Dhimu Jher - Short Stories | RekhtaGujarati

શ્રાવણની મેઘલી સાંજે ઘેર પાછી વળતાં લીલાનું મન જાણે આપોઆપ કશાક અનિષ્ટની આશંકાએ ભારે થઈ ઊઠ્યું. આમ તો કેટલીયે વાર પ્રભાતની જોડે ફરવા ગઈ છે, આજનું મિલન કંઈ નવું નથી, પણ આજે હૃદયમાં આછેરો કંપ જાગી ઊઠ્યો. એનો તે પ્રણયગંભીર ઘેરો સૂર સંભળાતો હતો. ‘તો લીલા, તું સાચે લગ્ન કરશે ને?’ ને તે પોતાનો લજ્જિત જવાબ પણ મનોમન પાછો ફરીવાર અનુભવી શકતી હતી. હૃદયનો પેલો ફફડાટ, અને મંદ, અતિ મંદ હકાર.

પણ બારણામાં પગ મૂકતાંવેંત તેને લાગ્યું કે આજનું વાતાવરણ કંઈ જુદું છે. રોજની જેમ કોઈએ તેને હસીને બોલાવી નહીં. તેણે નાનકડી બેબીને ઊંચકીને રમાડવા માંડી ત્યાં બાપુજી તીખા, ભારે અવાજે બોલ્યા, ‘જલદી જમી લે ને પછી બહાર આવ, તારું કામ છે.’

લીલાના કાળજામાં ઓચિંતું ધક્ધક્ થવા માંડ્યું. લોહી જાણે ફરતું બંધ થઈ ગયું હોય તેમ તે શૂન્ય નજરે જમીન સામે જોઈ રહી. રસોડામાં કમળાબહેન ઉદાસ ભાવે બેઠાં હતાં. જમવાની તૈયારી કરતાં લીલાએ બેત્રણ વાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે ‘મને ખબર નથી. તું જાણે ને તારા બાપુજી જાણે,’ કહી વાત ટાળી નાખી. લીલાના મોંમાં રોટલીના લોચા વળવા લાગ્યા. જીભ સુકાઈ ગઈ હતી. ગળામાં જાણે ગઠ્ઠો બાઝ્યો હોય તેમ દુઃખતું હતું. પાણીના બેચાર ઘૂંટડા પીને તેણે કોળિયો ગળે ઉતાર્યો, પણ કમળાબહેને તેને ટોકી નહીં. તે ઓલવાઈ ગયેલી સગડીને અમસ્તાં ખંખેર્યા કરતાં હતાં. લીલા હવે ખરેખર ગભરાઈ ઊઠી. નિઃશબ્દ ગાંભીર્ય તેનાથી સહેવાતું નહોતું. ‘મારે ભાત નથી જોઈતો’ કહીને તે ઊઠી ને મોરીમાં હાથ ધોઈ નાખ્યા. કમળાબહેને જરાકે આગ્રહ કર્યો. એવા વિષણ્ણ મુખે રસોડામાં બેસી રહ્યાં.

ડરતી, ગભરાતી લીલા બાપુજી પાસે ગઈ. એમણે છાપું નીચે મૂકી લીલા સામે જોયું.

‘આજે તું ક્યાં ગઈ હતી?’

‘બહાર, વિદ્યુત્ને ઘેર.’

‘લીલા, હું બધું જાણું છું. સાચેસાચું બોલી દે.’

અને લીલા, બાવીસ વર્ષની, ગ્રૅજ્યુએટ થયેલી લીલા એકદમ રોઈ પડી, પણ આજે તેનાં આંસુ સામે કોઈ લાગણીથી, સહાનુભૂતિથી જુએ એમ નહોતું. બાપુજી એની ઠંડી શાંતિથી જવાબની રાહ જોઈ રહ્યા હતા. ડૂસકાં ભરતાં ભરતાં તે બોલી, ‘ફરવા.’

‘પ્રભાત જોડે?’

‘હા’

બસ, શબ્દની જાણે રાહ જોવાતી હતી. બાપુજીનો ક્રોધ ભારેલા અગ્નિની જેમ ભભૂકી ઊઠ્યો. ‘હા કહેતાં શરમ નથી આવતી? મારે અફીણ ખાવાનો વારો લાવવો? લીલા, એમ નથી સમજતી કે આખો જમાનો જેમ વંઠી ગયો છે એમ તારાથી પણ બહેકી જવાશે. ગમે તેવા ભિખારડા જોડે તું પરણીને આવે એટલે ચાર દિવસ રહીને તારા માનમાં મેળાવડો કરી તને પાછી બોલાવે એવાં તારાં માબાપ નથી એટલું યાદ રાખજે. મારે એક છોકરી લઈને બેસી રહેવાનું નથી. કુળ-કુટુંબ, આબરૂ, બધું સાચવવાનું છે સમજી? નહીં ન્યાત, નહીં ભણતર, નહીં આબરૂ, પાસે ખાવાને ખાખ નહીં એવા બે બદામના રઝળતા માણસ જોડે ફરવા જતાં લાજ નથી આવતી તને? ડૂબી મર મારા મોં આગળથી, મને તારી સામે જોવું નથી ગમતું.’

લીલા માર ખાધેલા પશુની જેમ નીચું જોઈને ઊભી રહી હતી. તેના મનોરથની દુનિયા પર થયેલો ઓચિંતો ઉલ્કાપાત જાણે હજી તેનાથી સાચો મનાતો નહોતો. પણ થોડાક દિવસમાં તેને ખાતરી થઈ ગઈ કે હવે તેની જિંદગીનો પ્રવાહ બીજે ઢાળે વહેવાનો હતો. તેને કોઈ જોડે બોલવા દેવામાં કે બહાર જવા દેવામાં આવતી નહીં. રાતદિવસ માનું મૌન, પિતાનો ક્રોધ અને નાની બહેનનું બાળસુલભ કુતૂહલ બધાંથી તે ગાંડા જેવી થઈ ગઈ. એકબે વાર તો તેણે નાસી જવાનો પણ પ્રયત્ન કર્યો. પણ ઘરનો ઉંબરો છોડવા સહેલો નહોતો. કુટુંબની મમતા તો જાણે તે વિસારી દે, પણ બહાર નીકળીને ક્યાં જવું? પ્રભાત કોઈ ફેક્ટરીમાં આઠ રૂપિયા કમાતો હતો ને કાકાને ત્યાં રહેતો હતો. કાકા કદી પરન્યાતનું લગ્ન વધાવી લેવાના નહોતા. અને આબરૂદાર મધ્યમવર્ગના કુટુંબમાં ઊછરેલી લીલા, ભલે ને પ્રભાત સાથે હોય તોયે ફૂટપાથનું શરણું લઈ શકે તો તદ્દન અસંભવિત હતું. તો આવી વિષમ પરિસ્થિતિમાં તેણે કરવું શું?

મૂંઝવણ અને ચિંતામાં તેણે એક પછી એક દિવસ કાઢવા માંડ્યા. એક વખત તેની બહેનપણી વિદ્યુત્ આવી ને, તેને પ્રભાત બધું જાણે છે ને હિંમત રાખી રાહ જોવા કહે છે એટલું કહી ગઈ હોત તો વખતે તેનું મગજ પણ ઠેકાણે રહેત. બાજુ તેને બીજે પરણવા માબાપ તરફથી દબાણ થયા કરતું પણ તેણે તો એક જવાબ ગોખી રાખેલો, ‘પરણીશ, તો પ્રભાત જોડે.’ ઘરમાં બધાં તેની જીદથી કાયર થઈ ગયાં હતાં. પણ શું થાય? ઉંમરલાયક દીકરીને કંઈ પહેલાંની માફક હાથપગ બાંધીને થોડી પરણાવી દેવાય છે? અને પાછો મુરતિયો પણ તૈયાર થવો જોઈએ ને?

જેમ જેમ વખત વહેતો ગયો તેમ તેમ લીલાનો પ્રશ્ન ભારે વિકટ બનવા માંડ્યો. આજુબાજુ વાત થવા માંડી. ઘરમાં વાતાવરણ અત્યંત ભારે ને ગમગીન રહેવા માંડ્યું. લીલા એકલી નહીં, પણ માબાપ સુધ્ધાં આપઘાત કરીને મરવાના વિચાર કરવા લાગ્યાં. વાત આટલે લગી આગળ વધી હતી ત્યાં એક દિવસ રંગૂનથી લીલાના કાકા મણિલાલનો તાર આવ્યો કે તે મુંબઈ આવે છે. તેમના આવવાના ખબર જાણી ઘરમાં ધમાલ મચી ગઈ. તે ઉંમરે પણ મોટા હતા ને વળી વેપારમાં ખૂબ પૈસો કમાયા હતા એટલે ઘરમાં એમની પ્રતિષ્ઠા ઓર હતી, એમને બે દીકરા ને એક દીકરી હતાં તોયે કુટુંબે તેમના વારસામાંથી થોડુંઘણું મેળવવાની આશા હજી છોડી નહોતી એટલે લાલાને પણ તાકીદ કરવામાં આવી કે તેણે તેની ગાંડી વાતોનો ઇશારો સરખો મણિલાલ કાકા આગળ કરવો નહીં.

લીલા બધી તૈયારીઓ પાછળ તદ્દન બેપરવા હતી. દહાડે ઊંઘવું, રાતે જાગવું, રેડિયો પર આવતી દર્દભરી રેકર્ડો સાંભળી રડવું. મેલાંઘેલાં કપડાં પહેરવાં ને વાળનું, દેખાવનું જરા પણ ધ્યાન રાખવું નહી તેની હવે આદત થઈ ગઈ હતી. તેને ખાવાપીવામાં પણ રસ નહોતો. ભૂખ લાગે ત્યારે ગમે તે ખાઈ લેતી. કોઈ વાર ઠંડે પાણીએ નહાતી, તો કોઈ વાર નહાતી. ક્યારેક વળી પ્રેમની નવલકથાઓ કે વાર્તાઓ લઈ વાંચવા બેસતી તો ઘડીમાં કંટાળીને છૂટા ઘા કરી આખો દિવસ પથારીમાં પડી રહેતી. કોઈવાર ધ્યાનમાં આવે તો વાસણવાળી બાઈને ઘેર જવાનું કહી પોતે વાસણ માંજવા ને કપડાં ધોવા બેસી જતી. કદાચ પ્રભાતની સાથે જીવવું આકરું પડે વિચાર મનમાં હોય પણ ખરો. પણ વળી પાછી ધૂન ઊતરી જાય એટલે કામના ઢગલા પડ્યા હોય તોયે સામે પણ જોતી. આવી તેની મનોવૃત્તિ હતી. તેમાં મણિલાલકાકાના આગમનથી વળી શો ફેર પડે? અને પોતાની વાત કંઈ તે તેમને થોડી કરવા બેસવાની હતી? હતા તો બાપુજીના ભાઈ ને!

માબાપ તરફ તેના મનમાં કેવો છૂપો વિદ્રોહ સળગતો હતો તે કાબેલ મણિલાલે આવતાંવેંત જોઈ લીધું. લીલાની વાત તેમનાથી અજાણી રાખવા જેવું કંઈ હતું નહીં, કારણ પહેલે દહાડે તેમણે સ્પષ્ટ કહી દીધું કે પોતે વાત જાણીને જ, અને બને તો કંઈ મદદ કરવાના હેતુથી આવ્યા હતા. લીલાનાં માબાપને તો પ્રભુ પધાર્યા હોય એવું લાગ્યું. આટલા દિવસથી બંને ખૂબ મૂંઝાઈ ગયાં હતાં. તેમણે આંખમાં આંસુ સાથે માંડીને બધી વાત ભાઈને કહી ને કુટુંબની આબરૂ બચાવી લેવા વિનંતી કરી. મણિલાલે તેમને આશ્વાસન આપીને લીલાની આખી વાત પોતાને સોંપી દેવા કહ્યું. બંને જણે રાહત અનુભવી તેમના હાથમાં સુકાન સોંપ્યું.

મણિલાલે એકબે દિવસ તો બધો રાહઘાટ જોયા કર્યો. ‘અરે નાનાભાઈ! કમળા! શું માંડ્યું છે તમે બંને જણાંએ આ? નહીં બોલવું, ચાલવું, હસવું, ઘર છે કે સ્મશાન?’ તેમનો પહાડી અવાજ ગાજી ઊઠ્યો.

લીલા કૌતુકથી ચોપડી નીચે મૂકી તેમની સામે જોઈ રહી. તેની સામું ફરી તેમણે આગળ ચલાવ્યું, ‘અને તુંયે શું લીલા? આવી જુવાનજોધ છોકરી ઘરમાં ઉંદરડીની પેઠે રાત-દહાડો ભરાઈ રહેતાં શરમાતી નથી? ચાલ, તૈયાર થા જોઉં, ને બુઢ્ઢાકાકાને જરા તારી મુંબઈ તો બતાવ?’

લીલાને ત્રણ મહિના પછી મળેલો સ્વતંત્રતાનો આસ્વાદ ખોટો લાગ્યો. પહેલાંની જેમ સાદું છાપેલું છાયલ પહેરી તે તૈયાર થઈ. મણિલાલકાકા સામે જરા વાર જોઈ રહી. બોલ્યા, ‘ક્યાં જાય છે, શાક લેવા? જોકે અમારી રુચિરા તો આવું લૂગડું પહેરીને શાક લેવા તો શું, ઓટલે દાતણ કરવાય ઊભી રહે.’ શરમાઈ જઈને લીલા બોલી, ‘કાકા, મારી પાસે તો આવાં લૂગડાં છે.’

‘શું કહે છે? અરે કમળા, શું? છોકરીને આવી ફેરવો છો? એના તો પહેરવા ઓઢવાના દિવસો કહેવાય.’ મણિલાલકાકાએ કહ્યું.

અને સાંજે લીલા ને કાકા પાછાં આવ્યાં ત્યારે ટૅક્સીમાંથી સામાન ઉતારવા કામવાળીની મદદ લેવી પડી. જાતજાતનાં બૉક્સોમાંથી નાયલોન, શિફોન અને પ્યોર જ્યોર્જેટની પાણીની ધાર જેવી પાતળી ને રંગબેરંગી સાડીઓ નીકળી. સ્વદેશી ઉદ્યોગને પણ મણિલાલ ભૂલ્યા નહોતા. કેસરી રંગ પર કાળી કિનારની અને લીલા કિનારપાલવ વડે વચ્ચેની પીળી ભોંયને ઝબકાવતી માયસોર બૅન્ગલોરની પાણીનું પોટલું બંધાય એવા ઘટ્ટ પોતની રેશમી સાડીઓ પણ તેમણે આણી હતી. ઝીણા કાશ્મીરી રેશમ પર હાથી, ઘોડા, ઢીગલીઓ ને મોર-પોપટની છાપવાળી ચાર સાડીઓ તો હતી. અને સાટીનના ક્રેપ-ડ-શીનના, લપ્પાના જરીના વણાટવાળી ચોળીના ખંડોનો પણ જાણે ગંજ ખડકાયો હતો.

આટલું બધું ખર્ચ કરવા માટે લીલાનાં માબાપ કંઈ પણ બોલે તે પહેલાં તેમણે આસ્તેથી ફૂંક મારી દીધી. ‘તમે જુઓ તો ખરા. બધું લગ્નમાં કામ લાગશે.’ અને લીલાને મોટેથી કહ્યું, ‘જો દીકરી, હવે ખોચરાની સાલના મેરાઈને પકડી લાવીને મારા પૈસાનું પાણી ના કરાવતી. જોઈ તો રુચિરા આવતે અઠવાડિયે આવે પછી સિવડાવજે.’

અઠવાડિયું ગયું ને રુચિરા આવી. તેની સાથે એક બાબો, એક આયા, એક નોકર ને વર હતાં. આંખો કાળી અને સત્તાશીલ, નાક-મોં ઘાટીલાં ને દેહયષ્ટિ નાજુક હતી; પૈસો તે પાણીની પેઠે વાપરતી. નાનપણમાં પિતાનાં લાડ તે પામી હતી. પણ ભૂલી જવાય તેટલી સાહ્યબી એને સાસરે હતી. ત્યાં લક્ષ્મીની છોળો ઊડતી ને ઘરનાં બધાં બંને હાથે પૈસા વપરાય તેટલા વાપરવામાં મોટાઈ માનતાં. ચાર દિયરજેઠ વચ્ચે એક પૌત્રનાં દર્શન સાસુસસરાને થયાં હતાં. તેથી રુચિરાવહુ સૌની માનીતી હતી. તેનો પતિ કાશ્યપ દેખાવમાં છેક સાધારણ અને અનાકર્ષક હતો. તેનામાં ઝાઝી અક્કલ હતી નહીં, ને હતી તેટલી રુચિરાની ખિદમત ઉઠાવવામાં વાપરતો એટલે તે તેનાથી સંતુષ્ટ હતી.

આવી ઝાકઝમાળ રુચિરા આવી અને હોટેલમાં ઊતરતાં કાકાને ઘેર ઊતરી તેના પાડ તળે દબાઈ ગયેલાં કાકા-કાકી ચામડીના જોડા સિવડાવવા સુધ્ધાં તૈયાર થઈ ગયાં. માબાપના અહોભાવનો પડઘો થોડેઘણે અંશે લીલાએ પણ ઝીલ્યો. કંઈક ઈર્ષ્યા કુતૂહલ અને કંઈક સમાન વયને પરિણામે બંધાતી મિત્રતાને લીધે તે તેની સાથે હરીફરી, તેનો સામાન જોયો અને છક થઈ ગઈ. પોતાને મણિલાલકાકાએ અપાવેલી વસ્તુઓ હવે તેને તુચ્છ લાગવા માંડી.

‘તૈયાર થવું’ શબ્દો પાછળ કેવી ને કેટલી ગહન ક્રિયાઓ સમાયેલી છે તેનો તેને હવે ખ્યાલ આવ્યો. રુચિરાની દોરવણી નીચે તેણે પણ સૌંદર્યની સજાવટનાં સાધનો ખરીદવા માંડ્યાં અને પ્રયોગના સૂત્રધાર મણિલાલ જાતે જરા ખંચકાઈ જાય તેટલી રકમનાં બિલ તેમને આપવા માંડ્યાં.

આટલી સહેલાઈથી ટૅક્સી કરી શકાય, આટલી સંખ્યામાં સિનેમા જોઈ શકાય, રોજેબરોજ બહાર ફરી શકાય, ખર્ચાળ હોટેલોમાં જમી શકાય બધું તે પહેલી વાર અનુભવતી હતી. આજ લગી મધ્યમ વર્ગના કુટુંબની રીતે તે રહેલી તેમાં વળી બાપનો સ્વભાવ જરા કંજૂસ, અને ખરચ કરવા જેવી તેની ઉંમર થાય ત્યાં તો તે પ્રભાત પ્રત્યે આકર્ષાઈ. ગરીબ વરની વહુ થવાના કોડ સેવનારી તે મનને મારવામાં આનંદ સમજતી. બસને બદલે ટ્રામમાં બેસવાનું પસંદ કરનારી ને હાથે કપડાં ધબકાવી નાખનારી લીલા હમણાં જાણે ઝપાટાભેર કોશેટો મટીને પતંગિયું બની રહી હતી. તેની આંખ સામે એક નવી દુનિયા - પૈસાદારની દુનિયા ખૂલતી હતી અને મુગ્ધ નયને તે તેના તરફ ખેંચાતી જતી હતી.

જોકે પ્રભાત તદ્દન ભુલાઈ ગયો હતો એવું તો નહોતું જ. કિશોર વયની પહેલી પ્રીત એમ વિસારવી સહેલ નથી. કોઈક ગીત, કોઈની ચાલવાની ઢબ, કોઈનું ખમીસ, એકાદ શબ્દ કે કોઈ પ્રિય પુસ્તક સ્મૃતિની સંજીવની જેવું એવં કંઈક પણ અડફેટે ચઢે કે પહેલાં પહેલાં તો લીલા ઉદાસ બની જતી. ફરવાના, સિનેમા જોવાના કાર્યક્રમો એકદમ બંધ કરી દેતી, કોરી રહેવા શીખેલી આંખોને આંસુના પૂરમાં ડુબાડી દેતી. બોલતી નહીં, ઉદાસ નયને ચૂપચાપ બેસી રહેતી. રુચિરાના સત્તાશોખીન જીવને નવું કામ બહુ ગમી ગયું હતું. ઊલટથી તે લીલાના જીવનપલટામાં આગળ પડતો ભાગ ભજવતી. પ્રભાતની વાતો પૂછતી, સહાનુભૂતિ દર્શાવતી ને સાથોસાથ પોતાના ઐશ્વર્યની ઝલક પણ બતાવ્યા વિના રહેતી.

ક્યારેક લીલા ગૂંચવાઈ જતી. શું કરવું તેની સમજ પડતી. પ્રભાત તેને હજી ગમતો. રુચિરાના વર સાથે તેની સરખામણી કરતાં તે ગૌરવ અનુભવતી. પણ ક્યારેક તેના મનમાં એક સમજાય તેવો ઓળો પડતો. ગરીબીની ઝાંખી કારમી લાગતી. અને પાછો કૌટુંબિક પ્રશ્ન તો હતો જ.

એક દિવસ સિનેમામાં ઉપરની ટિકિટ મળવાથી લીલા ઘેર પાછી આવી. પ્રભાતના સમાચાર લાવેલી વિદ્યુતનું ‘તું મોટું માણસ થઈ ગઈ લાગે છે’ એવું વચન સાંભળતાંવેંત ધૂંધવાઈ ઊઠી ને માણસે માણસની રીતે તો રહેવું જોઈએ સંબંધે એક સારું એવું ભાષણ કરી નાખ્યું. બે દિવસ પછી ફક્ત એક શાક કરવા માટે તે મા જોડે લડી. અને એક મનગમતી સાડી લાવી આપવાનું કહેવા કાકા જોડે લાડ કરવા બેઠી; અનુભવી, ચાણક્યબુદ્ધિવાળા કાકા બધી નાની વાતો જોતા હતા, ધ્યાનમાં લેતા હતા ને હરખાતા હતા.

હવે સોગઠી પાકેલી જોઈ તેમણે દાવ માર્યો. એક રાતે કુટુંબ આખું સાથે મળીને બેઠું હતું ત્યાં તેમણે શરૂ કર્યું ‘નાનાભાઈ! ઉંહ, આપણને વાત નથી પસંદ.’

‘કઈ વાત?’ ગભરાઈ જઈને લીલાના પિતા બોલ્યા.

‘કઈ તે તમારી, આપણી લીલાને તમે આમ કશે એકલી જવા દો તે ભાઈ આપણને તો નથી ગમતું. અરે. હવે કંઈ નાની છે કે તમે આમ બાટલીમાં પૂરીને ઉપરથી બૂચ વાસી રાખો છો!’

‘પણ જાય છે ને! રુચિરાબહેનની ને તમારી જોડે તો...’

‘અરે પણ એકલીયે ફરવા દેવી જોઈએ. એને જ્યાં જવું હોય ત્યાં છૂટથી હરે ફરે.’

‘તે એમ કરે. કોણ ના કહે છે?’

લીલાને કાકા ફિરસ્તા જેવા લાગ્યા. બીજે દિવસે તે પ્રભાતને મળી. ત્રણ મહિના પછીની મુલાકાત કેટલી આનંદભરી હતી! પણ જાણે શાથી પ્રભાત વારેઘડીએ લીલાના હાવભાવ, દેખાવ ને ક્યારેક વાતચીતથી પણ ચમકી ઊઠતો હતો. અને અંતે તો તે ગંભીર થઈ ગયો. લીલાએ ટકોર કરી ત્યારે તે સીધેસાદે ભાવે બોલ્યો, ‘લીલી, કોને ખબર શાથી, પણ તું બદલાઈ ગઈ લાગે છે.’

લીલા ચિડાઈ, ‘રાત દહાડો તારે માટે રડી, નિસાસા નાખ્યા ને જેમ તેમ કરતાં જીવી ત્યારે તું આવું બોલે છે?’

‘લીલી, એવું તો કંઈ બહુ લાગતું નથી,’ પ્રભાત બોલ્યો, ને તકરાર જામી. અંતે પાછાં બંને એકમેકને મનાવીને છૂટાં પડ્યાં હતાં, તોયે જરાક ખટકો રહી ગયો.

બીજે દહાડે કાકાએ કહ્યું : ‘જો લીલા, મેં નાનાભાઈ અને કમળાને સમજાવ્યાં છે. તારે જ્યાં લગ્ન કરવું હોય ત્યાં કરવાની એમણે છૂટ આપી છે.’

લીલાના મુખ પર હર્ષ ઊભરાયો પણ કાકાએ આગળ ચલાવ્યું, ‘પણ લીલા, બેટા! તું ભણેલી-ગણેલી છે, ડાહી છે, સમજુ છે. તને વધારે શું કહું? ક્યાંક ખરાબે ચડી જતી હોં બહેન. પંદર દિવસમાં જે તે નક્કી કરીને અમને જવાબ આપી દેજે.’

ચેતવણીના સૂરે લીલાનો ઉત્સાહ ટાઢો પાડ્યો પણ તે ક્ષણભર જ. આનંદઘેલી મૃગલી જેવી નાચતી કૂદતી થનગનતે હૈયે તૈયાર થઈ. નવી અને અતિપ્રિય પારદર્શક રંગીન ચમકતી છીપનાં ફૂલ ટાંગેલી આસમાની નાયલોનની સાડી અને તેવા તેના રંગનું રેશમી બ્લાઉઝ પહેરી, રુચિરાની મોતીની કંઠી ને રવિફૂલથી શણગારાઈ આછો મેક-અપ કરી તે બહાર નીકળી ત્યારે તે સાચે સુંદર લાગતી હતી. નવી જાતની હૅન્ડબૅગ અને સૅન્ડલ્સ સમે લોકો જોઈ રહેતા ત્યારે તેને ખુમારી ચઢતી. ખુશખુશાલ થતી તે પ્રભાતને ઘેર પહોંચી ને કહ્યું ‘ચાલ, આજે આપણે પિક્ચર જોવા જઈએ.’

‘લીલી, કેવી સરસ લાગે છે તું! પણ ચાલ ને એના કરતાં આપણે ફરવા જઈએ.’

‘કેમ?’

‘પૈસા નથી, લીલીછમ્, તું જાણે છે ને કે આજે ત્રેવીસમી તારીખ છે. હવે અઠવાડિયા માટે બંદા કડકાબાલૂસ,’ નિષ્ફિકર ભાવે પ્રભાત બોલ્યો.

લીલા હતાશ થઈ. સાજશણગાર કોઈ જુએ નહીં તો પછી મઝા શી? છતાં તેણે ફરવા જવાનું કબૂલ્યું. થોડેક ગયાં હશે ને વરસાદ તૂટી પડ્યો. તે પળે ટૅક્સી જતી હતી. સૅન્ડલ ને સાડી નજર આગળ રોળાઈ જતાં લીલા સહી શકી, તેણે હાથ કરી ટૅક્સી ઊભી રાખી. પ્રભાત કાણાંવાળી છત્રી માથે ધરી લીલા સામે જોઈ રહ્યો. તેની દ્રઢ નજરનો તાપ લીલાને ગમ્યો. નજર ખસેડી નાખી તે બોલી. ‘ચાલ જલદી, બેસી જઈએ. પલળી જઈશું.’

‘તો શી આફત આવવાની છે? એમ તો આપણે કંઈક વાર પલળ્યાં છીએ.’

લીલાને જીભાજોડી ગમી. ડ્રાઇવર પણ અકળાતો હતો. તેણે જરા રુક્ષ કંઠે કહ્યું, ‘ખોટી માથાફોડ કરાવ. કપડાં ખલાસ થઈ જાય છે.’

‘ઓ હો! પણ મારી પાસે ટૅક્સીના પૈસા નથી.’

‘હું આપીશ, ચાલ બેસી જા.’

‘તારે પૈસે મારે ટૅક્સીમાં ફરવું નથી, તું તારે જા, હું તો પહોંચી જઈશ.’ ને મસ્ત પ્રભાત વરસતે વરસાદે ચાલ્યો.

તેની પાછળ દોડી જવાનું મન હવે લીલાને નહોતું થતું. ખીજમાં ને ખીજમાં તે બારણું પછાડી ટૅક્સીમાં બેસી ગઈ. ને પાસેથી પસાર થતા પ્રભાતનાં કપડાં પર ટૅક્સીનાં પૈડાંએ ગંદા પાણીની એક છાલક ઉડાડી ત્યારે તેને ખાસ ખરાબ લાગ્યું.

પેલી મઝાની વાત તો આજે કહેવાઈ નહીં. ફરી ફરી તેઓ મળ્યાં, પણ સોનેરી સમય તો જાણે મળ્યો નહીં. કોઈ વાર પ્રભાત ગંભીર ભાવે તેને રુચિરાના દાગીના પહેરવાની ના કહે. તો કોઈ વાર તેની અનિચ્છા છતાં થર્ડ ક્લાસમાં લઈ જાય. સાડા દસ આનાની ટિકિટમાં સિનેમા બતાવે, તો વળી કોઈ વાર લીલીએ જ્યારે અત્યુત્તમ વસ્ત્રાલંકાર સજ્યાં હોય ત્યારે અધવચ, ‘ઊભી રહે ને લીલુ, જરા દાતણ લઈ લઉં!’ કરતોક હાથમાં બે સોટી લઈ આમતેમ હલાવતો ચાલે. તે કંઈ રીત કહેવાય? ઘણી ઇચ્છા હોવા છતાં લીલા કહી શકી કે માબાપે મરજી મુજબ લગ્ન કરવાની રજા આપી છે.

ચૌદ દિવસ પૂરા થયા ને લીલા તર્કવિતર્કમાં ખોવાઈ ગઈ. શું કરવું? પ્રભાત સાથે આજે વાત કરી નાખવી જોઈએ. શિફોનની પાતળી, વાટેલી રાઈ જેવા રંગની સાડી અને ભારે જડતરના દાગીનાથી આજે તેણે રુપ બહેલાવ્યું હતું. કંઈક ગંભીર ચહેરે તે પ્રભાત પાસે ગઈ. તે પણ આજે વિચારમાં ડૂબ્યો હતો. લીલાની સામે તે જોઈ રહ્યો.

‘લીલી!’

‘હં.’

‘સામે અરીસો છે. જરા જો તો, કોણ દેખાય છે?’

‘કોણ કેમ? હું વળી, બીજું કોણ?’

‘લીલી નીલમ, સાચું કહેજે, સાઠ રૂપિયાના પગારદારની વહુ ત્યાં દેખાય છે કે લખપતિની ભત્રીજી?’

‘પ્રભાત; એમ મહેણાં શું મારે છે?’

‘લીલી, મહેણાં નથી. સાચી વાત છે. રાહઘાટ તને શોભતાં નથી. હવે મહેરબાની કરી બધું છોડ.’

‘શા માટે? મને કાકા આપે ને હું પહેરું તેમાં તું શા માટે બળે છે?’

‘લીલી!’

પ્રભાતના આઘાત પામેલા સ્વરની પરવા કર્યા વિના તે બોલી, ‘અરે તારે પનારે પડ્યા પછી તો તને બધું સ્વપ્નેય ક્યાં જોવા મળવાનું છે. ત્યાં સુધી તો પહેરી લેવા દે!’

પ્રભાત એકદમ બારી તરફ ફરી ગયો. તે રડતો હતો તે લીલા જાણતી હતી પણ બોલાઈ ગયા પછી શું થાય? તેના મનમાં રોષ ને ખીજ હતાં. છૂપે છૂપે ક્યાંક છાનો આનંદ પણ હતો તેની ના નહીં. અને છતાંય... પ્રભાતનાં ધ્રુસકાં સાથે જરા ઊછળતા ખભા પાછળથી જોતાં તેનું હૈયું વલોવાઈ જતું હતું. અંતે પ્રભાત જાતે શાંત રહ્યો. પાણી પી આવ્યો. આવીને રોજની જેમ મજાકભર્યે સૂરે બોલવા ગયો.

“કાલે તો મારે જાહેર ખબર આપવી પડશે. ‘ખોવાયું છે, મળ્યું છે’માં. ખોવાઈ છે મારી લીલી નંગ એક જે...” પણ લીલાના શબ્દો જાણે સમસમતા પાણીની માફક આવીને માથામાં વાગ્યા હોય એમ પ્રભાત ક્ષણભર તો સ્તબ્ધ થઈ ગયો. પછી ભારે સંયમપૂર્વક મનના આઘાતને દાબી દઈ બોલ્યો, “સારું કર્યું લીલા! તારા મનની વાત કહી નાખવામાં જો જરાક મોડું કર્યું હોત તો ભારે અનર્થ થઈ જાત.’

ભોંઠી પડી ગયેલી લીલાથી એકદમ તો કશો જવાબ અપાયો નહીં. આખરે બોલી : ‘પ્રભાત! મારી સાધારણ વાતમાંથી એમ જુદો અર્થ કાઢવો હોય તો તારી મરજી બાકી’... પણ પ્રભાતની એકીટશે જોઈ રહેલી જરાક ભીની નજર સામે જોવાયું નહીં. આંખો ઢાળી દઈ તેણે વાક્ય અધૂરું રાખ્યું.

પછી તો પહેલાંનાં પ્રેમીઓએ અમસ્તી આડીઅવળી વાત કરવાનો ઘણોયે યત્ન કર્યો પણ કેમે કરતાં દોર જામ્યો નહીં. નિરાશા, દુઃખ અને બેચેનીનો ભાર લઈને લીલા પાછી ફરી ત્યારે બન્ને મનોમન સમજી ગયાં હતાં કે મિલન છેલ્લું હતું. વધારે બોલાયું નહીં. લાલ આંખોમાં પાછાં ઝળઝળિયાં ભરાવા માંડ્યાં. ખોટી ઉધરસ ખાતો પ્રભાત રૂમાલમાં મોં સંતાડી રહ્યો.

લીલાએ અચકાઈ કહ્યું, ‘સૉરી પ્રભાત, મારાથી બોલાઈ જવાયું.’

‘કંઈ વાંધો નહીં રે લીલી, ખરી વાતમાં ખાર શો?’

આડીઅવળી વાતો કરી બંને છૂટાં પડ્યાં, અને જતી વખતે ફરી મળવાની લૂલીપાંગળી વાતો પણ કરી, પણ બંને મનમાં જાણતાં હતાં કે મિલન છેલ્લું હતું. બીજે દિવસે માબાપની ભારે રાહત વચ્ચે કાકાની યોજનાની ફતેહ પર લીલાએ મહોર મારી. જરા સંકોચાતા પણ નિર્જીવ સૂરે કહી દીધું, ‘પેલો વિચાર મેં માંડી વાળ્યો છે, રુચિરાબહેન, બધાંને કહી દેજો.ֹ’

(‘એક લહર’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999