂમીઓ દેતો બોલ્યો :

‘બહુ ભૂખ લાગી છે મારા દીકરાને, હેં?’

પ્રભુ માથું હલાવી હા કહેતો હતો.

‘હાલ સોના, પહેલાં પેટપૂજા કરી લઈએ. છોકરો બચારો ભૂખથી અર્ધો થઈ ગયો છે અને તને ફેરા સૂઝે છે.’

‘તેં બગાડ્યો છે એને... ચાટ ચાટ કરશ તી એક દી જોજે... પાણીયે પિવડાવવા ઊભો નથી રહેવાનો... બગડીને ધૂળ થઈ ગયો છે...’ મા ફરિયાદ કરતી રહી અને બાપ દીકરાને ખભા પર ઉઠાવી ડાંફો ભરતો રેતી ખૂંદતો આગળ ચાલતો થયો. સોના પણ તેને પગલે ધીમે ધીમે પાછળ ચાલવા લાગી.

થોડે દૂર કિનારા પર આડે પડેલ એક મોટા વહાણની આડમાં છાંયડો હતો ત્યાં જઈ હરિએ પ્રભુને નીચે ઉતાર્યો. સોને કપડું પાથરી તે પર રોટલા, તળેલી માછલી અને છાશ મૂક્યાં.

માછલીની સુગંધથી હરિ ખુશ થઈ ઊઠ્યો.

‘વાહ... વાહ... આજે તળેલી લાવી છો...’ સોના હસી. માને હસતી જોઈ દીકરો હસ્યો. થોડીવાર પછી કપડા પર માછલીના કાંટા સિવાય કંઈ પણ રહ્યું હતું.

પ્રભુ દોડતો વહાણની બીજી તરફ રમવા ચાલ્યો ગયો. એક મોટો ઓડકાર ખાઈ હરિએ રેતી પર લંબાવ્યું. હાથ પર માથું ઢાળી તે થોડીવાર આંખ બંધ કરી પડ્યો રહ્યો. સોનાએ દરિયા સામે જોયા કર્યું. નેળનાં પાણી ખૂંદતી એક બીજી હોડી કિનારા પર આવતી હતી અને તેમાં બેઠેલ માણસો ગણતાં સોનાને થયું કે હોડીવાળો સારું કમાયો હશે.

હરિએ આંખ ખોલી. એની સામે દરિયો ખુલ્લો થયો પાણીથી ભર્યો ભર્યો, ચંચળ અને ગતિશીલ. એનું મન કલ્પનામાં ડૂબી ગયું. બાજુમાં પડેલ તોતિંગ વહાણની દીવાલ પર હાથ ફેરવતો તે બોલ્યો :

‘સોના, સાચું કહું! મને નાની હોડી ફેરવવાની મજા નથી આવતી. મનમાં થાય છે કે આવડું મોટું વહાણ હોય અને મોટા દરિયામાં નીકળી જાઉં. લાંબી ગોસ ખેડવા દિલ થઈ આવે છે.’

ખારવાના મનોભાવ સમજતી ખારવણ બોલી :

‘તું જાત તો હું ધકેલત; પણ તું દેખતો નથી કે હવે મોટાં વા’ણ કિયાં બંદર બાર નીકળે પણ છે.’

હરિએ નિશ્વાસ નાખ્યો.

‘સાચી છો તું. બધાં કે’ છે કે વેપાર નથી. એક દાયકા પે’લા તો કાંઠાથી ગામ સુધી ગાડાંની હેડ લાગી રહેતી. બંદર પર માલ સમાયો રહેતો... ને આજ...? આજ કાગડા ઊડે છે.’

પતિના વેદનાથી ઊભરાતા ચહેરાને જોતી સોના મૂંગી રહી. હરિએ એના સામે જોયું.

‘કાં ચૂપ છો?’

‘શું બોલું?’

સોનાનો રેતીમાં રમતો હાથ હરિએ ખેંચ્યો અને સોના એની પાસે ખેંચાઈ આવી. એનું માથું પકડી હરિએ પોતાના હોઠ સોનાના હોઠ પર ચાંપી દીધા. સાગરનો સ્વાદ એમાં ભળતો જોઈ હરિ વધુ તોફાને ચઢ્યો.

‘ખારવણ, ભારે મીઠી લાગ હેં!’

સોના હસી.

‘કોના જેવી?’

‘કોના જેવી?... કહ્યું?...’ હરિ સહેજ વિચારી રહ્યો અને પછી તે બોલ્યો :

‘દરિયા જેવી...!’

હસતી સોના પતિના બાહુપાશમાં જકડાઈ ગઈ.

વાતાવરણ પાણીના સતત સંપર્કથી ભેજવાળું અને બોજિલ બન્યું હતું. દરિયામાંથી તાજી બહાર આવેલ માછલી જેવી ગંધ વાતાવરણમાં રમતી હતી. પવન સૂસવતો હતો. ખારાં પાણી ઊલળતાં હતાં. માછીમારોની હોડીઓ નેળમાં ફરતી હતી.

સોનાએ કહ્યું :

‘રવાળીને કેટલા દી બાકી કહ્યા?’

‘હવે તો આઠ-દસ દિવસ માંડ હશે.’ હરિએ કહ્યું.

‘તો તો થોડા દી રહ્યા. હજુ તો કપડું લેવું છે ને? મૂવો દરજી પણ ઈમ કિયાં હા પાડવાનો હતો.’

હરિએ કહ્યું : ‘મારું ડિલ તપીને કાળુંભઠ થઈ ગિયું ને તુંને આવું બધું સૂઝે છે.’

સોના હસતાં બોલી, ‘મરદ મે’નત કરે ને ઓરત બનીઠની ફરે...’

ત્યાં દૂરથી અવાજ આવતાં વાત ટકી ગઈ. હાથ ઊંચા કરી બેત્રણ જણ બૂમ પાડતાં હતાં :

‘એ... ય... હરિ માલમ... હાલજે સામે કાંઠે જવું છે.’

અવાજ સાંભળી હરિ સફાળો બેઠો થઈ ગયો. સોના પણ ઊઠી અને દૂર રમતા પ્રભુનું બાવડું પકડી ઢસડતી હરિ પાછળ ચાલી.

રેતીમાં ખૂંપેલ જૂના લંગર સાથે બાંધેલ હોડીના રસ્સા હરિએ છોડ્યા અને ઢસડીને પાણીમાં લઈ આવ્યાં. થોડી વાર પછી સઢમાં પવન ભરીને હરિની હોડી સામે કિનારે ધસતી હતી.

ખારવા કોમનો રવાળીનો ઉત્સવ ઊજવાઈ ગયો. હરિની હોડી ફરીથી બે કાંઠા વચ્ચે ફરતી થઈ ગઈ.

એક દિવસ હરિએ પોતાના પુત્ર પ્રભુને બાવડે પકડી ખારા પાણીમાં ઝબોળી દીધો ત્યારે સોના ચીસ પાડી ઊઠી :

‘આ શું કરશ... છોરો મરી જાશે.’

હરિ ખડખડાટ હસતો રહ્યો.

‘ઈના પેટમાં થોડું ખારું પાણી જાશે તંયે કારવો થાશો...’

અને ત્યાર પછી તો હરિની રમત દરરોજની થઈ પડી. ક્યારેક કિનારાના છીછરા પાણીમાં બે હાથ પર પ્રભુને લઈ લેતો અને પ્રભુ પણ મુક્ત મને પોતાના હાથપગ ચલાવવા લાગતો. ધીમે ધીમે પ્રભુને ખારા પાણીની એવી તો લગન લાગી કે અર્ધ રસ્તે હોડીમાં તે માના હાથમાંથી છટકી પાણીમાં ભૂસકો મારવા દોડતો ત્યારે સોનાનો શ્વાસ અધ્ધર રહી જતો. પત્નીની બેબાકળી નજર જોતો હરિ મોટેથી હસી દેતો.

એક ખૂબસૂરત સાંજ આકાશમાં ઢળતી હતી. પશ્ચિમ દિશા લાલ-ગુલાબી થઈ ગઈ હતી, શાંત પાણી રંગમાં તરબોળ બન્યાં હતાં. પવન વાતો હતો અને ધીમાં મોજાં કિનારા પર પથરાતાં હતાં. દરિયો ધીમો ધીમો ગુંજતો હતો. નેળમાંનો છેલ્લો માછીમાર પોતાની જાળ સંકેલતો હતો. ત્યારે હરિએ પોતાની હોડી કિનારાની સૂકી રેતી પર ખેંચી લીધી. લંગર સાથે રસ્સા મજબુતીથી બાંધી દીધા અને પ્રભુને ખભે લઈ ગામ તરફ ચાલવા લાગ્યો. તેની પાછળ આખા દિવસની કમાઈના પૈસા ગણતી, ભૂલતી અને ફરી ગણતરીમાં પડી જતી સોના ચાલતી હતી. તૂટેલ ગઢના દરવાજા પાસે સામેથી દોડતો આવતો લખમણ હરિ સાથે લગભગ ભટકાઈ પડ્યો. હરિએ પૂછ્યું :

‘કાં?... આમ રઘવાયો થઈને ક્યાં ભાગ્યો?’

‘અરે હરિ?... તને શોધતો હતો. હાલ તો મારા ભેગો.’

‘પણ ક્યાં?’ હરિએ પૂછ્યું.

‘ઈ પછે પૂછજે.’ કહી લખમણે હરિનો હાથ પકડી ઢસડ્યો, પત્નીને ઘેર જવાનું કહી હરિ પણ લખમણની સાથે ચાલવા લાગ્યો.

‘પણ લખમમ, વાત તો કર કે છે શું?’

‘કાંઠે લોંચ આવી છે.’ લખમણ બોલ્યો.

‘લોંચ? કેવી લોંચ?’ હરિએ પૂછ્યું.

‘મશીનથી હાલતું વા’ણ, જોવા જેવું છે.’

કૌતુક જોવાની ઇચ્છાથી હરિએ પણ પગ ઉપાડ્યા.

બન્ને જણ કિનારા પર આવ્યા ત્યારે કિનારે માણસોનું ટોળું ભેગું થયું હતું. તેમાંથી માર્ગ કાઢતા બન્ને જણ આગળ આવ્યા.

કિનારાની દીવાલ પાસે જ્યાં પાણી પાસે પગથિયાં હતાં ત્યાં નાનકડી લોંચ પાણીમાં ડોલતી ઊભી હતી. હરિ મુગ્ધ નયને લોંચ જોઈ રહ્યો. એના ઉપરના ભાગમાં સફેદ રંગ લગાવ્યો હતો અને નીચેનો ભાગ જે પાણી પર હતો ત્યાં વાદળી રંગ દેખાતો હતો. માથે મઝાનું છાપરું હતું અને માણસોને બેસવાના બાંકડા હતા. બારી, બારણાં અને કઠેરા પર લોખંડને બદલે પિત્તળ દેખાતું હતું અને ઝગારા મારતું હતું. લોંચની આગળ કેબિન હતી અને ત્યાં સુકાન હતું જોતાં હરિ વિચારમાં ડૂબી ગયો. કેબિન કાચથી મઢી હતી.

હરિ બોલ્યો :

‘દેખાવે તો ભારે રૂપાળી છે; પણ હાલવામાં કેવીક હશે ભગવાન જાણે.’

‘હાલવામાં પણ ઝડપી છે. આપણા મછવા પવન હોય તો લાચાર થઈ જાય; પણ આનું તો મશીન છે. વાવડાની ચિંતા એને નહિ.’ કરશને કહ્યું

લોંચ પરના ખલાસીઓ સ્ફૂર્તિથી હરફર કરતા હતા. એમનાં કપડાં સફેદ ઊજળાં હતાં, માથે ટોપીઓ પણ પહેરી હતી. ત્યાં લોંચની કેબિનનું બારણું ખૂલ્યું ને કપ્તાન બહાર આવ્યો. ઊંચો, તગડો અને ગોરા રંગનો હતો. કઠેરા પર હાથ મૂકી, અર્ધો ઝૂકીને કિનારાના લોકોને જોવા લાગ્યો. મોંમાં સળગતી સિગારેટ એણે આંગળીના ટેરવે પકડીને પાણીમાં ફેંકી દીધી. માથા પરની ટોપી સહેજ ઊંચી કરી અને આંખે ચઢાવેલ કાળાં ચશ્માં રૂમાલથી લૂછવા લાગ્યો. એની રીતભાતમાં સ્પષ્ટ ગર્વ હતો. હરિને જોતાં નફરત ઊભી થઈ. થોડી વાર રુઆબ છાંટી તે લોંચની અંદર ઉતરી ગયો.

હરિ વિચારોમાં ખોવાઈ ગયો હતો.

લોકોમાં ગણગણાટ ઊઠ્યો.

લોંચ અહીંયાં રહેવાની.’

‘હેં?’

‘હા...’

‘પણ ઈંયા શું કરવાની હતી...?’

કિનારાનાં પેસેંજરો લાવવાના ફેરા કરશે.‘’

અવાજ ફાટી ગયા...

‘હેં...?’ ‘ના... ના...’ ‘ખરેખર...?’

હરિ ઝબકી ગયો.

‘કરશન, શું વાત છે?’

‘બધા કહેછે કે લોંચ ફેરા કરશે... આપણી હોડી જેમ...’

હરિ ચૂપ થઈ ગયો. જો લોંચ ફેરા કરવા માંડે તો પછી પોતાની હોડીનું શું? વિચારથી એનો તો ગૂંથાઈ ગયો કે બીજી વાતો એણે સાંભળી નહિ.

ઘેર આવી હંમેશની રીત પ્રમાણે પ્રભુને બોલાવ્યો નહિ અને ‘થાળી પીરસ’ એમ કહી હરિ બેસી પડ્યો અને શૂન્ય નજરે એક ખૂણાને તાકી રહ્યો ત્યારે સોનાએ પૂછ્યું :

‘મોં કેમ પડી ગયું છે?’ કંઈ વાત છે?’

તોપણ હરિ બોલ્યો ત્યારે સોનાએ પતિના ગળામાં હાથ ભેરવી દીધા.

‘ના બોલો તો મારા સમ...’

હરિ ફિક્કું હસ્યો.

‘લોંચ આવી છેં.’

‘અરે ઈમાં રોવા શું બેઠા?’

‘લોંચ અહીંયાં રહેવાની છે અને આપણે હોડીથી ફેરા કરીએ છીએ તીમ પણ માણસું ઉપાડશે.’

સોનાથી તુરંત વાત સમજાઈ ગઈ. એના હાથ ઢીલા પડી ગયા. આંખ ઝીણી થઈ. આંસુ વહે ચિંતાથી હરિએ વાતને મજાકમાં ફરેવી.

‘ગાંડી, આવી છે તેમ હાલતી થાવાની. માણસુને હોડી જેવી સેલાણી ઈમાં ક્યાં મળવાની હતી?’

બન્ને જણે હસવાનો પ્રયત્ન કર્યો; પણ ઠગારું હાસ્ય વધુ સ્થિર રહી શક્યું.

બીજે દિવસે હરિ માલમ સીધો લોંચ પડી હતી ત્યાં ગયો. આજે વધારે સંખ્યામાં લોક એકઠું થયું હતું. મોટે ભાગે તેમાં ખારવા-ખલાસીઓ હતા. એમના ચહેરા ગુસ્સાથી લાલ થઈ ગયા હતા. અવાજો ઊઠતા હતા :

‘આપણને પૂછ્યા કર્યા વિના લોંચ મોકલી છે તી આપણાં છોરાં શું ધૂળ ચાટવાનાં?’

‘બેપાંચ હજાર માણસ ઓછા આવ-જા કરે છે, તી લોંચ વના ચાલે.’

‘સાંભળ્યું છે કે આપણામાંથી કોકે અરજી દીધી છે કે હોડીમાં સલામતી નથી. જાન જોખમાય છે.’

‘આપણા પોતામાં જીંયાં કુંમડ પડી તીંયાં પછે બીજાં શું કરે?’

હરિ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. મુઠ્ઠઓ ઉગામતો કહેતો હતો :

‘સા... હાલો ભેગા થઈને ઈને ભાંગી નાખીએ, હાથમાં આવે.’

કરશન કહેતો હતો :

‘પણ હું કહું છું ને કે પાણી પર હાલવાની નથી. દરિયાલાલનો ખોફ ઊતરશે... જોજો.’

કોઈક બોલ્યું :

‘ને હાલશે તો આપણે માણસોને કહેશું કે એમાં બેસે નહિ.’

લોંચના તૂતક પર બેફિકરાઈથી પગ પહોળા કરી, ગજવામાં હાથ નાખી કપ્તાન એમના તરફ નફરતથી જોતો આછું હસતો ઊભો હતો. કઠેરો પકડી ખલાસીઓ પણ એમને જોઈ વાતો કરતાં ઊભા હતા. જોતાં હરિએ ત્રાડ પાડી :

‘માથે શું બેઠા છો? હેઠા આવો તો ઓકાત ખાટી કરી નાખું.’

લોંચ પરના લોકો હસ્યા. આગળ ધસતા હરિને બેત્રણ જણે પકડી લીધો.

નવી સિગારેટ સળગાવતો કપ્તાન કેબિનનું બારણું ખોલી અંદર દાખલ થયો અને થોડીવારમાં યંત્રોનો અવાજ ગાજી રહ્યો. બાઘા બની નીચે કિનારા ઉપર ઊભેલા ઉશ્કેરાયેલા લોકો અવાજ સાંભળી રહ્યા. લોંચ પરના ખલાસીઓએ મોટેથી બરાડા પાડી સામે કિનારે જનાર લોકોને ઉપર આવી જવા હાકલ દીધી. મુસાફરો સહેજ અટક્યા; પણ એક પછી એક લોંચ પર ચઢવા લાગ્યા.

ટોળામાંથી રીડિયા પડ્યા :

‘ઊતરી જાવ; ઊતરી જાવ...’

પણ કોઈ ઊતર્યં નહિ, લોંચનું મશીન વધુ મોટા અવાજથી ઘૂરકવા લાગ્યું. ઘંટી વાગી અને લોંચ કિનારાથી દૂર ખસવા લાગી. એનો મોરો સામેની દિશા તરફ વળી ગયો અને લોંચ આગળ વધી. પાછળ પંખાના વેગથી કપાતા પાણીમાં મોટાં વમળો ઊઠ્યાં અને ચોમેર સફેદ ફીણ છવાઈ ગયું. લોંચ પાણી પર સેલારા દેતી આગળ ને આગળ વધતી ગઈ અને આંખથી ઓઝલ થઈ ત્યાં સુધી બધાં એકનજરે એને જોઈ રહ્યાં.

થોડી વાર પછી બધાં વિખેરાયાં. હરિ પોતાની હોડી પાસે આવ્યો. કિનારાના છીછરા પાણીમાં હોડી પડી હતી અને તેમાં સોના અને પ્રભુ બેઠાં હતાં. અધ્ધરજીવે સોના બોલી : ‘કાં, શું થયું?’

‘લોંચે ફેરા કરવા માંડ્યા છે.’

‘લોંચ હાલતી હતી?’ સોનાએ પ્રશ્ન કર્યો.

હરિ બોલ્યો : ‘હાલે ને; અંદર શેતાન જેવું મશીન છે.’

બપોર સુધી બન્ને જણે ઉતારુઓની રાહ જોઈ. બે-પાંચ જણ આવ્યા તેમનો એક ફેરો થયો તો સામે કિનારેથી કોઈ પાછું વળ્યું. હરિ સામે કિનારે પહોંચ્યો ત્યારે મુસાફરોને લઈ જતી લોંચ એની પાસેથી નીકળી. હરિએ ઊભા થઈ ગાળો ભાંડી.

બપોરના કિનારા પર આડા પડેલ તોતિંગ વહાણની સોડમાં ત્રણે જણે ખાધું. હરિએ આકાશને તાક્યા કર્યું. આકાશ ખાલી અને ગરમ હતું. થાકી જવાય ત્યાં સુધી હરિએ આકાશને જોયા કર્યું, સંભળાય ત્યાં સુધી દરિયાના ઘેરા અવાજને કાન દેતો રહ્યો. બોજિલ વાતાવરણ એને વધુ બોજિલ લાગ્યું. ઓટનાં પાણી ફૂંફાડા મારતાં પાછાં મોટા દરિયા તરફ વળતાં હતાં. તાણમાં ઢસડાઈ જતી પોતાની કાયાને બચાવવા મથતો હોય તેમ હરિએ સૂકી રેતીમાં હાથનાં લંગર નાખી દીધાં. મુસાફરો ફરીથી આવ્યાં નહિ.

રંગબેરંગી મિજાજથી સાંજ દરિયા પર લેટતી હતી, ત્યારે હરિ માલમ અને સોના ખારવણે પોતાની હોડીને ઢસડી કિનારા પર આડા પડેલ પેલા વહાણની આડમાં મૂકી, અંદરના ભાગમાં રેતી ભરી દીધી.

(‘રણની આંખમાં દરિયો’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 280)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999