કિરીટ દૂધાત
Kirit Dudhat
‘એલાં એય, આણ્યે તો સવાર સવારમાં મગજની પત્તર ધમી નાખી. બોણીમાં જ નુકશાની.’
માં’રાજે એમની નાનકડી ટેલિફોન ડાયરી ટીપોય પર પછાડી, પછી મોબાઈલને પણ બાળકના ગાલે ટપલી મારતા હોય એમ ધીમેથી પટક્યો. મારા તાજા ધોયેલા વાળમાંથી શેમ્પૂની સુગંધ આવતી હતી. મેં ઊભા થઈને એમને મારું માથું સુંઘાડ્યું.
‘શું થયું મા’રાજ? આટલું બધું?’ મને એમની અકળામણ ન સમજાઈ.
‘અરે તેં કાલે ઓલા અધિકારીને મોબાઈલ નહોતો કર્યો. ઈ લેખક કે આવું કાંક છેને? જોને એણે વિચાર કરવાની ચોવીસ કલાકની મુદત માગેલી. તો મેં એને પૂછવા મોબાઈલ કર્યો કે શું ફાઈનલ રાખ્યું છે? તો માળો શું બોલ્યો ખબર છે?’
‘બોલોને?’
‘એ બોલ્યો કે હું તો વાર્તાકાર છું. મને બધા પ્રકારના અનુભવ જાતે લેવા ન પોસાય. હું તો સેકન્ડરી એક્સપિરિયન્સ - કે એવું કાંક બોલ્યો. હા, ઈ શબ્દ જ વાપર્યો તો - પર વધારે ભાર આપું. એટલે બહેનનો સહેવાસ માણવાને બદલે એમને રૂબરૂ મળીને, અને એમાંય તમે હાજર રહો તો વેલ ઍન્ડ ગુડ – તમારાં બંનેના માનસની અંદર ડોકિયું કરીને, કોઈ વાર્તા લખવાનું વધારે પસંદ કરું. અને હા, પાછો કે’ય કે મારા બે વાર્તાસંગ્રહ પણ થયા છે. જો સરનામુ આપો તો મોકલી આપીશ. તમારા બંનેના અભિપ્રાય જાણવાનું ચોક્કસ ગમશે.’
‘ફૂ... ઉ... ઉ ઉ ઉ’ મને હસવું આવ્યું. ‘લે! આવાનો સોર્સ વળી કોણે આપેલો?’
‘કોણે તે કોણે? આ તમારા અતિ વા’લા નરેશભાઈએ નો’તું કીધું કે એના પોતાના જ સગામાં છે અને રૂપિયા-પૈસાની રીતે પણ પોંચતા કરતા છે, એને રેગ્યુલર આવતા કરી દ્યો તો એક બેઠી આવક થઈ જાય.’
‘તે એમાં ખાલી નરેશભાઈ એમ કહોને. દરવખતે ‘વહાલા’, ‘વહાલા’ એવું બોલવાની શું જરૂર છે?’
‘કેમ તે તમને વા’લા નથી?’
‘નથી એટલે નથી. તમે પણ એ હરામીને જાણો જ છો ને?
આમ તો નરેશભાઈનું નામ આવતા મા’રાજનાં બેય લમણાંની નસો ફૂલવા માંડતી. પણ આજ વળી એ મશ્કરીએ ચડ્યા હતા.
‘ભડવો’… નરેશભાઈ મા’રાજને ભડવો કહે છે. એમનાં વાઈફ ક્યાંક બહારગામ ગયેલાં એટલે એમને ઘેર, એમની જ પથારીમાં એક વાર અમે બધું પતાવીને ચત્તા પડ્યાં હતાં. હજી હાંફ નીચે નહોતી બેઠી. એમનાં મનમાં હોટેલવાળાના અઢીસો રૂપિયા બચ્યાનો પણ આનંદ હતો. અને ત્યાં તો વીસ મિનિટમાં બધું ફટાફટ પતાવીને નીકળી જવું પડે. આજે એમનાં ઘેર બીજું કોઈ ડિસ્ટર્બ કરે એમ નહોતું. તે દિવસે એમણે જિલ્લા પંચાયતમાંથી અરધા દિવસની રજા પણ લીધેલી. આ રીતે ક્યારેક એનાં ઘેર મળીએ ત્યારે એને બીજો રાઉન્ડ કરવાનો પણ લોભ હોય. મને એમ કે એ દરવખતની જેમ એ આંખો કાઢીને કહેશે કે ‘કાં? મરદોની તાકાત શું હોય છે ઈ જોઈ લીધું ને? તું બાવીની અને હું પિસ્તાળીનો તોય એક વાર તો તુંને સુવાસ ધમણ કરી નાખી કે નઈં?’ એને બદલે એમણે બોમ્બ ફોડ્યો, ‘શું કરે છે ઈ તારો ભડવો?’ પહેલા તો મને સમજાયું નહીં ‘કોની વાત છે?’ પૂછ્યાની સાથે જ ઝટકો લાગ્યો કે આ તો મા’રાજની વાત કરે છે!’ મેં દાંત ભીસીને કહ્યું કે ‘નરેશભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો હોં, મા’રાજ મારા કાયદેસરના મિસ્ટર છે.’ નરેશભાઈ હસ્યા અને ઊભા થઈને બારી ત્રાંસી ખોલીને થૂંક્યા અને હળવેથી બંધ કરીને મારી બાજુમાં ગોઠવાઈ ગયા અને બોલ્યા, ‘સમજ્યા હવે... શેના કાયદેસર અને શેના મિસ્ટર? ઈ શું નથી જાણતો કે તું કઈ રીતે પૈસા કમા છો?’ હવે મારો પિત્તો ગયો, ‘નરેશભાઈ, આ રસ્તે તો ફોર્સ કરીને મને તમે જ લઈ આવ્યા છો. તમને હાથ જોડું? આમાં માં’રાજને વચ્ચે ન નાંખતા.’
*
હાલનાં પાડોશી અનસૂયાબેન ઘણી વાર ઈંદિરામાર્કેટમાં શાક લેવામાં મળી જતાં. ત્યારે તો હું અહીંથી છઠ્ઠી શેરીમાં મામા- મામી સાથે રહેતી. પણ છ મહિનાથી મામીએ મામા આગળ ઉપાડો લીધેલો,
‘હવે આ રાંદલનાં ઘોડાને ક્યાં સુધી ઘરમાં ઘાલી રાખવો છે? ભાઈ-ભાભી મરી ગ્યાં ને મારે ગળે આ હડીમ્બો બાંધતા ગ્યાં! કાલ્ય આ મારી કાન્તુડી અને દીનુડી પીળાં હાથ કરવા જેવડી થાહે. આવડી આ કોઇની સામે આંખ્ય ઊંચી કરીને જોતી નથી ઈ એનો ગણ એની ક્યાં ના છે પણ આવડી છોકરીયું તો આ જમાનમાં જાત્યે માગ કરી લે સમજ્યા કે નૈ? ગામ તો બોલે. કોઈ બે બાચકાં ઘઉં આપણે ન્યા નાખી ગ્યું હોય એવું હજી સુધી બન્યું છે?’
એવામાં અનસૂયાબેન એકવાર મને પૂછવાં માંડ્યા, ‘લે, હજી લગન નથી થ્યા તમારાં, એમ? સગપણેય નથી થ્યું? હા, પણ તમારી જ્ઞાતિમાં કમાતા-ધમાતાં છોકરાંવેય ક્યાં નથી ઈય હકીકત છે ને!’ મેં મામીની વાત પણ કરી. પછી ત્રણચાર દિવસે મળી ગયાં તો કહેવાં લાગ્યા, ‘એક છોકરો છે. તમારી જ્ઞાતિનો જ છે. હીરાની ઘંટીએ બેસે છે. પણ....’
‘શું પણ?’
‘તમારાંથી દસ વરહ મોટો છે.’
‘બતાવો તો ખરાં.’
ત્રણ દિવસ પછી રોન્ઢે અનસૂયાબહેનના ઘેર મિટિંગ ગોઠવાઈ. એમને ધારીને જોયા. પગમાં ચંપલ હતા! છોકરી જોવા જઈએ તો બૂટ માંગીને તો માંગીને પણ પહેરી જવાં જોઈએ એટલી ખબર પણ આને નહીં હોય? શર્ટ અને પેન્ટમાં પણ કોઈ મેચિંગ નહોતું. દાઢી તાજી કરાવીને આવ્યા હતા એટલા પૂરતો એમનો ઉપકાર માનવો પડે.
મેં પુછ્યું, ‘કેટલાનું કામ થાય છે?’
‘આઠ-દસ હજાર તો ઉતારી જ લઉં.’
‘કાયમી કામ મળી રહે?’
‘એ બધું તો હીરાની ડિમાન્ડ ઉપર રેય. કઈંક આઠ-દસ દિવસનો ખાડોય થાય.’ અનસૂયાબેન ચા-નાસ્તો મૂકીને ગયાં. ‘કેવો લાગ્યો મુરતિયો?’ એવું નેણનો ઉલાળો કરીને ઇશારાથી પૂછતા ગયાં.
‘મારા રામ, તમે મને આને જોવા બોલાવી?’ એમ મેં મનોમન જવાબ આપ્યો. ક્યા શબ્દોમાં ના કહેવી એ ગોઠવવાનું સૂઝતું નહોતું. હું ઊભી થઈ ગઈ.
‘ઠીક છે, એક અઠવાડિયામાં હા કે ના જે હશે તે જણાવીશ.’
હું ઉંબરાની બહાર સેન્ડલ પહેરવા ઝૂકી એવામાં એમણે કહ્યું, ‘એક મિલિટ. આંયાં આવો તો.’ હું એક પગમાં જ સેન્ડલ પહેરેલું રાખીને ‘ઠપાક... ઠપાક’ ચાલતી કેડે હાથ રાખી એમના પર ઝળૂંબતી હોઉં એમ જઈને ઊભી રહી.
‘બોલો?’
‘ના, એમ નહીં. નિરાંતે બેસો. એક ચોખવટ કરવી જરૂરી છે અટાણે જ.’ હું સેન્ડલ કાઢીને બેઠી.
‘હા, બોલો?’
એણે ઘડીક સામે દીવાલ તરફ જોયું. પછી એક હાથની હથેળી પર બીજા હાથનો અંગુઠો મસળતા બોલ્યા,
‘મને ફેફરું આવે છે.’
‘ફે..ફરું....? એ શું?’
‘અટલે કે મને વાઈ આવે છે. અટલે કે ગમે ત્યાં હું ફરાંટી ખાઈને પડી જાઉં. દસ-પંદર મિનિટ સાધ્ય જાતી રે’ય છે. મને થ્યું કે મારે.. મારે.. તમને કઈ દેવું જોંઈ. કોઈ કુંવારી છોકરીની જિંદગી એમ બગાડી થોડી નખાય છે?’
‘જનમથી જ છે આ?’
‘ના, ના. આ... આ દરદ તો હું પાંચ-સાત વરસનો થ્યો પછી આવ્યું.’
‘કેમ કરતા? કોઈના ઓછાયામાં આવી ગયેલા?’
એમનો ચહેરો થોડો કાળો પડીને પછી પીડાથી ભાંગી ગયો. હોઠ થરથરવા માંડ્યા. પછી ગળું સાફ કરવા ખરેરી ખાધી અને બોલ્યા,
‘ના રે ના, ઓછાયો શેનો? પણ.. મારા બાપા... મારા... બાપા મને બહુ મારતા. વગર કારણે મારતા, તિતાલી મગજના હતા. બા આડી ફરે તોય બચાવી નો શકતી. પછી તો બાપા મારવા લેય અટલે મને વાઈ આવવા મડે. ભાનમાં આવું અને કોઈ સગું કે ભાઈબંધ કે’ય કે તને આટલ્યો માર્યો અટલે ખબર પડે કે હા એટલો માર્યો હશે. મને તો સમાધિ લાગી ગઈ હોય એમ મારી સાધ્ય જતી રે.’
‘હં...’
‘પછી તો દસ-બાર વરસનો થ્યો અટલે બાપાને કારણેય મળી ગ્યું. રોજ સવાર થાય ને હુકમ છૂટે કે સાંજ સુધીમાં સોની નોટ, ચાહે તો ચોરીચપાટી કરીનેય લાવે તો જ ઘરમાં પગ મુક્યજે. નૈ તો ખાવાનું બંધ. તોય બા રહોડામાં બોલાવીને છાનુમુનાં બે ભાખરીને બેવડ વાળીને ખીસામા ઠાંસી દેય. હું આખો દિ’ ખીસામા ઈ બે ભાખરી લઈને ફર્યા કરતો. ઘણીય વાર ભાખરી હાર્યે ખાવા, કે પીવા જી ગણો ઈ, પાણીના પાંચ-સાત ઘૂંટડા સિવાય કાંઈ નો હોય. પછી તો બા મરી ગઈ અટલે ઠામુકો ઘરમાંથી કાઢી મૂક્યો. હીરામાં આઠ દસ હજાર પાડી લઉં છું એમ કીધું ઈ તો... ઈ તો... દિવાળીએ ડબલ પાળીમાં વરસમાં એક વાર હાઈએસ્ટ પગાર મળે છે ઈ કીધો. બાકી મારે રેગ્યુલરમાં તો ખેંચી ખેંચીને ગણો તોય છ હજાર માંડ ઊતરે છે. અટલે...’ એમણે અંગૂઠાથી મસળીને કાઢેલો મેલ હથેળી આડી કરીને નીચે ખેરવી દીધો. ‘…અટલે તમે મે’તલ માંગી છે ઈ મુજબ અઠવાડીયા પછી વિચાર કરીને મને ના પાડશો તો એમાં મને કે બીજા કોઈનેય તમે ખોટો નિર્ણય કર્યો છે એવું નૈ લાગે.’ એમનો ચહેરો હજી ભાંગેલો હતો. હું ઘડીક એમની સામે જોઈને બેસી રહી. પછી ઊભી થઈને કહ્યું,
‘ભલે મા’રાજ.’
હું બારણાં તરફ જવાને બદલે રસોડામાં ગઈ. અનસૂયાબેન નીચું જોઈને થાળીમાં મગ લઈને એમાંથી કાંકરા વીણતાં હતાં. મારવાવાળી વાત એમણે પણ પહેલી જ વાર રસોડામાં ઊભાં રહીને સરવા કાને સાંભળી હશે. એમના હોઠ પણ ધ્રૂજતા હતા. હું એમને પાછળથી બાથ ભરી ગઈ અને કાનમાં કહ્યું, ‘અનસૂયાબહેન, મારી હા છે, મા’રાજને કહેજો કે મારી હા છે.’ હું ઝડપથી બહાર નીકળી ગઈ. તડકો સીધો આંખમાં આવતો હતો. મારું આખું શરીર ધ્રૂજતું હતું. મામાનું ઘર કઈ દિશામાં છે એની ખાતરી કરવા માટે એક મિનિટ ઝાંપલીંઓ ટેકો લઈને ઊભા રહેવું પડ્યું.
શરૂઆતમાં તો ઠીક ચાલ્યું પણ પછી મા’રાજ જે કારખાને જતા એમાં ઉપરથી જ હીરાની ખેંચ પડવા માંડી. બીજા કારખાને પણ બેસી જોયું, પણ જાણ્યું કે હવે ચીન અને બાંગલાદેશમાં આ જ કામની મજૂરી સસ્તી પડે છે એટલે અહીં બહું કામ આવતું નથી. મામીએ તો પરણાવતી વખતે જ કહી દીધેલું કે ‘જોવો, ભાણીબેન છો અટલે ખીહર્યે અને ગોકુળ આઠમ્યે ખીચડો કે સાકરનો હારડો લેવાનો તમારો હક્ક ખરો પણ અંતે તો સૌએ પોતપોતાના પેટના ખાડા જાત્યે જ પુરવાના. અને મારે આ મારી કાંતુંડી અને દીનુંડીનેય તમારી જેમ હાથ પીળાં હાથ કરવાના કે નૈ? અટલે ભાણીબેન, સૌ સૌએ પોતપોતાનાં ઘરને જ પેરી-ઓઢીને દાડા ટૂંકા કરવાના હોય, સમજ્યાં?’ એટલે એ દિશા તો દેવાઈ ગઈ હતી. હું વળી પંદરેક દિવસ પ્રાઈવેટ ક્લાસમાં એમ.એસ. ઓફિસ શિખેલી એટલે વર્ડમાં લખતા અને એક્સલમાં ટેબલ બનાવતા આવડે. એવું કશું કામ મળે તો પણ ગાડું ગબડે એટલે જિલ્લા પંચાયતમાં હમણા કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીનું કામ નિકળ્યું છે એમાં કદાચ મેળ પડી જાય એવી માહિતી ઊડતી મળી એમાં શોધતાં શોધતાં હું અને મા’રાજ રવિવારે નરેશભાઈને ઘેર જઈ ચડ્યાં. કોઈકે કહ્યું કે ‘એ ધારે તો કામ અપાવી શકે.’ નરેશભાઈએ પુછ્યું ‘ડેટા એન્ટ્રી કરવાનું ફાવે?’
‘હા, હું શીખી છું.’
‘પહેલું અઠવાડિયું મફત કામ કરવું પડે. ધારી સ્પીડની ખાતરી થાય તો આગળ વિચારીએ.’
બીજા દિવસથી જિલ્લા પંચાયતમાં જવા લાગી. ચોથા દિવસે એમણે કહ્યું કે ‘કાલે જાહેર રજા છે પણ કામ તો સમયમર્યાદામાં પૂરું કરવું પડશે એટલે મારા ઘેર્યે આવીને કામ કરજો.’
બીજા દિવસે હું ગઈ. ઘરમાં એ એકલા હતા. ‘આંટી નથી?’ મેં પુછ્યું. ‘ઈ તમતમરે હમણા આવશે. તમે ત્યાં રૂમમાં જઈને કમ્પ્યુટર પર કામ ચાલું કરો.’
હું હજી કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી હતી ત્યાં એમણે આવીને હળવેથી રૂમનું બારણું બંધ કર્યું અને વળગી પડીને બોલ્યા, ‘કમ્પ્યુટરની દીકરી થા મા અને હું કઉં છું એમ કરવા માંડ્ય તો તને ખાધું ખૂટવા નહીં દવ.’ મેં ઘણાં તરફડિયાં માર્યા, નાસી જવાની કોશિશ કરી પણ એમણે મારાં કપડાં ફાડી નાખ્યાં, ‘લે જા હવે નાગી થઈને ભરબજારે ધોડ્ય.’ અરધા કલાક પછી એમણે એમની પત્નીનાં કપડાં પહેરવાં આપ્યાં અને મારા હાથની મુઠ્ઠી વળાવીને હજાર રૂપિયા પકડાવ્યા. મેં ઘેર જઈને મા’રાજને ધ્રૂજતા ધ્રૂજતા આ વાત કરી. મને એમકે મને મારશે પણ અમારા લગ્ન પછી એમને પહેલીવાર વાઈ આવી અને ચક્કર ખાઈને પડ્યા. પછી અઠવાડીયા સુધી અમે બંને સવાર, બપોર, સાંજ અને રાત એકબીજાની સામું જોઈને ઘરમાં બેઠાં રહ્યાં. મા’રાજને ફરીથી વાઈ ન આવે એટલે હું એમને બહાર પણ ન જવા દેતી. ઈવન કે રાજકમલ ચોક સુધી જાય તો પણ એમના ખિસ્સામાં બધી વિગતો લખેલો કાગળ રાખીને જ ઘરની બહાર પગ મૂકવા દઉં. એક દિવસ એ રીતે એ બહાર ગયેલા અને મારા મોબાઈલ પર નરેશભાઈનો ફોન આવ્યો, ‘કાં... રીસ ઉતરી ગઈ? ઉતરી ગઈ હોય તો ઈ દિવસની જેમ આજ ઘેર્ય હું એકલો છું. આવો ને. હું તમને બીજા બે-ચાર મોટા માણસોના મોબાઈલ નંબર પણ આપીશ. ઈ બધાય હાર્યે મારા રેફરન્સથી વાત કરી લેજે.’ મેં ચાર દિવાલોમાં નજર ફેરવી. ઘરનું ભાડું, શાક-પાંદડા, કરિયાણાનાં અને દૂધનાં બિલો સિક્કે ચુકવવાનાં બાકી હતાં. લગનની શરૂઆતમાં બેંકમાંથી લોન લઈશું અને એમાં ખૂટે તો કારખાનના શેઠ પાસેથી ઉછી-ઉધારાના કરીને ઘરનું ઘર કરીશું એવાં બહુ સપનાં જોયેલાં અને અત્યારે ઘરભાડું ચુકવવાના સાંસા હતા. મા’રાજનો હીરામાં કે બીજા કોઈ કામોમાં પાટો બાધતો નહોતો. હું ઊભી થઈ. પર્સ લીધું અને ઘરને તાળું મારીને ચાવી અનસૂયાબેનને આપીને કહ્યું, ‘મા’રાજ આવે તો કહેજો હું જિલ્લા પંચાયત જઈને સાંજ સુધીમાં આવું છું.’ પછી મા’રાજને વાઈ આવતી ઓછી થઈ ગઈ પણ સાવ બંધ ન થઈ.
*
‘હવે?’ મા’રાજે પુછ્યું.
‘હવે નરેશભાઈનું નામ લીધું છે તો એને જ ફોન કરો. એવું હશે તો હું વાત કરી લઈશ.’
‘ના હો. મને એની હાર્યે ભટકાવવો રે’વા દે.’ મા’રાજને નરેશભાઈથી નફરત હતી અને એનાથી ડરતા પણ ખરા. ક્યારેક અમે બંને ગામમાં નીકળ્યાં હોઈએ અને રસ્તામાં અચાનક નરેશભાઈ મળી ગયા હોય તો એ દીવાલની પાછળ સંતાઈ ગયા હોય એમ મારી પાછળ લપાઈ જતા. કદાચ એમને નરેશભાઈની આંખમાં પેલો શબ્દ ચોખ્ખો વંચાતો હશે. મેં મોબાઈલ હાથમાં લીધો.
‘હા, બોલો? નરેશભાઈના અવાજમાં ઉતાવળ હતી.
‘નરેશભાઈ, મારા રૂપિયા લેણા છે એ આપી દોને?’
‘રૂપિયા? ક્યા રૂપિયા?’
‘ક્યા તે વળી આપણે ચાર માહિનામાં ત્રણવાર મળ્યા ને? પછી સમજી લઈશું એવું નહોતું કહ્યું?’
‘હા, તો, સમજી લઈશું એમ કયું’તું એટલે કે છ મહિનામાં તમને પાંચ નવા કેસ નો અપાવ્યા? એમાં મારો કટ નહીં?’
‘કેવી વાત કરો છો નરેશભાઈ?’
‘વાત બિલકુલ મુદ્દાસરની છે, ગઈ સાલ અમે વીસ જણા થાઈલેન્ડ ગ્યાં’તા ને એમાં અમે બધાય સમૂહમાં ન્યાની બાંયું પાંહે જાતા એમાંય પૈસા તો ઓગણીસના જ્ આપતા. મારે માટે મફત. કેમ કે ઈ બધાયને લઈ જાવાવાળો તો હું જ ને? હિસાબ તો હિસાબની રીત્યે જ ગણવાનો હોય ને?’
‘નરેશભાઈ, આવા ધંધા કરો છો?’
‘હવે ઇ શબ્દ તો તું મારી પાસે ઉચારતી જ નૈ... હલ્લો... છો કે મૂકી દીધો?’
‘છું જ વળી.’ મને તમ્મર આવતા હતા તોય હું બોલી, ‘ચાલો આ ચર્ચા પછી કરીશું. પણ આ મહિનાનાં ઘરભાડાનો પણ જોગ નથી થયો. એવું હોય તો હું હોટેલ ‘પેરેડાઈઝ’ પર આવી જાઉં? એના રોકડા આપજો.’
‘હમણા તો હાફ યરલી લક્ષાંકો કંપલિટ કરવામાં ધડ ઉપર કોઈને માથાં નથી રહ્યાં. આવતે મહિને જ મળાય એવું લાગે છે.’
મારું ઉતરી ગયેલું મોં જોઈને મા’રાજ બોલ્યા, ‘એની પાંહેથી કાવડિયાં કઢાવવા ઈ રેતી પિલવા જેવું છે. જોયું? આ બેય નમૂના હાર્યે લમણાં લેવામાં બપોર પડી ગઈ.’
*
દોઢેક વાગે અનસૂયાબેનની બેબી બોલાવવા આવી. હું ગઈ એટલે કહેવાં લાગ્યાં, ‘ન્યાં ઘરમાં શું પુરાઈને બેઠાં ર્યો છો? ઘડીક આવતાં હો તો વાતું થાય. મારા ભાઈને હમણા કામ નથી મળતું કે શું?’ એમનાં અવાજમાં ચિંતા હતી.
મા’રાજને કામ સાવ છૂટી ગયું હતું પણ એ જાહેર કરીએ તો ઘર કોના પર ચાલે છે એ વાતનો જવાબ આપવાનો થાય. એટલે હું મહિનામાં પંદર દિવસ ટિફિન આપીને એમને બહાર મોકલું. એ કામનાથ મહાદેવના મંદિરે કે ઠેબી ડેમ ઉપર આખો દિવસ સામે સીમમાં બકરાં ચારતાં હોય એ જોતાં ત્યાં જ બેઠા રહે. બપોરે એકલા ટિફિન ખાય અને સાંજે સાયકલના હેન્ડલ ઉપર ટિફિન ભરાવીને ઘેર આવે. હું કશોક જવાબ તૈયાર કરીને આપવા જતી હતી ત્યાં બે જણ ઝાંપલી ખોલીને અંદર આવ્યા અને ‘આ કોનું રહેણાંક છે’ એવું પુછ્યું. સાથે રજિસ્ટર લાવેલા એમાં કશુક ચેક કરવા લાગ્યા. અનસૂયાબેન ગભરાયાં, ‘ભાઈ તમે જે હોવ ઈ પણ સાંજે આવજ્યો. અટાણે તો બેબીના પપ્પા ઘરમાં નથી.’ બેમાંથી એક જણ હસ્યો, ‘બેન બીવ મા. અમે નગરપાલિકામાંથી આવીએ છીએ. હમણા પાલિકામાં નવી સ્કીમ આવી છે. ઘરવિહોણાને ઘરનું ઘર આપવાની યોજના છે. આ ઘર તમારી માલિકીનું છે?’
‘અમારું પોતાનું છે ને. બે વરહ પેલા દસ્તાવેજથી લીધું છે.’
‘તો, તો જાવા દ્યો. અમે રેકર્ડ અદ્યતન કરી લઈશું. ઠીક તો નિકળીએ.’ હું દયામણું મોં કરીને અનસૂયાબેન સામે જોઈ રહી. એમને ખ્યાલ આવી ગયો, ‘તે ભાઈ, અમારે તો જરૂર નથી પણ આ બહેનને એક ફારમ ભરવી દ્યો ને.’
પેલા ભાઈએ રજિસ્ટર ખોલીને મા’રાજનું નામ અને અમારા ઘર નંબર પુછ્યાં. મેં માહિતી આપી. એ રજીસ્ટરમાં જોઈને ગૂંચવાયા, ‘લે, આ વોર્ડની યાદીમાં તમારા મરદનું નામ શહેરી ગરીબોની યાદીમાં છે જ નહીં. અને આ મકાન ભાડે છે એવુંય લખ્યું નથી, રેકર્ડ ઉપર તો ખાલી પલોટ જ બતાવે છે. કાંક લોચો લાગે છે.’ એવું બોલીને એ નીકળવા જતાં હતા એમાં, ‘લે આ વળી રઈ ગ્યું.’ એમ બોલતા પાછા આવ્યા અને મારા હાથમાં ‘ઘરનું ઘર’ યોજનાની પાંચ સાત રંગીન પત્રિકા પકડવાતા ગયા, ‘લ્યો રાખો, અમારેય આનો નિકાલ તો કરવાનો જ ને? તે થોડીક તમે રાખો.’ કહીને હસતા હસતા જતા રહ્યા. અનસૂયાબેન રોષથી બોલ્યાં, ‘પીટ્યા રાજકારણી. આવી બકરીના ગળાના આંચળ જેવી સ્કીમું નો બનાવતા હોય તો?’ મને રાજકારણી પરથી યાદ આવ્યું. મે કહ્યું ‘અત્યારે તો જાઉં છું, કાલે નિરાંતે આવીશ.’
*
મા’રાજને મેં કીધું પેલા નેતાને ફોન કરી લઉં.
‘હલ્લો?’ સામેથી નેતાજી હસીને બોલ્યા, ‘તમેય અમારી જેમ પક્ષપલટા કરો છો કે શું?’
‘તમે પણ ક્યાં યાદ કરો છો?’
‘લે, ભૂલી ગ્યા? ત્રણ મહિના પે’લા રોકડિયા હનુમાને માનતા ઉતારવા જમણવાર રાખેલો તંઈ તમને અને તમારા મિસ્ટર ઓલ્યા... શું ક્યો છો એને.. મા’રાજ, રાઈટ? એમાં તમને અને મા’રાજને બોલાવેલા જ ને? મારાં કોઈ પબ્લિક ફંકશનમાં તમને બેયને ઇન્વિટેશન નો હોય એવું બને જ નૈ.’
‘હા, પણ એકલા મળવું હોય તો?’ સાંભળતા જ નેતાજીના અવાજમાં અફસોસ તરી આવ્યો, ‘નથી મેળ પડે એમ નહિતર મેં તમને યાદ કર્યા જ હોય. મૂળ વાત શું છે કે...’ એમણે ધીમો અવાજ કરીને કહ્યું, ‘...હમણા તમે કોઈને ડિક્લેર નો કરતાં પણ આ વખતે વિધાનસભાની ટિકિટમાં લાઈફમાં પે’લ્લીવાર આપણો ચાન્સ લાગે એમ છે. અટલે હાઈકમાન્ડે કીધું છે કે લોકસંપર્ક વધારી દ્યો, ખાસ કરીને દરિયાઈ પટ્ટીના ગામોમાં આપણું ચિત્ર નબળું છે. અટલે દિ’ ઊગેને ઈ દિશામાં દોટ મૂકીએ છીએ. વળી સામેવાળા હાળા કોલ-ડિટેલેય કઢાવતા હોય. અટલે મેં બિનજરૂરી સંપર્કો ઓછા કરી નાખ્યા છે. અને એકવાર ચૂંટાઈ ગ્યો તો પછી તમને ન્યાં ગાંધીનગર મારાં ક્વાટરે ક્યાં નથી બોલાવાતાં? આજ તો મેં જામકા ગામે મિટિંગ રાખી છે તે ન્યાં પાંચ પેલા પૂગવું પડશે. હજી ચલાલા લગી જ પૂગ્યો છું.’
‘પણ મારે તાત્કાલિક પૈસાની જરૂર છે.’
‘કેટલા?’
‘મારે ઘર ચલાવવા ઓછામાં ઓછો બાર-તેર હજારનો મંથલી ખર્ચો છે. બીજા થોડા હાથ પર રહે એમ ગણીને પંદરની સગવડ કરી દો.’
‘એટલા બધા તો નૈ મેળ પડે. હવે તો હાઈકમાન્ડ ક્યાં પૂરા ખર્ચા આપે છે? છતાં કાલે વળી થોડા રીલીઝ કર્યા છે એમાંથી પાંચ મોકલાવું છું. મારા માણસને મોટરસાઈકલ લઈને મોકલું છું. કલાકમાં આવીને આપી જાહે.’
‘ભલે પાંચ તો પાંચ. મોકલો.’
‘અને...?’ કહેતા નેતાજી હસી પડ્યા.
‘શું?’
‘આ પાંચની સામે મારા બે રાઉન્ડ જમા હોને?’
‘તમારો કોલ કોઈક રેકર્ડ કરતું હશે.’
‘એલા ઈ તો વારેવારે મગજમાંથી નીકળી જ જાય છે. હાલો મૂકું તંઈ.’
થયું એક છેલ્લો પ્રયત્ન કરી લઉં. ‘મા’રાજ પેલા બિલ્ડરનો નંબર લાવો તો. મેં વોટસએપમાં મેસેજ મૂક્યા પણ અરધી કલાક સુધી કોઈ જવાબ ન આવ્યો. પછી મોબાઈલ કર્યો,
‘હું છે તમારે?’ એમના અવાજમાં અકળામણ હતી.
‘મારા વોટ્સએપ જોયા?’
‘એલા ભાઈ, આયાં મારે નોટું બદલાવાની કચકાણ હાલે છે એમાં તમારા ફૂલડાવાળા મેસેજુ જોવાની કોને નવરાઈ હોય? કામ હોય તો જલ્દી બોલો; નહિતર આમાંથી નવરો થાવ અટલે પનરેક દિવસ રઈને ફોન કરું.’
‘મારે પૈસા જોઈએ છીએ.’
‘એલા ભાઈ, હમજ્યાં નૈ? અટાણે બજારમાં કોઈના હાથમાં રોકડ રકમ છે જ નૈ.’
‘તોય આઠ દસ હજાર કરી જ દો. મારે...’
‘સક્ય નથી ને. સક્ય જ નથી.’
‘તોય થોડા...’
‘હારું, આજ જ નવી નવી બે હજારની નોટુંનું બંડલ હાથમાં આવ્યું છે. એમાંથી એક પત્તું મોકલાવું છું. દુપટ્ટાની બુકાની બાંધીને મુક્તિધામના દરવાજે ઊભા રેજ્યો. મારો માણસ વ્હાઈટ ફ્રંટી લઈને આવશે ને દઈ જાહે.’
‘ભલે.’
‘અને બીજી એક વાત.’
‘હા, ખબર છે. તમારો રાઉન્ડ જમા રહેશે.’
‘એલા ભાઈ, બોલ્યા પે’લા જ ખબર પડી જાય છે એવું ને? નરેશભાઈ ઠેકાણું બતાવે ઈ મોળું નો હોય.’
*
સાંજે રસોડું વહેલું પતાવી દીધું. શરીર એમ જ થાકી ગયું હતું પણ ઊંઘ નથી આવવાની એની ખાતરી હતી. છતાં વચ્ચે વચ્ચે ઝોલાં જેવું આવી જતું હતું. બહાર અંધારું વધી ગયું. મેં ઊભા થઈને ટ્યુબલાઈટ ચાલુ કરી અને પંખો ફૂલ કર્યો. થોડીવાર પછી મારાં પડખામાં સળવળાટ થયો. મા’રાજ હતા. મેં એમના શરીર પર મારો મરેલો હાથ મૂક્યો. એ થોડી વારે બોલ્યા,
‘હું શું કહેતો હતો?’
‘હં...’
‘આજે તમે શેમ્પૂયે કર્યું છે અને બીજા કોઈને મળવા જાવાનો સવાલ નથી. અટલે કે આજે તમે... તમે કોરાં છો તો હું...’ એમનો અવાજ વેરાઈ જતો હતો.
‘વાંધો નહીં મા’રાજ. આવી જાવ.’
થોડી વાર પછી મને દુખવા માંડ્યુ. મા’રાજ આખાને આખા મારાં શરીરમાં સંતાઈ જવા માંગતા હોય એમ ઝઝૂમતા હતા.’
‘હાશ્ય.... મા’રાજ. ધીમે...ધીમે.’
‘હા, ધીમે.’
પંખાની તેજ હવામાં પાલિકાના ‘ઘરનું ઘર’નાં ચોપાનીયાં ફફડાટ કરતાં આમથી તેમ ઊડતાં હતાં. મા’રાજનો ધ્યાનભંગ થયો,
‘આ શેનો અવાજ આવે છે?’
‘કશું નહીં મા’રાજ એ આપણાં કામનું નથી. ડિસ્ટર્બ નહીં થવાનું.’
થોડીવાર પછી મારામાં ચેતન આવ્યું. મેં મા’રાજનું માથું સુંઘ્યું અને એમની આખી પીઠ પર હાથ પસવાર્યો. મા’રાજનું હલનચલન અટકી ગયું,
‘કાંઈ કીધું?’
‘એ જ કે. આ બધું ધીમેધીમે સમુંસૂતર્યું થઈ જશે. તમે ચિંતા ન કરતા હોં.’
હું બોલી તો ખરી પણ મને જ મારો અવાજ બોદો લાગ્યો. મારી નજર છત પર ગઈ. ત્યાં મોભારે કરોળિયાએ બાંધેલું જાળું પંખાની હવામાં જોરજોરથી ધ્રૂજતું હતું. જાણે કે હમણાં જ તૂટી જશે. મેં એકીટશે જોયાં કર્યું. જાળું ધીમેધીમે ભીનું થતું ગયું. પછી મોભાર પણ ભીનો થયો. મને થયું કે હવે હું આંખો બંધ નહીં કરી દઉં તો એ ભીનાશમાં મારું ઘર પણ વહી જશે.
સ્રોત
- પુસ્તક : ઘર (પૃષ્ઠ ક્રમાંક 161)
- સર્જક : કિરીટ દૂધાત
- પ્રકાશક : નવજીવન
- વર્ષ : 2023
