ek dhari be baju - Short Stories | RekhtaGujarati

એક ધરી બે બાજુ

ek dhari be baju

યૉસેફ મેકવાન યૉસેફ મેકવાન
એક ધરી બે બાજુ
યૉસેફ મેકવાન

પવને જોરથી આકાશને પછાડ્યું હોય એવા ભયંકર અવાજ સાથે વરસાદ તૂટી પડ્યો. સરલાની આંખો ખૂલી ગઈ. ઓરડો જાણે હવામાં અધ્ધર લટકતો હોય એવો એને ભાસ થયો, બારીના ફડફડજ થતા પડદામાંથી જાણે તેને કોઈ બોલાવતું હોય એમ લાગ્યું. તે ઊભી થઈ, બારી પાસે ઘડીક ઊભી રહી. દૂર... દૂર રસ્તાની બત્તીઓ વચ્ચે લહેરાતા જતાં વરસાદનાં વૃક્ષો વીંધી, એનીયે પછીતના દૂર પલળતા અંધકારમાં તેની આંખો ક્યાંક ખૂંપી ગઈ! તેને લાગ્યું કે કોઈ વિચિત્ર જગ્યાએ તે એકલવાયી અથડાઈ રહી છે. સાથે પોતાની છાયા પણ નથી. અનાયાસ તે બારી પાસેથી ઓરડામાં ફરી, ટેબલ પર પડેલો સમય તો એની એકધારી ગતિએ ક્યાંક ચાલ્યો જતો હતો તેની નજરે નોંધ્યું-હજી તો ચાર થયા છે. નયન તો ભરઊંઘમાં હતો. એકદમ તેને કંઈ થઈ આવ્યું. તેના અસ્તિત્વના ગુંબજમાં પડેલો પડઘો... મારો નયન કાલે રાતની ટ્રેઇનમાં બેંગ્લોર જવા નીકળશે.... પછી પોતે અજાણ્યા સ્થળે.... અજાણ્યા નગરમાં એકલી અટૂલી....

ક્યાંક કોઈ કૂતરું રહ્યું સરલાએ જોયું તો દૂર એક વૃક્ષની નીચેથી રડતુ રડતું તે રસ્તા પરની બત્તી નીચે આવી ઊભું. વરસાદ.... અંધકાર વચ્ચે તેનું રુદન જાણે કે દબાઈ ગયું! સરલાને એક ઝાટકો વાગ્યો. ડૉક્ટરોની કૉન્ફરન્સમાં નયન જશે... પછી? પોતે દસ દિવસ સુધી આમ-તેને ગઈકાલની સાંજ સ્પર્શી ગઈ. હૉસ્પિટલેથી નયન ઘરે આવ્યો ત્યારે ક્યાંક ખોવાયેલો લાગતો હતો. મેં તેની ટાઈ છોડી પણ કોણ જાણે કેમ તેણે રોજની જેમ પોતાના બે હાથ મારે બન્ને ગાલે મૂકી ઉષ્મા બતાવી. મેં પાણીનો પ્યાલો આપ્યો તો બે ઘૂંટ ભરી મૂકી દીધો. મને પૂછવાનું મન થઈ આવ્યું. પણ હું મૂંગી રહી. કેમ, એણે મને કહેવું જોઈએ ને? હું શા માટે પૂછું?

કંઈક મનોમંથન અનુભવતો હોય એવો ભાવ એની આંખમાં હતો. કબાટ પાસે રાખેલા સહાધ્યાયીઓના ગ્રુપ ફોટામાં તે પોતાના વિગતને શોધી રહ્યો હતો. બેચારવાર એમાં દૃષ્ટિપાત તેણે કરેલો. સરલાની ઉદાસ આંખોમાં એક જબ્બર ઘુમરી દેખાઈ. અચાનક બોલ્યો હતો. ‘સર, કેટલા લાંબા ગાળા પછી આમાંના મારા મિત્રો મને બેંગ્લોરમાં મળશે!' સાંભળી હું માત્ર હસી હતી.

બહાર વીજળીનો કડાકો થયો. સરલાએ બારી બહાર જોયું તો તોફાન વધતું હતું. નયન કાલે અત્યારે સમયે ક્યાં હશે? અને હું? સરલાએ ઝટપટ બારી બંધ કરી દીધી. ઘસઘસાટ ઊંઘતા નયનને પલકવાર નીરખી રહી. એને થયું વળગી પડું નયનને? વેદનાના ઓથારને ઠાલવી દઉં એની ઉપર? પણ એમ કરી શકી નહિ. ચૂપકીથી પથારીમાં પડી, અને બારીના કાચ પરથી સરકતાં આછાં આછાં જલબિંદુને જોઈ રહી, એકબીજામાં ભળી જતાં ને સરી પડતાં...

સવારે ઊઠી જોયું -- આકાશ કૈંક ચોખ્ખું હતું, છતાં વાદળના ઢગલાં તો ચોમેર હતા જ. તેનું મન કડડડભૂસ ભાંગી પડ્યું. એમાં કશુંક સળવળતું હતું. એને ક્યાંક છુપાવું હતું. ઘડીભર વળી સરલાને થયું -- મને શું પાગલપણું વળગ્યું છે?' એકલતાની લાગણીના વમળ તેના અસ્તિત્વને અડીઅડી હલબલાવી મૂકતાં હતાં. સવારનો નાસ્તો તૈયાર કરતાં તો તેને કંટાળાની કાંટાળી વાડમાં પોતાના હાથ ભરાઈ પડ્યા હોય એવું થઈ આવ્યું! તેને લાગ્યું કે પોતે હમણાં રડી પડશે.

ડોરબેલ વાગ્યો. એણે આવી બારણું ઉઘાડ્યું અને વાસ્યું.

નોકર આવ્યો હતો સરલા એક પણ અક્ષર બોલ્યા વિના વરંડામાં પડેલા સોફા ઉપર પેપર લઈ બેઠી. પાનાં આમતેમ ઉથલાવી રહી. નયન કદાચ ડોરબેલના અવાજે ઊઠી ગયો હતો- ‘ગુડ મોર્નિંગ' સરલાએ કંઈક ઢીલા અવાજે પ્રત્યુત્તર વાળ્યો. નયન પૂતળાની માફક ઘડીભર બેસી રહ્યો. પછી બોલ્યો : ‘તને શું થયું છે, સરુ!'

સરલાએ છાપામાં આંખો બિછાવી રાખી.

નયને વળી પાછું કહ્યું : ‘શી વાત છે? જરા બોલ તો ખરી? આમ ઉદાસીનું કંઈ

કારણ... ?'

સરલાએ મૌન પાળ્યું. એક પળ તો થયું, લાવ બધું કહી દઉં... પણ રહી ગઈ... મનમાં એક ભારે ઘૂઘવાટો સંભળાયો. અંગેઅંગમાં કશુંક સળવળી ગયું. મોકળે મને રડવાની તીવ્ર ઇચ્છા થઈ આવી પણ તે કશું કરી શકી નહિ. નયન બ્રશ કરવા જતાં જતાં બોલ્યો ‘ઓહ ગોડ! વિચિત્ર. વેરી સ્ટ્રેઇન્જ!'

સરલાની આંખો છાપામાં મંડાયેલી હતી. તેને લાગ્યું કે, છાપાના કાળા નાનામોટા અક્ષરો કીડીમકોડાની જેમ નજરો વાટે થઈ દેહમાં ઊતરી સારાયે અંગેઅંગમાં ચટક ચટક ચટકા ભરી રહ્યાં છે. છાપામાં તો બધા ગઈકાલના સમાચારો હોય ને! ગઈકાલ તેમાં ઉપસી આવી. તેની દૃષ્ટિ સમક્ષ નયનના સાથીઓનો પેલો ગ્રુપ ફોટો ઊપસી આવ્યો અને આખાયે છાપામાં વિસ્તરી રહ્યો! એમાંય ડૉ. મીસ મેરીનો મલકાતો ચહેરો હાલતો દેખાયો. બેંગ્લોરની મેડિકલ કૉલેજ... તેનું ગ્રાઉન્ડ... વૃક્ષ ઘટા... અને...

ડૉ. મીસ મેરીનો ઉલ્લેખ પોતાની વાતોમાં નયન ઉત્સાહભેર કરતો. એની બોલવાની છટા અને એનો વાતોડિયો સ્વભાવ નયન માટે આકર્ષણ બન્યાં હતાં. બધી વાતો અત્યારે અમળાઈ અમળાઈને તેને ભીંસતી હતી. સરલાએ ઝટપટ છાપુ વાળી મૂકી દીધું. નયન આવ્યો હતો. નોકર ટેબલ પર નાસ્તો મૂકી ગયો. સરલા ચા કાઢતી હતી. નયને છાપાનાં પાનાં પર નજર ફેરવતો હતો. સરલાએ નયનને કપ ધર્યો. એક કપ પોતે પણ લીધો. ચમચીથી ખાંડને ઓગાળતા રહ્યાં ને બન્ને વચ્ચે મૌનની પળો વણાતી રહી સરલા વિચારી રહી... નયન હમણાં મારી ઉદાસી વિશે કંઈક કહેશે... અરે, કંઈ કહે પહેલાં લાવને હું કહી દઉં... ‘નયન મને એકલાંને...' ત્યાંતો નયન હળવેથી બોલ્યો : 'સરુ, વખતનું વીજળીનું બીલ બે માસનું ભેગું છે. કમ્પાઉન્ડર આવે એટલે ભરાવી દેજે.' પછી ચાનો ઘૂંટ ભરી ઊમેર્યું, '... અને હાં, વિમાનું પ્રિમિયમ પણ ડ્યુ થઈ ગયું છે તો એનો પણ ચેક આપી દેજે.'

સરલા તો હવે પોતાનામાં ફસડાઈ પડી પોતે પણ તેની સાથે બેંગ્લોર આવવા ઇચ્છે છે, જણાવી શકી નહિ, એટલે વેદનાના ભાર નીચે ફિક્કું હસી, બોલી : ‘ઓ. કે. થઈ જશે.’

ચાના કપમાં નયનનો તરડાઈ જતો ચહેરો તે જોઈ રહી કદાચ, પોતાને પણ નયન સાથે લઈ જશે અને આવો વિયોગ સહેવો નહિ પડે એવું સરલાને લાગ્યું હતું. પણ તો ઊલટું!

પછી તો એક નિસ્તબ્ધ વાતાવરણમાં બંને પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયાં. બપોરે નયને કહ્યું : ‘હું દવાખાને એક ચક્કર મારી આવું છું. મારો સામાન ગોઠવી રાખજે.'

નયન ગયો. ઓરડાના એકાંતમાં સરલા ભીંસાવા લાગી સૌ પ્રથમ તો તેણે નયનની બેગ તૈયા૨ કરી. તેના દરેક કપડા પર હાથ પસવારી પસવારી વ્યવસ્થિત ગોઠવ્યાં. પછી બેડિંગ તૈયાર કર્યું. તેને કઈ કઈ ચીજની જરૂર પડે બધું બરાબર યાદ કરી કરી મૂક્યું. લાગ્યું કે બધું ગોઠવાઈ ગયું એટલે જરા આડે પડખે થઈ... ચેન પડ્યું... પાછી ટેબલ પાસેની ખુરશી પર આવી બેઠી. વિચાર્યું... હું કહી દઉં નયનને કે હું પણ તારી સાથે આવું છું, મને... મને અહીં એકલું એકલું નહીં ગમે. પણ ના પાડી દે તો? તો પોતે રોઈ પડે... અને પછી નયનનું મન પણ....

બારીના ફરફડતા પડદાને શૂન્યમનસ્ક નેત્રે તાકી રહી. એવો ફફડાટ તેની ભીતરમાં પણ ચાલતો હતો. નગરમાં રહેવા આવ્યે હજી બે માસ થયા હતા. નયન જાણે છે કે હું કોઈની સાથે કદી ભળતી નથી. પાર્ટીઓમાં એણે કેટલીયેવાર અનુભવ્યું છે, સાથે જવાનું કહું તો શું કહેશે? ‘ના’ સહેવાની મારી તો તૈયારી નથી. હિમ્મતના બે ચાર શબ્દો કહે... બધું શક્ય... પણ....

ડોરબેલ વાગ્યો. તેણે બારણું ઉઘાડ્યું ને નયન આવ્યો અંદર. સરલાએ જાણે હસવા ખાતર હસી ટાઈ છોડી. એનું મોં ભારે લાગતું હતું. કંઈ પણ બોલ્યા વિના કપડાં બદલી હાથ મોં ધોવા ગયો. સરલાએ જમવાનું પીરસ્યું. મૂંગે મોંઢે બંને જમવા લાગ્યાં. સરલાને અત્યારે પોતાની ભીતર અમળાતી વાત કરી નાખવાની તીવ્ર ઇચ્છા થઈ. પણ પછી વિચાર્યું-એ પૂછે તો કહી દેવું-પણ પૂછે નંહિ તો મારે શી પડી છે? છોને એકલા જાય. પણ પાછું થયું--ના,ના કહી દેવા દેને, ત્યાં તો નયને કહ્યું, ‘સરુ, પેલો ચેક ભરાવી દેવાનું ભૂલતી નહિ.'

જમ્યા પછી નયન સિગારેટ ચેતાવી આરામ ચેરમાં ગોઠવાયો. સામે સરલા બેઠી. મોનાલીસાના ચહેરા પરના ભાવો જેમ નયન તેના ભાવ પણ પકડી શકતો હતો. થોડીવાર પછી એશટ્રેમાં સિગરેટ બુઝાવતાં નયને કહ્યું, ‘સરુ, જરા આરામ કરી લઉં, ત્રણેક વાગ્યે મને ઊઠાડજે!'

સરલાની નજર બારીમાં જડાઈ. વાદળોની લકીરો બારી સાથે ભળી પેલા ગ્રુપ ફોટો

આકૃતિ સરજતી હતી. બધા આકારો એકબીજાની નિકટ સરતા હતા-ફરતા હતા. એકબીજામાં ભળતા હતા. ક્યાંક વીજળીનો કડકો થયો. સરલાને આંચકો લાગ્યો. તે ત્યાંથી હટી ગઈ. પથારીમાં આડી પડી. નયન ઊંઘતો હતો. પછી કંઈક ખ્યાલ આવતાં ફરી ઊઠી. રસોડામાં ગઈ. પાણી પીધું, વળી પાછી વરંડામાં આવી ઊભી રહી. મનમાં થયું ઊંઘતા નયનને હચમચાવી નાખું ને કહી દઉં મને એકલી મૂકી નથી જવાનું... પણ વળી પાછું! મારે એમ શા માટે કરવું? ખ્યાલે પાછી પડી.

નયન ઊઠ્યો ત્યારે લગભગ ચારેક થયા હતા. સરલા ગૂંગળાતી હતી... નયન ધૂંધવાયો ને સ્વગત બબડયો : ‘શું થયું છે સ્ત્રીને? કંઈ કહેતી હોય તોય... હશે' કહી કૉન્ફરસને લગતાં કેટલાંક પેપર ગોઠવવામાં તે પડ્યો. કંઈક મેડિકલ મેગેઝિનો ઉથલાવ્યાં... કંઈક ટપકાવી લીધું.... કોઈ કટિંગ કાપીને સાચવી ફાઈલમાં મૂક્યું.... સમય ખાસો થયો. નયનને સાંજની ગાડીમાં જવાનો સમય જેમ જેમ પાસે આવતો તેમ તેમ સરલાનો ઉચાટ વધતો. બંને સાથે જમ્યા... નયન સિગરેટના દમ સુધી શાંતિથી બેઠો. પછી તૈયાર થવા લાગ્યો. બધી વસ્તુઓ યાદ કરી જોઈ. કંઈ ભુલાતું નથી ને? નયને તૈયાર કરેલાં પેપર્સ સરલાએ વ્યવસ્થિત કરી ફાઈલમાં મૂક્યાં. ફાઈલ બેગમાં ગોઠવી પછી બોલી : ‘બધું આવી ગયું. કંઈ રહેતું નથી.' આટલું બોલતાં તો તે ભાવાવેશમાં આવી ગઈ. તેનું મન પોકારી ઊઠ્યું, તું પોતે તો બાકી રહી ગઈ છે ને! પણ સરલાએ તરત પોતાની જાતને સંભાળી લીધી.

નયને ઓરડામાં ચક્કર માર્યું. કંઈ રહેતું નથી ને? કબાટ ખોલી ચોપડીઓ પર નજર નાખી કંઈ કામની હોય-તો પાછો પેલા ગ્રુપ ફોટો પાસે આવ્યો. સરલાની નજર ફાઉન્ટન પેન પર પડી- ‘અરે શાહી ભરીને તો મૂકવી રહી ગઈ.' કહી શાહી ભરી પાછી બેગ ખોલી સંભાળપૂર્વક મૂકી, નયન સરલાને ટીકી રહ્યો હતો. તેણે સિગરેટ જલાવી ઘડિયાળમાં જોયું નીકળવાને હજી કલાક બાકી હતો.... તે બહાર વરંડામાં આવ્યો. વાદળોથી ઘેરાયેલા આકાશ તરફ જોયું.... ઓરડામાં પાછો વળ્યો ને સિગારેટનો ઊંડો દમ ખેંચતાં કહ્યું, ‘સરુ, તારા વિના મને ત્યાં આળું લાગશે. મને અંદરથી થઈ આવે છે. કંઈક ખૂટે છે. તું પણ મારી સાથે આવે તો કેમ?'

સરલાના હૃદયમાં ભરતી ચઢીને આંખો છલકાઈ.

ડોરબેલ વાગ્યો. નયને બારણું ખોલ્યું નોકર હતો. નયને કહ્યું, ‘શિવજી ટેક્ષી પકડી

લાવ તો', શિવજી ગયો.

બહાર વાદળો એકાકાર થઈ વરસતાં હતાં. કડાકો થયો ને સરલાએ બારીમાં જોયું-ત્યાં આભ ધરા વચ્ચે કોઈ ભેદરેખા વરતાતી હતી.

(‘કુમાર’ 1981, માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999