Fect And Fiction - Short Stories | RekhtaGujarati

ફૅક્ટ ઍન્ડ ફિક્શન

Fect And Fiction

અજય સરવૈયા અજય સરવૈયા
ફૅક્ટ ઍન્ડ ફિક્શન
અજય સરવૈયા

એક

મને નવલકથાનો મોહ છે પણ ખરીદું કે તરત એને વાંચવાનું બનતું નથી. મોટેભાગે મહિનાઓ ને ક્યારેક વર્ષો નીકળી જાય. એવું નથી કે ખરીદીને એને ભૂલી જાઉં છું. મેં છેલ્લાં દસ વર્ષમાં સાત ઘર બદલ્યાં. પુસ્તકો ફેરવવાના થયાં પણ એવું સુખદ આશ્ચર્ય ક્યારેક નથી અનુભવ્યું કે ઓહ ! પુસ્તક મારી પાસે છે ! વળી આંખો સામે ઘોડામાં હોય કે કબાટના કાચ પાછળ હોય એને બ્લેક કૉફી પીતા પીતા તાક્યા કરું. હરતાં ફરતાં એકાદ નજર નાખી લઉં. કયારેક અમસ્તા હારમાંથી બહાર કાઢી કવ૨ જોઉં, એના પર હાથ ફેરવું, થોડા પાનાં ઊથલાવું, વચ્ચેથી સૂંઘું. મને યાદ નથી કે મેં નવલકથા ખરીદી હોય ને તરત વાંચી લીધી હોય. ઘણીવાર મિત્રો પાસેથી વાંચવા લાવેલી નવલકથાઓ મહિનાઓ સુધી કબાટમાં પડી રહે, વિધિઓમાંથી પસાર થાય ને હું એમને વાંચ્યા વગર પાછી આપી દઉં. કદાચ મને નવલકથા સાથે સંબંધમાં ઊતરતા વાર લાગે છે.

ઘણીવાર હું નવલકથા હાથમાં લઉં, એક-બે પાનાં વાંચું, ક્યારેક એકાદ પ્રકરણ, પછી આગળ વધી શકું. થોડા સમય પછી જો ફરી નવલકથા લઉં તો ફરી ઘટમાળ. જે નવલકથા આખી વાંચું એમાંય શરૂઆત ધીમી ને અચકાટભરી. બૂકશૉપમાં નવલકથા જોઉં ત્યારે કોઈ ખચકાટ કે શંકા કે અણગમો, એવું કશું નહીં. માત્ર આકર્ષણ. નરવું આકર્ષણ. મારી નજર ખોડાઈ જાય ને ફરતી રહે, પણ બીજે ક્યાંય ફરકે નહીં. પછી ઘોડા પરથી ઉતારી કવરને તાકી રહું, હાથ પસવારું, પાનાં ઉઘાડી વચ્ચેથી સૂંઘું, થોડા વાક્યો વાંચું, એક મૂકું ને બીજી લઉં, પછી ત્રીજી. ખરીદી લીધા પછી પણ મોહ અને આકર્ષણ ઓછા થતાં નથી. કદાચ તરત હું કોઈ જોખમ લેવા માગતો નથી. કદાચ તરત હું તાબે થવા માગતો નથી. કે પછી મોહ પામી તાબે થયો છું એવું બતાડવા માગતો નથી. એટલે જ્યારે વાંચવાનું શરૂ કરું છું ત્યારે નવલકથા તાબે થવા તૈયાર નથી હોતી. બે- ત્રણ પાનાંથી વધારે ખૂલવા નથી માગતી. ગૂઢ બની રહેવા મથે છે ને હું એનાં રહસ્યને દાદ આપવા નથી માગતો. એની નજીક જઈ એને વધારે રહસ્યમય બનાવી દેવા નથી માગતો. જે અંતર રાખી એને તાકું છું, અંતર રહેવા દઉં છું. અંતર જેટલું વધારે રહસ્યનો ભાવ એટલો ઓછો.

બીજાં પુસ્તકો સાથે આવું નથી બનતું. જેટલું વાંચવું હોય એટલું વાંચી શકાય. એમનું આકર્ષણ ખરું, પણ અનુરાગ નહીં. અંતર નહીં, છતાં રહસ્ય પણ નહીં. એમને તાકું પણ નજર ખોડાય નહીં. સૂંઘું પણ શ્વાસ ભરાય નહીં; સ્પર્શે પણ રૂંવાડાં ઊભાં થાય નહીં. નવલકથા પોતાના સ્થાને ઊભી રહે ને મને તાકતી રહે. હું નજીક જાઉં તો નજર ફેરવી લે, સ્પશું તો જાત બીડી લે, ધીમેથી પાનાં ઉઘાડું તો વધારે સંકોચાય, ઓગળવા માંડે, વધારે પાનાં ફેરવું ને અદૃશ્ય ! થોડો વખત ઉપેક્ષા કરું ને ફરી આકાર લેવા માંડે, નવા રૂપે પ્રગટ થાય, પણ એને પામવાનું સુખ તો છેટું ને છેટું.

કદાચ એને પણ ઊઘડવામાં ખચકાટ છે. હું સંબંધ જાળવી શકીશ કે કેમ એવી શંકા પણ. કઈ ઘડીએ મારી નજીક આવે છે, શરૂઆતનો ખચકાટ ઓળંગી અમે ક્યારે સંબંધમાં ઊતરીએ છીએ, એની કોઈ સમજૂતી કે ખુલાસો મારી પાસે નથી. આકર્ષણ જેટલું રહસ્યમય છે, એના પછીનો સંબંધ એથીય વધારે.

બે

હું દિલ્હીના ‘ફૅક્ટ ઍન્ડ ફિક્શન' નામના બૂકશૉપમાં નવલકથાઓ પર નજર ફેરવતો હતો. જ્યારે પણ દિલ્હી આવવાનું થતું ત્યારે હું વસંતવિહાર પરના બૂકશૉપમાં અચૂક આવતો. બૂકશૉપ પ્રિયા થિયેટરની નજીક. આસપાસ બધી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોની દુકાનો. કાચના દરવાજા. આંખો માટે ઉજાણી. મનમાં કોઈ ચોક્કસ પુસ્તક નહોતું, અમસ્તી નજર ફરતી હતી. એટલામાં નજર, ફરતી આંગળીઓ પર પડી. લાંબી, પાતળી, ગૌર, ગુલાબી. લાંબા નખ પર પતંગિયા જેવા રંગો. એક પુસ્તક પકડી આંગળીઓ અદૃશ્ય થઈ ગઈ. થોડીવારમાં ફરી ફરફરતી એક પુસ્તક પર બેઠી. પાછી ઊડી ગઈ. હું સહેજ ખચકાયો. એને ખ્યાલ આવશે તો ખરાબ લાગશે. દુકાન બહુ નાની હતી. કાચનો દરવાજો ખેંચી પ્રવેશતા ડાબી બાજુએ એક ખુરશી અને ટેબલ કાઉન્ટર તરીકે મૂકેલાં જ્યાં દુકાનમાલિક બેસતા. સામે વચ્ચે એક ઘોડો દુકાનને બે ભાગમાં વહેંચી દેતો. જમણી બાજુ ફૅક્ટ, ડાબી બાજુ ફિક્શન. દીવાલો ફરતે લાકડાના ગોખલાવાળું ફર્નિચર, લાકડા પર ઘેરું કથ્થઈ મૅટ પૉલિશ. એમાં ચળકતાં રંગબેરંગી પુસ્તકો. એમાં ફરફરતી આંગળીઓ ફરી. મારી નજર એની ચળકતી આંગળીઓ પરથી સરકતી ગઈ. સોનાનો પાતળો કડો, કોઈ કોતરણી વિનાનો. ઑફ વાઈટ બાંય, લિનનનું ટાઈટ શર્ટ. મારી જમણી તરફ હતી. પાછળથી આવતા ગણગણાટ પરથી લાગતું હતું કે દુકાનમાં બીજા ચાર- પાંચ જણ છે. એણે મિલાન કુન્દેરાની ‘ફેરવેલ વૉલ્ટ્સ' હાથમાં લીધી. પાછલું પૂઠું વાંચી પાછી મૂકવા જતી હતી ત્યારે મેં એને જણાવ્યું : તમારા પૈસા નહીં બગડે.

મારી સામે જોઈ સહેજ મલકાઈ. એના હોઠ આછા ગુલાબી લિપ ગ્લોસથી ચળકતા, એથી પારદર્શક લાગતા હતા. કાળા લીસા વાળ ખભા સુધી લાંબા, એમાં એક સોનરી લટ ઝળકતી. શર્ટના ઉપલા બે બટન ખુલ્લાં. પાતળી ડોક ફરતે પાતળી સોનાની ચેન, કોઈ પેન્ડન્ટ નહીં.

- હું શરત મારી શકું. હારી ગયો તો પુસ્તકના પૈસા મોકલી આપીશ, જ્યાં હોઈશ ત્યાંથી.

સહેજ શરમાતા ફરી મલકાઈ. હાથમાં પકડેલી ત્રણેક ચોપડીઓ જાળવતા ખભા પરની બદામી પર્સ સરખી કરી રહી હતી.

- માફ કરજો, મેં તમને ખોટા હેરાન કર્યાં.

- તમે કઈ રીતે ધારી લીધું કે હું દિલ્હીની છું ?

- મેં એટલું ધારેલું કે હું દિલ્હીનો નથી.

- તમે દિલ્હી અવારનવાર આવો છો ?

- ના. પણ જ્યારે આવું છું ત્યારે અહીં અચૂક આવું છું.

- અહીં એવું તે શું ખાસ છે ? દિલ્હીમાં બીજી ઘણી બૂકશૉપ્સ છે.

- નાનકડી દુકાન બે ભાગમાં વહેંચાયેલી છે, તમને ખ્યાલ હશે જ.

- જમણી બાજુ ફૅક્ટ્સ, ડાબી બાજુ ફિક્શન.

- બરાબર.

- દરેક દુકાનમાં વિભાગો તો પાડેલા હોય ?

- અહીં અડધી દુકાન ફિક્શનની છે. એવું બીજે લગભગ બનતું નથી. બીજું, ક્યારેક માલિકનું ધ્યાન હોય ત્યારે હું ફૅક્ટમાં ફિક્શન ને ફિક્શનમાં ફૅક્ટ ભેળવી દઉં છું.

હસવા માંડી.

- પ્લીઝ, તમે દુકાનદારને નહીં જણાવતા.

- આના વિશે તમારો શું મત છે ? એણે હાથમાંની એક ચોપડી આગળ ધરી. પૉલ ઑસ્ટરની ‘ઑરેકલ નાઇટ.’

- તમે ‘ન્યૂયોર્ક ટ્રીલોજી' વાંચી છે ? મેં સામેના ગોખલામાંથી ચોપડી ઉતારી એને આપી.

- ના.

- આમાંની બીજી કથા વાંચ્યા પછી ‘ઑરેકલ નાઇટ' વાંચવી જોઈએ. એટલે કે કોઈ ચુકાદો નથી. ‘ટ્રીલોજી' પહેલાં લખાઈ. ‘ઓરેકલ' વીસેક વર્ષ પછી. બંને વચ્ચે કશોક સંબંધ છે. જાણે વાર્તા ફરી લખાઈ હોય પણ દરેક લખાણે વાર્તા બદલાઈ જતી હોય છે. આપણે માત્ર કશુંક બદલાય છે એટલું સમજી શકીએ છીએ, પણ શું બદલાય છે એના પર આંગળી મૂકી શકતા નથી.

- તમે સેલ્સમૅન તો નથી લાગતા ?

- ના. બિલકુલ નહીં.

- તો ?

- જ્યારે બીજું કંઈ નથી કરતો ત્યારે ફિક્શન લખું છું.

- અને ફિક્શન નથી લખતા ત્યારે બીજું શું કરો છો ?

- તમારા જેવા રસિકોને મફતમાં ફૅક્ટ્સ જણાવું છું.

- ‘ફેરવેલ વૉલ્ટ્સ'માં એવું તે શું છે ?

મેં પુસ્તક ઉતારી થોડા પાનાં ઊથલાવ્યાં. પછી એક પાનાં પરથી વાંચવાનું શરૂ કર્યું : ‘એનો ચહેરો સુંદર હતો, પણ ખાલીખમ.' કુન્દેરા રુઝેના, નવલકથાની નાયિકાના ચહેરા વિશે આગળ જણાવે છે. ‘એક પુરુષને આકર્ષવા સુંદર, પણ એની દયાજનક આજીજીઓને કોઈપણ ચિહ્ન વિના ઊડાડી દેવા ખાલીખમ. ચહેરો ગર્વીલો પણ હતો અને યાકુબને સમજાયું કે ચહેરાને પોતાની સુંદરતા પર ગર્વ નહોતો, પણ ગર્વ હતો પોતાના ખાલીપણા પર. યાકુબને લાગ્યું કે ચહેરો બીજા હજારો ચહેરા જેવો હતો જેને જાણતો હતો. ચહેરો જે કશું સમજતો નહોતો અને બધા નિર્ણયો લેતો હતો, ચહેરો રણ જેવો વાંઝણો ને પોતાના વાંઝણાપણા પ્રત્યે ગર્વીલો.' યાકુબ આગળ વિચારે છે : ‘એનો દેશ સારો કે ખરાબ નહીં, પણ વધારે ને વધારે વિસંગત બની રહ્યો છે.' મેં પુસ્તક બંધ કર્યું.

- કોઈપણ વ્યવસ્થા જ્યારે સંપૂર્ણતાનો આગ્રહ રાખે ત્યારે વાંઝણી કે વિસંગત બનતી જાય છે. રાજકારણનો પૂર્ણ વફાદારીનો આગ્રહ, ધર્મનો પૂર્ણ પવિત્રતાનો, કળાનો પૂર્ણ સુંદરતાનો ને વિજ્ઞાનનો પૂર્ણ સ્પષ્ટતાનો આગ્રહ કંઈક પ્રકારના છે.

- એટલે શું કોઈ વ્યવસ્થા હોવી જોઈએ એમ કહેવા માગો છો તમે?

- ના, એમ નહીં. પણ વ્યવસ્થામાં અનિત્ય, અપૂર્ણતા કે વિરૂપતાને સમાવવાની શક્યતા હોવી જોઈએ, એટલું જ.

- હું તમારા ફૅક્ટ્સ સાવ મફતમાં નહીં લઉં. તમારે કૉફી પીવી પડશે. મારા હાથમાંથી ચોપડી લેતા એણે કહ્યું.

- કૉફીની લાલચ રોકી શકાય એવી નથી.

કાઉન્ટર પર પોતપોતાના બિલ ચૂકવી અને બહાર નીકળ્યાં.

મે મહિનાના શનિવારની બપોર, બીજી કોઈપણ બપોર જેવી જ, સાફસૂથરી પણ તીક્ષ્ણ, આંજી નાખે એવી. એણે પર્સમાંથી ગોગલ્સ કાઢ્યા. ઘેરી કથ્થઈ ફ્રેમમાં બદામી ઝાંયના કાચ. બહારના પ્રકાશમાં એનું સફેદ શર્ટ વધારે ઊજળું લાગતું હતું. ગાલ પર ગુલાબી તરી આવી હતી. ડોક પર ઝીણી જાંબલી નસો દેખાતી હતી. એણે બેઈજ રંગનું ટાઈમ સ્કર્ટ પહેર્યું હતું, ઘૂંટણથી ઉપર લગી. ઘૂંટણથી ઉઘાડા સીધા લીસા પગ ચળકતા હતા. બદામી રંગના ચપટા સેન્ડલમાં નાજુક ગુલાબી આંગળીઓ, નખ રંગેલા નહોતાં. એણે આગળ વધવા હાથથી ઈશારો કર્યો. હાથે વાળને કાન પાછળ સેરવ્યા. કાનમાં સોનાની રિંગ ચળકી ઊઠી.

- નિર્મલ વર્માના દિલ્હીમાં ઋતુઓ નથી હોતી. મહિના હોય છે ને એમની સાંજ, ઉદાસ અને બોજલ.

- તડકો ઉદાસીને મારી નાખે છે કેમ ? એણે કહ્યું.

- ના, શહેરના એક ખૂણામાં તડકો અચૂક એની ઉદાસી સાથે બેઠો હશે, ઘણા લોકો માટે. એક શું કામ ? અનેક ખૂણાઓમાં.

- પણ વસંતવિહારમાં નહીં ! બધા શૉ-રૂમ વચ્ચે, જ્યાં આંખો સ્થિર રહી શકે, નીચી રહી શકે.

- બરાબર. એકદમ સાચું.

અમે કૉફીહાઉસમાં પ્રવેશી ચૂકેલાં. ફરી એ.સી.ની ગાઢ ઠંડક. એણે એક ટેબલ તરફ આંગળી ચીંધી. મેં માથું હલાવ્યું. એક ખુરશી ખેંચી એને બેસવા ઈશારો કર્યો. બેઠી પછી હું બેઠો. ઘેરા કાચની બહાર લોકોની અવરજવર ચાલુ હતી. અંદર ધીમું સંગીત વાગતું હતું. મેં આઈસ-ટી મંગાવી, એણે કોલ્ડ કૉફી.

- તમે જેટલા ફિક્શનની નજીક આવતા જાઓ છો, એટલું ઓછું સમજાય છે.

- શું દરેક બાબત સંદર્ભે એવું નથી ? પછી પ્રેમિકા હોય કે મનગમતી કોઈ વસ્તુ, ભાષા હોય કે પરિવારનો કોઈ સભ્ય. જેટલા નજીક પહોંચો, એટલી સમજણ ઓછી પડતી જાય.

- તમે શેના વિશે લખો છો ?

- એક પુરુષ અને સ્ત્રી દિલ્હીના વસંતવિહારમાં મળે તો શું થાય ? એના વિશે. ખરું કહું તો હું નિર્મલ વર્માની નકલ કરવાનો પ્રયત્ન કરું છું. બીજું કંઈ નહીં.

- હું સમજી નહીં.

- નકલ કરવી એટલે બોર્હેસના પિયેર મેનાર્ડ જેવી નહીં, શબ્દેશબ્દ ને ભાવેભાવ ઉતારવા. નકલથી એક પરંપરા ઘડાય છે. નકલ કરવા જતાં તમે લેખકને વિશિષ્ટ રીતે સમજતા જાવ છો, પરિણામે એમાં કંઈ નવું ઉમેરતા જાઓ છો. એના એકાદ પાત્ર કે વાક્ય કે કોઈ ઘટનાથી એના વિશ્વમાં પ્રવેશો ને પછી પ્રવેશ બીજા વિશ્વો રચતો જાય.

- જેથી નકલ ને અસલ જેવું કંઈ રહે નહીં, એમ ?

- મેં રીતે વિચાર્યું નહોતું, પણ એવું કંઈક. બરાબર, એમ જ.

- મારા દાદાને મેં હંમેશાં વાંચતા જોયેલા. જ્યારથી મને યાદ છે. જેટલું યાદ છે. સોફા પર કે ખુરશીમાં કે બેડ પર. વાંચતા જોયેલા. વાંચતા વાંચતા ગુજરી ગયેલા. હું નાની હતી, આઠમામાં, દાદા સાથે એમ કંઈ બોલવાનું થતું નહીં. એમણે અમને કોઈ વાર્તા નથી સંભળાવી. કબાટમાં, ટૂંકમાં, ટિપાઈમાં, અભરાઈ પર પુસ્તકો, બસ પુસ્તકો. એણે સ્ટ્રોથી કૉફીનો ઘૂંટડો ભર્યો.

- તમારા દાદા શું કરતા હતા ?

- મને ખ્યાલ છે ત્યાં સુધી કંઈ નહીં.

- ગુજરાન ચલાવવા કંઈક તો કર્યું હશે ?

- એમને એવું કંઈ કરવું પડે એમ નહોતું, વારસામાં મિલકત પૂરતી મળી હતી. એમણે કદાચ કંઈ કર્યું હશે પણ મને લાગે છે કે વાંચવા સિવાય એમને કંઈ ફાવ્યું નહીં હોય. એને કારકિર્દી કહી શકાય ?

- એમનાં પુસ્તકો હજી ઘરમાં છે ?

- હા. એક રૂમમાં ખાસ ફર્નિચર બનાવડાવી ગોઠવ્યાં છે. માફ કરજો, હું નાહક તમને બૉર કરતી હોઈશ, કેમ ?

- તેઓ કંઈ લખતા ખરા ?

- ના, મારી જાણમાં નથી.

- ડાયરી જેવું કંઈક ?

- કશું નહીં.

કાચ આરપાર તડકો જેમનો તેમ. લોકોની ભીડ વધી હતી. એક શૉ-રૂમમાં એક લાખ રૂપિયાની બાઈક મૂકી હતી. તેને જોવા યુવાનોની ભીડ જમા થયે જતી હતી. મારી આઈસ-ટી પૂરી થવામાં હતી, એની કૉફી પણ.

- દાદા તમને કંઈ ખાસ વાંચવા માટે કહેતા ખરા ?

- યાદ નથી. અમને કોઈ પુસ્તક વાંચતા રોકતા કે ટોકતા નહીં. એમનાં પુસ્તકો ગોઠવી અને ઘરઘર રમતાં. અત્યારે મનમાં માત્ર એક ઈમેજ છે. ગોરો ચહેરો, અણિયાળું નાક, સફેદ દાઢી, સફેદ વાળ, ભૂરું ટી-શર્ટ, કોડ્રોયનું બદામી પેન્ટ, નમેલી આંખો. સિગરેટ પીવાથી ઘોઘરા થઈ ગયેલા અવાજે કવિતા વાંચતા. હું સ્કૂલેથી આવી દોડતી એમના સોફા પર કૂદતી, પણ દિવસે એમનો અવાજ સાંભળી થંભી થયેલી. ‘You are peopled with echoes and nostalgic voices' વાંચતા રહ્યા, હું સાંભળતી રહી, કેટલો વખત, યાદ નથી.

બધું ખરું નથી લાગતું ને એને ખોટું કહી શકાય એમ પણ નથી. મારી આઈસ-ટી પૂરી થઈ ગયેલી.

- છેલ્લે કયું પુસ્તક વાંચતા હતા ? મેં પૂછ્યું.

- મિલાન કુન્દેરાનું ‘ફેરવેલ પાર્ટી.’

એણે બિલ ચૂકવ્યું ને અમે બહાર નીકળ્યાં. તડકો ઊતરી ગયેલો પણ ગરમી અકબંધ હતી. એણે ગોગલ્સ હાથમાં પકડી રાખ્યા ને પારદર્શક આંખોએ મારી સામે જોતી રહી.

- શું તમને દિવસ યાદ રહેશે ? કે હું તમારી બાજુમાં રીતે ઊભી હતી ?

હારુકી મુરાકામીની ‘નોર્વેજિયન વુડ'માં આવતા વાક્યને મળતું વાક્ય હતું. નાયક નાયિકાને પ્રેમ કરે છે, પણ નાયિકા નાયકને નહીં. માટે નાયિકા પ્રશ્ન પૂછે છે. નાયક સાથે નહીં હોય, એટલે વખત જતાં નાયક માટે સ્મૃતિ રૂપે રહી જશે. પછી સ્મૃતિ પણ ઓગળી જશે, જાણતી હોવાથી નાયિકા એક યાદ બની ટકી રહેવા માગતી હતી. હું મલકાયો અમે બંનેએ ‘બાય'ની મુદ્રામાં હાથ ઊંચા કર્યા ને પછી આસપાસની ભીડમાં ઓગળી ગયાં.

ચાર

કોઈ સુખી નથી હોતું; સુખ હોય છે. સુખ ચમત્કાર છે, કારણ કે ઝાઝું નથી ટકતું. ટકી શકે પણ નહીં. નહીં તો સુખ નહીં રહે. જે બટકે નહીં, ભાંગીને ભૂકો થાય, ઓગળીને અદશ્ય થાય, સુખ કેવું ? સુખ હંમેશાં કશાકનું હોય છે. ક્યાંકથી આવે છે, થોડીવાર માટે, પછી કયાં જાય છે, કોઈ નથી જાણતું. હું સુખને હંમેશાં પુસ્તકોના સંદર્ભે સમજી શક્યો છું.

દિવસ આખો પુસ્તકોમાં વિતતો. રાતે સ્વપ્નમાં પણ પુસ્તકો. ઊઠતો ત્યારે લાગતું દિવસ હજી પૂરો થયો નથી. જાણે એક દિવસ દિવસો સુધી ચાલતો. તારીખ અને વારનો કોઈ હિસાબ નહીં. કુમાર ગંધર્વનો માલકૌંસ વાગતો હોય કે મિત્ર પોતાનાં ચિત્રો વિશે ગણગણતો હોય, બહેન ઘર રંગાવાની વાત કરતી હોય કે પપ્પા ફોન પર ખબર પૂછતા હોય, બધું પુસ્તકમાં બનતું. અંદર બહાર જેવું કશું નહીં. ક્યારેક સ્વપ્નમાં એક પુસ્તકમાંથી બીજામાં. શું સ્થળ ? કેવો કાળ ? શું જોયું, કેટલું માણ્યું, કેટલું રહ્યું ? કોણ જાણે. વાક્ય પાળ બનતું ને હું પોઢી જતો. ઘાસના સુસવાટે રઘવાયો ઊઠતો. પાનામાં સૂર્યોદય થતો. વાંચવું પ્રાર્થના. બીજું કશું કળાતું નહીં.

પાંચ

અમારા ઘરમાં પુસ્તકો નહોતાં. પપ્પાએ માત્ર ‘ગીતા' વસાવેલી. એવું કહેવાની જરૂર નથી કે પુસ્તકો સંઘરવાની પણ કોઈ વ્યવસ્થા નહોતી. ‘ગીતા' નાનકડા મંદિરમાં પડી રહેતી. એને કોણ વાંચતું, ક્યારે વાંચતું, ખબર નથી. મમ્મી કહેતી કે દાદાને આખી ‘રામાયણ' મોઢે હતી. અમારા માળિયા પર કેટલીક ટ્રંક ધૂળ ખાતી પડી રહેતી. વર્ષે એકવાર, કાળી ચૌદશના દિવસે, એમની સફાઈ થતી, ઉપર ઉપરથી. મેં પપ્પાના મોટાભાઈને પૂછેલું કે બધી ટ્રંકોમાં શું છે ? મને વઢેલા કે તારે શું કરવું છે ? કંઈ નથી એમાં. કદાચ એમને ખબર નહોતી માટે ગુસ્સે થઈ ગયેલા. પોતાના મકાનમાં એવી ઘણી જગ્યાઓ કે વસ્તુઓ હોય છે જેના વિશે આપણે કશું જાણતા નથી હોતાં. બાબત જેટલી શરમ નથી ઊપજાવતી એટલો ભય પમાડે છે. વારસામાં મળેલી ચીજોનું આવું હોય છે. આપણે બેચેની અનુભવીએ પણ એનું કંઈ કરી શકતા નથી. એક બપોરે, જ્યારે ઘરમાં કોઈ નહોતું, મેં ટ્રંકો ખોલી. એમાંથી બીજું શું શું નીકળેલું તે આજે યાદ નથી. ‘મહાભારત'નો એક ખંડ ‘શાંતિપર્વ' મળ્યો. (દાદાને ‘મહાભારત' પણ મોઢે હશે ?)

માળિયાની આગળ તરફની ભીંત પર દાદાનો ફોટો હતો. તરફ પપ્પાના મોટાભાઈની દુકાન હતી. વખતે મને ઘણાં પ્રશ્નો થતાં : દાદાએ બીજા કયા કયા પુસ્તકો વાંચ્યા હશે ? એમને બીજી કઈ કઈ કથાઓ મોઢે હશે ? આખું માળિયું ફેંદી વળ્યો, બધી ટ્રંક ખોલીખોલીને જોઈ લીધી, ‘રામાયણ’ની કોઈ નકલ મળી. જાણવાનો કોઈ ઉપાય નહોતો કે દાદા વાલ્મીકિ ‘રામાયણ' વાંચતા કે તુલસી. મારી કમનસીબી કે હું એમને મળી શક્યો નહીં. મારા જન્મના પાંચેક વર્ષ પહેલાં ગુજરી ગયેલા. પાછળથી મિલકતના ભાગલા પડ્યા ત્યારે ટ્રંકવાળો ભાગ પપ્પાના મોટાભાઈના ભાગમાં આવ્યો. એટલે એમણે ‘શાંતિપર્વ' માંગી લીધું. વખતે મને ખ્યાલ આવ્યો કે પુસ્તક વસાવવું અને પુસ્તક વાંચવું એમાં શું ભેદ છે.

મેં મારા પપ્પાના હાથમાં કોઈ પુસ્તક જોયું નથી, ક્યારેય નહીં. મોટી બહેન સ્કૂલની લાઇબ્રેરીમાંથી હરકિસન મહેતાની નવલકથાઓ લાવીને વાંચતી. પછી અશ્વિની ભટ્ટની પણ. કથામાં એકરૂપ થઈ જતી. રડતી, એથી કથા સારી છે એવું ગણતી. આઠમામાં હતી ત્યારે કોઈપણ નવલકથા એક રાતમાં વાંચી કાઢતી. આજે એની દીકરી આઠમામાં છે, પણ હું કોઈપણ નવલકથા એક રાતમાં વાંચી શકું એવી કાબેલિયત કેળવી શક્યો નથી. મારી બહેને પણ કોઈ પુસ્તક વસાવ્યું નથી. કોઈવાર એના ઘરે રોકાવા જાઉં ત્યારે મારું કોઈ પુસ્તક સાથે રાખું.

ઘણીવાર કોઈ પુસ્તક વાંચતો હોઉં ત્યારે થાય કે બહેન આમાં ક્યાં રડશે ? કે દાદા આમાંથી શું યાદ રાખશે ? દાદા પાસે પુસ્તકમાં પ્રવેશવાની ચાવી હતી, બહેન પાસે પુસ્તકમાંથી બહાર નીકળવાની. હું બંને ચાવીઓ ખોઈ ચૂક્યો છું. એટલે પુસ્તકમાં પ્રવેશી તો ગયો છું, પણ બહાર નીકળી શકતો નથી. માત્ર એક પુસ્તકમાંથી બીજામાં પ્રવેશી શકું છું એટલું જ.

ફુરસદના સમયે હું બૂકશૉપમાં પહોંચી જતો. બીજે ક્યાંય જઈ શકાય એવી સમજ મારામાં નહોતી. નવાં-જૂનાં પુસ્તકો જોવાં, જોતાં રહેવાં, સહેજ વાંચી સૂંઘી લેવાં, સૂંઘી એની હૂંફ તપાસવી, બધાંથી શું સુખ મળે છે, સમજી શકાતું નહીં. દુઃખને વર્ણવવાનો ઇતિહાસ સદીઓ જૂનો છે, સુખ માટે માયાથી વિશેષ પર્યાય આપણી પાસે નથી. સુખ કદાચ માયાવી હશે, સોનાના હરણ જેવું, કઈ ઘડીએ ચળકે કંઈ કહેવાય નહીં. એનો પીછો કરવો, એની હત્યા કરવી કે એને માત્ર જોવું, ફેંસલો તો આપણો પોતાનો હોય છે, પોતાની શરતે. આમ જુઓ તો નવીનતા ને આકર્ષણ હોય ત્યાં સુખ કેવું ? સોનાના હરણમાં નવીનતા ને આકર્ષણથીય વિશેષ કંઈક હતું. વાસ્તવિક નહોતું; એને વાસ્તવિક ગણીએ તો એને હરણ ગણી શકાય. ભ્રમ પણ નહોતું; ભ્રમ હોત તો એકથી વધારે લોકોને દેખાત નહીં. સુખ હંમેશાં વાસ્તવ અને ભ્રમની વચ્ચે હોય છે. બીજી રીતે કહું તો, વાસ્તવ અને ભ્રમ વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે. પોઍટિક છે, ફિક્શનલ છે. મારા માટે પુસ્તકો સોનાનું હરણ છે, બીજાઓ માટે કંઈ બીજું : સંગીત કે ગાડીઓ કે ઘરેણાં કે એક ટંકનું ભોજન.

‘ગીતા' પછી અમારા ઘરમાં જો કોઈ પુસ્તક આવ્યું હોય તો ‘સત્યના પ્રયોગો'. ઇનામરૂપે મને પહેલીવાર નકદ રૂપિયા મળેલા એમાંથી ખરીદેલું, ફોર્ટ પરના ખાદીભંડારમાંથી. બહેન સાથે ગયેલો. પછી બહેન સાસરે ગઈ. ગાંધીજી મને હંમેશાં ‘રામાયણ' કે ‘મહાભારત'ના કોઈ પાત્ર લાગ્યા છે. વાસ્તવિક નહીં ને ભ્રમ પણ નહીં જ. વાસ્તવ દુઃખ છે, અને ભ્રમ પણ. મેં ફોટામાં દાદાને પૂછેલું : ગાંધીજીનું સુખ કયું ? એમણે જવાબ વાળેલો : સ્વરાજ. મારાથી બોલી પડાયું : પણ મૃગની તો હત્યા થઈ ચૂકી છે. મડાને ખભે રાખી ફરવું થોડું પાલવે ? થોડીવાર ચૂપ રહ્યા પછી દાદા બોલેલા : ભાઈ, મોહનદાસનું મૃગ તો એમની સાથે ગયું. તમારું તમારે જોવાનું.

સાત

શરૂઆતમાં ફૂટપાથ ને લારીઓ પર પુસ્તકો ફંફોસ્યાં. જીર્ણ, ફાટેલાં, અડધા ભીંજાયેલાં, કિનારીથી વળેલાં, ડામરની ગોળીની ગંધવાળાં, ઊધઈએ પાડેલાં કાણાંની ભાતોવાળાં, પૂંઠા વગરનાં, ક્યારેક સાફસૂથરાં, નવાનક્કોર. પછી દુકાનોમાં, પછી એક શહેરથી બીજે. લાંબા સમય સુધી તમને ખ્યાલ નથી આવતો કે તમે શું કરી રહ્યા છો કે તમે શું કરવા માગો છો. વખતે બીજું કશું દેખાતું નથી, નજર પણ આસપાસ ફરકતી નથી. ઉન્મત આવેગ ને કરકરી બેચેની, એની પછીતે હળવુંફૂલ સુખ, સુવાસ જેવું. બધું ભુલાવી દે એવું સુખ નહીં, બધું બદલી નાખે એવું. શું બદલાય છે એની તો કશી ગતાગમ નથી હોતી. ક્યારેક આછો આછો ભ્રમ થાય કે કશુંક બદલાયું છે, પણ જાણ બિલકુલ નહીં. ક્યાંક ખોટા પડીશું એવી બીકથી ભ્રમને પડતો મૂકીએ. ને એમ ફરીએ જાણે કશું બન્યું નથી. પછી રસ્તે આગળ, જ્યારે તમારી દાઢીના વાળ ધોળા થવા લાગ્યા હોય છે, તમને દેખાય છે કે તમે શું કરી શકો છો. સાંજે ફૂટપાથ પર ચાલતાં ચાલતાં સહજ તમે એક ક્ષણ થંભી તમારા ભૂતકાળ પર નજર ફેરવી શકો છો. ઍરપોર્ટની ઠંડકમાં કૉફીનો ઘૂંટડો ભરતા પેલા આવેગ અને બેચેનીને જોઈ શકો છો. અને વખતે ખ્યાલ આવે છે કે તમારું સુખ વજનમાં થોડું ભારે થયું છે, હાથમાં પકડેલા પુસ્તક જેવું. તમે ગુજરાન ચલાવવા ઘણું બધું કરો છો : કારકિર્દી, સફળતા, નિષ્ફળતા, ટીકા, પ્રશંસા, બીમારી, ઉજાગરા, પ્રવાસ, નિંદા, અર્ચના ને બીજું કંઈ કેટલુંય. કેરમની કુકરીઓ, વિખરાયેલી આમ તેમ, ફંગોળાતી : એમાંની કઈ પાર નીકળશે ? જીવન ફળશે ? ફેરો ટળશે ? દુ:ખ, વેદના, પીડા, ધિક્કાર તો ખિસ્સામાં લઈને ફરીએ છીએ. કડકડતી નોટોની જેમ વહેંચીએ પણ છીએ. સુખ નાજુક ને હળવું નહીં, પણ સૂક્ષ્મ હોય છે. કારકિર્દીને ધક્કો મારવા કે ગુજરાન ચલાવવા જેની જરૂર નથી પડતી એવી સૂક્ષ્મતા. સુખના વજનનો ખ્યાલ આવે પછી પેલી કુકરીઓનું વજન પણ માપી શકાય છે. એને સિક્કાની જેમ ઉછાળી શકાય છે, ભમરડાની જેમ ફેરવી શકાય છે, એને ઉપાડી પાછી એના સ્થાને મૂકી શકાય છે. પછી શું ફળ ને કેવો ફેરો ?

આઠ

સવારથી ઘેરાં વાદળાં ગોરંભાયેલાં, પણ વરસાદ નહોતો.

‘ફૅક્ટ ઍન્ડ ફિક્શન'માં પ્રવેશી હું ફિક્શનના વિભાગ તરફ વળ્યો. સર્બિયન નવલકથાકાર ડેનીલો કીસની કોઈ નવલકથા ખરીદવાનું મન હતું. સહજ મેં યેહોશુઆની ‘ધ લવર' કાઢી. આવૃત્તિ જુદી હતી, પાનાં મોહક હતાં. વચ્ચેથી એક ફકરો વાંચ્યો, પાછી મૂકવા ગયો વખતે,

- તમારા પૈસા નહીં બગડે.

મલકાતી મારી સામે જોઈ રહી હતી. હું પણ હસ્યો.

- હું શરત મારી શકું. હારી ગઈ તો પુસ્તકના પૈસા મોકલી આપીશ. તમે જ્યાં હશો ત્યાં.

એને જોઈ રહ્યો. માથે પોની બાંધી હતી. સોનેરી લટને પીન મારી બાંધી રાખી હતી. એણે લાઈટ બ્લુ ટીશર્ટ ને બ્લૂ જીન્સ પહેર્યા હતા. કાનમાં બુટ્ટી, ગળામાં ચેન, કાંડા પર કડું.

- માફ કરજો, તમને અમસ્તા હેરાન કર્યા.

- ના, ના. આના વિશે તમારો શું મત છે ? હાથમાંની એક ચોપડી મેં આગળ ધરી, ઈજિપ્તના નવલકથાકાર નગીબ મેહફૂઝની ‘અરેબિયન નાઇટ્સ ઍન્ડ ડેઝ.'

- કંટાળી જશો. કદાચ પૂરી પણ નહીં થાય. કદાચ ગમશે તમને.

- બીલ વોટરસન ‘કેલ્વીન ઍન્ડ હોબ્ઝ.'

- તમે છાપામાં કાર્ટૂન સિરીઝ વાંચી હશે.

- જોઈ છે, ક્યારેય વાંચી નથી.

- હોબ્ઝ રમકડાંનો વાઘ છે, પણ કેલ્વીન માટે જીવતો સાથીદાર છે. કેલ્વીન સાથે રમે, જમે, મસ્તી કરે, એને સલાહ આપે. બીજાં પાત્રોની હાજરીમાં એને રમકડાં તરીકે બતાવવામાં આવે. પણ ક્યારેક ફૅક્ટ અને ફિક્શન વચ્ચે ભેળસેળ થઈ જાય છે, એમને સ્પષ્ટ રીતે છૂટા પાડી શકાતા નથી. ખરેખર તો ભેદ ક્યાં પડે છે પણ બતાવી શકાતું નથી.

- તમે સેલ્સગર્લ તો નથી લાગતા ?

- ના. એણે શરમાતા માથું હલાવ્યું.

- તો ? મારી નજર એના ચહેરા પરથી ખસતી નહોતી. પણ જાણે નજરને માણી રહી હોય એમ થોડીવાર ચૂપ રહી. સ્મિત લહેરાવતી.

- હું જ્યારે બીજું કશું નથી કરતી ત્યારે તમારા જેવા રસિકોને મફતમાં ફૅક્ટ્સ જણાવું છું.

- અને મફતમાં ફૅક્ટ્સ નથી જણાવતા ત્યારે ?

- મારા દાદાના જીવનની નકલ કરવાનો પ્રયત્ન કરું છું.

- હું પણ હું તમારી સલાહ મફતમાં નહીં લઉં, તમારે કૉફી પીવી પડશે.

- આવી મોસમમાં ના પાડવાનું કોઈ કારણ નથી.

બહાર આછી ઝરમર ચાલુ હતી. ઑગસ્ટના શનિવારની બપોર, ભીની અને ગાઢ. એણે છત્રી ખોલી ને મને પાસે બોલાવ્યો. ધીમે ધીમે ચાલતાં કૉફીહાઉસ પહોંચ્યાં. મેં ટેબલ તરફ આંગળી ચીંધી. ખુરશી ખેંચી એને બેસવા ઇશારો કર્યો. ધીમું સંગીત વાગતું હતું. ઘેરા કાચની બહારનું વાતાવરણ વધારે ઘેરું લાગતું હતું. એણે મોકાચીનો મંગાવી, મેં એક્સપ્રેસો.

- તમારી વસંતવિહારવાળી વાર્તાનું શું થયું ?

- વચ્ચે થોડો સમય કૉમામાં હતી; હવે ફરી જાગી છે.

- એનો અંત શું આવશે ?

- કેમ તમને શરૂઆતમાં રસ નથી ?

- મને સાંભળવી ગમશે.

તમારી ‘ફેરવેલ પાર્ટી' કેવી રહી ? સૉરી, વૉલ્ટ્સ, ‘ફેરવેલ વૉલ્ટ્સ.'

- ખરું કહું તો દાદાની છાતી પર જોયેલું પુસ્તક વાંચવાની ઇચ્છા કયારેય થઈ નહોતી, હિંમત પણ નહીં. મને થતું કે પુસ્તકોના ઢગલામાં ક્યાંક દટાઈ ગયું હશે. પછી ખબર પડેલી કે એને દાદા સાથે બાળવામાં આવેલું. બૂકશૉપમાં હું એને હાથમાં લેતી ને હથેળી દાઝી જતી. દિવસો સુધી બળતરા થતી. આપણે છેલ્લે મળેલા ત્યારે હથેળી દાઝે પહેલાં મેં એને મૂકી દીધેલું. પછી તમારા કહેવાથી ફરી હાથમાં લીધેલું. મનમાં હતું કે બળતરા શરૂ થાય પહેલાં પાછું મૂકી દઈશ. પણ દિવસે હથેળી લાલ થઈ. રાતે વાંચવાનું શરૂ કર્યું, પછી વાંચતી રહી.

એણે કૉફીનો ઘૂંટડો ભર્યો. કૉફી પીતા પીતા હું બહારની ઝરમર જોતો હતો.

- શું થયું ? શું વિચારો છો ? હું બૉર તો નથી કરતી?

- અમસ્તો વિચાર આવ્યો કે મને કયા પુસ્તક સાથે મરવું ગમશે ?

- સર્વાન્ટિસ સાથે કે બોર્હેસ સાથે ?

- નિર્મલ વર્મા સાથે.

- કેમ કુન્દેરા સાથે નહીં ?

- જો બે વાર મરી શકાતું હોત તો પહેલીવાર કુન્દેરા સાથે મરવાનું ગમત.

- અને ત્રણવાર મરવા મળતું હોત તો ? હસતા હસતા બોલી.

- પહેલાં પછીના બધાં મરણ નિર્મલ સાથે, અમે બંને હસી પડ્યાં.

- કેમ નિર્મલ ?

નિર્મલના ફિક્શનમાં પારાવાર પીડા છે. વાક્યે વાક્યે, હૉલોકોસ્ટ કરતાંય કપરી. અથવા એમ કહી શકાય એમાં રોજિંદું જીવન હૉલોકોસ્ટ તરીકે સામે આવે છે. જે પીડાને અવગણવા, ઢાંકવા આપણે ફાંફાં મારીએ છીએ, સતત નવી નવી શોધ કરીએ છીએ - પ્રેમ, લગ્ન, વ્યવસાય, વસ્તુઓ, કીર્તિ, કોણ જાણે બીજું કેટલુંય. બધું નિર્મલમાં પડ પછી પડ ઊખડીને ખરી જાય છે. ને પેલી પીડા ઉઘાડી, નગ્ન, સાફસૂથરી, આપણી સામે તગતગી રહે છે. આપણે હંમેશાં દુઃખનું કારણ શોધીએ છીએ. ઘટના અને દુઃખ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ સ્થાપવા મથીએ છીએ. નિર્મલની કથાઓમાં આવો સ્પષ્ટ સંબંધ બંધાતો નથી. જે એક અત્યંત મહત્ત્વના સત્યને ઉદ્ઘાટિત કરે છે : દુઃખ છે. દુ:ખનો પ્રવાહ સતત વહેતો રહે છે, સાથે ઘટનાઓનો પ્રવાહ પણ. બંને પ્રવાહો સમાંતરે વહે છે. બીજા લેખકો એક પ્રવાહ સંદર્ભે લખી શક્યા છે, કે લખે છે. નિર્મલ બંને પ્રવાહના અસ્તિત્વ પ્રત્યે આપણને સભાન કરતા રહ્યા છે. મને ક્યારેક એવું લાગે છે કે બધું લેખન નિર્મલથી શરૂ થાય છે ને નિર્મલમાં વિલીન થાય છે. અકસ્માત કહો કે નસીબ, મારી માનું નામ નિર્મળા છે, મારા ગુરુનું નામ નિર્મલાદેવી છે ને મારા લેખનગુરુનું નામ નિર્મલ વર્મા.

હસી ને હું પણ, બંને કૉફી પીતા બહાર તાકી રહ્યાં. થોડીવારે બોલી : હું કુન્દેરાના ‘ફેરવેલ વૉલ્ટ્સ' સાથે મરીશ. સાથે મારી નકલ પૂરી થશે. કૉફીનો એક ઘૂંટડો ભરી બોલી : તમે એને મારી સાથે બાળશો ?

થોડીવાર રહી મેં જવાબ આપ્યો : મને દિવસ યાદ રહેશે.

નવ

દર રવિવારે દરિયાગંજની ગલીઓમાં ને ફૂટપાથો પર પુસ્તકોની બજાર ભરાતી. અમે રખડતાં રહ્યાં, પુસ્તકો ખરીદતાં રહ્યાં. ખરીદવા કરતાંય જોવાનો ધખારો વધારે હતો. ઘણીવાર દુકાનોમાં જોવા મળે એવાં પુસ્તકો ઝબકી જતાં. વખતે ચહેરા પર ફેરો સફળ થયાનું સ્મિત ફેલાઈ જતું. અમારા સદ્દનસીબે વરસાદ નહોતો. ભૂખ લાગી તેથી કનોટપ્લેસ પહોંચ્યાં. મેં ‘પૉટપુરી' રેસ્ટોરન્ટનું સૂચન કર્યું. વર્ષો પહેલાં ત્યાં ફિશ- કરી અને રાઈસ ખાધેલાં. પછી તરફ આવવાનું થયું નહીં. હવે આઇટમ મેનુમાં હશે કે કેમ પણ પ્રશ્ન હતો, વળી મને એનું નામ પણ યાદ નહોતું. યાદ હતો તે સ્વાદ. મેનુમાં ફિશને લગતી ડિશનું વર્ણન વાંચી નક્કી કર્યું. ફિશ ચાખતાં એનો ચહેરો ચમકી ઊઠ્યો.

- તમારા મતે દિલ્હીમાં ખાવાલાયક બીજા કયા કયા સ્થળો છે ? એણે ટીખળમાં હસતાં પૂછ્યું.

- બુખારા, મોતીમહેલ, ચોર બિઝાર અને પરાઠા ગલી પણ.

- બસ, બસ. બધું બધાં જાણે છે. કંઈ ખાસ જણાવો.

- જગ્યાની ઓળખ અકસ્માત હતી. બાકી મને વસંતવિહારનું ‘નરુલાઝ' માફક આવી ગયું છે. શહેરોને હું એના બૂકશૉપના આધારે ઓળખું છું. ફૂટપાથ પર મળતાં પુસ્તકોના આધારે પણ શહેરનો સ્વભાવ કળી શકાય. મુંબઈની ફૂટપાથ પર મિલોરરાડ પાવીચ નથી મળતો. બેંગ્લોર ને દિલ્હીના બૂકશૉપમાં ગિલેર્મો સેમ્પેરિયોને કોઈ જાણતું નથી. આખા અમદાવાદમાં કાંય કોબો આબે દેખાતો નથી.

- શું મળે છે એના કરતાં શું નથી મળતું એની ચિંતા વધારે છે તમને.

- આઝાદીનાં ત્રણ-ચાર વર્ષ પછી મુંબઈની ફૂટપાથ પરથી મળેલા કાફકાના એક પુસ્તકે ગુજરાતી સાહિત્યમાં નવા યુગની શરૂઆત કરેલી.

- કયું પુસ્તક હતું ?

- ગ્રેટ વૉલ ઑફ ચાયના ઍન્ડ અધર સ્ટોરીઝ.

- કોને મળેલું ?

- સુરેશ જોષીને.

- જેમણે દિલ્હી સાહિત્ય અકાદમીનું ઇનામ નકારેલું ?

- હા. એમને મળ્યું તે મળ્યું. પછી ફૂટપાથો વાંઝણી થઈ ગઈ ને બૂકશૉપ્સ ઍબ્સર્ડ. કદાચ એથી હવે કશું નવું થઈ શકે એમ નથી. ને થાય તો ઓળખી શકાય એમ નથી. કોઈ નવો યુગ, નવો પ્રવાહ, નવું પરિવર્તન ખ્યાલ આપણા સમયમાં વિસંગત લાગે છે. વખતે આઝાદી તાજી હતી એટલે સર્વોદયના ખ્યાલનો કંઈ અર્થ હતો. હવે માત્ર ઈર્ષ્યાનું તંત્ર ચાલે છે.

- તમે ફૂટપાથ પર કે લાઇબ્રેરીમાં કે દુકાનોમાં પુસ્તકો શોધવાની શરૂઆત કરી વખતે આવી નિરાશા નહીં હોય. સમયની આશાને કઈ રીતે સાચવી શકાય ? આશા કશાક સુખમાંથી નીપજતી હોય છે ને ?

દસ

મમ્મી રોજ બસભાડાંના પાંચ રૂપિયા આપતી. હું પોણો કલાક ચાલીને જતો ને ચાલીને પાછો. આમ રોજ જમા થયેલા પૈસાથી પછી પુસ્તકો ખરીદતો. વાંચીને પછી મોહમ્મદ અલી રોડ પરની એક દુકાને નવાં પુસ્તકો વેચી જૂનાં ખરીદતો. મારા પરાક્રમોની વાત મેં મામાના દીકરાને કરી હશે ને એણે મમ્મીને જણાવ્યું હશે. મમ્મી વઢ્યાં કે પૈસાનું ખાધું હોત તો કંઈક પેટમાં તો જાત. મમ્મીને એમ હશે કે કમાયેલું બધું પેટમાં જવું જોઈએ. એમનો તર્ક મને સમજાતો નહીં, ને શબ્દનું લોહી બને છે હું કોઈ રીતે સાબિત કરી શકું એમ નહોતો. પછી કઝીન મને મરીન લાઇન્સ પરની એક જૈન સોસાયટીની લાઇબ્રેરીમાં લઈ ગયો. પણ સમયસર પુસ્તકો પરત કરવા, ચોક્કસ સમયગાળામાં વાંચી કાઢવા, એવી શિસ્ત હું ક્યારેય કેળવી શક્યો નહીં. પરિણામે લાઇબ્રેરીઓ મને બહુ આકર્ષી શકી નહીં.

કૉલેજ ગાળામાં જો કે લાઇબ્રેરી સિવાય બીજી કોઈ જગ્યા નહોતી. ઘરે વાંચતા બેસી રહેવું એનું અર્થઘટન કંઈ કરવું એવું થતું. અર્થાત્ હું કંઈ કમાતો નહોતો. ભણવું, એમાંય આર્ટ્સમાં, એટલે વર્ષો બગાડવાં. મોટા મામા કહેતા : ‘તું ભણ્યો પણ ગણ્યો નહીં.' વચલા મામાએ મમ્મીને કહેલું : ‘એ ગાંડો થઈ ગયો છે.' અમારી દરજીની નાતમાં સોળમે વર્ષે છોકરા કમાતા થઈ જતાં, દુકાન સંભાળવા માંડતા. નાતમાં કોઈ ભણ્યું હોય એવું કોઈની જાણમાં નહોતું. પરિણામે હું નગુણો ઠર્યો. બહેનને ભણતી બંધ કરી પરણાવી દીધી. વૅકેશન પહેલાં મારું હૃદય બેસી જતું. મારે પપ્પાની દુકાને જવું પડતું. હું ગાજ-બટન કરતો, ચેન-દોરા લેવા જતો, પછી શર્ટ પણ સીવતો. દોડીને બસ પકડતો, હાથમાં દસ કિલો કેરીઓ હોય તો પણ, દોડતા ઊતરતો, રીતે ચાલુ ટ્રેને ચડતો-ઊતરતો, દોડતાં વાહનોના પ્રવાહમાંથી રસ્તો ઓળંગતો. પણ હૃદયના ધબકારા કંઈ તેજ થતાં નહીં. પપ્પા થોડા લિબરલ, કોઈ વાતમાં કંઈ કહેતા નહીં, પણ હું નવી કોઈ વાત કરું તો ચૂપ રહેતા, મૂછમાં છણકામાં હસતા. હું બોલીને પસ્તાતો, ફરી વાત કરવાનું સાહસ ગુમાવી બેસતો, માથું ઊંચકી શકતો, સૂનમૂન ઢસડાતો. એમની ઇચ્છા હતી કે હું ડૉક્ટર બનું, મારી પણ ઇચ્છા હતી, પછી બદલાઈ, એથી હું ગુનેગાર ઠર્યો. લાડકામાંથી લાકડું થયો, ભીંજાયેલું. સૂકાતાં વર્ષો થયાં, ચૌદ કે વધારે, યાદ નથી. હવે તાપણું થઈ શકે છે, પણ હૂંફ ગેરહાજર છે.

વિરોધ કોઈનેય નથી પાલવતો. વિરોધના અવકાશ વિનાની સ્વતંત્રતા, લોકશાહી કે પ્રગતિનો શું અર્થ ? અનિવાર્ય વિરોધ નવા વળાંકનું સૂચન હોઈ શકે. ક્યાં જવાશે એનો તો અંદેશો પણ નથી હોતો, અને ‘માર્ગ ક્યાંય નથી જતો' તો કદી સમજાતું નથી. ક્યારેક બહેન સામે પપ્પાએ શું શું કર્યું એનો હિસાબ માંડતો; સરવાળે બધું શૂન્યમાં. અમે બંને ચૂપ થઈ જતાં. પછી બહેન ચા મૂકવા ઊભી થતી. બધું આપણા કર્યામાં નથી હોતું ભાઈ, દાદાએ કહેલું. હું ચા પીને પુસ્તક ઉઘાડતો પછી દિવસોના દિવસો ને અઢળક રાતો, વણઝારાની જેમ. કયું ગામ ? કયો મલક ? અતીતનો ધુમાડો થતો; ઉઝરડા રહેતા, પણ પીડા અનુપસ્થિત.

અગિયાર

ઇર્ષ્યાના ખંજરને ધાર નથી હોતી. એથી ઉઝરડા નથી ઊપસતા પણ પીડા સણસણતી રહે છે. ખંજર સોનાનું, રત્નજડિત, મહિષાસુરના દાંતમાંથી બનેલું ને દાંતના પોલાણમાં કૈકેયીનું લોહી પારાની જેમ ચઢે-ઊતરે. બીજા બધા હુમલાથી બચી શકાય, ઇર્ષ્યાના ઘાથી નહીં. ઇર્ષ્યાનો અર્થ સમજાય પહેલાં તો કેટલાય પ્રહાર થઈ ચૂક્યા હોય, એમાં પોતાના કે પારકાનો ભેદ નથી હોતો. વડીલો કે મિત્રો, ઓળખીતા ને જેને ક્યારેય નથી ઓળખવાના, બધા સામેલ હોય છે, નિર્દોષપણે. ઇર્ષ્યા પ્રત્યે સભાન હોય એવા તો જવલ્લે જોવા મળે. તમે તો વાંચવામાં મશગૂલ હો, બીજા ઇર્ષ્યામાં તરબોળ, પોતાને કે પોતાની પ્રજાના ભોગે, તમારો દાઝ્યા વિના છૂટકો નથી. મીઠા ઉપકારોનો બદલો વળી કેમ ચૂકવાય ? એક તો રાંક, એમાંય ઉફરા, એટલે ચાબખા તો ખાવાના જ. બીજો કોઈ રસ્તો નથી : કોઈની આંખોથી, કોઈના બોલથી, હાસ્યથી, દિલાસાથી, વળી કોઈની ચૂપકીદીથી, ટીકાથી, સલાહથી, શેખીથી. તમારે દરિયા નથી ઓળંગવાના, પણ ખારાપાટથી બચવાનો કોઈ ઉપાય પણ નથી. પછી લોહીના શબ્દો થાય ને તમે આશા રાખો કે આવનારી પ્રજાના શરીર પર ઓછા ઉઝરડા હોય. પછી તમે પુસ્તક બંધ કરી કાઉન્ટર પર મૂકો છો, કાર્ડથી પૈસા ચૂકવો છો, બિલ અને પુસ્તક લઈ બૂકશૉપની બહાર નીકળો છો, દિલ્હીના વસંતવિહાર પર મે મહિનાની સાફસૂથરી બપોર, તમે બિલની પાછળની બાજુ જુઓ છો, ત્યાં લખેલું છે : ઇર્ષ્યા સુખની બીજી બાજુ છે.

બાર

અમે કારમાં એના ઘરે પહોંચ્યા. ઘર વસંતવિહારમાં હતું. અપાર્ટમેન્ટના સૌથી ઉપરના માળે, પેન્ટહાઉસ. અંધારું થવાને હજી ઘણીવાર હતી. ઝરમર થંભી ગયેલી. આકાશ ઘેરું હતું. સાંજ પહેલાં સાંજ પડી ગયેલી. મને એના દાદાની લાઇબ્રેરી જોવાનો મોહ હતો. મારી ઇચ્છા પામી ગઈ હોય તેમ મને ઉપર દોરી ગઈ. બારણું ખોલી બત્તી કરી.

- તમે પુસ્તકો માણો, હું કૉફી લઈને આવી. તમને કૉફીમાં બ્રાન્ડી ગમશે ?

- સહેજ રમ, જો હોય તો.

ઓરડો ઘણો મોટો હતો, વચ્ચે સોફાસેટ ને ટિપાઈ, પાછળ ગૅલરી ને ખુલ્લું આકાશ. ઓરડા વચ્ચે નેતરની એક રૉકિંગ ચૅર, લાકડાંની એક આરામખુરશી. આખી ભીંતમાં લાકડાંના કબાટ. ક્યાંય ચાવીનું કાણું નહીં. દરવાજા પાછળ લાકડાની નિસરણી. બીજી ભીંતે અભરાઈઓ, ટિપાઈના કાચ નીચે પણ પુસ્તકો ગોઠવેલાં. હું ધીમે ધીમે ફરતો રહ્યો. બધાં પુસ્તકો જેની ઉત્કટ ઇચ્છા કરેલી, જેને સૂંઘીને શ્વાસમાં ભરી રાખેલાં, બૂકશૉપમાં વખતોવખત જેને હાથમાં પકડી ઊભો રહેતો ને પછી પાછા ચડાવી દેતો, જેને ખરીદવા બૂકશૉપમાં એક ખૂણે ગોઠવીને મૂકેલાં ને બીજા દિવસે અદૃશ્ય થઈ ગયેલાં, જેને મિત્રો વાંચવા લઈ ગયેલાં ને પછી પાછા આપવાનું ભૂલી ગયેલાં, જેની કોઈ ભેટ આપે એવી આશા કરેલી, જેને સ્વપ્નમાં જોયેલાં, જેને ક્યારેય જોયાં નહોતાં, જેને ભૂલી ગયેલો, બધાં પુસ્તકો અહીં હતાં. કબાટનું લાકડું ઠંડું હતું, પુસ્તકોનાં પૂઠાં પણ. એક પુસ્તકના છેલ્લા પાને કંઈક લખાણ હતું, કદાચ એના દાદાનું :

સ્ત્રી કે નવલકથામાં બહુવચન બહુ છેતરામણું હોય છે. આપણે એક જીવનમાં માત્ર એક સ્ત્રીને ચાહતા હોઈએ છીએ, અથવા એક નવલકથા વાંચતા હોઈએ છીએ. તેથી એનો કોઈ અંત નથી હોતો. બંને ઉપભોગની વસ્તુ બની શકે છે, બંનેને વાંચી શકાય છે. પણ ઉપભોગ ક્યારેય પૂરો થતો નથી ને વાંચન હંમેશા અધૂરું રહે છે. ઉપભોગ દરેક પદાર્થ કે જીવને વસ્તુ બનાવી મૂકે છે, વાંચન એને સંકેત. વાંચન અને ઉપભોગ, બંને કશુંક ગ્રહણ કરવા મથે છે, કશુંક પામી લેવા. એથીય વિશેષ, પામવામાં હોમાઈ જવા, અંત આણવા. ઉપભોગ કે વાંચનની દરેક ક્ષણ મૃત્યુની ખેવના છે. વાંચન અને ઉપભોગ આપણા વારંવારના મૃત્યુ છતાંય જીવતા રહે છે. દરેક વાંચન ક્રમિક રીતે પૂર્ણતા તરફ આગળ નથી વધતું, પણ પોતાની અપૂર્ણતા તરફ આગળ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાંચન પોતાની અપૂર્ણતા ટકાવી રાખે છે, પોતાની અપૂર્ણતામાં અખંડ રહે છે.

મારી આંગળીઓ પુસ્તકોની કરોડ પર ફરતી સરતી હતી. એણે મારી આંગળીઓ પકડી લીધી, મને સોફા તરફ ખેંચી ગઈ. એની હથેળીમાં મારી આંગળીઓ ફડફડતી હતી. ટિપાઈના કાચ પર રંગબેરંગી ટ્રેમાં ચીનાઈ માટીના બે કપ હતા, સફેદ કપ ને સોનેરી કિનાર. મારી નજર તરત એના બ્રેસલેટ પર ગઈ, ત્યાંથી ગળા પર, ને પછી કાન પર. મેં કૉફીનો ઘૂંટડો ભર્યો ને પુસ્તકો પર ઘેરા વાદળનો પડછાયો ફેલાયો, વીજળીનો કડાકો ચમક્યો. એના શરીરમાંથી માટીની સુગંધ ફૂટી. એણે મારો હાથ ઝાલી મને ઊભો કર્યો.

- તમને કંઈક બતાવું.

ઓરડાના બીજે ખૂણે બારીની નીચે પુસ્તકોથી નાનું ઘર બનાવેલું.

- તમને લાગતું હશે શું ગાંડપણ છે, કેમ ?

ઘર માત્ર જોવા માટે છે, રમવા માટે નહીં. ગાંડપણ નહીં, પણ એકલતાને જીવવાનું બળ આપે તેવો આશ્રય.

હું પુસ્તકો પસંદ કરી બેસું છું, જેને મેં વખતે વાપરેલાં. મને યાદ છે બધાં કવર, એમનું વજન, ધૂળની ગંધ. બધું જ.

મેં એના ખભે હાથ મૂક્યો. મને હોઠ મારા હોઠ પર બિડાતા ગયા ને ઉષ્ણ શ્વાસો એમને સીવતા ગયા. સંતુલન ગુમાવતા અમે પુસ્તકોના ઘર પર ફસડાયા. ચોમેર પુસ્તકો પુસ્તકો ! મેં એનાં વસ્ત્રો ઊથલાવ્યાં, એની છાતી સૂંઘી, સુંવાળી પીઠ પર હાથ પસવાર્યા. ધીરે ધીરે કુમાશ વાંચતો રહ્યો. એક પ્રકરણ, પછી બીજું.

સ્રોત

  • પુસ્તક : ફેક્ટ એન્ડ ફિક્શન (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સર્જક : અજય સરવૈયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010