મનુ પાંધી
Manu Pandhi
સૂર્ય ઊંચે ચઢ્યો અને આકાશની રતાશ એણે છીનવી લીધી.
ધીર અને મક્કમ ચાલથી અમારું વહાણ, ફુલાયેલા ગાલની જેમ, સઢમાં હવા ભરીને આગળ ધપતું રહ્યું.
ઊછળતાં મોજાંના સફેદ ફીણોટા, દરિયાની ઘેરાશને વધુ ઘેરી બનાવી, મને પોતાની સાથે સાથે પોતાના ઉદ્ગમસ્થાન – મારા વતન – તરફ લઈ ચાલ્યા.
યાદના સમુદ્રનાં મોજાં એકબીજા પર પછડાટ ખાવા લાગ્યાં...
નાખુદા જાકબ ભટ્ટીએ મારા ખભા પર પોતાના મજબૂત હાથ ટેકવી, મારી આંખમાં આંખ પરોવતાં, એની વેધક દૃષ્ટિ ઠેરવતાં પૂછ્યું : ‘તેજૂ, ચડને મું ભેડો?’
હું એની આંખમાં આંખ ન પરોવી શક્યો.
એ થોડીવાર કશુંય બોલ્યા વગર, જાણે મારા હૈયાની આરપાર જોઈ રહ્યો હોય તેવી દૃષ્ટિથી – સ્થિરતાથી તાકી રહ્યો. પછી બોલ્યો :
‘માલમ, મારી સાથે ચડવું બચ્ચાંના ખેલ નથી.’
‘હુકમ કરો,’ મેં બીતાં બીતાં કહ્યું.
નાખુદાએ પોતાની ભરાવદાર દાઢી પર હાથ ફેરવ્યો, સફેદ વાળ ચોતરફ ડોકિયાં કરી રહ્યા હતા. કાંસામાંથી ઢાળી કાઢેલી કોઈ નક્કર મૂર્તિ જેવો એનો બાંધો હતો. આંખને છાઈ જતા ભમ્મરના વાળ નીચે મોટી કોડી જેવી એની આંખનાં તેજ, અંધારી રાત જેવા એના કાળા શરીરમાંથી દીવાદાંડીની રોશની જેવાં ચમકતાં મિચાયાં અને ઊઘડ્યાં. ઘડીપળમાં એણે નિર્ણય કરી લીધો, અને મારી પીઠ થાબડી કહ્યું : ‘ઈન્શાલ્લાહ! તૈયાર થી બેલી!’
અને રડતી કાશીનાં અશ્રુ હોઠમાં ચૂમી હું એ મધરાતે વહાણમાં ચડી ગયો.
ફુરજામાં કંડારેલી તોપોમાં બાંધેલ રસ્સા છૂટ્યા લંગર ઊપડ્યું. આલાત ખુવા સોંસરી તંગ બની, પાવડાઓનો કચકચાટ થયો, પરબાણો પર ખલાસીઓ સવાર થયો, સઢ ખૂલ્યા, એના ગાલ ફુલાયા અને ઊગતી ઉષાની સામે આસપાસનાં બીજાં વહાણો વચ્ચે થઈને તીરની જેમ વહાણ દરિયામાં વછૂટ્યું.
ચંદ્રનાં આછાં અજવાળાંમાં કિનારો વાદળી ઘેરી લીટી જેવો થતો ગયો. ઊછળતાં મોજાં પર નૃત્ય કરતા વહાણમાંથી ‘રાવળ પીર’, ‘હોડીઓ કોઠો’ અને રેતીના ઢૂવા નાના અને અસ્પષ્ટ થતા ગયા. પીળી રેતીના વિશાળ પટ પરથી શરૂ થતાં છીછરાં પાણી, ઘાટાં વાદળી થતાં ગયાં. વારંવાર કિનારા પર પછડાટો ખાઈ પાછાં વળતાં મોજાંના ફીણોટા હવે ધીર અને મક્કમપણે આવતા અને ખોવાઈ જતા. ચોમેર ક્ષિતિજે આકાશ અને સાગર એકબીજાને ભેટી ગુફતેગુ કરી રહ્યાં હતાં.
મોટી સફરનો મારો એ પ્રથમ દિવસ મારી યાદના પેટાળમાંથી ઊપસી આવ્યો.
*
બાહોશ સાગરખેડુ થવાનાં સ્વપ્નાં મેં નાનપણથી સેવ્યાં હતાં. સાગરની દિલ ધડકાવનાર છતાં આકર્ષક અને વાતો મારી કોમના ખલાસીઓ પાસેથી બચપણથી સાંભળતો આવ્યો હતો.
અગાધ સાગરને પેલે પાર નવા મુલક, નવા માણસો, નવી વાણી અને ઊછળતા સાગરની કલ્પનાઓ સ્વપ્નમાં સાકાર બની એની ખુમારીના કેફમાં મને મસ્ત બનાવી જતી.
અનુકૂળ હવામાન અને કુશળ નાખુદાના સુખાણ પરના કાબૂથી સમુદ્રની છાતી પર હિલોળાં લેતું અમારું વહાણ, અશ્વની જેમ થનગનતું પોતાના માલિક નાખુદાની ઇચ્છાઓને જાતવાત ઘોડાની જેમ સાનમાં સમજી જઈ વફાદારીપૂર્વક અમલી બનાવતું, બેફિકરાઈથી દોડતું રહી, ધારેલ સમયથી પણ વહેલું મોમ્બાસા પહોંચ્યું અને દરિયાવાટના પ્રથમ અનુભવને, નવા મુલક અને નવા માનવના સંપર્કની ઉન્મત્ત યાદને મારા હૈયામાં કંડારીને આજે વળતી સફરનાં મંડાણ માંડ્યાં હતાં.
દરિયાની છાતી પર ‘કોંતલ’ની મદમસ્ત ચાલની અદાથી આગળ ધપતા વહાણમાં પહેલી રાતે મારો પોરો બાર વાગ્યે આવ્યો ત્યારે ચાર કલાક સુધી હું ચૂપચાપ એ દરિયાને, એ શૂન્ય ક્ષિતિજને, શૂન્યદૃષ્ટિથી નિહાળી રહ્યો.
ચૂપકીભર્યા શાંત વાતાવરણમાં સમુદ્રનાં મોજાંના પછડાટ અને પાણી કાપતા વહાણની સિસકારી મને કાશીના હૈયાના વલોપાતની યાદ આપતાં કંપાવી રહ્યાં ત્યારે એના કબૂતર જેવા ફફડાટની પરવા કર્યા વગર નાખુદા જાકબની પસંદગી પામ્યાનો ગર્વ યાદની સપાટી પર ઉપસી આવ્યો અને મારી છાતી અજાણતાં ફૂલાઈ.
જાકબ નાખુદો દર ગોસે એકાદ નવો જુવાન પસંદ કરી પોતાની સાથે લેતો. એની પસંદગીમાં પાર ઊતરવા તરવરતા જુવાન ખલાસીઓ જાકબની નજરે ચડવા છાની હરીફાઈ કરતા જ રહેતા.
‘તું કોરી છિપ્પન ઐયેં, જુવાન.’ કહી એણે જ્યારે મને પસંદ કર્યો ત્યારે મારું નામ ખલાસીઓની દુનિયામાં એકાએક વધી ગયું. જાકબ નાખુદો કોરીનકોર છીપર જેવા જુવાનિયાઓનાં કાળજાંમાં દરિયાખેડના ન ભૂંસાય તેવા પાઠો કોતરવામાં ઉસ્તાદ મનાતો. કેટલાય માડીજાયા ખલાસીઓની વચ્ચેથી એણે મને ચૂંટી કાઢ્યો છે એ વાત જ્યારે મેં ગર્વથી છાતી કાઢી કાશીને કરી ત્યારે એની આંખનાં ખારાં પાણીનાં પડળને પાર કરીને મારો ગર્વભર્યો ચહેરો અનિમેષ નયને જોઈ રહી. એ કેવો ગર્વ અનુભવતી હતી એ યાદ મનને અજબ સાંત્વના આપતી ગઈ.
એ રાતે નાખુદાએ ઓચિંતા મારા ખભા પર હાથ મૂકી પૂછ્યું :
‘ઘર યાદ આવે છે, જુવાન?’
ચમકીને પાછળ જોઈ, લાગણીમય થઈ મેં કહ્યું :
‘દરિયાના પાઠો શીખવા છે, ઉસ્તાદ!’
એ હસી પડ્યો.
‘શીખવ્યા શિખાય ખરા, પણ માલમ, હૈયાની ઉકલત તો અનુભવે આવે છે.’
કહી મારી પીઠ થાબડી એ ભંડારિયામાં જતો રહ્યો.
એ રાત પછી દિવસ ઊગ્યો અને દરિયો મારો ભેરુ બની ગયો. સાથીઓ શિક્ષકની અદાથી મને દરિયાની મસ્તી, હવાનાં એંધાણ, આકાશના રંગ, દિશાઓની ભૂગોળ અને દરિયાવાટનાં ગણિત શીખવતાં રહ્યા.
નાખુદાને બાદ કરતાં અમે બાકી નવ જણ હતા. તેમાં ‘મામા તપલ’ સૌથી બળવાન સારંગ હતો. એના શરીરમાં સ્ફૂર્તિના ફુવારા ફૂટતા. એના માંસલ બાહુ પોલાદ જેવા નક્કર છતાં નેતર જેવા સ્થિતિસ્થાપક હતા. એ સડસડાટ ખૂવા પર ચડી જવાની એની અદાથી પરખાઈ જતા. એનું નામ તો હતું રતુ માલમ, પરંતુ ખલાસીઓ મૂળ નામે ભાગ્યે જ ઓળખાય છે. એને કોઈ ને કોઈ તખલ્લુસ એના સાથીઓ મોડા યા વહેલા બક્ષી એનું જ નામ પ્રચલિત કરી દે છે. સહજ વાતમાં ગુસ્સો કરતા રતનશીને ‘મામા તપલ’ નામ મળ્યું. સુલેમાનને બધા ‘દીવાન’ કહેતા. મામા તપલ પછી એનું સ્થાન હતું. એનું બદન પથ્થર જેવું વજનદાર છતાં હવા જેવું હલકું. મેં કામની રફતારમાં પારખ્યું. ‘ગુજો’ હજુ મારા જેવો જ હતો. ઊછળતા વહાણમાં સમતોલ શરીર રાખવાનું એણે મને શીખવ્યું. ‘સીધાં કાગડી’એ ધામણના રસ્સાને ખેંચી, પાછી સરી ન જાય તે માટે લાકડાનાં ‘ગીયામ’ને કેમ ગાળિયો નાખવો એ બતાવ્યું.
ચાંપો અમારો રસોઈઓ હતો. પૂરતાં રાશન છતાં સવાર-સાંજની રસોઈ અગાઉથી નિયત થયા પ્રમાણે જ થતી અને દરિયાની ખારી હવામાં ખાધેલું ક્યાં ખોવાઈ જતું તે સમજાતું નહિ.
*
આજે વળતી સફરે ફરી ઊછળતાં મોજાં પર પૂરપાટ દોડી રહેલા જહાજમાં વહેલાં વતન પહોંચવાની આશાના ઉન્માદ હૈયામાં ઉછાળા મારતા યાદની દુનિયાને આંખ સામે તાદૃશ કરતા રહ્યા.
માર્ચ આથમ્યો અને એપ્રિલ ઊગ્યો. ‘દક્ષિણ-ચોકી’માંથી આવતા ‘કોસ’ વાવડાથી શરૂઆતની સફર ખુશનુમા બની.
ત્રણેક દિવસ આનંદના ગયા. હું મારી સાથે ઢોલક લાવેલો. રાત્રે ઢોલક પર ત્રાપ પડતી. હું ભજનો ગાતો. હુસેન અને ઈસુ કવાલી અને નાટકનાં ગીતો ગાતા. દીવાન વાર્તાઓ સંભળાવતો. નાખુદો અમને મૂક સાથ આપતો અને ક્વચિત્ કિનારાની પટ્ટી નજીક આવતી ત્યારે દરિયાનાં પરમાર પક્ષીઓ સંગીતમાં તાલ આપતાં હોય તેમ તેમની વિશાળ સફેદ પાંખો ફફડાવીને અમારે માથે છત્ર રચી જતાં.
ચોથી રાતે પવન ધીમો પડ્યો. વહાણની ચાલ ઘટી ગઈ. મોમ્બાસા અને ભારત વચ્ચે આવતા સુખોતરા ટાપુ પાસેથી અમે છને બદલે વીસ દિવસે પસાર થયા.
એકવીસમો દિવસ ઊગ્યો.
પવન બિલકુલ પડી ગયો. વહાણ સ્થિર થઈ ગયું. દરિયો તળાવ જેવો શાંત બની બેઠો.
જાકબ ચૂપચાપ સુકાનને પોતાના લોખંડી હાથમાં સંભાળી, સાગર તરફ અનિમેષ નયને નિહાળી રહ્યો હતો. એના હૃદયનાં ઊંડાણ મને સમુદ્રની ગહેરાઈથીય ઊંડા લાગ્યાં.
થોડીવારે એ મનોગત બબડ્યો :
‘વાવડો અચેતો.’
‘વાવડો માઠો છે – નહિ, નાખુદા?’ મેં હિંમત કરી પૂછ્યું.
બાળક તરફ પિતા હસે તેવા સહજ હાસ્ય સાથે એણે કહ્યું:
‘તૂફાન કદી સારાં હોય?’
હું કશુંય બોલ્યો નહિ. મારે માટે આ નવા પાઠો હતા.
‘હવે દરિયાને દુશ્મન માનીને એનાથી સતત લડવું પડશે, માલમ! એમાં ગાફેલ ન રહેવાય.’ એણે કહ્યું.
હું આવતી લડાઈ પારખી ન શક્યો.
વહાણ તસુયે ખસતું ન હતું.
‘વાવડો અચેતો, બેલી! હોશિયાર?’ નાખુદાએ ક્ષિતિજે આકાશમાં આગ ઝરતી રતાશમાંથી આવતી એક આછી વાદળીને જોઈ બૂમ મારી.
કશુંક ગંભીર બનવાની જાણે ઘડી તોળાઈ રહી.
થાળી જેવા સ્થિર દરિયામાં દૂર દૂરથી એક મોટું મોજું આવતું દેખાયું.
‘પાંચસો કે હજાર માઇલ દૂરથી ‘સુરિયો’ વાવડો આ તરફ આગળ ધપે છે. સાથીઓ, સાંજ સુધી સખત તૂફાન ત્રાટકી પડશે.’ એણે કહ્યું.
તે દિવસે પેટ ભરીને ખાઈ લેવાની નાખુદાએ સલાહ આપી.
સાંજે પાંચેક વાગ્યે નાખુદાએ હાંક મારી :
‘ખલાસી હોશિયાર. જોરદાર તૂફાન આવે છે. રાતે કંઈ દેખાશે નહિ. સઢ વાવડો પકડી નહિ શકે!’
અને સઢને અર્ધો વીંટવા મામા તપલ અને દીવાન વાંદરાની જેમ ખૂવા પર ચઢી ગયા.
તૂફાનમાં બહાર ફેંકી પડે તેવી વસ્તુઓ સલામત સ્થળે ખસેડી, ત્યાં આભ ઘેરું થવા માંડ્યું. પવનની લહેરો આવી અને વાવડો ફૂંકાયો. એક પછી એક પહાડ જેવાં મોજાં દૂર દૂરથી હડસેલાતાં વહાણ પર આક્રમણ કરી રહ્યાં.
સઢમાં પવન ભરાયો અને વહાણ કાબૂ બહારની ઝડપે વછૂટ્યું. પવનનાં ઝાપટાં સઢના રસ્સાઓને તોડી નાખવા ગાંડો પ્રયત્ન કરતાં હતાં. સઢમાં ચિરાડો પડી ચીંથરાં ઊડવા માંડ્યાં.
‘મૂંઢી માર્યો.’ નાખુદાએ ત્રાડ પાડી.
પરમણના આગલા ભાગમાં સઢને બાંધી પરમણનો છેડો વહાણમાં બાંધી ફાટેલા સઢ પરનો બોજો હળવો કરાયો. સઢ ચોથા ભાગનો જ રહ્યો.
ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી પડ્યો. વહાણ એક કોર નમીને ભાગતું હતું. બંને બાજુથી ઊછળતાં મોજાંનાં પાણી ઝડપભેર વહાણની અંદર ઠલવાતાં હતાં. ગરનાળાં પાણી બહાર કાઢતાં હતાં. પણ ઠલવાતાં પાણીની રફ્તાર વધારે હતી. મળ્યું તે સાધન શોધી બધાય પાણી ઉલેચવામાં લાગી ગયા.
પવન ફૂંફાડા મારતો રહ્યો.
વરસાદ સાંબેલાની ધારે વરસતો રહ્યો.
જેમતેમ રાત વીતી ને દિવસ ઊગ્યો. સઢને પૂરો ઉતારી લેવાયો. વહાણ માત્ર ખૂવા પર રહ્યું. પહાડ જેવાં મોજાં વહાણની દીવાલને અફળાતાં એનાં પાટિયાંના કકડાટ બોલાવી પાટિયે-પાટિયું છૂટું કરવા મથી રહ્યાં. એના ખીલા ઢીલા થવા માંડ્યા અને પવનની ઝાપટ અને વરસાદની હેલીએ માઝા મૂકી.
વરસાદ અને વહાણ પરથી ફરી વળતાં મોજાંની ચાબુક જેવી ઝાપટથી તરબોળ થયેલા બદન પર કપડાં ચોંટી ગયાં. પવન જાણે શરીર સોંસરવો નીકળવા માંડ્યો. બાવડાંનાં કૌવત થાક્યાં.
સ્થિર ઊભાય કે બેસાય નહિ તેવાં સખત ઝોકાં વહાણ ખાતું હતું. ખૂવો વહાણને એક તરફ નમાવવા માંડ્યો અને ગાંડા હાથીની જેમ વહાણને ડોલાવવા લાગ્યો.
‘ખૂવો કંપ્યો. હિંમત મ છડ્યો – મર્દ જા બચ્ચા.’ નાખુદાનો પોરશ ચઢાવતો હુકમ છૂટ્યો.
ઢળતી સાંજે તપલ અને હુસેનના કુહાડા ખૂવા પર વીંઝાયા.
તૂફાની દરિયાનો ઘૂઘવતો શોર, પવનના સુસવાટની ભયંકર ગર્જના, વીજના ચમકાર પછી ભરકી જવા મથતા કડાકા, વહાણના અંગેઅંગના ચૂર થતા અવાજોનું ઘમસાણ નાખુદાના બરાડાને ઢાંકી દેતું હતું.
‘દીવાન – તેજૂ, કલમી કપ્યો.’ જાકબે ત્રાડ પાડી.
અમે કરવતો શોધી કલમી કાપવા માંડ્યા. પવનની એક જોરદાર ઝાપટે મારા હાથમાંની કરવતને ઝૂંટવી દૂર દરિયામાં ફેંકી ત્યારે હું ભોંઠો પડી ગયો, પરંતુ એ તરફ ધ્યાન દેવાનો કોઈને સમય ન હતો. અમે સામટું જોર કરી કલમ વધેરી. ખૂવા પરના ઘા કરવા દરેક ફાજલ ખલાસી મદદે દોડ્યો. રાત્રે આઠેક વાગે ખૂવો લટક્યો.
‘સમાલ!’ અંધારાં ચીરતો નાખુદાનો અવાજ ગર્જનાની જેમ ચોમેર ફરી વળ્યો.
ઝડપથી કૂદી સૌ બાજુએ ખસી ગયા. ખૂવો પામી ભરેલી લાકડાની ટાંકીને ચૂર કરતો દરિયામાં જઈ પડ્યો, ત્યારે એનો એક છેડો રસ્સાથી જકડાયેલા વહાણ સાથે બંધાયેલો રહ્યો હોવાથી વારંવાર વહાણ સાથે ભટકાઈ પાછો વળી સાંબેલા જેવા ઘા વહાણ પર કરવા લાગ્યો.
તૂફાન કરતાંય આ અકસ્માત વધારે ખતરનાક હતો. રાત અંધારી હતી. વહાણમાંની વસ્તુઓ, રસ્સાઓનાં ફીંડલાંમાં એની અટવાઈ ગઈ હતી કે ખૂવો વહાણના કયા રસ્સા સાથે જોડાયેલો છે એ શોધવું મુશ્કેલ હતું. પળેપળ કિંમતી હતી.
‘મામા, સુખાણ સંભાલ.’ જાકબે ત્રાડ પાડી.
મામા તપલ દોડતો જઈ સુખાણ પર ચોંટી પડ્યો.
અને અમારી સૌની અજાયબી વચ્ચે, ભેટમાંથી છરી કાઢી, વહાણ સાથે રસ્સી બાંધી બીજો છેડો કમ્મરે વીંટી નાખુદો દરિયામાં કૂદી પડ્યો.
અમારા સૌમાં ભયની અરેરાટી વ્યાપી ગઈ.
નાખુદો તૂફાની સાગરમાં, અંધારામાં ઓગળી ગયો.
ક્યારે એણે પાણીમાં તરતા દોરડાને શોધી કાઢી કાપી નાખ્યું તેનું અનુમાન કરીએ તે પહેલાં તો જાકબ વહાણ સાથે બંધાયેલા છેડાને પકડી પાછો વહાણની કોરે દેખાયો.
બીજના અજવાળામાં અમે ખૂવાને કેટલેય દૂર સરી જતો જોયો. બાવડાં પકડી નાખુદાને અમે અંદર લીધો ત્યારે એની છાતી ધમણની જેમ હાંફતી હતી. એ મરજીવાએ અમને અને વહાણને ઉગારી લેવા ગાંડું સાહસ ખેડ્યું હતું. એના દિલની હિંમત અને સીનાનું જોર જોઈ અમે પણ મોત સાથે બાથ ભીડવા સાબદા થઈ ગયા.
આવા તૂફાન વચ્ચે રસોઈ કરી શકાઈ ન હોવાથી અમે ભૂખ્યા થયા હતા. આખો દિવસ કલાકે કલાકે નાખુદો બબ્બે બિસ્કિટ સૌને વહેંચતો હતો તે પણ ખૂટી ગયાં, એટલે જાકબ ભંડારિયામાં બીજાં બિસ્કિટ-ચણા વગેરે લેવા અંદર ઊતર્યો. એક વિરાટ મોજું વહાણ સાથે અફળાઈ વહાણ પર ફરી વળ્યું. આખી કૅબિન પાણીથી ભરાઈ ગઈ. વહાણની પાછળની બાજુથી અંદર આવતાં પાણીને અટકાવતું દશેક ઈંચ જાડું લાકડું ‘સુલેમાની’ કડાકા સાથે પાણીમાં જઈ પડ્યું. અને વહાણનો ભાંડો – પાછળનો ભાગ – નીચો નમી ગયો. પાણી ઝડપથી અંદર આવવા માંડ્યું.
નાખુદો એકદમ પાછો ફર્યો અને સુખાણ પર ફરી કબજો લેતાં એણે હુકમ કર્યો :
‘માલ વામ્યો.’
અને પાછળનો ભાગ હલકો કરવા જે હાથમાં આવ્યું તે દરિયામાં ફેંકાવા માંડ્યું. વેપારીઓનો લાદેલો માલ, ખૂવા-પરમાણિયા, સઢના નકામા કકડા, ભીંજાઈ તરબોળ થયેલું રાશન સહિત ઘણુંય ફેંકી દેવાયું ત્યારે વહાણ હલકું થઈ સમતોલ બન્યું. અંદર ધસી આવતાં પાણીની રફ્તાર ઘટી ગઈ.
જાકબે હાથમાંથી છટકી જવા મથતા સુખાણની ચરખીના ખાંચામાં આંગળાંનો ભરડો અને ફતી આડે પગનો ભીડો લીધો.
નીચું માથું કરીને ધસતા માતેલા આખલાની જેમ મોજાં આવી આવીને વહાણ સાથે ટકરાતાં હતાં અને કોશ ભરી વહાણ સાથે ઠલવાતાં હોય તેવા ધોધથી અમારા પર થઈ ડેક પર રેલાઈ જતાં હતાં. વહાણ રબરના દડાની જેમ હવામાં ફેંકાતું ત્યારે દરિયાની સપાટી ક્યાં છે તે દેખાતી નહિ. અને બીજી જ ઘડીએ વહાણ નીચે ફેંકાતું ત્યારે વહાણના સાંધેસાંધા વેદનાની ચીસો પાડતા. પાણીની ખીણમાં વહાણ જઈ પડતું ત્યારે હમણાં જીવતાં દાટી દેશે એવી દહેશત લાગતી.
જીવન અને મરણના ખેલ વચ્ચે, હાથમાંથી છટકી જવા મથતા સુખાણ પર ભીડો જમાવી વહાણને કાબૂ બહાર જતું રોકવા મથતા જાકબ ભટ્ટીનો ગંભીર અને સ્વસ્થ ચહેરો જોઈ અમારા હૈયામાં હામ આવતી હતી.
જીવનમાં આવું તોફાન અનુભવવાનો મારો આ પ્રથમ અથવા આખરી મોકો હતો.
જીવસટોસટના આ કાળ ચોઘડિયેય છાતી પરની ચેનમાં માદળિયાની જેમ લટકતી, સોનમઢી હાથીદાંતની બે ચૂડીઓ, મને કાશીના હાથના મારી આસપાસ ભિડાયેલા અંકોડાની જેમ, છાતીએ ચોંટી હૂંફ આપતી હતી. કાશીના હાથ સુધી એ છલાં પહોંચે કે નહિ – મેં તો હૃદયથી એને એ પહેરાવી જ દીધાં હતાં.
પૂર્વનો તૂફાની સૂરિયો વાવડો પોતાના ગાંડપણમાં હજુ મસ્ત હતો. ઊછળતાં મોજાં વરસાદનાં છાંટણાંમાં ભળી જઈ ખારાં બની મોઢા પર આવી છંટાયાં, ત્યારે કાશીની આંખનાં ખારાં પાણીની યાદ મનને અડકી મને ધ્રુજાવી ગઈ.
સખત અને સતત પરિશ્રમથી બધા થાકી ગયા હતા. વહાણમાંનું પાણી આખી રાત ઉલેચવું ચાલુ જ રહ્યું. ઠંડી અને પવન શિથિલ થયેલાં ગાત્રોને વધુ ને વધુ કમજોર કરતાં જતાં હતાં.
હું સીધાં અને ઈસુ થાકીને વહાણનાં પાટિયાંને અઢેલી ઢળી પડ્યા. ઈસુના દાંત દોઢે ચડી ગયા હતા. અમારાં શરીર ટાઢિયો તાવ ચડ્યો હોય તેમ ધ્રૂજતાં હતાં. જીવનની આશા છોડી મોતને ભેટવા અમે તૈયાર થઈ ગયા. મગજે વિચાર કરવાનુંય માંડી વાળ્યું.
જાકબ નાખુદો એમ હારે એમ ન હતો. એણે એક શીશી શોધી કાઢી અમારાં મોંમાં પ્રવાહી રેડ્યું. અમારામાં ગરમી આવી. હિંમતના શબ્દોથી નાખુદાએ પોરસ ચઢાવ્યું.
‘હારીને મરવું? મર્દનો બચ્ચો તો લડતાં લડતાં મરે!’
અર્ધા કલાકના આરામ પછી ફરી અમે કામે લાગી ગયા.
રાત્રે એક વાગ્યે પવન જરા મોળો પડ્યો. તૂફાન ધીરે ધીરે શાંત થતું ગયું. વરસાદ એકદમ અટકી ગયો. અંદર ઠલવાતાં પાણી અટક્યાં અને ઉલેચનારાઓનું કામ સરળ બન્યું.
ક્યારે કોણ ક્યાં ઊંઘી ગયું તેનું કોઈને ભાન ન રહું. અમને જાકબે જગાડ્યા ત્યારે તડકો ચડી ગયો હતો. આકાશ સ્વચ્છ થઈ ગયું હતું. દરિયો ફરી સ્વસ્થ બન્યો હતો. થાકથી એની છાતી હાંફતી હતી. વહાણ સ્થિર બની દરિયાની છાતી પર માદળિયાની જેમ ઊછળતું હતું.
નાખુદાએ વહાણની હાલત તપાસી, ચોમેર જખમી બનેલા સૈનિક જેવી એની હાલત હતી. અર્ધો કલાક વધારે તૂફાન સહન કરવાની એની શક્તિ રહી નહોતી એ અમે બધા સ્પષ્ટ જોઈ શક્યા. ખાવાને કશું રાશન બાકી રહ્યું ન હતું. પાણીની ટાંકી ખૂવાએ ભાંગી નાખી હતી એમાંથી આઠેક ડબા પાણી નાખુદાએ એક પીપમાં ભરી લેવડાવ્યું.
દરિયાના તૂફાન કરતાંય આ મોટું સંકટ માથે આવી પડ્યું હતું. ખૂવા-સઢ વગર વહાણની ચાલ અતીવ ધીરી બની હતી. નાખુદાએ દરિયાવાટનો હિસાબ કરવાની કોશિશ કરી. અક્ષાંશ-રેખાંશ જોવા હોકાયંત્ર અને કમાન શોધ્યાં જડ્યાં નહિ. આઠેક દિવસનો બાકી રહેલો પ્રવાસ ખેડતાં હવે ત્રણેક અઠવાડિયાં વીતી જવાનો સંભવ હતો. માત્ર પાણી પર જ આટલા દિવસો કાઢવા જેટલું પાણી બચ્યું ન હતું.
નાખુદાએ પરિસ્થિતિ સૌને સમજાવી. કોઈ વહાણ કે સ્ટીમર ન મળે તો આ પાણી પર જ દિવસો કાઢી શકાય એ માટે પાણીનું રેશનિંગ અમે નક્કી કર્યું. માથાના તેલની અમારી નાની બાટલીઓ ધોઈ સાફ કરી એમાં અમને પાણી અપાયું. બહુ તરસ લાગે ત્યારે એમાંથી થોડાંક ટીપાં પાણી લેવાની અમારે ટેવ પાડવાની હતી.
તૂટેલા વહાણને સાંધવાનું કામ નાખુદાની દેખરેખ નીચે શરૂ થયું. ટિનના ડબાઓને કાપી તૂટેલાં પાટિયાંને ખીલાઓથી જડ્યાં. ખૂવા વગરનું વહાણ ખૂબ જ ડોલતું હતું. પગ સ્થિર રાખવાની હવે બધાને આદત પડી ગઈ હતી. બાકી રહેલા ફાટેલા સઢને સાંધી લેવામાં આવ્યા. આગળના ભાગમાં થોડાં વરાંવંજી હજુ બચ્યાં હતાં તેમાંથી ડોલ પરમણ બનાવી તેને ખૂવાસ્થાને મૂક્યા. આશરે આઠમા ભાગના સઢની વહાણની રફ્તારમાં થોડો વેગ આવ્યો પરંતુ એપ્રિલ વીતી ગયો હોવાથી વહાણ જૂન માસ પહેલાં પહોંચે નહિ તો ત્યાર બાદના દરિયાના મિજાજમાં વહાણને
કિનારે પહોંચાડવું શક્ય ન હતું. જાકબે સુખાણને કચ્છના કિનારા તરફ આશરે ગોઠવ્યું, અને શ્રદ્ધાપૂર્વક એણે એ તરફ નેમ સાધી.
રસોડા પાસેના એક પીપમાં ગંધાતું પાણી રહી ગયેલું. એને અમે વારંવાર ઉકાળ્યું છતાં પૂરતી ગંધ ગઈ નહિ, તોય અમે નાક બંધ કરી એ પાણી ગળે ઉતારવા માંડ્યું ને એમ સારું પાણી બચાવી રાખવામાં આવ્યું.
પાંચ દિવસ એમ ને એમ પસાર થઈ ગયા. વહાણ બસોએક માઇલ ચાલ્યું હશે ત્યારે એક સ્ટીમર દૂરથી પસાર થઈ. અમે કપડાં ઉતારી એના વાવટા બનાવી સ્ટીમરને આકર્ષવા ખૂબ પ્રયત્ન કર્યા; પરંતુ સ્ટીમર ધીરે ધીરે નાની બનતી અદૃશ્ય બની ગઈ. તે સાથે અમારી આશાનો કિનારો અદૃશ્ય બની ગયો. હિંમત તૂટતાં થાક અને ભૂખ એકદમ જોર કરી રહ્યાં. ક્વચિત્ માછલાં પકડીને ખાઈ લેતાં, ત્યારે તરસ બમણી વધી જતી. કોઈ કશું બોલતો નહિ. ભજન અને કવાલીઓ બંધ થઈ ગયાં હતાં. મારી પ્યારી ઢોલક સમુદ્ર પર કોણ જાણે ક્યાં હિલોળા લેતી હશે! કાશી દરરોજ કિનારે આવી વહાણ જોવા હાથની છાજલી કરતી હશે. એના મનનાં તૂફાન સમુદ્રના તૂફાનથી કંઈ કેટલાં ભારે હશે એ વિચાર મનને ખિન્ન કરી દેતો.
‘નાનકડા સઢને આધારે નવમે દિવસે અમે ‘ધારી’ પર આવી લાગ્યા. પાણી ઘેરાં મટી લીલાં બન્યા એટલે જાકબે ઉપરથી કહ્યું :
‘ધારી ડીસાણી, બેલી! હાણે કિનારો ત્રી-પાંત્રી માઇલ ખપે.’
વતન હવે ત્રીસ-પાંત્રીસ માઇલ પર જ હશે એ વાતથી મરી પરવારેલી હિંમતના તૂટ્યાફૂટ્યા કણ ફરી સંધાયા.
પીવાનું પાણી માત્ર બે ડબા જ બાકી રહ્યું હતું.
બીજે દિવસે સવારે દૂર દૂર કિનારો દેખાયો. અમે કિનારા તરફ આશાભરી મીટ માંડી. વહાણની ધીરી ચાલની શૂન્ય મન અને શૂન્ય આંખે જોઈ રહ્યા.
વહાણ ધીરે ધીરે આગળ સર્યું.
પીળી રેતીના ઢૂવા હવે સ્પષ્ટ થતા ગયા. વતનનો કિનારો ઓળખી બધા ગેલમાં આવી ગયા. અમારા જીવમાં જીવ આવ્યો.
ડૂબી ગયેલું મનાતું વહાણ દેખાયાની ખબર સાંભળી કિનારા પર લોકોની હકડેઠઠ ભીડ જામી હતી. ધીરે અતિ-અતિ જ ધીરે વહાણ આગળ સરતું હતું. દરેક પળ અમને સો સો પળ સમી ભાસતી હતી. વહાણના હાડપિંજરને સૌ આભાં બની જોઈ રહ્યાં હતાં. અમારી ઊંડી ઊતરી ગયેલ આંખો અને લથડતા પગ વતનની ધરતી પર સ્થિર રહી શક્યા નહિ. મને લથડતો ભાળતાંની સાથે કાશીએ દોટ મૂકી. સ્વજનો-કુટુંબીઓ-વ્યાપારીઓ, નાખુદા અને બંદરી લોકોની મેદનીને ચીરતી – કોઈનીય પરવા વગર દોડતી આવી મને બાઝી પડી...
ને મારી છાતી પરના ફાટેલા ખમીસમાંથી હાથીદાંતનાં એ છલાં બહાર ડોકિયું કરી ગયાં.
કાશી ડૂસકું ભરી મારી છાતીમાં સમાઈ ગઈ. એક પરમાર પક્ષી સફેદ પાંખો ફફડાવતું રડી ઊઠ્યું.
કિનારાની રેતી પર સમુદ્રની લહેરોના ફીણોટા જાણે કશું જ બન્યું ન હોય તેમ પછડાટો ખાઈ રહ્યા.
(‘ફીણોટા’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 115)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
