ek Lavarish Shab - Short Stories | RekhtaGujarati

એક લાવારિસ શબ

ek Lavarish Shab

દિનકર જોશી દિનકર જોશી
એક લાવારિસ શબ
દિનકર જોશી

બહારની દીવાલ પરના ઘડિયાળે સમયસૂચક ડંકા બજાવ્યા. અંદર મોર્ગરૂમમાં બરફની પાટ પર સૂતેલા સાત નંબરના શબની અચેત આંખની બિહામણી અકળામણ એકાએક વધી ગઈ. મોર્ગરૂમમાં એના વસવાટનો સમય હવે ઝડપભેર ટૂંકો થતો જતો હતો. અહીંના એક કાનૂનની એને ખબર હતી. લાવારિસ શબોને અમુક નિશ્ચિત થયેલા કલાકો મોર્ગમાં વસવા મળતું. પછી બીજાં શબોને જગા કરી આપવી પડતી. પહેલા શબને ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં...

શબને કાનૂન પર ભયંકર રોષ વ્યાપ્યો. તિરસ્કાર વછૂટ્યો. કદાચ ભસ્મ બન્યા પહેલાંનો છેલ્લો રોષ... છેલ્લો તિરસ્કાર... અહીં મોર્ગરૂમમાં પણ કાનૂનો એનો પીછો નહોતા છોડતા! શબ જ્યારે શબ નહોતું ત્યારેય કાનૂનોએ એને પરેશાન કરવામાં કમી નહોતી રાખી. હવે શબ બન્યા પછીય...

થોડાક કલાકો કદાચ ગઈ કાલ પણ હોય પહેલાં કોરોનરમાંથી પોસ્ટમોર્ટમ થયેલા શબને, ગળામાં સાત નંબરનો બિલ્લો લટકાવીને અહીં લાવવામાં આવ્યું હતું. શબ બન્યા પહેલાં એક જુવાન માનવી, ધસ્યે જતી ગાડીનાં પૈડાં તળે, પાટા પર ચગદાઈ ગયો હતો એની નોંધ વાંચી પણ હતી. નોંધ લખાતી હતી ત્યારે શબને હસવું આવ્યું હતું. શબ બન્યા પહેલાં પાટા પર ચાલતો હતો. એણે ગાડીને સામેથી ધસી આવતી જોઈ હતી. એણે ઉતાવળે ઓળંગી જવાનું વિચાર્યું... પછી વિચાર ફેરવ્યો... ફરી ફેરવ્યો... આગળ વધ્યો... સહેજ ખસ્યો... બસ! પછી એનું શબમાં રૂપાંતર થઈ ગયું હતું!

મોર્ગરૂમનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. સાત નંબરના શબે અઠ્ઠાવીસમી વાર દિશામાં નજર ફેરવી. વખતે એની આંખોમાં બિહામણી સફેદીની વચ્ચે આશાની રતાશ તરવરી.

‘તું અહીં બહાર ઊભી રહી... હું અંદર જઈને તપાસ કરું છું.’ એક ભારે અવાજથી માર્ગરૂમ ભરાઈ ગયો. શબે અવાજ ઓળખ્યો, એની જાડા ટાંકા લીધેલી આડીઅવળી થઈ ગયેલી છાતીની નીચે સહેજ આનંદ વ્યાપ્યો, અવાજ એના પિતાનો હતો, આખરે તેના મૃતદેહને શોધતા તેઓ અહીં આવી પહોંચ્યા હતા. હવે લાવારિસ શબ નહિ ગણાય... હવે હોસ્પિટલના પગારદાર ડાઘુઓ એના દેહને ઇલેક્ટ્રિક કરંટથી. હાશ!

‘મનેય અંદર આવવા દો કદાચ તમને સૂઝે નહિ તો... મને કંઈ નહિ થાય. એનો ચહેરો મને જોઈ લેવા દો...’ સ્ત્રીનો ડૂસકાં ખાતો સ્વર.

‘તું કેમ કશું સમજતી નથી! અંદર તારાથી અવાય. તું બહાર રહે...’ પુરુષે સ્ત્રીને રોકી.

શબની આંખમાં ચમક સળગી અંદર આવીને શબને ઓળખવાની માતાની કાકલૂદીને પિતા ઇનકારતા હતા. માતાની વાત સાચી હતી. પિતાની આંખે જાડા જાડા કાચનાં ચશ્માં હતાં. અંધારામાં એમને ખાસ્સું ઓછું સૂઝતું... અને તોય...

હોસ્પિટલના માણસ જોડે પિતા અંદર આવ્યા... લાઈનબંધ સૂતેલાં શબોના ચહેરા પરનું કપડું ખસતું ગયું. શબ નંબર એક... બે... ત્રણ... પાંચ... છ...

સાત નંબરના શબ પાસે બેઉ અટક્યાં. પ્રસાદના થાળ પરથી રેશમી વસ્ત્ર હઠાવતા પૂજારીની સ્વસ્થતાથી મોર્ગરૂમના માણસે એનો ચહેરો ખુલ્લો કર્યો. છૂંદાયેલું ગળું, છિન્નભિન્ન થયેલી ખોપરી, પોસ્ટમોર્ટમના આડાઅવળા ટાંકા... ચહેરા પર અપરિચિતતા ફરી વળી!

‘બાપુજી... બાપુજી... તો હું છું... મને નથી ઓળખતા?’ શબે ચીસ પાડી એની સિવાયેલી ચામડીના ટાંકા ધ્રૂજી જાય એટલા જોરથી.

ડોકું હલાવી પિતા આગળ વધ્યા. ચશ્માંના કાચને સાફ કરીને બીજા ચહેરા પર નજર ટેકવી. સાત નંબરના શબની ચીસના પડઘા એના તૂટેલા બે કાન સિવાય કોઈને સંભળાયા! લથડતે પગલે આગળ ચાલ્યા જતા પિતા પર એને ગુસ્સો ચડ્યો. શા માટે એમણે માતાને અંદર આવવા દીધી? માતા એને જરૂર ઓળખી જાત. માતાની આંખ એના પર ટાંકા લીધેલા છિન્નભિન્ન દેહની આરપાર એને અવશ્ય ઓળખત પણ...પિતાએ એને હંમેશાં ટાળી હતી. આમ જ... અત્યારે અટકાવી દીધી હતી એમ જ!

મોર્ગરૂમના છેક સામેના છેડા સુધી આંટો મારીને પાછા ફરતા પિતા સાત નંબર પાસે સહેજ ધીરા પડ્યા. એમની બહાવરી આંખોમાં ઉજાગરો હતો. સાત નંબરના વિકૃત, છૂંદાયેલા ચહેરા સામે નજર સહેજ સ્થિર કરી. શબની આશા સળવળી. તક સરકી જાય પહેલાં એણે ચિત્કાર કર્યો.

શબનો ચિત્કાર તીવ્ર બન્યો. એની ભાષા હવામાં ઘૂમરીઓ ખાઈને ઓગળી ગઈ. પિતા દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા. દરવાજો પાછો દેવાઈ ગયો. બહારની ઘડિયાળમાં બીજો એક ડંકો પડ્યો. શબના લોહિયાળ થયેલા માથાના વાળ સહેજ ઊભા થઈ ગયા. ગરમ ગરમ નિઃશ્વાસ મૂકવાની એની પુરાણી આદતના જોરે એણે એક એવો નિષ્ફળ પ્રયાસ કર્યો. એના મસ્તક પર ક્ષણો ઓગળવા માંડી ખામોશ અને સૂમસામ એના દેહ નીચેથી ઓગળતી બરફની પાટની જેમ.

દેવાયેલો દરવાજો ફરીથી ઊઘડ્યો. પ્રકાશ અંદર રેલાયો. શબે તરફ નજર ફેરવી. નજરમાં ચમક ભળી. એના મિત્રો, એના બે દિલોજાન દોસ્તો ચકળવકળ નજરે અંદર આવતા હતા. મોર્ગરૂમનો માણસ એમને દોરતો હતો. પેલા બઉ એક પછી એક શબ પાસે અટક્યા હતા. પાસે રાખેલા કશાક કાગળ પર નજર ફેરવતા હતા, પરસ્પર કશુંક બબડી લઈને ડોકું ધુણાવીને આગળ વધતા હતા. શબ નંબર એક... બે... ત્રણ...

સાત નંબરના શબે જોર કરીને મિત્રોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. મિત્રો તો એને જરૂર ઓળખી જશે એની પાકી આશા એને બંધાણી. જ્યારે જીવતો હતો ત્યારે મિત્રો જોડે એણે કેટલી બધી વાતો કરી હતી... કલાકો... અરે! દિવસો સુધી, પિતા તો એને ઓળખી શક્યા...કદાચ ચશ્માને લીધે જ! પણ મિત્રો...

પેલા ત્રણેય સાત નંબર પાસે થોભ્યા. મોર્ગના માણસે શબના અર્ધા દેહને ઉઘાડો કર્યો. શબે આંખ પટપટાવી જીવતો હતો ત્યારે જે રીતે પટપટાવતો રીતે જ. એની આંખ પટપટાવવાની એક વિશિષ્ટ રીત હતી. રીતથી નવાઈ પામીને મિત્રો કહેતા : તારી આંખમાંથી વખતે જાણે કશોક ભાર ખેરવતો હોય રીતે--

બેઉ મિત્રોએ પરસ્પર નજર મેળવી. કશીક સંતલસ કરી : ‘લાગે છે?’

‘થોડુંક મળતાપણું... એથી વિશેષ કશું નહિ.’

‘પણ આંખનો દેખાવ.’

‘એ તો કલાકોથી શબ થઈ જવાનો કારણે.’

‘હં...’

શબને ફાળ પડી. મિત્રો પણ એને કાં ઓળખે? એણે જોરથી આંખ પટપટાવી– બેઉ પાંપણો ખરી પડે એટલી હદે.

‘ચલો સાબ. જરા જલદી કીજિયે.’ મોર્ગરૂમના માણસે ઉતાવળ કરવા માંડી.

ત્રણેય જણા આગળ નીકળી ગયા. શબની પટપટાતી પાંપણો સ્તબ્ધ થઈને અચેત થઈ ગઈ.

બરફની પાટ હવે ખાસ્સી ઓગળી ગઈ હતી. શબનાં અંગો સાવ સંકોડાઈને જડ થઈ ગયાં હતાં. એને લાગ્યું કે લાવારિસ તરીકે ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં બળી જવા સિવાય હવે કશો માર્ગ નહોતો. કદાચ... કદાચ... પોતેય પોતાનાં અંગોને ઓળખી શકવાની સ્થિતિમાં રહ્યો નહોતો.

બહારથી ઘડિયાળે ફરી વાર કેટલાક ડંકા વગાડ્યા.

થોડીવારે બંધ દરવાજો ફરીથી હડસેલાયો. વખતે દિશામાં નજર ફેરવવી એવો ઘડીવાર પહેલાં કરેલો નિર્ણય ઓગળી ગયો. એણે દિશામાં જોયું. જોતાંવેંત એની સફેદ ભયપ્રદ આંખ વધુ સ્થિર થઈ ગઈ. એની પત્ની દરવાજામાં ઊભી હતી.

‘મેં કહતા હૂં બહિનજી... આપ અંદર મત આઓ. આપ અંદર નહીં દેખ સકોગી...’ મોર્ગરૂમનો રખેવાલ એને અટકાવતો હતો.

‘ના મને કશું નહિ થાય. મને એક વાર નજરોનજર જોઈ લેવા દો. ક્યાંક...’ પત્નિના શબ્દો ડૂસકામાં ખોવાઈ ગયા.

પત્ની અંદર આવી. આગળ વધે, બીજાં શબો, અતિશય બિહામણાં દૃશ્યો એની નજર પડે... એથી ક્યાંક ભયભીત થઈ જાય અને પાછી ફરી જાય એવી આશંકાથી પ્રેરાઈને સાત નંબરના શબે પોતાનો જમણો હાથ પત્ની તરફ લંબાવ્યો, એવા વિશ્વાસથી કે પત્ની હાથને અવશ્ય ઓળખી જશે. એનો હાથ ચોરી વેળા ગ્રહો હતો હાથ સપ્તપદી ઉચ્ચારતી વેળા સ્વીકાર્યો હતો હાથને ઓળખે એમ બને.

એકાએક તીણા સ્ત્રીકંઠના ચિત્કારથી ખંડ ધ્રુજી ઊઠ્યો. બેઉ હાથે આંખો દબાવીને પત્ની ધ્રુજી રહી હતી પહેલા શબની પાટ પાસે જ.

‘મૈંને તો આપકો પહેલેસે હી કહા થા બહિનજી! ચલિયે, યહ આપકા કામ નહિ હૈં!’ રખેવાળે પત્નીને ટેકો આપી દરવાજા તરફ દોરી.

દરવાજો ફરી વાર દેવાઈ ગયો. ખંડમાં અંધારું વ્યાપી ગયું.

વખતે શબે શૂન્યવત્ પડી રહેવા સિવાય કશી હલચલ કરી. હવે કોઈ આશા નહોતી. હવે ભાગ્યે થોડી ક્ષણો બાકી હતી. થોડી વારમાં એક સ્ટ્રેચરમાં એને ખસેડીને લઈ જવાશે. પછી એક લાવારિસ શબ તરીકે ભાડૂતી ડાઘૂઓ એને ઇલેક્ટ્રિક કરંટ આપશે. ભસ્મ થઈ જશે. બસ! એણે હોઠ પરનું જામી ગયેલું લોહી ચૂસીને ગળામાં ભીનાશ લાવવા પ્રયત્ન કર્યો. એને એક વિચિત્ર વિચાર આવ્યો. શબ બન્યા પહેલાં પણ એને અસંખ્ય વિચારો આવતા. ત્યારે એક એવો વિચાર

શબ હસી શક્યું હોત તો કેવું સારું થાત! હસત... ખડખડાટ હસત, આસપાસમાં તમામ શબો બેબાકળાં જાગી જાય એટલી હદે હસત.

એકાએક ખંડમાં પ્રકાશ પથરાયો. સ્ટ્રેચર ઊંચકીને બે માણસો અંદર આવ્યા. શબને સમજતાં વાર લાગી એનો સમય પૂરો થઈ ગયો હતો. સ્ટ્રેચર એની પાસે આવીને અટક્યું. એના દેહ પરનું કપડું સરખું વીંટાળવામાં આવ્યું. કપડું ક્યાંકથી ફાટી ગયું હતું. એના ચહેરા પરનો ટુકડો ફાટેલો હતો. એની ફાટમાંથી એણે બહાર જોયું. એના દેહને સ્ટ્રેચર પર ધકેલી દેવામાં આવ્યો. એના ગળામાંથી સાત નંબરનો બિલ્લો ખસેડી નાખવામાં આવ્યો.

સ્ટ્રેચર ઊંચકીને બેઉ માણસો મોર્ગરૂમના પાછલા દરવાજા તરફ આગળ વધ્યા. આગળ દરવાજા તરફ શબે છેલ્લી નજર ફેંકી. નજર સ્તબ્ધ થઈને ત્યાં ચોંટી ગઈ.

‘બહિનજી, આપ અંદર નહીં જા સકોગી, થોડી દેર પહેલે હી એક ઓરત આઈ થી. વો અંદર નહિ ઠહર સકી આપ ભી...’ રખેવાળ એક સ્ત્રીને રોકવાનો પ્રયત્ન કરતો હતો.

સ્ત્રી...

હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને શબે સ્ટ્રેચરમાંથી નીચે કૂદવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્ન સાવ વાંઝિયો નીવડ્યો હા! પોસ્ટમોર્ટમ વેળા લેવાયેલા કોઈ કોઈ ટાંકા ટૂટી ગયા ખરા! પણ, હવે એમાંથી લોહી વહે એમ તો ક્યાં હતું?

સ્ત્રીને ઓળખતો હતો... બરાબર ઓળખતો હતો. આછા ભૂરા રંગની સાડી... એવું બ્લાઉઝ... એક... ચોટલામાં ભરવેલ મોગરાનો ગજરો... (અત્યારેય ગજરો ભૂલી નહોતી! શબને એની નવાઈ લાગી!) ચશ્માંમાંથી આરપાર નીકળતી દૃષ્ટિ...

દૃષ્ટિ એને ઓળખે એમ બને નહીં! અશક્ય હતું!

પણ... પણ...

સ્ટ્રેચર હવે બીજા દરવાજાની લગોલગ પહોંચી ગયું હતું. શબે હૈયાની નસો તૂટી જાય એટલા જોરથી ચીસ પાડવા પ્રયત્ન કર્યો. લાવારિસ નહોતો. હવે જરૂર ઓળખાશે. એક ક્ષણ... માત્ર એક વધુ ક્ષણ...

આગલા દરવાજેથી અંદર દાખલ થયેલી પેલી સ્ત્રી સ્વસ્થતાપૂર્વક શબોના ચહેરા સામે નજર ટેકવતી કશુંક શોધતી હતી... એક... બે... ત્રણ... એની આંખમાં વિહવળતા... વ્યથા... નિરાશા...

સાત નંબરના શબે સ્ટ્રેચર પર પડી રહીને છેલ્લી નજર ફરેવી...

બીજી પળે એને પાછલા દરવાજાની બહાર ખસેડીને જોરથી દેવાઈ ગયો.

પછી... પછી... પછી...

(‘કથા સૌરભ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 566)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999