ek aangan do ghar - Short Stories | RekhtaGujarati

એક આંગન, દો ઘર

ek aangan do ghar

વર્ષા અડાલજા વર્ષા અડાલજા
એક આંગન, દો ઘર
વર્ષા અડાલજા

હજી થોડા દિવસ પહેલાં તો રશીદા ધૂપમાં વાળ સૂકવતાં પૂછતી હતી, “અરે નિમ્મી! સૂના હૈ પાકિસ્તાન નામકા નયા મૂલક ઢૂંઢ લીયા હૈ, માલૂમ હૈ?”

નવાઈ પામતી નિમ્રીત બોલી,

“સૂના તો હૈ, બાબુજી બોલ રહે થે. મુઝે તો યે સમજમેં નહીં આતા, મુલક તો હોતા હૈ, ઉસે ઢૂંઢતે કૈસે હૈ? ઉસકી જરૂરત ભી ક્યા હૈ?”

આજુબાજુ જોતાં ગભરાઈને અટકી ગઈ. રશીદા પાસે આવી.

“શાયદ હમેં ઉધર હી જાના પડે.”

રશીદાએ રડતી માસૂમાને ધવડાવવા લીધી.

“હાય રબ્બા, કહીં જઈયો મત. હમેં નયે મૂલકસે ક્યા લેનાદેના! હમારે તો એક આંગન દો ઘર. હમ ખુશ હૈ, ક્યૂ?”

નિમ્રીત હસી પડી, તેલનું કચોળું લઈ રશીદાના વાળમાં તેલ ઘસવા લાગી. ઘડીભરમાં હાસ્ય વિલાઈ ગયું. રશીદાને ખાનગી વાત તો કહી નહીં! ધીમેથી બોલી,

“હાં ખુશ તો હૈ, ફીર ભી બાબુજીને પીછે દિવાર તોડકે છોટી જગહ બનાઈ હૈ ભાગનેકે લીયે. ચુપ્પી રખનેકો બોલા હૈ,”

માસૂમાને ખભે લઈ થાબડતા રશીદા ચમકી ગઈ,

“પર મુઝે યે સમજ નહીં આતા કી મુઝે હમીદકો છોડકે આપ ભાગે હી ક્યું? યા અલ્લાહ! જસપ્રીતને કોઈ ગલત કામ કીયા?”

“મૈંને હી યહી પૂછા તો બોલે ઝીન્ના હમે નિકાલેગા, જાઓ દૂસરે મુલકમેં. વો તો છન્નુમિયાંસે મેરા ઝવેરાત લેનેકો ભી ગયે થે, બલોચ સિપાઈને અંદર હી નહીં આને દીયા. હમીદભૈયાને તુમેં કુછ બતાયા?”

“પતા નહીં વો રાતભર કહાં ગાયબ રહતે હૈં આજકલ! મૈંને પૂછા થા, યે ઝીન્ના હૈ કૌન? ગાંવ તો હમારા હૈ, ઉસે ક્યા લેનાદેના?”

હમીદ ધસમસતો આંગણામાં આવતાં બન્ને ચૂપ થઈ ગઈ. સામે પણ જોયા વિના સીધો ઘરમાં ચાલી ગયો. રશીદાનો ચહેરો ઝંખવાઈ ગયો. નિમ્રીતે માસૂમાને તેડી લીધી અને પતિની પાછળ જવાનો ઇશારો કર્યો. માસૂમાને રમાડતી આંગણામાં ઊભી રહી. ઘરમાંથી રશીદાનો અવાજ સાંભળ્યો.

“કુછ તો બતાઓ, યે ઝીન્ના કૌન હૈ?”

તરત રશીદાની એક ચીસ સાંભળી નિમ્રીત હેબતાઈ ગઈ. ભાઈજાને રશીદાને માર્યું? આવું કદી બન્યું હતું. માસુમાને છાતીસરસી ચાંપતા રડી પડી.

પણ ભાગવું તો પડ્યું અચાનક.

એક દિવસ લાલ કેસરી જ્વાળાઓથી ભડભડતી મશાલોની આંચ ગામને આભડી ગઈ. જાણે સૂરજનો ધગધગતો આગનો ગોળો ફૂટ્યો અને હવાને દાઝયાનાં બળબળતાં ફરફોલાં પડ્યાં. બાબુજી બહાર ગયા હતા. નિમ્રીત ચૂલો પેટાવી પરાઠાંનો આંટો ગુંદતી હતી. ત્યાં ફાટી આંખે ચીસો પાડતાં બાબુજી ધસી આવ્યા... પુત્તર... ભા...ગો...

પાછળ રશીદા શ્વાસભેર આવી ઢળી પડતાં બાબુજીને બાથ ભરી પકડવા જતાં બન્ને લથડીને પડ્યાં. ધખધખ વહેતા લોહીમાં રશીદાનું કુર્તુ લથબથ થઈ ગયું. નિમ્રીત-જસપ્રીત દોડી આવ્યાં, દૃશ્ય જોતાં નિમ્રિત બાબુજી પાસે બેસી પડી, રુદનના આવેગથી એની છાતી ફાટી પડી. ખંજરની તીખી ધાર જસપ્રીતની આંખમાં ચમકી ઊઠી. લાલઘૂમ ચહેરે બહારની તરફ દોડવા ગયો, રશીદાએ ઝપટ મારી પાછળથી બાથ ભરી પૂરી તાકાતથી અંદર ખેંચ્યો... પાગલ મત બનો....ભાગો.... અપને મુલકમેં.. મૈં બાબુજીકો દેખેંગી... જસપ્રીતે ડણક જેવી ત્રાડ પાડી... તરફડિયાં મારતા પિતાનો સ્વર ભાંગતો હતો... મેનુ છડ દો... મે...રી કસમ...

એમની ખુલ્લી રહી ગયેલી આંખોમાં વિનંતી થીજી ગઈ હતી. ભયંકર હુહુકાર કરતાં અવાજો સમડીની જેમ હવામાં ઘુમરાતા હતા. રશીદાએ નિમ્રીતને ધક્કો માર્યો... જસપ્રીત ભાગ... બન્ને પાછળની બાજુ ભાગ્યા. દીવાલમાંના બાંકોરા પરનું ઘાસ ખેંચી કાઢ્યું, બન્ને બહાર કૂદી પડ્યાં. રશીદા નિમ્રીતની છેલ્લી નજર મળી, રશીદાએ એની ઓઢણીનો છેડો પકડી લીધો, પોટલું ફંગોળ્યું અને ઝટપટ ઘાસ છાઈ દેતાં દુઆ માંગતી રહી... અલ્લાહ રહમ કર...

મહોલ્લાનું પછવાડું, અહીં નાળું હતું. આવનજાવનનો રસ્તો નહોતો. નાની શેરી મુડદાની જેમ નિર્જીવ પડી હતી. જસપ્રીત નિમ્રીતનો હાથ ખેંચતો નાળામાં ઊતર્યો. અહીંથી સ્ટેશનનો રસ્તો ટૂંકો હતો. કદાચ ત્યાં રક્ષણ મળે કે ટ્રેન પણ હોય... ગોઠણપુર ગંદા પાણીમાં ઊતરતા લાશ પર લાશ પાણીમાં તણાતી આવી પગમાં અટવાઈ. ચીસો પાડતી નિમ્રીતને મોંએ સજ્જડ હાથ દાબી જસપ્રીત એને ખેંચતો બહાર આવી ગયો. લપાતા છુપાતા ભાગતા એકવાર તો જંગલી જાનવરો જેવી ચિચિયારી પાડતાં ટોળાની નજરથી માંડ બચ્યા... ખેતરોના મોલમાં ને ઝાડીઝાંખરામાં ઉઝરડાતા સ્ટેશને પહોંચતા મિલિટરી જોઈ. ગાડી ઊભી હતી પણ દેખાતી નહોતી. છત પર, બારી, બારણે માણસો ચોંટી પડ્યા હતા. ગિર્દીની ભયાનક ભીંસ, રૂંવેરૂંવા થથરાવતું આક્રંદ... તારસ્વરે બોલાચાલી... અને માથું ફાટી જાય એવી મોતની દુર્ગંધ... શ્વાસ રૂંધતો ભયનો વજનદાર ઓથાર... વિશાળકાય માનવઅજગર જેવી ગાડી ધીમે ચાલી... જોર જોરથી ઍન્જિન સીટી વગાડતું હતું.

હાંફળીફાંફળી નિમ્રીત ઊઠી પડી.

પરસેવે રેબઝેબ ચોતરફ જોવા લાગી. જસપ્રીતે ગાડીમાં પોટલાની જેમ ફંગોળી હતી, પણ પલંગમાં હતી! શાંત, નીરવ પ્રભાતને રણઝણાવતી ઍલાર્મની ઘંટડી વાગતી હતી. એણે દુપટ્ટાથી પરસેવો લૂછ્યો. શ્વાસ સમથળ થયો. જસપ્રીતે ઍલાર્મ બંધ કર્યું. નિમ્રીત પાસે બેસી પીઠ પર હાથ ફેરવ્યો,

“નિમ્મી! કીં હોયા!”

પાણી લઈ આવ્યો, પત્નીને પાણી પાયું, શાલ વીંટાળી,

“નિમ્મી, ભૂલ જાઓ સબ. યાદ હૈ ડૉક્ટરને ક્યા કહા થા!”

પત્નીને વહાલ કરી ગાલને ચૂમી લીધો. થોડીવારે સ્વેટર પહેરી ઇન્ડિયા ગેટ ચાલવા ગયો. નિમ્રીત ટૂંટિયું વાળી પથારીમાં પડી રહી.

વીસ વર્ષ. હા, પૂરાં વીસ વર્ષ. છતાં ઘણીવાર ભયાનક સ્મૃતિઓ, દૃશ્યો ચૂડેલનાં વળગાડની જેમ એની અંદર પ્રવેશી પડ્યા હતા. ડાકલાં વગાડતાં બહાર કૂદી આવી ધૂણવા લાગતા.

કેટકેટલું પાછળ છૂટી ગયું હતું!

રાચરચીલાથી ભરેલું ઘર... એનો સીવવાનો સંચો કેવો વહાલો હતો. પોતાનાં પરિવારનાં તો ઠીક, હમીદભૈયા અને રશીદાનાંય કપડાં સીવતી. સંચા પર બાબુજીનું પહેરણ....

જાતને હડસેલો મારતી ઊઠી પડી. ઝટ પરવારવા લાગી. ચા, દૂધ, નાસ્તો, ટિફિન બધું બાકી હતું. સવારે મંજુને કૉલેજ અને પતિને ફૅક્ટરીએ જવાની ધમાલ રહેતી. જલદી નહાઈ નિમ્રીત તુલસીના કૂંડામાં પાણી રેડવા બાલ્કનીમાં આવી, સામે નજર ગઈ. સામેની ફૂટપાથ પર બાઈ બેઠેલી આજે પણ. ફૂટપાથ પર હજી લોકો એકમેકની હૂંફમાં સૂતા હતા. દિલ્હીના ઊતરતાં શિયાળાની ધુમ્મસની ચાદર હજી ફેલાયેલી હતી. શહેર આળસ મરડતું હતું ત્યાં ઠંડીથી બચવાને બદલે બાઈ આમ શાલમાં ગોટાઈને કેમ બેઠી હશે!

હશે, એને ક્યાં સમય છે! નીચે જોયું પતિ સ્કૂટર પર આવી ગયો હતો. મંજુ પણ ઊઠી ગઈ હતી. એણે ફટાફટ મૂલીનાં પરોઠાં બનાવ્યાં. નાસ્તો કરી ડબ્બો લઈ જસપ્રીત ગયો. હાશ, હવે શાંતિ. શાલની છેલ્લી લાઇન બાકી હતી, ગૂંથી લઈ સોયા ઉનના દડામાં ભરાવ્યા. શાલ પલંગ પર પાથરીને જોઈ રહી. મમતાથી હાથ ફેરવ્યો. શાલમાં ગૂંથેલા ફૂલથી બુટ્ટાદાર સુંદર લાગતી હતી. કેટલાં વર્ષે ફરી ગૂંથી હતી! ગામમાં શાલ અને સ્વેટરની એની બુનાઈ વખણાતી. ટેન્ટમાં સ્વેટરો ગૂંથી ગૂંથી સાંજે ફૂટપાથ પર વેચવા બેસતી શાલ માટે મંજુએ હઠ કરી હતી, મમ્મા, હું કૉલેજમાં શાલનો વટ કરીશ.

મંજુ તૈયાર થઈ આવી,

“દેખ મમ્મા, મૈં કીસ તરહ લગધીયા? અચ્છી લગતી હૂં? બ્યુટીફૂલ!”

સફેદ કુર્તા પાયજામા પર ત્રિરંગી ઓઢણી લહેરાવતી નૃત્ય કરવા લાગી,

“સારે જહાંસે અચ્છા, હિન્દોસ્તા હમારા... ફીફટીન્થ ઓગસ્ટકા પ્રોગ્રામકા રીહર્સલ હૈ ના! અરે મેરી શાલ!”

“ના જી ના. અભી ફૂમકે લગાને હૈં. કલ લીજીયો.”

હમ બુલબુલે હૈં... ગાતી નાચતી મંજુ હોંશભેર દોડતી દાદર ઊતરી ગઈ. તડકો ચડ્યો હતો. એણે બાલ્કનીનું બારણું ખોલી નાખ્યું. ના, અત્યારે બાઈ ત્યાં નથી. કોણ જાણે મનને સારું લાગ્યું એથી એને નવાઈ લાગી. એને શી લેવાદેવા! તો અવાવરુ ઊંડા કૂવાના તળિયે કુંડળી મારીને બેઠેલા વિષધર જેવો શેનો ભય એને પીડતો હતો!

ઊનના દડામાંથી ફૂમતાં બનાવવાનું શરૂ કરવા જાય ત્યાં ડોરબેલ રણકી ઊઠી. નિમ્રીતે ચમક અનુભવી... ઊભી થવા જતાં ઊનનો દડો છેક બારણા સુધી દડી પડ્યો. દડો લઈ એણે બારણું ખોલ્યું, બારણામાં એક સ્ત્રી ઊભી હતી. દીનતાથી, સંકોચાઈને. જાણે પોતાના હોવા વિષે ક્ષમા માગતી. સાધારણ સાડી પર જૂની શાલ વીંટાળતી. નિમ્રીત મોટેથી બોલી પડી... અરે... અરે ઘરમેં કહાં ઘૂસતી હૈ... ચલો નિકલો....

શાંતિથી ઊભી રહી, નિમ્રીતને તાકતી. ફૂટપાથવાળી બાઈ તો નહીં! કદ... કાઠી... આંખો... શાલ...!

નિમ્રીત વિસ્ફારિત આંખે તાકતી પાછળ હટી ગઈ. સ્ત્રી અંદર આવી, ધીમું હસીને બોલી,

“હાં, ખૂબ પહચાના.”

એકદમ એને બાથમાં લેતાં નિમ્રિત ચીસ પાડી ઊઠી... રશીદા! બન્નેની આંખમાંથી વરસતાં અનરાધાર આંસુનાં પૂરમાં વીસ વર્ષો તણાઈ ગયાં. પોતાના પાલવથી બન્નેની આંખો લૂછતી હસતી રડતી એને અંદર લાવી, સોફામાં બેસાડી પાણી લઈ આવી. રશીદા ભરાયેલા કંઠે બોલી,

“કૈસી હો નિમ્મી?”

“ઔર તું?”

જીવનના તાણાવાણા એવા વેરવિખેર હતા કે ક્યાંથી તાર શોધવો ને કેમ ગૂંચ ઉકેલવી! રશીદાને કેટલા ઉમળકાથી સતત યાદ કરી હતી! ક્યારે પણ મળાશે છેક અસંભવ હતું, તો અત્યારે સામે હતી ત્યારે પેલો ભય એનામાં ગર્ભની જેમ થરકતો હતો.

“રશીદા ભી સપનેમેં ભી સોચા થા કી હમ મિલેંગે.”

“હાં, સચ હૈ. આપકો ભાગનેમેં જરા સી દેર હોતી તો બડા અનર્થ હોતા. તુમ્હારે પીછે હી હત્યારે ખંજર તલવાર લે કે શિકારી કુત્તેકી તરહ ધમકે. બાબુજીકી હત્યા કિસને કી થી જાનોગે તો હૈરાન રહ જાઓગી. હમીદ. તેરા ભાઈજાન તુમ્હેં બીબી બનાના થા...”

રશીદા રડી પડી. નિમ્રીત હબકી ગઈ. હમીદભૈયા એવું કરે! હા, એવું કરે. હેવાનિયતના કેવા પ્રસંગોની સાક્ષી બની હતી! સાંભળ્યા હતા, વાંચ્યા હતા! કાળની એક પ્રબળ વેગભરી આંધીમાં બન્ને સહેલીઓ ભૂતકાળમાં જોરથી ફંગોળાઈ ગઈ, બે ઘર એક આંગણામાં. જ્યાં જિંદગી નાનકડા ઝરણાની કલબલ વહેતી હતી. કોને ત્યાં ઈદ અને કોને ત્યાં તીજડીનો તહેવાર એની ખબર પડતી.

પણ દિવસે પલકમાત્રમાં જાતિનાં, ધર્મનાં વાઘા કોઈએ પહેરાવી દીધા.

એક બની ગઈ હિન્દુ, બીજી મુસલમાન.

“વો દિન તુમ દોનોં હાથ નહીં લગે તો હમીદ સમજા, મૈંને તુમકો ભગાયા થા, તો મુઝે બૂરી તરહસે પીટા ગયા.”

નિમ્મી ફાટી આંખે સાંભળતી રહી,

“ઔર ફીર એક ઔર હત્યારેકી ટોલી નંગી તલવારે લે કે આયી. દેખા તો બાબુજીકી લાશ ઔર હમીદકા પતા થા. મૈં તો થી, બીવી! મેરી પર તૂટ પડે, રોંદ દીયા મેરે શરીરકો...’

રશીદાની બળબળતી આંખમાં આંસુ શોષાઈ ગયા. સુક્કા બરડ અવાજે બોલી,

“નિમ્મી! કપડેમેં સબ મર્દ નંગે, ઉસકી કોઈ જાતિ, ધરમ.'

નિમ્રીતની આંખો ફરી વહેવા લાગી,

“રશીદા યે કહાંકા ન્યાય કી કરે કોઈ ભરે કોઈ! મૈં આજ ભી હૈરાન હૂં. દવાઈયાં ખાઈ ફીર ભી સમજમેં આયા.”

“અબ ભી તું ભોલી હૈ નિમ્મી. સમજદારીકી કોઈ ટીકીયા થોડી મિલતી હૈ બાજારમેં! મૈં મર હી જાતી પર એક આશ દીયા બનકે મનમેં જલતી રહી.”

રશીદાએ ધીમે ધીમે ઘરમાં નજર ફેરવી. નિમ્રીત અપરાધભાવથી નીચું જોઈ ગઈ. પીડા તો એણે ઘણી વેઠી હતી પણ તો માતારાનીની કૃપા રહી હતી. બાબુજીની ક્રૂર હત્યા થઈ હતી પણ સાવ નિરાધાર હતી. અમાનુષી બળાત્કારથી પણ બચી હતી. દિવસે જસપ્રીતે ભયંકર ભીડમાં એને પોટલાની જેમ ફંગોળી હતી, એણે બે હાથ છાતીએ મરણગાંઠની જેમ ભીડ્યા હતા. જસપ્રીતને લોકોએ બારી પર ખેંચી લીધો હતો. છાતીફાટ આક્રંદ... ધક્કામુક્કી... સ્ટેશન પર રહી ગયેલાઓનો છેલ્લો મરણિયો પ્રયાસ... ભયથી ઠિંગરાયેલા ચહેરા... ગાડીમાં વાત ફેલાઈ ગઈ હતી કે આખેઆખ્ખી ગાડીઓ લોહીથી લથબથ લાશોનાં ઢગલાંથી ભરેલી આવે છે ને જાય છે. ઘણાં તો ભયથી, ભીડથી, ભૂખતરસથી મૃત્યુ પામ્યા હતા પણ દિલ્હી પહોંચ્યા ત્યારે જીવતાં લાશ જેવા હતા. પરંતુ જીવવાની ચાહત અજબ ચીજ છે! મોતને હરાવી દો, તો મુર્દા આપોઆપ બેઠા થઈ જાય છે.

“....હમ ભી જીન્દા થે, પુરાના કિલ્લામેં ટેન્ટ મિલા. દિલ્હીમેં લાખો નિરાશ્રિતો ઉતર આયે થે, જૈસે ખેતપે તીડ ઉતર આતે હૈં... ભૂખે પ્યાસે નંગે... ટેન્ટકી વહ જિંદગી... મૈં બોલતી જાઉં તું સુનતી રહે તો ભી બતા નહીં પાઉંગી વો દિન, વો સાલ... યાદ હૈ રશીદા બાબુજીકે એક બડે ભાઈ થે અમૃતસરમેં! નજદીકકા રિશ્તા તો થા ફિર ભી ભૈયા. ઉસકા બેટા સરબતસિંઘ યહાં દિલ્હીમેં. હમેં કભી પૉસ્ટકાર્ડ લિખતે થે, હમ સાથમેં પઢતે થે!’’

“બિલકુલ યાદ હૈ નિમ્મી.”

“ઉસને હમેં બહોત મદદ કી. સરકારને યે છોટાસા ઘર દિલાયા. જિંદગી બસર હોતી હૈ. કભી કભી બહોત યાદ આતે હૈ વો ઘર, હમારે ખેત, અપને આંગનકી ધૂપ... ફીર બાબુજીકી ચી...”

બસ, હવે કશું નહીં બોલી શકાય. હૈયું ખોલીને પાથરી દીધું હતું, બસ એક ખૂણો બાકી હતો, કદાચ ત્યાં રશીદાની આંખો શારડીની જેમ વીંધતી એની અંદર ઊતરી રહી છે... ફંફોસી રહી છે... હાં, કહેવું તો પડશે જ...

“રશીદા તુમને હમેં ઢૂંઢ કૈસે લીયા? કૈસે? મેં હૈરાન હૂં.”

“મૈં ભી તો હૈરાન હૂં નિમ્મી! બરસોં ગુજર જાતે હૈં, લેકિન કહાની બહોત લંબી હોતી હૈ. કુછ સાલમેં હમ કીતને જનમ જી લેતે હૈં! મૈં રોજ રાતકો મરતી થી ઔર સુબહમેં નયી આશા... નયા દિન...”

હસી. નિમ્રીતની આંખ છલકાઈ ગઈ. રશીદાએ એનો હાથ પકડ્યો, ઉષ્માથી દબાવ્યો.

“અબ ક્યું રોના પગલી! આંસુકા દરિયા પારકર હમ કિનારેપે પહુંચે હૈ વો કમ ભાગ્યકી બાત હૈ!”

“રશીદા... રશીદા... તું ક્યા ક્યા બોલ રહી હૈ!”

“બહુત સયાની હો ગઈ હૂં ના! વક્તસે બડા કોઈ શિક્ષક નહીં હોતા, મુઝે સબકુછ સીખા દીયા. મૈને તુમ્હે કૈસે ઢૂંઢા વહી ના! તો સૂન.”

ચૂપ થઈ ગઈ. કદાચ વીતી ગયેલાં વર્ષોને ફંફોસતી હતી, શોધતી હતી.

“હમીદને મુઝે, ગાંવકો છોડ દીયા, સૂના થા બાજુકે ગાંવમેં કીસીકી બડી કોઠીકા માલિક બન ગયા, કલમા પઢાકે કીસી સ્ત્રીકો બીબી બના લિયા. તેરા ઘર, ખેત પર કીસીને કબ્જા કર લિયા. હમારી ધુલી હુઈ જિન્દગીયા, વો ધૂપભરે આંગન... મૈંને કૈસે વો દિન બિતાયે વો તુ સોચ લે. મૈં ગઈ થી છન્નુમિંયાકે પાસ, ઉસકે આંગનમેં ગાડે હુએ હમારે ઝુમખે, હાર માંગનેકો. પર વો તો સારે ગાંવકી સંપત્તિ ઉઠાકે અપને બલોચ સિપાઈયોંકો લે કે લાહૌર ચલા ગયા. અબ મેરી પાસ બચી થી સિર્ફ મેરી કિસ્મત. ઉસકો લે કે મૈં ગાંવ ગાંવ ભટકી. કભી કુર્તી... કભી સાડી... બિન્દીયા...”

એણે શાંત સ્વરે કહ્યું,

“નિમ્મી ધર્મકો બદલના આસાન હૈ, ઇન્સાનકો બદલના મુશ્કિલ હૈ, હૈ ના!”

નિમ્રીત પાસે કે કોઈ પાસે એનો જવાબ ક્યાં હતો!

“તેરે ઘરસે ચાચાજીકા પોસ્ટકાર્ડ ઢૂંઢ લીયા થા મૈંને! કાગઝ બહોત લિખતી થી, પર કોઈ જવાબ થા. કૈસે જવાબ મિલે! આંધીમેં સુક્કે પત્તેકી તરહ કહાં પહુંચતા હોગા ક્યા માલૂમ? કામ કરકે પૈસે જોડે ફીર યહાં ગયી.”

એણે કપાળ કૂટ્યું.

“ફીર એક નઈ દાસ્તાં કા સિલસિલા શુરૂ. ગલી ગલી ઘર ઘર ભટકી. પોસ્ટકાર્ડ તો એક કાગઝકી નાંવ, ડૂબ હી જાતી ન! છોડો સબ બાત. ઘર મિલા તો ઘરવાલે ગાયબ. હાર ગઈ રે નિમ્મી મૈં! લેકિન સોચ, બટવારાને હમસે કિતના કુછ છીન લીયા ઔર દે ભી દિયા બહોત કુછ.''

નિમ્રીત ચકિત બની સાંભળતી રહી. અજબ વાત હતી આ.

“હાં નિમ્મી, બટવારાને દી હમે તાકત, હિંમત દી જીનેકી... દેખ હો ગયી હું સયાની! ફીર પોસ્ટઑફિસ પર ડેરા ડાલા, સરબતસિંઘ ભી અમૃતસર ગયા હૈ, તો મૈં ભી ઉધર... છોડ સબ. તેરે ઘરકે સામને બૈઠી રહી, દેખતી રહી તુમ લોગોંકો આતેજાતે. સોચતી થી આપલોગોંકા જીવન બન ગયા હૈ... મૈં બીચમેં જાઉં! દેખ, આજ મૈં ગયી અબ...”

નિમ્રીતના હૃદયના ધબકારા વધી ગયા. હવે શું થશે?

ડોરબેલ રણકી ઊઠી.

નિમ્રીતે ગભરાઈને રશીદા સામે જોયું. એણે સધિયારો આપતું સ્મિત કર્યું. નિમ્રીતે બારણું ખોલ્યું. નાચતી ગાતી મંજુ આવી અને ઓઢણી લહેરાવતી ગાવા લાગી... સારે જહાંસે અચ્છા...

રશીદા પર નજર પડતાં અટકી ગઈ અને નિમ્રીત સામે જોયું.

“બેટા, યે રશીદા. મેં કપડે સીતી થી ઉસકા... મિલને આયી હૈ.’’

મંજુએ પાસે જઈ પ્રણામ કર્યા.

“પેરીપૌના મૌસીજી. મમ્મા તુમને ચાયનાસ્તા દીયા? સૌરી મૌસીજી, મેરી માં જરા ભુલકકડ હૈ.”

બોલતાં બોલતાં હસી પડી. રશીદા મનભરીને જોઈ રહી.

“ના બેટી. ઉસને બહોત ખાતિરદારીકી.”

મુઝે જોરોંસે ભૂખ લગી હૈ બોલતી ગણગણતી અંદર દોડી ગઈ. નિમ્રીતે નજર ઢાળી દીધી. રશીદાએ એના ધ્રૂજતા હાથ પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું,

“ડરો મત નિમ્મી. મેં માસૂમાકો તેરેસે છાન લેને નહીં આઈ હૂં.”

નિમ્રીત ચમકી ગઈ.

“હાં નિમ્મી. આજ મેરી બરસોંકી તપશ્ચર્યા સફલ હો ગઈ. વો એક પઢીલીખી અચ્છી ઇન્સાન હૈ, તુમને અચ્છી શિક્ષા દી. હમીદ પર મેરા તનીક વિશ્વાસ ના રહા થા, મુઝે ભરોસા થા તુમ દોનોં પર, તબ તો પલકમેં તેરી ઝોલીમેં ડાલ દીયા થા.”

નિમ્રીત રશીદાને વળગી ચોધાર રડી પડી. રશીદાએ એને અળગી કરી, આંસુ લૂછ્યા અને ઊઠીને બારણું ખોલ્યું, નિમ્રીતે હાથ પકડી લીધો,

“નહીં, અબ તુમ કહીં નહીં જાઓગી. મેં તુમ્હેં દર દર ભટકને નહીં દૂંગી ઔર માસૂમા પર તેરા ભી અધિકાર હૈ.”

“પગલી, વો હમ દોનોંકી બેટી હૈ નિમ્મી. માસૂમા યા મંજુ ક્યા ફર્ક પડતા હૈ! મેં સાથમેં રહૂંગી, તો કભી ગલતીસે ભી... નહીં નહીં. એક બાત ગાંઠમેં બાંધ લે, હમ જો આગમેં જલે હૈ, ઉસકી હલકી સી આંચસે ભી ઉસે બચાયે રખના હૈ નિમ્મી.”

વર્ષોથી છાતીએ બાંધેલો ભયનો પથરો છૂટી પડ્યો. ભયાનક સપનાંની ભૂતાવળ પલકમાં સમેટાઈ ગઈ તોય હૃદયમાં પારાવાર પીડા ઊભરી આવી,

“રશીદા, મૈં તુમ્હે જાને દૂ તો માતારાની કભી માફ નહીં કરેગી ઔર જસપ્રીત તો...”

“શીશ... બતાના મત. ઉન લોગોંને દેશકા બટવારા કીયા, દિલોંકા બટવારા કૌન કર સકતા હૈ! તેરા મેરા ભગવાન ભી નહીં.''

મમ્મા... મંજુની બૂમ સંભળાઈ. રશીદાએ ઉતાવળે બારણું ખોલ્યું, નિમ્રીતે હાથ પકડી લીધો,

“મુઝે વચનદો, તુમ વાપસ આઓગી, યે તુમ્હારા ઘર હૈ રશીદા.”

“હાં રે નિમ્મી, જરૂર આઉંગી. યે પૃથ્વી પર તુમ્હારા એક છોટાસા ઘર, વહાં કોઈ તુમ્હારી પ્રતિક્ષા કર રહા હૈ ઈસસે બડા ધનભાગ્ય દુનિયામેં ક્યા હો સકતા હૈ!’’

નિમ્રીતે પલંગ પરથી શાલ ખેંચી લીધી, રશીદાને ઓઢાડતા બાથમાં લઈ લીધી. એણે નિમ્રીતને વહાલથી અળગી કરી અને દાદર ઊતરી ગઈ. આજે છાતીએ બાંધેલો ભયનો એક પથ્થર છૂટી ગયો તોય છાતીમાં વજનદાર ભારની ભયંકર ભીંસ એણે અનુભવી. શ્વાસભેર દોડી. દાદર ઊતરતા એણે બૂમ પાડી ર...શી....દા.....

નિમ્રીતનો સાદ પડઘાઈને પાછો ફર્યો.

સ્રોત

  • પુસ્તક : હરિકથા અનંતા (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : વર્ષા અડાલજા
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2017