હિમાંશી શેલત
Himanshi Shelat
છેવટે તાળાં લાગી ગયાં. ‘આતશ મિઝાજ’ની આલીશાન કચેરી બંધ. અલબત્ત, એ કંઈ એમ ચૂપચાપ બંધ નહોતી થઈ. નારાબાજી, પથ્થરબાજી, આગજની, સાઇરન, ટિયરગૅસ, લાઠીચાર્જ વગેરે સઘળું પત્યા પછી તાળાં લાગેલાં. પહેલાં ઠેઠ નીચે – જ્યાં છાપકામ થતું તે ભાગ બંધ થયો, પછી ઉપર બે પાંખમાં ફેલાયેલો જાહેરખબર વિભાગ અને તંત્રી વિભાગ બંધ.
એ – જેનું નામ આપણે નથી જાણતાં તે – ઘેર બેઠો. હકીકતમાં જે મિશન પાછળ એ આખેઆખો ખર્ચાઈ ગયો હતો તે અંતિમ તબક્કામાં પહોંચ્યું હતું. બે અઢી હજાર લાશો ખડકાઈ તેની પાછળ દોરીસંચાર કોનો, પલીતો ચાંપના ક્યાંના, અને બળતામાં પેટ્રોલ છાંટનાર કયા, એ તમામ હકીકતો એણે એની ત્રીજી આંખની મદદથી ખોળી કાઢી હતી. જે માહિતી એકઠી કરેલી એની સચ્ચાઈ સ્થપાઈ ચૂકેલી. કોઈ અદ્રશ્ય હાથે દીવો ધરીને જે બનેલું તે સાફ દેખાડી દીધું હતું. હવે એ દશ્યો ક્રમશઃ અજવાળે ગોઠવવાનાં હતાં, અબુધ જનસમુદાય સામે. બે હપ્તા પ્રગટ થયા હતા જે પ્રમાણમાં દુશ્મનને અંદાજ ન આવે એવા, વિસ્ફોટક સામગ્રી હજી હવે આવી રહી હતી ત્યાં જ કયા જાણભેદુને આ ગતિવિધિની ખબર પડી તે ‘આતશ મિઝાજ’ પર તવાઈ આવી ગઈ. સત્તા સામે ન શાણપણ ચાલે, ન સત્ય.
તાળાં વસાયાં એટલે સઘળું અંધકારમાં ગરક. એ ચર્ચાવા લાગ્યો. ગલીમહોલ્લામાં, હાટબજારમાં, ઘરકચેરીમાં, બસરેલવેમાં.
: પુઅર સોલ! ઉમ્રભર કા કામ બેમતલબ હો ગયા! અગર દસ દિન ઔર મિલ જાતે તો પૂરા પર્દાફાશ...
: હી શૂડ હૅવ ટ્રાઇડ... શાયદ કુછ કર પાતા. સ્ટૅ લે લેતા કોરટ સે. આજકલ તો કોરટ મેં જાને સે ક્યા કુછ નહીં ચુકતા?
: બેચારા ક્યા કરતા અકેલા? હી વૉઝ ઑલ અલોન. બચ્ચા કિડનેપ હો ગયા, ઘર વાલે છોડ ગયે ઔર યે સચ્ચાઈ કે પીછે પડા રહા. વાઇફ પાગલ હો ગઈ થી, પતા હૈ ન આપકો?
: ઇઝ ઇટ સો? વી હેડ નો આઇડિયા.
: યે તો કાફી પુરાની બાત. આર્ટિકલ છપા થા કોઈ મૅગેઝિન મેં.
: અમે તો મૅગેઝિન બેગેઝિન વાંચીએ નહીં કંઈ, ક્યાંથી ખબર પડે!
: તું ચૂપ રઈશ હવે! તું ના વાંચે એટલે કોઈ નથી વાંચતું એવું? અમથી જ જાત દેખાડતી ફરે છે તે...
ટ્રેનના ખટાખટ અવાજ વચ્ચે બીજું ફીંડલું ઊકલ્યું. કોઈ બાબાના સામ્રાજ્યનું. થ્રિલર જેવું હતું એટલે મજા પડી. માંહે રહસ્યમય ભોંયરાં, કબાટમાંથી નીકળેલાં કંકાલ અને ચાંદીની પેટીતિજોરીની માયાજાળને લીધે ઉત્તેજના વધતી ગઈ.
... ઔર આપ કો પતા હૈ?
દબાયેલા સૂરે આવેલા આવા પ્રશ્નની પાછળ પાછળ મોટા મોટા વિસ્ફોટો, અને ચહેરા પર તિલસ્મી દુનિયાનાં અઢળક આશ્ચર્યોની વણઊકલી લિપિ. આ બત્રીસ પકવાનની કથામાં પેલાં તાળાં વસાયેલાં દેખાતાં બંધ થયાં. ‘આતશ મિઝાજ’ ખરેખર કોનું નામ, શેનું નામ, માલિક જાણે!
*
એને હવે ક્યાંયે જવાનું નહોતું. સવારે ઊઠીને પક્ષીઓ જોવાનાં – સાંભળવાનાં. ઉતાવળ વિના બારીએ ઊભા રહેવાનું. બીજા લોકો કામે જાય એમને જોવાના. મલ્હોત્રાની બાઇક નીકળે, અને તાલિબ સાઇકલને સ્ટૅન્ડ પર ઊભી રાખે ત્યારે એનો મુન્નો દોડીને બહાર આવે, એને સીટ પર બેસાડી ગાલે બચી ભરીને તાલિબ સાયકલે ચડે. જુગન ઘડિયાળ જોતો જોતો દોડતી ચાલે રસ્તો પકડે. શમા ખભે થેલો ભેરવી ચંદરની રાહ જુએ. ચંદર સાડા દસમાં દસ કમે હાજર. આગલી સીટ પર શમા બેસે અને ધૂળ ઉડાડતી કાર દોડે કાચા રસ્તા પર.
એ કંટાળીને ટીવી પાસે જાય. ન્યૂઝ જોવા વિશે એને બેવડી લાગણી થતી. કંટાળો, ઉત્સુક્તા, રોષ અને હતાશાનું અજબ કોકટેલ.
: ક્યા ચલતા હૈ આજકલ? ઍન્જોઇંગ યૉર ફ્રી ટાઇમ?
: સો માય ફ્રેન્ડ, વૉટ ન્યૂઝ?
એ નકારમાં ડોક હલાવે તો એકાદ શાણો આદમી અચૂક કહેવાનો કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. એ ક્ષણે માથામાં જે ધમધમાટી અને ધણેણાટી અનુભવાય એનું શું! ઘેર બેસવાનું થાય ત્યારે ખબર પડે કામ ઝૂંટવી લેવાય તો શું થાય! સ્ટુપિડ પીપલ!
: તે તમારું અખબાર સીલ થઈ ગયું એમ? ક્યું?
: ઐસા ક્યા લિખા યાર? ઍપોલોજાઇઝ ઍન્ડ પુટ ઑન ઍન્ડ ટૂ ધ મેટર. ગલતી હો ગઈ, સો સિમ્પલ!
સાલાઓને ખબર નથી કે પેનમાં લોહી ભર્યું હોય ત્યારે નથિંગ ઇઝ સિમ્પલ. પૂરા મામલા પેચીદા.
: હવે તમે શું કરશો?
: વૉટ ઇઝ યૉર નેક્સટ મૂવ?
જવાબ સહેલો નથી. છતાં કંઈક તો કહેવાનું છે. ભૂગર્ભમાં પેસી નથી જવાનું. જે સચ્ચાઈ અંકે કરી તેને સૂરજના પ્રકાશમાં દેખાડવાની છે.
: અભી તો બેઠા હૂં. સોચતે હૈ ક્યા કરેંગે! મિટિંગ થી એડિટર ઔર બોર્ડ કે સાથ. લેટ અસ સી.
ખબર છે કે આ કોઈ ઉકેલ નથી. એડિટર અને બોર્ડ સમાધાનનું વિચારે છે. કર્મચારીઓના પેટ પર પાટુ મરાય નહીં, સત્યનું તો થશે જે થવાનું હશે તે. પણ એ મથી રહ્યો છે એકલપંડે. લહુ મેં સચ, જુબાં પે સચ. એક અદૃશ્ય કોર્ટમાં એની કેફિયત વણથંભ રહી છે હજી.
સર, યે હી સચ હૈ, આપ માનો કેમ નહીં? આપે માનવું જ પડશે. યૂ હેવ ટૂ.
પછી કોર્ટની ભીડમાં આમતેમ દેખાતી જુઠ્ઠાઓની જમાતને એ આંગળી ચીંધી ચીંધીને દેખાડે છે. પેલો ડાબેથી બીજો. એની પાછળ ઊભા છે એ બંને. અને ચોથી હારના પાંચેપાંચ અને છેલ્લે મોં સંતાડે છે એ ત્રણ. સર, આપ પૂછો. આપ ખુદાની જગ્યાએ છો એ રીતે પૂછો. એ લોકો જૂઠું બોલતાં કદાચ ડરશે. આપ પોતે એમના દિલ પર હાથ રાખીને પછી પૂછો. એમ કહો કે જે જૂઠ બોલશે તે રાખનો ઢેર બની જશે તત્કાલ. ડરશે સર, એ લોકો ચોક્કસ ડરીને સાચું બોલવા મજબૂર થશે. પ્લીઝ, સર... સાચને પોતાની તાકાત હોય છે.
*
દાઢી વધી ગઈ છે. હતી જ પહેલેથી પણ હવે લાંબી થઈ ગઈ છે. માશૂક પાછળ સાનભાન ભૂલીને ભટકતા પાગલ આશક જેવી. પેટમાં ખાડો પડ્યો છે, ખાવાપીવાનાં ઠેકાણાં નથી રહ્યાં. જે શોધ્યું છે તે આમજનતાને કહેવાનું છે. ડરો નહીં. આ તમને જે ડરાવે છે એ ઘાસનાં પૂતળાં છે. સત્યના તણખા માત્રથી બળી જાય એવાં, પોલેપોલાં. એટલે જ તમને બોલવા નથી દેતા એ લોકો. ભય તો એમણે અનુભવવાનો જે જૂઠા છે, મોં સંતાડે છે એ લોકો, તમે શા માટે? એક પથ્થર તો તબિયત સે ઉછાલો, યારોં!
છતાં આવું સાંભળવા માટે સામે કોઈ નથી. એને જોતાંવેંત સહુ ગાયબ થઈ જાય છે, પીઠ દેખાડી પલાયન. ડરપોક, પાણીપોચા, નકામા. જીભ બધું સાચવી સંઘરીને બેઠી છે. જો ખૂલે તો નીકળે કથાઓનો કારવાં, વણથંભ. સૂનો તો સહી કોઈ!
બીજી ઑક્ટોબરે સ્વચ્છતા માટે જે ક્લીનેથોન ચાલવાની છે એ વખતે એકઠા થયેલા યુવાવર્ગને કહી સંભળાવાય? બોલાવાય બધાંને કંઈ ગીત ગાઈને, ડફલી વગાડીને?
: પકડી જશે તને, ગાંડા! પછી તેં જહેમતથી ભેગી કરેલી સાચી વિગતોનું શું? કશું કરવું હશે તોયે નહીં થાય જેલના સળિયા પાછળથી. ચૂપ બેસ! આજે નહીં તો કાલે, ‘આતશ મિઝાજ’ સૂરજ કી રોશની દેખેગા. તબ કહના સબ. ઉપર દેર હૈ, અંધેર નહીં!
ભીતર ભાર વધતો જાય છે. સત્યનો ભાર. અપ્રગટ સત્યનું પ્રચંડ વજન. હૃદય ફાટી પડે એટલી તાણ. બખિયા તૂટતા જાય છે, ક્યાંકથી લોહી દદડી પડશે એવી ભીતિ બેચેન બનાવી મૂકે છે. વારંવાર ‘આતશ મિઝાજ’ની કચેરી સામે ઊભો રહે છે. એને જોઈને આજુબાજુ ટોળું જમા થઈ જાય છે.
: કેમ અહીં? ક્યું? વ્હાય?
: ખોલો, ભઈ ખોલો! હમેં તો પઢના હૈ અખબાર. સબેરે સબેરે ‘આતશ મિઝાજ’ નહીં દેખા તો ક્યા દેખા?
છે ખરા થોડા. આવું માનનારાવે છે. બેચેન હશે એ સહુ. એમને સામે બેસાડી કહેલું છે. સાંભળો, તમને ખરેખર તો કંઈ ખબર જ નથી, કંઈ જાણતાં નથી તમે, જે જાણવા જેવું છે એ તમારે મરતાં પહેલાં જાણવું પડશે. આ સત્ય જાણ્યા પછી જ મરવાનું. શી ખબર તમે પણ ગમે ત્યારે...
ના, ના, એમ નહીં. ખુદા લમ્બી ઉમ્ર દે સબકો. પણ કહેવાય નહીં. સાચું બોલનારા અને સાંભળનારા ઢળી પડે છે ગમે ત્યારે, જાતે નહીં, એમને ઢાળી દેવામાં આવે છે. થોડા હાથ હોય એવા, જબરા અને જાલિમ. ક્યાંથી આવે, અને ક્યાં જાય, ખબર ન પડે. સ્વતંત્ર હાથ, શરીરથી અલગ એકલા અટૂલા અંધારામાંથી આવે, અને ગરક થઈ જાય અંધકારમાં. કોઈકે મોકલ્યા હોય કામ સોંપીને, એટલે કામ અચૂક પાર પાડે, કામ પ્રમાણે દામ. મરવું છે તારે સાચની ધજા લઈને? શબ્બીર પૂછે છે. ‘આતશ મિઝાજ’નો સાથી શબ્બીર, જિગરજાન.
રાતે સપનામાં તાળાં ઊઘડે છે. તંત્રીવિભાગમાં ચાની ચૂસકીઓ ચાલે છે. ભારે ચહલપહલ છે. કોઈ એના ખભા પકડી હચમચાવે છે. બોલીએ, જનાબ, આપ કુછ ફરમા રહે થે ના? એ બોલવા માટે ગળું સાફ કરે છે ત્યાં સામે કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા ચપટીમાં, સંતાઈ ગયા કે શું! યાર, આ કંઈ લૂપાછૂપીનો ખેલ નથી, ધિસ ઇઝ એ વેરી સિરિયસ મેટર, ઍન્ડ અર્જન્ટ, ઍન્ડ યુ મસ્ટ... ટ્રુથ મસ્ટ પ્રિવેઇલ!
સવાર થઈ એમ શી રીતે જાણ્યું જ્યારે સૂરજ નીકળ્યો નહોતો અને દુનિયા ધુમ્મસમાં અદૃશ્ય થઈ હતી? એણે અચરજ સાથે બારી ખોલી. સૂરજ લાપતા, તોયે હતી તો સવાર. રસ્તા દોડધામથી રઘવાયા, સબ્જીની ટોકરીઓ, ફૂલગજરા, મટનમચ્છી, સાઇકરિક્ષા અને બસમોટર, કોલાહલ પૂરેપૂરો.
ટપરી પર ચા પીવાની ઇચ્છાથી એ નીકળ્યો. આમ ધુમ્મસમાં ચાલવાનું ગમ્યું. પગ જમીનને અડતા ન હોય એવો ભાસ થાય. એની દિશામાં જ હવામાં તરતા તરતા બે બુઢ્ઢા આવી રહ્યા હતા. એમની પાછળ પણ એવા બીજા આકારો દેખાયા. ફિરસ્તા જેવા. છેક પાસે આવ્યા ત્યારે સમજાયું કે આ બધા એક જ સંસ્થામાં રહેતા હશે. એકસરખાં કપડાં, ભૂખરાં આસમાની. સો ઉપરની અથવા નજીકની કોઈ પણ વય. પાંપણ સફેદ, ઝાંખી આંખો, તગતગતી નસોમાં ભૂરા રંગનું લોહી. લાંબું જીવવાનું આવે ત્યારે લોહીનો રંગ બદલાઈ જતો હશે? આ ઘરડાખખ આદમીઓ, પ્રાણીબાગમાં ફરવા નીકળેલાં બચ્ચાંઓ જેવા, હળહળુ ચાલતા અને આછું આછું ભાળતા, ક્યાં જતા હશે! સાથે બે સેવકો પણ દીઠા, સંભાળ રાખવા મોકલ્યા હશે એમને.
એણે ટપરી પાસે જઈ ચા મંગાવી. સબ કે વાસ્તે. સહુને લાકડાની પાટલી પર બેસાડ્યા. વૃદ્ઘટોળી બેઠી. આપ કા નામ! વૃદ્ધો બાળક જેવું મલક્યા, પેલા બેમાંના એક સેવકે કહ્યું કે એમને એમનાં નામની ખબર નથી. એ કશું જાણતા કરતા નથી. આ એમનું સેકન્ડ ચાઇલ્ડહૂડ.
હરકત નહીં. વાત કરી શકું એમની સાથે? બોલવાનું મારે, એમણે માત્ર સાંભળવાનું.
: ક્યું નહીં? વ્હાય નૉટ? અચ્છા લગેગા સબકો. બાત કરને કે વાસ્તે કોઈ આતા નહીં હૈ કભી!
એણે એક ઘૂંટે ચા ખતમ કરીને ખોંખારો ખાધો. ઝભ્ભાની બાંયો ચડાવી, અને ડોક ટટ્ટાર કરી.
: અબ આપ સુનને જા રહે હૈ એક ઐસા સચ, જિસે આજ તક...
નાનકડી શ્રોતામંડળી પેલા ઊઘડતા-બંધ થતા હોઠમાંથી સરકતા શબ્દોને ચકિત થઈ સાંભળવા લાગી. એમને માટે આ અનુભવ નવીન અને ઉત્તેજક. પૂર્વજન્મની ટેવ હશે કે શું, તે ખરેખોટે સ્થાને દર બેપાંચ મિનિટે તાળીઓ પાડવામાં સહુને બેહદ ગમ્મત આવતી હતી.
જેમ જેમ વાણીનો ધસમસતો પ્રવાહ નિર્ભીક અને અનવરોધ વહેતો ગયો તેમ તેમ એના હૃદય પરનો બોજો હળવો થતો ગયો. જેમને સાચવવાના હતા એ તમામ એક જ જગ્યાએ નિરાંતે બેસીને, કોઈ અજાણ્યા જણને સાંભળવા જેવી, અને તાળીઓ પાડવા જેવી, નિર્દોષ પ્રવૃત્તિમાં રોકાયા હતા એમ ભાળી, સેવકો જરા દૂર સિગારેટ પીવામાં પડ્યા.
આમ તો ધુમ્મસ પ્રગાઢ, અને સૂર્ય ગેરહાજર, તેમ છતાં...
સ્રોત
- પુસ્તક : ધારો કે આ વાર્તા નથી (પૃષ્ઠ ક્રમાંક 72)
- સર્જક : હિમાંશી શેલત
- પ્રકાશક : અરુણોદય પ્રકાશન
- વર્ષ : 2018
