Dikri - Short Stories | RekhtaGujarati

મળસકે ખડકી ખખડી. નીંદર તો સૌની ઊડી. કોઈ સસર્યું નહિ. બહુ થયું ત્યારે બાપુએ વળ ખાતાં ખાટલો છૂટો કર્યો: ‘લખુડો હોવો જોઈ, શું એના બાપનો ગરાહ લુંટાઈ જાતો હશે તે અટાણમાં આવી પોંચ્યો. માંડ આંખ મળી’તી. હજી તો એની માયુંને દોવાની યે બાકી છે.’

ઘડીક તો થયું કે ખેલે તો બાપુનો પરોણો ને લખુડાનું માથું. પણ ખડકી ઉઘડી કે બાપુ તો ટાઢા બોર! ‘લે ભુદર તું, કાંય નહિ ને આવા ટાણે? આય આય.’

‘કોણ, ભુદર આયો છે?’ બા હવે થોડા માથે ગોદડું ઓઢીને પડ્યા રહે? છાતીએ હાથ દેતા તો મામાને વળગી પડચા: ‘કેમ આવવું થ્યું?’

મને થયું, બા ક્યાંકના પડી જાય.

‘બહુ આવી ફડક રાખો મા. એક તો ડિલ જોયું હોય તો સાંઠીકડા જેવું ને...’ કહેતાં મામા ખાટલા ઉપર ઊભડક બેઠા: ‘આ તો અદાએ મોકલ્યો એટલે આયો છું.’ ત્યાં વળી ભગરીએ શિંગડા ઉલાળવા માંડ્યા એટલે બાપુ ખાણનો સૂંડલો લેતા એની કોર વળ્યા.

‘અદા તો મૂવા, બીજા બધાય તો હેમખેમ ને?’

‘પણ સાંજ નહિ પાડે, મને ભીં દઈને આંય મોકલ્યો છે.’

‘તે મારું ત્યાં શું કામ છે?’ શ્વાસ હેઠો બેઠો એટલે બા કૈંક જોરમાં આવી ગયા: ‘ઘણાય છે ત્યાં.’

‘અદા બહુ યાદ કરે છે. કે’ છે કે તમે નહિ આવો ત્યાં સુધી દેહ નહિ છોડું.’

‘આવું આવું, કહીને એમણે મને ત્યાં સુધી લાંબો કરીને બધાને અબખે પાડી દીધી. માન જેવું કૈં રે’વા નો દીધું.’

ત્યાં બાપુ ખાલી સૂંડલો લઈને આવ્યા.

‘લે, ભૂદર, નિરાંતવો બેહ તો ખરો. તારી બોન તો નહિ કહે.’ પછી મારી કોર ફરીને કહે: જા બેટા, મામા સારુ પાણીનો કળશ્યો ભરતો આવ જોઈ.’

હું કળશ્યો ભરીને આવ્યો ત્યારે બાપુ બાને વઢી રહ્યા હતાઃ ‘ભુદર તેડવા સારુ આવ્યો હોય તો પછી શેની ના પાડે છે?’

‘પછી તમે મે’ણાં-ટોણાં મારશો કે ભાભીયું ભાવ નથી પૂછતી તોયે વધારાની થઈને હાલી જાય છે.’

‘સાજા માંદે કોણે કંઈ કીધું?’

બા અકળાઈ ગયાં. મામા ભણી કહે: ‘લાખ વાતની એક વાત, હું ત્યાં નહિ આવું. હજી તો બાપુ જીવે છે ને? મરી ગ્યા પછીયે નહિ આવું. મેં તો તે દી’નું એમના નામનું નાહી નાખ્યું છે.’

તે ભુદરમામાએ તો ગાંધીબાપુવાળી કરી: ‘તમે નહિ આવો તો હું આંયથી એકલો જાવાનો નથી. અદાએ મને ભાણાના સમ દઈને કીધું છે.’

બા કહે : ‘રે’ને તું તારે આંય. બોનનું ઘર છે. કામની મોસમ છે તે ખપમાં આવીશ.

પછી તો ઘણું હાલ્યું. બા બહુ રોયા.

રહી રહીને બા માન્યા તો ખરા. કહે: ‘હકુને ભેગો તેડી જાઉં. ત્યાં મારે વાતું કોની હાર્યે કરવી?’ મારી નિહાળ પડતી હતી, તોયે બાપુએ ના પાડી.

ભુદરમામા કહે, ’ટાઢો પો’ર છે તે નીકળી જઈએ. તડકો થ્યો પે’લા પો’ચી જવાય.’

ગાડું વેતું થયું ત્યારે બાપુએ મામાને પાછા ટોક્યા: ‘ભુદર, તું બહુ ઉતાવળો, શિરામણ કરવાય નો રોકાણો.’

ટાયરવાળું ગાડું તો મેં પહેલુંવહેલું જોયું, ભોમાં ખાડા ટેકરા આવે તોયે ડિલને થડકો લાગે. મેં તો મામા પાસે જઈને રાશ પકડી લીધી. ‘લાવો મામા, મારે ગાડું હાંકતાં શીખવું છે.’

રસ્તે આવતાં ખેતરોના મોલ જઈને મામા અમારી જમીનના વખાણ કરતા જાય. બા તો બેઠા ત્યારથી સોગિયા મોઢે, કૈં બોલે નહિ. અડધે પહોંચતા તો એમના મોંમાંથી નિસાસો નીકળીયે ગયો: ‘ભુદર, દશ્યના ઝાડવા ફરીને જોવાનું કરમમાં લખ્યું હશે. નહિતર તને આંય તેડવા આવવાની મત્ય સૂઝત.’

‘બોન, એવો વટ નો રાખીએ. પિ’ર છે તો એક વાર તો શું વીહ વારેય આવવું પડે.’

‘શેનું પિ’ર? જે આંગણેથી દીકરી રોતી જાય એને તું પિ’ર કે’ છે?’

‘બાયું એવી ભટકાણી એટલે. બાકી મણિલાલ ને નાનકો સાવ એવા નથી.’

‘ભુદર, બાઈ તો હુંય છું. ને તારે ઘરે પણ ક્યાં નથી! જો એમ બાયુંની દબાવણીથી બીને માવતરને મા’જનમાં મૂકી અવાતું હોય તો ધૂળ પડી જીવતરમાં.’

‘પણ, અદા સામે હાલીને નોખા રે’છે તે...’

‘તેં હજી બાપુને ઓળખ્યા નથી. એમના જેવો ખાનદાન ડોહો પંથકમાં નહિ મળે, વસ્તારે એમને ગાળે ઉઠાડ્યા ને ગાળે બેહાડ્યા છે. તોયે એની આબરૂને મુઠ્ઠીમાં રાખી, નહિતર ઘરડે ઘડપણ કોને હાથે રોટલા ટીપવાનું ગમે?’

બા તો એકીશ્વાસે બોલ્યે જાય. મામાય એમની લપમાં ગાડું હાંકવાનું ભૂલી ગયા. હું તો જોર કરીને બળદને ઢીંઢે લાકડી મારતો જાઉં. ‘હાલો તમારી માનાવ. ઝટ આવે મારા મામાનું ગામ.’

વચમાં મગફળીના ખેતર આવ્યા ને મેં રાશ મામાને પાછી આપી દીધી. નીચે ઠેકડો મારવા જાતો હતો ત્યાં મામાએ પકડ્યો, ‘રે’ રે’ ભાણા, ચાલું ગાડે ક્યાં હેંડ્યો.’

‘તમતમારે હાંકયે જાવ. હું તો મગફળીના છોડવા ઉમેરીને દોડતોક તમારી હાર્યે થઈ જાઈશ. વરસે અમારે સંધાયે કપાહ વાવ્યો છે તે મગફળીનો દાણો મોંમાં નાખ્યો નથી.’

બા કહે: ‘ના બટુ, એમ કોઈના રેઢાં ખેતરમાં હાથ નો નંખાય.’

‘તે આપણાં ખેતરમાંથી કો’ક નથી ઉપાડી જાતું? ના, હું તો જવાનો.’

‘હકુ બટા, તું મને આમ કનડીશ તો કોઈ દી’ ભેગો નહિ લાવું. જો, હમણાં મામાનું ખેતર આવશે. તમેં તું તારે ધરવ થાય એટલા છોડવા ઉમેરી લેજે.’ પછી ઢીલા થઈ કહે, ’પાણી તો મને અગરાજ (અગ્રાહ્ય) છે. તને ક્યાં વાંધો છે?’

‘બોન, તમે આમ જીવ કોચવોમાં.’ ભુદર મામાએ પાછું ગાડું વતું કર્યું: ‘ત્યાં જઈને તરસ્યાં રે’શો?’

‘એમાં શું? ક્યાં ઝાઝું રોકાવું છે? તડકો ઊતર્યા કેડે તો નીકળી જાવું છે.’

‘તમે ત્યાં જઈને આવું કૈં બોલ્યા છો તો મને મરતો ભાળો.’ ભુદર મામા ગળગળા થઈ ગયા.

ત્યાં વળી મામાનું ખેતર આવ્યું ને ભુદરમામાએ ગાડું ઊભું રાખ્યું: ‘જા ભાણા, હડી કાઢ, ર્યો બાપાનો વાવડો. પાછું વાળીને નો જોતો તું તારે. સો બામણ ને એક ભાણેજ.’ મેં તો બાથમાં માંય એટલા છોડવા ઉમેરી લીધા. યાદ આવ્યું ને ગાડામાંથી પાછા ઊતરીને ખેતરને શેઢે ઠાવકી જગા જોઈને મંઈ ભી દઈને લાકડાનું ડંડીકું ભરાવી દીધું. આવતી વખતે ખેતર ભુલાઈ જાય સારું.

‘જોયું ભુદર, વાવડામાં તો સોળાની મોલ છે. તોયે બાપને રોટલો દેવાનું ખૂંચે છે.’

મામાએ હોંકારો ભણ્યો એટલે બા મૂંગા થઈ ગયાં.

હજી તો મગફળી ડાખરામાંથી માંડ છૂટી કરી હશે ત્યાં તો ઘર આવી ગયું. બાપા ઓટલે બેઠા પેઢા ઉપર બજર ઘસી રહ્યા હતા. બા તો ભુદરમામા ઉપર કાળઝાળ!

‘જુઠાબોલા, ડોહા તો કડેધડે છે, મને છેતરીને લાયો.’

અમને જોયા કે બાપા સામા દોડ્યા: ‘મારી દીકરી આવી. બહુ દિવસે આવી.’ પછી કહે: ‘ખબરદાર, ભુદરને કૈં કીધું છે તો. મેં એને મોકલ્યો’તો.’

‘તે તમે મને આંય ભવાડો કરવા બોલાવી?’ બાએ બાપાનો ઉધડો લઈ નાખ્યો. ઘરમાં પેસતાં તો રડી પડ્યા: ‘એ પરભવના દશ્મનને હું આંખના કણાની જેમ ખૂંચતી હોઉં પછી આંય મારું શું દાટ્યું છે?’

‘આ ઘર મારું કે એવડા એનું? તારી બાની ભાળ કાઢવા તો મહિને દા’ડે દોડી આવતી’તી. તે હું તારો બાપ નથી?’ કહેતા બાપા રોવા જેવા થઈ ગયા. પછી કહે: ‘છાની રહીજા, મારો દી’ બગાડીશ મા.’

બાપની વાતેય સાચી હતી. નાનીમા જીવતા હતાં તમેં તો બા વારે ને તહેવારે દોડી આવતા. ઘરે એમના વગર ભેંસ કોઈને દોવા દે, બાપુ રાખભેળ કરી મૂકે, તોયે બા માને. મારું તો આખું વેકેશન આંય જાતું.

મામાની મોંકાણ તો તયેંય એટલી જ. પણ મૂળે નાનીમાની હાક એવી કે કોઈ એમની સામે ઊંચો સાદ કાઢી શકે.

વાત વધારે તો નાનીમાના ગયા પછી વણસી. તે વખતે અમે એમની વરસી વારવા આવેલા. મોટામામા બાને ખૂણામાં લઈ જઈને કહે: ‘બાને ફોહલાવીને આંયથી ઘણું લઈ ગઈ છો. હવે બાપા પાહે હાઉં કરજે.’

‘તમારા ઘરની કાંકરીયે મને ગાયની માટી બરાબર.’ બા તો લાય લાય: ‘અભાગિયાવ, શું લેવાને મારા ઉપર ખોટા આળ નાખો છો?’

‘તું ખોટા સમ ખા કે નો ખા. અમે નથી જાણતા કે બાના કાનના ઠોરિયા ને પાટલા ક્યાં ગ્યાં એ.’

નાનામામા કહે : ‘લઈ જાવું હોય તો સંધુય લઈ જાજે. એકલા બાપા આંય નો રહી જાય.’

એનેય લઈ જઈશ. તો નશરામાવ તમારી આબરૂની પડી છે, મને. હજી વસ્તાર વરાવવાનો છે. બાકી તમે તો બાપને જીવતો મહાણે મૂકી આવો એવા છો.’

બાપાનો પ્રશ્ન તો નાનીમાનું બારમું પડ્યું ત્યારે થયો હતો. મોટીમામી કહે: ‘વાવડો તો નાનાભઈના ખાતે કરવાનો છે. પછી અમે શેના રોટલા દઈએ?’ તે નાનીમામી કહે: ‘મારે વાવડોય નથી જોતો ને ડોહોય નથી જોતો. એનો પગ તો મારા આંગણામાં ધોળા ધરમેય નહિ.’ બાપા કહે: ‘મારા સારુ કોઈ લડશો મા. હું ગુડા કામ કરશે ત્યાં સુધી મારી મેળે રોટલા ટીપી ખાઈશ. મારા વસ્તારને હું ઝાડના ઠૂંઠાની જેમ આડો આવતો હોઉં ત્યાં મારે વહુઓનો વાંક ક્યાં કાઢવો?’

પછી તો બાએ ઓછું કરી નાખ્યું. હું મામાને ત્યાં જાવા સારુ કજિયો કરું તોય હલે. પણ બાપાનો જીવ એવો કે નિરાંત લેવા દે. હજી માંડ પહોંચ્યા હોય ત્યાં તો પાછા કો’ક ભેગા સમાચાર આવી જાય: ‘સમજુને કહી આંટો દઈ જાય. મને હવે ઠીક નથી રે’તું.’

એમાં એકવાર બા ને મોટામામા બાખડી પડેલાં. મોટામામા કહે: ‘તું આંય સવાર ને સાંજ દોડી આવે છે તે અમે બાપુની ભાળ કાઢવાવાળા નથી? પછી ત્યાં મારા બનેવીને કામમાં અગવડ નો પડે?’

નાનામામા કહે : ‘દીકરીને તો મેલો મળે તયેં આવવાનું હોય.’

‘મેલોય લખતા. હું તો આજથી બાપના નામનું નાહી નાખું છું.’ પછી બાએ પોક મૂકી હતી: ‘નુગરાવ, હું તમને આટલી કેમ ખૂંચું છું? તમારી મા જણી છું, વેરણ નથી.’

તે દી’ના ગયા તે આજ પાછા આવવાનું થયું. બા તો આવતાવેંત ઘરમાં બધું ઉથલાવવા માંડે: ‘લાવો બાપુ, તમારાં લૂગડાં ફાટ્યાં હોય તો સાંધી દઉં. દળણું કરી નાખું.’ સાંજ પડ્યે નવરા થાય. કંકુમાસી બેસવા બોલાવવા આવે તો કહે: ‘હજી ક્યાં પરવારી છું? આવી છું તે બધું ઠીકઠાક કરતી જાઉં ને! આંય કોઈ કરવાવાળું ખરું?’ પછી પલપલિયાં પાડતાં જાય ને બાપના પે’રણને ટાંકા લેતાં જાય: ‘આના કરતાં તો ઉપરવાળો તમને હવે ઉપાડી લે તો સારું. મારાથી નથી જોયું જાતું.’

‘હું એની રાહ જોઈને બેઠો છું. હેંડીને ત્યાં જવાતું હોય તો અબઘડી વયો જાઉં.’ પછી તો બાપાયે રોઈ પડે.

બપોરે જમી પરવારીને હું તો મણિમામાના ઘર કોર નીકળી ગયો. મણિમામાએ મેડી ચણી હતી. લાલકાએ મને જોયો કે રાજી રાજી થઈ ગયો: ‘બાપુ, બાપુ, સમજુ ફુઈનો હકો આયો.’

‘આય આય ભાણા, એકલો આયો કે તારા બા ભેગો?’

‘મારાં બાયે આયા છે. ભુદરમામા તેડવા આયા’તા.’

મામી કહે: ‘લે, અમને તો ખબરેય નો પડી.’

હું ને લાલકો તીન પત્તી રમવા મેડી ઉપર ચડી ગયા.

‘એલા, ખરબ પડી કૈં? મોટી આવી છે.’ ત્યાં તો નાના મામા આવી ચડ્યા.

‘એ રમે ભાણો ઉપર. જોયું, ડોહાએ કોઈને વાતેય કરી? આપણને ભૂંડા કરવા ભુદરને તેડવા મોકલ્યો. આપણે મરી પરવાર્યા’તા?’

‘એ તો હું તને પે’લેથી કે’તો આયો છું. ડોહો ઓછી માયા નથી. અમથો હેરાન થાય છે? નકરી ગગીની ખેંચ રાખી. તે ભલેને એની કાંધે ચડીને જાય.’ નાનામામા એકીશ્વાસે બોલ્યે જતા હતા.

‘એ તો વાવડા સારુ આવી હોવી જોઈ.’ હવે મોટામામાએ બોલવા માંડ્યું: ‘તું જોજે ને, લઉમતરી ખોરડાની ચાર દીવાલેય નથી રે’વા દેવાની. એનેય પાડીને પા’ણા રાજપર ભેગા કરી દેશે.’

ઠેઠ તડકો ઊતર્યો હું ઘરે ગયો. બાપા કહે: ‘સારું કર્યું ભાણા તું બારો વયો ગયો’તો તે. તારી બા જાવાની ધડ કરતા’તા. પણ તું ક્યાંય ગોત્યો મળ્યો નહિ તે રોકાઈ ગયા.’

બા મારા ઉપર ધખી ગયા: ‘બારો જા તો કહીને જાતો ડો. હું આખું ગામ ખૂંદી વળી.’

સાંજે હું ને બા બાપા પાસે બેઠા હતા ત્યાં લાલકો આવ્યો. ‘ફૂઈને ને હકલાને રાતે અમારે ત્યાં જમવાનું છે. મારી બાએ કીધું છે.’

બાપા કહે: ‘આલે લે, આજ દી’ આથમણી પા ઊગ્યો કે શું?’

‘તે તારી બાને મારા ભેગું બાપાનેય ખાવાનું નથી કે’વાતું?’ બાએ લાલકાનું મોં તોડી લીધું: ‘મારું ક્યાં પેટ પડી જાય છે તે હું બાપને મૂકીને ખાવા હાલી આવું.’

‘તું બધે મને આડો લાવીશ મા’. બાપા બા ઉપર ખિજાઈ ગયા. ‘મારે તો આજ અપ્પા (ઉપવાસ) છે.’

‘હું સંધુય જાણું છું. તમને એકને જમાડ્યે ગહાઈ જવાની હતી?’

રાતે બાપાએ બહુ કરી ત્યારે બા ઊભા થયા: ‘તું નહિ જઈશ તો ઊલટાનું લાંબું થાશે. એના કરતાં જે ભાવે ખાઈ આવ.’

મામીએ દૂધપાક પૂરી કર્યા હતાં. અમે તો મૂંગેમૂંગા પાટલે બેસી ગયા. હજી ખાવાનું ચાલું નહિ કર્યું હોય ત્યાં મણિમામા આવી પહોંચ્યા. મામી ઉપર બગડ્યા: ‘ભાણાનેય ઊનો ઊનો દૂધપાક આપી દીધો? કંઈ ખબર નથી પડતી.’

‘એ તો મારા ધ્યાનમાં નોર્યું.’ કહેતા મામી મારા પાટલા પાસે પડેલી તાંસડી લઈ જઈને અંદરથી બીજી તાંસડી ભરી આવ્યા.

મામી તો કંઈ બોલ્યા નહિ. મામાએ વળી એટલી વાત કરી: ‘મારા બનેવીને બળદની જોડ વેચવી હોય તો કે’વડાવે.’

ઘરે જઈને બા બાપાને કહે: આના કરતાં તો હોટલમાં જમવા ગ્યા હોત તો એણેય બે સારી-હીણી વાત કરી હોત. તો ખાધાના ભાગના થઈને ગ્યા એવું ને?’

બાપા કહે: ‘બટુ, છે એવા છે. એમાં હવે કૈં ફરક પડવાનો નથી. નકામો આપણો જીવ દુઃખી કરવો?’

પછી બાપા તો માળા ને પાણીનો કળશ્યો ભરીને ડેલીમાં સૂવા જતા રહ્યા. હું ને બા ઓસરીમાં આડાં પડ્યાં. મચ્છરાં કરડતાં હતાં તે ઘેન હતું તોયે આંખ મળી.

ત્યાં બાપા પાછા આવ્યા: ‘ભાણો સૂઈ ગ્યો?’

‘દી’ આખો રખડ્યો છે તે ક્યારનો ઊંઘી ગ્યો છે.’

ઘડીક કોઈ બોલ્યું. પછી બાપા કહે : ‘કહું છું બટુ, તું માની જા. વાવડો તારા ખાતે કરી દઉં.’

‘ના, તમારા ઘરનું તરણુંય મારે નો જોઈ.’

‘તું તો દીકરી છે. તારો હક છે. તેં તો તારી બાની ચાકરી કેવી કરી’તી! તને દીધું લેખે લાગશે.’

‘ના, ના, લેખે તો તમારા દીકરાને દ્યો લાગે. તમારે એના હાથનું પાણી પીવાનું છે. હું તો દીકરી. આવી ત્યારે કામની.’

‘જેણે જીવતાં પાણી નથી પાયું મૂવે પાશે?’ બાપાનો સાદ મોટો થઈ ગયો: ‘મને કે’વા દે કે મારા પેટના નથી. નહિતર આવા નો પાક્યા હોત. માવતર તો અમારેય હતાં. આમ કાળજા નો’તા બાળ્યા.’

પાછો સોપો પડી ગયો. બાએ મારા માથે ચાદર ઓઢાડી દીધી.

‘ગ્યા વખતે તું નો માની તે તારી બાના ઘરેણાં મેં રફાળિયે ગૌશાળા બંધાતી હતી ત્યાં દાનમાં આપી દીધાં. હરામનાવ સારુ તો હું ઘરની ખીલીયે નહિ વધવા દઉં.’

પછી બાપા હાલતા થઈ ગયા: ‘ઠીક તયેં, તું નહિ માને તો દાન કરવાનાં બીજાં ઘણાંય ઠેકાણાં છે. બાકી બેયના હાથમાં તો મારી રાખેય નહિ આવે.’

આંખ ક્યારે મળી એની ખબર રહી. પણ બાના ઉબકા સંભળાયા ને પાછી નીંદર ઊડી ગઈ. જોવું તો બા ઊલટી કરે કાંઈ! મોંમાંથી દંદૂડો છૂટે. ઓસરી આખી ભરાઈ ગઈ, કાચ જેવા લીલા પાણીથી!

હું તો રોવું રોવું થઈ ગયો. દોડાદોડ બાપા પાસે આવ્યો. ‘બાપા, બાપા, મારી બાને ઊલટી થાય છે. દોડો.’

બાપાએ તો ‘શું થયું બટુ?’ કરતાં હડી કાઢી. જોવી તો બા ઘડીક ખાટલે બેસે ને ઘડીક હેઠા ઊતરે. ઊલટી કરતાં પીપળની ડાળની જેમ વાંકા વળી જાય. બાપાએ વાંહે હાથ ફેરવવા માંડ્યો: ‘કાં બટુ, આવું થાય? કૈં ખાધા ફેર થ્યો?’

‘કાલની વાતનું તાવ જેવું હતું. એમાં આજ પાછું ગામતરું કર્યું, શ્વાસ હેઠો બેઠો એટલે ઉંહકારો કરતાં બાથી માંડ એટલું બોલી શકાયું.

‘દાક્તરને બોલાવતો આવું.’ બાપા ઊભા થઈ ગયા.

‘ના, હવે કૈં નથી. તમે ખોટી ચંત્યા કરો મા.’

બાપા બહાર જાય ને અંદર આવે. ઘડીક થાય ને માતાજી આગળ માથું નમાવે: ‘હે ચોટીલાવાળી! ઝટ મારી દીકરીને સારાવાના કરી દે.’

સારી વારે ઊલટી બંધ થઈ. બાપા કહે: ‘લે બટુ, બહાર ફળીમાં ખાટલો ઢાળી દઉં. તમે બેય વહારવા સૂવો.’

હું ને બા ફળીમાં ખાટલામાં આડેપડખે થયા. બાપા ઓસરીમાં પાણીના ઘડા ઢોળીને માતાજીનું નામ લેતા પાછા ડેલી કોર વેતા થયા.

બા કહે : હકુ બટા, પગ દાબને.’

મેં બાના પગને હાથ અડાડ્યા તો ટાઢા હીમ જેવા!

પરોઢે બાએ મને ઊઠાડ્યો. જોઉં તો એમણે થેલી તૈયાર કરી રાખી હતી. મને જેવું તેવું મોઢું ધોવડાવતાં કહે: ‘હાલી શકીશ કે તેડી લઉં?’

‘મારે નથી આવવું. જાવ તમે એકલા. બે દી’યે નો રોકવા દ્યો?’

‘પછી ત્યાં નિહાળે કોણ જાશે?’

‘તે તમે તો વેકેશનમાંય ક્યાં આવવા દ્યો છો?’

‘આંય કંઈ તારી મા રોટલા ટીપી આપશે?’ કહેતાં બાએ મને હડસેલો મારીને વેતો કર્યો: ‘બાપા બચાડા એનું કરે કે તારું?’

બાપા ડેલીની પાટમાં જાગતા માળા ફેરવી રહ્યા હતા.

બા કહે: ‘અમે નીકળીએ છીએ, બાપુ.’

‘હેં ! કાળોતરો નીકળ્યો હોય એમ બાપા ઊભા થઈ ગયાઃ ‘કાં, આમ ઓંચિતું?’

‘હું તો કાલ બપોરનું નક્કી કરીને આવી’તી. તોયે આટલું તો રોકાણી.’

‘ના, બટુ, એમ નો જવાય. તો તો તારા બાપનો જીવ બળીને રાખ થઈ જાય.’

‘હવે એવું બોલીને મને દુઃખી કરશો મા’ બા રોવા જેવા થઈ ગયા: ‘હુંય ઘર બાંધીને બેઠી છું.’

‘પણ તને હજી ક્યાં ઠીક છે? જોને, મોં કેવું લેવાઈ ગ્યું છે! આમ નો જવાય, બટુ!’

‘એ તો ક્યારનું મટી ગયું. એની ચંત્યા નો કરો.’ કહેતા બાએ વાત ફેરવી તોળી: ‘કાલ બપોરનું કહીને આવી’તી તે હકુના બાપુએ રાહ જોતા હશે.’

‘તો ભુદરને કહ્યું કે ગાડું લઈને મૂકી જાય.’

‘ના, હું મારી મેળે જતી રહું છું.’ કહેતાં બા ભાગોળ કોર વળ્યા: ‘તમે મારી ચંત્યા કરશો મા, તમારા શરીરને સાચવજો.’ બાપા ભાગોળ સુધી અમારી વાંહે આવ્યા: ‘દીકરી, તું મારું વેણ તોડીશ મા. ભાણાના સમ છે હોં! છેલ્લી વારનો મેળાપ છે. પછી આપણે બહુ છેટું પડી જાશે.’

પણ બાએ પાછું વળીનેય જોયું. સડસડાટ શેરી વટાવી ગયાં. નાકા પાસે પહોંચતાં મારા પગની આંગળીએ ઠેશ વાગી ને હું બેસી ગયો તોયે મારી રાહ જોવાય ઊભાં.

ટાઢા પો’રના અંધારામાં સાંકડી કેડી પર બા હાલે છે કે દોડે છે એની મને ખબર પડી. ઊંચું જોવે કે આડું. બસ, વાંભવાંભના ડગલાં ભર્યે જાય. વાહેં હું ખેંચાતો જાઉં. યાદ આવ્યું ને બા થંભ્યાં.

‘થાકી ગ્યો હશે કાં, બટુ? લાવ તેડી લઉં.’

‘ઊંહું, મારે તો હજી ખેતરમાંથી મગફળી ઉમેરવી છે. હાલ્યે જાવ તમ તમારે.’

અડધે પહોંચ્યાં ને મેં બાને રાડ પાડી.

‘ઊભા ર્યો બા, હું થોડાક મગફળીના છોડવા ઉમેરી લઉં.’

‘રે, રે’ એકાએક બાએ મારું બાવડું પકડી લીધું.

‘કાં? તો મામાનું ખેતર છે. પછી શું લેવાને ના પાડો છો?’

‘એ તો ક્યારનું વ્યું ગ્યું.’

‘ખોટું શું બોલો છો? ઊભી, મેં ખોડી’તી લાકડી. હું તો હાલ્યો.’

‘હકુ બટા, કીધું કેમ નથી માનતો?’ કહેતાં બાએ હું હડી કાઢીને વયો જાઉં પહેલાં મને તેડી લીધો. જોઉં તો મગફળીના દાણા જેવાં આંસુડાં એમની બેય આંખ્યુંમાંથી ટપકતાં જાય!

સ્રોત

  • પુસ્તક : મનગમતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સર્જક : જિતેન્દ્ર પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2005