Ghaun Vinti streeo - Short Stories | RekhtaGujarati

ઘઉં વીણતી સ્ત્રીઓ

Ghaun Vinti streeo

ધીરેન્દ્ર મહેતા ધીરેન્દ્ર મહેતા
ઘઉં વીણતી સ્ત્રીઓ
ધીરેન્દ્ર મહેતા

મોસમના ઘઉં આવી ગયા હતા. સ્ત્રીઓ એમાં વ્યસ્ત હતી. જુદી જુદી જાત અને જુદા જુદા ભાવ. ખાસ્સો ફરક હોવા છતાં બધી સ્ત્રીઓ સંતુષ્ટ હતી; માત્ર પોતાના નહિ, અન્યના ઘઉંની ગુણવત્તા પણ સારી હોવા અંગે સંમત હતી.

ઘઉં સાફ કરવાનું કામ પ્રકારનું કે એકલા એકલા કરવાનું સૂઝે નહિ, થાક લાગે, એમ સમજીને ત્રણે સ્ત્રીઓએ વારાફરતી દરેકને મદદ કરવાનું સ્વીકાર્યું હતું. સૌથી પહેલાં લીલાબહેનને ઘેર ત્રણે સ્ત્રીઓ એકઠી થઈ હતી. પોતપોતાની ગૅલેરી કે બારીમાંથી બૂમ પાડીને એમણે સમય નક્કી કરી લીધો હતો.

સોસાયટીમાં રહેવા આવ્યા પછી પણ સ્ત્રીઓની પોળમાં રહેતી વખતની આદત છૂટી નહોતી. સ્ત્રીઓ શહેરની અંદરની પોળ છોડીને શહેરને ફરતા ગઢની બહાર રહેવા આવી હતી. જૂની ઢબનાં ઘરને બદલે આધુનિક સાધન સગવડવાળાં નવી બાંધણીનાં મકાનમાં રહેવા લાગી હતી, પરંતુ એમની પોતાની ઢબછબમાં ભાગ્યે કશો ફરક પડ્યો હતો. અત્યારે લીલાબહેનના ઘરના વરંડામાં ત્રણે સ્ત્રીઓ ઘઉંની ગૂણ, ઘઉં ભરવાના ડબ્બા અને થાળીઓ લઈને બેઠી હતી. બહાર ધોમ ધખતો હતો.

એક થાળી પૂરી થતાં જયશ્રીબહેને ડબ્બામાં ઠાલવી. ગૂણમાંથી બીજી ભરતાં ભરતાં કહ્યું :

‘તમારે ઘઉંમાં જવ ઓછા છે સારું છે. અમારે ગયે વખતે બહુ હતા.’

‘જવ રહી જાય તો ઘઉં બગડી જવાનો ભય ખરો, નહિ?’

લીલાબહેને નીચે ઊતરી આવેલાં ચશ્માંને ઊંધી હથેળીથી હડસેલીને ઊંચાં લીધાં. પછી મોં વાંકું કરીને ઊંડો શ્વાસ લીધો.

‘જવ અને ઘઉં ભળે નહિને!’

જયશ્રીબહેને ખોળામાંની થાળીને ફરીથી ગોઠવી.

એકમાત્ર મંદા શાંત હતી. થાળીમાં ઘઉંને દાણે દાણે ફરતી એની તર્જની સાંભળીને એક ક્ષણ માટે અટકી હતી. ઘઉંના બે દાણા વચ્ચેથી જવને એણે છૂટો પાડ્યો. ફરી પાછી એની આંગળી ઘઉંના દાણાને ધકેલતી એની વચ્ચે ફરવા લાગી અને એની દૃષ્ટિ લાંબા ભરાવદાર દાણાની ઉપર. દાણા એની આંગળીના ધક્કાથી ચક્કર ચક્કર ફરી જતા, એકમેકની સાથે ટકરાઈને સામસામી બાજુ ફંટાઈ જતા, મંદા તરફની ઢગલી કે સામેની ઢગલી ઉપર ચઢી જતા. બે ઢગલીની વચ્ચેના ભાગમાં ફેલાયેલા દાણા તરફ કે પેલી તરફ વહેંચાઈ જતા. મંદા બધું સભાન રીતે નોંધી રહી. એક એક દાણા ઉપર એની નજર તોળાઈ રહેવા લાગી. એનો રંગ, એના પરની બારીક રેખાઓ, એની અણી, એની ચમક... જાણે બધું જોવા માટે બેઠી હોય એમ તન્મય હતી. તો સામે લીલાબહેન અને જયશ્રીબહેન કોઈકને લગતી વાતચીતમાં મશગૂલ હતાં:

‘...માન્યામાં આવે એવી વાત છે, નહિ?’

હાસ્તો. હજી હમણાં તો નવા ફ્લૅટમાં રહેવા ગયાં હતાં.’

‘મને તો નથી સમજાતું કે એને દુઃખ કઈ વાતનું હતું કે આમ –’

‘હા, હા, સરસ મજાનું ઘર, બધાં સાધનસગવડ, પૈસાટકાની કશી ખોટ પછી –’

‘અને એના વરનો સ્વભાવ પણ –’

‘અરે, એના જેવો સીધો માણસ મળવો મુશ્કેલ. કોઈ વાતની પંચાત નહિ ને! પોતે ભલા ને પોતાનું કામ ભલું.’

‘મેં તો એમને –’

લીલાબહેનની થાળી પૂરી થઈ એટલે એમનું વાક્ય પણ અટક્યું. થાળીને સહેજ હલાવીને એમણે બેઉ ઢગલીને એક કરી. ઘઉં આખી થાળીમાં ફેલાઈ ગયા હતા.

‘જવ થોડા વધારે છે ખરું, પણ ઘઉંની જાત સારી છે.’

થોડી વાર પહેલાં આપેલો અભિપ્રાય ભૂલી જઈને જયશ્રીબહેને કહ્યું. ખોળામાંથી થાળી ઊંચી લેવાની સાથે એમણે પલાંઠી છોડી નાખી. ખભા પરની સાડી સરખી કરી. થાળી જરા આમતેમ હલાવીને ઘઉં સહેજ ઉલાળ્યા. આખી થાળી પર એક નજર નાખીને દેખાઈ ગયેલો જવનો દાણો વીણી લીધો. પછી થાળી પાસેના ડબ્બામાં ખાલી કરી. લીલાબહેને એમના તરફ લંબાવેલી થાળી લઈને એમાંના વિણાઈ ગયેલા ઘઉં પણ એમણે ડબ્બામાં ઠાલવ્યા.

‘મંદાબહેન, તમારે ત્યાં આજે સવારમાં કોઈ આવ્યું’તું, નહિ?’

ગૂણમાંથી થાળી ભરીને લીલાબહેનને પાછી આપતાં જયશ્રીબહેને પૂછી લીધું. પછી એમણે પોતાની થાળીમાં પણ ઘઉં કાઢ્યા. ફરી પલાંઠી મારીને ખોળામાં થાળી ગોઠવી. થાળીની વચ્ચોવચ ઊભી થયેલી ઢગલી પર એમણે વહાલથી હથેળી દાબીને એક વાર એને પાથરી; પછી ઘઉંને સામે ખસેડીને એક પછી એક દાણાને પોતાની કને બોલાવતાં હોય એમ એમની આંગળી હલવા લાગી. દરમિયાન મંદા તરફથી કશો ઉત્તર મળતાં એમણે ફરીથી પૂછ્યું :

‘મહેમાન હતા?’

ઘઉંની વચ્ચેથી જડી આવેલો કાંકરો મંદાએ અંગૂઠા અને આંગળીની વચ્ચે મક્કમતાથી પકડી રાખ્યો હતો, જાણે એને શોધી રહી હોય! એટલી સતર્કતાથી પછી એણે એને નીચે નાખ્યો. એના સરવા કાને એનો અવાજ સાંભળ્યો અને એને ઊછળતો પણ જોયો. ઘઉંની વચ્ચે ફરતી એની આંગળીમાં કંઈક વધુ સ્ફૂર્તિ આવી.

જવાબ મળ્યો એટલે જયશ્રીબહેને ઊંચે જોયું. મંદા સાથે તો નહિ, પરંતુ લીલાબહેન સાથે એમની નજર મળી. બંનેના હોઠ વચ્ચે કશુંક દબાયું. એના ખૂણા સહેજ ઢંકાયા અને એનો મર્મ આંખો દ્વારા વ્યક્ત થઈ ગયો.

મંદાની થાળી પૂરી થઈ ગઈ હતી. એનો ચહેરો સીધો થયો હતો. લીલાબહેને એની સામે જોયું. એમના ચહેરા પર હમદર્દીનો ભાવ ઊપસ્યો. એમણે જોયું કે મંદાના ચહેરા પર ઉદાસીનતા હતી.

‘અમારે મહેમાનોની ક્યાં નવાઈ છે?’

મંદાએ જવાબ આપ્યો, પરંતુ જયશ્રીબહેને એની સામે જોયું નહિ. લીલાબહેન બોલ્યાં :

‘હા, બહોળું કુટુંબ એટલે સગાંવહાલાં વધારે અને બધી જવાબદારી તમારે બે જણને માથે.’

એટલી વારમાં મંદાનું મન ઘઉંના દાણાની વચ્ચે રમવા લાગી ગયું હતું. એમાં રચાતી કોઈ આકૃતિમાં એને લીલાબહેનના શબ્દ સાક્ષાત્ થયા:

‘બે જણ!’

ઘઉંના ઢગલાબંધ દાણાની વચ્ચે એણે જોયેલી આકૃતિઓ ક્યાંક ખોવાઈ ગઈ હતી. એની તર્જની અક્કેક દાણાને છૂટો પાડી પાડીને તપાસતી હતી. એવામાં લીલાબહેને ઉચ્ચારેલું વાક્ય પોતાને ઉદ્દેશીને છે એવું એને ભાન થયું

‘...સાસુ વહુનાં બે મોઢે વખાણ કરે એવું આપણે કોઈ સાંભળ્યું નથી બાઈ! કહે કે નમ્ર તો એટલી કે કોઈને એવો અણસાર આવે કે આટલું ભણેલી હશે. પાંચ હજારની નોકરી મૂકીને સાસરે આવી છે, પરંતુ ઘરનું કોઈ કહેતાં કોઈ કામ –’

જયશ્રીબહેને ટહુકો કર્યો:

‘હા, આપણી જોડે ઘઉં વીણવા બેઠાં છેને, જુઓ!’

મંદાએ એમની સામે જોઈને વિવેકસૂચક સ્મિત કર્યું.

‘કીર્તિભાઈ ને તમે સરખું ભણેલાં?’

ચપટો ભરીને ઘઉં થાળીની વચ્ચે વેરતાં જયશ્રીબહેને સહેજે પૂછ્યું.

‘આ જોઈએ છીએને, આખી પેઢીનો ભાર ઉપાડી લીધો છે તે બધું કંઈ હોંશિયારી વિના થતું હશે?’

લીલાબહેને જવાબ આપી દીધો અને મંદાને હળવાશ અનુભવાઈ, આશ્ચર્ય પણ થયું, કેટલાં વરસ પહેલાં આના શબ્દો સાંભળ્યા હતા. કીર્તિ સાથે વેવિશાળની વાત ચાલતી હતી. સુખી જીવનની ભરપૂર શક્યતાઓ હતી, છતાં મનમાંથી એકદમ હા ઊઠતી નહોતી એનું શું કારણ હતું? છેવટે એણે કેવળ એક ધારણા બાંધીને શિક્ષણનું કારણ આગળ ધર્યું હતું. હં, બરોબર વખતે પપ્પાએ મતલબના શબ્દ કહ્યા હતા:

‘તારા કરતાં બે ચોપડી ઓછું ભણ્યો હશે, પણ આખી પેઢીનો ભાર –‘

મંદા કશું કહી શકી નહોતી, વિચારમાં પડી જવાયું હતું. કદાચ આજ સુધી એનું કારણ જડ્યું નહોતું...

ઘઉંના દાણાની વચ્ચે ખોવાઈ ગયેલો જવ શોધી કાઢવા મંદાએ ફંફોસવા માંડ્યું.

નવજીવન શરૂ કરતી મંદાએ સાસરે આવીને જોયું હતું કે નિવૃત્ત થતા પિતાએ પેઢીનો ભાર મોટા પુત્ર પર નાખવા માંડ્યો હતો. વાથી પીડાતી માતા તો જાણે પુત્રવધૂના આવવાની રાહ જોઈ રહી હતી. ભણવામાં ચિત્ત પરોવતા નાના દીકરાને ટોક્યા કરતી માતાને પિતા સમજાવતા હતા:

‘ઝાઝું ભણશે તો નોકરી શોધવા લલચાશે.’

વખતે માતાએ પોતાની દલીલ રજૂ કરી હતી.

‘ભણશે નહિ તો ભણેલી વહુ ક્યાંથી લાવશે?’

...જવનો દાણો હજી જડ્યો નહોતો. એને માટે ઘઉંની ઢગલીને ફંફોસ્યા કરતી મંદાના હાથમાં એક કાંકરો આવ્યો.

અંદરના ખંડમાંથી અવાજ આવ્યો. કાને પડતાંવેંત લીલાબહેન ઊઠ્યાં, જાણે એની રાહ જોઈ રહ્યાં હોય! થાળી એમણે ક્ષણે ભોંય પર મૂકી દીધી હતી. એક હાથ ઘૂંટણ પર અને બીજો ભોંય પર ખોડીને, પોતાનું વજન ઊંચકીને જતાં હોય એમ અંદરના ખંડ તરફ વળ્યાં. એમના ગયા પછી જયશ્રીબહેને મંદા તરફ સૂચક નજરે જોયું, પરંતુ એનું ધ્યાન સામે પડેલી લીલાબહેનની થાળીમાં હતું, થાળીમાં એક તરફ નાની અને બીજી તરફ મોટી ઢગલી હતી. બે ઢગલીની વચ્ચે થોડા દાણા વેરાયેલા પડ્યા હતા.

લીલાબહેનને આવતાં વાર થઈ એટલે મંદાને થયું, કહેતાં ગયાં હોત તો

લીલાબહેનના વરનો અવાજ લંબાઈને તરફ આવી જતો હતો. લીલાબહેન વિનવણીના સ્વરે કશુંક કહેતાં હતાં. જયશ્રીબહેને ફરી પાછું મંદાની સામે જોયું. વખતે એમની દૃષ્ટિ ત્યાં થોડું રોકાઈ, મંદા પોતાની સામે જુએ એવી તૃષ્ણા એમાં સળવળી ઊઠી હતી.

મંદા ક્યાંથી જુએ? પેલો ખોવાઈ ગયેલો જવનો દાણો હજી એના ચિત્તમાંથી ખસ્યો નહોતો. જાણતી હતી કે વિણાઈ ગયેલા ઘઉં ભેળો ડબ્બામાં ક્યારનો ઠલવાઈ ગયો હતો, પરંતુ એને ભૂલી જઈ શકતી નહોતી.

સાસુમાએ લીલાબહેનને ત્યાં ઘઉં સાફ કરાવવા જવાનું એને કહ્યું હતું, અને ઉમેર્યું હતું:

‘...પછી લોકો પણ તને મદદ કરવા આવશે. ઝાઝા હાથ રળિયામણા. મોસમનાં કામ રીતે થાય.’

મંદાને અંગે કશું કહેવાનું નહોતું.

આવા તો અનેક પ્રસંગ બની ચૂક્યા હતા, જ્યારે સૌએ સ્વીકાર્યું હતું કે પોતાના ભણતરને એણે કશાયને આડે આવવા દીધું નહોતું.

...ડિપ્લોમા મળ્યા પછી એને ઍડવર્ટાઇઝિંગ ફર્મમાં નોકરી મળી. એથી એની સર્જનાત્મક દ્રષ્ટિને ખીલવાની તક મળી હતી. બૉસ એના પર ખુશ હતા. અને ઘણા ચાન્સીસ હતા, એમ સ્ટાફમાં પણ કહેવાતું હતું. એવામાં એકાએક એનાં લગ્નનું જાણ્યું એટલે સૌને નવાઈ લાગીઃ

‘- અને તે પણ આવા નાના સરખા કસબામાં, વ્હૉટ અબાઉટ યૉર કૅરિયર?’

...લીલાબહેન હજી બહાર આવ્યાં નહોતાં, મંદા તો ઊંચુંય જોતી નથી. જયશ્રીબહેનને અકળામણ થવા લાગી. એમણે જાળીમાંથી બહાર જોયું, સામેના બંગલાનો પડછાયો બાજુ પડવા લાગ્યો હતો. ધોમ ધખતો હતો એની વચ્ચે પડછાયો ઊકળતો હોય એમ લાગતું હતું.

મંદાએ ડબ્બામાં થાળી ઠાલવી. ઘઉં ઠલવાયાનો સર્રરાટ જયશ્રીબહેનની નજરને અંદર ખેંચી લાવ્યો. એમના ખોળામાં થાળી હજી એમ ને એમ પડી હતી. એમણે મંદાની સામે જોયું. ગૂણમાંથી થાળી ભરી રહી હતી.

‘તમે ચોખા લઈ લીધા?’

‘હં?’

મંદા જાણે ચોંકી ગઈ. લીલાબહેનની અનુપસ્થિતિમાં જાણે જવાબદારી અદા કરવાની હોય એમ એણે જયશ્રીબહેન સામે જોયું, પરંતુ જયશ્રીબહેન એના પ્રતિભાવ પ્રત્યે સભાન નહોતાં. એમણે ખોળામાં રહેલી ઘઉંની થાળી ઉપર મોં ઝુકાવી દીધું હતું, પરંતુ સ્થિતિમાં ઝાઝો વખત સ્થિર રહી શક્યાં નહિ, ઓચિંતાં બોલ્યાં:

‘હેં મંદાબહેન, હોમ સાયન્સ લાઇન કેવી? દીપા માટે પૂછું છું.’

મંદાએ મોં ઊંચું કરીને જયશ્રીબહેન સામે જોયું. વખતે પણ એના ઉત્તર માટે ઉત્સુક હોય એમ જણાયું નહિ. મંદા જયશ્રીબહેનના પ્રશ્ન પર વિચાર કરવા લાગી. એણે સહસા પ્રતિપ્રશ્ન કર્યો:

‘પછી શું કરશે?’

જયશ્રીબહેનના ચહેરા પર હળવાશ આવી. એમણે મંદાને અનપેક્ષિત ઉત્તર આપ્યો:

‘સવાલ પછી શું કરવું નહિ, હમણાં શું કરવું છે.’

જયશ્રીબહેને હળવાશથી કહેલી વાતથી મંદા ઊંડા વિચારમાં પડી ગઈ હોય એમ લાગ્યું, સામે ક્યાં કોઈ દિશા હોય છે, બહુ બહુ તો એક સ્વપ્ન, જે પછી ભૂલી જવાનું હોય છે, અને વખતે વર્તમાન પણ સ્વપ્નમાં બદલાઈ જતો હોય છે. જયશ્રીબહેન આગળ કહેતાં હતાં:

‘મુરતિયો શોધીએ તો છીએ, પણ લાયક ઘર કંઈ એમ ઝટ જડે છે?’

કંઈક યાદ આવ્યું હોય એમ સહેજ અટક્યાં, પછી બોલ્યાં:

‘એમ તો જડે એવું નહિ, પણ કંઈ કહેવાય નહિ, મળી આવે તો તરત મળી આવે ને વખત નીકળી જાય તો નીકળી પણ જાય. એટલો વખત એમ ને એમ બેસી રહે કરતાં વરસ - બે વરસનો કોઈ કોર્સ હોય તો –‘

મંદાએ નોંધ્યું કે એટલું કહેતાંમાં જયશ્રીબહેનનો સ્વર ધીમો પડી ગયો:

‘આ ઉંમર એવી છેને બહેન, કે એક બાજુ છોકરીના મનમાં કંઈ કંઈ કોડ રમતા હોય ને બીજી બાજુ કંઈ કંઈ વિચાર ઊઠ્યા કરે - ભય, શંકા, મનોરથ... એમાંય ભણેલી વ્યક્તિને તો ખાસ. એટલે મગજ સાવ નવરું પડે તો ઠીક.’

બધું કોને કહેવાતું હતું? ઘઉં વીણતી બે સ્ત્રીઓ એકબીજાથી સાવ અપરિચિત હોય એમ પાસપાસે બેઠી હતી. ઘઉંના દાણાની વચ્ચે એમની આંગળીઓ ફરતી હતી. જયશ્રીબહેન નિરુદ્દેશ બોલતાં હોય એમ કહ્યે જતાં હતાં. મંદા સાંભળતી હોય એમ લાગતું નહોતું. બંનેનો જાણે પોતપોતાનાં વ્યતીત અને વર્તમાન સાથે સામનો થઈ રહ્યો હતો.

‘...એના પપ્પાનો તો બહુ વિચાર નથી. કહે છે કે આપણે એને કંઈ એવે ઘેર વળાવવાનાં નથી, જ્યાં એને નોકરી કરવા જવું પડે, પછી શું કરવા એના મગજ પર ઠાલો બોજ નાખવો? કહે છે કે જોને, તુંય આટલું ભણી છે, એક સર્ટિફિકેટ મઢાવીને ભીંત પર ટીંગાડી દીધું છે કે બીજું કંઈ?’

આમ કહીને જયશ્રીબહેન હસ્યાં. મંદા પણ એમની સામે જોઈને ફિક્કું હસીને બોલી:

‘એવું એક સર્ટિફિકેટ મારા ઘરની એક ભીંત ઉપરેય ટીંગાય છે. ફ્રેમમાં મઢેલું છે તોય અંદર એટલી ધૂળ પેસી ગઈ છે કે હવે તો એના અક્ષરેય પૂરા વંચાતા નથી.’

જયશ્રીબહેને અધીરાઈથી પોતાની વાત આગળ ચલાવી:

‘એ તો કાયમ હસતા હોય છે, ફ્રિજ, ટીવી. વૉશિંગ મશીન... ઘરમાં શું નથી? મહિને ગાડી પણ આવી જશે. બોલ, બધું તારા પેલા સર્ટિફિકેટનું આવ્યું છે?’

જયશ્રીબહેનની વાણીમાં પોતાનું સુખ છલકાતું હતું કે વિડંબના, મંદાને સમજાયું નહિ.

લીલાબહેન પાછાં આવી ગયાં. એમની ચાલમાં ઉતાવળ હતી અને ચહેરા પર દિલગીરી.

‘સુભાષભાઈ ગયા?’

જયશ્રીબહેને એમને પૂછ્યું.

‘હા, એમને તો સાંજ પડ્યે દહાડો ઊગે તે પહેલે પહોર આથમે. ધંધો એવો રહ્યો એટલે શું થાય. જાતજાતની ઉપાધિ, આપણને તો એમાં કશી સમજ પડે અને પૂછપૂછ કરીએ તો નાહક ચિઢાઈ જાય. શું કરીએ! એમાં વળી હમણાં નવી ઉપાધિ જાગી છે...’

જયશ્રીબહેને પ્રશ્નસૂચક નજરે એમની સામે જોયું એટલે એમણે કહ્યું:

‘આ ભદ્રાની. એના વર અમારી પેઢીમાં કામ કરે છેને! આવી ભણેલી છોકરી, ને શું સૂઝ્યું હશે એને! કોઈ નહિ ને એક પ્લમ્બર સાથે-‘

જયશ્રીબહેન પાસે પણ આને લગતી માહિતી હતી:

‘પહેલાં તો કુટુંબની વચ્ચે રહેતાં હતાં, પણ છોકરીમાં ડહાપણ ઓછું તે સૌમાં સમાઈ શકી. એના વરે અલગ ફ્લૅટ લીધો, પણ નોકરી એવી કે મોટા ભાગે બહારનો બહાર હોય. હજી હમણાં પરણી હતી ને આમ એકલી પડી. એમાં પ્લમ્બર ઘેર કામ કરવા આવતો હશે તે –‘

‘કહેવાય પ્લમ્બર, પણ આમ સરખું ભણેલો છે. વાતચીતે પણ પૂરો. બધું અક્કલ હુશિયારી વાપરીને કર્યું છે.’

લીલાબહેને ઘઉં ભરેલી થાળી સરખી ગોઠવી.

‘ભદ્રા શું કહે છે?’ મંદાએ આખી વાતમાં પહેલવહેલી વાર જિજ્ઞાસા પ્રગટ કરી.

લીલાબહેને એને જવાબ આપ્યો: ‘એને તો કંઈ છોછ-સંકોચ નથી. એણે તો એના વરને ચોખ્ખુંચણાક કહી દીધું, ઘરમાં ઘણુંય રાચરચીલું છે, એમાં એક ચીજ ઓછી થઈ, એનાથી વિશેષ શું?’

‘આટલું સ્પષ્ટ કહી શકી?? મંદા ધીમેથી બબડી. પછી ખોળામાં રહેલી થાળી સામે જોયું અને વિચારમાં પડી, કઈ બાજુ ઘઉં વીણેલા છે?’

સ્રોત

  • પુસ્તક : હું એને જોઉં એ પહેલાં (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : ધીરેન્દ્ર મહેતા
  • પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2003