રાવજી પટેલ
Ravji Patel
બધા જ અશક્તો મૃગલાની જેમ ટોળે વળી ગયા. વૉર્ડનો નિયમ છે કે દર્દીને મોંએ રૂમાલ બાંધેલો જોઈએ. નં. 3ને મોંએથી એકાએક રૂમાલ ખસી ગયો. ફાંસીના દોરડાની જેમ એની પોચી ગાંઠ ગળાની આસપાસ આવી ગઈ. વૉર્ડરો દોડતાં દોડતાં ઊભેલા દર્દીઓને હડસેલા મારતાં મૂંગા મૂંગા નં. ૩ પાસે જતા હતા. ત્યારે બધા નં. ૩ જેવી હાલત થવાવાળા ખુલ્લી આંખે બીતા હતા. બધા જ બીતા હતા એનો સમય અર્ધાથીય અર્ધી ઘડી લગી - એથીય ઓછો હતો.
નં. ૩નો પડોશી આ બધું નથી જોતો. એ બધાની જેમ બીતો પણ નથી. કારણ કે બીવા જેવું એણે જોયું જ ક્યાં છે? નં. ૩નો પડોશી ઓચિંતો પરમ જ્ઞાની થઈ ગયો છે. આવું સદ્ભાગ્ય બહુ ઓછાને આ જીવતી આલમમાં પ્રાપ્ત થાય છે. વગર ભક્તિએ ઓચિંતું પરમ જ્ઞાન પ્રાપ્ત તુલસીદાસ જેવાને પણ થયું નહોતું. ભલે ને ઘડીના પંચોતેરમા ભાગ માટે ઈશ્વરે એને આ વરદાન આપ્યું હોય પણ એવું વરદાન મેળવવા કંઈક મહાન કાર્ય કરવું પડે છે. નં. ૩ના પડોશીએ ભલે ને રેકડીવાળાનું ચપ્પુ ઉઠાવી લીધું. એ તો એને જરૂર હતી, ઉપાડી લીધું. એ કંઈ ચોરી થોડી છે? પણ આવું સદ્ભાગ્ય નં. ૩ કરતાંય વિશેષ મહત્ત્વવાળું, મરી તો મંકોડાય જાય છે. પણ જીવતે જીવત પરમ જ્ઞાનની મજા જુદી છે. એ તો ધ્રુવ પણ ન જાણે. તુલસીદાસ પણ ન જાણે.
એ વખતે નં. ૩ના પગ ટાઢા પડી જાય છે. નં. ૩નો બીજો પડોશી આ જાણતો નથી. દોસ્તના પગ છેલ્લી વાર ટાઢા પડે ત્યારે પોતે બીજે જ ન જોઈ રહે. એનું ધ્યાન નં. ૩ના ખાટલા નીચે ગબડી ગયેલી મોસંબી પર છે. આજે દશ વાગ્યે કોથળામાંથી પોતે પણ અડધી પસંદ કરી છે. એ જ મોસંબી અત્યારે માલિક વગરની થઈને નં. ૩ના ખાટલા વચ્ચેના ભાગ નીચે જ ગબડીને અટકી છે. નં. ૩નો બીજો પડોશી મોસંબીને બાથમાં ઝાલીને ગબડતી અટકાવી બેસી રહ્યો છે એ હું સોગન ખાઈને કહી શકું એમ છું.
જોતજોતામાં તો પારકા મૃત્યુને પોતાનું અનુભવવા એકીઅવાજે ના પાડતા બધા દર્દીઓ નં. ૩ની ગબડીને અટકી ગયેલી પેલી મોસંબી પરના કુદરતી રંગ જેવા મૂંગા મૂંગા મશીનગનની ગાડી જેવા અવાજવાળો ઑક્સિજનનો ઢસડાતો બાટલો જોઈ રહ્યા. નં. ૩નો ત્રીજો પડોશી બિચારો સહૃદયી છે. એણે સૌને આઘા ખસેડવા વિનંતી કરી. પોતાના ખાટલા આગળ કોટ થઈ ઊભેલા રોગીઓ બધા જ કંઈ સમજુ નથી હોતા. મોંએ રૂમાલ કોઈ કોઈએ નથી બાંધ્યો, એ ઓછું ફોડ પાડીને આવે કસમયે કહેવાય છે. તમે ભાઈઓ કોરે ખસો, મારી આગળ આમ ઊભા ન રહેતા. નં. ૩ મારો જીગરી હતો. એણે ‘શેતલને કાંઠે’ની વાર્તા પહેલ પરથમ મને સંભળાવેલી. બધા આજીજી કરીને થાકી ગયા ત્યારે મેં નં. ૩ને કહેલું પેલો છેલ્લો દુહો થઈ જાય ગઢવી. એ એક મહોબતનો સવાલ હતો, એનું છેલ્લું દુઃખ મારાથી જોવાતું નથી પણ તમે મારી આગળ કોટ થઈને ખબરદાર ઊભા છો તો.
આ બધી ખબર મને પડી જાય છે. કેમ કે હું મોસંબી જેવો ડચૂરો છું, કે સાલી મને કંઈ ખબર નથી... કે ડ્યૂટી રૂમને બાંકડે જ હજી બેઠો છું, કે અણસમજુ બોતડની જેમ આ બધી ધમાલનો પહેલેથી જ સાક્ષી છું! બે ઘડી માની લો કે હું જ નં. ૩ છું અને મને જ લોહી નીકળતું હતું. નં. ૩ થવાની પણ લિજ્જત છે. કોઈની ચીજવસ્તુ પર દાવો તો નહીં કરવો, કે બધા જ સંબંધો તડોતડ તોડીને લાંબો થઈને પડ્યો હોઉં એવું, આ બધાને મારો જીવ કેટલો મૂલ્યવાન લાગતો હશે કે એ બચાવવા પડાપડી, ભાગાભાગી, એક રાજ્ય પ્રાપ્ત કરવાની પણ આટલી ધમાલ નહીં થતી હોય. બધા મને જોતા હતા એ ઓછું ગૌરવ નથી! એક હું જ કોઈની પરવા નહોતો કરતો. મને મોસંબી તો સાલી સાંભરી જ નહીં. છેક બપોરે દાઢી કરાવી ત્યાં લગી એ સાલી ભુલાઈ ગયેલી. બીજું તો કંઈ નહીં પણ છેલવારકો એનો કુદરતી રંગ તો જોઈ લેત. બધા જ અવતારોમાં થોડી મોસંબી મળવાની છે આપણા રામને? અને ધાર કે મળી તો નં. ૩ને જે મળી હતી તે જ એ હશે એ મારો ભૂતભાઈ જાણે છે? નં. ૩ જેવો શુકનિયાળ આંકડો પણ જનમોજનમ મળતો નથી. આ તો સંજોગની વાત કહેવાય. પણ લોહી પડતું એ જ કદાચ મોસંબીના રંગવાળું હોય તો? બધા જ જોતા હતા, અમથા કંઈ ના ભેગા થાય? અદ્ભુત કહેવાય આ મોસંબીના રંગનું. આવડી મોટી દુનિયા ઈશ્વરે ઘડી. મોસંબી જેવા જ આકારની છે આ દુનિયા, પણ એને રંગ ન આપ્યો, રંગો આપ્યા. મોસંબીને જ એવો કુદરતી રંગ એણે આપ્યો. મારે જોવો હતો ને હું જલદી ઊકલી ગયો. નં. ૩નો પડોશી બધાને આઘા ખસેડી ન શક્યો. મને એકદમ ખબર પડી ગઈ કે બધાને થોડું થોડું ગમતું હતું. બધા જ જાણે અટકી પડેલી મોસંબી જોતા હોય એમ કિંચિત્ હર્ષથી આ તાયફો જોતા હતા. નં. ૩નો ચોથો પડોશી ખાટલામાં બેઠો બેઠો પોતાની નાડી તપાસતો હતો. મોસંબીની ડાળીઓ વાયરામાંથી હીંચોળાતી હીંચોળાતી હાથમાં પ્રવેશી ગઈ હોય એમ તે જરી હસ્યો.એને ગામનો રાવણીઓ સાંભર્યો. એને જઈને પોતે પગે પડશે. પોતે મોટા માણસનું અપમાન કરી નાખ્યું એનો જ આ બદલો ભોગવી રહ્યો છે. એમાં મીનમેખ નહીં.
બરાબર એ જ વખતે મારા પોતાના નાકમાંથી ગાડાનું પૈડું ધરી ભાંગીને નીસરી પડયું. માતાજીના સોગંદ પરણેતર પાસે પણ ખાધા નથી, પણ ખાઈને કહું છું એ વખતે નર્સ પણ પાસે હતી. ભીંત પર ફોટો ચોડવા ખીલી ઠોકતી હોય એમ એણે જમણા કે ડાબા હાથમાં સોય ઘોંચી. નં. ૩નો ત્રીજો પડોશી આંખ મીંચી જાય ઘડી વાર એટલે હું સમજી ગયો કે આ ઇંજેક્શન છે. બહાદુરશાહ ઝફરની સામે રત્નજડિત થાળ રજૂ કર્યો હતો. બ્રિટિશ સલ્તનતની ભેટરૂપે શાહજાદાઓનાં મસ્તક એમાં હતાં. એટલી ભયંકર હાલત મારી નથી એટલો સંતોષ હતો. મોત એક બાદશાહને આવ્યું એના કરતાં આ સારું છે. મારે કોઈ સલ્તનત રાંડનારી નથી એ ઓછું સુખ ન કહેવાય. બરાબર એ જ વખતે કાનનાં બે ફૂલ મને યાદ આવી ગયાં ને એક ઝાટકે મારો જીવ મોસંબીઓની જેમ ગબડતો અટકી ગયો. ઝફરના શાહજાદાઓથી પણ મૂલ્યવાન કર્ણફૂલ છે મારા કાને, આવડી મોટી દુનિયામાં એ જ મારી મૂડી છે. મોસંબી જેવી મોસંબી ગબડી ગઈ. પણ કાનનાં ફૂલ ન ગબડ્યાં, એનું શું થશે? મેં નર્સનું મોં જોયું, એ ડૉક્ટર સામે જોતી હતી. આ ડૉક્ટર સામે જોવાનો વખત છે હરામજાદી! આ બધું નં. ૩૭ નજીકથી જોતો હતો. એને અચાનક ભાન થયું કે પોતાને નાકે રૂમાલ જ નથી. અને સાસરીની ચીજને મોંએ લગાડતો હોય એટલી ત્વરાથી એણે રૂમાલ બાંધી દીધો. એને અપ્રકટ સગવડ મળી એનો આનંદ થયો.
બસ? આ મહોબ્બત નં. ૩૭? નં. ૩૭ બહેરો બની ગયો એ મને આંચકો આપનારી વાત થઈ. હું ન મરત પણ રૂમાલ બાંધીને એણે આ બધું કર્યું. મારે કોને કહેવું? બરાબર એ જ વખતે નં. ૩૭ની પીઠ પર હળવો પ્રહાર થયો. નં. ૩૭ બુદ્ધુ ન સમજ્યો પણ પ્રહારથી ખસેડનાર નં. ૩નો ખાટલા પડોશી નં. ૨ હતો. વાત મરનાર જ જાણી શકે, બીજા નહીં. નં. ૩૭ મારા પાંજરાને અડીને ઊભો હતો, અને એ પાંજરામાં મેં ઉર્ફે નં. ત્રણે આજે દાઢી કરાવ્યા પછી સાડાત્રણ રૂપિયા અને ૨૫ ન. પૈ. કાચના વાટકામાં ખુલ્લમખુલ્લા મૂક્યા હતા. એ નં. ૨ને ખબર હતી. ગૂંચવાડો ન થાય એટલે મારા ઉર્ફે નામનો ખુલાસો કરી લઈએ. નં. ૩ અને હું એક જ છીએ એમ તમારે માની લેવું જોઈએ કારણ તમને એટલું પણ દેખાતું નથી કે હું નં. ૩ છું.
મારા નાકમાંથી આટલું બધું લોહી નીકળે ને નર્સ જેવી સ્ત્રી પાસે હોય એ વિશે વધારે ન કહીએ તો ન ચાલે? નહીં તો ભીંત પર ફોટો ચોડીને ગૃહિણીની જેમ એ સ્ત્રી ટગરટગર તાકે શા માટે? મારે જોકે વધારે જીવવાનું હતું નહીં. તોય મારી એટલી પણ ઇચ્છા નહીં હોય કે ચારપાંચ જણ ટોળે વળીને મારા જીવતા શબને પકડીને રાડો નાખે? ભલા માણસ, કોઈ પણ મરનારને તમે પૂછી જોજો કે રડવાની કિંમત એને મન સલ્તનતના હીરામોતી જેટલી, અરે સલ્તનત જેટલી જ હોય છે. દરેક માણસે મરનાર સામે અને પાછળ રડવું જોઈએ. મારું આટલું તો સૌએ માનવું જ પડશે. તમે એટલું જ વિચારોને કે શાંતિમાં મરતી વખતે મારા પર કેટલું કેટલું વીત્યું હશે. મને ખાટલા નીચે ગબડેલી મોસંબીથી માંડીને સેનેટોરિયમમાં દાખલ થયો ત્યારે કારકુને પાંચ રૂપિયા મંદિરની પાળે મૂકવા માગેલા ત્યાં લગીનું યાદ આવી ગયેલું. બે ઘડી ખોટેખોટું જીવ મનાવવા કહી દઈએ કે મરતી વખતે મને આ વાતની જરી સરખી, ચૂંક હલે એટલીય, ગંધ નથી. મારા નાકમાં ત્રાહિત પદાર્થ ખૂંપાયો ત્યારે મારી આદત મુજબ મેં મૂંગી છીંક ખાઈ લીધી હતી. એ મેં જોકે સાંભળી નહોતી પણ ચોમેર ઊભેલા બધા એક એક ફૂટ પાછા ખસી ગયા હતા. નર્સને મોંએ-નાકે રૂમાલ નહોતો છતાં ચાલીસ હજાર રૂમાલની થોકડી એના નાક પર મૂકાઈ ગઈ છે એવું એનું મોં મેં ‘કામ પતી ગયાં' પછી જોયું હતું. મારાથી જોકે પ્રાર્થના કરવી અશક્ય હતી પણ તે વખતે પ્રાર્થના તો કરી જ હતી. હે પ્રભુ! નર્સના નાકનું રક્ષણ કરજે!... પેલો ૩૦ નંબર પોતાની જાતને તંદુરસ્ત થયેલો માનીને કેટલું રખડતો હતો! એ શોય જાદુ થયો કે ચાદર ઓઢીને શાંતિથી ફેફસાંને આરામ આપે છે. અને ચાદર પર બેઠેલા પ્રકાશના અજવાળે પોતાના રાતા હાથ જોઈને અંબાજીની બીજી બાધા રાખે છે. બાધા રાખતી વખતે એનાથી થોડુંક આનંદાઈ જવાય છે પણ એનો એને અફસોસ નથી કેમ કે ચાદર ઢાંકેલી છે ને નં. ૩નો બીજો પડોશી ઢાંકેલી ચાદર જોઈને સાચો ખિન્ન થયો. અત્યારે તે બીજી વખત ખિન્ન થયેલો જણાય છે પણ પહેલાં કરતાં આ વખતે એના મોં પર સાચી ખિન્નતા ચોંટી છે. એની પાસેનો નં. ૬ ગઈ મિનિટ લગી બીડી પીવાની ઇચ્છા રાખતો હતો. એ એણે ત્યજી દીધી પણ નં. ૩નું નકામું પડેલું થર્મોમીટર એ ત્યજવા તૈયાર ન હતો. હજી તો એ થર્મોમીટર નં. ૩ના પાંજરામાં પાતળી પૂંઠાની ડબ્બીમાં લીલા દોરે બાંધેલું પડ્યું છે પણ એની જેમ રેલવે વૉર્ડનો જીવણ મૂળજી જેને હજી સાત જ દિવસ થયા તે પણ થર્મોમીટરનો લીલો દોરો છોડી પીળો દોરો બાંધવાનું વિચારે છે. એની પાસે ડ્યુમૅક્સનું થર્મોમીટર છે. છતાંય લાલચ જોવાની છે આ જીવણ મૂળજીની.
હવે આ બધી જ ખબર મને પડી જાય છે. હું સચરાચર બની ગયો છું એવું મને પ્રતીત થાય છે. હું નં. ૩ના શબ પર સૂઈ જાઉં છું. અને નં. ૩ કહેવો અને મને નં. ૩ કહેવો એ શિવનું નામ લેવા બરાબર છે. મને નં. ૩નું શબ વહાલું લાગ્યું હતું. હું એને સ્વજનની જેમ આલિંગું છું પણ એ હાલતો નથી. અને હસવાની વાત તો એ થઈ કે હું આલિંગું છું પણ અડી શકતો નથી. મારે મારું લીલો દોરો બાંધેલું થર્મોમીટર કાઢીને છેલ્લીવારકું જોઈ લેવું છે. એની તો મા મૂઈ પણ મારી થેલીમાં હનુમાન ચાલીસાની ચોપડી છે. એ ચોપડીમાં વનલીલાનો ફોટો છે એ જોવો છે. બે ઘડી રોજ મધરાતે કાઢીને જોતો હતો એમ. હું મારા જમણા પડોશીને વારી શકતો નથી. એ લુચ્ચો મારી મોસંબી લઈને નળે ધોવા ગયો તોય એને અટકાવી શકતો નથી કે એને એક અડબોથ મારીને સમજાવી શકતો નથી કે ઉલ્લુ મોસંબી તો તારા બાપાની છે! ઊલટાનું હસવું આવે છે આવા વિચારોથી, એમ કે પહેલાં આવડીઅમથી મોસંબી સારુ હું કોઈને ન કહેવાનું કહેતો હતો. એટલે કે મરી ગયા પહેલાં હું આઘાતકારી જીવ હતો. મર્યા પછી જરીક ફેર પડશે એવું મને લાગતું હતું. પણ હવે એ બધું સમજાતું નથી.
નં. ૩૭ ખૂબ બી ગયો છે. એણે મારી જ વાતો સૌને કરી. બે બાટલી લોહી જેના પેટમાંથી નીકળી પડ્યું એનો જીવ કેવો કષ્ટાતો હશે! કપાળ, એ તો મજા જેવું થયું. દુઃખ કેવું ગાંડા એમાં? એના કરતાં તો ખાટલા નીચેથી મોસંબી લેવા વાંકા વળવામાં વધારે દુઃખ પડે. એના કરતાં તો ચાદર ઓઢીને સ્વસ્થ હાથનો રંગ જોવાનું વધારે કષ્ટ અનુભવવું પડે છે. એના કરતાં ગાંડા, થર્મોમીટરનો લીલો દોરો છોડીને પીળો દોરો બાંધતાં વધારે સહન કરવું પડે છે. પણ એ મૂર્ખા ન સમજી શક્યો, કે મારી વાત જ ન પામી શક્યો. મરવાનું તો ગમે એવું સુખ છે. અને નં. ૩૭ની વધારે પડતી વાતો સાંભળીને નં. ૩૬નો નવોસવો ચહેરો વધારે પીળો પડી ગયો. જેને ક્ષય થાય એને અવશ્ય લોહી પડવાનું જ. એવું જ એને તો થઈ ગયું ને બરાબર એ જ વખતે નં. ૩નો બાપ, એની પત્ની, એના બે ભાઈઓ અને કાકો આટલાં માણસો આવી પહોંચ્યાં. લો ત્યારે ખબર જ ન્હોતી આવું થિયાની? આજે બપોરે - હમણાં અડધી કલાક પહેલાં જ ભૂંડું થઈ ગયું. એમને તો એમ કે તાર મળી ગયો હશે ને રોકકળ ચાલતી હશે ને આ તો અહીં જ રોકકળ શરૂ થઈ ગઈ. હશે, ઈશ્વરને ગમ્યું તે ખરું. રડ્યે શું વળવાનું છે! નં. ૩ પોતે જ કેવો સૂતો છે! એના આત્માને શાંતિ મળે એવી શાંતિ રાખો. વૉર્ડમાં શાંતિ રાખવી જોઈએ, વાર્તા સમજવા માટે અત્યાર લગી હું જ નં. ૩ બની ગયેલો પણ રાભા જેવી વનલીલા અને બાવળના રંગ જેવો નં. ૩નો - મારો બાપ જોઈને મારા તો હાંજા જ ગગડી ગયા. મરેલાનાં સગાં આવડાં મોટાં રાક્ષસો જેવડાં ?
(‘વૃત્તિ અને વાર્તા’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
