Ghatna etle ke - Short Stories | RekhtaGujarati

ઘટના એટલે કે

Ghatna etle ke

વિજય શાસ્ત્રી વિજય શાસ્ત્રી
ઘટના એટલે કે
વિજય શાસ્ત્રી

અમને અહીં રહેવા આવ્યાંને દસ વરસ થયાં હતાં. છતાં પણ મને કાયમ એમ જ લાગતું કે દસ વરસ ન થયાં હોય તો પણ શું ફેર પડવાનો હતો? કેમ કે એ દસેદસ વરસના જીવનમાં એકસરખાપણું હતું. એકનો એક દિવસ દસદસ વરસ સુધી હું જીવતો આવ્યો હતો. આવા એકધારા દિવસોથી મને કંટાળો પણ આવતો જ હતો. જીવન સ્થિર થઈ ગયું હતું. દીવાલની જેમ સમયની ભોંયમાં ખોડાઈને ઊભું રહી ગયું હતું. આવા સંજોગોમાં એકાદ જોરદાર વાર્તા લખી નાખીને એક જબરદસ્ત thrill લાવી દેવાની તીવ્ર ઇચ્છા ઊગી આવતી હતી. એવી વાર્તા કે જેના વડે, હું સમાજને, લોકોને, કદાચ મારી જાતને જ, દર્શાવી શકું કે જીવનની સ્થિરતાને હું કેવો પામી ગયો છું. એક સરેરાશ ગુજરાતી માણસના જીવનમાં કેવું બંધિયારપણું છે, કેવી એકવિધતા છે, તે દર્શાવી શકું. આવી વાર્તા લખવા હું ઘણી વાર કાગળપેન લઈને બેસતો અને વાર્તાની પહેલી જ લીટી ચોંકાવનારી બને એ રીતે લખવાને મથતો. એવી ચોંકાવનારી લીટી લખવાને જાતજાતના અખતરા કરતો. પણ લખાઈ રહ્યા પછી એ લીટી માંદા માણસના ક્રોધ જેવી નપુંસક લાગતી ને હું હતાશ થઈને બેસી જતો. ગુજરાતી - સરેરાશ ગુજરાતી - ને નસીબે હંમેશાં કોઈ ને કોઈ પડોશી લખાયેલા હોય છે, એ રીતે અમારે પણ પડોશી છે, એ જોઈને મને ખૂબ તિરસ્કાર છૂટતો, અલબત્ત, મારી જાત પર જ. હું ઇચ્છતો કે સામાન્ય / સરેરાશ માનવીથી જુદા પડવાને માટે હું પડોશી વગરનો હોઉં. મારી ચોતરફ દૂર સુધી પથરાયેલું ખુલ્લું મેદાન હોય, એ મેદાનની વચમાં ઊભેલો હું નાનકડા ટપકા જેવો લાગતો હોઉં. હું ક્ષુદ્ર બનીને પણ સરેરાશતામાંથી છૂટું, મને બીજાઓના જેવી શરદી ન હોય. મને સામાન્યોના જેવી દયામણી પીડા ન હોય.

પણ આવી ઝંખનાને બાદ કરતાં હું સરેરાશ જ હતો. મને શરદી થતી જ. વરસમાં ઘણી વાર. તાવ પણ આવતો. હું બિછાનાવશ થતો. ખોરાક બંધ કરી દેતો. માત્ર ઉકાળો પીતો. મારી પત્ની, બીજી ઘરરખ્ખુ પત્નીઓના જેવા જ ઘરરખ્ખુ પ્રેમથી મારા તાવવાળા બદન પર બામ લગાવતી. હું ગુસ્સે થઈને પડી રહેતો. સરેરાશ માણસના જેવો જ ઉપાય મારે પણ શરદીને માટે કરવો પડતો, તે જોઈને હું મનમાં ને મનમાં સમસમી ઊઠતો. મારી પત્નીની સરેરાશ હથેળી બામ લગાવતી મારે બરડે ફરતી, મારા હોઠ સુધી તેનો હાથ ઉકાળાની રકાબી ધરતો લળી રહેતો. હું ઉકાળાના પ્રવાહીમાં ઓગળી ગયેલા મારા કમોતે મરેલા અહમના દ્રાવણને પી જતો.

અને ત્યારે એક પ્રેમપૂર્ણ સંતોષથી તે મને કામળો ઓઢાડી રસોડામાં ચાલી જતી.

તે અરસામાં મારો પડોશી જાપાનથી એક ટેપ રેકોર્ડર લાવ્યો હતો, તેની વાત મારી પત્ની સાથે એ પડોશીની છોકરી કરી રહી હતી. પડોશીનું જીવન, તેમાં ઉમેરાતી જતી નવી નવી ઘટનાને કારણે ધન્ય ધન્ય થતું મને લાગતું હતું. એના જીવનમાં અવારનવાર ઘટનાઓ બન્યા કરતી હતી. ક્યારેક નવી સાડી લેતો. ક્યારેક નવાં વાસણ લેતો. ક્યારેક બેંગકોક જતો. ક્યારેક લેમ્બ્રેટા કાઢી નાખીને વાસ્પા લેતો. એનું જીવન રોમાંચક ઘટનાઓ પણ ધરાવતું હતું. એના જીવનમાં; મારા જીવનમાં જેનો સંપૂર્ણ અભાવ હતો તે, thrill ભારોભાર હતી.

યુવાનીમાં તેણે ભાગી જઈને લગ્ન કરેલાં. તેની પત્નીને સ્કૂટર પર બેસાડીને ફેરવતો. બ્રાન્ડી પી શકતો. મોટે મોટે હસી શકતો. એના જીવનમાં બનાવો બહુ ઝડપથી બનતા રહેતા.

એણે એક વાર મારામારી કરેલી ત્યારે સામાવાળાની લાઠીથી તેની ખોપરી ભાંગી ગયેલી. પૂરા સાડાચાર મહિના તે હોસ્પિટલમાં રહી આવેલો.

તેને ઓળખતા લોકો તેના ઘરના પ્રચુર જીવનની નોંધ લેતાં તેની વાતો કરતાં, તેને વિશે અહોભાવ દાખવતાં. લોકોની વાતોમાં એ જીવતો રહેતો. ઊછળતો રહેતો. હંમેશાં એને માટે કશુંક નવું સાંભળવાનું હોય જ.

એની પડખે હું મારી જાતને મૂકતો ને મારા શુષ્ક, રેઢિયાળ, મોનોટોનસ જીવનની દયા ખાતો. સાલું બધું જ છીછરું. રોગ છીછરા, હરખ છીછરો, ખોરાક છીછરો, કામ છીછરું, માણસ જ છીછરાં! એ જ છીછરી આવક. છીછરી ઇચ્છાઓ, એ જ કરકસરનો તનાવ, એ જ ચિંતા / ફિકરના ઘુમાવ. એ જ બાકી બિલો. એ જ વટવહેવારો. એ જ ગંદી રજાઈ, એ જ કરચલીવાળાં કપડાં. એ જ હાથ. એ જ કમર, એ જ કમરનો દુખાવો. આમાંથી છૂટવા હું મૂક ચિત્કાર કરી ઊઠતો, પણ...

મને પાછો તાવ આવી જતો.

યા તો માથું દુખી જતું.

યા તો શરદી.

યા તો આ

યા તો તે

યા તો ધારેલું

યા તો કલ્પેલું.

યા ઓેળખેલું.

યા તો સહી ચૂકાયેલું.

યા તો ખણી ચૂકાયેલું.

યા તો... યા તો

અને

ફરીથી યા તો.

પંદરેક દિવસ તારીખોના આંકડામાં વીત્યા. 1 + 14 = 1 ના જેવા પંદર દિવસો. પંદર આંકડાઓમાં, મારી હાંસી કરતો એક જ ચીલાચાલુ દિવસ. સાત વારોમાં મને ઉપહાસતો એક જ વાર દોડાદોડ કરતો રહ્યો. પણ આંકડા/નામોની એ પોકળ ગતિશીલતાની પાર પેલો જૂનો તડકો, પેલી જૂની હવા, પેલો જૂનો હું હાંફતા હતા. બધું સમથળ હતું. એકસરખા શ્વાસો, થોડીક આદત મુજબની હાજતો. કશું જ ન બનવાની શક્યતાઓ.

ના, ટાઢ પણ નહિ.

ના, છીંક પણ નહિ.

કશી કરપીણતા, તીવ્રતા નથી. thrill માટે જરૂરી એવી આપત્તિયેય નહિ. સુખનું શિખરે નહિ. દુઃખની ગહન ગર્તાય નહિ. બધું સપાટ, સરખું, છીછરું, પાતળું, ઉદાસ, નીરસ.

અને ત્યાં જ મારા સીધા સપાટ સરેરાશપણાની ઠેકડી કરતી ખબર આવી: મારા પડોશીએ એક હાઉસિંગ સોસાયટીમાં બંગલો નોંધાવી દીધો હતો.

એક નવી ઘટના સ્ત્રીમંડળમાં ઉમેરાઈ.

શેરી-તવારીખનું શકવર્તી પ્રકરણ થયું.

બધા જ એના સુખની વાતો, ક્યારેક અહોભાવના તો ક્યારેક મારી જેમ અદેખાઈના કાકૂમાં કરતા હતા. ને હું ફરીથી શરદીમાં પટકાઈ પડ્યો... રાબેતા મુજબ જ. આ વખતે તો તાવ પણ સાથે ચડ્યો હતો. તાવનું ઘેન ભારે હતું.

મારી અ-સુંદર પત્નીએ ફરીથી બામ લગાવી દીધો. ફરીથી ઉકાળો બનાવી આપ્યો. સવાર સુધી તાવ ઊતર્યો નહિ એટલે ડૉક્ટરને બોલાવી લાવી.

ત્યાં પડોશમાંથી ઘાંટાઘાંટના અવાજો સંભળાયા. પડોશીના જીવનમાં ફરી એક ઘટના બની હતી. આસપાસના લોકો જેની નોંધ લઈ શકે તેવી. પડોશીને તેની સુંદર પત્ની સાથે ઝઘડો થયો હતો. એક વધુ ઘટના, એક પાતળી thrill તેના જીવનમાં ઉમેરાઈ હતી. પણ ત્યાં જ ડૉક્ટર આવ્યા. મને તપાસ્યો.

તપાસતાં તપાસતાં તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. એનાથીયે વધુ ગંભીર ઘટના.

આ વાર્તા છે.

એટલે વાર્તાકાર હવે પાત્રનું મહોરું ફગાવી દે છે, ત્યારે બને છે અને એનાથીય વધુ thrilling ઘટના, વાર્તાકાર જ્યારે કહે છે કે...

પેલા 'હું'ની પત્નીનો ચહેરો, ડૉક્ટરના ચહેરાની ગંભીરતા જોઈને ખૂબ જ ગંભીર થઈ ગયો.

ત્યારે બને છે.

પેલો 'હું' હવે એમ કહી શકે કે:

મારી પત્નીએ ડૉક્ટરની વાત સાંભળી પ્રેમ કરુણાથી સભર નજરે મારી તરફ જોયું.

છેલ્લાં દસ વર્ષોથી હું જ્યારે પણ માંદો પડતો ત્યારે તે આવી જ નજરે જોતી આવી હતી.

છેલ્લાં દસ વર્ષોથી તે આવી જ રીતે મને બામ ઘસતી આવી હતી.

છેલ્લાં દસ-દસ વર્ષથી તે મને પોતાને હાથે ગરમ ઉકાળો પિવડાવતી આવી હતી.

મારી માંદગીથી તે છેલ્લાં દસ વર્ષથી પરેશાન થતી આવી હતી. મારી ચાકરી કરતી આવી હતી.

છેલ્લાં દસ વર્ષથી તે મને પ્રેમ/કરુણાથી જોતી આવી હતી.

અને છેલ્લાં દસ-દસ વર્ષથી કોઈને, પોતાને આવડે એવી રીતે ચૂપચાપ ચાહ્યા કરવું એ કંઈ નાનીસૂની ઘટના નથી.

મને એમાં કશું 'ઘટના' તત્ત્વ ન લાગ્યું, એનું કારણ કદાચ એટલું જ હતું કે મને ચાહવાની એ સતતતા સ્વાભાવિક ક્રમમાં જ બની આવી હતી. કશું અસ્વાભાવિક હોય તો તે તરત જણાઈ આવે, અહીં બધું સ્વાભાવિક રસમમાં બન્યું હતું. છતાં કેટલી પ્રચંડ એ ઘટના હતી તેનો ખ્યાલ મને હમણાં જ આવ્યો.

ખરેખર એક ખૂબ જ મોટી ઘટના છેલ્લાં દસ વર્ષની મારા જીવનમાં આકાર લઈ રહી હતી. સહજપણે સંવાદી - સ્વરૂપે પીળા ઘાસના બીડમાં ભળી જતા પીળચટ્ટા વાઘની જેમ મારા જીવનમાં એ ઘટના એટલી સહજતાથી બની ગઈ હતી / બની રહી હતી કે –

એની thrillમાં હું ઝઘડતા પડોશીના ઘાંટાઘાંટને પણ સાંભળી શક્યો નહિ - પહેલી જ વાર.

સ્રોત

  • પુસ્તક : નવી વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : રાધેશ્યામ શર્મા
  • પ્રકાશક : ગુલાબદાસ બ્રોકર સાંસ્કૃતિક પ્રકાશન ટ્રસ્ટ
  • વર્ષ : 2005