Ek name sujata - Short Stories | RekhtaGujarati

એક નામે સુજાતા

Ek name sujata

ભારતી દલાલ ભારતી દલાલ
એક નામે સુજાતા
ભારતી દલાલ

એક નામે સુજાતા. હા, પણ સુજાતા નહીં કાશીકાંચીની કે નહીં ઉજ્જયિની વૈશાલીની. અને સુજાતાય ખરી કે નહીં તેય કોણ જાણે છે! તો એક નામ, અને નામ તો હોવું જોઈએ. બાકી સુજાતા એટલે કોણ? પહેલાં તો સોનાપરી ને રૂપાપરીની પાંખે ઊડતી'તી, ત્યારે કાંઈ એને થોડો નામનો ભાર હતો? પછી એણે સિંડરેલાની રાતી મોજડી પહેરી. પછી તો રંગ માત્ર મોજડીમાં રહ્યો. રંગ બધે છવાઈ ગયો. એની આંખોમાં જળના ઊંડાણમાં હોય છે એવો લીલો રંગ, એના ગાલ પર સવાર અને સાંજ ખીલે, કાનનાં લટકણિયાં પર બેસીને ‘અરેબિયન નાઈટ્સ'ની શહેરેઝાદ ઝૂલે. ત્યારે તો ચાલતી નહીં પણ દોડતી, દોડતી નહીં પણ ઊડતી. સાત સાગરો અને સાત પર્વતો વટાવી જતી. કોઈક વાર બોલે કોયલ જેવું, પણ પછી? ફ્રોક ઝાંખરામાં ભેરવાઈને ફાટ્યું, આંખમાં આંસુ આવ્યાં, ગાલે માએ ચૂંટી ખણી, ગાલ પરની લાલી ઊડી ગઈ. ગૂંચવાયેલી લટમાં કાંસકી ફરે, વાળ ખેંચાય, સાંકડાં વસ્ત્રોમાં ઊગું ઊગું કરતી કાયા રૂંધાય.

પછી તો પોથીઓનાં પાનાં ઊડ્યાં, આંકડાઓનું ભૂલભુલામણીભર્યું અડાબીડ વન ઊગ્યું. બે તૂટેલા દાંત વચ્ચેની બારાખડીના કેટલાય અક્ષરો પાંખો ફફડાવીને ઊડવા માંડે, એને પકડી પકડીને પાછા પાટીમાં પૂરવા પડે. નાનકડી કાયા ઝાડની ડાળ પર ઝૂલે, હવા જોડે ફેરકુંદડી ફરે, જળ જોડે વહે. આમ દિવસ જાય છે ને રાત જાય છે. કમરખ, આમલી અને બોરના રાજભોગ આરોગાય છે. સંતાકૂકડી અને એન ઘેન ડાહીનો ઘોડો...

હા, એક દિવસ ડાહીનો ઘોડો છૂટી ગયો તે છૂટી ગયો, પાછો આવ્યો નહિ. એની પાછળ પાંખ વગરની સુજાતા દોડી પણ સીમ વટાવો એટલે રાક્ષસ. સીમ વટાવીને થોડું દૂર જવાય? હવે દીવાટાણે સુજાતા ઘરે પાછી ફરે છે. પાછી ફરે છે ત્યારે એની જોડે જોડે કોણ અદીઠું અજાણ્યું ચાલતું લાગે છે! એનો નથી દેખાતો ચહેરોમહોરો કે નથી સંભળાતો સાદશબ્દ. તે દિવસે એણે એકાએક જોયું તો ભૂગોળની ચોપડીનાં પાનાં વચ્ચેથી નીકળી નાનીસરખી ચબરખી ભીરુ, ચોળાયેલી, મોં છુપાવીને બેઠેલી! એમાં ધ્રૂજતા ધ્રૂજતા થોડા અક્ષરો. જોડે છે ને વાંચે છે, પણ શું? એક શબ્દ વાંચે ને બીજો ભૂલે. નામ હાથ આવે તો ક્રિયાપદ નાસી જાય. છતાંય જાણે બારણે પાંખાળો ઘોડો આવીને ઊભો રહ્યો. ભણકારા વાગે.

પણ ત્યાં તો જુએ છે તો કોઈકે મંત્ર ફૂંકીને બધું ક્યાં ને ક્યાં ઉડાવી દીધું છે! અહીં તો દાળનો વઘાર, કપડાં અને સાબુ, નવા જન્મેલા બાળકનો ચિત્કાર - આકાશ સંકોચાઈ ગયું, ઘરને ટોડલે બેઠેલી ચકલીઓ ઊડી ગઈ. ઘરની ભીંત પર ખડીથી દોરેલા નાગદેવ, માતાના જવારા --- બધાં વચ્ચેથી વર્ષો દોડતાં જાય. કોઈ વાર વૈશાખની નદી જેવી ક્ષીણ અશ્રુતોયા બની જાય, તો કોઈ વાર કાંઠા તોડીને કીર્તિનાશા બનીને દોડે. પણ આંખો પાંખ સંકેલીને ઠાવકી થઈને બેસી ગઈ. અહીં-તહીંની એની ઊડાઊડ બંધ થઈ ગઈ. પાંપણ પર કશો ભાર વર્તાયો. દૃષ્ટિ નીચી ઢળી.

દૃષ્ટિ નીચી ઢળી અને એણે એકાએક પોતાને જોઈ, જોઈને ચિકત થઈ, ચકિત થઈને ભયભીત થઈ. એક કંપ દોડી ગયો. એને કોઈકનો અણસાર વર્તાયો. પણ કયાં ? ચાલી ગઈ હોત તો કદાચ પહોંચી ગઈ હોત રાધાકૃષ્ણની કુંજમાં. પણ સત્યનો સૂરજ પ્રકાશતો હતો. ચંદ્રની માયાવી સૃષ્ટિ નહોતી. વાંસળીના સૂર દૂર રહ્યા. પેલી ચબરખીના અક્ષરો ભૂંસાઈ ગયા. હોઠ એણે દૃઢનિશ્ચયની સખતાઈથી બીડ્યાં. આંખમાંની રહસ્યની માયાને એણે સંકેલી લીધી, પગલાં એના અભિસારની દિશામાંથી પાછાં વળ્યાં. એણે નવા આશ્ચર્યથી પોતાનું નામ જોયું ફરીથી પાંખો વગરનું, પીઠ પર ઝૂલતી બે છૂટી લટ વગરનું, સ્વપ્નલોકમાંથી પાછું વળેલું.

તો એક હતી સુજાતા નહોતી કાશીકાંચીની કે નહોતી ઉજ્જયિની-વૈશાલીની. એના શ્વાસમાં પારિજાતની સૌરભ નહોતી, પણ મહાનગરની દૂષિત હવા હતી. એની આંખ માયાનગરી તરફ વળેલી નહોતી, સ્થિર હતી, સાવધ હતી. એનું હ્રદય કોઈ ઉત્તાલ તાલે નાચતું નહોતું, એણે અત્યાર સુધીમાં ઝીલેલા ઘા અને મળેલી નિષ્ફળતાનું કોષ્ટક બનાવી લીધું હતું. સાહસની આબોહવાથી દૂર નીકળી ગઈ હતી. જ્ઞાનના ક્ષેત્રના ઘણા અંધારા ખૂણામાં અથડાતી અટવાતી ફરતી હતી, પણ કોઈની આંખના પ્રકાશનો આશ્રય શોધતી નહોતી.

ભૂગોળ બદલાઈ, દિશા બદલાઈ. ધુમ્મસઘેરી લંડનની સાંજ, માનવીના ધૂંધળા આકારો, ઠંડીથી બચવા ગરમ કપડામાં ઊંડેઊંડે સંતાડી દીધેલી કાયા, એક આંખમાં ચમકારો કોઈક વાર આંખો નિર્નિમેષ બની જાય, કોઈક વાર મનમાંથી ફિલસૂફી, તર્કના પ્રમેયોની પરંપરા, ઉપપત્તિઓની જટાજાળ, વાક્છળ બધું ઓસરી જાય. કોઈક વાર ખૂણા પરના રેસ્તોરાંમાં ઉપેક્ષિત એવા સ્થાને ઘડી અન્યમનસ્ક બનીને બેસી રહે પછી ઓગણીસમી સદીના કોઈ નવલકથાકારની નાયિકાની આંગળી પકડીને ચાલવા માંડે.

આંખમાં હવે બુદ્ધિની તીક્ષ્ણ ધાર નીકળી છે. વાણીમાં દૃઢ નિર્ધાર છે. રાતમધરાતે કોઈ વાદવિવાદમાં બેઠી હોય છે, મનને નવી પાંખો ફૂટે છે, ચેતનામાં સાત પાતાળ સુધી ફ્રોઈડને લઈને જઈ આવી છે. પહેલાં પોતાનો પડછાયો જોઈને છળી મરતી, હવે એણે સત્યના કઠોર પ્રકાશમાં બધી છાયાઓનું વિસર્જન કરી દીધું છે. એક વાર શરદબાબુની પારુ બનીને ધરાઈ ધરાઈને રડી લીધું હતું, હવે ભારતની ઝૂંપડપટ્ટીઓમાં, રોગીઓથી કણસતી ઇસ્પિતાલોમાં, અનાથાલયોમાં ફરીફરીને એણે, આંસુ સીંચીને આર્દ્રતા લાવવાનો પ્રયત્ન કર્યો છે.

તો સુજાતા હવે નહીં દેશની કે પેલા દેશની, નહીં કોઈની કે નહીં પોતાની - અરે, પોતે સુજાતા એના પણ ભાન વિનાની. પણ એને એક ઠેસ વાગી. ઠેસ મારી કોણે? કળ વળે ત્યારે એનો વિચાર કરે ને? એક સાંજે, દરરોજની સાંજ જેવી સાંજે, એને મળી ગયો એક જુવાન. નહોતો કાર્તિકેય કે કાર્તવીર્ય, નહોતો દેવ કે નહોતો રાજકુંવર, એને માટે નહોતાં કર્યાં વ્રત કે તપ. સાંજે આવીને જુએ છે તો ઊભો છે એક જુવાન. નામ એનું અભિનવ કે સત્યકામ, સત્યજિત કે અભિરામ. સુજાતાએ એને સ્થિર દૃષ્ટિએ જોયો, આંખો લજ્જાથી ઢાળી નહીં; નંદનવનનો દક્ષિણાનિલ વાયો નહીં, ફરી એને પાંખો ફૂટતી હોય એવું લાગ્યું નહીં. અને છતાં-

ને છતાં સુજાતા જે નહીં કાશી-કાંચીની કે નહીં ઉજ્જયિની-વૈશાલીની તે એક નવી સૃષ્ટિમાં પ્રવેશી. એમાં બૉદલેરની મલબારની કન્યા, રેંબોની પેલી પીધેલ નૌકાનાં પરાક્રમો, લા ફોર્ગની ક્ષયદીપ્ત ઉત્તપ્ત કાયાના ઊર્મિઆવેગો ~ અરે યાત્રા શરૂ થઈ પછી ક્યાં એનો અન્ત? –– એક રાતગાળે કાફકાની સૃષ્ટિમાં, પેલો બરફથી ઢંકાયેલો, અદૃશ્ય કિલ્લો અને પાંદડાં વગરનાં વૃક્ષો, હ્રદયની પાંખડીઓ ખીલતી જાય, આંખમાં નવી ગંભીરતા, નવું ઊંડાણ. એક નમતી સાંજ ગાળે રિલ્કેની સાથે દુઈનોના કિલ્લામાં, ગુલાબ વચ્ચે. ગુલાબની પાંખડીઓ વચ્ચેના અવકાશમાં જીવન અને મરણ સાથે વસતાં દેખાય, એના હૃદયમાં પ્રેમ નવો સ્પન્દ જગાડે જે પ્રેમ બારણાં વાસે નહીં, જે પ્રેમ સીમાને શોધે નહીં, જે પ્રેમ અવારિત, મુક્ત અને પ્રબળ. અરે, એટલો પ્રબળ - દેવદૂતોની વીંઝાતી પાંખ જેવો, સૂના રણપ્રદેશ પર સૂસવાતા પવન જેવો એટલો પ્રબળ કે એને લાગ્યું કે જાણે હવે કોઈ સુજાતા નથી, છે વિરાટ પ્રસારમાં એક બિંદુ. જેનું હોવું હોવું તે ક્ષણની લીલા.

એક નામે સુજાતા જે હવે નહીં સુનીતા કે સુવર્ણાં, જેનું હોવું એક પ્રચંડ મોજું જે ફરી વળીને બધું ચકનાચૂર કરી નાખે. પછી ક્યાં દમયંતી ને ક્યાં સીતા? કદીક કદીક ઇચ્છે છે નાનો ઝરૂખો, વળગણી પર સૂકાતાં બેચાર કપડાં, ચાની કીટલીનો અવાજ, દાદર પર ધમધમ કરતાં દોડતાં બેચાર શિશુઓ ~ પણ તરત મોજું ફરી વળે છે. પાલખીમાં બેસીને એક જન્મમાં અસૂર્યમ્પશ્યાની જેમ ફરી છે, બીજે જન્મે જન્મોજન્મની દાસી હોય એમ અંધારા ઘરના ખૂણામાં રહી છે. પછીના જન્મે બારણું ખોલીને બહાર સોસાયટીમાં, ક્લબમાં ફરી છે. એના હોઠ પર મદિરાનાં ફીણ હતાં, આંખમાં હાંડીઝુમ્મર નાચતાં હતાં, એણે કોનો હાથ ઝાલ્યો હતો એની એને ખબર નહોતી. પછીને જન્મે ભમી છે અંધારી ગલીઓમાં, ભોંયરામાં, ભેજનો શ્વાસ લઈને જીવી છે. એણે ભભૂકતા જ્વાળામુખીઓને બેઠા બેઠા ઠાર્યા છે.

એક નામે સુજાતા --- ઘણા ઝંખે કે સાચા શહેરના ઘરમાં એક સાચી નારી બનીને આવે, આંગણે એના કંકુરંગ્યા હાથના થાપા, ઘરમાં એના અળતાથી રંગેલા પગલાંની છાપ, એના કંકણનો મંજુલ રણકાર, આંગણામાં તુલસી આગળના દીવાથી દીપ્ત એનું ઝળહળતું મુખ

પણ સુજાતા -- હવે તો કયું આકાશ શોધે, કઈ ભૂમિ શોધે? એના દેહમાં જે સમાયું છે એને શી રીતે પ્રકટ કરે અને છતાં એક આછી વેદનાની કસક, જે કદાચ ડેસ્ડિમોનાની હોય કે ઓફેલિયાની હોય, એની આંખમાં સહેજ આર્દ્રતા જે કદાચ શકુન્તલાની હોય કે વાસવદત્તાની હોય - તે તો છે જ. એથી તો આપણે એને ઓળખીએ અને કહીએ કે એક નામે સુજાતા, ભલે કાશીકાંચીની નહીં, ભલેએ ઉજ્જયિની વૈશાલીની નહીં.

(‘એક નામે સુજાતા’ માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999